આપણામાંથી પેદા થતાં દરેક કાર્ય પ્રત્યાઘાત રૂપે આપણી તરફ પાછાં વળે છે. તેવી જ રીતે આપણાં કાર્યો બીજાને અસર કરે છે અને બીજાનાં કાર્યો આપણને અસર કરે છે. એક વાર ખોટું કામ કરનાર વધુ અને વધુ ખોટું કરતો જાય છે અને સારું કામ કરનાર વધુ અને વધુ દૃઢ સંકલ્પવાળો બનતો જાય છે. આ હકીકત તમારા બધાના અવલોકનમાં કદાચ આવી હશે. આપણે અન્યોન્ય આઘાત-પ્રત્યાઘાત કરતા હોઈએ છીએ. એ રીતે જ આ કાર્યને થતી અસરની તીવ્રતા સમજાવી શકાય. ભૌતિક વિજ્ઞાનમાંથી એક દૃષ્ટાંત લઈએ. અમુક કાર્ય હું કરું ત્યારે મારું મન અમુક પ્રકારનાં આંદોલનોની પરિસ્થિતિમાં છે એમ કહેવાય. આવા સંજોગોમાં બીજાં સઘળાં મન જે આવાં આંદોલનોની કક્ષામાં હોય છે, તેના ઉપર મારા મનની અસર પડે છે. ધારો કે એક જ ખંડમાં સંગીતનાં જુદાં જુદાં સાજ પડેલાં છે. એમાંના એકને જો વગાડીએ તો બીજાં સાજ આંદોલિત થાય છે અને એક જ પ્રકારના સૂર કાઢે છે. એ પ્રમાણે એક જ પ્રકારની તીવ્રતા અનુભવતાં સઘળાં મન, એક જ પ્રકારના વિચારથી પ્રભાવિત થાય છે. અલબત્ત, મન પર થતી વિચારોની આ અસર અન્ય કારણોથી થોડો ઘણો ફેરફાર અનુભવે છે, પણ મન આવી અસરથી પ્રભાવિત થવાને સદાને તત્પર તો હોય છે. હું એક ખોટું કાર્ય કરું ત્યારે મારું મન અમુક પ્રકારનાં આંદોલનની પરિસ્થિતિમાં છે અને મારા જેવી પરિસ્થિતિમાં હોય તેવાં જગતનાં સમસ્ત મન, મારા મનના આંદોલનથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. હું શુભ કાર્ય કરું ત્યારે મારું મન અન્ય પ્રકારનાં આંદોલનમાં હોય છે અને આવી અસરવાળાં વિશ્વનાં સમસ્ત મન, મારા મનથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. બળની તીવ્રતાના પ્રમાણમાં—તે વધારે કે ઓછું હોય તે પ્રમાણમાં—એક મનની અસર અન્ય મન પર થાય છે.

આ ઉપમાને જરા વિસ્તારીએ. પ્રકાશનાં કિરણો કોઈ પદાર્થ પાસે પહોંચે તે પહેલાં લાખો વરસોનો પ્રવાસ તે ખેડે છે. તેમ જેની સાથે સમતોલે આંદોલિત થઈ શકે એવા પદાર્થ પાસે પહોંચતાં પહેલાં વિચારનાં મોજાંને પણ સેંકડો વરસોનો પ્રવાસ ખેડવો પડે એવી પૂરી શક્યતા રહેલી છે. તેથી આપણું આ વાતાવરણ શુભ અને અશુભ બંને વિચાર-આંદોલનથી સભર હોય એવી પૂરી શક્યતા છે. મગજમાંથી નીકળતો દરેક વિચાર, પોતાને સ્વીકારે એવું યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી જાણે કે આંદોલિત થયા કરે છે. આવા વિશિષ્ટ થડકારોને સ્વીકારવાને તત્પર મન, તરત જ એ આંદોલન ઝીલશે. તેથી, માણસ અશુભ કાર્ય કરે ત્યારે તે તેના મનને અમુક તીવ્રતાની પરિસ્થિતિમાં લાવે છે; અને તીવ્રતાની પરિસ્થિતિ સાથે સામ્ય ધરાવતાં અને વાતાવરણમાં પ્રસરી રહેલાં સર્વ મોજાં તેના મનમાં પ્રવેશવાનો જોશભેર પ્રયાસ કરે છે. આ કારણથી જ અશુભ કાર્ય કરનાર સામાન્ય રીતે વધુ અને વધુ અશુભ કાર્ય કરતો રહે છે; એનાં કાર્યો તીવ્ર બનતાં જાય છે. આવું જ કાંઈક શુભ કાર્ય કરનારની બાબતમાં બનવાનું. વાતાવરણમાં પ્રસરેલાં સર્વ શુભ મોજાંને એ આવકાર આપવાનો અને એનાં શુભ કાર્યો પણ તીવ્ર બનવાનાં. એટલે અશુભ કાર્ય કરીએ ત્યારે આપણે બે પ્રકારના ભયમાં આવી પડીએ છીએ. એક તો આપણી આસપાસ પ્રવર્તતી સર્વ અશુભ અસરો આપણે આપણા પ્રત્યે ખેંચીએ છીએ અને બીજું અન્યને કદાચ સેંકડો વર્ષ પછી અસર કરે એવા એક અશુભને આપણે જન્મ આપીએ છીએ. આમ અશુભ કાર્યથી આપણે આપણી જાતને તેમજ બીજાને હાનિ કરીએ છીએ ને શુભ કાર્યથી આપણે આપણી જાતનું તેમજ અન્યનું શુભ કરીએ છીએ. માનવીમાં રહેલાં અન્ય બળોની જેમ આ શુભ અને અશુભનાં બળો બહારથી પણ શક્તિ મેળવતાં હોય છે.

