ગુરુપૂર્ણિમા શા માટે?

મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. પોતાના પૂર્વજોની જેમ દ્વૈપાયન પણ અત્યંત મેધાવી, તપસ્વી અને પરમાત્મા સાથે સતત જોડાયેલા રહેતા. તેઓ પણ એ જ વિદ્યાના અભ્યાસી હતા, જે વિદ્યાને પ્રાપ્ત કરીને કોઈ પણ વ્યક્તિ આ સંસારનાં દ્વંદ્વોથી મુક્ત થઈ શકે છે.

મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયને ઋષિઓ દ્વારા પ્રાપ્ત આ જ્ઞાનને સંકલિત કરી, ચાર વિભાગોમાં સંગ્રહબદ્ધ કર્યું. એના નામ છે—ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ. કૃષ્ણ દ્વૈપાયને વેદનું સંપાદન વ્યાસ રૂપે અર્થાત્‌ વિસ્તારથી કર્યું હતું, એટલે લોકો તેમને વેદવ્યાસ કહેવા લાગ્યા.

આમ, સંપૂર્ણ સનાતન વૈદિક સંસ્કૃતિ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત ગ્રંથો પર આધારિત છે. ભારતના મહાન આચાર્યો, દાર્શનિકો, મહાત્માઓ, સંતો વગેરેએ આ ગ્રંથોના આધાર પર જ સમસ્ત માનવજાતિને જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે. વેદવ્યાસ આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના આદિ ગુરુ છે, અને એટલે જ યુગોથી આપણે તેમના જન્મદિવસ અષાઢી પૂર્ણિમાને ‘ગુરુપૂર્ણિમા’ તરીકે ઉજવીએ છીએ. આ પર્વ આપણી સંસ્કૃતિનું સર્વાધિક મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પવિત્ર દિવસ આપણને સ્મરણ કરાવે છે કે આપણી આ અદ્વિતીય સનાતન વૈદિક સંસ્કૃતિનાં સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે વેદવ્યાસ દ્વારા રચિત આ ગ્રંથોનું નિદિધ્યાસન નિરંતર કરતા રહેવાની પરંપરા જાળવી રાખવી જોઈએ.

ગુરુતત્ત્વ શું છે?

ગુરુ બે પ્રકારના હોય છે—શિક્ષાગુરુ અને દીક્ષા (આધ્યાત્મિક) ગુરુ. શિક્ષાગુરુ અનેક હોઈ શકે છે. તેઓ આપણને અપરાવિદ્યા અર્થાત્‌ ભૌતિક સુખ-સુવિધાઓ, વિજ્ઞાન, તકનીકી, લોકવ્યવહાર વગેરેનું શિક્ષણ આપે છે. માતા-પિતા આપણાં પ્રથમ ગુરુ છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકો આપણા ગુરુ છે. આપણી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આપણને સાચું માર્ગદર્શન તથા સલાહ-સૂચન દેવાવાળાં સગાંવહાલાં-સ્નેહીજનો બધાં આપણાં ગુરુ છે. વાસ્તવમાં તો ચેતનાનો ઉચ્ચ વિકાસ થતાં જ સમસ્ત પ્રકૃતિ, સંપૂર્ણ જગત આપણને કંઈ ને કંઈ જ્ઞાન આપે જ છે.

બીજા છે આધ્યાત્મિક ગુરુ. જ્યારે આપણા પર ઈશ્વરની કૃપા થાય છે, ત્યારે ગુરુની પ્રાપ્તિ સ્વયં જ થઈ જાય છે. આધ્યાત્મિક ગુરુની વરણી જીવનમાં એક વાર જ થાય છે. આ આધ્યાત્મિક ગુરુ જ આપણું સર્વસ્વ હોય છે. તેમના પર દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા-ભક્તિ રાખવાથી જ આપણે તેમણે પ્રદાન કરેલા ઇષ્ટ-મંત્ર પર સંપૂર્ણ સમર્પણ અને અટૂટ વિશ્વાસ રાખી શકીએ છીએ તથા ઈશ્વર-સાક્ષાત્કાર કરીને આ ભવચક્રથી, જન્મ-મરણના બંધનથી, કામક્રોધાદિ અંધકારથી મુક્ત થઈને આપણા જીવનને ધન્ય બનાવી શકીએ છીએ.

