આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી નાખ્યું. ઘણા યુવાનો માનસિક રીતે આત્મ-વિલોપન કરી રહ્યા છે. અહીં આપેલ ખુમારીનો પ્રસંગ તેઓને પોતાના મનમાંથી નિરાશા ફગાવી દઈને સ્વ-નિયોજનના કાર્યમાં ઝંપલાવવા પ્રેરિત કરે અને Job seekers ને બદલે તેઓ Job givers બને તેવી આશા સેવીએ છીએ. -સં

એ મારો વિદ્યાર્થી હતો. ખૂબ હોશિયાર અને મહેનતુ હતો. કદી પિરિયડ ના છોડે. અભ્યાસક્રમને લગતું કોઈ નવું પુસ્તક પ્રગટ થયાનું એની જાણમાં આવે તો, એ હાથમાં ન આવે ત્યાં સુધી જંપે નહી!

સ્નાતક થયા પછી એ મને પહેલી વાર મળવા આવ્યો.

‘કેમ, શું ચાલે છે?’ મેં ઔપચારિક પ્રશ્ન કર્યો.

‘નોકરીની શોધ ચાલે છે.’ એ બોલ્યો.

‘તારા માટે તો નોકરીની તકો વધુ છે. આજે નહીં તો કાલે તને નોકરી મળવાની જ છે, મને ખાતરી છે.’

થોડીક ક્ષણો માટે એ વિસ્મયથી મને તાકી રહ્યો. પછી બોલ્યો :

‘તમે એમ કેમ કહો છો સર, કે મારા માટે નોકરીની વધુ તકો છે!’

‘એક તો તું ભણવામાં હોશિયાર હતો અને તેથી બી.એ.માં ફર્સ્ટ કલાસ આવ્યો. બીજું તું પછાત જાતિનો છે એટલે કોઈ પણ સરકારી ઑફિસમાં તને ‘પહેલી પસંદગી’ મળશે.’ મેં ખુલાસો કર્યો.

‘એટલે મારે સરકારની દયાથી મળેલી નોકરી કરવાની, સર?’ એણે પૂછ્યું.

‘આમાં સરકારનો હેતુ એવો નથી. સરકારનું લક્ષ્ય તમારા પર દયા કરવાનું નથી. તમને જાહેર ક્ષેત્રોમાં નોકરી આપીને સરકાર એમ ઈચ્છે છે કે અન્ય લોકોની સાથે તમે રહી શકો. કહેવાતા ‘ઊજળા’ લોકોએ જાતિભેદ પાડીને તમને નીચા પાડ્યા છે. સરકારનો હેતુ એ જાતિભેદ મિટાવવાનો છે.’

‘પણ સરકાર પોતે જ જાતિભેદ પાડે છે, એનું શું? અમને નોકરી આપવાને બહાને, બીજાઓથી જુદા જ પડાય છે ને? પછાતને પ્રથમ નોકરી આપવાનું કહીને અમને પછાત તો સાબિત કરાય જ છે ને? અને વળી ખોટી રીતે પોતે નોકરી સ્વીકારે ને બીજી યોગ્ય વ્યક્તિને અન્યાય કરે તે વ્યક્તિને પછાત જ ગણાય ને? મને સરકારની આ નીતિ બિલકુલ પસંદ નથી. સરકાર અમને વિશિષ્ટ સુવિધાઓ આપીને પાંગળા બનાવી મૂકશે. અમે તો અમારી ગુણવત્તા અને ખુમારી પ્રમાણે જ આગળ આવવા માગીએ છીએ.’ એના અવાજમાં રોષ અને સચ્ચાઈ હતાં.

મેં કહ્યું, ‘ભાઈ, વર્તમાન સંજોગોના સંદર્ભમાં નોકરી મેળવવી સહેલી નથી. તને કોઈ પણ રીતે જો નોકરી મળતી હોય તો એ સ્વીકારી લેવામાં જ શાણપણ છે.’

‘સર, ખુમારીનો પાઠ તમે કૉલેજમાં અમને રોજ શીખવતા હતા, ને આજે આવા સ્વાર્થી શાણપણની વાત કરો છો?’ એનો અવાજ સહેજ મોટો થશે.

‘ભાઈ! ખમારી એનું જ નામ છે, સંજોગો પ્રમાણે જીવવું. ખોટી અકડાઈ રાખવી એ ખુમારી નથી. ખુમારી તો નમ્રતામાં વિશેષ છે. સચ્ચાઈને સ્વીકારવામાં મોટી ખુમારી છે.’ એની વાતમાં તથ્ય હતું, છતાં એને સમજાવવા ખાતર માટે આમ કહેવું પડ્યું.

