લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી નથી શકતા, તેઓ ભલા ગુરુની સેવા કેવી રીતે કરશે? ગુરુને જે દિવસે મા-બાપ સમાન માનશો તે દિવસથી એમની થોડી સેવામાં લાગી જશો; પરંતુ એ પહેલાં એમની સેવા કરી શકશો નહિ. સેવાના સમયે કેટલોક ઠપકો પણ સાંભળવો પડે છે. ગુરુ આપણને કેટલું બધું સારું-માઠું કહે છે, પરંતુ જો આપણે એમના કહેવા પર મોઢું ચડાવીને બેસી રહીએ તો એમની સેવા શું કરી શકીએ?’

આવી વાતો એમના મુખે અમને અનેકવાર સાંભળવા મળી છે. એક દિવસની એક ઘટના વર્ણવું છું: એ દિવસે સ્નાનનું જળ લઈને લાટુએ ગંદી જગ્યાએ રાખી દીધું. એને જોઈને શ્રીઠાકુરે કહ્યું: ‘અરે! આ સ્નાનનું જળ છે; સ્નાન કરીને માણસ શુદ્ધ બને છે અને તેં સ્નાન માટે લાવેલું જળ ગંદી જગ્યાએ મૂકી દીધું? અશુદ્ધ વસ્તુથી શું કોઈ પવિત્ર થઈ શકે છે? જળ નારાયણ છે. શું ગંદા પાણીથી ભગવાનની પૂજા થાય છે?’ કોઈ જળથી ભગવાનની સેવા થાય છે. તો વળી કોઈ પાણીથી હાથ-મોં ધોવાનું, ઠામવાસણ માંજવાનું, કપડાં ધોવાનું, વગેરે કાર્ય થાય છે, પરંતુ પીવાનું કે ભગવાનની પૂજાનું કામ એનાથી થતું નથી. (આ ઘટના મેં માણિકતલાના એક ગૃહસ્થ ભક્ત પાસેથી સાંભળી છે. તેઓ એ દિવસે દક્ષિણેશ્વરમાં હાજર હતા.)

એક બીજી ઘટના પણ છે. થોડાંક વર્ષો પહેલાં શ્રીઠાકુરની એક એવી અવસ્થા થઈ હતી કે તેઓ ધાતુની કોઈ પણ વસ્તુનો સ્પર્શ ન કરી શકતા. એ દિવસોમાં શ્રીઠાકુરના શૌચાદિ માટે જાય ત્યારે લાટુ પ્રાય: એમનો લોટો લઈને જતો અને જે દિવસે તે દક્ષિણેશ્વરમાં હાજર ન હોય તે દિવસે કોઈ બીજા પર એની જવાબદારી રહેતી. એક રાતે શ્રીઠાકુર કોઈને કાંઈ બતાવ્યા વગર બહાર ગયા. એ સમયે લાટુ કે હરીશમાંથી કોઈ હાજર ન હતું. લાટુ મહારાજે આ પ્રસંગ વિશે પછીથી કહ્યું હતું: ‘ખબર છે..! એ દિવસે મારું મન જપ કરવામાં લાગ્યું નહિ, મારો જપ તૂટી ગયો અને હું શ્રીઠાકુરના ઓરડામાં પાછો આવ્યો. એમને ઓરડામાં ન જોતાં મનમાં હું ઘણો ખિન્ન થયો. મેં કહ્યું, ‘આપ ક્યાં છો?’ હું સમજ્યો કે તેઓ શૌચ ગયા છે, હું લોટો લઈને ત્યાં પહોંચ્યો. પાછા ફર્યા પછી એમણે મને શું કહ્યું ખબર છે? ‘અરે! જેની સેવા કરો, તેને ક્યારે કઈ વસ્તુની આવશ્યકતા પડશે એનું ધ્યાન રાખવું. તો જ સેવાનું ફળ મળશે.’ અને હરીશને એ દિવસે એમણે શું કહ્યું તે તમે જાણો છો? ‘અરે! તું જેનું ધ્યાન ધરે છે એને એક લોટો પાણીયે મળતું નથી. એવા ધ્યાનથી શું ફળ મળશે રે?’