શ્રીરામકૃષ્ણદેવ ગુરુકૃપા વિશે કહેતા કે, “આ લોકોએ જે બધી સાધનાઓ કરીને ઈશ્વરને મેળવ્યો છે, એ બધી વાતો તેઓ લોકોના ઉપદેશને માટે, લોકોના હિતને માટે બોલે. જેમ કે કોદાળી પાવડા લઈને પાણી માટે કેટલીક મહેનત કરીને કૂવો ખોદ્યો. કૂવો ખોદાઈ ગયા પછી કોઈ કોઈ કોદાળી ને એવાં બધાં ઓજાર કૂવાની અંદર જ ફેંકી દે, કારણ કે પછી એ રાખવાની શી જરૂર? પરંતુ કોઈ કોઈ વળી એ બધાં સાચવીને રાખી મૂકે, બીજાના ભલાને સારુ, એમ.”

“કોઈ કોઈ કેરી છાનામાના ખાઈને મોઢું લૂછી નાખે. કોઈ વળી બીજાઓને વહેંચીને ખાય, લોકોપદેશ માટે અને ઈશ્વરી આનંદ લેવા માટે. તેમને સાકર થઈને રહેવા કરતાં સાકર ખાવાનું ગમે!” (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ 25, અધ્યાય 1)

આમ, ગુરુનો મહિમા અપરંપાર છે તેનું વર્ણન કરવું શક્ય નથી. આથી જ સંત કબીરદાસે કહ્યું છેઃ

सब धरती कागज करूँ, लेखनी सब बनराय।
सात समुंदर की मसि करूँ, गुरु गुण लिखा न जाय।।

અર્થાત્‌ ‘જો સમગ્ર ધરતીને કાગળ બનાવી દેવામાં આવે, સમસ્ત જંગલનાં વૃક્ષોની કલમ, સાતેય સમુદ્રોનાં જળની સાહી બનાવીને લખવામાં આવે તોપણ ગુરુ-મહિમાનું વર્ણન કરવું અસંભવ છે.’

આમ, ગુરુની ગૂઢ-રહસ્યમય લીલાનો તાગ મેળવવો તેમની કૃપા વિના કેટલો કઠિન છે, તેનું વર્ણન આપણા સોરઠના સંત-કવિ દેવાયત પંડિતજીએ કંઈક અલગ અંદાજમાં ગાયું છેઃ

ગુરુ! તારો પાર ન પાયો!

પૃથ્વીના માલિક!…એજી તમે રે તારો તો અમે તરીયે

હે જીરે સંતો… જમીન ને આસમાન હરિએ મૂળ વિના માંડ્યાં જી.

એ જી‚ થંભ વિણ આભને ઠેરાવ્યો.

ગુરુપૂર્ણિમા આપણને ગુરુદેવની એ અનંત કરુણાની યાદ અપાવે છે, જ્યારે આપણે સંસારના ત્રિવિધ તાપથી દગ્ધ થઈને, શોકગ્રસ્ત હૃદયે ગુરુની છત્રછાયામાં આશ્રય લીધો હતો ત્યારે ગુરુએ પોતાનાં સ્નેહ-વાત્સલ્યથી આપણને પરમ શાંતિ પ્રદાન કરી હતી. સદ્‌ગુરુ મોટા જહાજ જેવા હોય છે. પોતે તો પાર થાય, તેમજ બીજા અનેક લોકોનેય ભવસાગર પાર કરાવીને લઈ જાય છે. આપણી વ્યથા-પીડાનું હરણ કરીને શાશ્વત આનંદની પ્રસાદી આપે છે.

સદ્‌ગુરુ એક વિશાળ વટવૃક્ષ સમાન છે, જેના શીતળ છાંયડામાં સંસારના પાપી-તાપીઓને પરમાનંદની દિવ્યાનુભૂતિ થાય છે. આથી જ કોઈ ભક્ત-કવિએ કહ્યું છેઃ

गुरु अमृत है जगत में, बाकी सब विषबेल,
सतगुरु संत अनंत हैं, प्रभु से कर दें मेल।

ગુરુપૂર્ણિમા ગુરુ સમક્ષ કરેલી પ્રતિજ્ઞા, સંકલ્પોની સમીક્ષા અને આત્મનિરીક્ષણ કરવાનો પણ દિવસ છે. ગુરુ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને પરબ્રહ્મ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ભાગવત, ભક્ત અને ભગવાન—ત્રણેય એક જ છે. ગુરુ, કૃષ્ણ અને વૈષ્ણવ એક છે. ગુરુ અને ઈશ્વર અભિન્ન છે.

