કર્મયોગના અભ્યાસમાં કર્તવ્ય એટલે શું તે જાણવાની જરૂર છે. મારે કાંઈ કરવાનું હોય તો પ્રથમ મારે જાણવું જોઈએ કે એ મારું કર્તવ્ય છે અને પછી હું તે કરું. વળી જુદી જુદી પ્રજામાં કર્તવ્યનો ખ્યાલ જુદો જુદો છે. મુસલમાનોનું કર્તવ્ય કુરાનમાં લખ્યા મુજબનું છે; હિંદુનું વેદોમાં લખ્યા પ્રમાણેનું અને ખ્રિસ્તીઓનું બાઇબલ પ્રમાણેનું કર્તવ્ય છે. આમ કર્તવ્યના ખ્યાલો જુદા જુદા છે. જીવનની જુદી જુદી સ્થિતિ પ્રમાણે, ઇતિહાસના જુદા જુદા યુગ પ્રમાણે, જુદી જુદી પ્રજા પ્રમાણે, કર્તવ્યના ખ્યાલ વિવિધ રહે છે. ‘કર્તવ્ય’ એ શબ્દની, બીજા સર્વ સામાન્ય ભાવવાચક ‘શબ્દ’ની જેમ, સ્પષ્ટ વ્યાખ્યા કરવી અશક્ય છે; એના વ્યાવહારિક પ્રયોગો અને પરિણામો જાણવાથી ‘કર્તવ્ય’નો ખ્યાલ આપણને આવે છે. અમુક બનાવો બને ત્યારે તેના તરફ સ્વાભાવિક રીતે પહેલાંની ટેવ મુજબ અમુક રીતે વર્તવાની ઇચ્છા આપણને થાય છે; આવી ઇચ્છા થાય એટલે આપણું મન પરિસ્થિતિ વિશે વિચારવા માંડે. કેટલીક વાર એમ થાય કે અમુક સંજોગોમાં અમુક રીતે વર્તવું એ સારું; અને પાછું કોઈ વાર એ જ સંજોગોમાં અમુક રીતે વર્તવું એ ખરાબ છે એમ પણ મનને લાગે. કર્તવ્યનો સામાન્ય ખ્યાલ સર્વ સ્થળે સાધારણ રીતે આવો હોય છેઃ દરેક સારા માણસે પોતાના અંતઃકરણના અવાજને અનુસરવું. પણ એવું શું છે જે આપણા કાર્યને કર્તવ્ય બનાવે છે? કોઈ ખ્રિસ્તી પાસે ગોમાંસનો ટુકડો હોય અને પોતાનું જીવન બચાવવા એનો ઉપયોગ ન કરે અથવા બીજા માનવનું જીવન બચાવવા તેને તે ન આપે, તો પોતાનું કર્તવ્ય પોતે બજાવ્યું નથી એવું એને મનમાં થવાનું જ. પણ જો હિંદુ પાસે ગોમાંસનો ટુકડો હોય અને એ ખાવાની હિંમત કરે અથવા બીજા હિંદુને તે આપવાની હિંમત કરે, તો એને અવશ્ય એમ લાગવાનું કે પોતાનું કર્તવ્ય પોતે બરાબર બજાવ્યું નથી. હિંદુના સંસ્કાર અને શિક્ષણ એવા પ્રકારનાં છે કે એને એમ લાગે જ. ગઈ સદીમાં હિંદમાં ઠગ નામથી ઓળખાતા નામચીન લુટારુઓની ટોળીઓ હતી; મારી શકાય તેને મારી નાખવા અને એમનું દ્રવ્ય પડાવી લેવું એ એમને મન કર્તવ્ય હતું. જેમ વધારે માણસોને મારે તેમ તેઓ વધારે સારા બને એમ તેઓ માનતા. સાધારણ રીતે માણસ શેરીમાં જાય અને બીજા માણસને મારી નાખે તો તે માટે એને દિલગીરી થવાની અને પોતે ખોટું કામ કર્યું છે એમ એને લાગવાનું. પણ જો એ જ માણસ લશ્કરમાં સૈનિક તરીકે હોય અને એકને બદલે એકવીસ માણસને મારે, તો એને આનંદ થવાનો. પોતે પોતાનું કર્તવ્ય સરસ રીતે બજાવ્યું છે એમ એને લાગવાનું. આ ઉપરથી આપણને માલૂમ પડશે કે જે કાર્ય થાય છે તેથી કર્તવ્યની વ્યાખ્યા થઈ શકતી નથી. આ રીતે જોતાં, કર્તવ્યની શાબ્દિક વ્યાખ્યા આપવી એ સાવ અશક્ય છે. તેમ છતાં કાર્ય કરનારની દૃષ્ટિમાં કર્તવ્યનો