આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો; ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને યોગની સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં. એણે ઊંચે જોયું તો એને માલૂમ પડ્યું કે વૃક્ષને મથાળે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યા હતા. આથી એને ખૂબ ગુસ્સો આવ્યો. એણે બંને પક્ષીઓને ઉદ્દેશીને કહ્યુંઃ ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાખો છો?’ આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું. યોગીની એવી શક્તિ હતી કે અગ્નિનો એક ચમકારો એના મગજમાંથી જાણે કે પસાર થયો અને પેલાં બંને પક્ષીઓ બળીને ખાખ થયાં. એને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને બાળી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો.

કાગડા અને બગલાને ભસ્મ કરતો જુવાન સંન્યાસી

થોડા સમય પછી ભિક્ષા માટે એને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો, એક ઘરને બારણે જઈ ઊભો અને કહ્યુંઃ ‘માતા! મને ભિક્ષા આપો.’ ઘરમાંથી અવાજ આવ્યોઃ ‘દીકરા, થોડો વખત થોભજે.’ પેલા જુવાન સંન્યાસીનું મગજ તપી ગયુંઃ ‘અરે! તું મને રાહ જોવાનું કહે છે? મારી શક્તિનું તને હજુ ભાન નથી.’ આવો વિચાર એ કરતો હતો ત્યાં અંદરથી ફરી અવાજ આવ્યોઃ ‘દીકરા! તપનું બહુ અભિમાન ન રાખ. અહીં કોઈ કાગડો કે બગલો નથી.’ યોગીને આશ્ચર્ય થયું; એને રાહ પણ જોવી પડી. આખરે એ સ્ત્રી બહાર આવી. યોગી એને પગે પડ્યો અને પૂછ્યુંઃ ‘માતા, તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી?’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યોઃ ‘મારા દીકરા, હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી. હું તો સામાન્ય સ્ત્રી છું. મારે તને રાહ જોવડાવવી પડી. મારા પતિ બીમાર છે. હું તેમની સેવામાં હતી. આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે. જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારાં માબાપ પ્રત્યેનાં કર્તવ્ય મેં બજાવ્યાં; આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પ્રત્યેનું કર્તવ્ય હું બજાવું છું; એક માત્ર આ યોગ હું સાધું છું. પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે; આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તેં વનમાં જે કર્યું તે જાણી શકી. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય, તો હું કહું છું તે ગામની બજારમાં તું જા. ત્યાં તને એક વ્યાધ મળશે. તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહેશે.’

પહેલાં તો સાધુને થયુંઃ ‘મારે એ ગામમાં અને એ વ્યાધ પાસે શું કામ જવું જોઈએ?’ પણ પોતે જે જોયું તેથી એની આંખો જરા ખૂલી હતી. એ ગયો. એણે બજારમાં દૂર મોટા જાડા વ્યાધને જોયો. આ વ્યાધ મોટા છરા વડે માંસના ટુકડા કાપતો હતો અને સાથોસાથ જુદા જુદા લોકો સાથે સોદો કરતો જતો અને વાતો કરતો હતો. પેલા જુવાન સંન્યાસીને થયુંઃ ‘ઓ પ્રભુ! આ માણસની પાસે મારે શીખવાનું શું છે? આ તો રાક્ષસ જેવો છે.’

એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યુંઃ ‘સ્વામીજી! તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા? જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો.’ સંન્યાસી ચમક્યોઃ ‘આ શું થઈ રહ્યું છે?’ તે બેઠો અને વ્યાધ એનું કામ કરતો રહ્યો. કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સંન્યાસીને કહ્યું, ‘ચાલો સ્વામીજી, મારે ઘેર ચાલો.’ ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપ્યું. ‘બેસો.’ આમ કહી એ ઘરમાં ગયો. વ્યાધે ઘરમાં પોતાનાં વૃદ્ધ પિતા અને માતાને નવડાવ્યાં, જમાડ્યાં અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે તે કર્યું.

વૃદ્ધ માતાની સેવા કરતો વ્યાધ

ત્યાર પછી એ સંન્યાસી પાસે પાછો આવ્યો અને બોલ્યોઃ ‘ચાલો ત્યારે, તમે મને મળવા આવ્યા છો તો તમારે માટે હું શું કરું?’ સંન્યાસીએ એને આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલો પૂછ્યા. વ્યાધે એને એ વિશે એક વ્યાખ્યાન આપ્યું જે મહાભારતના એક ભાગ તરીકે ‘વ્યાધ-ગીતા’ નામે ઓળખાય છે. એમાં વેદાંતનું ઊંચું રહસ્ય છે. જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો ત્યારે સંન્યાસી આશ્ચર્યચકિત થયો. એણે પૂછ્યુંઃ ‘તમારી પાસે આવું જ્ઞાન છે, તોપણ તમે વ્યાધના શરીરમાં શા માટે રહો છો? આવું અશુદ્ધ અને હલકું કામ શા માટે કરી રહ્યા છો?’ વ્યાધે જવાબ આપ્યોઃ ‘હે વત્સ, કોઈ કર્તવ્ય અશુભ નથી, કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી. મારા જન્મે મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે. મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું; હું અનાસક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારાં માતાપિતાને સુખી કરવાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું. હું તમારા યોગને જાણતો નથી, હું સંન્યાસી થયો નથી, તેમ જ જગત છોડી હું વનમાં ગયો નથી; તેમ છતાં તમે જે કાંઈ જોયું અને સાંભળ્યું તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્ત ભાવે કર્તવ્ય કરવામાં મને પ્રાપ્ત થયું છે.’

Total Views: 563

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.