કુંડલિનીઃ આત્માની જડ પદાર્થ તરીકે નહીં પરંતુ તેના સાચા સ્વરૂપે અનુભૂતિ કરો. આપણે આત્માનો શરીર તરીકે જ વિચાર કર્યા કરીએ છીએ. પણ આપણે તેને ઇંદ્રિય અને મનથી પૃથક્ કરવો જોઈએ. ત્યારે જ આપણે જાણી શકીએ કે આપણે મૃત્યુરહિત છીએ. પરિવર્તન એ કાર્યકારણના દ્વૈતને સ્વીકારીને જ ચાલે છે. એટલે પરિવર્તનશીલ સર્વ કંઈ વિનાશી જ હોવું જોઈએ. આ સાબિત કરે છે કે શરીર અવિનાશી થઈ શકે નહિ. મન પણ નહિ, કારણ કે બંને સતત પરિવર્તન પામ્યા કરે છે. કેવળ પરિવર્તનરહિત તત્ત્વ જ અવિનાશી હોઈ શકે, કારણ કે તેના ઉપર કંઈ પણ અસર કરી શકતું નથી.

આપણે અવિનાશી તત્ત્વ બનતા નથી. પણ આપણે તે છીએ જ. પરંતુ માયાનું જે આવરણ સત્યને અજ્ઞાનથી ઢાંકી રાખે છે તેને દૂર કરવાનું છે. શરીર એટલે પદાર્થરૂપે પરિણમેલો વિચાર. ઇડા અને પિંગલા નાડીઓ શરીરના સર્વ અવયવોને શક્તિ પહોંચાડે છે. વધારાની શક્તિ સામાન્ય રીતે જ્ઞાનતંતુનાં કેન્દ્રો તરીકે ઓળખાતાં કરોડસ્તંભની અંદર રહેલાં અમુક અમુક કેન્દ્રો (ચક્રો) માં એકઠી થાય છે. આ નાડીઓ મૃતદેહમાં મળી આવતી નથી; માત્ર તંદુરસ્ત શરીરમાં જ દેખાય છે. યોગીને એક ફાયદો છે; કારણ કે તે કેવળ તેમનો અનુભવ કરી શકે છે એટલું જ નહીં, પણ તેમને ખરેખર જોઈ શકે છે. યોગીના જીવનમાં એ નાડીઓ પ્રકાશમય હોય છે અને મહાન ચક્રો પણ તેવી રીતે પ્રકાશમય હોય છે.

ક્રિયા અવચેતન તેમજ ચેતનવાળી એમ બે પ્રકારની હોય છે. યોગીમાં એક ત્રીજા પ્રકારની હોય છે કે જેને અતિચેતન કહી શકાય. આ અતિચેતન અવસ્થા જ સર્વ સ્થળે, સર્વ કાળમાં સર્વ આધ્યાત્મિક જ્ઞાનનું મૂળ રહી છે. અતિચેતન અવસ્થામાં કોઈ પણ ભૂલ થતી નથી. પરંતુ જ્યારે સહજવૃત્તિની ક્રિયા કેવળ યંત્રવત્ હોય છે ત્યારે આ અવસ્થા ભૂમિકાથી પર હોય છે. આને પ્રેરણા કહેવામાં આવેલ છે. પરંતુ યોગી કહે છેઃ ‘પ્રત્યેક માનવીમાં આ શક્તિ રહેલી છે; અને કાળક્રમે સૌ કોઈને તેનો અનુભવ થશે.’

આપણે ઇડા અને પિંગલા નાડીઓને નવી દિશા આપવી જોઈએ અને કરોડરજ્જુના કેન્દ્રમાંથી તેમને માટે નવો માર્ગ ખોલવો જોઈએ. ‘સુષુમ્ણા’ નામના આ માર્ગમાંથી નાડીઓને મગજ સુધી લાવવામાં આપણે સફળ થઈએ, ત્યારે તેટલા સમય પૂરતા આપણે શરીરથી સાવ પૃથક્ થઈ જઈએ છીએ. કરોડના મૂળમાં ત્રિકાસ્થિ (ત્રિકોણ આકારનું હાડકું) પાસેનું જ્ઞાનતંતુકેન્દ્ર (મૂળાધાર) સૌથી વધુ અગત્યનું છે. પ્રજનનશક્તિની પ્રજનન-ધાતુનું એ સ્થાન છે અને યોગીઓ તેને ત્રિકોણની અંદર ગૂંચળું વાળીને રહેલ નાનકડા સર્પના પ્રતીક દ્વારા ઓળખે છે. આ સૂઈ રહેલા સર્પને કુંડલિની કહેવામાં આવે છે; અને આ કુંડલિનીને જગાડવી એ રાજયોગનું સમગ્ર ધ્યેય છે.