આદર્શ હોય છે. જે કાર્યથી આપણી ગતિ ઈશ્વર ભણી થાય તે કાર્ય શુભ, એ આપણું કર્તવ્ય; જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ અને તે અકર્તવ્ય. કર્તાના દૃષ્ટિબિંદુથી જોઈએ તો જણાશે કે અમુક કાર્યો આપણને ઉચ્ચ અને અભિજાત બનાવે છે અને અમુક કાર્યો આપણને પતિત અને પાશવી બનાવે છે. દરેક પ્રકારના અને દરેક સ્થિતિના પ્રત્યેક માનવીના સંબંધમાં કયા કાર્યમાં કેવા પ્રકારની વૃત્તિ છે તે ચોક્કસપણે કહેવું શક્ય નથી. સર્વ યુગની, જાતિઓની અને દેશોની તમામ પ્રજાઓએ સામાન્ય રીતે કર્તવ્ય વિશેનો એક વિચાર હંમેશાં અપનાવ્યો છે. આ વિચારને એક સંસ્કૃત શ્લોકમાં નીચે પ્રમાણે ટૂંકમાં રજૂ કરવામાં આવ્યો છેઃ ‘કોઈને પીડા ન કરો. પીડા ન કરવી તે પુણ્ય છે અને પીડા કરવી તે પાપ છે.’

ભગવદ્‌ગીતા જન્મ અને જીવનના ક્ષેત્ર ઉપર આધાર રાખતાં કર્તવ્યનો અવારનવાર ઉલ્લેખ કરે છે. જીવનનાં જુદાં જુદાં કાર્યો પ્રત્યે વ્યક્તિઓનાં માનસિક અને નૈતિક વલણ તો જન્મ અને જીવન તેમજ સમાજમાં વ્યક્તિની સ્થિતિ, ઘણે અંશે નક્કી કરે છે. તેથી જે સમાજમાં આપણે જન્મ્યા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખીને આપણને ઉચ્ચ બનાવે, અભિજાત બનાવે એવાં કાર્યો કરવાં તે આપણું કર્તવ્ય છે. તે સાથે એ પણ ખાસ યાદ રાખવાની જરૂર છે કે એ જ પ્રકારના આદર્શો અને પ્રવૃત્તિઓ બધા સમાજમાં કે દેશમાં પ્રવર્તતા નથી; આ વિશે આપણું અજ્ઞાન એક દેશના બીજા દેશ પ્રત્યેના ધિક્કારનું કારણ છે. અમેરિકન માને છે કે પોતાના દેશના રિવાજ પ્રમાણે એક અમેરિકન જે કાંઈ કરે એ જ સારું છે અને જે કોઈ એના રિવાજને ન અનુસરે તે અતિ દુષ્ટ છે. હિંદુ એમ માને છે કે એના જ રિવાજો સાચા અને શ્રેષ્ઠ છે; જે કોઈ એ રિવાજો પ્રમાણે ન વર્તે તે દુષ્ટ છે. આવી સામાન્ય ભૂલ આપણે સૌ કરીએ છીએ. પણ એ ભારે નુકસાનકારક છે. જગતમાં જે અનુદારતા દેખાય છે તેમાંની અર્ધીનું કારણ એ જ છે. આ દેશમાં હું આવ્યો અને શિકાગોના મેળામાં ફરી રહ્યો હતો ત્યારે પાછળથી એક માણસે મારી પાઘડી ખેંચી. મેં પાછું વાળી જોયું, મારી પાઘડી ખેંચનાર કોઈ ટાપટીપવાળાં કપડાં પહેરેલ સદ્‌ગૃહસ્થ જેવી વ્યક્તિ હતી. મેં એની સાથે વાત કરી. હું અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકું છું એમ એને માલૂમ પડ્યું ત્યારે એને ઘણી શરમ આવી. બીજા એક પ્રસંગે એ જ મેળામાં બીજા એક માણસે મને ધક્કો માર્યો. મેં એને ધક્કો મારવાનું કારણ પૂછ્યું, ત્યારે એ પણ શરમાઈ ગયો અને કરગરતે અવાજે માફી માગતાં કહ્યું, ‘તમે આવો પહેરવેશ શું કામ પહેરો છો?’ આ માણસોની સહાનુભૂતિ પોતાની ભાષા અને પોતાની જ પદ્ધતિના પહેરવેશની મર્યાદામાં સમાઈ જતી હતી. જોરદાર પ્રજાઓ નબળી પ્રજાઓને દબાવે છે તેમાં આ જાતનો અભાવ મોટે ભાગે કારણભૂત હોય છે. માનવબંધુ માટેનો ભ્રાતૃભાવ આ અભાવને કારણે સૂકાઈ જાય છે. શા માટે હું એના જેવો પહેરવેશ પહેરતો ન હતો એમ પૂછનાર અને મારા પહેરવેશને કારણે જ મારા પ્રત્યે અનિચ્છનીય વર્તાવ કરનાર પેલો માણસ ઘણો સારો હોય, પિતા તરીકે, શહેરી તરીકે સારો હોય તે સંભવિત છે; પણ એક માણસને પોતાથી જુદા પહેરવેશમાં જોતાંવેંત એની માયાળુતા ચાલી જાય તે કેવું? પોતાનું રક્ષણ કેમ કરવું તે ન જાણનારનો બીજા દેશમાં ગેરલાભ ઉઠાવવામાં આવે છે; આથી તેઓ પોતે જોયા હોય તેવા પરદેશીઓ વિશે ખરાબ છાપ લઈ જાય છે. નાવિકો, સૈનિકો અને વેપારીઓ પરદેશમાં વિચિત્ર રીતે વર્તે છે, જો કે સ્વદેશમાં એ રીતે વર્તવાનો સ્વપ્ને પણ એમને ખ્યાલ ન આવે. ચીનાઓ યુરોપવાસીઓને અને અમેરિકનોને ‘પરદેશી શેતાન’ કહે છે. તેઓ જો પશ્ચિમના જીવનની સારી અને ભલી બાજુના સંસર્ગમાં આવ્યા હોત તો આવો શબ્દપ્રયોગ કદાચ ન યોજાત.

તેથી આ એક મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે. બીજાઓનાં કર્તવ્યો તેમની નજરે જોવાનો આપણે હંમેશાં પ્રયાસ કરવો જોઈએ. બીજાના રિવાજોને આપણા પોતાના રિવાજોના માપથી માપવાનો આપણે કદી પ્રયાસ ન કરવો. દુનિયાને મારા ધોરણે માપવાની નથી. મારે જ વિશ્વને અનુરૂપ થવાનું છે; જગતે મને અનુરૂપ થવાનું નથી. પ્રકૃતિ અનુસાર આસપાસની પરિસ્થિતિ મુજબ કર્તવ્યમાં ફેરફાર થાય છે તે આપણે જોયું; અને જે ખાસ સંયોગોમાં આપણું જે કર્તવ્ય હોય તે જો આપણે બજાવીએ, તો આ જગતમાં જે કાંઈ કરવા જેવું હોય તે આપણે કર્યું કહેવાય. એટલે જન્મથી જે આપણું કર્તવ્ય છે તે આપણે બજાવીએ; એ બજાવ્યા પછી જીવનમાં અને સમાજમાં જે પરિસ્થિતિમાં હોઈએ તે અંગેનું કર્તવ્ય પણ કરી છૂટીએ. આમ છતાં માનવ સ્વભાવમાં એક મોટું ભયસ્થાન રહેલું છે. માણસ કદી પોતાને ઓળખી શકતો નથી. રાજાની જેમ પોતે સિંહાસને બેસવાને યોગ્ય છે એમ તે માને છે. એ સિંહાસને બેસવા માટે એ યોગ્ય હોય તોપણ પ્રથમ તેણે પોતાના સ્થાનને અનુરૂપ કર્તવ્યો બજાવ્યાં છે કે કેમ તે જોવું જોઈએ; ત્યાર પછી જ વધારે ઊંચાં કર્તવ્યો એને શિરે આવશે. આ જગતમાં ખરા દિલથી કાર્ય કરવાનું જ્યારે શરૂ કરીએ ત્યારે પ્રકૃતિ આપણને આડાઅવળા પ્રહારો કરે છે, જેને પરિણામે આપણને ખરા સ્થાનનું ભાન થાય છે. પોતાને યોગ્ય ન હોય તે સ્થાન માણસ લાંબો સમય સંતોષકારક રીતે સાચવી શકતો નથી. પ્રકૃતિની વ્યવસ્થા વિશે બબડાટ કરવાનો કશો અર્થ નથી. કોઈ માણસ હલકું મનાતું કાર્ય કરે તેથી તે માણસ હલકો બનતો નથી. કેવળ કામ ઉપરથી માણસ વિશે અભિપ્રાય બાંધવાનો નથી; પણ જે રીતે અને જે નિષ્ઠાથી એ કર્તવ્યો બજાવવામાં આવે તે પરથી માણસની કિંમત આંકવી જોઈએ.

