આપણે કહી ગયા તેમ કર્મ શબ્દમાં કાર્ય ઉપરાંત મનોવિજ્ઞાનની પરિભાષામાં કાર્યકારણ સંબંધ પણ સમજાય છે. આધ્યાત્મિક રીતે જો કોઈ કાર્ય, કોઈ ક્રિયા, કોઈ વિચાર ‘પરિણામ’ ઉપજાવે તો તેને કર્મ કહેવામાં આવે છે. આમ, કર્મનો નિયમ એટલે અનિવાર્ય કાર્યકારણ સંબંધ. જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય પેદા થાય જ. આ અનિવાર્ય સંબંધને નકારી શકાય એમ નથી અને આપણાં દર્શનશાસ્ત્ર પ્રમાણે કર્મનો આ નિયમ સમસ્ત વિશ્વ માટે સાચો છે. જે કાંઈ આપણે જોઈએ, જે કાંઈ આપણે અનુભવીએ, જે કાંઈ આપણે કરીએ, સમસ્ત વિશ્વમાં જ્યાં કાંઈ જે કોઈ ક્રિયા થાય, તે એક બાજુ પૂર્વકર્મનું ફળ હોય છે તો બીજી બાજુ એ કારણ બને છે અને પોતાનાં ફળને ઉત્પન્ન કરે છે. આ સાથે આ ‘નિયમ’ શબ્દથી આપણે શું કહેવા માગીએ છીએ, તેનો વિચાર કરવાની પણ જરૂર છે. ‘નિયમ’ એટલે પરંપરાની પુનરાવૃત્તિ. આપણે કોઈ એક ઘટના બીજી ઘટનાને અનુસરતી જોઈએ અથવા અમુક વખતે સાથોસાથ બનતી જોઈએ, ત્યારે આપણે આ અનુક્રમ અથવા સહઅસ્તિત્વની પુનરાવૃત્તિની આશા રાખીએ છીએ. આપણા પ્રાચીન તર્કશાસ્ત્ર અને ન્યાયદર્શનમાં આ નિયમને વ્યાપ્તિ કહે છે. એમના મત પ્રમાણે નિયમ વિશેના આપણા સર્વ વિચારો સંબંધને લીધે હોય છે. ઘટનાની પરંપરા, આપણા માનસમાં રહેલી વસ્તુઓ સાથે એક અનિવાર્ય ક્રમમાં સંબંધ ધરાવે છે. એને પરિણામે આપણે જે કાંઈ જોઈએ તે આપણા માનસમાં રહેલી બીજી હકીકતો સાથે તત્કાળ જોડાઈ જાય છે. મનોવિજ્ઞાન પ્રમાણે, એક વિચાર અથવા કોઈ એક તરંગ જે આપણા ચિત્તમાં ઉદ્‌ભવે, તે એવા બીજા અનેક તરંગોને હંમેશાં ઉત્પન્ન કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આને જ માનસિક સાહચર્યનો સંબંધ કહેવામાં આવે છે અને કાર્યકારણ એ આ સંબંધના સર્વવ્યાપી સિદ્ધાંતનું એક પાસું માત્ર છે. સંબંધની આ વ્યાપકતાને સંસ્કૃતમાં વ્યાપ્તિ કહેવામાં આવે છે. બાહ્ય જગતમાં તેમજ આંતર જગતમાં નિયમ વિશેની વિચારણા એક જ છે—એક અમુક ઘટનાને બીજી અનુસરશે અને પરંપરાની રીતે પુનરાવૃત્તિ થયા કરશે. ખરી રીતે જોઈએ તો પ્રકૃતિમાં કોઈ નિયમ અસ્તિત્વમાં હોતો નથી. વાસ્તવિક રીતે, એમ કહેવું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રવર્તે છે. અથવા પ્રકૃતિમાં કોઈ સ્થળે વસ્તુગત કોઈ નિયમ હસ્તિ ધરાવે છે, એ ભૂલભરેલું છે. આપણું માનસ જે રીતે ઘટનાની પરંપરાને ગ્રહણ કરે તે પદ્ધતિ કે રીત એટલે નિયમ. આ બધું આપણા માનસમાં પડેલું છે. એક પછી એક અનુક્રમમાં આવતી કે એક સાથે બનતી ઘટનાઓ એ નિયમિત રીતે પુનરાવર્તન પામશે એવો આપણા મનમાં નિશ્ચય થાય—જેનાથી આપણા મનમાં આખી પરંપરા ઊતરે—એને જ આપણે નિયમ કહીએ છીએ.