એની ખુમારીને લીધે મળતી નોકરીને એ ઠુકરાવે તો, પોતે અને એની પરિવાર પણ ખુવાર થવાનો સંભવ હતી.

અલબત્ત, મારી સમજાવટની એના ચિત્ત પર કશી અસર થઈ હોય એવું મેં ન અનુભવ્યું.

મારી જિંદગીમાં એ પહેલો જ માણસ મેં જોયો હતો, જેણે પોતાના હિતમાં હોય તેવી, સરકારી નીતિનો માત્ર સચ્ચાઈ અને ખુમારીને ખાતર પ્રતિકાર કર્યો હતો! બાકી તો બધા લોકોએ આવી રીતે પોતાની ‘પ્રથમ પસંદગી’ની તકને ઉમળકાથી વધાવી જ લીધી હતી. પોતાની લાયકાત કેળવવાનો પુરુષાર્થ ગણ્યાગાંઠયા માણસો જ કરી શક્યા હશે. ‘ગૌરવ’ અને ‘સ્વમાન’ પાછળ ખુવાર થવાનું કોઈ પસંદ કરતું નથી.

જુદી જુદી ભૂમિકાએ ખુમારીનાં બાહ્યરૂપો તો મને અનેક વાર જોવા મળ્યાં છે, પરંતુ ખુમારીના અંત:તત્ત્વનો આવિષ્કાર એ વિદ્યાર્થીની આંખોમાં મેં પ્રથમ વાર જોયો.

એક વખત રવિવારની બપોરને હું નિદ્રામાં ઓગળવા પ્રયત્ન કરતો હતો, ત્યાં જ કોઈ ફેરિયાનો અવાજ મને સંભળાયો. મારી પાસે આવીને મારી નાની બહેન રશ્મિ બોલી : ‘પસ્તી લેવાવાળો આવ્યો છે. આપણે છાપાં આપી દઈશું?’ ‘હા’ કહીને હું ઊઠયો.

આજ કાલ પસ્તીવાળા વજનમાં દગાબાજી ચલાવીને ગ્રાહક સાથે છેતરપીંડી કરતા હોવાનાં અનેક દૃષ્ટાંતો મેં સાંભળ્યાં હતાં, એટલે છાપાંની પસ્તીનું વજન હું જોડે ઊભો રહીને સંપૂર્ણ ચકાસણીથી કરાવવા ઈચ્છતો હતો.

હું બહાર આવ્યો. રશ્મિ મારી પાછળ છાપાંનું બંડલ લઈને આવતી હતી.

પણ આ શું!

બહાર આવીને જોયું તો, પેલો ખુમારીવાળો યુવાન વિદ્યાર્થી જ પસ્તીવાળાના રૂપે મારી પ્રત્યક્ષ ખડો હતો. મારી સામે જોઈને એ થોડું મલક્યો :

‘કેમ છો, સર?’ એણે હાથ જોડ્યા અને ઉમેર્યું, ‘કોઈ પસ્તી-બસ્તી આપવાની છે?’

‘તું આ ધંધામાં પડ્યો? મેં અચરજથી પૂછ્યું.

‘આમાં ખોટું શું છે, સર? પ્રમાણિકતાનો અને વળી સંપૂર્ણ સ્વતંત્ર ધંધો છે. કોઈની તાબેદારી નથી. નોબડી ઈઝ માય બૉસ…! હા, આમાં કમાણી થોડી ઓછી છે; પણ ગુલામી તો બિલકુલ નથી, સર!’ પૂરા આત્મસંતોષથી એ બોલતો હતો.

‘ધન્ય છે, તને દોસ્ત!’ મેં એના ખભે હાથ મૂક્યો અને ઉમેર્યું, ‘તારા જેવા એકાદ વિદ્યાર્થીને તૈયાર કરી શકાયાનો આજે મને હર્ષ છે. બાકી તો દર વરસે હજારો વિદ્યાર્થીઓ મારી બે આંખો આગળથી પસાર થઈ જાય છે, પરંતુ, આંખને ઠારે એવા વિદ્યાર્થીઓ તો વિરલ જ હોય છે. મેં તો તને માત્ર ખુમારીના શાબ્દિક પાઠ શીખવાડ્યા હતા, તેં આજે મને ખુમારીનો વાસ્તવિક પાઠ શીખવાડ્યો છે….’

મારી આંખમાં હર્ષનાં આંસુ ઊગી નીકળ્યાં.

એણે પણ પોતાની પાંપણો લૂછી નાખી.

(સદ્વિચાર પરિવાર, અમદાવાદ દ્વારા પ્રકાશિત ‘યૌવનતીર્થં’માંથી સાભાર)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.