(કૅલિફૉર્નિયાના લોસ એન્જલ્સ શહેરમાં તારીખ ૪થી જાન્યુઆરી સને ૧૯૦૦ના રોજ અપાયેલું વ્યાખ્યાન)

જિંદગીમાં મેં શીખેલા અનેક મહાન બોધપાઠોમાંનો એક એ છે કે જેટલું ધ્યાન કાર્યના ધ્યેય તરફ આપવું જોઈએ તેટલું જ તેના સાધન તરફ પણ આપવું જોઈએ. આ પાઠ હું એક મહાન પુરુષ પાસેથી શીખ્યો હતો અને તેમનું પોતાનું જીવન આ મહાન સિદ્ધાંતના પ્રત્યક્ષ દાખલારૂપ હતું. તે એક જ સિદ્ધાંતમાંથી હું હંમેશાં ઘણું ઘણું શીખું છું. મને લાગે છે કે સફળતાનું સર્વ રહસ્ય એમાં જ રહેલું છે કે જેટલું ધ્યાન સાધ્ય પ્રત્યે આપો તેટલું જ સાધન પ્રત્યે પણ આપો.

જીવનમાં આપણી મોટી ખામી એ છે કે આપણે આદર્શ તરફ એટલા બધા ખેંચાયેલા હોઈએ છીએ, ધ્યેય આપણને એટલું બધું આકર્ષક અને લલચામણું લાગે છે, આપણી માનસિક ક્ષિતિજમાં તે એટલું વિશાળ દેખાય છે કે આપણે વિગતોને બિલકુલ ભૂલી જઈએ છીએ.

પરંતુ જ્યારે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ત્યારે જો આપણે ઝીણવટથી તેનું પૃથક્કરણ કરીએ તો સેંકડે નવાણું કિસ્સામાં આપણને જણાશે કે આપણે સાધનો તરફ દુર્લક્ષ કર્યું એ જ એનું કારણ હતું. સાધનોની સંપૂર્ણતા અને મજબૂતી પર જ યોગ્ય ધ્યાન આપવાની આપણને જરૂર છે. જો સાધનો બરાબર હોય તો સિદ્ધિ પ્રાપ્ત થવી જ જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ કે કારણ જ કાર્યનું પરિણામ લાવે છે; કાર્ય આપોઆપ પરિણમતું નથી; અને ચોક્કસ, યોગ્ય અને સબળ કારણ સિવાય કાર્ય પરિણમી શકે નહીં. એક વાર આદર્શ નક્કી કરી લઈને તેની પ્રાપ્તિનાં સાધનો જો ઠરાવી દઈએ, તો પછી ભલે આપણે આદર્શને લગભગ બાજુ પર મૂકી દઈએ, તોપણ આપણી ખાતરી છે કે સાધનો જ્યારે સંપૂર્ણ હોય ત્યારે તેનું પરિણામ તો આવવાનું જ. જ્યારે કારણ અસ્તિત્વમાં હોય ત્યારે કાર્ય વિશે જરાય મુશ્કેલી રહેવાની નથી, કારણ કે ફળ તો પેદા થવાનું જ છે. જો આપણે કારણની સંભાળ રાખીશું તો કાર્ય પોતાની સંભાળ પોતે જ લેશે. આદર્શની સિદ્ધિ એ જ કાર્ય છે, સાધનો કારણ છે; તેથી સાધનો તરફ લક્ષ આપવું એ જ જીવનનું મહાન રહસ્ય છે. ગીતામાં પણ આપણે આ વાંચીએ છીએ અને જાણીએ છીએ કે આપણે કામ કરવાનું છે, સતતપણે આપણી પૂરી શક્તિથી કામ કરવાનું છે. આપણે જે કામ કરતા હોઈએ, પછી તે ગમે તેવું હોય, તેમાં આપણા સમગ્ર મનને લગાડવાનું છે. સાથોસાથ તેમાં આસક્તિ ન હોવી જોઈએ. એટલે કે બીજી કોઈ બાબત વડે આપણે કર્મથી દૂર ખેંચાવું ન જોઈએ; છતાં પણ મરજી થાય ત્યારે આપણે તે કર્મને છોડી દેવાને પણ શક્તિમાન થવું જોઈએ.