એક બીજા દિવસની ઘટનાનો આધાર લઈને શ્રીઠાકુરે લાટુ મહારાજને સેવાનું યથાર્થ સ્વરૂપ સમજાવી દીધું. સેવાનો અર્થ માત્ર દૈહિક શુશ્રૂષા કે પરિચર્યા નથી, આ વાત શ્રીઠાકુરે એમણે અદ્‌ભુત રીતે બતાવી દીધી. એમણે કહ્યું હતું: ‘જુઓ! કોઈ ભીક્ષા માગીને પણ સારી સારી વસ્તુઓ ભેટ આપી દે તો તેની સેવા ઉત્તમ જાણવી.’ એમ કહીને એમણે ભક્તમાલિકામાંથી એક વાર્તા કહી… 

એક દિવસ લાટુએ સાંભળ્યું કે શ્રીઠાકુર પોતાના ઓરડામાં ચૈતન્ય મહાપ્રભુનું એક ચિત્ર રાખવા માગે છે. પછીના દિવસે લાટુએ કોલકાતા જઈને રામબાબુ પાસેથી મહાપ્રભુનું એક ચિત્ર લાવીને શ્રીઠાકુરના ઓરડામાં રાખી દીધું. ચિત્ર જોઈને એમના આનંદનો પાર ન રહ્યો. તેઓ વારંવાર લાટુને પૂછવા લાગ્યા: ‘કેમ રે! તું રામ પાસેથી માગીને લઈ આવ્યો, રામ શું વિચારશે, બોલ જોઈએ? મારા નામે માગીને લાવ્યો ને?’ શ્રીઠાકુરના આ પ્રશ્નના ઉત્તરમાં લાટુએ કહ્યું: ‘ના, તમારા નામે નથી લાવ્યો.’ શ્રીઠાકુરે કહ્યું: ‘તો પછી?’ લાટુએ કહ્યું: ‘મને એક મહાપ્રભુનું ચિત્ર આપશો? એટલું જ કહ્યું.’ શ્રીઠાકુરે કહ્યું: ‘આ વાત કરી! એ સાંભળીને રામે શું કહ્યું?’ લાટુએ કહ્યું: ‘એમણે મને મા પાસેથી માગી લાવવા કહ્યું.’ શ્રીઠાકુર આનંદમાં આવીને બોલ્યા: ‘સારું કર્યું, સારું કર્યું. જોજે બેટા, મારે નામે ન માગતો!’

એક બીજા દિવસની ઘટના છે. શ્રીઠાકુરે લાટુને કોલકાતામાં શરત્‌ મહારાજના ઘરે મોકલ્યો. શરત્‌ મહારાજની માતાએ એમને ભોજન કરાવ્યા વિના ન જવા દીધા. આને લીધે લાટુને દક્ષિણેશ્વરમાં પાછા ફરતા બપોર ઢળી ગઈ. આટલું મોડું થવાને કારણે શ્રીઠાકુરે લાટુને પૂછ્યું: ‘બપોરે ખાધું હતું, કે પછી આખો દિવસ ભૂખ્યો જ રહ્યો?’ લાટુએ કહ્યું: ‘આજે શરત્‌નાં માએ જે ભોજન કરાવ્યું એનું તો શું વર્ણન છે! એટલે આટલું મોડું થયું. શરત્‌ની મા કેવું સુંદર મજાની રસોઈ રાંધે છે! આજે એમણે એટલી સરસ મજાની ચચ્ચડી (બંગાળી શાક) બનાવી હતી કે મારા જીવનમાં મેં એવી ચચ્ચડી ક્યારેય ખાધી નથી.’ શ્રીઠાકુરે કહ્યું: ‘સારું. તું એકલો જ ચચ્ચડી ખાઈ આવ્યો! અહીં (મારા) માટે લાવ્યો નહિ?’ શરમથી લાટુનું માથું ઝૂકી ગયું. એને લજ્જિત જોઈને શ્રીઠાકુર ફરીથી કહેવા લાગ્યા: ‘જો! કાલે શરત્‌નાં મા પાસેથી અહીં માટે ચચ્ચડી બનાવી લાવજે.’ લોભમુક્ત શ્રીઠાકુરના મનમાં ચચ્ચડી ખાવાનો લોભ થયો એમ કહેવું અયોગ્ય ગણાશે. અહીં એ માનવું પડશે કે સેવકને સેવાધર્મનો ગૂઢ મર્મ શિખવવાનું શ્રીઠાકુરનું આ અપૂર્વ કૌશલ હતું. સેવા આત્મવત્‌ થવી જોઈએ – પોતાને જે ચીજ સારી લાગે એ જ સેવ્યને અર્પિત કરીને એમને સંતુષ્ટ કરવા જોઈએ. આ વાતને સમજાવવા એમણે પછીના દિવસે લાટુને ફરીથી શરત્‌ના ઘરે મોકલ્યો. બીજે દિવસે લાટુ ખરેખર છ માઈલ પગે ચાલીને કોલકાતા ગયો અને શરત્‌ મહારાજનાં મા પાસેથી ચચ્ચડી લાવ્યા. ગુણગ્રાહી શ્રીઠાકુર એ ખાઈને આનંદ વ્યક્ત કરતાં બોલ્યા: ‘અરે! તેં કહ્યું હતું એવું જ છે! આટલી સારી ચચ્ચડી આ પહેલા ક્યારેય ખાધી નથી. શરતનાં માનું મન સારું છે, નહિ તો આવું સ્વાદિષ્ટ ખાવાનું કેવી રીતે બનાવી શકે?’ 

