(સ્વામી આત્મરૂપાનંદજીએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો, જેના કેટલાક અંશોનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સેજલબહેન માંડવિયા. – સં.)

૧૯૭૦ પછીના સ્વામીઓની નવી પેઢી

૧૯૭૦ પછીનાં વર્ષોમાં અમારા અભ્યાસમાં અમને વેદાંત સોસાયટીઓની તમામ પ્રવૃત્તિઓને સૂચિબદ્ધ કરવામાં રસ નથી. મોટા ભાગની પ્રવૃત્તિઓ જે અગાઉ શરૂ કરવામાં આવી હતી—જેમ કે, રવિવારનાં પ્રવચનો અને એક-બે સપ્તાહના રાત્રિના વર્ગો આ સમયગાળા દરમ્યાન ચાલુ રહ્યા હતા. આ બધી વાતમાં મુખ્ય વ્યક્તિઓનાં નામ આપવામાં પણ અમને રસ નથી. પશ્ચિમમાં વેદાંતનાં કાર્યોમાં થયેલા મોટા ફેરફારો તેમજ પશ્ચિમના સમાજમાં મોટા ફેરફારો કરી, જેણે કાર્યોને અસર કરી છે, તેનું વિશાળ ચિત્ર આપવામાં અમે રસ ધરાવીએ છીએ.

૧૯૬૦ની શરૂઆતમાં બોસ્ટનના સ્વામી અખિલાનંદ, ફ્રાન્સના સ્વામી સિદ્ધેશ્વરાનંદ અને શિકાગોના સ્વામી વિશ્વાનંદ; આમ, સ્વામીઓની એક સમગ્ર પેઢી પસાર થઈ ગઈ. આ ત્રણેય સ્વામીઓએ દેહ છોડ્યો તે પહેલાં પશ્ચિમમાં વેદાંત-કાર્ય શ્રીમા શારદાદેવી અને સ્વામી બ્રહ્માનંદના શિષ્યોના હાથમાં હતું. આમાં લંડનના સ્વામી ઘનાનંદ અપવાદ હતા. તેઓ સ્વામી શિવાનંદના શિષ્ય હતા, પરંતુ ઘણી રીતે તેઓ અન્ય લોકોની પેઢી જેવા જ હતા. સ્વામીઓની આ અસાધારણ પેઢીએ શ્રીરામકૃષ્ણના શિષ્યો અને સ્વામી વિવેકાનંદના શિષ્યો પાસેથી જવાબદારી મેળવી હતી અને તેઓ આજે પશ્ચિમમાં અસ્તિત્વમાં રહેલાં મોટા ભાગનાં કેન્દ્રોના સ્થાપક હતા. વિશાળ રીતે વૈવિધ્યસભર જૂથમાં કેટલાંક ખૂબ જ ગતિશીલ કેન્દ્રો હતાં. કેટલાક સંન્યાસીઓ શાંત અને નિવૃત્ત હતા અને કેટલાક સૌમ્ય અને મિલનસાર હતા, કેટલાક જ્વલંત અને પ્રેરણાદાયી હતા, ઘણા મહાન વિદ્વાન હતા, ઘણા કુશળ લેખકો હતા. બધા જ આધ્યાત્મિક દિગ્ગજો હતા અને મહાન શક્તિ કે જે ગુરુશક્તિ કહેવાય છે, તે ધરાવતા હતા. 

૧૯૬૯ના અંતમાં—૧૯૬૦ના દાયકાના અંતમાં બે મહાન સ્વામીઓ—સ્વામી ઘનાનંદ જે લંડન સેન્ટરમાં હતા, તેમણે નવેમ્બરમાં અને સ્વામી અશોકાનંદ જે ઉત્તર કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીમાં હતા, તેમણે ડિસેમ્બરમાં દેહ છોડી દીધો. ૧૯૮૦ સુધીમાં અન્ય સ્વામીઓમાં એક ને બાદ કરતાં બાકીના સ્વામીઓએ શરીર છોડી દીધું હતું. 

