(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.)

‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક કલ્પના ઉન્નત હોય છે.’ આ કથનની યથાર્થતા ભારતને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે સમજી શકાય તેમ છે. ઈશ્વર વિશેની અતિ પ્રાચીન, અત્યંત વિકસિત માન્યતાઓ પેઢી દર પેઢી મુખ્ય શિષ્યોનાં સાતત્યપૂર્ણ કથન દ્વારા લોકો સુધી પહોંચી છે. પરાપૂર્વથી ચાલી આવતી ભારતીય પરંપરાનું આ ખાસ લક્ષણ છે. પ્રાચીન સમયમાં ઋષિઓને ઈશ્વર જ મહાન અને સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ય (વાસ્તવિકતા) છે એ બોધ થયો હતો. તે સર્વવ્યાપી,સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. તેમનો પ્રભાવ અબાધિત અને દેશ-કાળ-નિમિત્તથી પરે છે તેવું જ્ઞાન થવાથી ઋષિઓએ એવો શાશ્વત ધર્મ સ્થાપ્યો કે જે તમામ રંગ, પ્રદેશ અને સંપ્રદાયને સ્વીકાર્ય હોય. તેમના આ પ્રયત્નને પરિણામે એક એવી જીવનશૈલીનો વિકાસ થયો કે જેમાં ધર્મ અને સંસ્કૃતિ બેઉ એક અને એકબીજાથી અવિચ્છેદ્ય હોય. તેથી આધ્યાત્મિક પ્રયત્નો અને અનુભૂતિ જેમાં એક સાથે મળી આવે તેવી જીવનની ફિલસૂફી ઉપલબ્ધ થઈ.

વેદોની અનન્યતા

વેદો ભારતીય સાંસ્કૃતિક ક્રાંતિની એક મહાન ઉપલબ્ધિ છે. વેદો શાશ્વત ધર્મનો પાયો છે. પરંતુ તે કોઈ ગ્રંથમાં સીમિત નથી. તેને જ્ઞાન દ્વારા જ જાણી શકાય છે, ‘જે યોગની માર્મિક અને અતિસંવેદનશીલ શક્તિ છે, તેને મનુષ્યની પાંચ સામાન્ય ઇન્દ્રિયો દ્વારા સમજી શકાતી નથી.’ તે સર્વકાલીન, આદિ અને અંતવિહીન છે. તેથી માત્ર વેદો જ વૈશ્વિક ધર્મનો અર્થ સમજાવનાર છે. તે ‘સૌથી પ્રથમ, સૌથી સંપૂર્ણ અને સૌથી અવિકૃત આધ્યાત્મિક તથ્યોનો સંગ્રહ છે. તેથી તે વિશ્વના સમગ્ર ધર્મગ્રંથો માટેનો તાર્કિક આધાર છે અને મોખરાને સ્થાને છે.’ ઇતિહાસ, પરંપરા અને અન્ય બિનસાંપ્રદાયિક બાબતોને બાદ કરતાં વેદો આધ્યાત્મિક જ્ઞાન વિષયક છે. તેમાં રહેલાં સત્યો દેશ, કાળ અને લોકોની મર્યાદામાં બદ્ધ નથી. વેદોમાં પ્રાપ્ત અતિ સંવેદનશીલ શક્તિ જ સાચો ધર્મ છે અને એ જ ભારતીય સંસ્કૃતિ માટેનું ચાલકબળ છે. વ્યક્તિમાં તેની સંપૂર્ણ અભિવ્યક્તિ તેને દ્રષ્ટા બનાવે છે કે જે સામયિક ઘટનાઓથી પરની વાસ્તવિકતાની કલ્પના કરી શકે છે. આમ એ દ્રષ્ટા અમર્યાદિત દૃષ્ટિ ધરાવતા શ્રેષ્ઠ કવિ કહેવાય છે.

સહનશીલતાની શક્તિ

ભારતીયોએ શોધી કાઢેલી તેમનાં નામો અને સ્વરૂપોની પાછળની એકતાએ તેઓને સહનશીલતાની ભાવનાથી સંપન્ન કર્યા છે જે આ બહુજાતીય સમાજ સાથે જોડાઈ રહેવા માટેનો મૂળ સાર છે. તેઓએ ‘વિવિધતામાં એકતા’ને તેમની સંસ્કૃતિની ગુણવત્તાનું ચિહ્ન બનાવી જીવનના દરેક ક્ષેત્રમાં વ્યવહારુ બનાવી છે. ડૉ. રાધાકૃષ્ણે પોતાના પુસ્તક ‘Hindu View of Life’ માં નોંધ્યું છે કે ‘હિંદુઓ સહનશીલતા પ્રત્યે બેપરવા રહેવાની ભૂલ નથી કરતા.’

‘જેનું અસ્તિત્વ છે તે એક છે, ઋષિઓ તેને વિવિધ નામોથી બોલાવે છે’ એ ચિંતનનો સ્વામી વિવેકાનંદ પુનરુચ્ચાર કરી કહે છે, ‘પ્રજાની નસોમાં વહેતા રક્તના બુંદેબુંદમાં ફરવા લાગ્યું, જે ઉપાદાનમાંથી પ્રજા બની હતી તે ઉપાદાનનું એ અંગપ્રત્યંગ બની ગયું, પ્રજાના જીવનની સાથે એકરૂપ બની ગયું અને એ રીતે આ દેશ, વિવિધ ધર્મોને તેમજ વિવિધ સંપ્રદાયોને પોતાની પ્રાચીન માભોમમાં આવકારવાનો અધિકાર આપનારી વિસ્મયકારી ધાર્મિક સહિષ્ણુતાની ભૂમિમાં રૂપાંતર પામ્યો.’ અને આ બાબતે હિન્દુઓનો અભ્યાસ સ્વયંસ્ફુરિત અને સંપૂર્ણ હતો.