જો આપણે આપણા પોતાના જીવનનું નિરીક્ષણ કરીશું તો જણાશે કે દુઃખનું મોટામાં મોટું કારણ આ જ છે; આપણે કંઈક પણ કાર્ય હાથ ધરીએ છીએ અને આપણી સર્વ શક્તિ તેના ઉપર કેન્દ્રિત કરીએ છીએ; કદાચ તેમાં આપણને નિષ્ફળતા મળે, છતાં પણ આપણે તેને છોડી શકતા નથી. આપણે જાણીએ છીએ કે તે આપણને હેરાન કરે છે, તેને વધારે વખત સુધી વળગી રહેવાથી માત્ર દુઃખ જ વહોરી લેવાનું છે, છતાં આપણે આપણી જાતને તેમાંથી વિખૂટી પાડી શકતા નથી. મધમાખી મધનો એક જ ઘૂંટડો પીવા આવે છે, પણ મધના વાસણ સાથે તેના પગ ચોંટી જાય છે અને તે ત્યાંથી છૂટી શકતી નથી. આપણે આપણી જાતને વારંવાર તેવી જ પરિસ્થિતિમાં મુકાયેલી જોઈએ છીએ. આપણા અસ્તિત્વનું આખું રહસ્ય આ છે. આપણે અહીં શા માટે આવ્યા છીએ? આપણે અહીં મધનો ઘૂંટડો લેવા આવ્યા અને આપણા હાથપગ ત્યાં જ ચોંટી ગયા. પકડવાને જો કે આપણે આવ્યા, પણ આપણે પોતે જ પકડાઈ ગયા. આપણે આનંદ ભોગવવા આવ્યા, પણ આપણે જ તેના ભોગ બન્યા; સત્તા ચલાવવા માટે આવ્યા, પણ આપણે જ પરાધીન બની ગયા; આપણે કર્મ કરવા આવ્યા, પણ આપણે જ હાથારૂપ બની ગયા. હંમેશાં આ પ્રમાણે જ બનતું જોઈએ છીએ. જીવનની દરેક નાની નાની બાબતમાં આપણને આવું જ જોવા મળે છે. બીજા માણસોની અસર આપણા ઉપર થયા કરતી હોય છે, જ્યારે આપણે સતત બીજાના મન ઉપર અસર કરવા હેરાન પરેશાન થતા હોઈએ છીએ. આપણે જીવનમાં એશઆરામ ભોગવવા ઇચ્છીએ છીએ અને તે જ આપણી જીવનશક્તિને કોરી ખાય છે. પ્રકૃતિ પાસેથી આપણે બધું જ લઈ લેવું છે, પણ લાંબે ગાળે આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ જ આપણી પાસેથી બધું લઈ લે છે, આપણને ચૂસી લે છે અને એક બાજુ ફેંકી દે છે.

જો આવું ન હોય તો જિંદગી કેવળ આનંદભરી જ હોત. હરકત નહિ! જીવનની બધી નિષ્ફળતાઓ અને સિદ્ધિઓ છતાં, જીવનના સર્વ આનંદો અને દુઃખો હોવા છતાં, જો આપણે માત્ર એમાં આસક્ત ન થઈ જઈએ, તો જીવન એકધારું આનંદમય જ બની રહે.