ન્યુયોર્કના રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટરના સ્થાપક અને મા શારદાદેવીના શિષ્ય સ્વામી નિખિલાનંદ થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં નાસ્તાના ટેબલ પર ‘ૐ બ્રહ્માર્પણમ્‌’ બોલતાં બોલતાં મૃત્યુ પામ્યા હતા. તારીખ હતી ૨૧ જુલાઈ, ૧૯૭૩. ૧૯૨૦માં શ્રીમા શારદાદેવીએ આ જ દિવસે મહાસમાધિ ગ્રહણ કરી હતી.

સ્વામી પ્રભવાનંદ દક્ષિણ કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીના સ્થાપક હતા, તેઓએ પણ એજ રીતે શરીરત્યાગ કર્યો હતો. ૧૯૭૬ના ઉનાળામાં તેઓ ખૂબ જ બીમાર હતા અને ધીમે ધીમે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, તેઓ હવે સ્વસ્થ થઈ શકશે નહીં. ૩ જુલાઈ, ૧૯૭૬ની રાત્રે તે ભાનમાં આવ્યા અને તેમણે સમય પૂછ્યો. તેમના જાણવામાં આવ્યું કે, ૩ જુલાઈ રાત્રિના ૯ વાગ્યા છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસ ૪ જુલાઈના રોજ મહાસમાધિ પામ્યા હતા. તેથી પ્રભવાનંદજીએ મધ્યરાત્રીના ૧૨:૦૩ વાગ્યા સુધી રાહ જોઈ અને પછી શરીર છોડ્યું, જેથી ૪ જુલાઈ ચાલુ થઈ જાય. 

૧૯૭૭માં ન્યુયોર્ક વેદાંત સોસાયટીના સ્વામી પવિત્રાનંદનું અવસાન થયું. ૧૯૭૯માં સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના સ્થાપક સ્વામી સત્પ્રકાશાનંદે પોતાનું શરીર છોડ્યું હતું.

હવે સ્વામી અશેષાનંદ, જેઓ શ્રીમાના શિષ્ય અને પોર્ટલેન્ડ વેદાંત સોસાયટીના વડા હતા, તેઓ પશ્ચિમમાં ભક્તોની તીર્થયાત્રાનું કેન્દ્ર બન્યા. તેમનું ધમકાવવાનું કે ગુસ્સે થવાનું લોકો માટે આશીર્વાદરૂપ બની ગયું હતું. કેટલીક વાર લોકો એક અઠવાડિયાની લાંબી મુલાકાત લઈને પાછા ફરતા અને અન્ય ભક્તોને ફરિયાદ કરતા કે, આ વખતે તેઓને એક પણ ઠપકો મળ્યો નહીં! પ્રાચીન પેઢીના એક માત્ર પ્રતિનિધિ એવા અશેષાનંદજીએ ૯૭ વર્ષની વયે ઓક્ટોબર, ૧૯૯૬માં પોતાનો દેહત્યાગ કર્યો હતો.

જેમ જેમ આ પેઢીના સંન્યાસીઓ શ્રીરામકૃષ્ણલોક પ્રતિ યાત્રા કરતા ગયા, એમ એમ નવી પેઢીના સંન્યાસીઓ જવાબદારી સંભાળતા ગયા. પહેલી પેઢી એ કે જેઓ શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોના શિષ્યો હતા, જેમણે આ વચગાળાનો સમય સંભાળ્યો હતો. સ્વામી શિવાનંદના શિષ્યો સ્વામી ઋતજાનંદ અને સ્વામી શ્રદ્ધાનંદે જિનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં નવું કેન્દ્ર સ્થાપ્યું હતું. સ્વામી અખંડાનંદના શિષ્ય સ્વામી સર્વગતાનંદે બોસ્ટન અને પ્રોવિડન્સનો ચાર્જ લીધો હતો. સ્વામી વિજ્ઞાનાનંદના શિષ્ય સ્વામી સ્વાહાનંદે પહેલાં બર્કલી અને પછી વેદાંત સોસાયટી, દક્ષિણ કેલિફોર્નિયાની જવાબદારી સંભાળી હતી.

