કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા આપણી આધ્યાત્મિક પ્રગતિમાં કેવી રીતે સહાય કરે છે તે વિશે વિશેષ વિચાર કરતાં પહેલાં, હું તમારી સમક્ષ અમે ભારતમાં કર્મ એટલે શું માનીએ છીએ, તેની બીજી બાજુ ટૂંકામાં રજૂ કરીશ. દરેક ધર્મના ત્રણ ભાગ હોય છેઃ તત્ત્વજ્ઞાન, પુરાણ અને આચાર. અલબત્ત, તત્ત્વજ્ઞાન એ દરેક ધર્મનો સાર છે. પુરાણો થોડે કે વધારે અંશે દંતકથા જેવાં છે; મહાન પુરુષોનાં જીવન, અજાયબી પમાડે તેવી કથા અને દૃષ્ટાંતો વગેરે વડે તે તત્ત્વજ્ઞાનને સમજાવે છે; આચાર આ તત્ત્વજ્ઞાનને વધારે મૂર્ત સ્વરૂપ આપે છે, જેને પરિણામે દરેક માણસ એને ગ્રહણ કરી શકે. હકીકતમાં આચાર એ મૂર્ત થયેલ તત્ત્વજ્ઞાન છે. આચાર એ કર્મ છે; દરેક ધર્મમાં આચારની જરૂર છે, કેમ કે જ્યાં સુધી આપણે આધ્યાત્મિક રીતે બહુ આગળ ન વધીએ ત્યાં સુધી અમૂર્ત આધ્યાત્મિક વિચારોને સમજી ન શકીએ. પોતે બધું સમજી શકે છે એમ માનવું એ માણસને માટે સહેલું છે, પણ જ્યારે વ્યવહારમાં અનુભવવાનો પ્રસંગ આવે, ત્યારે અમૂર્ત વિચારોને સમજવા ઘણી વાર મુશ્કેલ પડે છે. આવે વખતે પ્રતીકો ઘણી વાર ખૂબ સહાયભૂત બને છે; એટલે આપણી સામે મૂર્ત સ્વરૂપે મૂકવામાં આવતી વાતનો આપણે નકાર કરી શકીએ નહીં.
દરેક પ્રકારના ધર્મમાં ઘણા લાંબા કાળથી પ્રતીકોનો ઉપયોગ થયેલો છે. એક રીતે કહીએ તો આપણે પ્રતીક સિવાય વિચાર કરી શકતા નથી; શબ્દો પોતે પણ વિચારના વાહક-પ્રતીકો છે. બીજી રીતે કહીએ તો વિશ્વમાં જે કાંઈ છે તેને પ્રતીક તરીકે ગણી શકાય. આખું વિશ્વ એક પ્રતીક છે અને પરમાત્મા એની પાછળનું સારતત્ત્વ છે. આ જાતનો પ્રતીકવાદ એ માત્ર માણસનું સર્જન નથી; એકાદ ધર્મના અમુક માણસો ભેગા થાય અને અમુક પ્રતીકો કલ્પી કાઢીને પોતાના માનસમાંથી આ રીતે નિપજાવી એને બહાર લાવે છે એવું પણ નથી. ધર્મનાં પ્રતીકો કુદરતી રીતે વિકાસ પામ્યાં છે. જો એમ ન હોય તો લગભગ દરેક માણસના મનમાં અમુક પ્રતીકો અમુક વિચારો સાથે શા માટે જોડાય છે? કેટલાંએક પ્રતીકો સમસ્ત વિશ્વમાં પ્રચલિત છે. ખ્રિસ્તી ધર્મના સંબંધમાં પ્રતીક તરીકે ‘ક્રોસ’ આવ્યો એમ તમારામાંના ઘણા કદાચ માનશે; પણ હકીકતે ખ્રિસ્તી ધર્મ ઉદય પામ્યો તે પહેલાંનો આ ક્રોસ હતોઃ મોઝીઝનો જન્મ થયો એ પહેલાં, વેદો