દુઃખનું એક કારણ આ છે કે આપણે મોહમાં પડીએ છીએ, આપણે પકડાઈ જઈએ છીએ. તેથી જ ગીતા કહે છેઃ સતત કાર્ય કરો, કાર્ય કરો, પણ આસક્ત ન થાઓ; તેમાં સપડાઓ નહીં. જેને માટે જીવાત્મા ખૂબ જ ઝંખે તેવી પ્રિય વસ્તુમાંથી પણ અનાસક્ત થવાની શક્તિ તમારામાં જન્માવો. વસ્તુ છોડી દેવી પડે ત્યારે ભલે ગમે તેટલું દુઃખ થાય, છતાં પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને છોડી દેવાની શક્તિ તમે કેળવો. નબળા લોકોને માટે અહીં આ જિંદગીમાં અથવા બીજી જિંદગીમાં કોઈ સ્થાન નથી. નબળાઈ ગુલામી તરફ લઈ જાય છે. નબળાઈ સર્વ પ્રકારનાં માનસિક તથા શારીરિક દુઃખો લાવે છે; નબળાઈ એ મૃત્યુ છે. આપણી આજુબાજુમાં અસંખ્ય જીવાણુઓ રહેલાં છે, પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ અને શરીર તેમને સંઘરવાને તૈયાર તેમજ અનુરૂપ ન બને ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતાં નથી. દુઃખનાં અસંખ્ય જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઊડતાં હોય; કંઈ હરકત નહીં! જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહિ, આપણને સકંજામાં લેવાની તેમની તાકાત નથી. આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત બોજો અને દુઃખ છે, મૃત્યુ છે.

આપણા અત્યારના સર્વ આનંદોનું ઉદ્‌ભવસ્થાન આસક્તિ છે. આપણે આપણા મિત્રોમાં, આપણાં સગાંસંબંધીઓમાં આસક્ત છીએ; આપણે આપણાં બૌદ્ધિક અને આધ્યાત્મિક કાર્યોમાં આસક્ત છીએ; આપણે બાહ્ય પદાર્થોમાં આસક્ત છીએ અને તેથી આપણે તેમાંથી આનંદ મેળવીએ છીએ, વળી આ આસક્તિ વિના અન્ય એવું શું છે કે જે દુઃખ લાવે છે? આનંદ મેળવવા માટે આપણે અનાસક્ત થવું જરૂરી છે. જો ઇચ્છા કરતાંવેંત અનાસક્ત થઈ જવાની આપણામાં શક્તિ હોય, તો કોઈ પણ પ્રકારનું દુઃખ રહેત જ નહીં. જે મનુષ્ય પોતાની સર્વશક્તિથી કોઈ પણ બાબતમાં ઓતપ્રોત થઈ શકે અને જરૂર જણાય ત્યારે બધામાંથી અળગો પણ થઈ શકે, તે જ મનુષ્ય પ્રકૃતિ પાસેથી સૌથી વધુ લાભ ઉઠાવી શકે. પરંતુ મુશ્કેલી એ છે કે ઓતપ્રોત થવાની શક્તિની સાથોસાથ તેટલા જ પ્રમાણમાં અલગ થવાની શક્તિની પણ જરૂર છે. કેટલાક માણસો એવા હોય છે કે તેઓ કોઈ પણ વસ્તુથી કદી પણ આકર્ષિત થતા જ નથી; તેઓ કદી પ્રેમ કરી શકતા નથી; તેઓ કઠોર હૃદયના અને લાગણીહીન હોય છે; જિંદગીનાં ઘણાં ખરાં દુઃખોમાંથી તેઓ છટકી જાય છે. પણ એમ તો દીવાલને પણ કદી દુઃખ નથી થતું; દીવાલ પણ કદી કોઈને ચાહતી નથી; દીવાલનેય કદી મનમાં આઘાત પહોંચતો નથી. પણ અંતે તો એ દીવાલ જ છે! દીવાલ બનવા કરતાં તો આસક્ત થવું અને સપડાવું એ વધારે સારું છે. તેથી જે માણસ કદી પ્રેમ કરતો નથી, જે કઠોર અને પાષાણહૃદયી છે, તે જીવનનાં ઘણાંખરાં દુઃખોમાંથી છટકી જવાની સાથોસાથ જીવનના આનંદોથી પણ વંચિત રહે છે. આપણે એ જોઈતું નથી. એ તો નિર્બળતા છે, મોત છે. જે જીવાત્મા કદી નિર્બળતાનો અનુભવ કરતો નથી, જે કદી દુઃખ અનુભવતો નથી, તે હજી જાગ્રત જ થયેલ નથી. એ તો જડ અવસ્થા છે; આપણે એ ન જોઈએ.

