(3 જાન્યુઆરી, શ્રીમા શારદાદેવી તથા 16 જાન્યુઆરી, સ્વામી સારદાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં જયરામવાટીની પાસેના જ ગામ બદનગંજમાં 7મા ધોરણમાં ભણતા હતા. ત્યારથી જ તેઓ જયરામવાટીમાં શ્રીમાની પાસે આવતા અને તેમની સેવા કરીને ધન્ય બન્યા હતા. મહારાજજીની આ સ્મૃતિકથાનું એક આગવું મહત્ત્વ છે. – સં.)

શ્રીશ્રીમાનો ઘરનો ખર્ચ પૂર્ણ થઈ જતો પરંતુ હાથ પર રૂપિયા રહેતા નહીં, કશું બચતું નહીં. એક દિવસની વાત છે. માએ બોક્સ ખોલીને જેટલા રૂપિયા હતા તે લઈ આવવાનું કહ્યું. મેં કહ્યું, “અગિયાર રૂપિયા છે.” એમણે બધા રૂપિયા મને આપીને કહ્યું, “એક રૂપિયાનું તેલ, એક રૂપિયાનો લોટ, બે રૂપિયાનું ઘી વગેરે ખરીદી લાવજે.” મેં કહ્યું, “ના મા, તમે જેમ કહો છો એમ લખી લઉં છું. હું પાંચ શેર, અઢી શેર એવી રીતે હિસાબ કરીને ખરીદીશ, જેથી ભાવતાલ કરવાનું સહેલું પડે.” મા ખૂબ ખુશ થઈને કહેતાં, “હા દીકરા, તું ખૂબ બુદ્ધિમાન છોકરો છે, તારી ઇચ્છા પ્રમાણે હિસાબ કરીને ખરીદી લાવજે. હું તો દીકરા, આટલો હિસાબ ન કરી શકું.” ક્યારેક ક્યારેક રૂપિયા ખૂટી જતાં તેઓ કહેતાં, “આજે અંગ્રેજી મહિનાની કઈ તારીખ છે?” હું કહેતો આજે ૨૭ તારીખ છે, ત્યારે તેઓ કહેતાં, “(મહિનો પૂરો થવામાં) હવે કેટલા દિવસ બાકી છે?” મેં ચાર દિવસ બાકી છે, તેમ કહ્યું તો તેઓ કહેતાં, “તો હવે શું? થોડા દિવસ પછી ઇન્દુના રૂપિયા આવશે, માસ્ટરના પાંચ રૂપિયા આવશે ત્યારે વધારે ખરીદી કરીશું.” રાંચીના ઇન્દુબાબુ મહિનાની ૧ અથવા ૨ તારીખે નિશ્ચિતપણે માને ૧૫ રૂપિયા મોકલતા. માસ્ટર મહાશય પણ ૫ રૂપિયા મોકલતા. એ સમયે ગામડામાં એક મણ ધાનના બે રૂપિયા હતા. (માસ્ટર મહાશય એટલે શ્રી મ., કથામૃતના લેખક.)

એક વાર ઇન્દુબાબુની સાથે અમારા હેડ માસ્ટર મહાશયશ્રી પ્રબોધબાબુની જયરામવાટીમાં મુલાકાત થઈ. એમનો વાર્તાલાપ ખૂબ જામી જતો. બે-ત્રણ દિવસ પછી પ્રબોધબાબુ કોઆલપાડા જઈને રહેવા માગતા હતા. કારણ કે એક સાથે વધારે ભક્તો રહેવાથી માને અસુવિધા થાય. પરંતુ માએ કહ્યું, “કોઆલપાડા શું કામ? અહીં જ રહેને. થોડું ખાવાનું તો કરવું પડશે, એ સિવાય બીજુ તો કંઈ નહીં. મને કશી અસુવિધા નહીં થાય. તમારા બન્નેમાં સરસ મિત્રતા જામી ગઈ છે. જેટલા દિવસ ઇન્દુ છે, તું પણ અહીં જ રહે.” હું ભોજન બનાવવા માટે લાકડાંને પાતળાં પાતળાં કરીને કાપી રહ્યો હતો. પ્રબોધબાબુ ‘મને આપ’ કહીને થોડાં લાકડાં ચીરતાં જ મા પોતે બેઠકખાના પાસે આવીને બોલ્યાં, “ના બેટા! તારે કરવાની જરૂર નથી, રામમયને અભ્યાસ છે. એ ભલે કરે. તમારા બધાની ઉંમર થઈ ગઈ છે. હાથમાં પીડા થશે.” માસ્ટર મહાશયે કહ્યું, “અમે Gentleman! Disqualified! (અયોગ્ય) થોડો પરિશ્રમ કરીને સેવા કરવાનો પણ અમને અધિકાર નથી!”