પ્રગટ થયા તે પહેલાં, માનવનો ઇતિહાસ શરૂ થયો તે પહેલાં એ અસ્તિત્વમાં હતો. એટલું જ નહીં, એઝટેકસ અને ફિનિશિયનોમાં પણ ‘ક્રોસ’ અસ્તિત્વમાં હતો એમ માલૂમ પડ્યું છે. દરેક પ્રજા કે જાતિ પાસે ક્રોસ હતો. વળી ક્રૂસ પર ચઢેલા તારણહારનું પ્રતીક, લગભગ દરેક પ્રજામાં જાણીતું હતું. સમસ્ત જગતમાં વર્તુળ એ મહાપ્રતીક છે. વળી એક બીજું પ્રતીક, તો સ્વસ્તિક સમસ્ત વિશ્વમાં માન્ય છે. બૌદ્ધધર્મીઓ પોતાની સાથે સ્વસ્તિકને સમસ્ત જગતમાં લઈ ગયા એવી માન્યતા એક વખત પ્રવર્તતી હતી; પણ બૌદ્ધધર્મના ઊગમ પહેલાં, યુગો થયાં, પ્રજાઓમાં એનો ઉપયોગ પ્રચલિત હતો. જૂના બેબિલોનમાં અને ઇજિપ્તમાં એ પ્રચારમાં હતો. આ બધું શું બતાવે છે? આ સર્વ પ્રતીકો માત્ર રૂઢિ તરીકે આવ્યાં નહીં હોય, એના અસ્તિત્વ માટે કોઈ કારણ હોવું જોઈએ; એના અને માણસના મન વચ્ચે કોઈ કુદરતી જોડાણ હોવું જોઈએ. ભાષા એ રૂઢિનું પરિણામ નથી; અમુક શબ્દો વડે અમુક વિચારોને રજૂ કરવા જોઈએ એવું કંઈ નથી. અનુરૂપ શબ્દ વગરનો એકેય વિચાર અસ્તિત્વમાં કોઈ દિવસ ન હતો અથવા અનુરૂપ વિચાર વગરનો એકેય શબ્દ અસ્તિત્વમાં ન હતો. સ્વભાવથી જ વિચાર અને શબ્દ અવિભાજ્ય છે. વિચારોને રજૂ કરતાં પ્રતીકો ધ્વનિપ્રતીકો હોય અથવા વર્ણપ્રતીકો હોય. મૂગા અને બહેરાઓને ધ્વનિપ્રતીકો સિવાયનાં બીજાં પ્રતીકોનો આશ્રય લેવો પડે છે. મનમાંના દરેક વિચારને અનુરૂપ કોઈક આકૃતિ હોય છે. સંસ્કૃત તત્ત્વજ્ઞાનીઓ એને નામરૂપ કહે છે.
જેવી રીતે રૂઢિ દ્વારા ભાષાની ઉત્પત્તિ કરવી અશક્ય છે, તેવી જ રીતે રૂઢિ દ્વારા પ્રતિકોની પરંપરા સર્જવાનું પણ અશક્ય છે. જગતભરના આચાર-પ્રતીકોમાં મનુષ્યજાતના ધાર્મિક વિચારો પ્રગટ થાય છે. આચારની, મંદિરો અને એવી વિવિધ સામગ્રીઓની જરૂર નથી એમ કહેવું સહેલું છે; આજના યુગમાં દરેક છોકરું એમ બોલે છે. મંદિરમાં જઈને પ્રાર્થના કરનાર અને ન કરનાર વચ્ચે ભેદ છે એ સહેલાઈથી જોઈ શકાય છે. તેથી અમુક ધર્મ સાથે સંકળાયેલાં અમુક મંદિરો, આચારો અને બીજાં મૂર્તરૂપોને પરિણામે એ ધર્મના અનુયાયીઓના મનમાં જેનાં એ પ્રતીક છે તે વિશેના વિચાર આવે છે; આચારને અને પ્રતિકવાદને સમૂળગાં અવગણવાં એ ડહાપણભર્યું નથી. આ બધાનો અભ્યાસ કરવો, અમલ કરવો એ પણ કર્મયોગનો સ્વાભાવિક અંશ છે.
