આ યોગને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેને આઠ મુખ્ય અંગોમાં વહેંચવામાં આવેલ છે. તે અંગો આ પ્રમાણે છેઃ
પ્રથમ અંગઃ યમઃ આ સૌથી વધુ અગત્યનું અંગ છે અને સમસ્ત જીવનને એના પ્રમાણે ચલાવવાનું છે. તેના પાંચ વિભાગ છે.
પહેલોઃ અહિંસાઃ મન, વાણીની ક્રિયાથી કોઈને પીડા કરવી નહીં.
બીજોઃ અસ્તેયઃ મન, વાણી ને ક્રિયાથી દ્રવ્યનો લોભ રાખવો કહીં.
ત્રીજોઃ બ્રહ્મચર્યઃ મન, વાણી ને ક્રિયાથી સંપૂર્ણ ઇંદ્રિયસંયમ રાખવો.
ચોથોઃ સત્યઃ મન વાણીને ક્રિયાથી સંપૂર્ણ સત્યનું પાલન કરવું.
પાંચમોઃ અપરિગ્રહઃ અન્ય પાસેથી કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરવો.
દ્વિતીય અંગઃ નિયમઃ શારીરિક શુદ્ધિ, નિત્ય સ્નાન, આહાર શુદ્ધિ ઇત્યાદિ.
તૃતીય અંગઃ આસનઃ બેસવાનો પ્રકાર, નિતંબ, ખભા અને માથું સીધાં રાખવાં જોઈએ. કરોડને મુક્ત રાખવી.
ચતુર્થ અંગઃ પ્રાણાયામઃ શ્વાસોચ્છ્વાસનું નિયમન (પ્રાણ એટલે જીવનશક્તિ પર કાબૂ મેળવવા માટે).
પંચમ અંગઃ પ્રત્યાહારઃ મનને અંતર્મુખ કરીને તથા તેને બહાર જતું અટકાવીને તેની અંદર રહેલા વિષયને સમજવા માટે ઘોળ્યા કરવો.
ષષ્ઠ અંગઃ ધારણાઃ એક વિષય પર મનની એકાગ્રતા.
સપ્તમ અંગઃ ધ્યાનઃ ધ્યાન.
અષ્ટમ અંગઃ સમાધિઃ અંતઃપ્રકાશ, આપણા સર્વ પ્રયાસોનું ધ્યેય.
યમ અને નિયમ આજીવન અભ્યાસ માટે છે. અન્ય છની બાબતમાં ખડમાંકડી જેમ ઘાસના બીજા તણખલા પર મક્કમ રીતે પગ ઠેરવ્યા પહેલાં ઘાસના પ્રથમ તણખલાને છોડતી નથી, તેમ કરવું. બીજા શબ્દોમાં કહીએ તો બીજું પગલું ભર્યા પહેલાં આપણે પ્રથમ પગલાંને સંપૂર્ણ રીતે સમજવાનું છે અને તેનો અભ્યાસ કરવાનો છે.
આ પાઠનો વિષય છે પ્રાણાયામ. એટલે કે પ્રાણનું નિયમન. રાજયોગમાં શ્વાસનિયમન મનની ભૂમિકામાં પ્રવેશ કરે છે અને આપણને આધ્યાત્મિક ભૂમિકાએ લાવી મૂકે છે. સમસ્ત શરીરયંત્રનું તે ગતિદાયક ચક્ર છે. એની પહેલી ક્રિયા ફેફસાં પર થાય છે. ફેફસાંની ક્રિયા હૃદય પર થાય છે. હૃદય લોહીના સંચાલન પર ક્રિયા કરે છે. આ લોહીનો પ્રવાહ મગજ પર ક્રિયા કરે છે. મગજ મન પર ક્રિયા કરે છે. ઇચ્છાશક્તિ બાહ્ય સંવેદન ઉત્પન્ન કરી શકે, અન્ય બાહ્ય સંવેદન ઇચ્છાશક્તિને જાગ્રત કરી શકે છે. આપણી ઇચ્છાશક્તિઓ નિર્બળ હોય છે. આપણે તેમની શક્તિને કળી શકતા નથી, કારણ કે જડ પદાર્થમાં આપણે એટલા બધા બંધાઈ ગયેલા છીએ. આપણી ઘણીખરી ક્રિયા બહારથી અંદરની બાજુએ થતી હોય છે. બાહ્ય પ્રકૃતિ આપણી સમતુલાને ખસેડી નાખે છે; પણ આપણે પ્રકૃતિને તેની સમતુલામાંથી ખસેડી શકતા નથી, (ખરું જોતાં આપણે તે કરવું જોઈએ) તે તદ્દન ખોટું છે. વધુ પ્રબળ શક્તિ ખરેખર તો અંદર રહેલી છે.