નિયમ સાર્વત્રિક છે એમ કહેવામાં શો હેતુ છે તે પણ વિચારવું જોઈએ. આપણું વિશ્વ એટલે અસ્તિત્વનો એક અંશ, જેને સંસ્કૃત મનોવિજ્ઞાનીઓ દેશ-કાલ-નિમિત્ત કહે છે. યુરોપીય મનોવિજ્ઞાનીઓની ભાષામાં કહીએ તો ‘સ્પેસ’, ‘ટાઇમ’, ‘કોઝેશન.’ આ વિશ્વ એ અનંત અસ્તિત્વનો, અમુક ઘાટનો, અવકાશ કાળ અને કારણથી મઢેલો એક અંશ માત્ર છે. આ રીતે સીમિત વિશ્વમાં જ નિયમ શક્ય છે એમ આ પરથી અવશ્ય સમજાય છે; એથી બહાર કોઈ નિયમનું અસ્તિત્વ હોઈ શકે નહીં. આપણે જ્યારે ‘વિશ્વ’ વિશે બોલીએ છીએ ત્યારે આપણા ખ્યાલમાં આપણા મન દ્વારા સીમિત થયેલ અસ્તિત્વનો અંશ જ હોય છે—જેને આપણે ઇંદ્રિયો દ્વારા જોઈએ છીએ, અનુભવીએ છીએ, સ્પર્શીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, કલ્પીએ છીએ. આ આંશિક અસ્તિત્વ જ નિયમને આધીન છે, પણ એનાથી પરનું અસ્તિત્વ નિયમને આધીન નથી કેમ કે એ આપણા માનસ જગતથી પર જતું નથી. આપણા માનસ તથા ઇંદ્રિયોની પરનું કશું કારણના નિયમને આધીન નથી, કેમ કે ઇંદ્રિયથી પર એવા પ્રદેશમાં વસ્તુઓનો માનસિક સંબંધ હોતો નથી અને માનસિક સાહચર્યના સંબંધ સિવાય કારણ સંભવતું નથી. જ્યારે અસ્તિત્વ નામ અને રૂપમાં મઢાય છે ત્યારે એ કાર્યકારણના નિયમને પાળે છે અને ત્યારે એ નિયમને આધીન કહેવાય છે; સર્વ નિયમોનું સારતત્ત્વ એમાં રહેલું છે. તેથી આપણને તરત સમજાય છે કે સ્વતંત્ર ઇચ્છા જેવી કોઈ વસ્તુ નથી. સ્વતંત્ર અને ઇચ્છા, એ શબ્દો જ પરસ્પર વિરોધી છે. કેમ કે ઇચ્છા એટલે આપણે જાણીએ છીએ તે અને જે કંઈ આપણે જાણીએ છીએ તે આપણા વિશ્વ પૂરતું મર્યાદિત છે અને આપણા વિશ્વનું સર્વ કાંઈ દેશ, કાળ અને નિમિત્તથી મર્યાદિત છે. આપણે જે કાંઈ જાણીએ છીએ તે અથવા આપણે જે કાંઈ જાણી શકીએ તે, કાર્યકારણને આધીન રહેવાનું જ છે અને જે કાંઈ કાર્યકારણને આધીન છે તે સ્વાધીન હોઈ શકતું નથી. અન્ય તત્ત્વો એના પર કામ કરતાં હોય છે અને ફરી કારણ બને છે. પણ જે તત્ત્વમાંથી ઇચ્છાનો ઉદ્‌ભવ થાય છે એટલે કે દેશ-કાળ-નિમિત્તના બીબામાં ઢળીને માનવ ઇચ્છારૂપે પરિણમે તે મૂળતત્ત્વ જ સ્વાધીન છે અને આ ઇચ્છા દેશ, કાળ અને નિમિત્તના બીબામાંથી બહાર નીકળી જશે ત્યારે તે ફરી સ્વાધીન બનશે. આ ઇચ્છાશક્તિ સ્વાધીન તત્ત્વમાંથી આવે છે, બંધનમાં પડે છે અને એમાંથી બહાર નીકળી તે ફરીથી સ્વાધીન બને છે.

આ વિશ્વ શામાંથી આવે છે, શામાં વિરમે છે અને ક્યાં જાય છે, એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. એનો પ્રત્યુત્તર આ પ્રમાણે છેઃ એ સ્વાધીનતામાંથી આવે છે, બંધનમાં વિરમે છે અને ફરી પેલી સ્વાધીનતામાં જાય છે. તેથી, માનવ એટલે આવિષ્કાર પામતા પેલા અનંત અસ્તિત્વ સિવાય કંઈ નહીં એમ આપણે કહીએ છીએ ત્યારે એ અનંતનો અતિ અલ્પ અંશ એ જ માનવ છે એમ માનીએ છીએ. આપણે જોઈએ છીએ તે આ દેહ અને આ મન આ સમગ્રનો અંશ માત્ર છે, અનંત અસ્તિત્વનું એક બિન્દુ માત્ર છે. આ સમગ્ર વિશ્વ પણ એ અનંત અસ્તિત્વનું બિન્દુ માત્ર છે અને આપણા સર્વ નિયમો, આપણાં બંધનો, આપણા આનંદ અને આપણા શોક, આપણાં સુખ અને આપણી આકાંક્ષાઓ, આ નાના વિશ્વમાં જ સમાઈ જાય છે. આપણી સર્વ ઉન્નતિ અને અવનતિ એ એના નાના પરિઘમાં સમાય છે. આ ઉપરથી તમને જણાશે કે આ વિશ્વના—આપણા માનસનું જ સર્જન એવા આ વિશ્વના—સાતત્યની અપેક્ષા રાખવી, સ્વર્ગમાં જવાની ઇચ્છા રાખવી એ કેટલું બાલિશ છે! અને આ સ્વર્ગ એટલે આ જગતનું માત્ર પુનરાવર્તન. આપણે જાણીએ છીએ તે મર્યાદિત અને નિયમિત અસ્તિત્વ સાથે સમગ્ર અનંત અસ્તિત્વ જોડાય એવી ઇચ્છા રાખવી તે અશક્ય અને બાલિશ છે. જ્યારે એક માનવ આજે તેની પાસે છે તે જ વસ્તુની ફરી અને ફરી માગણી કરે અથવા હું કેટલીક વખત કહું છું તે પ્રમાણે એશઆરામી ધર્મની માગણી કરે, તો તમારે માની લેવું કે તે પોતે એટલો નીચો ઊતરી ગયો છે કે તેનાથી વધુ કોઈ ઉચ્ચ સ્થિતિની કલ્પના કરી શકતો નથી. એવો માણસ એટલે માત્ર એની આસપાસનું નાનું વાતાવરણ, એથી વિશેષ કાંઈ નહીં. એ પોતાની અનંત પ્રકૃતિ ભૂલ્યો છે અને વર્તમાનના ક્ષણિક અલ્પ આનંદ, શોક અને ઈર્ષ્યામાં મર્યાદિત બન્યો છે. નાશવંતને એ અવિનાશી માને છે; એટલું જ નહીં પણ આ મૂર્ખાઈ છોડવા એ તૈયાર નથી. એ તૃષ્ણાને, જીવનની તૃષાને મજબૂતપણે વળગી રહે છે જેને બૌદ્ધો તન્હા અને તીસ્સા કહે છે. વિશ્વની બહાર પણ લાખો પ્રકારનાં સુખ હશે, નિયમો હશે અને પ્રગતિ તથા કાર્યકારણો હશે; પણ આખરે તો તે બધું અનંત પ્રકૃતિનો એક વિભાગ માત્ર છે.

