આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ. અધ્યાયનું નામ છે “પૂર્વકથા – શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત – ૧૮૫૮.” ઘાટા કરેલ વાક્યો કથામૃતના છે.

“આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહાઆનંદમાં છે. દક્ષિણેશ્વર, કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે.”

આજે શ્રીરામકૃષ્ણ ખૂબ જ આનંદિત છે. દક્ષિણેશ્વર, કાલીવાડીમાં નરેન આવ્યા છે. નરેન એટલે સ્વામી વિવેકાનંદ જે આપ સૌ જાણો છો. નરેન આવ્યા છે તેથી ઠાકુરના આનંદની કોઈ સીમા નથી. બીજા પણ અન્ય અંતરંગ છે. અહીં અંતરંગ એટલે એવા શિષ્યો અને ગૃહસ્થ ભક્તો જે ઠાકુર પાસે નિયમિત આવતા હતા. ફક્ત સંન્યાસી શિષ્યો જ નહીં પરંતુ માસ્ટર મહાશય, બલરામ બાબુ, રામચંદ્ર દત્ત વગેરે જેવા ગૃહસ્થો પણ ઠાકુરના અંતરંગ હતા. તેથી અહીં નોંધ્યું છે કે સાથે બીજા પણ અંતરંગ ભક્ત છે, તેનો અર્થ માસ્ટર મહાશય સ્વયં પણ ત્યાં હતા જ. આપણે એટલું તો સમજી જ શકીએ કે કથામૃત એમણે લખ્યું છે તેથી તેઓ તો ત્યાં ઉપસ્થિત હોય જ. આમ છતાં કથામૃતનું પઠન કરતાં કરતાં મેં એક વાત નોંધી છે કે માસ્ટર મહાશયે પોતાના નામનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી.

એ વાત અલગ છે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય દર્શનમાં તેમનો ઉલ્લેખ છે. તે એટલા માટે કે તેઓ એ સમજાવી શકે કે એક ભક્ત પોતાના સંશયને શ્રદ્ધામાં કેવી રીતે પરિવર્તિત કરી શકે. ભક્ત પોતાના સંશયોમાંથી મુક્ત થઈ શ્રદ્ધા સુધી કેવી રીતે પહોંચી શકે તે બતાવવા માટે પ્રથમ ત્રણ દર્શનોમાં માસ્ટર મહાશયે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે અને તે પણ એવી રીતે કે તેઓ ઠાકુરને પોતાના સંશયો બતાવે છે અને ઠાકુર તેનું સમાધાન કરે છે. આ પ્રથમ ત્રણ દર્શન પછી માસ્ટર મહાશયે મોટા ભાગની જગ્યાએ પોતાનો ઉલ્લેખ કર્યો નથી. અને જ્યારે જરૂર પડી ત્યારે ‘મણિ’, ‘મોહિની મોહન’ કે પછી ‘એક ભક્ત’ એ સંબોધનથી પોતાને ઉલ્લેખિત કર્યા છે. તેમ છતાં એ તો સમજાય છે કે દરેક વખતે તેઓ ત્યાં જ ઉપસ્થિત છે, તેમણે પણ ઠાકુરને ઘણા પ્રશ્નો કર્યા છે. તેમની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આત્મસમર્પણથી આપણે પણ પ્રેરિત થવાનું છે.

સ્વામીજીએ પ્લેટો અને સોક્રેટિસનું દૃષ્ટાંત આપતાં કહ્યું હતું કે પ્લેટોએ સોક્રેટિસના નામે પોતાની ફિલસૂફી ચલાવી હતી. ઘણી વખત એવું થાય છે કે જ્યારે આપણે આપણા વરિષ્ઠ સાધુની સ્મૃતિકથા કરીએ છીએ કે તેમની સાથેના કોઈ પ્રસંગનું વર્ણન કરીએ છીએ, ત્યારે એ પ્રસંગ કે ઘટનામાં મેં શું કર્યું છે, મારું શું યોગદાન હતું એનું જ વર્ણન વાગોળ્યા કરીએ છીએ. આપણા માટે એ ઘટના કે પ્રસંગનું મહત્ત્વ એટલું નથી હોતું, જેટલું આપણી ઉપસ્થિતિ કે આપણા યોગદાનનું મહત્ત્વ હોય છે. આપણા આ ‘હું’ અથવા ‘અહમ્‌’ ને કેવી રીતે તિલાંજલિ આપવી, કેવી રીતે ત્યાગ કરવો એ આપણે માસ્ટર મહાશય પાસેથી શીખવાનું છે.

“નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ ૩૧ આશ્વિન, આસો સુદ ચોથ, તા. ૧૬મી ઓક્ટોબર, ૧૮૮૨. સોમવાર; આવતા ગુરુવારે સપ્તમી તિથિએ શ્રીદુર્ગા-પૂજા થવાની. ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસે રાખાલ, રામલાલ અને હાજરા રહી રહ્યા છે.”

આપણે જાણીએ છીએ કે રાખાલ એટલે સ્વામી બ્રહ્માનંદ. શ્રીઠાકુરના માનસપુત્ર અને ત્યાગી સંતાન જે કાળક્રમે રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. રામલાલ એટલે શ્રીઠાકુરના ભત્રીજા. હાજરા ઠાકુરના ગામ કામારપુકુરની પાસેના ગામમાં રહેતા હતા. તેના પર મોટું દેવું હતું અને એ ભરપાઈ કરવાની મોટી ચિંતા એમના માથા ઉપર હતી. પોતાના ગામમાં આવકનું કોઈ સાધન ન હોવાથી દક્ષિણેશ્વર આવી ઠાકુર પાસે રહેતા હતા.

પીતાંબરી લગાવી, કપાળ પર તિલક કરી, ગળામાં માળા પહેરી, હાથમાં જપમાળા લઈને ઠાકુરના ઓરડાની સામે બેસતા અને જપમાળા ફેરવતા. જપ કરતાં કરતાં એક આંખ બંધ રાખી, બીજી આંખ ખુલ્લી રાખી ઠાકુરના ઓરડા પર નજર રાખતા કે કોણ આવે છે, કોણ જાય છે અને જો કોઈ ધનિક વ્યક્તિ દેખાય તો તરત પાસે જઈ તેને ઉપદેશ દેવાનો પ્રારંભ કરી દેતા. તેનો આશય એ હતો કે તે વ્યક્તિ પ્રભાવિત થઈ થોડા પૈસા આપે તો તેના પર જે દેવું છે તે હળવું થાય.

નરેન્દ્રની સાથે બીજા એક-બે બ્રાહ્મસમાજી છોકરાઓ આવેલા છે.

“આજ માસ્ટરેય આવ્યા છે.”

આજે માસ્ટર મહાશય પણ આવ્યા છે. સ્વયં વિશે ઉલ્લેખ કર્યો એ પણ આશ્ચર્યજનક છે.

“નરેન્દ્રે ઠાકુરની પાસે જ ભોજન કર્યું. જમ્યા પછી શ્રીરામકૃષ્ણે પોતાના ઓરડામાં જમીન પર પથારી કરી આપવાનું કહ્યું. નરેન્દ્ર વગેરે ભક્તો— ખાસ કરીને નરેન્દ્ર—આરામ કરે તે માટે.”

બધાને પ્રશ્ન થશે કે ઠાકુર વારંવાર નરેનને પ્રાધાન્ય આપે છે, નરેન માટે આટલા વ્યાકુળ બને છે, આમ કેમ? સ્વામી સારદાનંદ રામકૃષ્ણ લીલાપ્રસંગના લેખક તથા રામકૃષ્ણ સંઘના પ્રથમ જનરલ સેક્રેટરી હતા. યુવાવસ્થામાં તેઓ ઠાકુર પાસે આવતા ત્યારે જોતા કે ઠાકુર નરેન માટે કેટલા વ્યાકુળ બને છે, સમયે સમયે બસ નરેનનું જ નામ લીધા કરે છે. નરેનની હાજરીમાં જાણે અન્ય કોઈની ઉપસ્થિતિ જ નથી! શરત્‌ મહારાજ પણ ક્યારેક વિચારતા કે નરેનમાં એવું તે શું છે કે ઠાકુર અમને અવગણીને એને આટલું મહત્ત્વ આપે છે!

