સાંખ્ય તત્ત્વજ્ઞાન પ્રમાણે પ્રકૃતિ ત્રણ તત્ત્વોની બનેલી છે. આ ત્રણ તત્ત્વોને સંસ્કૃત ભાષામાં સત્ત્વ, ૨જસ્ અને તમસ્ કહે છે. ભૌતિક જગતમાં તે જ્યારે ગુણ રૂપે પ્રગટ થાય છે ત્યારે તેને આપણે સમતા, ચંચળતા અને જડતા કહીએ છીએ. તમસ્નું લક્ષણ અંધકાર અથવા જડતા છે, રજસ્નું લક્ષણ ચંચળતા છે અને સત્ત્વ એ આ બે વચ્ચેની સમતુલા છે.
દરેક માણસમાં આ ત્રણ તત્ત્વો રહેલાં છે. કેટલીક વાર તમસ્ પ્રધાનપદ ભોગવે છે. ત્યારે આપણને આળસ આવે છે, આપણે હલનચલન કરી શકતા નથી, ક્રિયાહીન બનીએ છીએ—અમુક વિચારોથી બંધાઈ જઈએ છીએ—અથવા જડતાથી માત્ર ઘેરાઈ જઈએ છીએ. કોઈક વાર માણસમાં ચંચળતા પ્રાધાન્ય ભોગવે છે. તો વળી કોઈક વાર એનામાં જડતા અને ચંચળતા વચ્ચેની શાંત સમતા દેખાય છે. જુદી જુદી વ્યક્તિમાં આ ત્રણમાંનું એક તત્ત્વ સામાન્ય રીતે પ્રધાનપદ ભોગવે છે. તમોગુણી માણસ જડ, નિષ્ક્રિય અને આળસુ હોય છે; રજોગુણી માણસમાં જીવનશક્તિનું દર્શન થાય છે; અને સત્ત્વગુણી માણસ મધુર, શાંત અને મૃદુ સ્વભાવનો હોય છે; નિષ્ક્રિયતા અને ક્રિયાશીલતા વચ્ચેની એ સમતુલા બતાવે છે. બધી જીવસૃષ્ટિમાં—પ્રાણીમાં, વનસ્પતિમાં અને માણસમાં—આવાં જુદાં જુદાં લક્ષણો આપણને જોવા મળે છે.
કર્મયોગમાં ખાસ કરીને આ ત્રણ તત્ત્વોનો વિચાર કરવાનો છે. એ શું છે એ શીખવાથી અને તેનો શું ઉપયોગ કરવાનો છે તે જાણવાથી, આપણું કાર્ય વધારે સારી રીતે થઈ શકશે. માનવસમાજ એ ક્રમબદ્ધ વ્યવસ્થા છે. આપણે સહુ નીતિ શું અને કર્તવ્ય શું તે જાણીએ છીએ. જુદા જુદા દેશોમાં નીતિનું મહત્ત્વ જુદું જુદું અને ઘણું બદલાતું હોય છે. એક દેશમાં જેને નીતિ ગણવામાં આવે તેને બીજા દેશમાં અનીતિ ગણવામાં આવે. દાખલા તરીકે એક દેશમાં પિત્રાઈ ભાઈબહેન એકબીજા સાથે પરણી શકે, બીજા દેશમાં આ રીતે પરણે તે અનીતિ ગણાય; એક દેશમાં માણસ પોતાની સાળી સાથે પરણી શકે, બીજો દેશ એને અનૈતિક માને; કોઈ દેશમાં લોકો એક જ સ્ત્રીને પરણી શકે, બીજા દેશમાં ઘણી સ્ત્રીઓ પરણી શકાય. આવા બીજા અનેક દાખલાઓ આપી શકાય. આ રીતે નીતિનાં બીજાં સર્વ ક્ષેત્રમાં એનું ધોરણ ભિન્ન અને ફેરફારવાળું જણાશે અને છતાં નીતિનું કોઈ એક સાર્વત્રિક ધોરણ હોવું જોઈએ, એમ આપણે સૌ માનીએ છીએ.
જે વાત નીતિને લાગુ પડે છે તે કર્તવ્યને પણ લાગુ પડે છે. જુદી જુદી પ્રજામાં કર્તવ્ય વિશેના વિચારો જુદા જુદા પ્રકારના હોય છે. એક દેશમાં માણસ જો અમુક કાર્ય ન કરે, તો એ ખરાબ રીતે આચરણ કરે છે એમ લોકો કહેશે; વળી આ જ કાર્ય જો એ બીજા દેશમાં કરે, તો એ સારી રીતે વર્ત્યો નથી એમ કહેશે; અને તે છતાં કર્તવ્યનું કોઈ સાર્વત્રિક ધોરણ હોવું જોઈએ એમ આપણે સૌ માનીએ છીએ. આ જ પ્રમાણે એક પ્રકારનો સમાજ અમુક પ્રકારનાં કાર્યો પોતાનાં કર્તવ્ય છે એમ માને અને બીજા પ્રકારનો સમાજ એથી ઊલટા પ્રકારનો વિચાર ધરાવે; અને એને એવા પ્રકારનાં કાર્યો કરવાની નફરત આવે. આપણી સામે બે માર્ગ ખુલ્લા છે. સત્ય પામવાનો એક જ માર્ગ છે અને અન્ય સર્વ નકામા છે એવું વિચારતા અજ્ઞાનીનો માર્ગ પહેલો; અને બીજો, આપણા માનસિક બંધારણ પ્રમાણે અગર જુદી જુદી જે કક્ષામાં આપણે વિચારતા હોઈએ તે પ્રમાણે, કર્તવ્ય અને નીતિમાં ભિન્નત્વ હોય એવું વિચારતા સુજ્ઞનો માર્ગ. કર્તવ્ય અને નીતિમાં ઉત્તરોત્તર ક્રમ રહેલો છે એ જાણવું તે મહત્ત્વનું છે—વિશિષ્ટ પ્રકારના જીવનમાં અને વિશિષ્ટ વાતાવરણમાં, જે કર્તવ્ય મનાય તે બીજા પ્રકારના જીવનમાં અને વાતાવરણમાં ન મનાય એ સમજવું તે મહત્ત્વનું છે.
