સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મ વિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે કર્મનો અર્થ તેનાં ફળ થાય છે—જેનું કારણ આપણાં પૂર્વકર્મો હોય. કર્મયોગમાં કર્મ એટલે કાર્ય એવો અર્થ સમજવાનો છે. માનવજાતનું ધ્યેય જ્ઞાન મેળવવાનું છે. પૂર્વની ફિલસૂફીએ આ એક આદર્શ આપણી સમક્ષ મૂકેલો છે. માનવજાતનું ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે. મોજમજા અને સુખ નાશવંત છે. મોજમજા એ ધ્યેય છે એમ માનવું ભૂલભરેલું છે. માણસ મૂર્ખાઈથી માની બેસે છે કે મોજમજા એ જ જીવનનું ધ્યેય છે, તેને લીધે જ દરેક પ્રકારનું દુઃખ જગતમાં ઉત્પન્ન થાય છે. પણ થોડો સમય પસાર થાય ત્યાં તો માનવીને સમજાઈ જાય છે કે પોતે મોજમજા નહીં, પણ જ્ઞાન તરફ જઈ રહ્યો છે; તેને સમજાઈ જાય છે કે મોજમજા અને દુઃખ એ બંને મહાન શિક્ષકો છે; અને શુભ તેમજ અશુભ બંનેમાંથી એ સરખું શીખે છે. મોજમજા અને દુઃખ બંને એના આત્મા પાસેથી પસાર થાય ત્યારે એના પર વિવિધ ચિત્રોની છાયા મૂકતાં જાય છે; અને આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ ‘ચારિત્ર્ય’. માણસના ચારિત્ર્યનો વિચાર કરો ત્યારે એમ માલૂમ પડે છે કે એ ખરેખર વલણનો સમૂહ છે. ચારિત્ર્ય એટલે માનવમનનાં વલણોનો સરવાળો. ચારિત્ર્યના ઘડતરમાં દુઃખ અને સુખ, શુભ અને અશુભ, બંને સરખો ભાગ ભજવે છે અને કેટલીક વાર તો સુખ કરતાં દુઃખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે. જગતના સર્વોત્તમ ચારિત્ર્યશીલ માનવીઓનો અભ્યાસ કરવામાં આવે તો, હું ધારું છું કે, મોટા ભાગના દાખલાઓમાં સુખ કરતાં દુઃખે વધારે શિક્ષણ આપ્યું હશે, ધન કરતાં નિર્ધનતાએ વધારે શિક્ષણ આપ્યું હશે અને પ્રશંસા કરતાં પ્રહારોએ આંતરિક સત્ત્વને બહાર લાવવામાં વિશેષ સહાય કરી હશે.
વળી, આ જ્ઞાન માનવીમાં વારસાનુગત છે. જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંતર્નિહિત છે. આપણે જ્યારે એમ કહીએ કે માણસ ‘જાણે છે’, ત્યારે ખરી રીતે શુદ્ધ માનસશાસ્ત્રની ભાષામાં એનો અર્થ એણે— ‘શોધ્યું છે’ કે ‘આવરણ સરાવ્યું છે’ —એવો થાય. માણસ જે ‘શીખે’ છે તે ખરી રીતે એણે જ્ઞાનની અનંત ખાણ સમા પોતાના આત્મા પરના આવરણને દૂર કરીને ‘શોધ્યું’ છે.
આપણે કહીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. આ ગુરુત્વાકર્ષણનો નિયમ જગતના કોઈ ખૂણામાં શું એની રાહ જોતો બેઠો હતો? એ નિયમ ન્યૂટનના મનમાં જ હતો; સમય પાક્યો ત્યારે એ ન્યૂટનને જડ્યો. જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે; પણ તમારા અભ્યાસનો વિષય હંમેશાં તમારું મન જ હોય છે. સફરજનના પડવાથી ન્યૂટનને સૂચન મળ્યું અને ન્યૂટને પોતાના મનનો અભ્યાસ કર્યો; એણે પોતાના મનમાં વિચારોની સર્વ પૂર્વકડીઓને ફરી વાર ગોઠવી અને એમાંથી એને વિચારની એક નવી કડી મળી. આ નવી કડી એટલે આપણે જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ તે છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ સફરજનમાં છુપાયો ન હતો, એ પૃથ્વીના કોઈ મધ્યબિંદુમાં છુપાયો ન હતો.
