વ્યક્તિત્વના વિકાસને માટે આ પાઠ છે. પ્રત્યેકના વ્યક્તિત્વને ઘડવાની જરૂર છે. સૌ કોઈ કેન્દ્રમાં એકત્રિત થશે. ‘કલ્પનાશક્તિ એ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારનો આધાર છે.’ બધા અવતારી પુરુષો, કવિઓ અને શોધકોમાં મહાન કલ્પનાશક્તિ હતી, પ્રકૃતિનું સ્પષ્ટીકરણ આપણી અંદર રહેલું છે. પથ્થર બહાર પડે છે; પરંતુ ગુરુત્વાકર્ષણ આપણી અંદર રહેલું છે, બહાર નહિ. नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः। न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन॥ (ગીતાઃ ૬.૧૬) ‘જે લોકો અતિ આહાર કરે છે અથવા અતિ અલ્પ આહાર કરે છે, અતિ નિદ્રા લે છે કે અતિ અલ્પ નિદ્રા લે છે, તેઓ યોગી થઈ શકે નહિ.’ અજ્ઞાન, ચંચળતા, ઈર્ષ્યા, આળસ, વધુ પડતી આસક્તિ એ યોગાભ્યાસની સફળતાના મોટા શત્રુઓ છે, ત્રણ અતિ આવશ્યક વસ્તુઓ નીચે પ્રમાણેની છેઃ

પહેલી પવિત્રતાઃ શારીરિક અને માનસિક; હરેક પ્રકારની અપવિત્રતા જે કશાથી મનની અવનતિ થાય તે સર્વનો ત્યાગ કરવો જોઈએ.

બીજી ધૈર્યઃ પ્રારંભમાં અદ્‌ભુત અનુભૂતિઓ થશે. પણ તે બધી નિવૃત્ત થઈ જશે. કઠિનમાં કઠિન સમય આ છે; પણ તેને મક્કમ રીતે વળગી રહો. જો તમારામાં ધૈર્ય હશે તો અંતે સફળતા ચોક્કસ છે.

ત્રીજી ખંતઃ સારી કે નરસી ગમે તેવી પરિસ્થિતિમાં, સાજા હોઈએ, માંદા હોઈએ, છતાં ખંતપૂર્વક વળગી રહો. અભ્યાસમાં એક દિવસનો પણ અંતરાય પાડો નહિ.

અભ્યાસ માટેનો સારામાં સારો સમય છે દિવસ અને રાત્રિનો સંધિકાળ. આપણાં શરીરની વધઘટ વચ્ચેનો સૌથી શાંત સમય, ઊંઘ પૂરી કરીને ઊઠવાની પહેલાંની અવસ્થાનો સંધિકાળ. જો આમ ન થઈ શકે તો ઊંઘમાંથી ઊઠ્યા પછી અને ઊંઘી જતાં પહેલાં અભ્યાસ કરો. નિત્ય સ્નાન વગેરે શારીરિક શુદ્ધિ ઘણી જ આવશ્યક છે.

સ્નાન કર્યા પછી, આસન સ્થિર કરીને બેસો; એટલે કે એવી કલ્પના કરો કે તમે ખડકની જેમ દૃઢ છો, કશું પણ તમને હલાવી શકે નહિ. માથું, ખભા અને બેઠક સીધી લીટીમાં રાખો અને કરોડને મુક્ત રાખો. યોગની સર્વ ક્રિયા તેની અંદર ચાલે છે એટલે તેમાં ખલેલ થવી ન જોઈએ.