દાખલા તરીકે બધા મહાન ગુરુઓએ શીખવ્યું છે કે, ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરો.’ અપ્રતિકાર એ શ્રેષ્ઠ નૈતિક આદર્શ છે. આપણામાંના કેટલાક જો આનો પૂરેપૂરો અમલ કરવાનો પ્રયાસ કરે તો, આખું સામાજિક માળખું તૂટી પડે, દુષ્ટ લોકો આપણી મિલકત પચાવી પાડે, આપણો પોતાનો કબજો કરી લે, આપણી સાથે ફાવે તેમ વર્તે. અપ્રતિકારનો આ રીતે એક દિવસ માટે પણ જો અમલ થાય તો એ સ્થિતિ ભારે ખતરનાક નીવડે. છતાં, આપણા અંતરના ઊંડાણમાંથી તો સત્યનો એ જ માત્ર અવાજ ઊઠે છે કે ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરો.’ આ શ્રેષ્ઠ આદર્શ છે એમ આપણને લાગે છે. પણ માત્ર આ સૂત્ર જ શીખવવામાં આવે તો વિશાળ માનવજાતને અપાત્ર ઠરાવવા જેવું થાય. એટલું જ નહીં પણ લોકોને સતત કંઈક ખોટું કરી રહ્યા હતા એવું હંમેશાં લાગ્યા કરે અને તેમને પોતાના દરેક કાર્યમાં અંતર ડંખ્યા કરે. પરિણામે તેઓ નબળા પડે, બીજી કોઈ પણ નબળાઈઓ કરતાં આવો સતત આત્મ-અનાદર બીજા ઘણા દુર્ગુણો પેદા કરે. એક વાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું. આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે.
આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા ઇચ્છનારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને બીજું ઈશ્વર ઉપર શ્રદ્ધા જોઈએ. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે? અર્થાત્ કર્તવ્ય અને નીતિમત્તા જુદી જુદી પરિસ્થિતિમાં બદલાતાં રહે છે તે ઓળખી લેવું એ જ એક વિકલ્પ આપણી પાસે રહે છે. નીતિમત્તા સંયોગાધીન છે. અનિષ્ટનો સામનો કરનાર માણસ ખોટું કરી રહ્યો છે એવું નથી, પરંતુ જે પ્રકારના જુદા સંયોગોમાં તે મુકાયો છે તે જોતાં, અશુભનો સામનો કરવો એ ઘણી વાર એનું કર્તવ્ય પણ થઈ પડે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાનો બીજો અધ્યાય વાંચતાં તમને પશ્ચિમવાસીઓને—ઘણાને કદાચ નવાઈ લાગતી હશે. આ બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને દંભી અને નામર્દ કહે છે. પોતાના દુશ્મનો, સગાંવહાલાં અને મિત્રો છે માટે એની સામે હથિયાર ન ઉપાડાય એવા બહાના નીચે, અર્જુન લડવાની ના પાડે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને દંભી અને નામર્દ કહે છે. આ પાઠ આપણે સૌએ શીખવા જેવો છે. કોઈ પણ બાબતમાં એક છેડે જઈને ન બેસવું જોઈએ. વધારે પડતી વિધેયાત્મક તેમજ નિષેધાત્મક બંને વાતો સરખી છે. પ્રકાશનાં આંદોલનો બહુ ધીમાં હોય તો આપણે તેને જોઈ શકતા નથી, તેમ જ બહુ ઝડપી હોય તોપણ જોઈ શકાતાં નથી. આવું જ અવાજની બાબતમાં પણ છે. અવાજ બહુ ધીમો હોય તો આપણે સાંભળતા નથી, તેવી જ રીતે અવાજ બહુ તીવ્ર હોય તોપણ તે સંભળાતો નથી. આવા જ પ્રકારનો તફાવત ‘પ્રતિકાર’ અને ‘અપ્રતિકાર’ એ બેમાં રહેલો છે. એક માણસ પ્રતિકાર કરતો નથી, કેમ કે તે નબળો છે, આળસુ છે અને પ્રતિકાર કરી શકે તેમ નથી; પ્રતિકાર નથી કરવો માટે નથી કરતો એમ નહિ. બીજો માણસ, ધારે તો પોતે જબ્બર ફટકો મારી શકે એમ છે, છતાં એ પ્રહાર કરતો નથી અને પોતાના દુશ્મનોને ક્ષમા આપે છે. નબળાઈને લીધે જે પ્રતિકાર કરતો નથી અને પોતાના દુશ્મનોને ક્ષમા આપે છે, પ્રતિકાર ન કરવાનું કોઈ શુભ ફળ એને પ્રાપ્ત થતું નથી; જ્યારે બીજો પ્રતિકાર કરત તો પાપ વહોરત. બુદ્ધે રાજ્ય છોડ્યું અને પોતાના પદનો ત્યાગ કર્યો, એ ખરો ત્યાગ હતો. પણ ભિખારીની બાબતમાં ત્યાગનો પ્રશ્ન જ ઊભો થતો નથી; એને ત્યાગ કરવા જેવું કશું નથી. તેથી સામનો ન કરવો એવું સૂત્ર ઉચ્ચારતી વખતે અથવા આદર્શ પ્રેમ રાખવો એમ વિચારતી વખતે, આપણે ખરેખર શું કહેવાનું છે તે સંભાળપૂર્વક સમજવું જોઈએ. પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં આપણે તેનો ઉપયોગ ન કરીએ અને પ્રતિકાર ન કરીએ, તો આપણે પ્રેમનું કંઈ ભવ્ય કાર્ય કરી રહ્યા છીએ; પણ જો આપણામાં પ્રતિકાર કરવાની શક્તિ ન હોય અને તે છતાં આપણે ઉચ્ચતમ પ્રેમના દોર્યા પ્રતિકાર નથી કરી રહ્યા એવી આત્મવંચના કરીએ, તો પ્રેમનું કોઈ ભવ્ય કાર્ય થતું નથી. પોતાની સામે જે પ્રબળ સૈન્ય ખડું હતું તે જોઈને અર્જુન નામર્દ થયો; એના ‘પ્રેમે’ એને પોતાના દેશ અને રાજા પ્રત્યેના એના ધર્મને વિસ્મૃત કરાવ્યો. તેથી શ્રીકૃષ્ણે અર્જુનને દંભી કહ્યો. શ્રીકૃષ્ણે કહ્યું: ‘તું ડાહી ડાહી વાતો કરે છે, પણ અત્યારે હવે નહિ લડું એમ કહેવું તને છાજતું નથી. માટે ઊભો થા અને યુદ્ધ કર.’
કર્મયોગનો આ કેન્દ્રવર્તી વિચાર છે. જે કર્મયોગી છે એ સમજે છે કે અપ્રતિકાર ઉચ્ચતમ આદર્શ છે, તથા એ જાણે છે કે અપ્રતિકાર જ એની પોતાની અંદર રહેલ શક્તિનો સર્વોચ્ચ પ્રકાશ છે, તથા એ સ્વીકારે છે કે જેને ‘દુષ્ટતાનો પ્રતિરોધ’ કહેવાય છે એ આ સર્વોચ્ચ શક્તિના પ્રગટીકરણના માર્ગમાં એક સોપાન માત્ર છે. આ ઉચ્ચ આદર્શે પહોંચતાં પહેલાં, માણસે અનિષ્ટનો પ્રતિકાર કરવો જોઈએ; એ કામ કરે, એ યુદ્ધ કરે, એ સીધા પ્રહાર કરે ત્યારે જ સામનો કરવાની શક્તિ એનામાં આવે અને ત્યારે જ ‘અપ્રતિકાર’ તે તેનો સદ્ગુણ ગણાશે.
