(ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં જયરામવાટીની પાસેના જ ગામ વદનગંજમાં 7મા ધોરણમાં ભણતા હતા. ત્યારથી જ તેઓ જયરામવાટીમાં શ્રીમાની પાસે આવતા અને તેમની સેવા કરીને ધન્ય બન્યા હતા. મહારાજજીની આ સ્મૃતિકથાનું એક આગવું મહત્ત્વ છે. – સં)

ઘણા લોકો મા પાસેથી દીક્ષા ગ્રહણ કરતા તે હું જોતો. થોડા દિવસ પછી મેં વિચાર્યું કે હું પણ મા પાસેથી દીક્ષા લઈશ. મને સંદેહ થયો કે હું તો ઠીંગણો અને સોળ-સત્તર વર્ષનો. મા દીક્ષા આપવા રાજી થશે કે કેમ? (અર્થાત્‌ મહારાજને ઉંમરમાં નાના સમજીને મા દીક્ષા આપશે કે નહિ.) શ્રીમાનાં એક વૃદ્ધ શિષ્યા માની સેવા માટે જયરામવાટીમાં રહેતાં. તેમનો દીકરો વકીલ હતો. મેં એમની સલાહ લીધી. મેં પૂછ્યું, “મારી તો દીક્ષા લેવાની ઇચ્છા છે. તમે તો અહીંયાં હંમેશાં માની પાસે રહો છો. તમને શું લાગે છે, મા દીક્ષા આપશે?” તેઓએ કહ્યું, “ભાઈ, તને તો દીક્ષા આપશે જ, કેમ કે જો તું કોઈ કારણસર કોઈક શનિવારેની બપોરે ન આવી શકે તો મા વારંવાર તને યાદ કરે છે. કહેશે, ‘રામમય કેમ ન આવ્યો? તો શું દીકરાને તાવ આવ્યો હશે?’ થોડી વાર પછી ફરીથી કહેશે, ‘વિદ્વાન, બુદ્ધિમાન દીકરો. ભણવામાં વધુ ધ્યાન પરોવ્યું હશે. લાગે છે કોઈ પરીક્ષા આપી રહ્યો છે, એટલે જ માને ભૂલી ગયો છે.’ વગેરે. આમ પળેપળ તને યાદ કરે છે. જો તને આટલો સ્નેહ કરતાં હોય તો તને દીક્ષા આપશે જ. પણ જો તને એમ કહે કે, ‘થોડો મોટો થઈને લેજે.’ તો જુદી વાત છે.”

(રામમય મહારાજ પ્રતિ શનિવારે શાળામાંથી છૂટીને સીધા જયરામવાટી આવતા, રવિવારનો દિવસ રહેતા અને સોમવારે સવારે સીધા શાળામાં પહોંચી જતા.)

હું તો મોટો જ હતો પણ ઠીંગણો હોવાથી નાનો દેખાતો. છેેવટે માને વાત કરતાં તેઓ ખૂબ ખુશ થઈ ગયાં. એમણે કહ્યું, “સારું, તું દીક્ષા લઈશ તો? આસન પાથરીને ઠાકુરને પ્રણામ કરીને બેસ.” શ્રીમાના આસન ઉપરાંત પણ બીજા બે આસન હતાં. જો કોઈ પતિ-પત્ની દીક્ષા લેવા આવે તો હું બે આસન પાથરી દેતો. આ બેમાંથી એક આસન માની સામે પાથરીને ઠાકુર અને માને પ્રણામ કરીને બેઠો. મા એક પાત્રમાં જળ લઈને મારી ઉપર છાંટતાં છાંટતાં બોલ્યાં, “પૂર્વજન્મનાં પાપ નષ્ટ થઈ જાઓ. આ જન્મનાં જાણ્યે-અજાણ્યે કરેલાં બધાં પાપ નષ્ટ થઈ જાઓ.” આમ કરી માએ મારો દેહ શુદ્ધ કરી દીધો. પછી એક દેવતા નામનું ઉચ્ચારણ કરીને બોલ્યાં, “શું આ જ તારા ઇષ્ટદેવતા છે?” કદાચ હું સમજી શક્યો નથી, એમ વિચારીને ફરીથી કહ્યું, “આમની જ તો તું સૌથી વધારે શ્રદ્ધા-ભક્તિ કરે છે ને? એમનો મંત્ર જ તને આપીશ.” ત્યારે મેં કહ્યું, “મા, તમે બરાબર જ પકડ્યું છે. હું એમની જ સૌથી વધારે શ્રદ્ધા-ભક્તિ કરતો, પરંતુ હવે ઠાકુરનું પુસ્તક વાંચીને બધાં દેવી-દેવતા એક સમાન પ્રતીત થાય છે. અચ્છા, જો મને કોઈ મંત્ર જોઈતો હોય તો આપશો?” માએ કહ્યું, “બોલ.” ત્યારે મેં એક મંત્ર માગ્યો. માએ કહ્યું, “શું આ મંત્ર મેળવવાથી તું ખુશ થઈશ!” મેં કહ્યું, “હા.” ત્યારે માએ એ જ ઇષ્ટદેવતાનો બીજમંત્ર આપીને, કેવી રીતે ૧૦૮ વાર જપ કરવા એ સમજાવી દીધું. બે-ચાર વાતો અને ઉપદેશ આપીને કહ્યું, “બેટા, ગુરુ અને ઇષ્ટને એક સમાન જાણજે. કોઈ ભેદભાવ રાખીશ નહીં.” એ વખતે મને ખબર નહોતી કે દીક્ષા પછી ગુરુદક્ષિણા આપવી જોઈએ અને એ ઉપરાંત, મારા ખિસ્સામાં એક પૈસો પણ હતો નહીં.