પગના અંગૂઠાથી શરૂ કરીને તમારા શરીરના પ્રત્યેક ભાગને સંપૂર્ણ તરીકે કલ્પો. મનમાં આવું ચિત્ર ખડું કરો. જો તમને ઠીક લાગે તો આમ કરતાં કરતાં પ્રત્યેક ભાગને સ્પર્શ કરતા જાઓ. પ્રત્યેક ભાગ સંપૂર્ણ છે, કશી પણ ખામી વિનાનો છે, એવું ચિંતન કરતાં કરતાં ક્રમે ક્રમે નીચેથી ઉપર જતાં જતાં માથા સુધી પહોંચો ત્યાર પછી સમગ્ર શરીરને કોઈપણ પ્રકારની ખામી વગરનું માનો, સત્ય પ્રાપ્તિ માટે ઈશ્વરે તમને આપેલું સાધન માનો, સંસારસાગર ઓળંગીને સનાતન સત્યને કિનારે પહોંચવા માટે આ શરીરરૂપી નાવ ઈશ્વરે તમને આપેલ છે એવી ધારણા કરો. આમ કર્યા પછી બંને નસકોરાં વડે ઊંડો શ્વાસ લો. પછી બહાર કાઢો અને પછી બની શકે ત્યાં સુધી શ્વાસને બહાર રોકી રાખો. ચાર વાર આવા બહિઃપ્રાણાયામ કરો. ત્યાર પછી સ્વાભાવિક રીતે શ્વાસ લો અને પ્રકાશ માટે પ્રાર્થના કરો. પછી બેઠા બેઠા દસ કે પંદર મિનિટ સુધી આ પ્રમાણે ધ્યાન કરોઃ

ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥

‘આ વિશ્વના સર્જનહારના પવિત્ર તેજનું હું ધ્યાન ધરું છું; મારા મનમાં તે પ્રકાશ આપો.’

તમારા યોગના અનુભવો તમારા ગુરુ સિવાય કોઈને પણ કહો નહીં.

બને તેટલું ઓછું બોલો.

સદ્‌ગુણોનું ચિંતન કરો. આપણે જેવા વિચાર કરીએ તેવા બનવા તરફ આપણું વલણ થાય છે.

પવિત્ર વસ્તુનું ધ્યાન સર્વ માનસિક અશુદ્ધિઓને બાળી નાખવામાં સહાયક છે. જેઓ યોગી નથી તેઓ બધા ગુલામ છે; મુક્ત બનવા માટે આપણે એક પછી એક બંધનો તોડવાં જોઈએ.

ઇંદ્રિયાતીત તત્ત્વને સૌ કોઈ પામી શકે છે. જો ઈશ્વર સત્ય હોય તો સત્ય હકીકત તરીકે તેની અનુભૂતિ આપણને થવી જ જોઈએ; આત્મા જો હોય તો તેને આપણે અવશ્ય જોઈ શકીએ, જરૂર અનુભવી શકીએ.

જો આત્મા હોય તો તેને શોધવાનો એક માત્ર માર્ગ એ છે કે શરીર ન હોય તેવું કંઈક બનવું જોઈએ.

યોગીઓ આપણી ઇંદ્રિયોના બે મુખ્ય વર્ગો પાડે છેઃ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો.

મન અથવા અંતઃકરણના ચાર પ્રકાર છે.

પહેલોઃ મન, એટલે કે મનન અથવા ચિંતન કરનારી શક્તિ કે જે તેના પર નિયમન ન હોવાને કારણે સામાન્ય રીતે લગભગ સાવ વ્યર્થ જાય છે. જો યોગ્ય રીતે તેનું નિયમન કરવામાં આવે તો તે અદ્‌ભુત શક્તિ છે.

બીજોઃ બુદ્ધિ એટલે કે ઇચ્છાશક્તિ (ક્યારેક તેને મેધા પણ કહે છે).

ત્રીજોઃ અહંકાર, એટલે કે જે (અહમ્) માંથી ‘હું’ એવી ભાવના ઉત્પન્ન થાય છે તે.

ચોથોઃ ચિત્ત, એટલે કે જે પદાર્થમાં અને જેના દ્વારા અંતરની સર્વ શક્તિઓ ક્રિયા કરે છે તે; જાણે કે મનનું તળિયું અથવા તો જેમાં અંતરની વિવિધ શક્તિઓ તરંગો રૂપે રહેલી છે એવો સાગર.