મારા દેશમાં એક વખત એક માણસ મને મળ્યો. આ માણસને હું અગાઉ ઓળખતો હતો. એ મહામૂર્ખ હતો; એ કંઈ જાણતો ન હતો. જાણે કંઈ જાણવાની તેને ઇચ્છા પણ ન હતી અને જીવનમાં પશુની જેમ જીવતો હતો. પરમેશ્વરને જાણવાને શું કરવું જોઈએ અને મુક્ત કેમ થવાય એ વિશે એણે મને પૂછ્યું. મેં સામેથી પૂછ્યુંઃ ‘તમે ખોટું બોલી શકશો?’ એણે જવાબ આપ્યો, ‘ના.’ ‘તો તમારે અસત્ય બોલતાં શીખવું પડશે. પશુ જેવું અથવા લાકડાના ઢીમચાની જેમ જીવવું તેના કરતાં ખોટું બોલતા શીખવું ઘણું સારું.’ તમે પ્રમાદી છો. તમે ઊંચી સ્થિતિએ—જે સર્વ કાર્યથી પર, શાંત અને ગંભીર સ્થિતિ છે, તેને—પહોંચ્યા નથી, કોઈ દુષ્ટ કાર્ય કરવાની પણ તમારામાં બુદ્ધિ નથી.’ અલબત્ત આ અતિશયોક્તિવાળો દાખલો છે અને હું એની સાથે મજાક જ કરતો હતો પણ મારા કહેવાનો ઉદ્દેશ્ય હતો કે મનુષ્યે કાર્યમાંથી—પ્રવૃત્તિમાંથી પૂર્ણ શાંતિની ભૂમિકાએ પહોંચવા માટે પ્રથમ તો કાર્યશીલ થવું પડશે.
પ્રમાદીપણું સર્વ પ્રયાસે ટાળવું જોઈએ. કાર્યશીલ થવું એટલે પ્રતિકાર કરવો. સર્વ માનસિક તેમજ શારીરિક અનિષ્ટનો સામનો કરો; જ્યારે તમે સામનો કરવામાં સફળ થશો ત્યારે તમને શાંતિ મળશે. ‘‘કોઈને ધિક્કારો નહિ, અનિષ્ટનો પ્રતિકાર ન કરો.’’ એમ કહેવું સહેલું છે, પણ વ્યવહારમાં એ કેટલું મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ. સમાજની આંખો આપણા ભણી ઠરેલી હોય ત્યારે આપણે સામનો ન કરવાનો દેખાવ કરીએ છીએ. પણ આપણા હૃદયના ઊંડાણમાં તે હંમેશાં સડારૂપે રહેલ હોય જ છે; સામનો ન કરવાથી આવતી શાંતિનો આપણામાં સદંતર અભાવ હોય છે; સામનો કરીએ તો વધુ સારું, એવી આપણી ભાવના હોય છે. તમે ધનવાન બનવા માગતા હો અને તે સાથે જ એમ માનતા હો કે ધનની વાસના પોષનારને જગત અતિ દુષ્ટ માણસ તરીકે ઓળખે છે, તો તમે ધન-પ્રાપ્તિ માટે અગાથ પરિશ્રમ કરવાનું સાહસ નહિ કરો; તેમ છતાં તમારું મન તો અહર્નિશ ધનની ધૂનમાં જ ધુણ્યા કરવાનું. આ દંભ કહેવાય અને આવા દંભથી કશો અર્થ સરતો નથી. જગતમાં ઝંપલાવો અને તેમાં જે કાંઈ છે તે ભોગવ્યા તેમજ સહન કર્યા પછી થોડા સમયમાં જ ત્યાગવૃત્તિ આવશે અને શાંતિ મળશે. તેથી સત્તા અથવા વર્ચસ્વ મેળવવાની લાલસા હોય તો તે પૂર્ણ કરો. તમારી ઇચ્છાપૂર્તિ બાદ એવો સમય આવશે જ્યારે તમને જણાશે કે એ સઘળી વાસનાઓ તુચ્છ છે. પરંતુ જ્યાં સુધી આ વાસના પૂરણ ન કરો, જ્યાં સુધી તમે એ પ્રવૃત્તિમાંથી પસાર ન થાઓ, ત્યાં સુધી તમારે માટે શાંતિ, પ્રસન્નતા કે આત્મ-સમર્પણની સ્થિતિએ પહોંચવું અશક્ય છે. આ સ્વસ્થતા અને ત્યાગના પાઠ હજારો વર્ષથી આપવામાં આવ્યા છે. આપણામાંના દરેકે બાળપણથી એ વિશે સાંભળ્યું છે અને છતાં આપણામાંના ઘણા થોડા ખરેખરી સ્વસ્થતા અને ત્યાગની સ્થિતિએ પહોંચ્યા છે. મેં અર્ધા જગતનો પ્રવાસ કર્યો છે, તેમાં સાચી શાંતિ અને સાચા અપ્રતિકારની સ્થિતિએ પહોંચેલા ભાગ્યે જ વીસ માણસોને જોયા હશે.
દરેક માણસે પોતાનો આદર્શ અપનાવવો જોઈએ અને એ સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ. સિદ્ધ થવાની જેની જરાયે આશા નથી એવા બીજા માણસોના આદર્શો લેવા, તેના કરતાં પોતાનો આદર્શ અપનાવવો અને તે માટે પ્રયત્નશીલ થવું, એ પ્રગતિનો નિશ્ચિત માર્ગ છે. દાખલા તરીકે આપણે બાળકને વીસ માઈલ ચાલવાનું કહીએ તો કાં તો બાળક મૃત્યુ પામે અથવા હજારે એકાદ બાળક વીસ માઈલ ઘૂંટણિયાભેર ચાલે અને થાકીને લોથ બની, અધમૂઆની સ્થિતિમાં નિશાને પહોંચે. આવું જ કંઈક આપણે જગતના સંબંધમાં કરીએ છીએ. કોઈ પણ સમાજમાં દરેક સ્ત્રી કે પુરુષ સરખા મનના, શક્તિના કે કાર્ય કરવાની સમાન શક્તિવાળા હોતા નથી. એમની સમક્ષ જુદા જુદા આદર્શો હશે; આમાંના કોઈ પણ આદર્શ પ્રત્યે ઘૃણાની દૃષ્ટિએ જોવાનો આપણને અધિકાર નથી. પોતાનો આદર્શ સિદ્ધ કરવા માટે દરેકને પોતાનો પુરુષાર્થ કરી છૂટવા દો. વળી, તમારા ધોરણે મારો ન્યાય થાય અથવા મારા ધોરણે તમારો ન્યાય થાય, એ પણ સાચું નથી. સફરજનના છોડનો ન્યાય ઓકના વૃક્ષને લાગુ ન પડી શકે, તેમ જ ઓકનો ન્યાય સફરજનના છોડને લાગુ ન પડે. જેનો ન્યાય કરો તેનું જ ધોરણ તમારી સામે હોવું જોઈએ.