ગુરુની આવશ્યક્તા

ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊઠે છે કે શું જીવનમાં આધ્યાત્મિક ગુરુની આવશ્યક્તા ખરી? આ પ્રશ્નનો સ્વામી બ્રહ્માનંદજીએ ખૂબ જ સુંદર અને સચોટ ઉત્તર આપેલો, ‘સિદ્ધ ગુરુનો આશ્રય લીધા વિના કોઈ કેટલો પણ બુદ્ધિશાળી, પરિશ્રમી કેમ ન હોય—ઠોકર ખાઈને પડશે જ. ચોરી કરવા માટે પણ એક ગુરુની આવશ્યક્તા હોય છે, તો પછી આટલી શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરવા માટે ગુરુની આવશ્યક્તા કેમ ન હોય?’

આદિ શંકરાચાર્યજીના મતાનુસાર ત્રણ વસ્તુઓ આ જગતમાં દુર્લભ છેઃ

दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहहेतुकम्।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रय:॥

 અર્થાત્‌ ‘મનુષ્ય-જન્મ મળવો, મોક્ષપ્રાપ્તિની જિજ્ઞાસા થવી અને મોક્ષમાર્ગ-નિર્દેશક સદ્‌ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થવું—આ ત્રણ વસ્તુઓ મળવી દુર્લભ છે.’

સાચી ગુરુભક્તિ

ઈષ્ટ-મંત્ર ઉત્તમ છે, પરંતુ જેવી રીતે બિનઉપજાઉ જમીન પર બીજ પડે, તો તે અંકુરિત નથી થતું. આથી ખેડૂત પોતાના ખેતરને પહેલાં ખેડે છે, તેમાં જૈવિક ખાદ્ય પદાર્થો, ખાતર વગેરે નાખીને તેને તૈયાર કરે છે ત્યારે તે ઉત્તમ પાક લણી શકે છે. આ પ્રકારે ઉત્પન્ન થયેલું અનાજ લોકજીવનદાયક બનીને તેના ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે, ત્યારે જ ઉપજ સાર્થક બને છે.

તેવી જ રીતે શિષ્યમાં ગુરુ પ્રત્યે સાચી શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ વગેરે ગુણો હોવા જરૂરી છે. ગુરુવચનમાં અપાર શ્રદ્ધા વિના શિષ્યનો ઉદ્ધાર થવો અશક્ય છે. ગુરુ દ્વારા પ્રદત્ત મંત્ર અને જપ-ધ્યાનની આજ્ઞાનો આપણે સ્વીકાર કરીએ છીએ, પરંતુ અન્ય વ્યવહારિક સૂચનાઓનું પાલન કરવામાં અનેક તર્કવિતર્ક કરીએ છીએ.

કરુણાસિંધુ ગુરુદેવ શ્રીઠાકુર

ગુરુ શિષ્યના યોગક્ષેમનું વહન કરવાની જવાબદારી પોતાના શિરે લે છે. આધ્યાત્મિક જીવનમાં એવી ઘણી ઘટનાઓ આકાર લે છે, જેની સમજણ કે સાબિતી આપવી તે કદાચ આપણી બુદ્ધિની કક્ષાની બહારનો વિષય છે. એક યુવા ઠાકુરભક્ત ગંભીર-જીવલેણ બીમારીમાંથી ઠાકુરકૃપાથી હેમખેમ પાર ઊતર્યા બાદ શેષ જીવન ઠાકુરની સેવા તથા સાનિધ્યમાં વીતાવવાના હેતુ સાથે પોતાની શૈક્ષણિક કારકિર્દી છોડીને, આશ્રમના અંતેવાસી બનીને આશ્રમનાં શૈક્ષણિક કાર્યોમાં સેવા આપતા, પરંતુ કોરોનાકાળમાં બધી શૈક્ષણિક-ધાર્મિક સંસ્થાઓ બંધ હોવાથી ભક્તને આશ્રમ પર કોઈ પ્રવૃત્તિ વિના બોજ બનીને રહેવું યોગ્ય ન લાગ્યું, તેથી આ ભક્તે ‘ઘરવાપસી’ કરી. પરંતુ ઘરે કુટુંબ-સગાંવહાલાંનાં વાણી-વર્તનથી આ ભક્તના હૃદય પર વજ્રાઘાત થયો. સાચા ભક્તને દુઃખમાં ભગવાન સિવાય બીજું કોણ સાંભરે? આ યુવાભક્તે ઘરની નજીકમાં જ આવેલા આપણા રામકૃષ્ણ મિશનના કેન્દ્રમાં જઈને શ્રીરામકૃષ્ણદેવની છબી સમક્ષ આર્તરુદને પ્રાર્થનાસહ ફરિયાદ કરી કે, ‘આપની સેવામાં મારી શું ભૂલ રહી, ઠાકુર..?’