કર્તવ્યના આ વિચારમાં પણ આગળ જતાં ફેરફાર થાય છે; કર્તવ્યની પાછળ જ્યારે કોઈ સ્વાર્થી હેતુ નથી હોતો ત્યારે જ એ મહાન બને છે. જ્યારે કોઈ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ કાર્ય ઉપાસના બને છે અને જ્યારે તે નીતિના સ્વરૂપમાં કે પ્રેમના સ્વરૂપમાં હોય ત્યારે એથી પણ ઉચ્ચતર ભૂમિકાએ પહોંચે છે. કર્તવ્યની ફિલસૂફી ભલે તે નીતિનિયમો કે પ્રેમના સ્વરૂપે, પણ દરેક યોગમાં છે. એનો હેતુ કર્તવ્યની ભાવનાને શુદ્ધ બનાવવાનો છે. તેમ થાય તો જ ખરું તત્ત્વ પ્રકાશ પામે. આપણો હેતુ કર્તવ્યની હલકી કક્ષામાં વેડફાઈ જતી શક્તિઓનો વ્યય ઓછો કરવાનો છે, જેથી આત્મા ઉચ્ચ કક્ષાના અસ્તિત્વમાં આવિષ્કાર પામે. હલકી વાસનાઓને સતત દમવાથી આ સિદ્ધ થઈ શકે. જાણ્યે કે અજાણ્યે પ્રવૃત્તિ અને અનુભવના ક્ષેત્રમાં, આખી સમાજ વ્યવસ્થા આ રીતે વિકાસ પામી છે. સ્વાર્થને મર્યાદિત બનાવીને માનવના ખરા સ્વભાવના અમર્યાદિત વિકાસનો માર્ગ આપણે ખુલ્લો કરીએ છીએ.

કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે. એનાં પૈડાંમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે. પ્રેમ ન હોય તો માબાપ પોતાનાં બાળકો પ્રત્યેનાં, પતિ પોતાની પત્ની પ્રત્યેનાં અને પત્ની પોતાના પતિ પ્રત્યેનાં કર્તવ્યો શી રીતે બજાવે? આપણા જીવનમાં દરરોજ ઘર્ષણ થતાં હોય એવા દાખલાઓ શું આપણે જોતા નથી? પ્રેમ હોય તો જ કર્તવ્ય મધુર થઈ શકે; અને પ્રેમ મુક્ત હોય તો જ પ્રકાશે. વાસનાઓને, ક્રોધને, ઈર્ષ્યાને તેમજ દૈનિક જીવનમાં ઉદ્‌ભવતી બીજી અનેક નાનીમોટી ઘટનાઓને આધીન બનવું એ શું મુક્તિ છે? જીવનમાં જે નાની કર્કશતાઓ આપણે અનુભવીએ છીએ તેમાંથી છૂટવાનો ઉપાય કેવળ ક્ષમામાં જ રહેલો છે. પોતાના ક્રોધી, ઈર્ષ્યાળુ સ્વભાવને વશ થઈ સ્ત્રી પતિનો વાંક કાઢે અને પોતે સ્વતંત્રતાનો દાવો કરે છે એમ માને! ખરી રીતે તો એ પોતાની ગુલામી જ સાબિત કરી રહી છે એનું એને ભાન નથી. સતત પત્નીનો વાંક કાઢતા પતિ વિશે આવું જ સમજવાનું.