હું ઘરેથી જમીને શાળાએ જતો અને ત્યાંથી જયરામવાટી—ચાલીને જ બધી જગ્યાએ જતો, તેથી પૈસા સાથે રાખવાની જરૂર રહેતી નહીં. મા પણ ગુરુદક્ષિણા વિશે કશું બોલ્યાં નહીં. હું પહેલાં માનાં શ્રીચરણોમાં મસ્તકથી સ્પર્શ કરીને પ્રણામ કરતો, પરંતુ માએ કહ્યું હતું કે હાથ સ્પર્શ કરીને પ્રણામ કરવાથી ચાલશે. દીક્ષા પછી મેં જ્યારે માનાં શ્રીચરણોને હાથથી સ્પર્શ કરીને પ્રણામ કર્યા ત્યારે માએ કહ્યું, “આજે તો મસ્તકથી સ્પર્શ કરીને પ્રણામ કરવાના હોય, કારણ કે આટલા દિવસ જેઓ ‘મા’ હતાં, તેઓ આજે ‘ગુરુ’ બન્યાં છે.” એમણે જે પ્રમાણે શિખવાડ્યું, તે પ્રમાણે મેં માથું સ્પર્શ કરીને પ્રણામ કર્યા. માએ બંને હાથ મારા મસ્તક પર રાખી આશીર્વાદ આપતાં કહ્યું, “ચાલ, બેટા થોડું ખાઈ લે, ચાલ. સમય થયો છે, ભૂખ લાગી હશે.” હું જેવો બહાર નીકળ્યો એવો જ જ્ઞાનદાએ (સ્વામી જ્ઞાનાનંદ) મને બોલાવીને પૂછ્યું, “માને કાંઈ ગુરુદક્ષિણા આપી?” મેં કહ્યું, “ના, કેવી રીતે આપું? મારા ખિસ્સામાં તો એક પણ પૈસો નથી.” ત્યારે જ્ઞાનદાએ એમના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢી રૂપિયો, આઠ પાવલી વગેરે જે હતું, તે બધું મારા હાથમાં આપી દીધું. બધું થઈને લગભગ અઢી-ત્રણ રૂપિયા હશે.

એ બધું લઈને જેવો હું શ્રીમાના દરવાજા પાસે પહોંચ્યો કે મા બોલ્યાં, “શું થયું, દીકરા?” ત્યારે મેં એ રૂપિયા માને બતાવ્યા. એમણે પૂછ્યું, “ક્યાંથી મળ્યા?” મેં કહ્યું, “જ્ઞાનદાએ આપ્યા.” માએ કહ્યું, “સારું, આપ.” માએ દક્ષિણા ગ્રહણ કરી. મેં ફરી તેમનાં શ્રીચરણોમાં માથું રાખીને પ્રણામ કર્યા. માએ આશીર્વાદ આપતાં કહ્યું, “ચાલ, થોડું ખાઈ લે.” માએ મને એક નાની થાળીમાં મમરા આપ્યાં અને એમણે પણ લીધાં. મા અને હું સાથે ખાવા બેઠાં. માએ પોતાની થાળીમાંથી મમરા લઈને મારી થાળીમાં રાખતાં કહ્યું, “ખા, બેટા ખા. હું હવે વૃદ્ધ થઈ છું. મારા દાંત હલે છે, ચાવી શકતી નથી.” આમ મારા માગ્યા વગર માએ મને પ્રસાદ આપ્યો. (દીક્ષા ખાલી પેટે લેવાની હોય) અત્યારે તો ભક્તો દીક્ષા લઈને, પહેલાં ગુરુનો પ્રસાદ લઈને પછી ઉપવાસ તોડે. પણ મને તો માગ્યા વગર જ કરુણામયી માએ પ્રસાદ આપ્યો.

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.