કર્મયોગ પ્રમાણે માણસે કરેલું કાર્ય, ફળ ન આપે ત્યાં સુધી નાશ પામતું નથી; પ્રકૃતિની કોઈ સત્તા કાર્યને તેનું ફળ આપતાં અટકાવી શકે એમ નથી. હું અશુભ કાર્ય કરું તો તે માટે મારે સહન કરવું જોઈએ; વિશ્વની કોઈ શક્તિ તેનું ફળ અનુભવતાં મને અટકાવી શકે નહીં. એ જ રીતે જો હું શુભ કાર્ય કરું તો જગતની કોઈ સત્તા એનું શુભ ફળ આવતું રોકી શકે નહીં, કારણમાંથી કાર્ય ઉદ્‌ભવે છે; કોઈ એ અટકાવી શકે નહીં. હવે કર્મયોગનો એક ઘણો સૂક્ષ્મ અને ગંભીર પ્રશ્ન વિચારવાનો રહે છે. એ પ્રશ્ન આ પ્રમાણે છેઃ શુભ અને અશુભ એવાં આપણાં તમામ કાર્યો અરસપરસ ગાઢ રીતે સંકળાયેલાં છે. અમુક કાર્ય તદ્દન શુભ છે અને અમુક કાર્ય અશુભ છે એવી કોઈ સીમા આપણાથી બાંધી નહીં શકાય. એવું એકેય કાર્ય નથી જે એક સાથે શુભ અને અશુભ ફળ આપતું ન હોય! આપણું જ દૃષ્ટાંત લઈએ. હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને તમારામાંના કેટલાકને એમ લાગે પણ ખરું કે હું શુભ કાર્ય કરી રહ્યો છું. પણ એ સાથે હું વાતાવરણમાં ઊડતાં હજારો જંતુઓનો વિનાશ કરી રહ્યો છું; આમ હું અન્ય કોઈ પ્રતિ અશુભ કાર્ય કરી રહ્યો છું. આ કાર્ય બહુ પાસેનું હોય અને આપણે ઓળખીએ તેમને લગતું હોય, ત્યારે એ જો એમને શુભ રીતે અસર કરે તો એ બહુ સારું છે એમ આપણે કહીએ છીએ. દાખલા તરીકે, તમારી સાથેની મારી વાતને તમે બહુ સારી કહેશો, પણ વાતાવરણમાંનાં જંતુઓ તમારી જેમ માનવાનાં નથી. વાતાવરણમાંનાં જંતુઓ તમે જોઈ શકતા નથી, પણ તમારી જાતને તમે જોઈ શકો છો. મારી વાતની તમારા પર શી અસર થાય છે તે તમને સ્પષ્ટ છે, પણ મારી વાતની અસર વાતાવરણમાંનાં જંતુઓ પર શી થાય છે તે સ્પષ્ટ દેખાતી નથી અને તેથી, જો આપણે આપણાં કાર્યોનું પણ પૃથક્કરણ કરીએ તો એમાંથી ક્યાંકથી કાંઈક શુભ પરિણામ કદાચ ઉદ્‌ભવે છે એમ માલૂમ પડશે. જે શુભ કાર્યમાં રહેલા અશુભને જુએ છે અને જે અશુભ કાર્યમાં રહેલા કોઈ શુભને જુએ છે, તે કર્મના ખરા રહસ્યને પામે છે.

પણ આમાંથી શું સાર નીકળ્યો? સારાંશ એ કે આપણે ગમે તેટલા પ્રયાસ કરીએ પણ કોઈ કાર્ય પૂર્ણ રીતે શુદ્ધ હોવું શક્ય નથી, તેમ કોઈ કાર્ય પૂર્ણ રીતે અશુદ્ધ હોવું જ પણ શક્ય નથી. અહીં ‘શુદ્ધ’ અને ‘અશુદ્ધ’ એ શબ્દો હાનિ અને લાભના અર્થમાં યોજવામાં આવ્યા છે. બીજાને હાનિ કર્યા વગર આપણે શ્વાસ લઈ શકતા નથી અને જીવી શકતા નથી, તેમ ખોરાકનો જે એકેક કોળિયો આપણે લઈએ તે બીજાના મુખમાંથી આપણે ઝૂંટવી લેતા હોઈએ છીએ. આપણાં પોતાનાં જ જીવન બીજા જીવનને હાંકી કાઢતાં હોય છે. માનવી, પશુ કે નાનાં જંતુઓ ગમે તેને પણ આપણે હાંકીએ જ છીએ. હકીકત આમ હોવાથી, કાર્યથી સંપૂર્ણતા કદી પ્રાપ્ત થઈ શકતી નથી એ એમાંથી ફલિત થાય છે. આપણે અનંતકાળ સુધી કાર્ય કરીએ, પણ આ ગૂંચવણભરી ભુલભુલામણીમાંથી માર્ગ મળે એમ નથી. તમે કાર્ય કર્યે જાઓ, કર્યે જાઓ, કર્યે જાઓ પણ કાર્યના પરિણામમાં આ શુભ અને અશુભ તો અનિવાર્યપણે આવવાનાં તે આવવાનાં જ.

વિચારવાનો બીજો મુદ્દો આ છેઃ કાર્યનું પરિણામ શું? કોઈ એક સમયે આ જગત સંપૂર્ણ થશે; પછી ત્યાં રોગ નહીં હોય, મૃત્યુ નહિ હોય, દુઃખ નહીં હોય અને દુષ્ટતા નહીં હોય. દરેક દેશનો વિશાળ જનસમુદાય એવી માન્યતા ધરાવે છે. આ વિચાર ઘણો સારો છે. અજ્ઞાન માણસોને પ્રેરણા અને પ્રગતિ આપે એવી ઘણી સારી શક્તિ એમાં રહેલી છે. પણ પળ વાર વધુ વિચાર કરીએ તો આપણને તરત જ ખ્યાલ આવશે કે એમ કદી બની શકે નહીં. આપણે જાણીએ છીએ કે શુભ અને અશુભ એક જ સિક્કાની બે બાજુ છે. ત્યારે એમ કેમ બની શકે? શુભ મેળવો તે જ સમયે સાથે અશુભ પણ આવે જ, સંપૂર્ણતા એટલે શું? ‘સંપૂર્ણ જીવન’ એ વિરોધી શબ્દ છે. આપણી જાત અને બાહ્ય વસ્તુઓ વચ્ચેનો સતત સંઘર્ષ એટલે જીવન. દરેક ક્ષણે બાહ્ય પ્રકૃતિ સાથે આપણું યુદ્ધ ચાલી રહ્યું છે. જો આમાં આપણે હારીએ તો આપણું જીવન નષ્ટ થાય. દાખલા તરીકે ખોરાક અને હવા મેળવવા માટેનો સતત સંઘર્ષ એ જ જીવન છે. જો ખોરાક કે હવા ખૂટે તો મૃત્યુ થાય. જીવન સીધીસાદી વહી જતી બાબત નથી, પણ એ અનેક પ્રકારની અસરવાળું તત્ત્વ છે. આપણી અંદર રહેલા કાંઈક અને બાહ્યજગત વચ્ચેના આ સંઘર્ષને આપણે જીવન કહીએ છીએ. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે આ સંઘર્ષ અટકે ત્યારે જીવનનો પણ અંત આવે.