મુક્તિ મેળવવા માટે આપણે આ વિશ્વની મર્યાદાઓની પાર જવાનું છે. એ અહીં મળી શકે એમ નથી. સંપૂર્ણ સમતા અથવા ખ્રિસ્તી લોકો જેને સર્વ સમજશક્તિથીયે પર એવી શાંતિ કહે છે, તે આ વિશ્વમાં મળી શકે તેમ નથી; સ્વર્ગમાં પણ મળી શકે નહીં. જ્યાં આપણાં મન અને વિચારો દોડી જઈ શકે, જ્યાં આપણી ઇંદ્રિયો અનુભવી શકે અથવા જ્યાં આપણી કલ્પના પહોંચી શકે એવા કોઈ સ્થળમાં પણ મળી શકે નહીં. એવું કોઈ સ્થળ નથી જે આપણને મુક્તિ આપી શકે. એવાં સર્વ સ્થળો આપણા આ વિશ્વમાં સમાઈ જાય છે અને આપણું આ વિશ્વ એ દેશ, કાળ, નિમિત્તથી મર્યાદિત બનેલું છે. આપણી આ પૃથ્વી કરતાં વધારે સૂક્ષ્મ સ્થાન બીજાં હશે, જ્યાં મળતા આનંદ વધારે તીવ્ર હશે, પણ આ સ્થળો પણ વિશ્વમાં જ હોઈને નિયમના બંધનમાં રહેવાનાં. તેથી આપણે આ વિશ્વની પાર જવાનું છે અને જ્યાં આ ક્ષુદ્ર વિશ્વનો અંત આવે છે ત્યાં ખરા ધર્મની શરૂઆત થાય છે. આ અલ્પ આનંદ અને શોક અને વસ્તુઓ વિશેનું જ્ઞાન ત્યાં અંત પામે છે અને સાચી સત્તાની શરૂઆત થાય છે. જીવનની તૃષ્ણા ન છૂટે, આ ક્ષણિક નિયમિત અસ્તિત્વની ગાઢ આસક્તિ ન છૂટે, ત્યાં સુધી, પેલી પાર રહેલી અનંત મુક્તિની ઝાંખી થવાનીયે આશા નથી. માનવ જાતની સર્વ અભિલાષાઓના લક્ષ્ય જેવી મુક્તિ મેળવવાનો એક માત્ર માર્ગ આ અલ્પ જીવનને, અલ્પ વિશ્વને, આ પૃથ્વીને, સ્વર્ગને, દેહને અને મનને ત્યજી દેવાનો છે. આપણી ઇન્દ્રિયોના કે આપણા મનના આ નાના વિશ્વ પ્રત્યેની આસક્તિ આપણે ત્યજી દઈએ તો આપણે તરત મુક્ત થઈએ. બંધનમાંથી બહાર આવવાનો એક માત્ર માર્ગ નિયમની મર્યાદાઓની પાર, કાર્યકારણથી પાર જવાનો છે.

પણ આ વિશ્વનું વળગણ ત્યજી દેવાનું કાર્ય અતિ દુષ્કર છે. ઘણા થોડા લોકો તે કરી શકે. આપણા ગ્રંથોમાં આમ કરવાના બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ‘નેતિ,’ ‘નેતિ’ (આ નથી, આ નથી) ને નામે ઓળખાય છે. બીજો માર્ગ ‘ઇતિ’ (આ છે) ને નામે ઓળખાય છે. પહેલો માર્ગ નિષેધાત્મક છે, બીજો માર્ગ વિધેયાત્મક છે. નિષેધાત્મક માર્ગ અતિ દુષ્કર છે. ઊંચામાં ઊંચા, અસાધારણ મનવાળા અને અતિ જબ્બર ઇચ્છાશક્તિવાળા માનવોને માટે જ એ શક્ય છે. આવા માનવો ઊભા થઈને માત્ર એટલું કહેઃ‘નહીં, મારે કશું ન જોઈએ.’ તો તરત એમનાં મન અને દેહ એમની ઇચ્છાશક્તિને વશ થશે, અને તેઓ જ સફળ થશે. પણ આવા લોકો અતિ વિરલ હોય છે. માનવ જાતનો ઘણો મોટો ભાગ જગતમાંથી પસાર થવાનો માર્ગ પસંદ કરે છે અને સર્વ બંધનોનો ઉપયોગ એ જ બંધનોને તોડવામાં તે કરે છે. આ પણ એક પ્રકારનો ત્યાગ છેઃ માત્ર એ ધીમે ધીમે થાય છે, ક્રમે ક્રમે થાય છે. વસ્તુઓનું સ્વરૂપ પિછાનીને થાય છે, વસ્તુઓને ભોગવીને એ આમ અનુભવ મેળવીને થાય છે. છેવટે મન આ સર્વને ત્યજે છે અને અનાસક્ત બને છે. અનાસક્તિ મેળવવાનો માર્ગ બુદ્ધિગમ્ય છે; બીજો અનુભવગમ્ય છે. પહેલો જ્ઞાનયોગનો માર્ગ છે, સર્વ કર્મનો ત્યાગ એ તેનું લક્ષણ છે. બીજો કર્મયોગનો માર્ગ છે; સતત કાર્ય કર્યા કરવું એ તેનું લક્ષણ છે. વિશ્વમાં સહુ કોઈએ કાર્ય કરવું જોઈએ. જેઓ આત્માથી સંપૂર્ણ સંતુષ્ટ છે, જેઓની વાસનાઓ આત્મા સિવાય ક્યાંય જતી નથી, જેમનું મન આત્માથી બહાર ક્યાંય ભટકતું નથી, જેમને આત્મા એ સર્વસ્વ છે, તેઓ જ કાર્ય કરતા નથી; બીજા બધાએ કાર્ય કરવું જ જોઈએ; પાણીનો પ્રવાહ, પોતાની પ્રકૃતિ અનુસાર ધસમસતો આવે છે, પછી ખીણમાં પડે છે અને ત્યાં ઘૂમરી ખાય છે. થોડો સમય ઘૂમરી ખાઈ ફરી એ મુક્ત પ્રવાહના સ્વરૂપમાં બહાર નીસરે છે અને વણથંભ્યો વહ્યો જાય છે. દરેક માનવજીવન પાણીના આ પ્રવાહ જેવું છે. એ ઘૂમરીએ પડે છે, દેશ, કાળ અને નિમિત્તના ચક્કરમાં પડે છે, થોડી ક્ષણ એમાં ઘૂમ્યા કરે છે અને કહે છેઃ ‘મારો બાપ, મારો ભાઈ, મારું નામ, મારી કીર્તિ’ વગેરે વગેરે અને છેવટે એ ચક્રમાંથી તે બહાર નીકળે છે અને મુક્તિનો આનંદ ફરી પ્રાપ્ત કરે છે. સમગ્ર વિશ્વ આમ કરી રહ્યું છે. આપણે તે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, આપણે તેથી જ્ઞાત હોઈએ કે ન હોઈએ, આપણે સહુ જગતના આ સ્વપ્નમાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા છીએ. જગતમાં માનવીએ મેળવેલો અનુભવ આ ચક્રમાંથી બહાર નીકળવાના તેના પ્રયાસમાં સહાયભૂત થવા માટે છે.