એક દિવસ માના પટારાનાં બધાં કપડાં તડકે સૂકવું છું—એક ફાટેલું આસામ સિલ્કનું એન્ડિ અથવા રેશમનું વસ્ત્ર હશે—ઠીક શેનું મને ખબર ન હતી. વસ્ત્ર થોડું ફાટેલું જોઈને મેં કહ્યું, “મા, આ વસ્ત્ર ફેંકી દઉં, થોડું ફાટેલું છે.” માએ કહ્યું, “ના બેટા, ફેંકીશ નહીં, ‘બાળકી’ એ મને ખૂબ આદરપૂર્વક આપ્યું છે.” બાળકી એટલે ભગિની નિવેદિતા. ભગિની નિવેદિતાને મા ખૂબ સ્નેહ કરતાં.

જે દિવસે સ્વામી વિવેકાનંદે નિવેદિતાને માનાં દર્શન કરવા મોકલ્યાં હતાં ત્યારે તેઓને ભય હતો કે મા તો રૂઢિચુસ્ત, ગામડામાં ઊછરેલાં, પાછાં નિવેદિતાને મ્લેચ્છ કહીને ભગાવી ન દે. તદ્‌ ઉપરાંત માને ન આવડતું અંગ્રેજી અને નિવેદિતાને ન આવડતું બંગાળી. માટે જ ભાષાંતર કરવા માટે સ્વામીજીએ સાથે પોતાના શિષ્ય સ્વરૂપાનંદને મોકલ્યા હતા. જ્યારે માએ નામ પૂછ્યું ત્યારે નિવેદિતાએ અંગ્રેજીમાં કહ્યું, “મારું નામ છે માર્ગારેટ એલિઝાબેથ નોબલ.” માએ કહ્યું, “બેટા, હું આટલું લાંબુ નામ યાદ નહીં રાખી શકું. હું તને ‘બાળકી’ કહીને બોલાવીશ.” ત્યારે સ્વરૂપાનંદજીએ સમજીને ભાષાંતર કરીને નિવેદિતાને કહ્યું, “Mother will not be able to utter such a big name, She will call you ‘Baby’” નિવેદિતા ખૂબ ખુશ થઈને કહેવા લાગ્યાં, “Yes, yes, I am Mother’s baby” (હા, હા, હું માની બાળકી છું). સ્વામીજીની પાસે જઈને હર્ષોત્ફુલ્લ સ્વરે કહ્યું, “માએ મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, મને ચરણસ્પર્શ કરીને પ્રણામ કરવા દીધા છે, પ્રસાદ આપ્યો તથા મને ‘બાળકી’ કહીને પોકારશે એમ કહ્યું છે.” માની સાથે પોતે વાર્તાલાપ કરી શકે એ માટે નિવેદિતા સ્વરૂપાનંદજી પાસે બંગાળી શીખ્યાં. મા આવી રીતે બધાંને સ્નેહ કરતાં. બધાંને આદર કરતાં.

માને ભજન સાંભળવા ખૂબ ગમતાં. એક વાર ઇન્દ્રદયાલબાબુ (પછીથી સ્વામી પ્રેમેશાનંદ), મોક્ષદાબાબુ વગેરે કેટલાક ભક્તો જયરામવાટી આવ્યા હતા. તેઓએ ઘણાં ભજનો ગાઈને માને સંભળાવ્યાં હતાં. મા પણ ખૂબ આનંદથી સાંભળતાં. છેવટે માને ઘેરીને કીર્તન પણ થયું હતું. એક વાર વિશુદા (સ્વામી તપાનંદજી)એ જયરામવાટીમાં અનેક ભજનો ગાયાં હતાં. અમારા હેડ પંડિત મહાશયે (સંસ્કૃતના મુખ્ય શિક્ષક) પખાવજ વગાડ્યું હતું. મોડી રાત સુધી ભજનો ચાલ્યાં હતાં, મા ખૂબ ખુશ થયાં હતાં. ગામના ઘણા લોકો ભેગા થયા હતા.