યોગ એવું વિજ્ઞાન છે કે જેના વડે આપણે ચિત્તને વિવિધ વૃત્તિઓનું રૂપ ધારણ કરતું અથવા તેમાં રૂપાંતર પામતું રોકીએ છીએ. જેવી રીતે સમુદ્ર ઉપરનું પ્રતિબિંબ તરંગો દ્વારા ટુકડે ટુકડા થઈ જાય છે કે ચીરાઈ જાય છે, તેવી રીતે સત્યસ્વરૂપ આત્માનું પ્રતિબિંબ ચિત્તમાં ઊઠતી પ્રવૃત્તિઓ રૂપી તરંગો દ્વારા તૂટી જાય છે. માત્ર જ્યારે સમુદ્ર અરીસા જેવો શાંત હોય, ત્યારે જ ચંદ્રનું પ્રતિબિંબ ત્યાં જોઈ શકાય, તેમ માત્ર જ્યારે સંયમ વડે ચિત્ત સંપૂર્ણ શાંત થઈ જાય, ત્યારે જ આત્માની અનુભૂતિ થાય.

મન એ શરીર નથી. જો કે જડ પદાર્થનું એક વધુ સૂક્ષ્મ સ્વરૂપ છે. શરીર વડે એ કાયમ બદ્ધ નથી. પ્રસંગોપાત્ત તેનાથી આપણે અલગ પડીએ છીએ તે પરથી આ બાબત સાબિત થાય છે. ઇંદ્રિયોના સંયમ દ્વારા આપણે ઇચ્છાનુસાર આમ કરતા શીખી શકીએ.

જ્યારે આપણે તે સંપૂર્ણ રીતે કરી શકીએ ત્યારે આપણે વિશ્વને નિયમનમાં રાખીએ, કારણ કે ઇંદ્રિયો આપણી સમક્ષ જે લાવે છે તે જ આપણું જગત છે. સ્વતંત્રતા વધુ ઉચ્ચ કોટિના પ્રાણીની કસોટી છે. જ્યારે તમે ઇંદ્રિયોનાં બંધનમાંથી છૂટો ત્યારે આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય. જેના પર ઇંદ્રિયો સત્તા ચલાવે, તે સંસારી છે, ગુલામ છે.

આપણા ચિત્તને જો તરંગોમાં વિભક્ત થતું આપણે સંપૂર્ણપણે અટકાવી શકીએ તો આપણા દેહ-ધારણનો અંત આવે. લાખો વર્ષ સુધી આ શરીરને રચવા માટે આપણે એટલી બધી મહેનત કરી છે કે મથામણમાં તેમના દ્વારા પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો, તેમને ધારણ કરવાનો જે સાચો હેતુ છે તે તો આપણે ભૂલી જ ગયા છીએ. આપણે એવું માનતા થઈ ગયા છીએ કે આપણા પ્રયાસોનું અંતિમ ધ્યેય છે શરીર ધારણ કરવું તે. આનું નામ માયા. આ ભ્રાંતિ આપણે તોડવી જોઈએ અને આપણા મૂળ હેતુ તરફ વળી આપણે અનુભૂતિ કરવી જોઈએ કે આપણે દેહ નથી, પણ દેહ આપણો દાસ છે. મનને દેહભાવમાંથી બહાર કાઢતાં શીખો, તથા દેહથી એ પૃથક્ છે એમ જોતાં શીખો. આપણે દેહમાં સંવેદન અને પ્રાણશક્તિનું આરોપણ કરીએ છીએ અને પછી તેને જીવંત અને સાચો માનીએ છીએ. એટલા બધા લાંબા સમયથી આપણે એને ધારણ કરતા આવ્યા છીએ કે એ આપણી સાથે એકરૂપ નથી એ હકીકત આપણે ભૂલી જઈએ છીએ. આપણી ઇચ્છાનુસાર શરીરને મૂકી દેવામાં અને તેને આપણા માલિક તરીકે નહીં પણ આપણા ગુલામ તરીકે, આપણા સાધન તરીકે, સમજવામાં સહાયભૂત થવા માટે યોગ છે. માનસિક શક્તિઓને નિયમનમાં રાખવી એ યોગાભ્યાસનો પ્રથમ મહાન ઉદ્દેશ છે; અને એ શક્તિઓને કોઈ પણ વિષય પર પૂરેપૂરી તાકાતથી એકાગ્ર કરવી એ બીજો ઉદ્દેશ છે.

જો તમે બહુ બોલબોલ કર્યા કરો તો તમે યોગી નહીં થઈ શકો.

Total Views: 202
‘રાજયોગના છ પાઠો’
બીજો પાઠ