કર્મના વિજ્ઞાનની બીજી અનેક બાજુઓ છે; વિચાર અને શબ્દ વચ્ચેનો સંબંધ જાણવો અને શબ્દશક્તિથી શું સિદ્ધ થઈ શકે તે જાણવું એ તેમાંની એક બાજુ છે. દરેક ધર્મે શબ્દની શક્તિ પિછાની છે; આ શબ્દની શક્તિ એટલી બધી હદ સુધી જાણી શકાય છે કે અમુક ધર્મમાં શબ્દમાંથી બ્રહ્માંડનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે. પરમાત્માએ બ્રહ્માંડનું સર્જન કર્યું તે પહેલાં વિચાર કર્યો અને ઇચ્છા કરી, એટલે શબ્દમાંથી બ્રહ્માંડનું સર્જન થયું. જડવાદી જીવનની દોડધામમાં આપણા જ્ઞાનતંતુઓ સંવેદન ગુમાવે છે અને કઠોર બને છે. વયમાં વધતા જઈએ અને આ જગતમાં જેમ જેમ વધારે વખત ધકેલાતા જઈએ તેમ તેમ આપણે વિશેષ કઠોર બનતા જઈએ છીએ તથા આપણી આસપાસ જે સતત ચાલી રહ્યું છે તે પ્રત્યે બેદરકાર બનતા જઈએ છીએ. તેમ છતાં કોઈ કોઈ વાર માનવસ્વભાવ જાગી ઊઠે છે અને બધા સામાન્ય બનાવો પ્રત્યે પ્રશ્નાર્થ અને આશ્ચર્યવૃત્તિથી પ્રેરાઈએ છીએ. પ્રકાશ મેળવવા માટે આશ્ચર્ય એ પ્રથમ પગથિયું છે. તત્ત્વજ્ઞાન અને ધર્મની દૃષ્ટિએ શબ્દનાં ઊંચાં મૂલ્યને બાજુએ મૂકીએ, તો આપણને માલૂમ પડશે કે માનવજીવનના નાટકમાં ધ્વનિપ્રતીકો મહત્ત્વનો ભાગ ભજવે છે. હું તમારી સાથે વાત કરી રહ્યો છું. હું તમને સ્પર્શતો નથી, મારા બોલવાથી હવામાં થતાં સ્પંદનો તમારા કાનમાં ઊઠે છે; આ સ્પંદનો તમારા જ્ઞાનતંતુઓને સ્પર્શે છે અને તમારા મનમાં સંવેદના ઉત્પન્ન કરે છે. તમે આ અસરને રોકી શકતા નથી. આથી વિશેષ આશ્ચર્યજનક બીજું શું હોઈ શકે? એક માણસ બીજા માણસને મૂર્ખ કહે છે, સાંભળીને સામો માણસ ઊભો થાય છે, મૂઠીઓ વાળે છે અને પેલા માણસના નાક ઉપર પ્રહાર કરે છે. શબ્દની શક્તિ તો જુઓ! એક સ્ત્રી છે; તે રડે છે અને તે દુઃખી છે. એક બીજી સ્ત્રી આવે છે, જે પાસે જઈ તેને થોડા માયાળુ શબ્દો કહે છે; સાવ ભાંગી પડીને રડતી પેલી સ્ત્રી એકદમ ટટ્ટાર થાય છે, એનો શોક ચાલ્યો જાય છે અને ચહેરા પર હાસ્ય દેખાય છે! શબ્દની શક્તિનો વિચાર તો કરો! ઊંચી ફિલસૂફીમાં તેમજ માણસના સામાન્ય જીવનમાં શબ્દો એ મોટી શક્તિ છે. રાત અને દિવસ વિચાર કર્યા વગર કે તપાસ કર્યા વગર આપણે આ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. આ શક્તિને પ્રકૃતિ જાણવી અને એ શક્તિને સારી રીતે વાપરવી એ પણ કર્મયોગનો એક ભાગ છે.