એક ભક્ત બહેને માની સેવા કરવાની ઇચ્છા પ્રગટ કરતાં માએ કહ્યું, “ના બેટા! અહીંયાં ઠાકુરની સેવા છે, નહિ ચાલે. હું સત્‌ની પણ મા છું, અસત્‌ની પણ મા છું. સતીની પણ મા છું, અસતીની પણ મા છું. પરંતુ ઠાકુરની સેવામાં નહીં ચાલે. પૂર્ણશુદ્ધ સ્ત્રીઓ કેટલી છે? આંગણીના વેઢે ગણી શકાય એટલી.”

જે દિવસે જયરામવાટીમાં પૂજ્યપાદ શરત્‌ મહારાજનાં પહેલી વાર દર્શન કર્યાં હતાં, તે દિવસે દૂરથી જ એમનું વિશાળ કાય સ્વરૂપ નિહાળીને પાસે જતા ડર લાગ્યો હતો. તેથી એમને રસ્તા પરથી જોઈને સીધો માની પાસે ચાલ્યો ગયો હતો. માને પ્રણામ કરતાં જ તેઓ ખૂબ ખુશ થઈને બોલ્યાં, “રામમય, શરત્‌ આવ્યો છે, જોયો?” મેં કહ્યું, “હા મા, જોયા, પણ દૂરથી.” માએ કહ્યું, “પાસે ન ગયો, શરત્‌ને પેન્નામ ન કર્યા?” (માએ પ્રણામની જગ્યાએ ગામઠી શબ્દ ‘પેન્નામ’ વાપર્યો છે. એમણે વાપરેલ મૂળ શબ્દો વાંચીને આપણે એમની વાણીની મધુરતાનો આસ્વાદ લઈ શકીએ છીએ.) મેં કહ્યું, “ના મા, ભય લાગે છે.” માએ કહ્યું, “મૂર્ખ બાળક! શરત્‌નો વળી ભય? જોજે તને કેટલો સ્નેહ કરશે, જા,” મેં માના ઘરનું ચોગાન ઓળંગીને પૂજનીય શરત્‌ મહારાજની પાસે જઈને પ્રણામ કર્યા.

તેઓ મારું નામ, મારું ઘર ક્યાં, શું કામ જયરામવાટી આવ્યો છું, કોઈ સગાંવહાલાં કે મિત્ર છે કે નહીં વગેરે પૂછવા લાગ્યા. હું નાનો હતો, તે જોઈને ‘હું માની પાસે જ આવું છું’ એ તેઓ સમજી ન શકવાથી મેં સીધો ઉત્તર આપ્યો, “હું પ્રત્યેક શનિવારે માની પાસે આવું છું અને સોમવારે શાળાએ પાછો ફરી જાઉં છું.” ત્યારે તેઓ સમજ્યા. (આટલી નાની ઉંમરે માના ચરણાશ્રિત થવાની બુદ્ધિ રામમય મહારાજમાં નહીં આવી હોય, એમ વિચારી શરત્‌ મહારાજે અનુમાન કર્યું હતું કે પોતાના મિત્ર કે સગાંસંબંધી સાથે રામમય મહારાજ માની પાસે આવે છે.)