વિભિન્નતામાં એકતા એ સૃષ્ટિનું આયોજન છે. વિભિન્ન સ્ત્રીઓ અને પુરુષોમાં વ્યક્તિગત રીતે ગમે તેટલો તફાવત હોય, પણ એમનામાં મૂળભૂતરૂપે એકતા રહેલી છે. જુદા જુદા વર્ગનાં અને ચારિત્ર્યનાં સ્ત્રીઓ અને પુરુષો એ સર્જનહારનું જુદું જુદું સર્જન છે; તેથી આપણે તેમને એક જ ત્રાજવામાં તોલવા ન જોઈએ અથવા તેમની સમક્ષ એક જ આદર્શ મૂકવો ન જોઈએ. આમ કરવાથી અસ્વાભાવિક ઘર્ષણ પેદા થાય છે. પરિણામે, માણસ પોતાને ધિક્કારતો થાય છે, જેથી ધર્મપરાયણ અને ભલો થવામાં એને અંતરાય નડે છે. આપણું કર્તવ્ય તો દરેકને પોતપોતાના સર્વોચ્ચ આદર્શે પહોંચવાના સંઘર્ષમાં પ્રોત્સાહિત કરવાનું છે અને એ આદર્શ સત્યની વધુમાં વધુ નજીક પહોંચે એ પ્રયાસ કરવાનું છે.
ઘણા જૂના સમયથી હિંદુ ધર્મશાસ્ત્રો અને નીતિગ્રંથોમાં, જુદા જુદા વર્ગના માણસો માટે જુદા જુદા નિયમો ઘડવામાં આવ્યા છે; બ્રહ્મચારી, ગૃહસ્થી અને સંન્યાસીના દરેકના અલગ નિયમો બનાવેલા છે.
હિંદુશાસ્ત્ર પ્રમાણે, દરેક વ્યક્તિને પોતાનાં વિશેષ કર્તવ્ય બજાવવાનાં હોય છે; ઉપરાંત સમગ્ર માનવજીવનને લગતાં સર્વસામાન્ય કર્તવ્યો પણ હોય છે. હિંદુ પોતાનું જીવન બ્રહ્મચારી તરીકે શરૂ કરે છે; પછી એ લગ્ન કરી ગૃહસ્થ-જીવન ગાળે છે. પાકટ વયે પહોંચતાં એ ગૃહસ્થી છતાં નિવૃત્તિ લે છે અને છેવટે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બને છે. જીવનની આ દરેક ભૂમિકાનાં વિશેષ કર્તવ્યો હોય છે. આમાંથી એકેય ભૂમિકા બીજાથી આંતરિક રીતે ચડિયાતી નથી. ધાર્મિક કાર્યને જીવન અર્પણ કરેલા બ્રહ્મચારી જેવું જ ગૃહસ્થનું જીવન ઉચ્ચ મનાય છે. સિંહાસને બેઠેલા રાજા જેટલું જ પ્રતિષ્ઠિત જીવન શેરી વાળતા ભંગીનું છે. રાજાને સિંહાસન પરથી ઉઠાડી મૂકો, એને ભંગીનું કામ સોંપો અને પછી જુઓ કે રાજા કેવો સફળ થાય છે! ભંગી પાસેથી એનું કામ લઈ લો, એને સિંહાસન ઉપર બેસાડો ને પછી જુઓ કે ભંગી કેવો સફળ થાય છે! સંસારમાં રહેનાર કરતાં સંસારની બહારના માણસનું જીવન ઊંચું છે એમ કહેવું એ બરાબર નથી. સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના સમયમાં બે ભૂમિકામાં સમાઈ ગઈ છે; એક ગૃહસ્થ જીવનની અને બીજી સંન્યાસીની. ગૃહસ્થાશ્રમી લગ્ન કરે છે અને નાગરિક તરીકેનાં પોતાનાં કર્તવ્યો બજાવે છે; સંન્યાસીનું કર્તવ્ય પોતાની સર્વશક્તિનો વિનિયોગ ધર્મનો ઉપદેશ અને ઈશ્વરની ઉપાસના કરવામાં સમાયું છે. મહાનિર્વાણતંત્રમાંથી થોડાએક ફકરાઓ હું તમારી સમક્ષ વાંચીશ. મહાનિર્વાણતંત્રમાં આ વિષયની ચર્ચા કરેલી છે. આ ફકરાઓ પરથી તમને જણાશે કે, માણસે ગૃહસ્થ તરીકે રહેવું અને પોતાનાં કર્તવ્યો કરવાં એ કેટલું મુશ્કેલ કામ છે.
ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં જોઈએ અને પોતાના કાર્યોનાં ફળ પરમાત્માને અર્પણ કરવાં જોઈએ.
આ જગતમાં કાર્ય કરવું છતાં તેના ફળની ઇચ્છા ન રાખવી, અન્ય માણસને સહાય કરવી છતાં એ એને માટે કૃતજ્ઞ રહે એવો વિચાર ન સેવવો, કોઈ સારું કાર્ય કરવું છતાં એ સાથે એ કાર્યથી કીર્તિ કે નામના મળે છે કે કેમ અથવા કશું કાંઈ મળે છે કે કેમ, એ વિશે નજર સરખી ન રાખવી, એ ભારે કઠિન છે. અત્યંત નામર્દ માણસની પણ જગત જો પ્રશંસા કરે તો એ બહાદુર બને છે. સમાજનાં વખાણને લીધે મૂર્ખ પણ વીરતાનાં કામ કરે છે. પણ પોતાના સાથી માનવોની સહાયની કશી અપેક્ષા રાખ્યા વિના સતત રીતે શુભ કાર્ય કર્યે જવું, એ માણસનો ઊંચામાં ઊંચો માર્ગ છે, ત્યાગ છે. ગૃહસ્થનું કર્તવ્ય કમાવાનું છે, પણ આ કમાણીમાં અસત્ય, છેતરપિંડી કે લૂંટ ન થાય, તેનું એણે ધ્યાન રાખવું. એણે પોતાનું જીવન ઈશ્વર અને દરિદ્રનારાયણની સેવામાં ગાળવાનું છે.