બીજા પ્રત્યેનું આપણું કર્તવ્ય એટલે બીજાઓને સહાય કરવી, જગતનું ભલું કરવું. જગતનું ભલું આપણે શા માટે કરવું? જગતનું ભલું કરવા જેવું એ દેખાય છે, પણ ખરી રીતે તો તે આપણા પોતાના જ કલ્યાણ માટે હોય છે. જગતને સહાય કરવાનો આપણે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ અને એ ઉચ્ચ હેતુનો હોવો જોઈએ; પણ જો ઊંડાણથી વિચાર કરીએ તો જગતને આપણી સહાયની જરાયે જરૂર નથી. તમે કે હું જઈને મદદ કરીએ એટલા માટે આ જગત સર્જવામાં આવ્યું નથી. એક વેળા એક ઉપદેશ મારા વાંચવામાં આવ્યો; તેમાં કહેવામાં આવ્યું હતુંઃ ‘આ સમગ્ર જગત ઘણું સારું છે, કેમ કે બીજાને સહાય કરવાનો સમય અને તક એ આપણને આપે છે.’ દેખીતી રીતે આ બહુ સારો લાગણીભર્યો વિચાર છે, પણ જગત આપણી સૌની અપેક્ષા રાખે છે એમ કહેવામાં ઈશ્વરની નિંદા નથી? જગતમાં ખૂબ દુઃખ છે એની ના પાડી શકાય તેમ નથી; એટલે બીજાની સહાય માટે બહાર પડવું એ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જો કે લાંબે ગાળે, બીજાને સહાય કરીને આપણે આપણી જાતને જ સહાય કરી રહ્યા છીએ, એમ અવશ્ય લાગશે. નાનપણમાં મારી પાસે કેટલાક સફેદ ઉંદરો હતા. એક નાની પૈડાવાળી પેટીમાં તેમને રાખવામાં આવ્યા હતા; ઉંદરો આ પૈડાં ઓળંગવાનો પ્રયાસ કરતા ત્યારે તે પૈડાં ગોળગોળ ફરતાં અને ઉંદરો ક્યાંય જઈ શકતા નહીં. આવું જ કાંઈ જગત વિશે અને જગતને અપાતી આપણી સહાય વિશે છે. આપણને પોતાને નૈતિક તાલીમ મળે છે એ એક માત્ર લાભ છે. આ જગત સારું નથી તેમ ખરાબ પણ નથી; દરેક માણસ પોતાને માટે પોતાનું જગત રચે છે. જો આંધળો માણસ જગત વિશે વિચાર કરવા માંડે તો જગત તેને કોમળ કે સખત, ઠંડું કે ગરમ લાગવાનું. આપણે સુખ અથવા દુઃખનો સમૂહ છીએ; સેંકડો વાર આપણા જીવનમાં આપણે આ અનુભવ્યું છે. સામાન્ય રીતે જુવાન માણસો આશાવાદી અને વૃદ્ધો નિરાશાવાદી હોય છે. જુવાન માણસોની સમક્ષ લાંબું જીવન પડ્યું છે, ઘરડા માણસોની ફરિયાદ છે કે એમનું જીવન વીતી ગયું છે; અને સેંકડો ઇચ્છાઓ જે હવે પૂરી થાય એમ નથી એ વાતનું એમના મનમાં દુઃખ છે, આ બંને અજ્ઞાન છે. મનની જે સ્થિતિમાં આપણે જગતને જેવું જોઈએ તેવું સારું કે ખરાબ લાગે. જગત પોતે સારું કે ખરાબ નથી. અગ્નિ પણ પોતે સારો કે ખરાબ નથી. જ્યારે અગ્નિથી આપણને હૂંફ વળે છે ત્યારે આપણે કહીએ છીએઃ ‘અગ્નિ કેવો સારો છે!’ જ્યારે તેનાથી આપણાં આંગળાં બળે ત્યારે તેનો વાંક કાઢીએ છીએ. ખરી રીતે અગ્નિ સારો નથી અને ખરાબ પણ નથી. જે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ, તે પ્રમાણે સારી કે ખરાબ લાગણી થાય છે. એવું જ આ જગત વિશે છે. જગત સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરેપૂરું સમર્થ છે. આપણા વિના જગત સરસ રીતે ચાલશે એ વિશે આપણે પૂરેપૂરી ખાતરી રાખીએ અને એને મદદ કરવાની ઇચ્છાથી આપણું માથું પકવીએ નહીં.