વળી એક દિવસની બીજી ઘટના છે. એ દિવસે લાટુ કોલકાતાના એક બ્રાહ્મ પરિવાર પાસેથી એક તાજા જ ખીલેલા પુષ્પનો ગુચ્છો લઈને આવ્યો. શ્રીઠાકુરે એ ગુચ્છો જોઈને પરમ આનંદિત થઈને કહ્યું: ‘જો! સાધુને એવી વસ્તુ ભેટ આપવી જોઈએ કે જેથી તેને ઉદ્દીપના થાય.’ એમ કહેતાં કહેતાં શ્રીઠાકુર સમાધિસ્થ થઈ ગયા. 

બીજા એક દિવસની વાત લખું છું. દક્ષિણેશ્વર કાલીમંદિરની વાયવ્યે આવેલ નોબતખાનાના એક ઓરડામાં શ્રી શ્રીમા રહેતાં. શ્રી શ્રીમા શ્રીઠાકુરના સહધર્મિણી હતાં છતાંયે આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ  એમની અતિ નિકટ રહીને પણ અત્યંત ગોપનીયતાપૂર્વક જીવન વીતાવી રહ્યાં હતાં. ભાગ્યે જ તેઓ કોઈની સામે આવતાં. એ સમયે ગોલાપમા વગેરે શ્રીમાનાં અંતરંગ ભક્તનારીઓનું આગમન ન થવાથી એમને ઘણો એકલા એકલા સમય વિતાવવો પડતો હતો. એ દિવસોમાં શ્રીઠાકુરે શ્રીમાના ગૃહકાર્યમાં મદદ કરવા માટે લાટુની પસંદગી કરી. એક દિવસ શ્રીઠાકુરે જોયું તો લાટુ ગંગાતટે નિશ્ચલ બેઠો છે. એ અવસ્થામાં એને બોલાવીને એમણે કહ્યું: ‘અરે  લેટો! તું અહીં બેઠો છે અને એમને (શ્રીમાને) નોબતમાં કોઈ રોટલી વણવાવાળું નથી.’ આ સાંભળીને લાટુ થોડો શરમાઈ ગયો. એ પહેલાં શ્રીઠાકુરે ક્યારેય લાટુને શ્રીમાની સહાયતા કરવાનો આદેશ આપ્યો ન હતો. ઓચિંતાનો જ શ્રીઠાકુરનો આવો આદેશ મેળવીને લાટુએ પોતાની જાતને ધન્ય માની અને તત્કાલ ઝડપથી શ્રીઠાકુરની સાથે નોબતખાનામાં આવી પહોંચ્યો. ત્યાં પહોંચીને શ્રીરામકૃષ્ણે શ્રીમાને કહ્યું: ‘જુઓ! આ છોકરો ઘણો શુદ્ધ સત્ત્વ છે, એ તમારો લોટ બાંધી દેશે, રોટલી વણી દેશે, તમારે જે કામમાં જરૂર હોય તો એને કહેજો, એ કરશે.’ 