કર્મયોગ શું છે? કર્મયોગ એટલે કર્મના રહસ્યનું જ્ઞાન. સમગ્ર વિશ્વ કાર્ય કરી રહ્યું છે તે આપણે જોઈએ છીએ. એ શાને માટે કાર્ય કરી રહેલ છે? મોક્ષ માટે, સ્વાધીનતા માટે; અણુથી માંડીને ઉચ્ચતમ વ્યક્તિ સુધી સર્વ એક લક્ષ્ય માટે કાર્ય કરી રહ્યાં છે; મનની, દેહની અને આત્માની સ્વાધીનતા માટે કાર્ય કરી રહ્યાં છે. સર્વ વસ્તુઓ હંમેશાં સ્વાધીનતા માટે પ્રયાસ કરતી હોય છે, બંધનમાંથી છૂટી જવા મથી રહી હોય છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને ગ્રહો એ સર્વ બંધનમાંથી છૂટી જવાને મથી રહ્યા હોય છે. પ્રકૃતિનાં કેન્દ્રોત્સારી (Centrifugal) અને કેન્દ્રગામી (Centripetal) બળો ખરેખર આપણા વિશ્વની લાક્ષણિકતા છે. આ વિશ્વમાં આમતેમ અથડાવાને બદલે અને વસ્તુઓને તેમના સાચા સ્વરૂપમાં અતિશય વિલંબ અને મથામણ પછી જાણવાને બદલે, કર્મયોગ દ્વારા આપણે કાર્યનું રહસ્ય, કાર્યની પદ્ધતિ અને કાર્યની વ્યવસ્થાશક્તિ સારી રીતે શીખી શકીએ છીએ. જો તેનો ઉપયોગ આપણે જાણતા ન હોઈએ તો આવડી મોટી શક્તિ નિરર્થક બને. કર્મયોગ કાર્યને વૈજ્ઞાનિક બનાવે છે; આ જગતની સર્વ ક્રિયાઓને સારી રીતે ઉપયોગમાં કેમ લેવી તે એનાથી જાણી શકાય છે. કર્મ કરવું અનિવાર્ય છે; પણ તે ઊંચા હેતુ માટે કરવું જોઈએ. આ જગત પાંચ મિનિટનું જ છે. આ જગત એવું કાંઈક છે જેમાંથી આપણે પસાર થવાનું છે અને મુક્તિ અહીં નથી, પેલી પાર જ પ્રાપ્ત થવાની છે, એ બધું કર્મયોગ આપણી પાસે સ્વીકારાવે છે. જગતનાં બંધનોમાંથી માર્ગ શોધવાને માટે આપણે ધીમે પણ મક્કમપણે એમાંથી પસાર થવાનું છે. સર્પ કાંચળી ઉતારી નાખી બાજુમાં ઊભો રહી તે જુએ, તેમ બાજુમાં ઊભા રહી જગતનો ત્યાગ કરી શકે એવા અસામાન્ય માણસો થોડા હોય છે. આવા અસામાન્ય માનવીઓ હોવા વિશે કશી શંકા નથી; પણ બાકીની માનવજાતે તો કર્મમય જગતમાંથી ધીમે ધીમે પસાર થવાનું છે. આ વસ્તુ સારી રીતે કેમ થઈ શકે તેની પરિપાટી, તેનું રહસ્ય અને તેની પદ્ધતિ કર્મયોગ બતાવે છે.

કર્મયોગ શું કહે છે? ‘અવિતરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો. તમારું મન મુક્ત રાખો. આ વેદના અને આ દુઃખ, જે કાંઈ તમે જોઈ રહ્યા છો, એ આ જગતની આવશ્યક અવસ્થા છે; દુઃખ અને સુખ, બધું ક્ષણિક છે; એ આપણી ખરી પ્રકૃતિ નથી. આપણી પ્રકૃતિ દુઃખ અને સુખથી પર છે. કોઈ પણ ઇંદ્રિયગમ્ય વસ્તુથી, કલ્પનાથી તે પર છે; અને તે છતાં આપણે અવિરત કાર્ય કર્યે જ જવું જોઈએ. ‘દુઃખ આસક્તિમાંથી આવે છે, કાર્યમાંથી આવતું નથી.’ જે કાર્ય કરીએ તેની સાથે આપણી જાતને એકરૂપ બનાવીએ એટલે દુઃખ ઊભું થાય. પણ જો તે કાર્ય સાથે આપણી જાતને એકરૂપ ન બનાવીએ તો તે દુઃખ આપણને નડતું નથી. બીજાની માલિકીના સુંદર ચિત્રને કોઈ બાળી નાખે તો તેનું દુઃખ આપણને થતું નથી. પણ આપણી માલિકીનું ચિત્ર સળગાવવામાં આવે તો? તો તેનું ભારે દુઃખ થાય છે. શા માટે? બંને ચિત્ર સુંદર હતાં. કદાચ બંને એક જ અસલની નકલ હોય. છતાં એક કરતાં બીજામાં ઘણું વધારે દુઃખ અનુભવાય છે. આનું કારણ એ છે કે એક ચિત્ર સાથે પોતાની જાતને એકરૂપ બનાવાય છે, જ્યારે બીજા સાથે કંઈ નિસબત નથી. ‘હું અને મારું’ એ જ સર્વ દુઃખનું મૂળ છે. માલિકીના ભાવ સાથે સ્વાર્થ આવે છે અને સ્વાર્થ દુઃખરૂપ છે. સ્વાર્થનું દરેક કાર્ય, સ્વાર્થના દરેક વિચાર, આપણને આસક્ત બનાવે છે. તરત જ આપણે પરાધીન બનીએ છીએ. ‘હું અને મારું’ જેટલાં વધારે તેટલાં પરાધીનતા અને દુઃખ વધારે. જગતમાં સર્વ ચિત્રોની સુંદરતા માણવી હોય તો કોઈમાં આસક્ત ન થાઓ એમ કર્મયોગ શીખવે છે. ‘મારું’ એમ કદી ન કહો. કોઈ વસ્તુ ‘મારી’ માની એટલે તરત દુઃખ આવવાનું. તમારા મનથી ‘મારું બાળક’ એમ પણ કહો નહીં. બાળક ભલે હોય પણ ‘મારું’ છે એમ ન કહો. ‘મારું’ છે એમ કહેશો એટલે દુઃખ આવશે. ‘મારું ઘર’ એમ ન કહો; ‘મારો દેહ’ એમ ન કહો. બધી મુશ્કેલી ત્યાં જ છે. દેહ નથી તમારો કે નથી મારો કે નથી કોઈનો. પ્રકૃતિના નિયમ અનુસાર આ દેહ આવે છે અને જાય છે, આપણે તો સ્વાધીન છીએ અને સાક્ષી તરીકે ઊભા છીએ. ચિત્ર કે દીવાલ કરતાં આ શરીર વધારે સ્વતંત્ર નથી. આપણે દેહની એટલી બધી આસક્તિ શા માટે રાખવી જોઈએ? કોઈ ચિત્ર દોરે, તો દોર્યા પછી તેની દરકાર કરતો નથી. કોઈ પણ વસ્તુને ‘હું મારા કબજામાં રાખું’ એવા પ્રકારના સ્વાર્થનું વળગણ ઊભું ન કરો. વળગણ ઊભું કરશો તો દુઃખ શરૂ થશે.