સાથોસાથ, પ્રેમની આ મહાન શક્તિ, આસક્તિની આ મહાન શક્તિ, માત્ર એક જ બાબત ઉપર આપણા આખા મનને કેન્દ્રિત કરવાની શક્તિ, બીજાઓને માટે પોતાની જાતને હોમી દેવાની, જાણે કે મિટાવી દેવાની શક્તિ—જે દૈવી શક્તિ છે—તેની આપણે જરૂર છે; એટલું જ નહિ, આપણે તો દેવોથીયે વધુ ઉચ્ચ થવું છે. પૂર્ણ માનવ પોતાની સમગ્ર શક્તિને પ્રેમના એ એક માત્ર કેન્દ્ર પર એકઠી કરી શકે છે અને છતાં તે અનાસક્ત હોય છે. આ કેવી રીતે બને છે? અહીં એક બીજું રહસ્ય શીખવાનું છે.

ભિખારી કદી સુખી હોતો નથી. એને મળતી મદદની પાછળ દયા અને તિરસ્કારની ભાવના રહેલી છે. કાંઈ નહીં તો એની પાછળ ઓછામાં ઓછો એવો વિચાર તો રહેલો જ છે કે એ એક હલકા દરજ્જાનો માણસ છે. એટલે તેને જે મળે છે તેનો ખરો આનંદ તે માણી શકતો નથી.

આપણે બધા ભિખારીઓ છીએ. આપણે જે કંઈ કરીએ, તેનું વળતર ઇચ્છીએ છીએ. આપણે બધા વાણિયા છીએ. આપણે જિંદગીનો વેપાર કરીએ છીએ, આપણે નીતિનો વેપાર કરીએ છીએ, આપણે ધર્મનો પણ વેપાર કરીએ છીએ. અરે! આપણે પ્રેમનો પણ વેપાર કરીએ છીએ.

જો તમારે વેપાર જ કરવો હોય, જો સવાલ આપલેનો કે ખરીદવેચાણનો હોય, તો ખરીદવેચાણના નિયમ પ્રમાણે વર્તો. વેપારમાં તેજીમંદી હોય છે, કિંમતમાં વધઘટ થયા કરે છે અને ફટકો લાગવાની આશંકા તમને હંમેશાં રહ્યા કરતી હોય છે. એ તો આરસીમાં જોવા જેવું છે. તમારું જ પ્રતિબિંબ એમાં પડે છે; તમે ચાળા પાડો તો તેમાં તેવું જ દેખાશે; તમે હસશો, તો આરસીમાંનું મોં પણ હસશે. આનું નામ ખરીદવેચાણ કે આપલે.

આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે; એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુઃખ મળે છે. જ્યાં કશી અપેક્ષા નથી, ત્યાં કશું દુઃખ નથી. ઇચ્છા, અપેક્ષા, એ જ સર્વ દુઃખોનું મૂળ છે. ઇચ્છાઓ સફળતા તેમજ નિષ્ફળતા બંને નિયમોથી બંધાયેલી છે; ઇચ્છાઓ જરૂર દુઃખ લાવે જ.

એટલે સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છેઃ જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ છે. એ વિરોધાભાસ હોય એવું દેખાય છે. શું આપણે નથી જાણતા કે જે માણસ જિંદગીમાં નિઃસ્વાર્થી હોય છે તે જ છેતરાય છે, તે જ દુઃખી થાય છે? ઉપલક દૃષ્ટિએ તો એમ જ લાગે છે. ‘જુઓ ને, ઈશુ ખ્રિસ્ત નિઃસ્વાર્થી હતા અને છતાં તેમને ક્રૂસ (વધસ્તંભ) ઉપર ચડાવી દીધા!’ એ ખરું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે તે નિઃસ્વાર્થતા જ એક મહાન વિજયનું કારણ બની અને તેનાથી જ કરોડો જિંદગીઓ ઉપર સાચી સફળતારૂપી આશીર્વાદનો કળશ ચડ્યો.