આજે આધુનિક વિચારસરણી એવી છે કે બધાને એક સમાન વ્યવહાર, તક, સમાનતા, સન્માન વગેરે મળવું જોઈએ. પરંતુ જ્યારે એ વિચારીએ કે નરેને કેવી રીતે ઠાકુરના સંઘનો પાયો નાખવા પાછળ પોતાના લોહીના એકેએક કણને વહાવી દીધું છે ત્યારે થાય કે જેટલો પ્રેમ ઠાકુર નરેનને કરતા હતા તેનાથી લાખગણું કરીને નરેને ઠાકુરને આ સંઘ પ્રદાન કર્યો છે. અલબત્ત, આની પાછળ ઠાકુરની કૃપા અવશ્ય હતી પરંતુ ભોગ તો સ્વામીજીએ જ આપ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ફક્ત ૩૯ વર્ષની આયુમાં જ તેમનો દેહાંત થયો. એક ક્ષણ તેમને શાંતિ નથી મળી. તેમણે સતત ભ્રમણ ચાલુ જ રાખ્યું. એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ, એક જંગલથી બીજા જંગલ, કેટલીય જગ્યાએ ભ્રમણ કર્યું. જો સામે યોગ્ય વ્યક્તિ મળે તો વેદાંતનો ઉપદેશ આપ્યો છે.

સપ્ટેમ્બર ૧૮૯૩માં સ્વામીજીએ શિકાગો વિશ્વ ધર્મમહાસભાને ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ થી સંબોધિત કરી અને વિશ્વવિખ્યાત બની ગયા. ત્યારથી માંડીને વિદેશમાં તેમણે કરેલાં કાર્યોનું વિશદ વિવરણ આપણને મળે છે. કેમ કે ત્યાંની પ્રથા અનુસાર વિદેશી અનુયાયીઓએ સ્વામીજી વિશે ઘણું લખીને રાખ્યું છે. જ્યારે સ્વામીજી ભારત આવ્યા ત્યારે ભારતભરમાં હલચલ મચી ગઈ હતી. સમગ્ર ભારતના રાજા-મહારાજા, કોલેજના વિદ્યાર્થીઓ, ભક્તો સ્વામીજીને મળવા આવતા હતા અને તેમના વિશે લખતા હતા. આમ, સપ્ટેમ્બર ૧૮૯૩થી સ્વામીજીની મહાસમાધિ, જુલાઈ ૧૯૦૨, સુધીનું અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે.

પરંતુ સ્વામીજીના જીવનનો એ તબક્કો કે જ્યારે તેઓ પરિવ્રાજકરૂપે વરાહનગર મઠ છોડી ઉત્તર ભારત ત્યાંથી હિમાલય, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આજનું કેરળ એટલે તે સમયનું ત્રાવણકોર, પછી કન્યાકુમારી, ત્યાંથી મદ્રાસથી હૈદ્રાબાદથી પાછા મદ્રાસ, મદ્રાસથી મુંબઈ ત્યાંથી લીંબડી, રાજપૂતાના એટલે કે રાજસ્થાનથી પાછા મુંબઈ અને ત્યાંથી મુંબઈ પહોંચી અમેરિકા ગયા હતા, તેમાનું થોડું અમથું વર્ણન જ છે. આ સમયગાળો છે જુલાઈ ૧૮૯૦ થી લઈ મે ૧૮૯૩ સુધીનો.

મારી પાસે રહેલ માહિતીના આધારે મેં સ્વામીજીના જીવનચરિત્રનું કાળક્રમિક સંકલન કરેલ છે. તેનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે એક દિવસમાં સ્વામીજી ત્રણ-ચાર પત્રો લખે છે, બે-ત્રણ વ્યાખ્યાનો આપે છે, બે-ત્રણ ઇન્ટરવ્યૂ આપે છે, ભક્તો સાથે સંવાદ કરે છે. આ બધાની યાદી કરીએ તો લગભગ ૪૦-૫૦-૬૦ પૃષ્ઠ જેટલી થાય. જે બતાવે છે કે સ્વામીજીનું આધ્યાત્મિક યોગદાન કેટલું હતું! હવે વિચારો કે સતત ત્રણ વર્ષના પરિભ્રમણ દરમિયાનની ફક્ત ઉપરછલ્લી જ માહિતી આપણી પાસે છે. જેમ કે સ્વામીજી લીંબડી ગયા ત્યારે તાંત્રિકોએ તેમને બંધક બનાવીને રાખ્યા હતા. કોઈપણ રીતે ત્યાંથી નીકળી લીંબડીના ઠાકોર સાહેબને મળ્યા, ત્યાં તેમની સાથે થોડો સત્સંગ કર્યો, ત્યાંથી પછી વઢવાણ, પોરબંદર જ્યાં પણ ગયા તેની બહુ સંક્ષિપ્ત માહિતી આપણી પાસે છે. તેઓ જ્યાં પણ ગયા ત્યાં કોને કોને મળ્યા, કેટલા લોકોના સંપર્કમાં આવ્યા, બધા સાથે શું વાર્તાલાપ કે આધ્યાત્મિક ચર્ચા થઈ તેની કોઈ વિગતવાર માહિતી નથી. સ્વામીજીની આધ્યાત્મિક વાણીનો અવિરત પ્રવાહ, કરુણાવશ તેમના હૃદયમાંથી વેદાંતરૂપી આશીર્વાદના રૂપમાં આપણા પર પ્રગટ્યો છે.