ઉપર્યુક્ત વાતો લાગે છે નાની. પરંતુ એમાં લાટુની તત્કાલીન દૈહિક તેમજ માનસિક શુદ્ધ અવસ્થાનો સંકેત છે. સેવકને શુદ્ધસત્ત્વ પવિત્ર જોઈને એમણે નિશ્ચિંતમને તેને શ્રીમાની સેવાનો અધિકાર સોંપી દીધો, આ વાતમાં કોઈ સંદેહ નથી… આવી ઘટનાઓના માધ્યમ દ્વારા શ્રીઠાકુરે શુદ્ધસત્ત્વ સેવકના સેવ્યસાધના વિષય પર એક અભિનવ દૃષ્ટિ આપી છે. એમ લાગે છે કે તેઓ એ દ્વારા લોકોને એ શિખવવા ઇચ્છતા હતા કે પ્રકૃત સેવામાં મનને પાકું કરી લેવા માટે કેવળ સેવ્યને જ સંતુષ્ટ કરવું યથેષ્ટ નથી, પરંતુ સેવ્યના પ્રિય અને અંતરંગ ભક્તોની પણ સેવા કરવી પડે.

પછીના સમયમાં જ્યારે લાટુ મહારાજ કાશીમાં હતા ત્યારના આ ઘટનાપ્રસંગે એમણે એક ભક્તને કહ્યું હતું: ‘જુઓ, શ્રી શ્રીમાએ કેટલા કષ્ટમાં દિવસો પસાર કર્યા છે! આટલા નાના ઓરડામાં એટલા દિવસો રહ્યાં અને કોઈ એને ઓળખી પણ ન શક્યા! ક્યારે તેઓ ગંગાસ્નાન કરવા જતાં એનો કોઈને અણસારો સુધ્ધાં ન આવતો. શ્રીમાના જેવો વૈરાગ્ય તો મારા જોવામાં આવ્યો નથી અને એમની દયાની તો તુલના જ કોની સાથે કરવી? મારું પરમ સદ્‌ભાગ્ય હતું કે તેઓ મને શ્રી શ્રીમા પાસે લઈ ગયા, શ્રીમાની કૃપાથી મારું જીવન સાર્થક થઈ ગયું… ભાઈ, મેં એમની શી સેવા કરી છે? એમણે જ તો અમને સ્નેહથી બાંધી લીધા હતા. અમારી પાસેથી તો કંઈ મેળવવાની આશા તેઓ ન રાખતા પરંતુ એમની કૃપાથી જ અમને એમની ઉપલબ્ધિ થઈ છે.’

આવી અનેક ઘટનાઓ છે. ઉપર્યુક્ત બધી ઘટનાઓ ઈ.સ. ૧૮૮૧માં ઘટી હતી. ઈ.સ. ૧૮૮૨ની જે ઘટનાઓથી સેવક લાટુને ઉપદેશબોધ પ્રાપ્ત થયો હતો એનું વર્ણન હવે કરીશું…

હવે ૧૮૮૨માં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કરું છું. એક દિવસ ઘણો પરિશ્રમ કર્યા પછી (એ દિવસે દક્ષિણેશ્વરમાં ઘણું સંકીર્તન થયું હતું.) રાતે શ્રીઠાકુરને હવા નાખતી વખતે લાટુ ઊંઘતો હતો. લાટુને ઊંઘતો જોઈને શ્રીઠાકુર હસતાં હસતાં બોલ્યા: ‘અરે, લેટો! શું બતાવી શકશે કે ભગવાન સૂએ છે કે નહિ?’ શ્રીઠાકુરનો આ પ્રશ્ન સાંભળીને લાટુ તો અવાક્‌ બની ગયા અને વિસ્મિત સ્વરે કહ્યું: ‘હું તો જાણતો નથી.’ આથી શ્રીઠાકુરે ગંભીરતાપૂર્વક કહ્યું: ‘અરે! બધા સૂઈ શકે છે, જીવજગતમાં બધા નિદ્રાને અધીન છે. પરંતુ ભગવાનને સૂવાનો અવસર નથી. તેઓ આખો દિવસ અને આખી રાત જાગીને જીવજંતુઓની સેવા કરતા રહે છે, એટલે જ તો જીવજંતુ નિર્ભય બનીને ઊંઘી શકે છે.’ શ્રીઠાકુરની વાત સાંભળીને લાટુએ પૂછ્યું: ‘તેઓ જીવજંતુઓની સેવા કરે છે અને જીવજંતુ એમની સેવા ગ્રહણ કરીને ઊંઘે છે?’ શ્રીઠાકુરે કહ્યું: ‘હા રે! એવું જ છે. જીવજંતુઓને સુવડાવીને તેઓ જાગે છે.’