એટલે સમગ્ર જ્ઞાન, આધ્યાત્મિક કે પાર્થિવ, માનવમનમાં રહેલું છે. ઘણા દાખલાઓમાં એ ‘જડતું’ નથી પણ આવરણથી ઢંકાયેલું રહે છે; પરંતુ જ્યારે એ આવરણ ધીમે ધીમે દૂર થાય, ત્યારે આપણે કહીએ છીએ કે, ‘આપણે જ્ઞાન મેળવીએ છીએ.’ આવરણ દૂર કરવાની ક્રિયા જેટલી પ્રગતિ સાધે તેટલી જ્ઞાન મેળવવામાં આપણી પ્રગતિ થાય. જેનું આ આવરણ દૂર થતું જાય તે વધારે જ્ઞાની, જેનું આ આવરણ ગાઢ થતું જાય તે અજ્ઞાની અને જેનું આ આવરણ સાવ દૂર થયું છે એ પૂર્ણ જ્ઞાની, સર્વજ્ઞ. સર્વજ્ઞ માણસો અગાઉ થઈ ગયા છે અને હું માનું છું કે હજુ થતા રહેશે; અને હવે પછીના સૃષ્ટિના ક્રમમાં અનેક સંખ્યામાં એવા માણસો મળી રહેશે. કાષ્ઠમાં જેમ અગ્નિ રહે છે, તેમ મનમાં જ્ઞાન રહે છે. ઘર્ષણથી અગ્નિ પ્રગટે છે તેમ સૂચનથી જ્ઞાન પ્રગટે છે. આવું જ કંઈક આપણી સર્વ લાગણીઓ અને કાર્યો વિશે સમજવાનું છે. જો આપણે આપણો પોતાનો બરાબર અભ્યાસ કરીએ તો માલૂમ પડશે કે આપણાં આંસુ અને આપણું સ્મિત, આપણો આનંદ અને આપણો શોક, આપણાં રુદન અને આપણાં હાસ્ય, આપણા શાપ અને આપણા આશીર્વાદ, આપણી પ્રશંસા અને આપણી નિંદાઓ, આ સર્વ આપણા પોતામાંથી જ આઘાતો વડે પ્રેરાઈ આવેલાં છે. અને આપણે જે કાંઈ છીએ એ આ બધાનું જ પરિણામ છે. આ સર્વ આઘાતોને એકત્રરૂપમાં કર્મ, ક્રિયા, કાર્ય કહેવાય છે. આત્માને અપાયેલા દરેક માનસિક કે શારીરિક પ્રહાર એટલે કર્મ છે. આ ‘કર્મ’ શબ્દ એના વ્યાપક અર્થમાં અહીં વપરાયેલો છે. આત્માને અપાતા આ દરેક માનસિક કે શારીરિક પ્રહારને લીધે, જાણે તેમાંથી અગ્નિ ઝબકે છે અને તેને પરિણામે એને શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એથી આપણે સહુ સર્વદા કર્મ કરી રહ્યા છીએ. હું તમારી સાથે વાત કરું છું, તે કર્મ છે. તમે મને સાંભળો છો, તે કર્મ છે. આપણે શ્વાસ લઈએ છીએ, તે કર્મ છે. આપણે ચાલીએ છીએ, જે કાંઈ શારીરિક અને માનસિક ક્રિયાઓ કરીએ છીએ, તે બધું કર્મ છે અને એની નિશાનીઓ એ આપણા પર મૂકતું જાય છે.