આપણે ગુમાવેલી આધ્યાત્મિક જ્ઞાનવાણીનો એક અંદાજ લગાવીએ તો એક વર્ષના ૩૬૫ દિવસના હિસાબે ત્રણ વર્ષના બધા દિવસો ન ગણીએ તો પણ લગભગ ૯૦૦ દિવસ, એક દિવસનાં ૫૦ પૃષ્ઠ પ્રમાણે ૪૫૦૦ પૃષ્ઠોની સામગ્રી આપણે ગુમાવી દીધી છે.

આ બધું જોયા પછી, સ્વામીજીનું પૂર્વજીવન અને ઠાકુરની દેહરક્ષા, મહાસમાધિ પછીના જીવનવૃત્તાંતનો અભ્યાસ કર્યા પછી સમજાશે કે શા માટે ઠાકુર નરેન માટે આટલા વ્યાકુળ હતા, નરેનને આટલું મહત્ત્વ શા માટે આપતા હતા. શરૂઆતમાં એવું લાગે કે ઠાકુરની આ વ્યાકુળતા શા માટે? પરંતુ સ્વામીજીના જીવનનો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી એવું લાગશે કે ઠાકુરની આ વ્યાકુળતા ઘણી ઓછી છે. તેમણે સ્વામીજીને હજુ વધારે મહત્ત્વ આપવાની જરૂર હતી.

“ચટાઈ ઉપર રજાઈ પાથરીને ઓશીકું મૂકેલું છે. ઠાકુર પણ બાળકની પેઠે નરેન્દ્રની પાસે પથારી પર બેઠા.”

ઠાકુરનું આ પ્રકારનું વર્તન જોઈ ખ્યાલ આવશે કે ઠાકુરનો નરેન પ્રત્યેનો વ્યવહાર કેટલો મધુર હતો, ક્યારેક એવું લાગે કે માતાને પોતાના બાળક પ્રત્યે જે વાત્સલ્યભાવ હોય છે, તે ભાવ ઠાકુરમાં દેખાય છે. તો ક્યારે આથી ઊલટું, ઠાકુરનો એક નટખટ બાળક જેવો ભાવ, જેમ મા બાળકને ગમે તેટલું કહે—બધું વ્યવસ્થિત રાખ, બૂમો ન પાડ, તોફાન ન કર, જ્યાં ત્યાં વસ્તુ ન ફેંક—તેમ છતાં બાળક નટખટ ભાવે તોફાન-મસ્તી કરે, વસ્તુ જ્યાં ત્યાં ફેંકે, અહીંતહીં દોડાદોડી કરી માને પરેશાન કરે—આવો બાળસહજ ભાવ ઠાકુરમાં પ્રગટ થતો હતો. ઠાકુરના હૃદયમાં એટલા ભાવો હતા કે તેઓ તો ભાવરાજ્યના રાજા હતા.

મારા પૂર્વાશ્રમની, અહીં આવ્યા અને સાધુ થયા પહેલાંની મારી વાત કહું તો, ત્યારે મને ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના ઉપદેશો ખૂબ જ ગમતા. કારણ કે તેઓનું જીવન કઠોર તપસ્યામય અને તેમનું માનસિક સંતુલન તો અજોડ, બિલકુલ શાંત, પ્રશાંત, ગભીર સમાધિમગ્ન. મુખારવિંદ પર દ્વિધા, સંકોચ, સંદેહ કે ભયનો કોઈ ભાવ નહીં. જ્યારે પણ જુઓ, પાણીમાં રહેલ કમળ જેવા, કમળ પર પાણી પડે તોપણ ભીંજાય નહી તેવો ભાવ જોવા મળે. એમના મનનો ભાવ જ એવો છે કે તેમના પર કોઈ સંકટ, કષ્ટ, દુઃખ કે સંતાપ આવે, મનોભાવ શાંત, પ્રશાંત, ગભીર જ રહે. ત્યારે મને એવું લાગતું કે જે લોકો આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે, તેમનું મન પણ પૂર્ણપણે શાંત થઈ જતું હશે.