૧૯૬૫માં સ્વામી વિશ્વાનંદના મૃત્યુ પછી સ્વામી ભાષ્યાનંદ વિવેકાનંદ-વેદાંત સોસાયટીના શિકાગોના ‘મિનિસ્ટર ઇન ચાર્જ’ (અમેરિકન હોદ્દો) તરીકે નિમણૂક પામ્યા. તેઓ નવી પેઢીના પ્રથમ સ્વામી હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોના નહીં પણ  સ્વામી વિરજાનંદના શિષ્ય હતા. તે સમયથી નવી પેઢીએ પશ્ચિમમાં કાર્યનો હવાલો, નવાં વલણો તથા કામ કરવાની નવી રીતો અપનાવવા માંડી અને સમાજમાં નવી ઊર્જા ફેલાવી. તેથી ૧૯૭૦ પછીના સમયગાળાને સમાયોજનના સમયગાળા તરીકે ઘણી રીતે પોતાની આગવી ઓળખ ઊભી કરવાના સમયગાળા તરીકે જોઈ શકાય છે કે, જેમાં હવે આપણે પાછા ફરીશું.

૧૯૭૦થી વેદાંત ચળવળમાં વૃદ્ધિનાં ક્ષેત્રો

૧૯૭૦ના પ્રારંભમાં સાધુ-સમુદાય તથા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, છતાં પશ્ચિમમાં વેદાંતની ચળવળમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વધારો થયો હતો.

૧૯૭૨માં ઉત્તર કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીની ઓલેમા રિટ્રીટની જગ્યા ઉપર બહેનો માટે એક સુંદર નવી રિટ્રીટ સુવિધા ઊભી કરવામાં આવી. ૧૯૭૦ના અંતમાં લંડન કેન્દ્રને શહેરથી એક નાના ગામડા જેવા સ્થળે ‘બોર્ન એન્ડ’માં ખસેડવામાં આવ્યું, જ્યાં ઘણા ઓરડાઓ અને સુંદર મોટા મેદાનવાળી ઘણી મોટી અને પ્રભાવશાળી ઇમારત છે. ૧૯૭૫માં સીએટલ કેન્દ્રે તેની ઉત્તરે આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રિટ્રીટ કેન્દ્ર માટે જમીન ખરીદી હતી, જેનો તેમણે સુંદર વિકાસ કર્યો છે. ૧૯૮૨માં તેઓએ સીએટલની મુખ્ય ઇમારતથી શેરીની પાસે એક મોટું આકર્ષક ઘર પણ ખરીદ્યું હતું. 

૧૯૮૩માં દક્ષિણ કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીની નવી શાખા સાન ડીએગોમાં ખોલવામાં આવી હતી. અને ૧૯૮૬માં સત્તાવાર રીતે બેલુર મઠ દ્વારા કેલિફર્નિયાની વેદાંત સોસાયટીને મઠના શાખા કેન્દ્ર તરીકે સ્વીકારવામાં આવી હતી. ૧૯૬૮માં ગેન્જીસ, મિશિગનમાં વિવેકાનંદ મઠ અને રિટ્રીટની સ્થાપના પછી પશ્ચિમમાં આ પહેલું નવું કેન્દ્ર હતું. 

અહીં આપણે જાપાનમાં ભક્તોના ખૂબ જ સક્રિય અને સમર્પિત મંડળીનો ઉલ્લેખ કરીએ કેમ કે, ત્યાંનું કાર્ય પૂર્વનાં અન્ય કેન્દ્રો કરતાં પશ્ચિમનાં કેન્દ્રની કાર્યપદ્ધતિને વધુ સારી રીતે અનુસરે છે. ૧૯૮૪માં ‘નિપ્પોન વેદાંત ક્યોકાઈ’ અથવા જાપાનની વેદાંત સોસાયટીએ કામાકુરાની નજીક પોતાની મિલકત ખરીદી જ્યાં બેલુર મઠ દ્વારા એક સ્વામીને આધ્યાત્મિક વડા તરીકે મોકલવામાં આવ્યા હતા.

(ક્રમશઃ)

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.