અમુક કાર્યો જાણે કે અનેક નાનાં કામોનો સંગ્રહ—સરવાળો—હોય તેવાં છે. આપણે સાગરકાંઠે ઊભા રહીએ અને ખડક સાથે પછડાતાં મોજાંનો અવાજ સાંભળીએ તો એમ લાગશે કે જાણે ઘણો મોટો અવાજ આવે છે; એમ છતાં આપણે જાણીએ છીએ કે એક મોજું કરોડો નાનાં મોજાંના સમૂહનું બનેલું છે. આ દરેક નાનું મોજું અવાજ કરતું હોય છે છતાં તે આપણે સાંભળી શકતા નથી; જ્યારે આ નાનાં મોજાં એકત્રિત થઈને મોટું મોજું બને, ત્યારે આપણે અવાજ સાંભળીએ છીએ. એવી રીતે હૃદયનો એકેએક ધબકારો કાર્ય છે. અમુક જાતનાં કાર્ય આપણે અનુભવી શકીએ છીએ, એ સ્પષ્ટ છે, તેમ છતાં એ સર્વ અનેક નાનાં નાનાં કાર્યોનો સમૂહ હોય છે. વ્યક્તિના ચારિત્ર્યનો નિર્ણય કરવો હોય તો માત્ર એનાં મોટાં કાર્યો જ તપાસવાનાં ન હોય. જિંદગીના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને. વ્યક્તિ નાનાં નાનાં કાર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈએ. આ નાનાં કાર્યોમાંથી મહાન વ્યક્તિના સાચા ચારિત્ર્યની ઓળખ મળશે. મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.
ચારિત્ર્ય ઉપર અસર પાડનાર કર્મ જ જબ્બર શક્તિ છે અને તેની સાથે માણસે વ્યવહાર કરવાનો હોય છે. માનવ જાણે કે મધ્યબિંદુ છે, પોતા તરફ વિશ્વની સર્વ શક્તિઓને એ આકર્ષે છે અને આ મધ્યબિંદુમાં એ સર્વ શક્તિઓને ગૂંથીને એમને જબ્બર પ્રવાહમાં એ બહાર ધકેલે છે. આ મધ્યબિંદુ એ જ સાચો માણસ છે—એ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે—અને સમગ્ર વિશ્વને એ પોતા ભણી આકર્ષે છે. શુભ અને અશુભ, દુઃખ અને સુખ, એ સર્વ એના ભણી દોટ કાઢે છે, એની આસપાસ વળગી રહે છે; અને એમાંથી એ, જેને ચારિત્ર્ય કહેવામાં આવે છે, તે વલણના પ્રબળ પ્રવાહને ઘડી એને બહારની તરફ ધકેલે છે. જેમ એનામાં પોતા ભણી સર્વને આકર્ષવાની શક્તિ છે, તેમ એનામાં એ સર્વને બહાર ધકેલવાની પણ શક્તિ છે.
જે સર્વ કાર્ય આપણે જગતમાં જોઈએ છીએ, મનુષ્ય સમાજની જે સર્વ પ્રકારની ક્રિયાઓ અને જે સર્વ કામો આપણી આસપાસ પડેલાં છે, તે બધું વિચારનું પ્રદર્શન છે, તે સર્વ માનવની ઇચ્છાશક્તિનો આવિષ્કાર છે. યંત્રો અથવા ઓજારો, શહેરો, જહાજો અથવા મનવારો—આ સર્વ માણસની ઇચ્છાશક્તિનાં માત્ર આવિષ્કરણો છે અને આ ઇચ્છાશક્તિ ચારિત્ર્યમાંથી ઉદ્ભવે છે અને આ ચારિત્ર્ય કર્મને લીધે રચાય છે—ઘડાય છે. જેવું કર્મ, તેવું ઇચ્છાશક્તિનું આવિષ્કરણ. જગતમાં પેદા થયેલા પ્રબળ ઇચ્છાશક્તિવાળા માણસો—એ તમામ અસાધારણ કામ કરનારા હતા, એ સર્વ મહાન આત્માઓ હતા; એમની ઇચ્છાશક્તિ જગતને ઊંધુંચત્તું કરી નાખે