પણ ઠાકુરના જીવન અને વાણીનો અભ્યાસ કર્યા પછી એવું લાગે છે કે પૂર્ણશાંતિ પ્રાપ્ત કર્યા પછીનો પણ એક પડાવ છે. ઠાકુર કહે છે કે આપણે , ‘નેતિ, નેતિ,’ ‘આ નહીં, આ નહીં,’ એમ કરતાં કરતાં આધ્યાત્મિક ચેતનાના ઉચ્ચ સ્તરે પહોંચી શકીએ છીએ. ‘નેતિ, નેતિ,’ અર્થાત્‌ ઇન્દ્રિયજન્ય સુખ-ભોગનો ત્યાગ કરી, સાધનાનાં એક પછી એક સોપાનો પાર કરી, સર્વોચ્ચ સોપાન ઈશ્વરપ્રાપ્તિ, ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવું. આત્મસાક્ષાત્કાર થયા પછી સાધક સ્વેચ્છાચારી બની જાય છે. ‘સ્વેચ્છાચાર’નો અર્થ શું છે?

સાધનજીવનના પ્રારંભમાં એકવાર કઠોર તપશ્ચર્યા કરી લેવી પડે છે. એ.સી.માં ન બેસવું, મુલાયમ પથારી પર સૂવાને બદલે જમીન પર સૂવું, પંખાનો ઉપયોગ ન કરવો, ગરમ પાણીથી સ્નાન ન કરવું, અને કામિની-કાંચનની તો વાત જ ક્યાં રહી, તેનો તો સંપૂર્ણપણે ત્યાગ જ કરવાનો છે. મનને આવું દૃઢનિશ્ચયી બનાવી, ‘નેતિ, નેતિ,’ અર્થાત્‌, “હું ઇન્દ્રિયજન્ય સુખ-ભોગ નથી, પંચમહાભૂતથી બનેલું આ શરીર પણ નથી, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર—આમાં ક્યાંય મારું સાચું સ્વરૂપ નથી,” કહેતાં કહેતાં સાધક ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક સોપાનો સર કરે છે.

જ્યારે ભૌતિક વિશ્વનો અંત આવે ત્યારે સત્‌-ચિત્‌-આનંદમય સ્વરૂપનો સાક્ષાત્કાર થશે. આ સ્વરૂપનું વર્ણન તો શક્ય નથી. માટે જ ઠાકુરે વિદ્યાસાગરને કહ્યું હતું કે એક બ્રહ્મ સિવાય બાકી બધું જ એંઠું થઈ ગયું છે, અર્થાત્‌ વાણી દ્વારા વર્ણિત થઈ ચૂક્યું છે.

એ સ્વરૂપ જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે તે સાધક નથી રહેતો તે સિદ્ધ થઈ જાય છે, ‘સ્વેચ્છાચારી’ બની જાય છે. તેના માટે હવે કામિની-કાંચનથી દૂર રહેવું, આ કરવું, આ ન કરવું એવા કોઈ બંધન રહેતા નથી. આ અવસ્થાએ પહોંચ્યા પછી તે ‘इति, इति’ અર્થાત્‌ “બધું જ હું છું. આ શરીર, ઇન્દ્રિય, જીવ, જંતું, સમગ્ર વિશ્વ મારામય છે અને હું સર્વમાં વ્યાપ્ત છું,” કહેતાં કહેતાં વિશ્વબ્રહ્માંડ સાથે તાદાત્મ્યતા પ્રાપ્ત કરે છે. જો બધું જ હું છું તો મારું એક અંગ બીજા અંગ પર કેવી રીતે અત્યાચાર કરી શકે? એક અંગ બીજા અંગનો ભોગ શા માટે કરે? આ સંભવ જ નથી. આ રીતે મારો ‘હું’ સર્વવ્યાપી, બ્રહ્માંડવ્યાપી, સમય અને કાળની સીમાઓને પણ પાર કરી લે છે. આ અવસ્થામાં તેના સુખ-ભોગ અને ઇન્દ્રિયોનો આનંદ વગેરે નષ્ટ થાય છે અને તે સાધક કે સિદ્ધ બાલસહજ, ઉન્માદવત્‌, પિશાચવત્‌, જડવત્‌ બની જાય છે. ઠાકુર આ સર્વોચ્ચ અવસ્થામાં સ્થિત હતા. સમાધિ અવસ્થાની પણ પાર. તેમણે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરેલ હોવાથી લગભગ ઘણી વખત તેમનું આચરણ બાલસહજ જ રહેતું.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.