પવિત્રતા એ સ્ત્રી અને પુરુષનો મુખ્ય ગુણ છે; પણ ગમે તેવા કુમાર્ગે ચઢેલ પતિને નમ્ર અને પ્રેમાળ પત્ની સાચે માર્ગે ન લાવી શકી હોય એવા દાખલા અત્યંત વિરલ છે. જગત હજુ એટલું બધું બગડી ગયું નથી. જગતભરમાં ક્રૂર પતિઓ વિશે આપણે ઘણું સાંભળીએ છીએ, પુરુષોની અપવિત્રતા વિશે પણ આપણે ઘણું સાંભળીએ છીએ, પણ સંખ્યામાં પુરુષ જેટલી સ્ત્રીઓ પણ નિષ્ઠુર અને અપવિત્ર હોય છે. જો એમનો દાવો છે એટલા પ્રમાણમાં સ્ત્રીઓ પવિત્ર અને ભલી હોય તો જગતમાં એકે પુરુષ અપવિત્ર રહેત નહીં, એવી મને સંપૂર્ણ ખાતરી છે. એવી કઈ પાશવતા છે કે જે પવિત્રતા અને ભલમનસાઈથી ન જિતાય? ભલી પવિત્ર સ્ત્રી—જે પોતાના પતિ સિવાય દરેક પુરુષને પુત્ર સમાન ગણે છે અને જે સર્વ પુરુષો પ્રત્યે માતા જેવો ભાવ ધરાવે છે—એની એ પુનિત શક્તિથી એટલી મહાન બનવાની કે પ્રત્યેક પુરુષ એના સાંનિધ્યમાં પવિત્રતાનું વાતાવરણ અનુભવશે. એ જ રીતે દરેક પુરુષે, પત્ની સિવાયની દરેક સ્ત્રીને માતા, દીકરી કે બહેન જેવી ગણવી જોઈએ. વળી ઉપદેશક થવાની ઇચ્છા હોય તેણે દરેક સ્ત્રીને પોતાની માતા સમાન ગણવી જોઈએ અને તેના પ્રત્યે હંમેશાં એ દૃષ્ટિથી જ જોવું જોઈએ.

જગતમાં સૌથી ઊંચું સ્થાન માતાનું છે. એ એક જ એવું સ્થાન છે જેમાં મહાન નિઃસ્વાર્થવૃત્તિ શીખવાની અને અમલમાં મૂકવાની તક મળે છે. માતાના પ્રેમ કરતાં જો કોઈ વધુ ઉચ્ચતર પ્રેમ હોય તો તે માત્ર પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે; બીજા બધા પ્રેમ નીચલી કક્ષાના છે. માતાનું પહેલું કર્તવ્ય પોતાનાં બાળકો વિશે વિચાર કરવાનું અને ત્યાર પછી જ પોતા વિશે વિચાર કરવાનું છે. પણ જો એને બદલે, માબાપો પ્રથમ પોતાના વિશે જ વિચાર કરતાં થાય તો પરિણામે તે અને બાળકો વચ્ચેનો પ્રેમ પક્ષીઓ અને તેમનાં બચ્ચાં વચ્ચેના પ્રેમની કક્ષાએ ઊતરે. પક્ષીનાં બચ્ચાં પાંખ આવે એટલે માબાપને ઓળખતાં નથી. જે પુરુષ પત્નીને ઈશ્વરના માતૃભાવની પ્રતિનિધિ તરીકે જુએ તે ખરેખર ધન્ય છે; જે સ્ત્રી પુરુષને પરમાત્માના પિતૃભાવના પ્રતિનિધિ તરીકે જુએ તે ખરેખર ધન્ય છે; જે બાળકો માબાપને પૃથ્વી પરના પ્રભુના આવિષ્કાર સમાન ગણે તે પણ ધન્ય છે.