કોઈ પણ વસ્તુ માગો નહીં, બદલામાં કશાની આશા રાખો નહીં. તમારે જે આપવાનું છે તે તમે આપો; તે તમારી પાસે પાછું આવશે, પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે પાછું આવશે, પરંતુ તમારું ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાંય, આપવાની શક્તિ કેળવો; બસ આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો. આટલું બરાબર શીખી લો કે જીવન આપી દેવા માટે જ છે; પ્રકૃતિ જ તમને એ કરવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો. વહેલું મોડું તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગું કરવા. મુઠ્ઠી ભરી ભરીને તમે એકઠું કરવા ઇચ્છો છો. પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખુલ્લી કરાવી નાખે છે. તમારી ઇચ્છા હોય કે ન હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે ‘હું નહીં આપું,’ એ જ ઘડીએ ફટકો પડે છે અને તમે દુઃખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજિયાત બધું છોડવું નહીં પડે. માણસ આ નિયમની વિરુદ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુઃખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃતિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસક્ત થયા નથી, એ કારણસર જ આપણે દુઃખી થઈએ છીએ. જંગલ તો જતું રહ્યું છે, પણ બદલામાં ગરમી આવી છે. સૂર્ય, સાગરમાંથી (વરાળરૂપે) પાણી ખેંચે છે, પણ તે વરસાદરૂપે પાછું આપવા માટે. તમે લેવા અને દેવા માટેનું એક યંત્ર માત્ર છો; તમે લો છો તે પાછું આપવા માટે જ. તેથી બદલામાં કશાની આશા રાખો નહીં. પરંતુ જેમ તમે વધુ આપશો તેમ વધુને વધુ તમે પામશો. આ ઓરડામાંથી હવાને જેટલી ઝપડથી તમે ખાલી કરશો, તેટલી જ ઝડપથી બહારની હવાથી ઓરડો પાછો ભરાઈ જશે. પણ જો તમે બધાં બારીબારણાં અને હવાને અંદર આવવાના નાનામાં નાના માર્ગો પણ બંધ કરી દેશો તો જે હવા અંદર છે તે અંદર જ રહેશે અને બહારની હવા અંદર આવી શકશે નહીં; પણ એથી અંદરની હવા ગોંધાઈ રહેવાથી બંધિયાર થઈને ઝેરી બની જશે. નદી અવિરતપણે મહાસાગરમાં ઠલવાયા કરે છે અને પાછી નિરંતર ભરાયા કરે છે. મહાસાગરમાં જતા માર્ગને બંધ કરો નહીં; જે ક્ષણે તમે તેમ કરશો તે જ ક્ષણે મૃત્યુ તમને ઝડપી લેશે.

તેથી ભિખારી બનો નહીં. અનાસક્ત રહો. જિંદગીનું સૌથી વિકટ કામ આ છે. તમે રસ્તામાંનાં ભયસ્થાનોની ગણતરી કરતા નથી. બુદ્ધિ વડે મુશ્કેલીઓને ઓળખવા છતાં જ્યાં સુધી આપણને તેમનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી ત્યાં સુધી આપણે તેમને સાચી રીતે સમજી શકતા નથી. એક બાગનો દૂરથી સામાન્ય ખ્યાલ આવે; પણ એથી શું વળ્યું? તેનો અનુભવ અને ખરેખરું જ્ઞાન તો આપણે જ્યારે તેની અંદર જઈએ ત્યારે જ થાય. ભલે ને દરેક પ્રયત્ન નિષ્ફળ જાય, આપણને લોહી નીકળે અને અંગે ચીરા પડે, છતાં આ બધાંની વચ્ચે આપણે આપણી હિંમત જાળવી રાખવાની છે. આ બધીય મુશ્કેલીઓની વચ્ચે આપણે આપણા દિવ્યત્વ પર ભાર મૂકવાનો છે. પ્રકૃતિ તો ચાહે છે કે આપણે તેનો પ્રતિકાર કરીએ, ફટકાની સામે ફટકો મારીએ, ઠગાઈની સામે ઠગાઈ કરીએ, જૂઠની સામે જૂઠ આચરીએ, આપણી પૂરી તાકાતથી સામો ઘા કરીએ. તેથી તો સામો ઘા ન કરવામાં, સંયમ જાળવવામાં, અનાસક્ત થવામાં, દૈવીશક્તિ જોઈએ છે.

