બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે. ને એ સંસારમાં પડે છે ત્યારે, એનાં સ્વપ્નો તરત ઊડી જાય છે. એવું જ પ્રજાઓ વિશે. એ જુએ છે કે દરેક નગર ખંડેર પર વસેલું છે – દરેક વન કોઈ નગર ઉપર ખડું છે – ત્યારે, તેમને આ સંસારના મિથ્યાત્વની ખાતરી થાય છે.

જ્ઞાન અને સમૃદ્ધિએ પ્રાપ્ત કરેલી બધી શક્તિ નાશ પામી છે – પ્રાચીનોની બધી વિદ્યાઓ નાશ પામી છે, સદાને માટે કેમ, તે કોઈ જાણતું નથી. એ આપણને સારો બોધપાઠ આપે છે: મિથ્યાત્વનો. બધું જ મિથ્યા છે અને આત્માનો સંતાપ છે. આ બધું આપણે જોયું હોય તો, આ સંસારથી અને એ જે કંઈ આપે છે તેનાથી, આપણને વિરક્તિ જાગે, આને વૈરાગ્ય કહે છે. જ્ઞાનનું એ પહેલું પગથિયું છે.

મનુષ્યનું સ્વાભાવિક વલણ ઇન્દ્રિયો ભણી વળવાનું છે. ઇન્દ્રિયોથી વિમુખ જવું તેને ઈશ્વર ભણી લઈ જાય. એટલે, સંસારની મિથ્યા વસ્તુઓથી વિમુખ જવાનો પહેલો પાઠ આપણે શીખવાનો છે.

નીચે સરકતાં ને ડૂબતાં, પાંચ મિનિટ માટે ફરી ઉપર આવતાં અને ફરી સરકતાં ને, નીચે ઉપર પછડાતાં આ ચક્કરમાં જ તમે કેટલો સમય ગાળશો? કર્મના આ ચક્ર ઉપર તમે કેટલી વાર ઊંચે નીચે ફેંકાશો? કેટલી હજાર વેળા તમે રાજ્યકર્તા અને શાસક બન્યા છો? કેટલી વાર તમે સમૃદ્ધિમાં લપેટાયા છો અને ગરીબાઈમાં ફેંકાયા છો? કેટલી હજાર વાર તમે સત્તાના સ્વામી બન્યા છો? પણ તમારે ફરી માનવ જન્મ લેવો પડ્યો છે અને, કર્મજળના ગાંડા પ્રવાહમાં ઘસડાવું પડ્યું છે. વિધવાનાં આસું માટે કે, અનાથની ચીસ માટે કર્મનું વિરાટ ચક્ર થોભતું નથી.

ક્યાં સુધી તમે ઘસડાયે રાખશો? ક્યાં સુધી? આખી જિંદગી કેદખાનામાં પસાર કરી, મુક્તિ મળ્યે, પાછી કેદખાનાની કાળી, ગંદી કોટડી માગનાર પેલા ડોસા જેવા તમે થશો? આપણું સૌનું આવું જ છે! પૂરા બળ પૂર્વક આપણે સંસાર કહેવાતી આ નીચી, અંધારી, ગંદી કોટડીને ચીટકી રહીએ છીએ – વહેતો દરેક વાયરો આપણને ફૂટબોલની માફક ફેંકે છે તેવા મૃગજળ સમા અધમ અસ્તિત્વને ચીટકી રહ્યાં છીએ.

આપણે પ્રકૃતિના હાથમાંના ગુલામો છીએ – રોટલાના ટુકડાના ગુલામો, સ્તુતિ અને નિંદાના ગુલામો, પત્નીના, પતિના, બાળકોના ગુલામો છીએ, દરેક વસ્તુના ગુલામો છીએ. અરે, હું આખી દુનિયામાં ભટકું છું – ભીખ માગું છું, ચોરું છું, લૂંટું છું, બધું કરું છું તે એક છોકરાના સુખ માટે ને એ કદાચ ખૂંધો ને કદરૂપો છે. એને સુખી કરવા હું બધું કરી છૂટીશ, કારણ? હું એનો બાપ છું, ને એ જ સમયે આ જગતમાં લાખ્ખો છોકરાઓ ભૂખે મરતા હોય છે – દેહના અને મનના સૌંદર્યવાળા છોકરાઓ પણ મને એમનું લાગતું વળગતું નથી. ભલે મરે એ બધા. જે બદમાશને મેં જન્મ આપ્યો છે તેને બચાવવા હું બધાને મારવા તૈયાર છું. આને તમે પ્રેમ કહો છો હું નહિ, હું નહિ. આ ક્રૂરતા છે.

(હવે પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ – ૧૩’માંથી)

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.