અને માતાપિતાને ઈશ્વરના પ્રત્યક્ષ પ્રતિનિધિ માનીને દરેક ગૃહસ્થીએ સર્વ રીતે સદાય તેમને રાજી રાખવાં જોઈએ. માબાપના આનંદમાં ભગવાન રાજી રહે છે. માબાપને કદી કડવું વેણ ન કહેનાર પુત્ર કે પુત્રી, સૌથી વધારે સારાં સંતાન ગણાય.
માબાપની હાજરીમાં બાળકોએ મશ્કરી ન કરવી, અધીરા ન બનવું, ગુસ્સો ન કરવો, મન ઉપર કાબૂ રાખવો. નમ્ર બનવું. માબાપની આમાન્યા પાળવી. તેમનો પડ્યો બોલ ઉઠાવવા હંમેશાં તૈયાર રહેવું.
ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માબાપ, બાળકો, સ્ત્રી અને ગરીબને જમાડ્યાં પહેલાં જમવું તે પાપ છે. આ શરીર માતાપિતા તરફથી મળ્યું છે તેથી માબાપનું કલ્યાણ થાય તે માટે માણસે ગમે તેવી મુશ્કેલીઓ વેઠવા તૈયાર રહેવું જોઈએ.
ગૃહસ્થનું પોતાની પત્ની પ્રત્યેનું કર્તવ્ય પણ એવું જ છે. કોઈ પણ માણસે પોતાની પત્નીને ધમકાવવી ન જોઈએ. માતા સમાન ગણી તેનું ગૌરવ જાળવવું જોઈએ. સંકટ સમયે પણ પત્ની પ્રત્યે રોષ ન કરવો જોઈએ.
પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીનો વિચાર સરખો કરવો એ ગૃહસ્થને માટે પાપરૂપ છે. પરસ્ત્રીનો માનસિક સ્પર્શ પણ માણસને ઘોર નર્કમાં લઈ જાય છે.
સ્ત્રીઓની સામે અયોગ્ય ભાષા કદી ન વાપરવી. તેની પાસે પોતાની ખોટી બડાઈ ન હાંકવી. ‘મેં આમ કર્યું ને મેં તેમ કર્યું’ એમ બોલવું ન જોઈએ.
ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ મેળવી શકે, તે ધર્મમાં સફળ થયો છે અને એનામાં સર્વ ગુણ સમાયેલા છે એમ સમજવું.
ગૃહસ્થની બાળકો તરફની ફરજ નીચે મુજબ છે. પુત્ર ચાર વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું. સોળ વરસ સુધી તેને ભણાવવો અને વીસમે વરસે તેને કોઈ પણ કામધંધામાં લગાડવો. એ ઉંમરે પિતાએ તેને પોતાના સમાન ગણવો. પુત્રીને પણ પુત્ર સમાન ગણી ઉછેરવી; તેને ખૂબ સંભાળપૂર્વક ભણાવવી અને પુત્રી લગ્ન કરે ત્યારે પિતાએ તેને ધન તથા ઘરેણાં આપવાં.
ગૃહસ્થનું કર્તવ્ય તેનાં ભાઈબહેનો પ્રત્યે પણ છે; એટલું જ નહીં, તેમનાં ગરીબ બાળકો પ્રત્યે પણ છે. બીજાં સગાં અને નોકરો તરફ એનું કર્તવ્ય છે. તેવી જ રીતે ગામના લોકો તરફ, ગરીબો પ્રત્યે અને જે કોઈ મદદની આશા રાખે તે તમામ પ્રત્યે, ગૃહસ્થની ફરજ છે. પોતે સાધનસંપન્ન હોય છતાં ગૃહસ્થ પોતાનાં સગાંને અને ગરીબોને કશી મદદ ન કરે, તો તે પશુ છે, માનવી નથી.
ગૃહસ્થે ખાવા પ્રત્યે, વસ્ત્રો પ્રત્યે અને શરીરની ટાપટીપ તરફ બહુ વળગણ ન રાખવું. ગૃહસ્થનું હૃદય પવિત્ર, શરીર શુદ્ધ અને મન ચપળ તથા કાર્યરત હોવું જોઈએ.
ગૃહસ્થે દુશ્મનોનો સામનો વીરપુરુષની માફક કરવો જોઈએ. એનું એ કર્તવ્ય છે. એક ખૂણામાં ભરાઈ જઈને રડવા બેસે એ ગૃહસ્થ નથી. એણે ‘અપ્રતિકાર’ના સૂત્રનો મિથ્યા પ્રલાપ ન કરવો જોઈએ. જો એ પોતાના દુશ્મનોની સામે વીર ન બને તો એ પોતાનું કર્તવ્ય ચૂક્યો ગણાય. અલબત્ત, મિત્રો અને સગાં તરફ એણે સહૃદયી બનવું જોઈએ.
ગૃહસ્થે દુષ્ટને માન ન આપવું જોઈએ. જે દુષ્ટને માન આપે છે તે દુષ્ટતાને પોષે છે. માનના અધિકારી માણસને જ માન આપવું જોઈએ.
મિત્રો મેળવવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારવાં એ યોગ્ય નથી. કોઈ સાથે મૈત્રી બાંધતાં પહેલાં તેનાં કાર્યો અને બીજા સાથેનો તેનો વ્યવહાર બરાબર તપાસી લેવો જોઈએ. દરેક બાબત ઉપર બુદ્ધિપૂર્વક વિચાર કર્યા બાદ મિત્રતા બાંધવી જોઈએ. આ ત્રણ બાબતોની તેણે અવગણના ન કરવી જોઈએ.
જે મળે તેની પાસે પોતાના કામનાં વખાણ કર્યા કરશો નહીં. જ્યાં ત્યાં પોતાની બડાઈ ન હાંકવી. પોતાની ધનસંપત્તિ વિશે બહુ વાતો ન કરવી. કોઈએ કંઈ ખાનગી વાત કરી હોય તે ઉઘાડી ન પાડવી.
માણસે પોતે ગરીબ છે એમ ન કહેવું, તેમ પૈસાદાર હોવાનો ડોળ ન કરવો. પોતાના અભિપ્રાયો વારંવાર બહાર ન પાડવા. વિચારપૂર્વક બંધાયેલ અભિપ્રાય એ પવિત્ર વસ્તુ છે; તેને આપણા હૃદયમાં સંઘરી રાખવો એ પણ કર્તવ્ય છે. આ બધી બાબતો કેવળ દુનિયાદારીનું ડહાપણ નથી, પણ દરેક ગૃહસ્થે આ પ્રમાણે વર્તવું તે સામાન્ય નીતિ છે.
ગૃહસ્થ એ સમાજજીવનનો આધારસ્તંભ છે. એ કુટુંબનો મુખ્ય કમાનાર માણસ છે; નાનાં બાળકો, સ્ત્રીઓ, અશક્તો, વૃદ્ધો, બધાં તેને આધારે જીવે છે. તેથી તેની કેટલીક વિશિષ્ટ ફરજો છે. આ ફરજો બજાવવામાં એણે ગૌરવ અનુભવવું જોઈએ; એમ કરવામાં પોતે હલકો પડે છે એવું એને લાગવું ન જોઈએ.