આદર્શ સુખ એટલે આ સંઘર્ષનો અંત! પણ ત્યારે જીવન પણ અટકી જશે. સંઘર્ષ ત્યારે જ અટકે જ્યારે જીવન પોતે જ અટકે. આપણે આગળ જોઈ ગયા કે જગતને સહાય કરવામાં આપણે પોતાને જ સહાય કરીએ છીએ. અન્યને માટે કરેલ કાર્યની મુખ્ય અસર આપણા પોતાના જ શુદ્ધીકરણમાં થાય છે. બીજાનું ભલું કરવાના આપણા સતત પ્રયાસ દ્વારા આપણે પોતાને ભૂલી જવાને મથીએ છીએ; પોતાને ભૂલી જવાનો આ એક સરસ બોધપાઠ જીવનમાં આપણે શીખવાનો છે. પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે કે ખરું સુખ સ્વાર્થવૃત્તિના ત્યાગમાં રહેલું છે અને પોતા વિના અન્ય કોઈ તેને સુખી બનાવી શકે નહીં. ઉદારતાનું દરેક કાર્ય, સમભાવભર્યો દરેક વિચાર, સહાયનું દરેક પગલું આપણું ઘણું અભિમાન ઓછું કરે છે. આપણને એ નાનામાં નાના અને નમ્રમાં નમ્ર ગણતાં શીખવે છે, તેથી એ સર્વ શુભ છે. અહીં આપણે જોઈએ છીએ કે જ્ઞાન, ભક્તિ અને કર્મઃ ત્રણેય એક મુદ્દા પર સહમત છે. ઊંચામાં ઊંચો આદર્શ સનાતન અને સંપૂર્ણ આત્મવિલોપનનો છે. એ આદર્શમાં ‘હું’ને સ્થાન નથી, પણ સર્વ ‘તું’ મય છે; અને એ વિશે માનવ સભાન હોય કે અભાન, કર્મયોગ તેને એ આદર્શ ભણી દોરી જાય છે. ઉપદેશક નિર્ગુણ ઈશ્વરના વિચારથી ભય પામે છે. એ સગુણ ઈશ્વરમાં જ માને છે. એમાં એ પોતાનું સ્વરૂપ અને વ્યક્તિત્વ, (એ વિશે એના જે ખ્યાલ હોય તે) જાળવી રાખવા મથે છે. પણ એના નીતિના વિચારો, જો તે ખરેખર શુભ હોય તો, ઉચ્ચતમ સ્વાર્થત્યાગ પર જ રચાયા હોવા જોઈએ. તમામ નીતિધર્મના પાયામાં એ રહેલ છે. તમે એ માનવી, પશુ કે દેવ સુધી વિસ્તારો પણ એ એક મૂળભૂત વિચાર છે, એ એક મૂળભૂત સિદ્ધાંત છે, જે સર્વ ધર્મનીતિમાં રહેલો હોય છે.

આ જગતમાં જુદા જુદા વર્ગના માણસો તમને જોવા મળશે. પ્રથમ દેવતુલ્ય માનવી આવે છે. એમનો સ્વાર્થત્યાગ સંપૂર્ણ છે; તેઓ પોતાના જીવનના ભોગે પણ અન્યનું શુભ જ કરે છે. આ ઉચ્ચ કોટિના માનવો છે. કોઈ દેશમાં જો આવા સોએક માણસ મળી આવે તો તે દેશે કદી નિરાશ થવાનું કારણ નથી. પણ કમનસીબે આ પ્રકારના માનવીઓ બહુ વિરલ હોય છે. પછી સારા માણસો આવે છે; આ માણસો પોતાને હાનિ ન થાય ત્યાં સુધી અન્યનું શુભ કરે છે. એ પછી ત્રીજા વર્ગના માણસો આવે છે; આ લોકો પોતાના લાભ સારુ બીજાને હાનિ કરે છે. એક સંસ્કૃત કવિએ નામને પણ લાયક નહીં એવા એક ચોથા વર્ગનો નિર્દેશ કર્યો છે. આ પ્રકારના માણસો હાનિ કરવા ખાતર જ બીજાને હાનિ કરતા હોય છે. એક છેડે ઉચ્ચ કોટિના સારા માણસો છે જે સર્વસ્વના ભોગે બીજાનું ભલું કરે છે; બીજે છેડે એવા માણસો છે જે હાનિ કરવા ખાતર જ અન્યને હાનિ કરે છે. આવી રીતે હાનિ કરવાથી એમને કોઈ લાભ મળતો નથી, પણ એમનો સ્વભાવ જ હાનિ કરવાનો હોય છે.