એ બળવાન પ્રજનન શક્તિને પશુની કક્ષામાંથી ઊંચે ચડાવીને જ્યારે માનવશરીરના મહાન ગતિયંત્ર રૂપ મગજમાં લઈ જવામાં આવે અને ત્યાં સંગ્રહીત કરવામાં આવે, ત્યારે તે ઓજસ્‌ અથવા આધ્યાત્મિક શક્તિ બને છે. સઘળા શુભ વિચારો, સર્વ પ્રાર્થનાઓ આ પશુશક્તિના અમુક ભાગને ઓજસ્‌‌માં ફેરવી નાખે છે અને આપણને આધ્યાત્મિક શક્તિ આપવામાં સહાય કરે છે. આ ઓજસ્‌‌ જ સાચો માનવ છે અને માનવપ્રાણીઓમાં જ આ ઓજસ્‌‌નો સંગ્રહ કરી શકવાનું શક્ય છે. જે વ્યક્તિમાં સમસ્ત પશુતુલ્ય પ્રજનન શક્તિનું ઓજસ્‌‌માં રૂપાંતર થયેલ હોય, તે દેવ છે; તેની વાણીમાં પ્રભાવ હોય છે અને તેના શબ્દો જગતનો ઉદ્ધાર કરે છે.

યોગી એવી કલ્પના કરે છે કે, આ સર્પરૂપી કુંડલિની ધીમે ધીમે નીચેનાં ચક્રથી ઉપરના ચક્રે ચઢતાં ચઢતાં છેવટે સૌથી ઉચ્ચ ચક્ર સહસ્રાર શીર્ષસ્થ ગ્રંથિ (Pineal gland) સુધી પહોંચે છે. જ્યાં સુધી આ પ્રજનન શક્તિનું માનવની અંદર રહેલી આ સર્વોચ્ચ શક્તિનું ઓજસ્‌‌માં રૂપાંતર થાય નહીં ત્યાં સુધી કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાચી રીતે આધ્યાત્મિક થઈ શકે નહિ.

કોઈ પણ બળને સર્જી શકાય નહીં તેનું માત્ર દિશાપરિવર્તન થઈ શકે. તેથી આપણામાં પહેલેથી જ રહેલ મહાન શક્તિઓને નિયમનમાં રાખતાં અને ઇચ્છાશક્તિ વડે તેમને માત્ર પશુતુલ્ય બનાવવાને બદલે આધ્યાત્મિક બનાવતાં આપણે શીખવું જોઈએ. આ રીતે સ્પષ્ટ જોઈ શકાય છે કે સર્વ નીતિમત્તાની અને સર્વધર્મોની આધારશિલા બ્રહ્મચર્ય છે. ખાસ કરીને રાજયોગમાં વિચાર, વાણી અને ક્રિયામાં સંપૂર્ણ બ્રહ્મચર્ય અનિવાર્યપણે આવશ્યક છે. એ જ નિયમો પરિણીત અને અપરિણીત સૌને લાગુ પડે છે. જો કોઈ પણ માનવી પોતાના જીવનની સૌથી પ્રબળ શક્તિનો અપવ્યય કરે તો તે આધ્યાત્મિક થઈ શકે નહીં.

સઘળો ઇતિહાસ આપણને શીખવે છે કે બધા યુગોના મહાન દ્રષ્ટાઓ કાં તો સંન્યાસીઓ અને યોગીઓ હતા અથવા તો જેમણે પરિણીત જીવનનો ત્યાગ કરેલો હતો તેવા હતા; કેવળ પવિત્ર જીવનવાળા વ્યક્તિઓ જ ઈશ્વરને જોઈ શકે.

પ્રાણાયામ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ આ ત્રિકોણને મનમાં જોવાનો પ્રયત્ન કરો. તમારી આંખો બંધ કરો અને તમારી કલ્પનામાં તેનું ચિત્ર સ્પષ્ટપણે ખડું કરો. તેને જ્વાળાથી વીંટળાયેલ અને મધ્યમાં ગૂંચળું વળેલ સર્પ સહિત જુઓ, તમે જ્યારે કુંડલિનીને સ્પષ્ટ રીતે જોઈ શકો ત્યારે કલ્પનામાં તેને કરોડના મૂળમાં સ્થાપન કરો; અને કુંભક કરતી વખતે શ્વાસ રોકો, ત્યારે તે સર્પને જાગ્રત કરવા માટે તેના માથા ઉપર બળપૂર્વક શ્વાસનો આઘાત કરો. કલ્પના જેટલી વધુ પ્રબળ તેટલી વધુ ઝડપથી સાચું પરિણામ પ્રાપ્ત થશે અને કુંડલિની જાગ્રત થાય નહીં, ત્યાં સુધી કલ્પના કર્યે જ રાખો કે તે જાગ્રત થાય છે. નાડીઓની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરો; અને બળપૂર્વક તેમને સુષુમ્ણાને માર્ગે ચડાવવાનો પ્રયત્ન કરો. આથી તેમની ક્રિયાને વેગ મળશે.

Total Views: 256
બીજો પાઠ
ચોથો પાઠ