ત્યાર પછી કઈ વાતો થઈ એ અમને લાટુ મહારાજે બતાવ્યું નહિ. આટલું જ કહીને તેઓ મૌન થઈ ગયા. જાણે કે અતીતની કોઈ ઘટના અચાનક જ તેમના મનશ્ચક્ષુ સમક્ષ ઉદ્‌ભાસિત થઈ ગઈ. આ દૃશ્ય જેવું મધુર હતું તેવું જ કરુણ પણ હતું. ત્રણ કલાક સુધી રાહ જોયા પછી પણ એ દિવસે ભક્તને એમની પાસેથી બીજું કંઈ વધારે સાંભળવા ન મળ્યું.

ઈ.સ. ૧૮૮૨માં એક બીજી ઘટના ઘટી. શ્રીઠાકુર જ્યાં જતા ત્યારે સેવક લાટુ એમની સાથે રહેતો અને શ્રીઠાકુરનો ગમછો અને બટવા જેવી જરૂરતની બધી ચીજવસ્તુઓ એને સાથે લઈ જવી પડતી. એકવાર આ કામમાં લાટુની ભૂલ થઈ ગઈ. ગમછો અને બટવો લીધા વિના જ લાટુ શ્રીઠાકુરની સાથે ચાલી નીકળ્યો. ભક્તને ઘરે પહોંચીને લાટુને પોતાની ભૂલ સમજાઈ અને અત્યંત ખેદપૂર્વક તેણે એ વાત શ્રીઠાકુરને કહી. આને લીધે શ્રીઠાકુર લાટુ પર નારાજ થયા અને એ ભક્તના ઘરે જ એમને ઠપકો આપવા લાગ્યા : ‘કેમ રે લેટો! તારું મન એટલું બધું ભૂલકણું છે કે તું આટલી સામાન્ય જેવી ચીજવસ્તુ લાવવાનું પણ ભૂલી ગયો! મારી કમર પર તો કપડુંયે રહેતું નથી તો પણ હું એ બધી વસ્તુઓ લેવાનું ભૂલતો નથી. તારા આવા ભૂલકણા મનથી કામ કેવી રીતે થશે, બેટા?’ ત્યાર પછી તેઓ કહેતા કે કોણ જાણે કેમ પરંતુ શ્રીઠાકુર આટલું કહીને શાંત થઈ ગયા. શ્રીઠાકુરની આ નારાજગીને લીધે લાટુ અત્યંત ડરી ગયો અને સામે જ પોતાના માલિક શ્રીરામદત્તને ઊભેલા જોઈને અશ્રુપૂર્ણ નયને તેમને કહેવા લાગ્યો: ‘હવે હું આવી ભૂલ નહિ કરું. એકવાર એમને…’ તે આગળ કંઈ બોલી ન શક્યો. લજ્જાને કારણે થયેલા વિલાપના નિશ્વાસને લીધે એમનું ગળું રુંધાઈ ગયું. ભક્તોમાંથી ઘણાએ આની પહેલાં ક્યારેય શ્રીઠાકુરનું આવું ગંભીર રૂપ જોયું ન હતું. એટલા માટે એ લોકો શ્રીઠાકુરની આ ગંભીરતાને નજરઅંદાજ ન કરી શક્યા. વારુ, વરિષ્ઠ ભક્ત રામબાબુ તથા મનમોહનબાબુના અનુનય વિનયથી શ્રીઠાકુર પ્રસન્ન થયા અને એ વખતે લાટુને માફ કરી દીધો. 