એવી પ્રબળ હતી અને આ ઇચ્છાશક્તિ, યુગોની સતત સાધનાને લીધે એમણે પ્રાપ્ત કરી હતી. બુદ્ધ કે ઈશુના જેવી પ્રબળ ઇચ્છાશક્તિ કાંઈ એક જ જન્મમાં મેળવી શકાય નહીં, કેમ કે એમના પિતા કોણ હતા તે આપણે જાણીએ છીએ. એના પિતા માનવજાતની ભલાઈ માટેનો કોઈ શબ્દ બોલ્યા હોય તેવું જાણમાં નથી. જોસેફ જેવા કરોડો સુથારો આવ્યા અને ગયા; કરોડો એવા સુથારો જીવે છે. બુદ્ધના પિતા જેવા કરોડો નાના રાજવીઓ જગતમાં આવી ગયા. જો બુદ્ધનો પ્રાદુર્ભાવ એ માત્ર આનુવંશિક કારણોને લીધે હોય, તો આ એક નાના રાજાને ત્યાં—જેનો હુકમ કદાચ એના નોકરો પણ ન માનતા—એવા આ નાના રાજાને ત્યાં, જેની અર્ધું જગત પૂજા કરે છે એવા કુમારનો જન્મ કેમ સંભવી શકે? સુથાર અને તેના પુત્ર વચ્ચેનું—જેને કરોડો માનવીઓ પ્રભુ તરીકે પૂજે છે એવા પુત્ર વચ્ચેનું—અંતર કેમ સમજાવી શકાય? આનુવંશિક અસર છે એમ કહેવાથી એનું નિરાકરણ થતું નથી. બુદ્ધે અને ઈશુ ખ્રિસ્તે જે જબ્બર ઇચ્છાશક્તિ જગત સમક્ષ પ્રગટ કરી, તે ક્યાંથી આવી? આ શક્તિનો આવો સંગ્રહ ક્યાંથી આવ્યો? આ ઇચ્છાશક્તિનો સંગ્રહ યુગો થયાં ત્યાં અસ્તિત્વમાં જરૂર હતો, સતત રીતે એ સંગ્રહ વધુ ને વધુ વધતો ગયો અને અંતે સમાજમાં એ બુદ્ધ કે ઈશુ ખ્રિસ્ત સ્વરૂપમાં રેલાયો અને આજ સુધી એ રેલાતો રહ્યો છે.
આ બધું કર્મથી નિશ્ચિત થાય છે. કમાયા વગર કોઈનેય કશું મળતું નથી; આ અનાદિ નિયમ છે. કોઈ સમયે કદાચ એમ લાગે કે આમ ન હોઈ શકે; પણ લાંબે ગાળે એની પ્રતીતિ થયા વગર રહેતી નથી. માણસ આખી જિંદગી દ્રવ્ય મેળવવા મથે; હજારોને એ છેતરે, પણ આખરે ધનિક થવાને પોતે યોગ્ય ન હતો એમ એને માલૂમ પડે, ત્યારે જિંદગી એને મુશ્કેલ અને કંટાળાજનક લાગે. આપણા શારીરિક સુખ માટે આપણે વસ્તુઓનો સંગ્રહ કરતા જઈએ, પણ આપણે જાત મહેનતે જે કમાઈએ તે જ ખરેખર આપણું રહે છે. મૂર્ખ માણસ જગતનાં સર્વ પુસ્તકો ખરીદીને પોતાના પુસ્તકાલયમાં ભલે રાખે; પણ તે પોતાને યોગ્ય એવાં પુસ્તકોનું જ વાચન કરી શકશે અને આ યોગ્યતા કર્મ ઉત્પન્ન કરે છે. આપણે માટે શું યોગ્ય છે, અને આપણે શું પચાવી શકીએ છીએ તેનો નિર્ણય આપણાં કર્મ કરે છે. આપણે જે છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ; અને જે થવાની ઇચ્છા હોય તે થવાની શક્તિ આપણામાં જ રહેલી છે. જો આજે આપણે જે છીએ તે આપણાં પૂર્વ કર્મોનું પરિણામ છે, તો આજનાં કર્મો આપણું ભાવિ નક્કી કરશે, એમાં કશી શંકા નથી. તેથી આપણે કેમ કાર્ય કરવું તે જાણવાની જરૂર છે. તમે કહેશો, ‘કાર્ય કેમ કરવું તે જાણવાની શી જરૂર છે? આ જગતમાં સહુ એક યા બીજી રીતે કાર્ય કરે જ છે.’ પણ શક્તિઓને નિરર્થક વેડફી નાખવા જેવું પણ કાંઈક આ જગતમાં છે. બુદ્ધિપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે કાર્ય કરવું તે કર્મયોગ એમ ગીતામાં કહેલું છે; કેમ કાર્ય કરવું તે જાણવાથી માણસ મહાન પરિણામો લાવી શકે છે. યાદ રાખો કે કામની શક્તિ મનમાં પડેલી જ છે; તે બહાર લાવવી તેનું નામ કાર્ય, આત્માને જગાડવો તેનું નામ કાર્ય. બધા માણસોની અંદર શક્તિ રહેલી છે, બધા માણસોની અંદર એ રીતે જ્ઞાન રહેલું છે; જુદાં જુદાં કાર્યો એ આ શક્તિ અને જ્ઞાનને બહાર લાવવા માટેના થતા પ્રહારો જેવાં છે, આ શક્તિ અને જ્ઞાનને જાગ્રત કરવાના પ્રયાસો જેવાં છે.
જુદા જુદા હેતુથી માણસ કાર્ય કરતો હોય છે. હેતુ વગરનું કાર્ય હોઈ શકતું નથી. અમુક માણસોને કીર્તિની લાલસા હોય છે, તેઓ કીર્તિ મેળવવા માટે કાર્ય કરે છે; બીજાઓને દ્રવ્ય મેળવવાની લાલસા હોય છે અને તેઓ દ્રવ્ય મેળવવા માટે કાર્ય કરે છે. વળી બીજાઓને સત્તાનો શોખ હોય છે અને તેઓ સત્તા મેળવવા માટે કાર્ય કરે છે. અમુકને વળી સ્વર્ગ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય છે અને તેઓ એને માટે કાર્ય કરે છે. ચીન જેવામાં અમુક માણસોને મર્યા પછી પોતાની પાછળ નામના મૂકી જવાની ઇચ્છા હોય છે; ત્યાં માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એને કોઈ ઇલકાબ અપાતો નથી અને એ આપણા કરતાં વધારે સારો રિવાજ છે. ચીનમાં કોઈ માણસ ઘણું સારું કાર્ય કરે ત્યારે એ સારું કાર્ય કરનારના પિતાને, જે મૃત્યુ પામેલા છે તેને અથવા તેના પિતામહને ઇલકાબ આપવામાં આવે છે. અમુક માણસ આ માટે જ કાર્ય કરતા હોય છે. કેટલાક મુસલમાન સંપ્રદાયોના અનુયાયીઓ મૃત્યુ પામે ત્યારે પોતાને માટે મોટી કબર બંધાય, તે માટે આખી જિંદગી કાર્ય કરતા હોય છે. બાળક જન્મે કે તરત જ એને માટે કબર તૈયાર કરવામાં આવે એવા રિવાજવાળા કેટલાય સંપ્રદાયો મારા જાણવામાં છે; આ કબર તૈયાર રાખવી એ એમને મન સૌથી મહત્ત્વનું કાર્ય ગણાય છે અને મોટી અને સારી કબર તૈયાર રાખવી એ એમને મન સૌથી મહત્ત્વનું કાર્ય ગણાય છે અને મોટી અને સારી કબર તે માણસ સંપન્ન હોવાની નિશાની મનાય છે. કેટલાક માણસો પ્રાયશ્ચિત્ત તરીકે કાર્ય કરતા હોય છે; જિંદગીભર દુષ્ટ કૃત્યો કરે, પછી મંદિર બંધાવે અથવા પૂજારીઓને થોડું ઘણું આપી એમને ખરીદી લે અને એમની પાસેથી સ્વર્ગમાં જવાનો પરવાનો મેળવી લે. એમની માન્યતા પ્રમાણે આ જાતના પરોપકારથી એમનાં દુષ્ટ કૃત્યો ધોવાઈ જાય છે અને પાપી હોવા છતાં તેઓ સજામાંથી મુક્ત થાય છે. કર્મના આવા પણ કેટલાક હેતુઓ હોય છે.
