(અમેરિકન શિષ્યા શ્રીમતી સારા સી. બુલના ઘરમાં સ્વામી વિવેકાનંદે પોતાના અંતેવાસી શ્રોતાઓ સમક્ષ કરેલ વાર્તાલાપની નોંધ પરથી રચાયેલ ‘રાજયોગના છ પાઠો’ છે. શ્રીમતી સારાએ આ પાઠોને સાચવી રાખીને આખરે ૧૯૧૩માં ખાનગી પ્રચાર અર્થે છપાવ્યા હતા. – સંપાદક)

રાજયોગ એ જગતમાંના કોઈ પણ વિજ્ઞાન જેવું જ એક વિજ્ઞાન છે. એ મનનું પૃથક્કરણ છે, ઇંદ્રિયાતીત જગતની હકીકતોનું સંકલન છે અને તેથી આધ્યાત્મિક જગતનું ચણતર કામ છે. જગતના બધા મહાન આધ્યાત્મિક ઉપદેશકોએ કહ્યું છેઃ ‘હું જોઉં છું અને જાણું છું.’ ઈશુ, પૉલ અને પીટર વગેરેએ પોતે ઉપદેશેલાં આધ્યાત્મિક સત્યોના સાક્ષાત્ અનુભવનો દાવો કરે છે.

આ અનુભૂતિ યોગ દ્વારા થાય છે.

સ્મૃતિ કે ચેતના બેમાંથી એકેય અસ્તિત્વની મર્યાદારૂપ બની શકે નહિ. ચેતનાથી પર પણ એક અવસ્થા છે. આ અતિચેતન અવસ્થા અને અચેતન અવસ્થા બંને ઇંદ્રિયજન્ય જ્ઞાનથી રહિત છે, પરંતુ તેમની વચ્ચે ભેદ વિશાળ છે. આ ભેદ અજ્ઞાન અને જ્ઞાન વચ્ચેના ભેદ જેટલો છે. યોગને તર્કગમ્ય રીતે, એક વિજ્ઞાન તરીકે રજૂ કરો. મનની એકાગ્રતા સર્વ જ્ઞાનનું મૂળ છે.

યોગ ભૌતિક પદાર્થને આપણા ગુલામ બનાવતાં શીખવે છે અને એમ જ હોવું જોઈએ. યોગ એટલે ધૂંસરીએ ‘યોજવું’, ‘જોડવું’ એટલે કે માનવ આત્માને પરમાત્મા કે ઈશ્વર સાથે જોડવો.

મન ચેતનાની અંદર અને ચેતનાની નીચે કાર્ય કરે છે. આપણે જેને ચેતના કહીએ છીએ તે આપણી પ્રકૃતિરૂપી એક અનંત સાંકળ માંહેની એક કડી માત્ર છે.

આપણો આ ‘અહં’ ચેતનાના કેવળ થોડાક ભાગને અને અચેતનાના વિશાળ વિસ્તારને આવરે છે. જ્યારે તેના ઉપર અને ઘણે અંશે તેનાથી અજ્ઞાત એવી સમાધિની અતિચેતન ભૂમિકા છે.

એકનિષ્ઠ અભ્યાસ દ્વારા મનના એક પછી એક થર આપણી સમક્ષ ઊઘડતા જાય છે અને પ્રત્યેક થર આપણી પાસે નવી વસ્તુઓ પ્રગટ કરે છે. આપણને લાગે છે કે જાણે નવી સૃષ્ટિઓ આપણી સમક્ષ રચાઈ રહી છે, નવી શક્તિઓ આપણા હાથમાં મુકાતી આવે છે. પણ આપણે માર્ગમાં અટકી જવું ન જોઈએ અથવા તો આપણી સમક્ષ હીરાની ખાણ પડેલી હોય ત્યારે આ ‘કાચના મણકા’થી આપણી જાતને અંજાઈ જવા દેવી ન જોઈએ.

માત્ર ઈશ્વર જ આપણું ધ્યેય છે. ઈશ્વરપ્રાપ્તિમાં નિષ્ફળ જઈએ એ આપણો વિનાશ છે.