તેથી, આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃત્તિનો નાશ કરો. સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો. તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટાવા ન દો. કર્મયોગનો આ ઉપદેશ છે. આટલું થયા બાદ તમે જગતમાં જાઓ. તમારાથી થાય તે કાર્ય કરો. બધે હળોમળો, જવું હોય ત્યાં જાઓ. તમને અનિષ્ટનો પાશ લાગશે નહીં. જળમાં કમળ હોય છે; જળ તેને સ્પર્શી કે વળગી શકતું નથી. તમે જગતમાં જળકમળવત્ રહો. આનું નામ ‘વૈરાગ્ય’, નિર્લેપતા અથવા અનાસક્તિ. અનાસક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહીં. બધા યોગોનો મૂળ પાયો અનાસક્તિ છે. કોઈ માણસ ઘરબાર છોડે, સારાં વસ્ત્રો પહેરવાનું છોડે, સારો ખોરાક ખાવાનું છોડે અને રણમાં જાય, છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય. એની એક માત્ર સંપત્તિ જે એનો પોતાનો દેહ, એને મન સર્વસ્વ બને અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે. અનાસક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કાંઈ કરીએ તે નથી; અનાસક્તિ માત્ર મનમાં જ છે. ‘હું અને મારું’ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે. દેહ સાથેની ઇંદ્રિયગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય, તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં, અનાસક્ત છીએ. એક માણસ સિંહાસન પર બેઠો હોય છતાં એ સાવ અનાસક્ત હોય. બીજો સાવ ચીંથરેહાલ હોય છતાં ખૂબ આસક્ત હોય. પ્રથમ આપણે આ અનાસક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે. થોડી કઠિન હોવા છતાં અનાસક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે.

આસક્તિ છોડવાના બે રસ્તા છે. જેઓ ઈશ્વરમાં માનતા નથી અથવા બાહ્ય કોઈ મદદ લેવામાં માનતા નથી તેમને માટે આ એક માર્ગ છે. આ લોકો પોતે પોતાનું ફોડી લે છે. આવા લોકોએ પોતાની ઇચ્છા પ્રમાણે પોતાના મનની શક્તિ વડે અને વિવેક-વિચાર વડે કાર્ય કરવાનું છે. તે સતત રટ્યા કરે છેઃ ‘મારે અનાસક્ત થવું છે.’ ઈશ્વરમાં માનનાર માટે બીજો માર્ગ છે, જે ઓછો કઠિન છે. તેઓ પોતાના કાર્યનાં ફળ પરમાત્માને અર્પણ કરે છે. ફળની આસક્તિ રાખ્યા વગર તેઓ કાર્ય કરે છે. પોતે જે કાંઈ જુએ, અનુભવે, સાંભળે અથવા કરે તે ઈશ્વર પ્રીત્યર્થે કરે છે. જે કાંઈ શુભ કાર્ય આપણે કરીએ તે માટે કોઈ પ્રશંસા કે લાભની આકાંક્ષા રાખવી ન જોઈએ. એ ઈશ્વરાર્થે થયું છે; ફળ તેને જ અર્પણ કરો. એક બાજુ પર ઊભા રહી આપણે વિચાર કરીએ કે આપણા પ્રભુની કે સ્વામીની આજ્ઞા ઉઠાવનાર આપણે તેના સેવકો માત્ર છીએ અને કાર્ય માટેનો વેગ કે ઉત્સાહ પળે પળે તેનામાંથી જ આવે છે. ‘તું જે કાંઈ પૂજે, તું જે કાંઈ જુએ, તું જે કાંઈ કરે, તે સર્વ તેને સમર્પી દે અને શાંતિ પામ.’ આપણે પોતે શાંતિપૂર્વક, પરમ શાંતિપૂર્વક રહીએ અને આપણો દેહ, મન અને સર્વસ્વ ભગવાનને ચરણે ભોગ તરીકે અર્પણ કરીએ. અગ્નિમાં આહુતિ આપવાને બદલે, રાતદિવસ એક આ મોટો યજ્ઞ તમે કરો—તમારી પોતાની નાની-નજીવી જાતની આહુતિ આપીને. ‘આ જગતમાં સંપત્તિની શોધ કરતાં કરતાં મને તું જ પરમધન રૂપે પ્રાપ્ત થયો; મારી જાત તને અર્પણ કરું છું. કોઈ પ્રેમીની શોધ કરતાં કરતાં, તું એક જ પ્રેમી મને મળ્યો; હું મારી જાત તારે ચરણે ધરું છું.’ આ જાતનું રટણ દિવસ અને રાત આપણે કરીએ અને કહીએઃ ‘મારે માટે કશું નથી. વસ્તુ સારી હોય, ખરાબ હોય કે સામાન્ય હોય, મારે માટે કશું નથી. મને એની તમા નથી. હું બધું તને અર્પણ કરું છું.’ દિવસ અને રાત આપણી જાતનો આપણે ત્યાગ કરીએ—એવી ટેવ પડી જાય ત્યાં સુધી ત્યાગ કરીએ, એવો ત્યાગ આપણા લોહીમાં, જ્ઞાનતંતુઓમાં, મગજમાં, પેસી જાય ત્યાં સુધી ત્યાગ કરીએ. આપણો સમગ્ર દેહ દરેક ક્ષણે આ આત્મ-સમર્પણના વિચારને તાબે થઈ જાય ત્યાં સુધી કરીએ. પછી તમે મેદાને પડો. ત્યાં તોપોના ભડાકાઓ અને યુદ્ધનાં ધમસાણો મચશે, છતાં તમને લાગશે કે તમે મુક્ત છો, શાંત છો.