પોતાનાથી કંઈક હલકું કામ થઈ ગયું અથવા ભૂલ થઈ, તો તેને વિશે ગૃહસ્થે જાહેરમાં વાતો કરવાની જરૂર નથી. કોઈક મોટું સાહસ ઉપાડ્યું અને સંજોગવશાત્ તેમાં સોએ સો ટકા નિષ્ફળ નીવડવાનો સંભવ જણાય, તોપણ તેને વિશે જાહેર ચર્ચા કરવાની જરૂર નથી; આત્મનિંદા કે સમાજ આગળ પોતાની ફજેતી કરવાની કશી જરૂર નથી. એનાથી માણસના જ્ઞાનતંતુઓ ઢીલા પડે છે અને યોગ્ય કર્તવ્ય બજાવવાની શક્તિ એ ગુમાવી બેસે છે.
ગૃહસ્થે કર્તવ્યપાલનનું સામર્થ્ય કેળવવા ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણ મેળવવું; પછી કુટુંબના ગુજરાન માટે જરૂરી ધન મેળવવા પ્રયાસ કરવો. કુટુંબનિર્વાહ અંગે જે પ્રામાણિક પ્રયત્ન નથી કરતો તે અનીતિમાન છે. આળસુ અને પ્રમાદી જીવનમાં સંતોષ માનવો તે અનીતિ છે, કારણ કે તેની ઉપર અનેકનો આધાર છે. જો તે ધનપ્રાપ્તિ કરે તો એ દ્વારા બીજા હજારોને એ પોષી શકશે.
જો આ શહેરમાં એવા હજારો લોકો ન હોય જેઓ પૈસા ન કમાય અગર સંપત્તિ એકઠી ન કરે તો આ બધો સુધારો ક્યાંથી થાય? આ બધાં અનાથગૃહો અને બીજા મોટા મહેલો ક્યાંથી બંધાય?
આ પરિસ્થિતિમાં પૈસા કમાવા અયોગ્ય નથી. કેમ કે એ દ્રવ્ય વહેંચવા માટે છે. ગૃહસ્થ એ સમાજજીવનનું કેન્દ્ર છે. એને પૈસા કમાવા અને સન્માર્ગે વાપરવા એ ઈશ્વરપૂજા છે. જે ગૃહસ્થો સન્માર્ગો દ્વારા પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે, તેમનો હેતુ શુભ હોય તો એ કોઈ ત્યાગીની કોટિનો જ છે એમ કહેવું જોઈએ. વસ્તુતઃ આ માર્ગે એ મુક્તિ મેળવવાનો જ પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ ગુફામાં બેસીને પ્રાર્થના કરતો સાધક આ સિવાય બીજું શું કરે છે? ગૃહસ્થ અને ત્યાગીમાં એક જ સદ્ગુણનાં ભિન્ન પાસાં રહેલાં છે. ઈશ્વરોપાસનાની ભાવનાથી પ્રેરાયેલાં આત્મસમર્પણ અને સ્વાર્થત્યાગ આ બંનેમાં સમાન રીતે સમાયેલાં જ છે.
બેશક, ગૃહસ્થે પોતાની શુભ નામના માટે પ્રયત્ન કરવો જ જોઈએ. માત્ર તેણે જુગાર ખેલવો ન જોઈએ, કુસંગ કરવો ન જોઈએ. અસત્ય ભાષણ કરવું ન જોઈએ અને બીજાને પીડા થાય તેવું કોઈ કાર્ય આચરવું ન જોઈએ.
માણસો ઘણી વાર એવાં અશક્ય કામોમાં ઝંપલાવે છે કે સ્વાર્થ સાધવા માટે બીજાને છેતરે છે. વળી, આ બધામાં સમયના પાસાનો વિચાર પણ કરવો પડે છે. કેમ કે અમુક સમયે જે નિષ્ફળતા ગણાય તે બીજે કોઈ વખતે મોટી સફળતારૂપ પણ ગણાય.
ગૃહસ્થે હંમેશાં સાચું બોલવું જોઈએ. સાથોસાથ એણે ભાષા સૌમ્ય રાખવી જોઈએ. સામેની વ્યક્તિને ગમે તેવા અને એનું હિત થાય એવા શબ્દો વાપરવા જોઈએ. એણે બીજાનાં કાર્યો વિશે મૌન સેવવું જોઈએ.
જે ગૃહસ્થ નવાણો ગળાવે છે, વૃક્ષો રોપાવે છે, ધર્મશાળાઓ બંધાવે છે, રસ્તાઓ તથા નદીઓ ઉપર પૂલો બંધાવે છે તે પણ કોઈ મહાન યોગી જેવું લક્ષ્ય પ્રાપ્ત કરવાને માર્ગે જઈ રહ્યો છે.
કર્મયોગના સિદ્ધાંતનો આ એક ભાગ છે. કર્મ કરવું એ ગૃહસ્થનું કર્તવ્ય છે. વળી, એમ પણ કહેવાયું છે કે ‘કોઈ ગૃહસ્થ, યુદ્ધમાં દેશ અથવા ધર્મને કાજે પ્રાણાર્પણ કરે તો ધ્યાન દ્વારા યોગી જે ધ્યેયને પામે છે તે જ ધ્યેયને તે પણ પામે છે. એ એમ બતાવે છે કે જે ક્રિયા એકને માટે કર્તવ્ય છે તે બીજાને માટે કર્તવ્યરૂપ નથી. સાથોસાથ એ એમ પણ બતાવે છે કે એક કર્તવ્ય હલકું છે અને બીજું ઊંચું છે એમ પણ નથી. દરેક કર્તવ્યને પોતાનું આગવું સ્થાન છે અને જે પરિસ્થિતિમાં આપણે મુકાયા હોઈએ તે અનુસાર આપણે આપણાં કર્તવ્યો કર્યે જવાં જોઈએ.
આ બધા ઉપરથી એક વાત એ ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારની નબળાઈ એ સારી વસ્તુ નથી. ગૃહસ્થનાં કર્તવ્યો અંગે શાસ્ત્રોમાં જે ઉપદેશ છે તેમાં આ વાત ભાર દઈને કહેલી છે. આ વિચાર મને ગમે છે. વેદોમાં એક શબ્દ વારંવાર આવે છેઃ ‘નિર્ભયતા’. કોઈ પણ જાતનો ડર ન રાખો. ભય એ નબળાઈની નિશાની છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ.