તેમ છતાં આપણે સૌનું ભલું કરવું જોઈએ; જો આપણે એમ સમજીએ કે બીજાઓને સહાય કરવી એ સારી તક છે, તો બીજાનું ભલું કરવું એ આપણું એક ઊંચા પ્રકારનું પ્રેરકબળ બને છે. ઊંચા આસને બેસી, પાંચ પૈસા હાથમાં રાખી એમ ન કહોઃ ‘એઈ ભિખારી, આ લે!’ પણ ગરીબ માણસ છે એ વાતથી એવો સંતોષ લો કે તેને સહાય કરી તમે તમારી જાતને સહાય કરી શકો છો. આમાં લેનાર ધન્ય થતો નથી, પણ આપનાર ધન્ય થાય છે. તમારી દયા અને પરોપકારવૃત્તિનો જગતમાં તમે ઉપયોગ કરી શકો છો તે માટે તમે કૃતજ્ઞ બનો; અને આ રીતે શુદ્ધ અને સંપૂર્ણ બનો. બધાં શુભ કર્મો આપણને શુદ્ધ અને સંપૂર્ણ બનાવવામાં સહાયભૂત થાય છે. આપણે બહુ બહુ તો શું કરી શકીએ? હોસ્પિટલ બાંધીએ, રસ્તાઓ બનાવીએ અથવા ગરીબો માટે આશ્રયસ્થાનો બનાવીએ. દાન માટે ફાળો કરીને આપણે બે-ત્રણ કરોડ રૂપિયા ભેગા કરીએ; તેમાંના એક કરોડ રૂપિયામાંથી એક હોસ્પિટલ બંધાવીએ, બીજા કરોડ રૂપિયામાંથી નૃત્ય સમારંભો યોજીએ અને દારૂની મહેફિલો ઊજવીએ અને ત્રીજા કરોડ રૂપિયામાંથી અર્ધા અધિકારીઓને ખાવા દઈએ અને આખરે બાકીના ગરીબો સુધી પહોંચાડીએ. પણ આ બધા આખરે શું છે? એક પવનનું મોટું તોફાન આવે અને પાંચ મિનિટમાં તમારાં બધાં મકાનો જમીનદોસ્ત કરી નાખે, ત્યારે આપણે શું કરીશું? જ્વાળામુખીનો એક પ્રકોપ આપણા બધા રસ્તાઓ, હોસ્પિટલો, શહેરો અને મકાનો રોળી નાંખવાનો. જગતનું કલ્યાણ કરવાની આપણી આ બધી મૂર્ખ વાતો આપણે છોડી દેવી જોઈએ. જગત મારી કે તમારી સહાય માટે રાહ જોઈને ઊભું નથી; તેમ છતાં આપણે કાર્ય કરવું જોઈએ, સતત રીતે શુભકાર્ય કરવું જોઈએ, કેમ કે એ આપણા પોતાના માટે જ આશીર્વાદ સમાન છે. આ એક જ રસ્તે આપણે સંપૂર્ણ બની શકીએ. આપણે સહાય કરી હોય એવો કોઈ પણ ભિખારી આપણી પાઈનો પણ દેણદાર નથી; ઊલટા આપણે જ એ ભિખારીના બધી રીતે દેણદાર છીએ; કેમ કે એ હોવાથી દાનનો આપણે વિનિયોગ કરી શક્યા છીએ. આપણે જગતનું સારું કર્યું છે કે સારું કરી શકીએ છીએ અથવા આ કે પેલા ભાઈને સહાય કરી છે એમ વિચારવું એ સાવ ખોટું છે. આવા વિચાર મૂર્ખાઈભર્યા છે અને મૂર્ખાઈભર્યા બધા વિચારથી દુઃખ આવે છે. અમુક ભાઈને આપણે સહાય કરી છે એટલે એ ઉપકાર માનશે એમ આશા રાખીએ, પણ એ ઉપકાર ન માને એટલે આપણને દુઃખ થાય. પણ આપણે જે કરીએ તેના બદલામાં કશાની આશા શું કામ રાખવી? જેને સહાય કરો તે માણસના તમે કૃતજ્ઞ બનો, તેને ઈશ્વર તરીકે જુઓ. આપણા જાતિભાઈઓને સહાય આપીને પરમાત્માની ઉપાસના કરવાનો લાભ મેળવવો એ એક મોટો અધિકાર નથી શું? જો આપણે ખરેખર અનાસક્ત હોત, તો નિરર્થક આશાના આ સર્વ દુઃખથી આપણે પર રહ્યા હોત અને જગતમાં આનંદથી સારું કાર્ય કરતા હોત. અનાસક્તપણે કામ કરવાથી કોઈ દુઃખ કે વેદના આવતાં નથી. અનંતકાળ સુધી જગત તેનાં દુઃખો અને વેદનાઓ સાથે ચાલ્યું જ જવાનું છે.