ભારતીય ઇતિહાસનો અભ્યાસક્રમ પણ એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે સહનશીલતાની શક્તિથી જ બધું આત્મસાત્‌ કરી શકાય છે. આ નોંધપાત્ર પરિબળ પછીથી સમયાંતરે ભારતની મુલાકાત લેતા વિદેશી અવલોકનકારો અને ભારતીયવિદ્યાના અભ્યાસુ અને પ્રાચ્યવિદ્યાના નિષ્ણાતોના ધ્યાન બહાર ન રહ્યું. જી.સી.એમ. બર્ડવૂડ પોતાના પુસ્તક ‘આટ્‌ર્સ ઓફ ઇન્ડિયા’માં લખે છે:

પર્સિયન અને ગ્રીક આક્રમણો તેમજ અફઘાન અને મોંગોલ વિજયોએ ભારતના રાષ્ટ્રીય માનસ પર કોઈ કાયમી અસર કરી નથી, અંતે તો એ તમામ વિજેતાઓને આ ભવ્ય ભૂમિના સ્વભાવે તાબે કર્યા છે અને એ આક્રમણકારોનાં સામાજિક જીવન, તેમનો વહીવટ, કળા અને વિચારો, લાગણીઓ વગેરેમાં પરિવર્તન આણ્યું છે. જાતિની આંતરિક ચેતનાનો વિકાસમાંથી ઉદ્‌ભવેલ હિન્દુઓની આદતો અને રિવાજો તેમના સંપૂર્ણ સ્વદેશી મૂળના પ્રભાવોમાં પરિવર્તન લાવ્યા સિવાય ક્યારેય બદલાશે નહીં.

અંત:પ્રેરણા અને આત્મનિરીક્ષણ એ બંનેને આધ્યાત્મિક અભ્યાસની બે મૂળભૂત બક્ષિશ માનવામાં આવે છે. તે સાધકમાં પ્રકૃતિદત્ત પરિવર્તન લાવે છે. જે વ્યક્તિ માટે સત્ય છે, તે એ જ વિચારધારા પ્રમાણે રાષ્ટ્ર માટે પણ એટલું જ સત્ય છે. બર્ડવૂડે અંતમાં અપરોક્ષ ઉલ્લેખ કર્યો છે કે આમ હિંદુઓ પાસે આવાં વિશિષ્ટ લક્ષણોનો ભાવ જગાડનાર એક સક્રિય રાષ્ટ્રીય આત્મા (પ્રાણ) છે.

એક અલગ કૌશલ્યની જરૂર

ભારતના સંદર્ભમાં આ પ્રકારનાં સાંસ્કૃતિક પરિબળોને માત્ર શૈક્ષણિક ચર્ચા દ્વારા સમજી શકાય નહિ. ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ એ એક જટિલ, ગતિશીલ આધ્યાત્મિક પ્રક્રિયાની કથા છે જે ફક્ત આધ્યાત્મિક વલણ ધરાવતા મન માટે જ મૂર્ત બને છે. આ ખાસિયત વિશે ભગિની નિવેદિતા કહે છે, ‘આ દેશનું પોતાનું એક વૃત્તાંત છે. તેનો ઇતિહાસ આપણે સહુએ વાંચવો જ જોઈએ.’ નિઃશંક ભારત વિશે જાણવા માટે એક અલગ પ્રકારની કુશળતા હોવી જોઈએ. ઉપરછલ્લા સામાન્ય વાચન દ્વારા ભારત વિશે કશું જ જાણી શકાય તેમ નથી. તે માટે ભારતમાં સહસ્રાબ્દીથી વિવિધ સમયે જન્મેલા સંતોનાં જીવન દ્વારા અભિવ્યક્ત આધ્યાત્મિક સંપત્તિ વિશે સંશોધન કરવાની જરૂર છે. રાષ્ટ્રની આધ્યાત્મિક પ્રતીતિનું પ્રતિબિંબ સર્વત્ર પડે છે; અને જો કોઈ વિવેકહીન હોય તો તે ગેરમાર્ગે દોરવાઈ જવાની શક્યતા છે.

ઉદાહરણ તરીકે, કલાત્મક રીતે બનાવેલ દેવી કે દેવતાની મૂર્તિના ચહેરાના હાવ-ભાવનું સાચું મૂલ્યાંકન ત્યારે જ થઈ શકે જ્યારે તે પ્રતિમાના ચહેરાના ભાવ સાચી રીતે પારખવામાં આવે. તે ચહેરો સામાન્ય રીતે દુન્યવી અને સ્વર્ગીય મુખમુદ્રાનું સંમિશ્રણ છે- સામાન્યતઃ તે આધ્યાત્મિક પરમ શાંતિના (સ્થિરતાના) સુંદર સ્મિતનું નિરૂપણ છે જે શુદ્ધ ભારતીયતાના તત્ત્વને દર્શાવે છે. આવા મન માટે, મનુષ્યના શરીર પર પ્રાણીના મસ્તકનું આરોપણ એ કંઈ અરુચિકર લાગતું નથી. ગણેશની આકૃતિ વિરોધી પાત્રના બે આકારોની સંપૂર્ણ સુસંગતતાની એક શ્રેષ્ઠ કૃતિ છે. તેની સર્વોપરી(ચડિયાતી) રજૂઆતે સૌન્દર્યની અદ્‌ભુત કદર કરનારા ઘણા કલાકારોને સુંદર કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા છે. આ દુન્યવીપણું અને અન્ય સંસારનું સંયોજન એ સમૃદ્ધ સંશ્લેષણની ઓળખ છે જે ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા છે.

Total Views: 472

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.