અનાસક્ત રહેવાનો નિશ્ચય આપણે રોજરોજ ફરી ફરીને કરીએ છીએ. આપણે ભૂતકાળ પર નજર નાખીને અગાઉના આપણા પ્રેમ અને આસક્તિના પદાર્થોને જોઈએ છીએ ત્યારે લાગે છે કે એમાંના દરેકે આપણને કેવા દુઃખી કર્યા છે. આપણે નિરાશાની ઊંડી ખાઈમાં ઊતરી ગયા તેનું કારણ આપણો ‘પ્રેમ’! આપણે આપણી જાતને બીજાના હાથમાં માત્ર ગુલામ તરીકે જોઈ, આપણે નીચે ને નીચે ઘસડાતા જ ગયા! એટલે વળી આપણે નવો નિશ્ચય કરીએ છીએઃ બસ, હવેથી હું મારો માલિક બનીશ; મારી જાત ઉપર હવેથી હું કાબૂ રાખીશ. પણ પ્રસંગ આવે એટલે પાછું એનું એ! વળી પાછો જીવાત્મા જકડાઈ જાય છે અને બહાર નીકળી શકતો નથી. પંખી મથામણ કરે છે, પાંખો ફફડાવે છે, પણ જાળમાં પૂરાઈ ગયું છે! આ છે આપણું જીવન.

મુશ્કેલીઓને હું જાણું છું; એ જબરદસ્ત છે. આપણામાંના નેવું ટકા હતાશ થઈને હિમ્મત ખોઈ બેસે છે અને ઘણી વાર નિરાશાવાદી થઈને અંતરની સચ્ચાઈ, પ્રેમ અને જે કાંઈ ભવ્ય અને ઉદાત્ત છે તેમાં માનતા અટકી જાય છે. તેથી આપણે જોઈએ છીએ કે જે લોકો પોતાના જીવનની શરૂઆતના કાળમાં ક્ષમાશીલ, માયાળુ, ભોળા અને નિખાલસ હોય છે, તેઓ વૃદ્ધાવસ્થા આવતાં અસત્યનાં કાળાં ઓઢણાં ઓઢીને બેસી જાય છે; એમનાં મન આંટીઘૂંટીનાં જાળાં જેવાં થઈ જાય છે. સંભવિત છે કે એમાં બહાર દેખાડવાની ચાલાકી જ ઘણી હોય. એ લોકો ગરમ મગજના ન હોય, બહુ બોલે નહીં, પણ એ લોકો એમ કરે એ જ તેમને માટે સારું છે; તેમનાં હૈયાં જડ થઈ ગયાં હોય છે અને તેથી એ શાપ ન દે, તેમ ગુસ્સે પણ ન થાય; પણ એમનાથી ગુસ્સે થવાતું હોય તો તેમને માટે એ સારું છે, ગાળો દઈ શકતા હોય તો એ તેને હજારગણું ફાયદાકારક છે. પણ એ લોકો એમ કરી શકતા નથી. તેમનું હૈયું મરી પરવાર્યું છે, કારણ કે નિરાશાના હિમ જેવા હાથે તેને જકડી લીધું છે. એટલે એનાથી ગાળ દેવા જેટલુંય, અરે, કઠોર વેણ કાઢવા જેટલુંય કામ થઈ શકે એમ નથી!

આ બધાંથી આપણે દૂર રહેવાનું છે; તેથી જ હું કહું છું કે આપણને અતિ-દૈવી શક્તિની જરૂર છે. અતિમાનવીય શક્તિ માત્ર પૂરતી સમર્થ નથી; અતિ-દૈવી શક્તિ જ બહાર નીકળવાનો એક માત્ર રસ્તો છે. એક માત્ર તેનાથી જ આપણે આ બધી આંટીઘૂંટીઓમાંથી, આ બધા દુઃખના ડુંગરોમાંથી, સહીસલામત બહાર નીકળી શકીએ. આપણા કાપીને કટકા ભલે કરવામાં આવે, આપણને ઊભેઊભા ભલે ચીરી નાખવામાં આવે, પરંતુ એ સર્વ સમયે આપણાં હૃદય તો વધુ ને વધુ ખાનદાન, વધુ ને વધુ મહાન જ થવાં જોઈએ.