આ રહ્યા બે સંસ્કૃત શબ્દોઃ એક શબ્દ છે પ્રવૃત્તિ. એનો અર્થ—પોતાનો જ વિચાર કરવો તે. બીજો શબ્દ નિવૃત્તિ છે. એનો અર્થ પોતાના સિવાયનો વિચાર કરવો તે. પોતાનો વિચાર એટલે આપણે જેને જગત કહીએ છીએ તે, ‘હું’ અને ‘મારું’ કહીએ છીએ તે. એ ‘હું’ ને દ્રવ્યથી, પૈસાથી, સત્તાથી, નામ અને કીર્તિથી સમૃદ્ધ બનાવવા સર્વ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. આ સર્વ વસ્તુઓ સ્વભાવતઃ જે હોય તે લઈ લેવાની અને એક મધ્યબિંદુ ‘હું’ માં એટલે પોતામાં સર્વ જમાવટ કરવાની વૃત્તિ ધરાવે છે. એ જ પ્રવૃત્તિ. દરેક માણસની એ પ્રકૃતિગત વૃત્તિ છે. હર કોઈ સ્થળેથી હર કાંઈ લઈ લેવું અને તે એક મધ્યબિંદુમાં, માણસના પોતાના જ સુખ માટે એકઠું કરવું તે સ્વભાવગત વૃત્તિ છે. જ્યારે આ વૃત્તિ જવા માંડે, જ્યારે નિવૃત્તિ થવા માંડે અથવા ‘પોતાનો જ વિચાર’ દૂર થવા માંડે ત્યારે નીતિ અને ધર્મની શરૂઆત થાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કાર્યના પ્રકાર છે; પ્રવૃત્તિ એ અશુભ કાર્ય છે, નિવૃત્તિ એ શુભ કાર્ય છે. આ નિવૃત્તિ સર્વ નીતિ અને સર્વ ધર્મનો મૂળભૂત પાયો છે અને એની પૂરી સંપૂર્ણતા એ સ્વાર્થત્યાગની ભાવનામાં અને અન્યને માટે પોતાનાં મન અને શરીર અને સર્વસ્વ હોમી દેવાની તત્પરતામાં છે. માનવ જ્યારે આ સ્થિતિએ પહોંચે ત્યારે એ કર્મયોગની સંપૂર્ણતાને પ્રાપ્ત કરે છે. શુભ કાર્યોનું આ ઉચ્ચતમ પરિણામ છે. એ માનવી ફિલસૂફીની કોઈ પણ પદ્ધતિ ભણ્યો ન હોય, ભલે એ ઈશ્વરમાં માનતો ન હોય અથવા ઈશ્વરમાં કદી માન્યું ન હોય, ભલે પોતાના આખા આયુષ્ય દરમિયાન એણે કદી પ્રાર્થના ન કરી હોય, પણ શુભ કાર્યની શક્તિથી જો એ અન્ય માટે પોતાનું જીવન અને સર્વસ્વ હોમવા તત્પર હોય, તો જે સ્થિતિએ ધાર્મિક પુરુષ પ્રાર્થના અને શાસ્ત્રજ્ઞાન વડે પહોંચે, તે સ્થિતિએ એ પહોંચી ગયો છે એમ માનવું. આમ તમને જણાશે કે જ્ઞાની, કર્મયોગી અને ભક્ત એ સર્વે નિઃસ્વાર્થ ભાવમાં એકમત છે. એમનું તત્ત્વજ્ઞાન અને ધર્મની માન્યતાઓ ભલે જુદી હોય, પણ અન્યને માટે પોતાને હોમી દેનાર પ્રત્યે સર્વ માનવજાત માન અને ભાવની દૃષ્ટિએ જુએ છે. અહીં પ્રશ્ન કોઈ સિદ્ધાંત કે વાદનો નથી, જે માનવો ધાર્મિક વિચારોના પ્રબળ વિરોધીઓ હોય છે તેઓ પણ જ્યારે સંપૂર્ણ આત્મબલિદાનના આવા કોઈ એક કાર્યને જુએ, ત્યારે તેના પ્રત્યે સન્માનની દૃષ્ટિએ જોવું પડે છે. શ્રી એડવિન આર્નોલ્ડનું ‘લાઈટ ઓફ એશિયા’ વાંચનાર ચુસ્તમાં ચુસ્ત ખ્રિસ્તી, ઈશ્વર નથી એમ કહેનાર અને સ્વાર્થત્યાગ સિવાય બીજો કશો બોધ ન આપનાર બુદ્ધ પ્રત્યે માનની દૃષ્ટિએ જ જોશે. ચુસ્તમાં ચુસ્ત માણસ પણ જીવનમાં પોતે જે આદર્શ સેવે છે તે તો, બીજાની જેવા જ છે એમ જાણતો નથી. પોતાની સમક્ષ સતત રીતે ઈશ્વરનો વિચાર અને પોતાની આસપાસ શુભ વાતાવરણ રાખનાર ભક્ત પણ છેવટે એ જ સ્થિતિએ આવે છે અને કહે છેઃ ‘હે પ્રભુ! તારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ તે પોતાને માટે કશું રાખતો નથી. આ સ્વાર્થત્યાગ છે. પોતાના જ્ઞાનની સહાયથી જ્ઞાનીપુરુષ સમજે છે કે દૃશ્યમાન જીવાત્મા એ તો માયા છે અને સહેલાઈથી એનો ત્યાગ કરે છે. એ પણ સ્વાર્થત્યાગ જ છે. આમ કર્મ, ભક્તિ અને જ્ઞાન આ વસ્તુ પર એકત્ર થાય છે. પ્રાચીન સમયમાં મહાન ઋષિમુનિઓ ‘ઈશ્વર એ જગત નથી’ એમ જે કહેતા તે પણ આ જ વસ્તુ હતી. આમાં એક વસ્તુ તે જગત અને બીજી પરમાત્મા. આ ભેદ સાચો છે. તેઓના મત પ્રમાણે જગત એટલે સ્વાર્થ અને ઈશ્વર એટલે નિઃસ્વાર્થતા. કોઈ એક માણસ મોટા રાજમહેલમાં સોનેરી સિંહાસને બેસે અને છતાં સંપૂર્ણપણે નિઃસ્વાર્થી હોય, તો તે ઈશ્વરપરાયણ ગણાય. બીજો માણસ ઝૂંપડામાં રહે, ચીંથરાં પહેરે અને તેની પાસે કાંઈ ન હોય તોપણ જો એ સ્વાર્થી હોય, તો એ સંસારમાં ડૂબેલો ગણાય.