એક ગરીબ માણસ હતો. તેને ધનની જરૂર હતી; એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય. આથી એક ભૂતને વશ કરવા માટે એ ખૂબ આતુર હતો. પોતાને એ ભૂત મેળવી આપે એવા માણસની શોધમાં એ ફરતો હતો. આમ કરતાં છેવટે એને એક સાધુ મળ્યા. આ સાધુએ એને પૂછ્યુંઃ ‘ભૂત મેળવીને તું શું કરીશ?’ મારે મારું કામ કરે તે માટે ભૂત જોઈએ છે, કેવી રીતે ભૂત મેળવવું તે મને શીખવો. ભૂત મેળવવા હું ખૂબ આતુર છું.’ પેલા સાધુએ જવાબમાં કહ્યું ‘બહુ સારું. હમણાં ઘેર જાઓ.’ બીજે દિવસે પેલો માણસ ફરી સાધુની પાસે ગયો, રડી રડીને આજીજી કરવા લાગ્યોઃ ‘મને ભૂત મેળવી આપો; મને સહાય કરે તે માટે મારે એક ભૂત જોઈએ છે.’ છેવટે સાધુ એનાથી કંટાળ્યા. એમણે કહ્યું. ‘આ મંત્ર લઈ જા. આ જાદુ-મંત્રનો ઉચ્ચાર કરીશ એટલે ભૂત આવશે, ને તું એને જે કહીશ તે એ કરશે. પણ ધ્યાન રાખજે, આ ભૂત લોકો ભયંકર હોય છે, એને સતત રીતે કામમાં રાખવાં જોઈએ. જો એને તું કામ નહીં આપે, તો એ તને મારી નાખશે.’ પેલા માણસે કહ્યુંઃ ‘એ તો સહેલું છે; આખી જિંદગી ચાલે એટલું કામ હું એને આપી શકીશ.’ પછી આ માણસ વનમાં ગયો અને મંત્રનો ખૂબ ઉચ્ચાર કર્યા પછી એની સામે એક ભૂત હાજર થઈને બોલ્યોઃ ‘હું ભૂત છું. તમારા મંત્રથી હું વશ થયો છું; પણ તમારે મને સતત કામમાં રાખવો પડશે. જો મને કામ નહીં મળે તો તમને ખાઈ જઈશ.’ પેલા માણસે કહ્યુંઃ ‘મારે માટે મહેલ બનાવ.’ ભૂતે કહ્યુંઃ ‘લે, આ મહેલ બંધાઈ ગયો.’ પેલા માણસે કહ્યુંઃ ‘ધન લાવ.’ ભૂતે કહ્યુંઃ ‘આ રહ્યું તમારું ધન.’ ‘આ વન કાપીને અહીં એક શહેર બાંધ.’ ભૂતે કહ્યુંઃ ‘થઈ ગયું. બોલો બીજું કાંઈ?’ હવે પેલા માણસને બીક લાગવા માંડી અને એને સોંપવાનું વિશેષ કામ રહ્યું નહીં તેથી વિમાસણમાં પડ્યો. ભૂતને જે કાંઈ સોંપવામાં આવતું તે કામ ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખતો. ભૂતે કહ્યું. ‘મને કંઈ કામ આપો, નહીં તો તમને ખાઈ જઈશ.’ પેલો માણસ બિચારો ભૂતને માટે બીજું કશું કામ શોધી શક્યો નહીં અને એ ખૂબ બી ગયો. એ દોડ્યો. ખૂબ દોડ્યો અને છેવટે પેલા સાધુ પાસે પહોંચીને કહ્યું, ‘મહારાજ, મને બચાવો.’ સાધુએ હકીકત પૂછતાં પેલા માણસે કહ્યું, ‘ભૂતને કશું કામ સોંપવાનું હવે મારી પાસે નથી. જે કાંઈ એને કરવાનું કહું છું તે ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખે છે અને જો એને કામ ન આપું તો એ મને ખાઈ જવાની ધમકી આપે છે.’ આ વખતે ભૂત ત્યાં આવ્યું અને બોલ્યું, ‘હું તને ખાઈ જઈશ’. ભૂત પેલા માણસને જરૂર ગળી જાત. એ તો ધ્રૂજવા લાગ્યો અને પોતાનું જીવન બચાવવા સાધુને આજીજી કરવા લાગ્યો. સાધુએ કહ્યું, ‘તારે માટે હું રસ્તો કાઢું છું. વાંકી પૂંછડીવાળા પેલા કૂતરાને તું જુએ છે ને? તારી તલવાર મ્યાનમાંથી બહાર કાઢ અને એ પૂંછડી કાપી નાખીને એ ભૂતને સીધી કરવા આપ.’ પેલા માણસે કૂતરાની પૂંછડી કાપી અને ભૂતને તે આપીને કહ્યું, ‘આ પૂંછડી સીધી કરી આપ.’ ભૂતે તે પૂંછડી હાથમાં લીધી, ધીમે સંભાળથી તેને સીધી બનાવી, પણ જેવી એને હાથમાંથી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. એક વાર ફરીથી મહેનત કરી એણે એ સીધી બનાવી, પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. વળી ફરી એકવાર એણે એ સીધી બનાવી; પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. આમ એણે દિવસોના દિવસો સુધી મથામણ કરી. છેવટે એ થાક્યો અને કહ્યું, ‘હું જૂનો અનુભવી ભૂત હોવા છતાં આવી મુશ્કેલીમાં કોઈ વાર આવી પડ્યો નથી.’ પેલા માણસને એણે કહ્યું, ‘હું તમારી સાથે સમાધાન પર આવું. મને તમે જવા દો અને બદલામાં મેં તમને જે કાંઈ આપ્યું છે તે તમારી પાસે રહેવા દઈશ. ભવિષ્યમાં કદી હું હેરાન કરીશ નહિ તેની તમને ખાતરી આપું છું.’ પેલો માણસ ખૂબ ખુશી થયો. એણે રાજી થઈ આ માગણી સ્વીકારી.
આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વરસ થયાં લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે, પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાંકું થાય છે. એથી બીજું થાય પણ શું? માણસે સૌ પહેલાં અનાસક્ત રહીને કામ કરવાનું શીખવું જોઈએ. આ રીતે કામ કરે તેનામાં ધર્માંધતા ન આવે. આ જગત કૂતરાની પૂંછડી જેવું વાંકું છે અને કદી સીધું થવાનું નથી એમ જે જાણે છે તેનામાં ઝનૂન રહે જ નહીં. જો જગતમાં ઝનૂન ન હોત, તો અત્યારે છે તેના કરતાં ઘણી વિશેષ પ્રગતિ થઈ હોત. માનવજાતની પ્રગતિ ઝનૂનથી થાય એમ માનવું ભૂલભરેલું છે. ઝનૂન તો પ્રવૃત્તિને ઊલટું રૂંધે છે; એના વડે દ્વેષ અને ક્રોધ ઉદ્ભવે છે, એનાથી લોકો એકબીજા સાથે લડે છે અને પરસ્પર સહાનુભૂતિ ગુમાવી બેસે છે. આપણી પાસે જે કાંઈ છે અથવા આપણે જે કાંઈ કરીએ છીએ તે જગતમાં ઉત્તમ છે અને આપણી પાસે જે કાંઈ નથી અથવા આપણે જે કાંઈ કરતા નથી તે જગતમાં નકામું છે એમ આપણે માનીએ છીએ. આને કારણે ઝનૂની થવાની વૃત્તિ જાગે ત્યારે કૂતરાની વાંકી પૂંછડીનું દૃષ્ટાંત હંમેશાં યાદ રાખજો. જગત માટે તમારે ચિંતા કરવાની અને ઉજાગરા કરવાની જરૂર નથી; તમારા વગર જગત વહ્યે જવાનું છે. જ્યારે તમે ધર્મની બાબતમાં ખોટા લાગણીવેડા ટાળશો, ત્યારે જ તમે સારું કામ કરી શકશો. સ્થિતપ્રજ્ઞ, શાંત, વિચારશીલ, સદ્ભાવી અને પ્રેમાળ માણસો જ જગતમાં સારું કામ કરી શકે છે અને તેમાં તેમનું પણ કલ્યાણ થાય છે. ઝનૂની, મૂર્ખ અને સદ્ભાવ વગરના માણસો કદી જગતને સરળ કરી શકવાના નથી અને પોતે પણ પવિત્ર અને પરિપૂર્ણ બની શકવાના નથી.