સફળતા ઇચ્છતા અભ્યાસીને ત્રણ બાબત જરૂરી છેઃ

પહેલીઃ આ જગતમાં અને પરલોકમાં ભોગના સર્વ વિચારોને છોડી દો. માત્ર ઈશ્વર અને સત્યની જ કાળજી રાખો. આપણે અહીં સત્ય જાણવા માટે છીએ. ભોગને પશુઓ માટે રાખી દો; તેઓ તેમાં જેટલો આનંદ પામે છે તેટલો આનંદ આપણને કદી નહિ આવે. માનવ બુદ્ધિશાળી પ્રાણી છે અને જ્યાં સુધી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે નહિ, જ્ઞાન પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધી તેણે પ્રયત્ન કર્યે જ રાખવો જોઈએ. નિષ્ફળ વ્યર્થ વાતોમાં તેણે પોતાની શક્તિને ખર્ચી નાખવી ન જોઈએ. સમાજની અને લોકમતની પૂજા એ મૂર્તિ-પૂજા છે. આત્માને લિંગ નથી, દેશ નથી, સ્થળ નથી, કાળ નથી.

બીજીઃ સત્ય અને ઈશ્વરને જાણવા માટેની તીવ્ર ઇચ્છા. ડૂબતો માણસ જેમ શ્વાસને ઝંખે તેટલી ઉત્કટતાથી ઈશ્વર અને સત્યને માટે આતુર બનો. તેટલી ઉત્કટતાથી તેને માટે ઝંખો. કેવળ ઈશ્વરને જ ઇચ્છો. બીજું કંઈ સ્વીકારો નહીં. ધ્યાન રાખો કે ‘આભાસ’ તમને હવે પછી છેતરી ન જાય. તમામ બાબતો તરફથી દૃષ્ટિ પાછી વાળીને માત્ર ઈશ્વરને જ શોધો.

ત્રીજીઃ છ પ્રકારનો અભ્યાસ—ષટ્સંપત્તિ (૧) મનને બહાર જતું અટકાવવું—શમ. (૨) ઇંદ્રિયોને સંયમમાં રાખવી—દમ. (૩) મનને અંતર્મુખ બનાવવું—ઉપરતિ. (૪) બડબડાટ કર્યા વિના પ્રત્યેક વસ્તુ સહન કરવી—તિતિક્ષા. (૫) એક જ વિચારમાં મનને કેન્દ્રિત કરવું. તમારી સમક્ષના વિષયને લઈને તેનું જ ચિંતન કરો; તેને કદી છોડો નહિ. સમયની ગણતરી કરો નહિ. આ છે શ્રદ્ધા. (૬) તમારી સાચી પ્રકૃતિનો સતત વિચાર કરો. વહેમનો ત્યાગ કરો. તમારા પોતામાં લઘુતા છે એ માન્યતાથી તમારી જાતને મોહગ્રસ્ત બનાવો નહિ. ઈશ્વર સાથે તમારી એકતાની તમને સાચી અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી રાતદિવસ તમારા સાચા સ્વરૂપ વિષે તમારી જાતને કહ્યા કરો. આ છે—સમાધાન.

આ અભ્યાસ વિના કંઈ પણ પરિણામ પ્રાપ્ત કરી શકાય નહિ.

નિર્વિશેષ તત્ત્વની અનુભૂતિ થઈ શકે. પરંતુ આપણે તેને કદી વ્યક્ત કરી શકીએ નહિ. જે ઘડીએ આપણે તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ, તે જ ઘડીએ આપણે તેને મર્યાદિત (સાન્ત) બનાવીએ છીએ; તે નિર્વિશેષ રહેતું નથી.

આપણે ઇંદ્રિયોની સીમાથી પર જવાનું જ છે. બુદ્ધિથી પણ પર જવું જ પડશે; આ કરવાની શક્તિ આપણામાં છે જ.

(એક સપ્તાહ સુધી પ્રાણાયામના પ્રથમ પાઠનો અભ્યાસ કર્યા પછી શિષ્યે ગુરુને પોતાની અવસ્થા કહેવી.)

Total Views: 205
૧૪. રાજયોગનું પરિશિષ્ટ
પહેલો પાઠ