ત્યાર પછીની એક ઘટના છે. સેવક લાટુ પરમહંસદેવની સાથે ભક્ત જ્ઞાનચૌધરીની ઘરે ગયા હતા. ત્યાં અનેક ભક્તો આવ્યા હતા જેમાં ઈંદેશના ગૌરીપંડિત પણ હતા. (પંડિતોમાં આ જ સર્વપ્રથમ છે કે જેમણે રામકૃષ્ણને અવતારપુરુષના રૂપે ઓળખ્યા અને શ્રીઠાકુરે કૃપા કરીને એમની પંડિતાઈની વિભૂતિ હરી લીધી હતી.) આ ઉત્સવમાં ગૌરીપંડિતની સાથે સેવક લાટુનો પ્રથમ પરિચય થયો. એમની પાસેથી લાટુએ અમૂલ્ય ઉપદેશ સાંભળ્યો હતો. જે પછીથી એમણે અમને સૌને બતાવ્યો હતો : ‘ગૌરીપંડિત શું કહેતા હતા એ જાણો છો? સ્વયં અનુભૂતિ કરવી અને પુસ્તકો વાંચવામાં ઘણો ફરક છે. પુસ્તકો વાંચવાથી મનુષ્યની મૂર્ખતા દૂર થતી નથી; જ્યાં સુધી મનુષ્યની ભીતર રહેલા એમનો (ભગવાનનો) આલોક ન થાય ત્યાં સુધી એને માટે જ્ઞાનપ્રાપ્તિ અસંભવ છે. એમનો પ્રકાશ થવાથી જ બધો અંધકાર દૂર થઈ જાય છે, બધી મૂર્ખતા નાશ પામે છે; ત્યાં સુધી કે આલોકથી કેવળ સત્ય વસ્તુની જ ઉપલબ્ધિ થાય છે.’

એ વર્ષે દક્ષિણેશ્વરમાં પરમહંસદેવના જન્મોત્સવનું અનુષ્ઠાન શરૂ થયું હતું. શ્રીઠાકુરના જન્મોત્સવના બધા ખર્ચનું વહન ભક્તગણ જ કરતા અને એમાં પણ ભક્ત સુરેશમિત્ર અને ડો. રામદત્તનું યોગદાન સર્વાધિક રહેતું. એ દિવસે લાટુને ઘણી દોડધામ કરવી પડતી. આખા દિવસના કઠોર પરિશ્રમ પછી લાટુ જ્યારે સંધ્યા-વિશ્રામ કરવા જતા હતા ત્યારે ભક્ત મનોમોહનબાબુએ એ સમયે એને કોઈક કામની જવાબદારી સોંપી. લાટુએ પણ એ કામને આનંદપૂર્વક પૂરું કરી દીધું. પરંતુ ત્યાર પછી તરત  શ્રીઠાકુરે એને કલકત્તાના એક ભક્તના ઘરે જવાનું કહ્યું. એ ભક્ત જન્મોત્સવમાં ભાગ લેવા દક્ષિણેશ્વરમાં આવી શક્યા ન હતા. એટલે અહૈતુક કૃપાસિંધુ શ્રીઠાકુરે પોતાના સેવકના હાથે એમના ઘરે પ્રસાદ મોકલ્યો. આવા કાર્યથી પણ લાટુને જરાય નારાજગી ન થઈ. ભક્તના ઘરે જઈને લાટુ તે દિવસે રાતના પાછા ન આવ્યા. તેણે રાત ત્યાં જ વીતાવી. પછીના દિવસે નરેન્દ્રનાથ સાથે તેમની આ પ્રમાણે વાતચીત થઈ.

નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) ત્યારે વચ્ચે વચ્ચે દક્ષિણેશ્વર આવતા. એટલે શ્રીઠાકુરના સેવક લાટુને ત્યાં જોઈને નરેન્દ્રનાથે પૂછ્યું: ‘આટલી વહેલી સવારે ક્યાંથી આવ્યો? ત્યાંના શું સમાચાર છે?’ લાટુએ કહ્યું: ‘કાલે ત્યાં કેટલો મોટો ઉત્સવ થયો. આપ શા માટે ન આવ્યા? તમને તેઓ બહુ શોધતા હતા. મારી સાથે આપ ત્યાં ચાલો. તેઓ આપને જોવા ઇચ્છે છે.’ નરેને કહ્યું: ‘મારી પાસે અત્યારે ત્યાં જવાનો સમય નથી. પરીક્ષા માથા પર છે, અને અત્યારે ક્યાં એ પાગલ બ્રાહ્મણ સાથે સમય ગાળું?’ લાટુ (થોડા વિસ્મય સાથે) કહે છે : ‘આપે કોને પાગલ બ્રાહ્મણ કહ્યો? તેઓ તો પાગલ નથી. એની જેમ બીજું કોણ પોતાનું માથું ઠેકાણે રાખી શકે છે?’ નરેન (હસતાં હસતાં) કહે છે: ‘એટલે જ તો એની કમર પર કપડુંયે ટકતું નથી, હાથપગ વાંકા થઈ જાય છે, નામ સાંભળતાં જ નાચવા લાગે છે, જરાય માન-ઇજ્જત જેવું નથી, જ્યાં ત્યાં નિર્વસ્ત્ર જેવા આવે જાય છે. વળી ત્યાં જાદુ પણ દેખાડ્યે રાખે છે – કોઈને હિપ્નોટાઈઝ કરે છે તો કોઈને મેસ્મેરાઈઝ કરે છે. અને બીજું બધું પણ કેટલું બધું છે!’ ત્યાર પછી નરેન વિનયપૂર્વક બોલ્યા: ‘વારુ! તું તો રાતદિવસ એમની પાસે જ રહે છે? તેઓ શું બધો સમય આવી જ રીતે ભાવવિભોર રહે છે? રાતના પણ તેઓ સૂતા નથી?’ લાટુએ કહ્યું: ‘હું તો રાતદિવસ એમની સાથે ને સાથે રહું છું, પણ મેં ક્યારેય પણ એમનામાં જરાય બેચાલ જોઈ નથી. અને ક્યારેય કોઈને જાદુગીરી બતાવતા નથી. તમે જે સાંભળ્યું છે એ બધું ખોટું સાંભળ્યું છે. એમની સાથે હું આટલા દિવસ સુધી રહ્યો પણ મેં તો ક્યારેય સાંભળ્યું નથી કે તેઓ ‘પાગલ બ્રાહ્મણ’ છે. પરંતુ આજકાલ ઘણા મોટા મોટા લોકો એમની પાસે આવે છે. એ દિવસે કેશવબાબુ આવ્યા હતા અને એક દિવસ તે જે દાઢીવાળા બાબુ છે ને, એ પણ આવ્યા હતા. કેશવબાબુની સાથે એ દિવસે એમની કેટલી બધી વાતો થઈ હતી.’ નરેને કહ્યું: ‘કઈ વાતો થઈ હતી?’ લાટુએ કહ્યું: ‘એ દિવસે એમણે કેશવબાબુને ધ્યાનધારણા વિશે કેટલીયે વાતો કરી હતી! તમારી પણ ઘણી પ્રશંસા કરી હતી. કેશવબાબુએ પણ થોડું ઘણું કહ્યું હતું.’ આ વાતને ત્યાં જ દબાવીને નરેને ફરીથી લાટુને પૂછ્યું: ‘કેમ રે! ત્યાં રાખાલ પણ આવતો રહે છે.’ લાટુએ કહ્યું: ‘આવે તો છે. એટલું જ નહિ પરંતુ બેક રાત ત્યાં જ રોકાઈ જાય છે. શ્રીઠાકુર તેમને બહુ ચાહે છે. પોતાની પાસે બેસાડીને કેટલું ખવડાવે છે, એમની સાથે કેટલો વ્યંગવિનોદ પણ કરે છે! એ દિવસે તેઓ રાખાલને શ્રીમા પાસે લઈ ગયા અને કહ્યું: ‘આ લો, તમારો દીકરો આવ્યો છે.’ શ્રીમાને પણ ઘણો આનંદ થયો. અમને બધાને એમણે સંદેશ (મીઠાઈ) ખવડાવ્યા.’ નરેને કહ્યું: ‘રાખાલને એમનો પુત્ર કહ્યો?’ લાટુએ કહ્યું: ‘સાચું કહું છું. એવું જ સાંભળ્યું હતું.’

(અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ – પૃ.૫૬-૬૩)

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.