આપણે ચર્ચેલા મુખ્ય મુદ્દાઓ પૈકી એક ઉપર ફરી આવીએ. આપણે શુભ કરીએ ત્યારે તે જ સમયે થોડું અશુભ પણ કરીએ છીએ અને અશુભ કરીએ છીએ ત્યારે તે જ સમયે થોડું શુભ પણ કરીએ છીએ. તો પછી, આપણે શી રીતે કાર્ય કરવું? તેથી આ જગતમાં અમુક સંપ્રદાયો નવાઈ પમાડે તેવી રીતે આપઘાતના ઉપાયો બતાવે છે. માણસ જીવે તો એણે નાનાં પશુઓ અને વનસ્પતિઓનો નાશ કરવો પડે અથવા કોઈ વસ્તુને કે અન્ય કોઈને હાનિ કરવી પડે. એટલે આ સંપ્રદાયના મત પ્રમાણે જગતમાંથી નીકળી જવાનો એક માત્ર માર્ગ મરી જવાનો છે. જૈનોએ પોતાના શ્રેષ્ઠ આદર્શ તરીકે આ સિદ્ધાંતનો બોધ કરેલો છે. આ બોધ ઘણો તર્કબદ્ધ જણાય છે. પણ ખરું નિરાકરણ તો ગીતામાંથી જડે છે. ગીતામાં કહેલો સિદ્ધાંત અનાસક્તિનો છે. જીવનમાં આપણું કાર્ય કરતી વેળા કોઈ પ્રત્યે આસક્તિ ન રાખવી એનું નામ અનાસક્તિ. એમ માનો કે તમે જગતમાં છો, છતાં જગતથી સાવ જુદા છો. એમ માનો કે તમે જગતમાં જે કાંઈ કરો છો, તે તમે તમારી પોતાની જાત માટે કરતા નથી. જે કોઈ કાર્ય તમે તમારી જાત માટે ન કરો તો તેની અસર તમારા પર નહીં થાય. જો તે સારું કાર્ય હશે તો તેનું પરિણામ સારું આવશે; જો ખરાબ હશે તો ખરાબ આવશે. જે કોઈ કાર્ય સ્વાર્થ માટે કરાયું નહીં હોય તો તેની અસર તમારા પર થશે નહીં. આ વિચારને સ્પષ્ટ કરતું એક સરસ વાક્ય આપણા શાસ્ત્રમાં જડી આવે છે. ‘જો તે પોતાની જાત માટે કાર્ય નથી કરતો એમ જાણતો હોય, તો એ સમસ્ત વિશ્વનો વિનાશ કરે (અથવા પોતે એમાં વિનાશ પામી જાય) તોપણ એ વિનાશક નથી અથવા નાશ પામતો નથી.’ તેથી કર્મયોગમાં આવો બોધ કરવામાં આવે છેઃ ‘જગતનો ત્યાગ ન કરો. જગતમાં રહો; બને એટલી જગતની અસરોનો તમારામાં સમાવેશ કરો. પણ જો તમારા પોતાના જ સુખ માટે હોય તો કાર્ય ન કરો.’ પોતાનું જ સુખ એ આદર્શ ન હોવો જોઈએ. પહેલાં તમારા અહંને મારો અને પછી સમસ્ત જગતને તમારામય બનાવો; જૂના ખ્રિસ્તીઓ કહેતા કે ‘વૃદ્ધોએ મરવું જોઈએ.’ આ સમસ્ત જગત આપણા સુખોપભોગ માટે બનાવવામાં આવ્યું છે એવો સ્વાર્થી વિચાર એટલે આ વૃદ્ધ જન. ઘેલાં માબાપ પોતાનાં બાળકોને નીચે પ્રમાણે પ્રાર્થના કરતાં શીખવે છેઃ ‘ઓ પ્રભુ, તેં મારે માટે સૂર્ય બનાવ્યો છે અને મારે માટે ચંદ્ર બનાવ્યો છે.’ જાણે કે પરમાત્માને આ બાળકો માટે આ સર્વ પેદા કરવા સિવાય અન્ય કોઈ કાર્ય જ ન હોય! તમારાં બાળકોને એવું અર્થહીન શિક્ષણ ન આપો. વળી બીજી રીતે મૂર્ખ કહેવાય એવા માનવીઓ પણ આ જગતમાં વસે છે. તેઓ એવી જાતનો બોધ આપે છેઃ આ સર્વ પશુઓ આપણે હાથે મરવા માટે અને આપણા આહાર માટે સર્જાયાં છે અને આ જગત માણસના ઉપભોગ માટે સર્જાયું છે. આ બધી વાતો મૂર્ખતા ભરેલી છે. વાઘ એમ કહી શકે કેઃ ‘માણસ મારે માટે સર્જાયો છે.’ અને પ્રાર્થના કરે કેઃ ‘હે પ્રભુ! આ માણસો કેવા અધમ છે કે મારી પાસે મરવા માટે આવતા નથી! તમારા નિયમનો તે ભંગ કરી રહ્યા છે.’ જો જગત આપણે માટે સર્જાયું છે તો આપણે પણ જગત માટે સર્જાયા છીએ. આ જગત આપણે લીધે નથી. દર વરસે લાખો માનવીઓ અહીંથી વિદાય લે છે; જગતને એની અસર થતી નથી; એ વિદાય લેનારને સ્થાને બીજા લાખો આવે છે. જગત જેટલું આપણે માટે છે, તેટલાં આપણે પણ જગત માટે છીએ.