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો; ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને યોગની સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં. એણે ઊંચે જોયું તો એને માલૂમ પડ્યું કે વૃક્ષને મથાળે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યા હતા. આથી એને ખૂબ ગુસ્સો આવ્યો. એણે બંને પક્ષીઓને ઉદ્દેશીને કહ્યુંઃ ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાખો છો?’ આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું. યોગીની એવી શક્તિ હતી કે અગ્નિનો એક ચમકારો એના મગજમાંથી જાણે કે પસાર થયો અને પેલાં બંને પક્ષીઓ બળીને ખાખ થયાં. એને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને બાળી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો. થોડા સમય પછી ભિક્ષા માટે એને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો, એક ઘરને બારણે જઈ ઊભો અને કહ્યુંઃ ‘માતા! મને ભિક્ષા આપો.’ ઘરમાંથી અવાજ આવ્યોઃ ‘દીકરા, થોડો વખત થોભજે.’ પેલા જુવાન સંન્યાસીનું મગજ તપી ગયુંઃ ‘અરે! તું મને રાહ જોવાનું કહે છે? મારી શક્તિનું તને હજુ ભાન નથી.’ આવો વિચાર એ કરતો હતો ત્યાં અંદરથી ફરી અવાજ આવ્યોઃ ‘દીકરા! તપનું બહુ અભિમાન ન રાખ. અહીં કોઈ કાગડો કે બગલો નથી.’ યોગીને આશ્ચર્ય થયું; એને રાહ પણ જોવી પડી. આખરે એ સ્ત્રી બહાર આવી. યોગી એને પગે પડ્યો અને પૂછ્યુંઃ ‘માતા, તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી?’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યોઃ ‘મારા દીકરા, હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી. હું તો સામાન્ય સ્ત્રી છું. મારે તને રાહ જોવડાવવી પડી. મારા પતિ બીમાર છે. હું તેમની સેવામાં હતી. આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે. જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારાં માબાપ પ્રત્યેનાં કર્તવ્ય મેં બજાવ્યાં; આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પ્રત્યેનું કર્તવ્ય હું બજાવું છું; એક માત્ર આ યોગ હું સાધું છું. પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે; આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તેં વનમાં જે કર્યું તે જાણી શકી. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય, તો હું કહું છું તે ગામની બજારમાં તું જા. ત્યાં તને એક વ્યાધ મળશે. તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહેશે.’

પહેલાં તો સાધુને થયુંઃ ‘મારે એ ગામમાં અને એ વ્યાધ પાસે શું કામ જવું જોઈએ?’ પણ પોતે જે જોયું તેથી એની આંખો જરા ખૂલી હતી. એ ગયો. એણે બજારમાં દૂર મોટા જાડા વ્યાધને જોયો. આ વ્યાધ મોટા છરા વતી માંસના ટુકડા કાપતો હતો અને સાથોસાથ જુદા જુદા લોકો સાથે સોદો કરતો જતો અને વાતો કરતો હતો. પેલા જુવાન સંન્યાસીને થયુંઃ ‘ઓ પ્રભુ! આ માણસની પાસે મારે શીખવાનું શું છે? આ તો રાક્ષસ જેવો છે.’

એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યુંઃ ‘સ્વામીજી! તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા? જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો.’ સંન્યાસી ચમક્યોઃ ‘આ શું થઈ રહ્યું છે?’ તે બેઠો અને વ્યાધ એનું કામ કરતો રહ્યો. કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સંન્યાસીને કહ્યું, ‘ચાલો સ્વામીજી, મારે ઘેર ચાલો.’ ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપ્યું. ‘બેસો.’ આમ કહી એ ઘરમાં ગયો. વ્યાધે ઘરમાં પોતાનાં વૃદ્ધ પિતા અને માતાને નવડાવ્યાં, જમાડ્યાં અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે તે કર્યું. ત્યાર પછી એ સંન્યાસી પાસે પાછો આવ્યો અને બોલ્યોઃ ‘ચાલો ત્યારે, તમે મને મળવા આવ્યા છો તો તમારે માટે હું શું કરું?’ સંન્યાસીએ એને આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલો પૂછ્યા. વ્યાધે એને એ વિશે એક વ્યાખ્યાન આપ્યું જે મહાભારતના એક ભાગ તરીકે ‘વ્યાધ-ગીતા’ નામે ઓળખાય છે. એમાં વેદાંતનું ઊંચું રહસ્ય છે. જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો ત્યારે સંન્યાસી આશ્ચર્યચકિત થયો. એણે પૂછ્યુંઃ ‘તમારી પાસે આવું જ્ઞાન છે, તોપણ તમે વ્યાધના શરીરમાં શા માટે રહો છો? આવું ગંદું અને હલકું કામ શા માટે કરી રહ્યા છો?’ વ્યાધે જવાબ આપ્યોઃ ‘હે વત્સ, કોઈ કર્તવ્ય ગંદું નથી, કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી. મારા જન્મે મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે. મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું; હું અનાસક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારાં માતાપિતાને સુખી કરવાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું. હું તમારા યોગને જાણતો નથી, હું સંન્યાસી થયો નથી, તેમ જ જગત છોડી હું વનમાં ગયો નથી; તેમ છતાં તમે જે કાંઈ જોયું અને સાંભળ્યું તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્ત ભાવે કર્તવ્ય કરવામાં મને પ્રાપ્ત થયું છે.’