ફરજ વિશેનો સામાન્ય ખ્યાલ નીચી કક્ષાનો લાગે તોપણ સૌએ પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ એમ કર્મયોગ શીખવે છે. કર્તવ્યની આ ભાવના ઘણી વાર દુઃખનું કારણ પણ બને. રોગની પેઠે આપણને કર્તવ્ય વળગે છે, આગળ ઘસડી જાય છે અને પકડમાં લે છે. કેટલીક વાર આપણું આખું જીવન દુઃખી બનાવે છે. માનવજીવનનું એ મોટું સંકટ છે. કર્તવ્યની આ ભાવના ખરા બપોરના તાપની જેમ માનવજાતના અંતરને બાળી નાખે છે. કર્તવ્યના ગુલામ બનેલા તરફ જરા નજર તો નાખો! કર્તવ્ય એમને પ્રાર્થનાનો સમય રહેવા દેતું નથી, નાહવા-ધોવાનો વખત રહેવા દેતું નથી. એમની ઉપર એ હંમેશાં સવાર હોય છે. તેઓ બહાર જઈને કાર્ય કરે છે, ને કર્તવ્ય એમના પર ચડી બેસે છે; તેઓ પાછા ઘરે આવે છે ત્યારે પણ બીજા દિવસના કામનો વિચાર કર્યા કરે છેઃ કર્તવ્યનું દબાણ! એ ગુલામીભર્યું જીવન છે, છેવટે ભાડૂતી ગાડીના ઘોડાની જેમ કામ કરતાં કરતાં રસ્તામાં ઢળી પડી એને મરવાનું છે. માણસો આને જ કર્તવ્ય સમજે છે. ખરું કર્તવ્ય અનાસક્ત બનવામાં, સ્વાધીન રીતે કાર્ય કરવામાં અને સર્વ કાર્ય પરમાત્માને અર્પણ કરવામાં રહ્યું છે. આપણાં સર્વ કર્તવ્ય તે એનાં જ છે. આપણને અહીંયાં આજ્ઞા કરી મોકલવામાં આવ્યા છે એ આપણું ધનભાગ્ય છે. આપણી અવધિ આપણે પૂરી કરવાની છે. તે સારી રીતે કરીએ કે ખરાબ રીતે તે કોણ જોવાનું છે? આપણે સારી રીતે કરીએ, તોપણ આપણને તેનું ફળ મળવાનું નથી; આપણે ખરાબ રીતે કરીએ તો આપણને તેની ચિંતા થવાની નથી. આનંદમાં રહો, સ્વાધીન રહો અને કાર્ય કરો. આ પ્રકારની સ્વાધીનતા મેળવવાનું કાર્ય ઘણું દુષ્કર છે. પરાધીનતાને કર્તવ્ય તરીકે લેખવાનું કાર્ય કેટલું સરળ છે! શરીર ઉપરની આસક્તિના ગાંડપણભર્યા ખ્યાલને કર્તવ્ય માનવું! માણસો જગતમાં કામ કરવા બહાર પડે છે અને દ્રવ્ય માટે અગર જેના પ્રત્યે આસક્તિ હોય એવા અન્ય કશા માટે મથામણ કરે છે, લડે છે. આમ નાહક શા માટે કરો છો એમ તમે એમને પૂછશો તો તેઓ કહેશે, ‘અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ.’ ખરેખર તો એ સુવર્ણ અને કીર્તિનો ગાંડપણભર્યો લોભ છે—માત્ર લોકો તેને થોડાં સુંદર વાણીનાં ફૂલોથી ઢાંકી દેવા મથે છે.