એ બહુ જ કઠણ છે, પરંતુ કાયમના અભ્યાસથી એ કઠિનાઈને આપણે ઓળંગી શકીએ. આપણે શીખી લેવું જોઈએ કે આપણે પોતે જ્યાં સુધી આપણી જાતને ગ્રહણ-યોગ્ય બનાવીએ નહીં, ત્યાં સુધી આપણને કંઈ જ થઈ શકે નહીં. મેં તમને હજી હમણાં જ કહ્યું ને કે જ્યાં સુધી શરીર તૈયાર ન હોય ત્યાં સુધી તેમાં કોઈ રોગ ન થાય. એકલાં જંતુઓ ઉપર જ રોગનો આધાર નથી, પણ શરીરની અંદર અગાઉથી જ રહેલી અમુક પૂર્વસ્થિતિ ઉપર પણ તેનો આધાર છે. જેને માટે આપણે યોગ્ય હોઈએ તે જ માત્ર આપણને મળે છે. આપણે આપણું અભિમાન મૂકી દઈને સમજી લઈએ કે કોઈ દુઃખ બેગુનાહ કદી આવતું નથી; એક પણ ફટકો ગેરવ્યાજબીપણે કદી પડતો નથી; મારા પર આવેલું એક પણ અનિષ્ટ એવું નથી કે જેને માટે મેં મારે પોતાને હાથે રસ્તો તૈયાર ન કર્યો હોય. આપણે એ સમજવું જોઈએ. તમે જો પોતાનું પૃથક્કરણ કરી જોશો તો જણાશે કે તમને લાગેલો દરેક આઘાત, તમે તેને માટે તમારી જાતને તૈયાર કરી હતી માટે જ આવ્યો હતો. એક અર્ધું તમે કર્યું અને બીજું અર્ધું બહારની દુનિયાએ કર્યું. ફટકો એ રીતે આવ્યો. એ આપણને વિચારશીલ બનાવશે. સાથોસાથ આ જ પૃથક્કરણમાંથી આશાનો સૂર પણ ઊઠશે. એ સૂર આ છેઃ ‘બાહ્યજગત પર મારો જરા પણ કાબૂ ભલે ન હોય, પરંતુ જે મારામાં અને મારી નજીક છે, જે મારી પોતાની જ દુનિયા છે, તે તો મારા કાબૂમાં છે જ!’ નિષ્ફળતા લાવવા માટે જો એ બેઉ દુનિયાની હાજરી એકીસાથે જરૂરી હોય, ફટકો લાગવાને માટે જો એ બન્નેની એકીસાથે આવશ્યકતા હોય, તો જે દુનિયા મારા કાબૂમાં રહેલી છે તેનો ફાળો જો હું ન આપું તો પછી ફટકો આવી જ કેવી રીતે શકવાનો છે? જો હું મારી જાત પર ખરો કાબૂ મેળવી લઉં, તો ફટકો કદી ન આવે!’

આપણે બાળપણથી જ કાયમ બહારની કોઈક વસ્તુ ઉપર જ દોષ ઢોળી નાખવાની કોશિશ કરતા હોઈએ છીએ. આપણે હંમેશાં બીજા લોકોને સુધારવા સારુ ખડે પગે ઊભા હોઈએ છીએ, પણ પોતાની જાતને કદી નહીં. જો આપણે દુઃખી થઈએ તો કહીએ છીએ કે ‘ઓહ! આ તો શેતાનની દુનિયા છે!’ આપણે બીજાઓને ગાળો દઈએ છીએ કે ‘સાળા કેવા લટ્ટુ ને બેવકૂફો છે!’ પરંતુ જો આપણે ખરેખર એટલા બધા સારા હોઈએ તો એવી દુનિયામાં આપણે હોઈએ જ શું કામ? જો આ દુનિયા શેતાનની જ હોય તો આપણે પણ શેતાન જ હોવા જોઈએ; નહિતર આપણે અહીં હોઈએ જ શા માટે? ‘અરે! દુનિયાના લોકો એટલા બધા સ્વાર્થી છે!’ વાત ખરી; પણ જો આપણે સારા હોઈએ તો એવી સોબતમાં આપણે શા માટે પડ્યા હોઈશું? એનો તો જરા વિચાર કરો.