તેથી જો બરાબર કાર્ય કરવું હોય તો પહેલાં તમારે આસક્તિનો વિચાર છોડી દેવો પડશે. બીજું, તમારે જીવનસંગ્રામમાં ઊતરવું નહીં; ફક્ત સાક્ષીભૂત રહેવું અને કાર્ય કર્યે જવું. મારા ગુરુ એમ કહેતાઃ ‘તમારા ઘરની આયા તમારાં બાળકો સાથે વર્તે છે તે રીતે તમે પણ વર્તો.’ ઘરની આયા બાળકને લાડ કરશે, એની સાથે રમશે અને પોતાનું જ બાળક હોય તેમ એની સાથે પ્રેમથી વર્તશે; પણ તમે એ બાઈને છૂટા થવાની નોટિસ આપશો એટલે એ તમારા ઘરમાંથી સરસામાન લઈ વિદાય થશે. હંમેશાં તેને માટે એ તૈયાર હોય છે. થોડી મમતા હોય તે એ તરત ભૂલી જાય છે. તમારા બાળકને છોડી જતાં અને અન્યનાં બાળકોને સ્વીકારતાં એને ખાસ દુઃખ થશે નહીં. તમે જે બધું તમારું માનો છો તેના સંબંધમાં તમારે પણ એવું જ રાખવું જોઈએ. તમે આયા સમાન છો અને જો તમે ઈશ્વરમાં માનતા હો તો, જે સઘળી વસ્તુઓને તમે તમારી ગણો છો તે ખરેખર તેની છે એમ માનજો. મોટામાં મોટી નબળાઈ એ ઘણી વાર મોટામાં મોટા લાભરૂપે અને શક્તિરૂપે દેખાય છે. મારા પર કોઈનો આધાર છે એમ વિચારવું તેમાં નબળાઈ રહેલી છે. હું ન હોઉં તો આ બધાનું શું થાય એ વિચારમાં નબળાઈ રહેલી છે. આ માન્યતા આપણી સર્વ આસક્તિની જનેતા છે અને આ આસક્તિમાંથી સર્વ પીડા પેદા થાય છે. આપણે આપણા મનને સમજાવવું જોઈએ કે આ જગતમાં આપણું આશ્રિત કોઈ નથી. રસ્તે ચાલતો ભિખારી આપણી દયાને આધારે જીવતો નથી. એક પણ આત્મા આપણી દયાને પાત્ર નથી. એક પણ જીવંત પ્રાણી આપણી મદદ ઉપર નિર્ભર નથી. એ બધાને પ્રકૃતિ મદદ કરે છે અને આપણા જેવા લાખો આ જગતમાં નહીં હોય ત્યારે પણ મદદ કર્યા કરશે. પ્રકૃતિનો જે ક્રમ છે તે તમારે કે મારે લીધે અટકવાનો નથી; અગાઉ કહ્યું તેમ મારાં અને તમારાં એ પરમ સદ્‌ભાગ્ય છે કે બીજાને મદદરૂપ થવાથી આપણી જાત કેળવાય છે. જીવનમાં એ મોટો બોધપાઠ છે. એ બોધપાઠ પૂરેપૂરા પ્રમાણમાં શીખીશું ત્યારે આપણે કદી દુઃખી નહીં થઈએ; સમાજમાં કોઈ પણ ઠેકાણે નુકસાન કર્યા વગર આપણે હળીમળી શકીશું. અહીં બેઠેલા પુરુષોને પત્નીઓ હશે, સ્ત્રીઓને પતિઓ હશે, તમારે ઘેર નોકરોની લંગર હશે અને શાસન કરવા રાજ્ય હશે; પણ જગત તમારે માટે નથી, અનિવાર્યપણે એની તમને જરૂરેય નથી એ સિદ્ધાંતને આધીન રહી જો તમે કાર્ય કરશો તો તમને કોઈ કશું નુકસાન નહીં કરે. આ જ વરસે તમારા અમુક મિત્રો મૃત્યુ પામ્યા હશે; પોતાની ગતિનો ક્રમ અટકાવી તેઓ પાછા આવે તેની શું જગત રાહ જોશે? કોઈને માટે જગતનો પ્રવાહ થોભ્યો છે? એ તો વહ્યો જ જાય છે. તો તમારે જગત માટે કંઈ કરવાનું છે એવો વિચાર મનમાંથી કાઢી નાખો. જગતને તમારી કોઈ સહાયની જરૂર નથી. જગતને સહાય કરવા માટે પોતે જન્મ્યો છે એવું કોઈ માને તો એ નરી મૂર્ખતા છે; એ ફક્ત અભિમાન છે. એ સદ્‌ગુણના સ્વરૂપમાં છુપાયેલ સ્વાર્થવૃત્તિ છે. જગત તમારા કે બીજા કોઈ ઉપર આધાર રાખતું નથી. એ વિચારથી તમારું મન અને જ્ઞાનતંતુઓ કેળવાશે ત્યારે કાર્યની ચિંતામાંથી ઊઠતા દુઃખદાયી પ્રત્યાઘાત તમારા મનમાં નહીં ઊઠે. તમે જ્યારે કોઈ માણસને કાંઈક આપો, બદલામાં કશાની—કૃતજ્ઞતાની પણ અપેક્ષા ન રાખો તો તેની કૃતઘ્નતાની કશી અસર તમારા પર નહીં થાય, કારણ કે તમે કશાની અપેક્ષા નથી રાખી. બદલામાં કશાનો હક છે એવો વિચાર પણ કર્યો નથી. તમે એને જે યોગ્ય હતું તે આપ્યું; એના પોતાના જ કર્મના પ્રતાપે એણે એ મેળવ્યું; તમારા પોતાના કર્મે તમને એના વાહક બનાવ્યા. કશું આપી દીધું માટે તમારે ગર્વ શા માટે કરવો જોઈએ? દ્રવ્ય અથવા અન્ય પ્રકારની કોઈ ભેટ ઉપાડીને લઈ જતા મજૂર જેવા તમે છો. જગત પોતાના કર્મને પ્રતાપે એને માટે લાયક હતું; તેમાં તમારે ગર્વ શા માટે કરવો જોઈએ? તમે જગતને જે કાંઈ આપો છો એ કાંઈ મોટી વસ્તુ નથી. જ્યારે તમે અનાસક્તિની ભાવના કેળવશો, ત્યારે તમારે માટે કોઈ શુભ કે અશુભ પણ નહિ રહે. એ બંને વચ્ચેના ભેદભાવ પેદા કરનાર સ્વાર્થવૃત્તિ જ છે. આ સમજવું મુશ્કેલ છે. પણ તમે વખત જતાં સમજશો કે તમારી પોતાની ઇચ્છા સિવાય તમારી ઉપર કોઈ શક્તિ સત્તા ચલાવી શકશે નહીં. માણસ પોતે જ મૂર્ખ બનીને પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. બાકી આપણી ઉપર સત્તા ચલાવવાની બીજા કોઈની શક્તિ નથી. અનાસક્તિના પ્રતાપે તમે બીજી બધી અડચણોને દૂર કરી શકશો. ‘મારી ઇચ્છા ન થાય ત્યાં સુધી બીજા કોઈની અસર હું મારી ઉપર પડવા દઈશ નહીં’ આમ કહેવું સહેલું છે. પણ એ રીતે કોઈ પણ વસ્તુની, અંદર કે બહારની, સુખ કે દુઃખની અસર જે થવા દેતો નથી એવા પુરુષનું લક્ષણ શું? એનું મુખ્ય લક્ષણ એ કે પોતાના કર્મનું સારું કે નરસું ગમે તે પરિણામ આવે તોપણ એના મનમાં કશો ફેરફાર થતો નથી; દરેક અવસ્થામાં એ એકસરખો જ રહે છે.

ભારતમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસમુનિ વેદાન્તસૂત્રોના રચનાર તરીકે જાણીતા છે. એ પવિત્ર પુરુષ હતા. એમના પિતા પૂર્ણ પુરુષ થવાના પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યા. એમના પિતામહ પણ પૂર્ણ થવાનો પુરુષાર્થ કરતાં જ મૃત્યુ પામ્યા. એમના પ્રપિતામહ પણ એવા પ્રયત્નમાં જ દેહ છોડી ગયા. વ્યાસ પોતે પણ સંપૂર્ણ રીતે સફળ ન હતા. પણ એમના પુત્ર શુકદેવ જન્મથી જ સંપૂર્ણ હતા. વ્યાસે પોતાના પુત્રને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્યનું જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા.જનક મહાન રાજા હતા. તેઓ જનક વિદેહીને નામે ઓળખાતા. વિદેહી એટલે ‘દેહ વિનાના’. મોટા રાજા છતાં પોતે દેહધારી છે એ વાત જ સાવ ભૂલી ગયેલા. પોતે આત્મા છે એમ જ એમને નિરંતર સ્મરણ રહેતું. વ્યાસ મુનિએ શુકદેવને એમની પાસે બોધ લેવા મોકલ્યા. વ્યાસના પુત્ર પોતાની પાસે જ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે એ વાતની રાજાને ખબર પડી એટલે જનક રાજાએ થોડી ગોઠવણ કરી રાખી. શુકદેવજી મહેલને બારણે આવીને ઊભા રહ્યા ત્યારે દ્વારપાળોએ એમની તરફ કશું ધ્યાન ન આપ્યું. દ્વારપાળોએ ફક્ત એમને બેસવા માટે જગ્યા આપી અને એ બેઠક પર શુકદેવ ત્રણ દિવસ અને ત્રણ રાત બેસી રહ્યા. કોઈ એમની સાથે બોલ્યું નહીં. કોણ છો અને ક્યાંથી આવો છો એવું કોઈએ પૂછ્યું નહીં. તેઓ મહાન ઋષિના પુત્ર હતા. એમના પિતાને આખો દેશ માનની દૃષ્ટિએ જોતો હતો અને તેઓ પોતે પણ ઘણા માનનીય પુરુષ હતા; છતાં મહેલના સામાન્ય દ્વારપાળોએ એમના તરફ કશું ધ્યાન ન આપ્યું. તે પછી રાજાના મંત્રીઓ અને અધિકારીવર્ગ ત્યાં આવ્યા; શુકદેવને ખૂબ માનથી આવકાર્યા. તેઓ એમને મહેલમાં લઈ ગયા, સુશોભિત ખંડમાં બેસાડ્યા, સરસમાં સરસ સુગંધીદાર પાણીથી સ્નાન કરાવ્યાં, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં અને આઠ દિવસ સર્વ પ્રકારના ભોગવિલાસમાં રાખ્યા. એમના તરફના વર્તનમાં આવો ફેરફાર જોઈ શુકદેવના ગંભીર મુખ પર જરા સરખોયે ફેર પડ્યો નહીં. મહેલના દરવાજે તેઓ રાહ જોતા બેઠેલા તે વખતે જેવા હતા તેવા જ તેઓ ભોગવિલાસ વચ્ચે પણ રહ્યા. પછી એમને રાજાની સમક્ષ લાવવામાં આવ્યા. રાજા સિંહાસન પર બેઠા હતા; સંગીત, નૃત્ય અને આનંદપ્રમોદ ચાલી રહ્યાં હતાં. રાજાએ પછી દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો એમને આપ્યો અને દૂધનું એકેય ટીપું પાડ્યા વગર દીવાનખાનાની સાત પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કરી. શુકદેવજીએ પ્યાલો હાથમાં લીધો; નૃત્ય, સંગીત અને સુંદર વારાંગનાઓના આકર્ષણની વચ્ચે પ્રદક્ષિણા કરવા માંડી. રાજાની ઇચ્છા પ્રમાણે દીવાનખાનાની સાત વખત એમણે પ્રદક્ષિણા કરી અને દૂધનું એકેય ટીપું ઢોળાયું નહીં. એ બાલયોગીના મન પર, તેની પોતાની ઇચ્છા વિના જગતની કોઈ પણ વસ્તુની અસર થઈ શકતી ન હતી. રાજા પાસે દૂધનો પ્યાલો લઈ એ ઊભા રહ્યા ત્યારે રાજાએ તેમને કહ્યુંઃ ‘તમારા પિતાએ તમને જે જ્ઞાન આપ્યું છે અને તમે પોતે તમારી જાતે જે જ્ઞાન મેળવ્યું છે, તેનું જ માત્ર હું પુનરાવર્તન કરી શકું એમ છું. તમે સત્યને જાણ્યું છે. સુખેથી ઘેર પધારો.’