આખરે કર્તવ્ય એટલે શું? એ ખરી રીતે દેહનો, આપણી આસક્તિનો આવેગ છે અને આ આસક્તિ મૂળ ઘાલી જાય ત્યારે આપણે તેને કર્તવ્ય કહીએ છીએ. દાખલા તરીકે જે દેશમાં લગ્નની પ્રથા નથી, ત્યાં પતિ અને પત્ની વચ્ચે કશું કર્તવ્ય નથી; જ્યારે લગ્નપ્રથા આવે છે ત્યારે આસક્તિને લીધે પતિ અને પત્ની સાથે રહે છે; અને પેઢીઓ પછી આ રીતે સાથે રહેવાનો રિવાજ પડી જાય છે અને એ રૂઢિ પાછળથી કર્તવ્ય બને છે. એમ કહો કે એ એક પ્રકારનો જૂનો રોગ છે. એ તીવ્ર બને ત્યારે આપણે તેને રોગ કહીએ છીએ, એ ઘર કરી જાય ત્યારે આપણે તેને પ્રકૃતિ કહીએ છીએ. આ એક રોગ છે. આસક્તિ ઘર કરી જાય ત્યારે આપણે તેને ‘કર્તવ્ય’ એવું મોટું નામ આપીએ છીએ. આપણે તેના પર ફૂલો વેરીએ છીએ, શરણાઈઓ વગાડીએ છીએ, એના વિશે પવિત્ર મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ અને પછી જગત લડે છે તથા આ કર્તવ્યને નામે માનવી માનવીને લૂંટવા તત્પર બને છે. પાશવતાને રોકે ત્યાં સુધી કર્તવ્ય ઠીક છે. જેમની પાસે અન્ય કશો આદર્શ શક્ય નથી, એવા સાવ સામાન્ય અણસમજુ માણસો માટે કર્તવ્ય કાંઈક સારી વસ્તુ છે; પણ જેને કર્મયોગી થવું છે તેણે કર્તવ્યના આ વિચારને ફેંકી દેવો જોઈએ. તમારે અને મારે માટે કાંઈ કર્તવ્ય નથી. તમારે જે કાંઈ જગતને આપવાનું હોય તે ખુશીથી આપો, પણ કર્તવ્ય તરીકે નહીં. એવો કોઈ વિચાર જ મનમાં ન લાવો. પરાણે કશું ન કરો. શા માટે તમારે કશું પરાણે કરવું પડે? ‘જે કાંઈ તમે પરાણે કરો તે સર્વ આસક્તિને વધારે છે.’ શા માટે તમારે કશું કર્તવ્ય હોવું જોઈએ? સર્વ પરમાત્માને સોંપી દો. આ સળગતી ભઠ્ઠીમાં જ્યાં કર્તવ્યનો અગ્નિ દરેક માનવને બાળે છે, ત્યાં કર્મયોગરૂપી અમૃતનો પ્યાલો પીઓ અને સુખી થાઓ. આપણે સહુ તેની જ ઇચ્છાનો અમલ કરી રહ્યા છીએ. કેવળ પુરસ્કાર કે તિરસ્કાર એ બેમાંથી એકેય સાથે આપણે કાંઈ નિસ્બત નથી. પુરસ્કારની ઇચ્છા રાખશે તેને શિક્ષા પણ મળશે. શિક્ષામાંથી છૂટવાનો એક માત્ર માર્ગ ઇનામની લાલચ છોડવાનો છે. દુઃખમાંથી છૂટવાનો એક માત્ર માર્ગ સુખનો વિચાર છોડી દેવાનો છે; કેમ કે આ બંને એકબીજા સાથે જોડાયેલાં છે. એક બાજુ સુખ છે, બીજી બાજુ દુઃખ. એક બાજુ જીવન છે, બીજી બાજુ મૃત્યુ. મૃત્યુથી પર થવાનો એક માર્ગ માત્ર જીવનનો મોહ છોડી દેવાનો છે. જુદી જુદી બાજુથી જોઈએ તો જીવન અને મૃત્યુ એક જ છે. તેથી દુઃખ સિવાયના સુખનો કે મૃત્યુ સિવાયના જીવનનો વિચાર શિખાઉ માટે અને બાળકો માટે બહુ સારો છે; પણ વિચારશીલ માણસો આ બંને વચ્ચે શબ્દનો જ તફાવત છે તે જોઈ શકે છે; તે બંનેનો ત્યાગ કરે છે. તમે જે કાંઈ કરો તે માટે કોઈ પ્રશંસા કે ઇનામની આશા ન રાખો. આપણે કંઈક સારું કામ કરીએ કે તરત જ એને માટે જશ લેવાની ઇચ્છા રાખીએ છીએ. આપણે કોઈ દાનમાં રૂપિયા આપીએ એટલે તરત આપણું નામ વર્તમાનપત્રોમાં ઝળકે એવી ઇચ્છા રાખીએ છીએ. આવી ઇચ્છાઓને પરિણામે દુઃખ આવે જ. મહાન પુરુષો જગતથી અજાણ્યા રહીને પસાર થઈ ગયા છે. જગત જેમને વિશે કશું જાણતું નથી એવા મહાન પુરુષોની તુલનામાં આપણા જાણીતા બુદ્ધો અને ઈશુ ખ્રિસ્તો તો માત્ર બીજી હરોળના મહાપુરુષો છે. દરેક દેશમાં શાંત રીતે કાર્ય કરતા આવા સેંકડો અનામી વીરો જીવી ગયા છે. શાંત રીતે તેઓ જીવ્યા અને શાંત રીતે ચાલ્યા ગયા; સમય વીત્યે એમના વિચારો બુદ્ધો અને ઈશુ ખ્રિસ્તોમાં ખીલી ઊઠે અને એ લોકોને જ આપણે ઓળખીએ. પોતાના જ્ઞાનને માટે મહાપુરુષો નામ કે કીર્તિ મેળવવાનો પ્રયાસ કરતા નથી. તેઓ પોતાના વિચારો જગતમાં મૂકી જાય છે. પોતાના નામે તેઓ કશા દાવાઓ નોંધાવતા નથી, અગર કોઈ સંપ્રદાય કે પદ્ધતિ પોતાના નામે સ્થાપતા નથી. આવી ઘટનાથી એમનો સ્વભાવ જ એમને દૂર રાખે છે. તેઓ શુદ્ધ સાત્ત્વિક છે, જેઓ કદી ઘોંઘાટ કરી શકતા નથી પણ પ્રેમમાં પીગળી જાય છે. આવા એક યોગીને મેં જોયા છે, જે ભારતમાં એક ગુફામાં રહે છે. આવો અતિશય અદ્‌ભુત માનવી મેં બીજો જોયો નથી. પોતાના વ્યક્તિત્વનું ભાન એ એટલું બધું સંપૂર્ણપણે ભૂલી ગયા છે કે એની અંદરનો માનવ સદંતર ચાલ્યો ગયો છે અને એને સ્થાને માત્ર સર્વવ્યાપી દિવ્યતાની ભાવના મૂકતો ગયો છે. જો પશુ તેના એક હાથને બટકું ભરે તો એ તેને બીજો હાથ આપવાને તત્પર રહે અને કહે કે જેવી પ્રભુની ઇચ્છા. તેમની દૃષ્ટિમાં તો તેમને જે કાંઈ થાય છે તે ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે. એ પોતાની જાતને બીજા માણસોને દેખાડતા નથી, છતાં એ પ્રેમ અને સાચા મધુર વિચારોનો મહાસાગર છે.