જેને માટે આપણે લાયક હોઈએ, તે જ આપણને મળે છે. દુનિયા ખરાબ છે અને આપણે સારા છીએ એમ કહેવું, એ હળાહળ જૂઠાણું છે; એવું બની શકે જ નહિ. એ આપણે પોતાની જાતને હડહડતું જૂઠું જ કહીએ છીએ.

શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મર્દ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો. તમને જણાશે કે એ હંમેશાં સાચું જ હોય છે. પહેલાં પોતાને જ પકડો.

એક ક્ષણે આપણે આપણા મરદપણાની વાત કરીએ છીએ; આપણે દેવો છીએ, આપણે બધું જાણીએ છીએ, આપણે બધું કરી શકીએ છીએ, આપણે નિષ્કલંક, નિર્દોષ અને દુનિયામાં નિઃસ્વાર્થમાં નિઃસ્વાર્થ લોકો છીએ એવી બધી વાતો આપણે કરીએ છીએ અને બીજી જ ક્ષણે એક નાનકડો પથરો આપણને ઇજા કરે છે, કોઈ એક હાલીમવાલીનો ગુસ્સો આપણને આઘાત પહોંચાડે છે, રસ્તે ચાલતો ગમે તે અદનો આદમી ‘આ દેવો’ને દુઃખી કરી શકે છે, એ શું શરમની વાત નથી? જો આપણે દેવો હોઈએ તો એવું બને ખરું? વાંક દુનિયાનો છે એ વાત શું ખરી છે? પવિત્રમાં પવિત્ર અને ઉમદામાં ઉમદા આત્મા એવા ઈશ્વરને આપણી કોઈ પણ યુક્તિપ્રયુક્તિથી દુઃખી કરી શકાય ખરો? જો તમે એવા નિઃસ્વાર્થ હો તો તમે ઈશ્વરતુલ્ય છો. કઈ દુનિયા તમને નુકસાન પહોંચાડી શકવાની છે? મહા રૌરવ નરકમાંથી પણ તમે હેમખેમ અને અલિપ્ત રહીને નીકળી જઈ શકશો. પરંતુ તમે ફરિયાદ કરો છો અને બહારની દુનિયા પર દોષ ઢોળી દેવા માગો છો, એ હકીકત જ બતાવે છે કે તમને બાહ્ય જગતનું ભાન છે; અને તમને એ ભાન છે એ જ બતાવે છે કે તમે જે હોવાનો દાવો કરો છો તેવા તમે નથી. બાહ્ય જગત તમને નુકસાન કરે છે એવી કલ્પના કરીને અને ‘અરે, આ તો શેતાનની દુનિયા છે! ફલાણો મારું નુકસાન કરે છે; ઢીંકણો મને હેરાન કરે છે!’ વગેરે જાતની બૂમો પાડીને દુઃખ પર દુઃખના ઢગલા ખડકીને તમે તમારો ગુનો ઊલટો વધુ મોટો બનાવો છો! એ તો દુઃખમાં જૂઠાણાં ઉમેરવા જેવું છે.

આપણે આપણી જાતને જ સંભાળવાની છે; એટલું આપણે કરી શકીએ. થોડાક સમયને માટે પારકી પંચાત કરવાનું છોડી દઈએ. આપણે સાધનને સંપૂર્ણ બનાવીએ; એટલે પરિણામ એની મેળે આવશે, કારણ કે આપણાં જીવન સારાં અને પવિત્ર હોય, તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે. દુનિયા તો એક કાર્ય છે, કારણ આપણે છીએ. એટલા માટે, આપણે આપણી જાતને શુદ્ધ બનાવીએ; આપણે આપણી જાતને સંપૂર્ણ બનાવીએ.

Total Views: 590
૪. મુક્તિ
પ્રસ્તાવના