કેન્દ્રની બહાર આવેલા પાણીના પરબ પર હાથ-મોં ધોઈને ભક્ત થોડા સ્વસ્થ થયા, ત્યાં મોબાઇલની ઘંટડી રણકી ઊઠી. સામે છેડે હતો એક આત્મીય-ચિરપરિચિત અવાજ! મધુર સ્વરમાં ફક્ત એટલું જ પૂછ્યું, ‘તુમ્હેં ક્યા દુઃખ હૈ?’ આટલું સાંભળતાં જ એ ભક્તની વાણીએ જાણે મૌન લીધું, અને અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. ત્રુટક ત્રુટક અવાજે આ ભક્ત માત્ર એટલું જ બોલી શક્યા, ‘આપકો કિસને બતાયા, મહારાજ?’ સામે છેડેથી ઉત્તર આવ્યો, ‘મુજે સબ પતા હૈ.’

આ આત્મીય અવાજ રામકૃષ્ણ મિશનના જ એક સંન્યાસીનો હતો, જેમના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ આ ભક્તને મૂલ્યલક્ષી શિક્ષણના ઘણા પ્રકલ્પોમાં સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, પરંતુ બાદમાં તેઓશ્રીની નિયુક્તિ બેલુર મઠમાં થઈ જતા કોઈ વિશેષ સંપર્ક રહ્યો ન હતો.

ત્યાર બાદ મિશનના એ સંન્યાસીએ આ ભક્તના ‘કોરોના-વનવાસ’ની એક ખૂબ જ સુંદર-સાનુકૂળ વ્યવસ્થા કરી આપી. વ્યાકુળ હૃદયે કરેલી પ્રાર્થનાનો જવાબ છેક બેલુર મઠથી આ રીતે પ્રાપ્ત થશે, તેની કલ્પના સુધ્ધાં આ કદી ભક્તે કરી ન હતી. આ ઘટનાના આનંદનું એક અમૃત-ઝરણું આજે પણ એ ભક્તના હૃદયમાં નિરંતર વહેતું રહે છે તથા ગુરુદેવ પ્રત્યેની તેની ભક્તિ-નિષ્ઠાને નવપલ્લવિત કરતું રહે છે. બાળસહજ જિજ્ઞાસા સાથે એ ભક્ત આજે પણ જ્યારે એ સંન્યાસીને મળવાનું થાય ત્યારે એ જ પ્રશ્ન પૂછી બેસે છે કે ‘મહારાજ, આપકો કિસને બતાયા થા?’ ત્યારે એ સંન્યાસી હળવું સ્મિત આપીને ગંભીર બની જાય છે…!

આપણે ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે આત્મપરીક્ષણ કરીએ, ગુરુકૃપાનું સ્મરણ કરીએ અને સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિ તથા સમર્પણ સાથે ગુરુ નિર્દિષ્ટ સાધના કરીને આ દુર્લભ મનુષ્યજન્મને સાર્થક બનાવીએ.

Total Views: 375

4 Comments

  1. મયુર મોદી July 6, 2023 at 12:30 am - Reply

    ગુરુ પૂર્ણિમા અને ગુરુ નું સરળ અને સાહજીક પારદર્શકતા પૂર્વક કરેલ રજૂઆત ખરા અર્થ માં હિર્દયસ્પર્શી છે.

  2. Dipak Parmar July 2, 2023 at 4:18 pm - Reply

    👌🏻👌🏻👌🏻અદભુત લેખ છે.

  3. Sunil July 2, 2023 at 4:16 pm - Reply

    ગુરૂ પૂર્ણિમા નિમિતે માહિતીસભર લેખ આપવા બદલ ધન્યવાદ. રજુઆત સરસ,સુંદર, સરળ છે.

  4. Darshan July 2, 2023 at 7:16 am - Reply

    Jai Shri Guru Maharaj Ji ki Jai
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.