એથી બીજા નંબરે વિશેષ રજસ્‌વાળા એટલે કર્તવ્યપરાયણ પ્રકૃતિના માણસો આવે છે. આ લોકો પૂર્ણ પુરુષોના વિચારોને ગ્રહણ કરી, જગતમાં તેનો પ્રચાર કરે છે. શ્રેષ્ઠ માનવ શાંતપણે સાચા મહાન વિચારોને સંઘરે છે અને બીજાઓ—બુદ્ધો અને ઈશુ ખ્રિસ્તો—એક સ્થળેથી બીજે સ્થળે એનો પ્રચાર કરતા અને એને માટે કાર્ય કરતા ફરે છે. પોતે પચીસમા બુદ્ધ છે એમ સતત રીતે ગૌતમ બુદ્ધ એમના જીવનમાં કહે છે તે આપણે જાણીએ છીએ. એમના પહેલાં થઈ ગયેલા ચોવીસ બુદ્ધો ઇતિહાસમાં અજાણ છે, જો કે ઇતિહાસ-પ્રસિદ્ધ બુદ્ધે એમણે કરેલા પાયા પર ચણતર કર્યું હશે. શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં બારણાં બંધ કરીને માત્ર પાંચ સાચા વિચારો જ સેવીને ચાલ્યા જઈએ, તોપણ તેમના એ પાંચ વિચારો અનંતકાળ સુધી સજીવ રહેશે. ખરેખર તો આ વિચારો પર્વતોને ભેદીને, મહાસાગરો ઓળંગીને સારાયે જગતમાં ફેલાશે. આ વિચારો માનવના હૃદય અને બુદ્ધિમાં ઊંડા ઊતરશે અને તે વિચારોને માનવજીવનમાં વ્યવહારુ સ્વરૂપ આપે એવાં સ્ત્રીપુરુષને પેદા કરશે. ક્રિયાશીલ રહેવા માટે, યુદ્ધ માટે, કાર્ય કરવા માટે, સંઘર્ષ માટે, પ્રચાર માટે અને આ પૃથ્વી પરની માનવજાતિનું શુભ કરવા માટે આવા સાત્ત્વિક માનવો ભાગ્યે જ નીકળી પડે; તેઓ તો ઈશ્વરની નજીક વસનારા છે. કાર્યકરો ગમે તેવા સારા હોય તોપણ અજ્ઞાનનો થોડોક અંશ તેમનામાં હોય છે. આપણી પ્રકૃતિમાં કાંઈક અશુદ્ધિઓ પડી હોય ત્યારે જ આપણે કાર્ય કરી શકીએ. સાધારણ રીતે હેતુ અને આસક્તિથી કર્મમાં પ્રવૃત્ત થવું એ કાર્યનો સ્વભાવ છે. એક ચકલી નીચે પડી જાય તોપણ જે નોંધ લે છે એવા સતત ક્રિયાશીલ વિધાતાની સરખામણીમાં માનવ પોતાના કાર્યને કેટલું મહત્ત્વ આપી શકે? જગતની નાનામાં નાની વસ્તુની એ સંભાળ રાખે છે. આપણા કાર્યને મહત્ત્વ આપવું એ શું ઈશ્વરનિંદા નથી? આપણે તો એની સમક્ષ માનપૂર્વક પૂજ્યભાવથી ઊભા રહેવું અને કહેવું જોઈએ કે ‘તારી ઇચ્છા પ્રમાણે થાઓ!’ શ્રેષ્ઠ પુરુષો કાર્ય કરી શકતા નથી. કેમ કે એમનામાં આસક્તિ હોતી નથી. જેમનું સમગ્ર મન આત્મામાં સમાયેલું છે, જેમની સમગ્ર ઇચ્છાઓ આત્મામાં કેન્દ્રિત થઈ છે, જે સતત આત્માની સાથે તદ્રૂપ બન્યા છે એવાને માટે કોઈ કર્મ રહેતું નથી. માનવજાતના આ ઉચ્ચતમ કોટિના પુરુષો છે. એમના સિવાયના બીજા દરેકે કર્મ કરવાનું છે. કર્મ કરતી વખતે વિશ્વની નાનામાં નાની વસ્તુને પણ આપણે મદદ કરીએ છીએ, એવો વિચાર કદી ન લાવવો. આપણે કોઈને મદદ કરી શકીએ જ નહીં. જગતની આ વ્યાયામશાળામાં આપણે માત્ર આપણને જ મદદ કરીએ. કર્મ પરત્વે આવી જ વૃત્તિ યોગ્ય છે. આ રીતે જો આપણે કાર્ય કરીએ અને હંમેશાં યાદ રાખીએ કે કાર્ય કરવાની મળેલી તક એ આપણું સદ્‌ભાગ્ય છે, તો કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં થાય. તમારા અને મારા જેવા લાખો લોકો જગતમાં આપણે મહાન છીએ એમ માને છે; પણ આપણે સૌ મૃત્યુ પામવાના અને જગત પાંચ મિનિટમાં આપણને ભૂલી જવાનું. પરંતુ પરમાત્માનું જીવન અનંત છે. ‘આ સર્વશક્તિમાન પ્રભુની ઇચ્છા ન હોય તો આ જગતમાં કોણ એક ક્ષણ પણ જીવી શકે? કોણ એક ક્ષણ પણ શ્વાસ લઈ શકે?’ એ સતત ક્રિયાશીલ રહેતા વિધાતા છે. સર્વશક્તિ એમની છે અને એમની આજ્ઞામાં છે. એમની ઇચ્છાથી પવન ફૂંકાય છે, સૂરજ પ્રકાશે છે, પૃથ્વી ટકી રહી છે અને પૃથ્વી પર મૃત્યુ પોતાનું કાર્ય કરે છે. એ સંપૂર્ણ કર્તાહર્તા છે. એ સઘળું છે અને સઘળામાં રહેલો છે. આપણે તો એની પૂજા માત્ર કરી શકીએ. કર્મના સર્વ ફળનો ત્યાગ કરો. શુભને માટે શુભ કરો. ત્યારે જ સંપૂર્ણ અનાસક્તિ આવશે. એ રીતે હૃદયનાં બંધનો તૂટશે અને આપણને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. ખરેખર આવી સ્વાધીનતા એ જ કર્મયોગનું લક્ષ્ય છે.

Total Views: 252
૩. અનાસક્તિ એટલે સંપૂર્ણ સ્વાર્થત્યાગ
૧. કર્મ અને તેનું રહસ્ય