કાર્ય, કાર્યને ખાતર કરવું જોઈએ. દરેક દેશમાં અમુક માણસો ખરેખર પૃથ્વીના સારતત્ત્વ જેવા હોય છે, જેઓ કાર્યને ખાતર કાર્ય કરતા હોય છે. તેઓ નામની કે કીર્તિની કે સ્વર્ગમાં જવાની પણ સ્પૃહા રાખતા નથી. કાર્ય કરવામાંથી કાંઈક શુભ પરિણામ જરૂર આવશે એવી આશાથી જ તેઓ કાર્ય કરતા હોય છે. એથીય ઉચ્ચ હેતુથી કાર્ય કરનાર બીજા કેટલાક માણસો છે જેઓ ગરીબ ગુરબાંને અને સમગ્ર માનવજાતને સહાય કરે છે, કારણ કે તેઓ શુભ કરવામાં અને શુભને પ્રેમ કરવામાં માને છે. સામાન્ય રીતે નામ અને કીર્તિ માટે થતાં કાર્યો તાત્કાલિક પરિણામ ભાગ્યે જ લાવે છે. નામ અને કીર્તિ આપણે વૃદ્ધ થઈએ અને જિંદગીથી લગભગ પરવારી જઈએ ત્યારે મળે છે. ત્યારે માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિના જ કાર્ય કરે, તો શું એને કશો લાભ થતો નથી? એને અવશ્ય લાભ થાય છે, એ ઉચ્ચતમ લાભને પામે છે. નિઃસ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિઃસ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિઃસ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા સર્વોચ્ચ આદર્શ છે, કારણ કે એમનામાં મહાશક્તિનો પ્રકાશ છે. પહેલી વાત તો એ કે, જે માણસ પાંચ દિવસ, અરે પાંચ મિનિટ પણ નિઃસ્વાર્થપણે કશું કામ કરે અને એ વખતે ભાવિનો, સ્વર્ગપ્રાપ્તિનો, સજાનો કે એવા કોઈ પ્રકારનો વિચાર ન કરે, તો એ માણસમાં શક્તિશાળી નીતિમાન મહાપુરુષ થવાની તાકાત રહેલી છે. અલબત્ત, આ રીતે કામ કરવું મુશ્કેલ છે, પણ આપણા હૃદયના ઊંડાણમાં એમ કરવાનું મૂલ્ય અને એથી આવતું શુભ ફળ પણ આપણે જાણીએ છીએ. આ પ્રબળ અંકુશ એ આપણામાં રહેલી મહાશક્તિની અભિવ્યક્તિ છે; કોઈ પણ બાહ્યકાર્ય કરતાં આ પ્રકારનો અંકુશ એક મહાન શક્તિનું પ્રદર્શન છે; કોઈ પણ બાહ્યકાર્ય કરતાં આ પ્રકારનો અંકુશ એક મહાન શક્તિનું દર્શન છે. ચાર ઘોડાની ગાડી લગામ વગર ટેકરીના ઢોળાવમાં નીચે ધસે અથવા એનો સારથિ ઘોડાઓને અંકુશમાં રાખે; તો એ બેમાં શક્તિનો વધારે સારો ઉપયોગ કયો? ઘોડાઓને ટેકરીના ઢોળાવમાં ધસવા દેવા તે કે ઘોડાઓને અંકુશમાં, નિયમનમાં રાખવા તે? હવામાં