આમ જે માણસ પોતાની ઉપર સંયમ રાખતાં શીખ્યો છે તેના પર બહારની કશી વસ્તુની અસર થતી નથી. તેને માટે કોઈ ગુલામી રહી નથી. એનું મન મુક્ત થયું છે. આવો માણસ જ જગતમાં સારી રીતે રહેવાને યોગ્ય છે. જગત વિશે સામાન્ય રીતે બે પ્રકારના અભિપ્રાય ધરાવતા માણસો જોવામાં આવે છે. કેટલાક નિરાશાવાદી છે; તેઓ કહે છેઃ ‘આ જગત કેવું ભયંકર છે, કેવું દુષ્ટ છે!’ કેટલાક આશાવાદી છે, તેઓ કહે છેઃ ‘આ જગત કેવું સુંદર છે, કેવું અજબ છે!’ પોતાના મન ઉપર જેમનો કાબૂ નથી તેમની દૃષ્ટિએ જગત કાં તો દુષ્ટતાથી ભરેલું છે અથવા સારા અને ખરાબનું મિશ્રણ છે. આપણા મનના આપણે માલિક બનીએ ત્યારે આ જ જગત આપણને આશાવાદી લાગશે. ત્યારે આપણી પર સારા-નરસાની અસર થશે નહીં; સર્વ યોગ્ય સ્થાને જ છે અને સુમેળવાળું છે એમ આપણને જણાશે. આ જગત નરક છે, એમ શરૂઆતમાં કહેનારા કેટલાએક માણસો, સંયમ રાખવામાં સફળતા મેળવ્યા પછી, આ જગત સ્વર્ગ સમાન છે એમ કહેતા થાય છે. જો આપણે સાચા કર્મયોગી હોઈએ, તો ગમે ત્યાંથી શરૂઆત કરીએ. અંતમાં આપણે સંપૂર્ણ આત્મવિલોપનની સ્થિતિએ પહોંચવાના અને આ ભાસમાન ‘સ્વ’નો લોપ થતાં જ આ સમસ્ત જગત, જે પ્રથમ અશુભથી ભરેલું આપણને લાગતું તે જ સ્વર્ગસમાન પરમ શુભથી ભરેલું જણાશે. એનું વાતાવરણ જ પરમ સુખથી ભર્યું હશે. ત્યાં નજરે પડતો દરેક માનવ ચહેરો પ્રસન્ન હશે. કર્મયોગનું આ લક્ષ્ય અને હેતુ છે; અને વ્યવહારુ જીવનમાં આ એની પૂર્ણતા છે.

આપણા જુદા જુદા યોગો એકબીજા સાથે અથડામણમાં આવતા નથી. દરેક એક જ ધ્યેય તરફ આપણને લઈ જાય છે,અને સંપૂર્ણ બનાવે છે. માત્ર દરેક યોગનું સતત આચરણ કરવું જોઈએ. ખરું રહસ્ય એના આચરણમાં રહેલું છે. પહેલાં તમારે સાંભળ્યા કરવાનું, પછી વિચારવાનું અને ત્યાર બાદ આચરણ કરવાનું. દરેક યોગને માટે આ સાચું છે. પ્રથમ તમારે એ વિશે શ્રવણ કરવાનું અને એ શું છે તે સમજવાનું છેઃ સતત રીતે એ વિશે સાંભળવાથી અને વિચારવાથી ઘણી વસ્તુઓ જે તમને સમજાતી નથી તે સ્પષ્ટ થશે. એકદમ બધું સમજવું મુશ્કેલ છે. દરેકની સ્પષ્ટતા છેવટે તો તમારા પોતાનામાં જ છે. બીજા કોઈની પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું અને એ અનુભવ તીવ્ર ઇચ્છાશક્તિમાં પરિણમશે. પ્રથમ અનુભવ, પછી ઇચ્છાશક્તિ અને એ ઇચ્છાશક્તિમાંથી કાર્ય કરવાનું પ્રચંડ બળ પ્રાપ્ત થાય છે. આ બળ તમારી નસેનસમાં, જ્ઞાનતંતુઓમાં અને લોહીમાંસમાં પ્રસરે છે. એટલા બધા પ્રમાણમાં પ્રસરે છે કે તમારું આખું શરીર નિઃસ્વાર્થ યોગના સાધનરૂપ બની જાય છે. પરિણામે ધીમે ધીમે સંપૂર્ણ આત્મવિલોપન અને પૂર્ણ નિઃસ્વાર્થપણું પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિનો આધાર કોઈ મતવાદ, કોઈ સિદ્ધાંત કે કોઈ માન્યતા પર રહેતો નથી. તમે ખ્રિસ્તી હો, યહૂદી હો કે જેન્ટાઈલ—ઉચ્ચ કુળના હો, એની સાથે આ સિદ્ધિને કશી નિસ્બત નથી. તમે નિઃસ્વાર્થ છો કે નહિ આ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તમે જો નિઃસ્વાર્થી હશો તો એકેય ધાર્મિક ગ્રંથ વાંચ્યા વગર કે એકેય દેવળ કે મંદિરમાં ગયા વગર પૂર્ણ બનશો. આપણા તમામ યોગનો હેતુ માણસને બીજા માણસની મદદ વગર પૂર્ણ બનાવવાનો છે, કેમ કે સઘળા મનુષ્યનું લક્ષ્ય એક જ છે. કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ સર્વ સીધી રીતે અને સ્વતંત્રપણે મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. ‘માત્ર મૂર્ખ માણસ જ એમ કહે છે કે કર્મ અને જ્ઞાન જુદાં છે; જ્ઞાની પુરુષો એમ કહેતા નથી.’ જ્ઞાનીજન જાણે છે કે દેખીતી રીતે એકબીજાથી જુદાં જણાતાં છતાં, તે બધાં માનવને પૂર્ણતા પ્રાપ્ત કરવાના એક જ લક્ષ્ય ભણી દોરી જાય છે.

Total Views: 291
૨. કર્મનું રહસ્ય
૪. મુક્તિ