ભારતમાં એક સંતપુરુષ છે, મહાયોગી છે, મેં જીવનમાં ભાગ્યે જ જોયા હોય એવા એ એક અદ્‌ભુત પુરુષ છે. એ અનોખા માનવ છે, એ કોઈને શીખવતા નથી. તમે એમને પ્રશ્ન પૂછો તો એ જવાબ નહીં આપે. ગુરુનું સ્થાન લેવું એ એમને વધુ પડતું લાગે છે. એટલે એ સ્થાન તેઓ લેવાના નહીં. તમે પ્રશ્ન પૂછો અને થોડા દિવસ રાહ જુઓ તો વાર્તાલાપ દરમિયાન તેઓ એ વિષયને છેડશે અને એના પર અજબ પ્રકાશ પાડશે. એક દિવસ એમણે મને કાર્યનું રહસ્ય સમજાવ્યુંઃ ‘સાધન અને સાધ્યને એક કરો.’ તમે એક કાર્ય કરતા હો ત્યારે એથી પાર કાંઈ જોવાનો વિચાર ન કરો. જે કાર્ય કરો તે ઉપાસના તરીકે, શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો અને એ સમય દરમિયાન તમારા સમગ્ર જીવનને એમાં ઓતપ્રોત રાખો. આમ પેલી કથામાં વ્યાધ અને સ્ત્રીએ પોતાનાં કર્તવ્ય આનંદથી અને હૃદયથી કર્યાં; પરિણામે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. એ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જીવનની કોઈ પણ સ્થિતિમાં ફળ સાથે લેપાયા વગર, કર્તવ્ય સારી રીતે બજાવવામાં આવે તો આત્માની પૂર્ણતા, સાક્ષાત્કારને પામી શકાય છે.

ફલાસક્ત માણસ આવી પડેલા કર્તવ્યથી ત્રાસે છે ને બબડાટ કરે છે. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસને બધાં કર્તવ્યો એકસરખાં સારાં છે. સ્વાર્થ અને ઇંદ્રિયલોલુપતા દૂર કરવા, આત્માની મુક્તિ પ્રાપ્ત કરવા માટે અનાસક્તિ ઉત્તમ સાધન છે. આપણા વિશે આપણે સહુ વધારે પડતો ઊંચો ખ્યાલ રાખીએ છીએ. આપણી યોગ્યતા પ્રમાણે જ આપણાં કર્તવ્યો નક્કી થાય છે. આપણે આ સ્વીકારવાને કદાચ તૈયાર ન થઈએ. હરીફાઈમાંથી ઈર્ષ્યા પેદા થાય છે. એનાથી હૃદયની સુકોમળ લાગણીઓ હણાય છે. બડબડાટ કરનારને કોઈ કામ ગમતું નથી; કશાથી એને સંતોષ થવાનો નથી અને એનું સમગ્ર જીવન નિષ્ફળ જવાને સર્જાયું છે. આપણે કાર્ય કરતા જઈએ અને એમ કરતાં જે આપણું કર્તવ્ય બને તે પૂર્ણ કરતા જઈએ; અને પૈડાંને ચલાવવા માટે આપણા ખભાને ટેકો આપવા હંમેશાં તત્પર રહીએ. ત્યારે આપણને સાચો પ્રકાશ ચોક્કસ લાધશે.

Total Views: 692
૧. ચારિત્ર્ય પર કર્મની અસર
૩. આપણે પોતાને જ સહાય કરીએ છીએ, જગતને નહીં