જતો તોપનો ગોળો ઘણે દૂર સુધી જઈને નીચે પડે છે અને બીજો ગોળો ભીંત સાથે અથડાય છે, એની ગતિ અટકે છે અને દીવાલ સાથેની એની અથડામણથી સખત ગરમી ઉત્પન્ન થાય છે. આ રીતે બહાર જતી શક્તિઓ જો સ્વાર્થી હેતુથી વપરાતી હોય તો નિરર્થક જાય છે. એના પરિણામે કોઈ શક્તિ તમે પ્રાપ્ત કરી નહિ શકો; પણ જો એ અંકુશસહિત હોય તો એનું પરિણામ શક્તિના વિકાસમાં આવશે. આ અંકુશ, આ સંયમ એક પ્રબળ ઇચ્છાશક્તિ પેદા કરશે અને ઈશુ ખ્રિસ્ત કે બુદ્ધ જેવા પાત્રને જન્મ આપશે. મૂર્ખ માણસો આ રહસ્ય જાણતા નથી અને તે છતાં માનવજાત પર શાસન કરવાની એમનામાં ઇચ્છા હોય છે. જો મૂર્ખ માણસ પણ કાર્ય કરે અને રાહ જુએ તો આખા જગત પર શાસન ચલાવી શકે. એવાઓએ થોડાં વરસો રાહ જોવી જોઈએ, શાસન કરવાના મૂર્ખ વિચારને અંકુશમાં રાખવો જોઈએ. એમનો શાસન કરવાનો પેલો મૂર્ખ વિચાર સાવ નિર્મૂળ થશે, ત્યારે જગતભરમાં એ એક શક્તિ બનશે. જેમ કેટલાંક પશુઓની નજર થોડાંક પગલાંઓથી દૂર જઈ શકતી નથી, તેમ આપણામાંના મોટા ભાગના લોકોની નજર અમુક વરસથી દૂર પહોંચી શકતી નથી. આપણું જગત એટલે એક સાંકડું વર્તુળ. આપણામાં પ્રત્યક્ષની પેલી પાર જોવાની ધીરજ નથી, એટલે આપણે દુરાચારી અને દુષ્ટ બનીએ છીએ. અહીં જ આપણી નબળાઈ છે, આપણી શક્તિહીનતા છે.
નાનામાં નાનાં, ક્ષુદ્રમાં ક્ષુદ્ર લાગતાં કામ પ્રત્યે પણ તુચ્છકારથી જોવું ન જોઈએ. જે માણસને બીજું સારું ન આવડતું હોય તે ભલે સ્વાર્થી હેતુથી કાર્ય કરે, નામ માટે અને કીર્તિ માટે કાર્ય કરે. ખરું તો દરેકે ઊંચા અને તેથી વધારે ઊંચા અને તેથી વધારે ઊંચા હેતુઓથી કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આ ઉચ્ચ હેતુઓને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. ‘કાર્ય કરવું એ આપણો ધર્મ છે, પણ તેનાં ફળ ઉપર આપણો હક્ક નથી.’ ફળની આશા ન રાખો. પરિણામની દરકાર શું કામ કરો છો? તમારે કોઈ માણસને સહાય કરવી હોય, તો એ માણસની વૃત્તિ તમારા તરફ કેવી થશે એનો વિચાર કરવાની શી જરૂર છે? જો તમારે મહાન કે સારું કાર્ય કરવું હોય, તો તેનું પરિણામ શું આવશે એનો વિચાર તમારે કરવો જોઈએ નહિ.