ઈશ્વરભક્તિ માટે સંસારનો ત્યાગ કરનાર માણસોએ એમ ન માનવું જોઈએ કે જેઓ સંસારમાં રહીને જગતના કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે તેઓ ઈશ્વરભક્તિ કરતા નથી. તેવી જ રીતે બાળકો અને પત્નીની ખાતર સંસારમાં રહેનાર ગૃહસ્થે પણ સંન્યાસીને નકામો અને રખડુ ન ગણી કાઢવો. સૌ પોતપોતાને સ્થાને મહાન છે.
આ વિચારને વધારે સમજાવવા માટે એક વાર્તાનું ઉદાહરણ આપીશ.
એક રાજા હતો. તે પોતાના દેશમાં આવતા દરેક સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો કે, ‘સંન્યાસાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’
ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નનું સમાધાન કરવા પ્રયાસ કર્યો, પણ રાજાના મનનું સમાધાન થયું નહીં.
કોઈએ કહ્યું, ‘સંન્યાસ આશ્રમ મોટો’ તો રાજાએ તેની સાબિતી માગી. તેઓ સાબિતી આપી શક્યા નહીં. એટલે તેને પરણીને ગૃહસ્થ જીવન ગાળવાની રાજાએ આજ્ઞા કરી.
જેમણે ગૃહસ્થાશ્રમ મોટો એવો મત આપ્યો પણ તેની સાબિતી આપી ન શક્યા તેમને પણ રાજાએ પરણાવી દીધા અને સાચો ગૃહસ્થાશ્રમ કોનું નામ, તેનો અનુભવ કરવા કહ્યું.
આખરે એક યુવાન સંન્યાસી આવ્યો. રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો. એણે જવાબ આપ્યો, ‘રાજાજી, પોતાની રીતે બન્ને સરખા મહાન છે.’ રાજાએ કહ્યું, ‘મને સાબિત કરી આપો,’ સંન્યાસીએ જવાબ વાળ્યો, ‘હું તમને સાબિત કરી આપીશ; પણ તે માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે અને હું રહું છું તેમ રહેવું પડશે, હું કરું તે કરવું પડશે. એટલે અવશ્ય તમને સાબિત કરી આપીશ.’ રાજાએ કબુલ કર્યું અને પોતાના રાજ્યની બહાર સંન્યાસીની સાથે ચાલી નીકળ્યો. બન્ને ચાલતાં ચાલતાં એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાં રાજધાનીમાં એક મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. રાજા અને સંન્યાસીએ નોબત અને ઢોલ, શરણાઈના સૂર સાંભળ્યા. લોકો સારાં કપડાં પહેરી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું વંચાઈ રહ્યું હતું. શું બની રહ્યું છે તે જોવા માટે રાજા અને સંન્યાસી ત્યાં ઊભા રહ્યા. ઢંઢેરો પીટનાર જોરશોરથી જાહેર કરી રહ્યો હતોઃ ‘જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે, તેને કુંવરી તથા રાજ્ય બન્ને મળશે.’
સ્વયંવર કરીને પતિની પસંદગી કરવાની આ પ્રથા ભારતમાં પ્રાચીન સમયમાં હતી. કેવા માણસને પતિ તરીકે પસંદ કરવો, તે બાબતમાં દરેક રાજકુમારીના જુદા વિચારો હતા. કોઈ સુંદર પુરુષને પરણવા ઇચ્છતી, તો કોઈ વિદ્વાનોને વરવા ચાહતી; કોઈ શૂરવીરને તો વળી કોઈ ધનવાનને પરણવા મન કરતી. દેશપરદેશના રાજકુમારો સારાં સારાં વસ્ત્ર-આભૂષણો પહેરી સ્વયંવરમાં આવતા. અમુક રાજકુમારો પોતાના ભાટચારણોને સાથે લાવતા; તેઓ તેમના ગુણગાન ગાતા.
સ્વયંવરનો સમય થતો ત્યારે રાજકુમારીને પાલખીમાં બેસાડી સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવી રંગમંડપમાં ફેરવવામાં આવતી. દરેક રાજકુમારને એ જોતી, તેનાં ગુણગાન સાંભળતી અને જો તેને સંતોષ ન થાય તો તે આગળ ચાલતી. જેઓ નાપસંદ થતા તેમનાં મોં ઝાંખાં પડી જતાં. રાજકુમારી જેને પુષ્પની વરમાળા પહેરાવે તે તેનો પતિ બનતો.
હવે જે રાજ્યમાં આપણો રાજા અને સંન્યાસી આવ્યા હતા, તેની રાજકુમારી આવો એક રસિક પ્રસંગ ઊજવી રહી હતી. એ રાજકુમારી દેશ આખામાં સૌથી વધુ સ્વરૂપવાન હતી. એના પિતાને કોઈ પુત્ર ન હતો, તેથી તેને પરણનાર, રાજકુમારી ઉપરાંત, તેના પિતાના રાજ્યનો તે રાજા થવાનો હતો. તે રાજકુમારી સુંદરમાં સુંદર પુરુષને વરવા ઇચ્છતી હતી; તેને કોઈ યોગ્ય પતિ મળ્યો ન હતો અનેક વાર આવો સ્વયંવર કરવામાં આવેલો, પણ રાજકુમારીને મનગમતો પુરુષ મળ્યો ન હતો.
આ વખતનો સ્વયંવર ભારે ભપકાદાર હતો. પહેલાંના કરતાં ઘણા વધારે લોકો એકઠા થયા હતા. રિવાજ પ્રમાણે રાજકુમારી સભામંડપમાં આવી. મંડપમાં એક પછી એક રાજકુમારને જોતી તે પસાર થઈ ગઈ, પણ કોઈ તેને પસંદ ન પડ્યો. પ્રથમની માફક આ સ્વયંવર પણ નકામો જશે એમ સૌને લાગ્યું. રાજકુમારીનાં માતાપિતા પણ નિરાશ થયાં.
સભામંડપમાંથી બહાર નીકળીને રાજકુમારીએ ત્યાં ઊભેલા લોકોના સમૂહ તરફ એક નજર ફેંકી. સામાન્ય લોકોના ટોળામાં સૂર્ય સમાન તેજસ્વી એક યુવાન સંન્યાસી ઊભો હતો. રાજકુમારીએ એ સંન્યાસીને જોયો કે તરત તે દોડી અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી. યુવાન સંન્યાસીએ ગળામાંથી એને કાઢીને ફેંકી દેતાં કહ્યું, ‘આ શી મૂર્ખામી! હું તો સંન્યાસી છું. મારે લગ્ન સાથે લેવાદેવા નથી.’