એમની વાતો એટલી સ્નેહમય હતી કે મને પણ ખૂબ આનંદ થયો. થોડી વાર પછી મા મારું નામ લઈને પોકારવા લાગ્યાં અને થોડું ખાવાનું આપ્યું. ત્યારે પૂજનીય શરત્‌ મહારાજને સમજવાનું બાકી ન રહ્યું કે મા મને ખૂબ સ્નેહ કરે છે. હું ઘરમાં બધાનો વિશેષ પરિચિત છું એ જોઈને મહારાજે મને કહ્યું, “જો, મા ક્યારે શું કરે છે તેના પર નજર રાખજે. જ્યારે તેમની પાસે કશું કામ ન હોય ત્યારે આવીને મને જણાવજે. ત્યારે હું તને માને એમ પૂછવા મોકલીશ કે હું પ્રણામ કરવા જઈ શકું કે નહીં. જોજે, જેમ કહ્યું તેમ કરજે, પોતાની બુદ્ધિ ચલાવતો નહીં.” મેં સમજી લીધું. પાછો હું માને કામના સમયે પ્રણામની વાત ન કરું એ વિશે સાવધ કરી દીધો.

હું બરાબર આદેશ મુજબ જઈને કહેતો, “મહારાજ, મા શાકભાજી સમારીને અત્યારે પોતાના ઓરડામાં બેઠાં છે.” આ સાંભળતાં જ મહારાજ કહેતા, “માની પાસે જઈને બે હાથ જોડી પૂછી આવ, હું અત્યારે પ્રણામ કરવા આવી શકું કે કેમ.” માને પૂછતાં તરત જ કહેતાં, “હા બેટા, શરત્‌ને આવવા માટે કહે.”

હું મહારાજની પાછળ પાછળ જઈને વરંડામાં ઊભો ઊભો બધું જોતો. માના ઓરડાનો દરવાજો હતો નાનો અને મહારાજ હતા સ્થૂળકાય. સીધા પ્રવેશી શકતા નહીં, ત્રાંસા થવું પડતું. મા પોતાની ચારપાઈ પર બેસીને બન્ને પગ જમીન પર રાખતાં. મહારાજ ઘૂંટણિયે પડીને માનાં શ્રીચરણે માથું રાખીને પ્રણામ કરતા. મા પણ ત્યારે બન્ને હાથ માથા પર મૂકીને આર્શીવાદ આપતાં. પછી મહારાજ પૂછતા, “મા, મજામાં છો ને?” મા જવાબ આપતાં, “હા બેટા, હું મજામાં છું. તું મજામાં છો?” તેઓ જવાબ આપતાં, “હા, મા હું મજામાં છું.” હું દરરોજ આ એક જ પ્રશ્ન અને ઉત્તર સાંભળતો. પ્રણામ પછી મહારાજ ધીરે ઊઠીને માની સામે દૃષ્ટિ રાખીને, માની તરફ પીઠ ન કરીને પાછા પગે ચાલતાં ચાલતાં ઓરડાની બહાર આવ્યા પછી સીધા થઈને બેઠકખાનામાં જતા. મા મહારાજની સામે ઘૂમટો તાણતાં તેથી મહારાજ કહેતા, “હું જાણે કે એમનો સસરો છું! મારી સામે પણ આટલો મોટો ઘૂમટો!” (શરત્‌ મહારાજ રમૂજી ઢબે આ મંતવ્ય પ્રગટ કરે છે.)

આજકાલ કેટલાક ભક્તો કેટલી ચિત્ર-વિચિત્ર વાતો કરે છે. સાંભળીને હસવું આવે. કોઈ કોઈ મને પૂછતા, “શું મા ગળામાં સોનાનો હાર પહેરતાં, માથે સિંદૂર પૂરતાં?” હું તેમને કહેતો, “આ બધી વ્યર્થ વાતો. મા માત્ર હાથમાં સોનાની બંગળીઓ પહેરતાં. ગળામાં સોનાના પાતળા તારમાં પરોવાયેલ રુદ્રાક્ષની માળા પહેરતાં.”