કાર્યના આ આદર્શ વિશે વિચાર કરતાં એક બીજો મુશ્કેલ પ્રશ્ન ઊઠે છે. સતત પ્રવૃત્તિ કરવી જરૂરી છે; આપણે હંમેશાં કાર્ય કરવું જ જોઈએ. કાર્ય કર્યા વગર આપણે એક મિનિટ પણ જીવી શકીએ નહિ. તો આરામનું શું? જીવન-સંગ્રામની એક બાજુ આ છે—કાર્ય, જેમાં આપણે જોરથી ભમરડાની માફક ફરી રહ્યા છીએ. જીવનસંગ્રામની બીજી બાજુ આ છે—શાંત, એકાંતિક ત્યાગઃ જ્યાં ચારે કોર સર્વ શાંતિમય છે, જ્યાં અવાજ કે દેખાવનો જરાયે દંભ નથી, જ્યાં કેવળ પશુપ્રાણી, ફૂલ અને પર્વતથી ભરેલી પ્રકૃતિ માત્ર છે. આમાંની એકે બાજુ પૂર્ણ ચિત્ર નથી. જેવી રીતે સાગરના ઊંડા પાણીમાં રહેતી માછલી સપાટી પર આવતાં—જે પાણીના ભારથી તેના શરીરની એકતા જળવાતી હતી તે દૂર થતાં—તેના ટુકડે ટુકડે થઈ જાય, તેવી જ રીતે એકાંતથી ટેવાયેલો માણસ જગતના ઊભરાતા જીવનસંગ્રામના સંસર્ગમાં આવતાં કચડાઈ જાય. જીવનસંગ્રામ અને ધમાલથી ટેવાયેલા માણસને એકાંત સ્થળે લાવવામાં આવે, તો તેને આરામ ક્યાંથી રહે? એને ત્યાં ન જ ફાવે—કદાચ ત્યાં એ મનની સમતુલા પણ ગુમાવી બેસે. ગહન શાંતિમાં અને એકાંતમાં જે સતત પ્રવૃત્તિ જુએ અને સતત પ્રવૃત્તિમાં રણના જેવી શાંતિ અને એકાંત અનુભવે, તે જ આદર્શ માનવી ગણાય. આવો માનવી સંયમનું રહસ્ય સમજ્યો છે અને પોતાની જાતને અંકુશમાં લાવ્યો છે એમ કહેવાય. સર્વ પ્રકારના વાહન વ્યવહારથી ઊભરાતા મોટા શહેરના સરિયામ માર્ગ પર એ ચાલ્યો જતો હોય છતાં એનું માનસ, જ્યાં એકે અવાજ ન સંભળાતો હોય એવી ગુફામાં જાણે હોય તેવી શાંતિ અનુભવે છે; અને તેમ છતાં એ સતત પ્રવૃત્તિશીલ હોય છે. કર્મયોગનો આ આદર્શ છે અને જો તમને એ પ્રાપ્ત થયો હોય તો કર્મનું રહસ્ય તમે ખરેખર જાણ્યું છે.
પણ આપણે તો આદિથી શરૂઆત કરવાની છે, જે કર્મ પ્રાપ્ત થાય તે કરવાનાં છે અને દિનપ્રતિદિન ધીમે ધીમે વિશેષ ને વિશેષ પ્રમાણમાં નિઃસ્વાર્થી બનવાનું છે. આપણે કામ કરવું જોઈએ અને તેમ કરવા આપણે શા માટે પ્રેરાઈએ છીએ તેનો હેતુ શોધી કાઢવો જોઈએ. આપણને વિના અપવાદે માલૂમ પડશે કે શરૂઆતનાં વર્ષોમાં કાર્ય કરવામાં આપણા હેતુઓ હંમેશાં સ્વાર્થી હોય છે; પણ સતત રીતે પ્રયાસ કરવાથી આ સ્વાર્થીતત્ત્વ ઓછું થાય છે અને છેવટે એક દિવસ એવો આવે છે, જ્યારે આપણે ખરેખર નિઃસ્વાર્થવૃત્તિથી કાર્ય કરતા થઈએ છીએ. જીવનના માર્ગો પર સંઘર્ષ સાથે પસાર થતાં થતાં આપણે એક દિવસે પૂર્ણ રીતે નિઃસ્વાર્થી થઈશું એવી આશા સેવી શકીએ છીએ અને જે દિવસે આપણે આવી નિઃસ્વાર્થવૃત્તિ પામીશું, તે સમયે આપણી સર્વશક્તિઓ આત્મામાં કેન્દ્રિત થશે અને જે જ્ઞાન આપણી અંદર રહેલું છે, તે આવિષ્કાર પામશે.