આ શબ્દો રાજાના કાને પડ્યા એટલે તે દોડીને પાસે આવ્યો. એને લાગ્યું કે આ ગરીબ સાધુ રાજકુંવરીને પરણતાં અચકાય છે. રાજાએ કહ્યું, ‘મહારાજ! આ મારી કુંવરી સાથે આપને અર્ધું રાજપાટ મળશે અને મારા મૃત્યુ પછી આખું રાજ તમને મળશે.’ આમ કહી રાજાએ વરમાળા ઉપાડીને ફરી સંન્યાસીના ગળામાં પહેરાવી. એ યુવાન સંન્યાસી પહેલાંની પેઠે જ બોલી ઊઠ્યો, ‘રાજા! હું સંન્યાસી છું. લગ્નને ને મારે શું લાગેવળગે?’ આમ કહી તે ઉતાવળે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો.
હવે તો રાજકુમારી તો પોતાના મનથી સંન્યાસીને વરી ચૂકી હતી. એણે કહ્યું, ‘જો પરણું તો એને જ પરણું નહિતર પ્રાણ તજું.’ એમ કહી તે પણ એની પાછળ ચાલી.
સંન્યાસીની સાથે આવેલ રાજા પણ જંગલને રસ્તે ચાલી નીકળ્યો. બન્ને જણ ઉતાવળા જંગલ ભણી જતા હતા અને રાજકુમારી તેમની પાછળ જતી હતી. રાજકુમારી ઘણી ઉતાવળે ચાલી પણ તે સંન્યાસીને પહોંચી શકી નહીં. વળી, વનનો માર્ગ એને માટે સાવ અજાણ્યો હતો તેથી થાકીને તે એક ઝાડ તળે બેસી ગઈ અને રડવા લાગી.
સંન્યાસીએ રાજકુમારીનું રુદન સાંભળ્યું એટલે તેને દયા આવી. રાજા અને સાધુ બન્ને તેની પાસે આવ્યા. એમણે કહ્યું, ‘રડો નહીં. આ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને અત્યારે જડશે નહીં. વળી અંધારું થવા આવ્યું છે. માટે આ ઝાડ તળે આરામ કરો. સવારે તમને અમે માર્ગ બતાવીશું.’ રાજકુમારી શાંત બની અને સંન્યાસીના કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષ નીચે જઈને બેઠી. રાજા અને સંન્યાસીએ પણ એ વૃક્ષ તળે એક બાજુ મુકામ કર્યો.
હવે બન્યું એવું કે એ વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું. તેમને ત્રણ બચ્ચાં હતાં. માણસોનો અવાજ સાંભળીને પક્ષીએ નીચે જોયું તો ઝાડ નીચે ત્રણ જણ બેઠાં હતાં. એ પરગજુ પંખીએ પોતાની માદાને કહ્યુંઃ ‘આપણે આંગણે મહેમાન આવ્યાં છે. શિયાળાની ઠંડીમાં તેઓ થરથરતાં બેઠાં છે. આપણે શું કરવું? આપણી પાસે દેવતા તો નથી.’ આમ કહી એ નરપક્ષી ઉપલી ડાળે ચડ્યો અને તેણે ચોમેર નજર કરી. જોયું તો દૂર જંગલમાં દવ લાગેલો હતો. એ ઊપડ્યો અને એમાંથી એક સળગતું કરગઠિયું ચાંચમાં ઉપાડી લાવ્યો. નીચે પાંદડાનો ઢગલો પડ્યો હતો તેમાં એ નાખ્યું. તરત તાપ થયો. સંન્યાસીએ આસપાસથી થોડાં કરગઠિયાં એકઠાં કરી તાપણું સળગાવ્યું. તેમની ઠંડી તો ઊડી.
પણ પેલા પક્ષીથી રહેવાતું ન હતું. એને સંતોષ ન હતો. એણે ફરી પોતાની માદાને પૂછ્યુંઃ ‘વહાલી, આપણે શું કરીશું? આ લોકો ભૂખ્યા છે. આપણી પાસે કશું જ ખાવાનું નથી. આપણે ગૃહસ્થી છીએ. ઘેર આવેલાંને જમાડવાનો આપણો ધર્મ છે. બીજું તો કાંઈ નથી એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગું.’ આમ, કહી તેણે બળતા તાપણામાં પડતું મૂક્યું. રાજાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં તો એ બળીને ભડથું થઈ ગયો.
હવે, પક્ષીની માદાએ વિચાર કર્યોઃ ‘ત્રણ મહેમાનોને એક પક્ષીથી કેમ પૂરું પડે? મારા પંખીરાજની જેમ મારે પણ મહેમાનોનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. મારા શરીરથી જ તેમની ભૂખ ભાંગું.’ આમ વિચાર કરી તે પણ બળતામાં પડી. તેને પણ કોઈ બચાવી ન શક્યા.
હવે, પેલાં નાનાં બચ્ચાંઓએ જોયું કે મહેમાનો માટે બે પક્ષીઓનો ખોરાક પૂરતો નથી. ‘આપણાં માબાપનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ. આપણાં શરીર પણ ભલે મહેમાનોના ખપમાં આવે.’ આમ વિચાર કરી ત્રણે બચ્ચાં તાપણામાં પડ્યાં અને સળગી મર્યાં.
પક્ષીઓના આ અદ્ભુત સમર્પણથી ચકિત બનેલા રાજા, રાજકુંવરી કે સંન્યાસી કોઈ પક્ષીઓને ખાઈ શક્યું નહીં. એમણે ભૂખ્યાં રાત પસાર કરી.
સવારે સંન્યાસીએ રાજકુમારીને તેના નગરનો માર્ગ બતાવ્યો.
રાજકુમારી સંન્યાસીનો પ્રભાવ જોઈને જ પાછી ફરી અને પોતાના ગામ તરફ ચાલી ગઈ.
સંન્યાસી રાજાની સાથે તેની રાજધાનીમાં આવ્યો. રાજાને તેણે કહ્યુંઃ ‘રાજાજી! તમે જોઈ શક્યા કે દરેક જણ પોતાના સ્થાને મહાન છે. જો તમારે ગૃહસ્થાશ્રમમાં રહેવું હોય તો પેલાં પક્ષીઓની માફક રહો. કોઈ પણ પ્રસંગે બીજાને માટે પોતાની જાતનો અને સર્વસ્વનો ભોગ આપવા તૈયાર રહો. તમારે જો સંન્યાસીનું ત્યાગી જીવન ગાળવું હોય તો મારી માફક સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહો. જેને મન સુંદર સ્ત્રી, રાજપાટ, ધનદોલત, વિલાસવૈભવ કોઈ વિસાતમાં નથી તે જ સંન્યાસી થઈ શકે. ગૃહસ્થનું જીવન પણ ભોગને અર્થે નથી; સેવા અને બલિદાનને માટે છે. ગૃહસ્થી કે સંન્યાસી બન્ને પોતપોતાને સ્થાને મહાન છે. પણ એકનો ધર્મ તે બીજાનો નથી.’

