ચિંતનિકા

શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર મિલન સંકેત આમ આનંદમયની સાથે રમતની લીલા જેવો સહજ છે; એ પરમાત્માના સેવક બને, અરે મા પણ બને, પ્રેમિકા પણ બને, આ તો વીણાના માત્ર એક તારમાંથી નહિ, પણ બધા તારોને સ્પંદિત કરી સંગીત માણવા જેવી ઘટના થઈ! જેમ પેંડો કોઈપણ બાજુએથી ખાતાં, મીઠો લાગે છે એમ નિરંજનનાથનો સાથ બધી બાજુએથી મધુર છે. નિરંજનનાથનો સુગંધમય સાથ મેળવવા માટે આપણે આપણા જીવનને પવિત્ર બનાવવું જોઈએ.

માત્ર ફૂલો સ્વચ્છ હોય એટલું જ બસ નથી, પણ જે ફૂલદાની કે ઉદ્યાનમાં એ રહે એ બંને પણ એટલાંજ સ્વચ્છ હોવાં જોઈએ. આપણે સ્વાવલંબનની દિશામાં આપણા પરમ પુરુષાર્થની સરિતાને વાળીએ તો પરમાત્માનું દર્શન સરળ બને! શ્રી દિનકર જોષીએ એમના એક પુસ્તકમાં એક લઘુકથાનો ઉલ્લેખ કર્યો છે તે અહીં સ્મૃત થાય છે. એક કીડી પરમાત્માના દર્શને નીકળી છે, કીડીની પરમાત્માની વાત સાંભળી મંકોડાની પણ ઇચ્છા થાય છે, પછી તો બિલાડી, કૂતરો, વાઘ, હાથી સૌને પરમાત્મા દર્શનની ઇચ્છા થાય છે, પણ એ બધાંજ કીડીની નાની પીઠ પર બેસી જાય છે અને પરમાત્માના દ્વારે આવી જાય છે. પરમાત્મા દર્શનની આજ્ઞા આ બધાંમાંથી માત્ર કીડીને મળે છે કેમ કે માત્ર કીડીએ જ પગે ચાલવાના પોતાના પુરુષાર્થને શણગાર્યો છે! બીજાની પીઠ પર ચડી પરમાત્મા સુધી ન જવાય! આજે આપણે કીડીની વૃત્તિથી દૂર છીએ. આપણે અનેક ખોટાં માધ્યમો પર સવાર થઈ ઈશ્વરનાં પ્રકાશમય આલોક સુધી પહોંચવા મથીએ છીએ.

આપણે વાસ્તવિક રીતે જ જો પોતાના સુગંધમય સાથને ઝંખતા હોઈએ તો ઈશ્વરને એટલી જ નિત્ય પ્રાર્થના કરવાની રહે છે કે ઈશ્વર આપણને પોતાનો સ્વસ્પર્શીય પ્રેમભાવ અર્પે, આપણી પ્રત્યેક ક્ષણો એના પ્રેમનાં સૂર્ય-કિરણો વડે ઉજ્જ્વળ – પ્રકાશમાન બને – અને જીવન સૌન્દર્યમય, ગતિશીલ, આનંદમય, આધ્યાત્મયતાના ઈન્દ્રધનુષથી ભરાઈ જાય!

આપણા સાહિત્યના ખ્યાતનામ કવિશ્રી સુરેશ દલાલની આ ભાવસૌન્દર્યમય કાવ્ય પંક્તિઓ હ્રદયને સ્પર્શી ગઈ છે:

હવા થઈને અમને પરશે,
જળ જળ થઈને અમ પર વરસે,

ફૂલની ડાળીમાં હાથ છે એનો
અમે ભજીએ સુંગધી સાથને

નાથને નાથને નાથને રે
અમે ભજીયે નિરંજન નાથને.’

પરમાત્માનો દિવ્ય સ્પર્શ આપણા ચિત્તની ક્ષિતિજને વિસ્તારે છે. પરમાત્માનો સ્પર્શ હવા રૂપે, જળ રૂપે, વર્ષાકાળમાં પણ ખરો! પણ હવારૂપ સ્પર્શ તા અનંતકાલીન સ્પર્શ છે હવાની વ્યાપકતા પણ સર્વ સ્થળોમાં હોય છે, વર્ષા સ્પર્શ મર્યાદિત ક્ષેત્રમાં હોય છે; હવાનો સ્પર્શ સનાતન ખરો અને વર્ષો જળ સ્પર્શ ક્ષણિક, પણ તેની જીવન લિપિ સનાતન સુધાની ! કોઈપણ રીતે પરમાત્મા આપણને સ્પર્શે એ પરિસ્થિતિ, જીવન-સંવાદિતાની નિરંતર ગુંજતી ભાવ-વીણા જ ગણી શકાય – એમાં સૌન્દર્ય સાથે સંગીતનો લય – મધુરિમા અને પ્રસન્નતા ભરેલી હોય છે.

આવું દર્શન પામનાર વ્યાપકતાનો આશ્લેષ લે છે; ફૂલની ડાળી પરમાત્માના પાવક કર છે, પરમાત્મા જીવનનો, મૃત્યુ સુધીનો સુગંધી સાથ છે, નિરંજનનાથ આનંદ સ્વરૂપ પણ છે. વ્યાપક અર્થમાં જોઈએ તો આમ પરમાત્માનો જીવન સ્પર્શ શીતળ, વ્યાપક, ભીનો, સુગંધમય, સંગીતમય અને આનંદમય છે.

પરમાત્માના આવા સ્પર્શની એક બીજી ધરી પણ છે. હવા ધરતી પરના તૃણાંકુરો અને વૃક્ષો પણ ડોલાવી જાય છે, જળ તો પૃથ્વીનું જીવન જ છે. ફૂલની ડાળીની હાથ રૂપે કલ્પના કરવી એટલે પૃથ્વીને વરદાતા અને જીવંત કલ્પવી! ડાળીરૂપી હાથની પૃથ્વી આંતરિક ચૈતન્યનો સ્ત્રોત વહાવી રહે છે! આ રીતે માનવ – પૃથ્વી બંનેનું સાયુજ્ય સચવાય છે! ધરતીનું પરમાત્મામય રૂપ પ્રગટ થાય છે – આનંદરૂપે પ્રગટ થાય છે.

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.