આજના વ્યાખ્યાનના મુદ્દાઓ ફરી જોઈ જઈએઃ પહેલું આપણે એ સમજવાનું છે કે જગતના આપણે સર્વ દેણદાર છીએ અને જગત પાસે આપણે કશું માગતા નથી. જગત માટે કાંઈ કરી છૂટવાની તક મળી તે આપણને વિશેષ તક છે. જગતને સહાય કરીને આપણે પોતાને જ સહાય કરી છીએ. બીજો મુદ્દો એ કે આ વિશ્વમાં ઈશ્વર છે. આ જગત ચાલી રહ્યું છે તે મારી કે તમારી સહાયની અપેક્ષા રાખતું નથી. આ વિશ્વમાં ઈશ્વર હાજરાહજૂર છે. એ અમર છે, સતત કાર્યશીલ અને સદા જાગ્રત છે. જ્યારે આખું વિશ્વ સૂતું હોય છે ત્યારે એ સૂતો નથી; એ સતત રીતે કાર્ય કર્યા કરે છે. જગતમાં જે કાંઈ ફેરફાર અને આવિષ્કાર જોવામાં આવે છે તે સર્વ એના છે. ત્રીજો મુદ્દોઃ આપણે કોઈને ધિક્કારવા ન જોઈએ. આ જગત હંમેશ માટે શુભ અને અશુભનું મિશ્રણ રહેવાનું. નબળાઓ પ્રત્યે સમભાવ રાખવાનું અને ખરાબ કામ કરનાર પ્રત્યે પણ પ્રેમ રાખવાનું આપણું કર્તવ્ય છે. જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે. આ વ્યાયામશાળામાં આપણે સહુએ વ્યાયામ કરવાનો છે જેથી આધ્યાત્મિક રીતે આપણે સબળ અને વધુ સબળ બનીએ. ચોથો મુદ્દોઃ કોઈ પણ પ્રકારના ઝનૂની આપણે થવું જોઈએ નહીં, કેમ કે ઝનૂન એ પ્રેમનું વિરોધી છે. ઝનૂની બડાઈ હાંકે છે, ‘હું પાપીને નહીં, પાપને ધિક્કારું છું.’ પણ પાપી અને પાપ વચ્ચે ખરેખર ભેદ જોઈ શકનાર માણસને મળવા હું દુનિયાને બીજે છેડે જવા પણ તૈયાર છું. પણ બોલવું સહેલું છે. જો આપણે ગુણ અને ગુણવાન વચ્ચે ભેદ સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો આપણે સંપૂર્ણ બનીએ. આમ ભેદ જોઈ શકવો એ સહેલ વાત નથી. વળી, જો આપણે સ્વસ્થ હોઈએ અને આપણા જ્ઞાનતંતુઓ શાંત હોય, તો આપણે વિશેષ પ્રમાણમાં પ્રેમ કરી શકીશું અને આપણું કાર્ય વધારે સારું થશે.