કેદારબાબુનાં ધર્મપત્ની માના શરીર પર તેલ લગાવી દેતાં. (કોઆલપાડા આશ્રમના સ્થાપક કેદારબાબુ વિવાહિત હતા પરંતુ સંન્યાસ-ગ્રહણ કર્યો હતો અને સ્વામી કેશવાનંદ નામ પ્રાપ્ત થયું હતું.) મેં તેમને આ વિશે પ્રશ્ન કર્યો હતો. તેઓએ ઉત્તર આપ્યો હતો, “આ બધી ઢંગધડા વગરની વાતો.” એ સમયે રામકૃષ્ણ મઠના અધ્યક્ષ હતા પૂજનીય માધવાનંદજી મહારાજ. તેઓ કહેતા, “….માનાં બે-ચાર શિષ્ય-શિષ્યાઓ એવાં છે કે જેમની વાતો થોડું મીઠું ભભરાવીને ગ્રહણ કરવી (અતિશયોક્તિ બાદ કરીને ગ્રહણ કરવી). તેઓ થોડી ચિત્ર-વિચિત્ર વાતો કરે.” હું માના માથામાંથી સફેદ વાળ ચૂંટી આપતો. ક્યારેય માથામાં સિંદૂર લગાડેલું જોયું નથી.

પૂંથિકાર શ્રદ્ધેય અક્ષય માસ્ટર મહાશય કહેતા, “જો ભાઈ! ઠાકુર મારા ગુરુ તથા જીવન-સર્વસ્વ છે. છતાં પણ માનો એટલો સ્નેહ કે જો ઠાકુરનું સ્મરણ દિવસમાં બસો વાર થાય તો મા હજાર વાર યાદ આવે છે. ઠાકુર જાણે કે પ્રચંડ માર્તન્ડ (સૂર્ય), તથા મા જાણે કે સુસ્નિગ્ધ ચંદ્રમા. પરંતુ ભાઈ, આવી સ્નેહમયી જનની પણ પ્રારબ્ધને હાથ ન લગાવે, એનો ભોગ તો આ શરીર ઉપર જ થશે.” (અર્થાત્‌ મા પ્રારબ્ધ ક્ષમા ન કરી દે અને પ્રારબ્ધ એટલે આપણે કરેલ કુકર્મનાં ફળ આ શરીરમાં જ ભોગવવાં પડશે.)

ત્યારે એમણે એક ઘટના વર્ણવી, “એક દિવસ હું અને ઉમેશ ડોક્ટર માનાં દર્શન કરવા ગયા હતા. વાતવાતમાં માએ સરળ, સહજ ભાવથી આંગળી અને અંગૂઠાનો ઇશારો કરીને કહ્યું, ‘પાછલી ઉંમરમાં અક્ષયને થોડું કષ્ટ છે.’ પરંતુ તે વખતે કશું સમજી શક્યો ન હતો. પછીથી ઘરે જેટલું વિચાર્યું એટલો જ પરાન (પ્રાણ) આકુળવ્યાકુળ થવા લાગ્યો. બે-ત્રણ દિવસ પછી ઉમેશ ડોક્ટર માનાં દર્શન કરવા ગયા હતા. મેં એમના મારફત માને કહેવડાવ્યું, ‘માને જઈને કહેજે મારી પાછલી ઉંમરમાં કષ્ટ થશે, સાંભળીને મોટી ચિંતામાં પડ્યો છું. મા જો આશીર્વાદ કરે તો તે કપાઈ જાય.’ પરંતુ એ વિનંતી સાંભળ્યા પછી પણ માએ કહ્યું હતું, ‘સામાન્ય થોડું કષ્ટ થશે જ.’ ‘નહીં થાય’ એવું માએ કહ્યું નથી. ‘થોડું’ કષ્ટ કેવા પ્રકારનું છે એ તો તમે જોઈ જ રહ્યા છો!”

અક્ષય માસ્ટર મહાશયને ઢળતી ઉંમરે ખૂબ દુ:ખ વેઠવું પડ્યું હતું. પરંતુ પૂરા દિવસ-રાત દરમ્યાન ક્યારેય ઠાકુર અને માની વાતો સિવાય બીજી કોઈ વાત કરતા નહીં. મારી સાથે ઘણી વાતો કરતા અને કહેતા, “અત્યારે આ બધી વાતો માત્ર સાંભળી રાખ, માએ તો તારા ઉપર કૃપા કરી છે એટલે તને એક દિવસે બધું સમજાઈ જશે, ત્યારે યાદ આવશે કે હા, વૃદ્ધે આ બધું સાચેસાચું કહ્યું હતું.”

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.