મહાન સંતો અને ઉપદેશકો એવી વ્યક્તિઓ હતા કે જેમણે પોતાની અંદર રહેલા આ વિચારજગત ઉપર વિજય મેળવ્યો હતો અને તેથી તેમના ઉપદેશો પ્રભાવપૂર્ણ હતા. એક વજીરને એક ઊંચા મિનારા પર કેદ કરવામાં આવ્યો હતો. તેની પત્ની તેને માટે એક વંદો, મધ, રેશમની દોરી અને દોરડું લાવી અને તેની સહાયથી તે છૂટ્યો. આ કથા, આપણે રેશમી દોરાની જેમ શ્વાસનું પ્રથમ શારીરિક નિયમન યોજીને આપણા મન પર સંયમ મેળવીએ છીએ તેનું દૃષ્ટાંત છે. તે આપણને એક પછી એક શક્તિઓ પર કાબૂ મેળવવાને સમર્થ બનાવે છે. અંતે એકાગ્રતાનું દોરડું આપણને શરીરના કેદખાનામાંથી મુક્ત કરે છે અને આપણે મુક્ત થઈએ છીએ. મુક્તિ પ્રાપ્ત કર્યા પછી ત્યાં સુધી પહોંચવા માટે વપરાયેલા સાધનો આપણે ત્યજી દઈ શકીએ.
પ્રાણાયામના ત્રણ વિભાગ છેઃ
પહેલોઃ પૂરક—શ્વાસને અંદર લેવો.
બીજો: કુંભક—શ્વાસને ટકાવી રાખવો.
ત્રીજો: રેચક—શ્વાસને બહાર કાઢવો.
બે નાડીપ્રવાહો મગજમાંથી નીકળીને કરોડની બાજુઓને આંટા ફરતા ફરતા નીચે જઈને મૂળમાં એકબીજાને ઓળંગીને ત્યાંથી મગજમાં પાછી ફરે છે. આમાંનો એક નાડીપ્રવાહ, પિંગલા (સૂર્ય)નાડી મગજના ડાબા ગોળાર્ધમાંથી શરૂ થાય છે. મગજના મૂળ પાસે ઓળંગીને કરોડની જમણી બાજુએ જાય છે અને અંગ્રેજી આડા આઠડાની અર્ધી આકૃતિ (૦) ની જેમ કરોડનાં મૂળ ફરી ઓળંગે છે.
બીજો નાડી પ્રવાહ, ઇડા (ચંદ્ર) નાડી, વિપરીત દિશામાં ગતિમાન થઈને આ (∞) અંગ્રેજી આડા આઠડાની આકૃતિ પૂર્ણ કરે છે. અલબત્ત નીચેનો ભાગ ઉપરના ભાગ કરતાં વધુ લાંબો છે. આ નાડી પ્રવાહો દિવસ અને રાત ચાલ્યા જ કરે છે અને સામાન્ય રીતે ‘ચક્ર’ તરીકે ઓળખાતાં વિવિધ સ્નાયુકેન્દ્રોએ મહાન જીવનશક્તિઓના જમાવ એકઠા કરે છે, પરંતુ આપણને તેમનું ભાગ્યે જ ભાન હોય છે. એકાગ્રતા વડે આપણે તેની અનુભૂતિ કરી શકીએ છીએ અને શરીરના સર્વ ભાગો ઉપર થઈને જતી તેમની ગતિને ઓળખી શકીએ છીએ. આ ઇડા (ચંદ્ર) અને પિંગલા (સૂર્ય) નાડીઓ શ્વાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને શ્વાસને નિયમિત કરવાથી આપણે શરીર પર કાબૂ મેળવી શકીએ છીએ.
કઠોપનિષદમાં શરીરને રથ તરીકે વર્ણવેલ છે. મન તેની લગામ છે; બુદ્ધિ સારથિ છે. ઇંદ્રિયો ઘોડા છે અને ઇંદ્રિયોના વિષયો તેમનો માર્ગ છે. રથમાં બેઠેલ રથી એ આત્મા છે. રથીને જો સમજણ ન હોય અને સારથિ ઘોડાઓને કાબૂમાં રાખીને ચલાવી ન શકે તો તે લક્ષ્યસ્થાને પહોંચી ન શકે અને તોફાની ઘોડાઓની પેઠે ઇંદ્રિયો તેમને ગમે ત્યાં ઘસડી જાય ને કદાચ તેનો નાશ કરે. આ બંને નાડીઓ રથીના હાથમાં રહેલી કાબૂમાં રાખનારી મુખ્ય લગામો છે, ઘોડાઓને કાબૂમાં રાખવા માટે તેણે આ લગામરૂપી નાડીઓ ઉપર સંયમ પ્રાપ્ત કરવો જ જોઈએ. નીતિમાન થવા માટે આપણે શક્તિ મેળવવાની જ છે, કારણ કે આપણે એ શક્તિ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણી ક્રિયાઓને કાબૂમાં રાખી ન શકીએ. નીતિના ઉપદેશને આચરણમાં ઉતારવાની શક્તિ એકલો યોગ જ આપે છે. નીતિમાન થવું એ યોગનો હેતુ છે. બધા મહાન ઉપદેશકો યોગીઓ હતા અને દરેક નાડી ઉપર તેમનો કાબૂ હતો. યોગીઓ કરોડના મૂળમાં આ નાડીપ્રવાહને રોકીને કરોડસ્તંભના કેન્દ્રમાં થઈને ઉપર જવાની તેમને ફરજ પાડે છે; એમ થતાં તેઓ જ્ઞાનના પ્રવાહમાં પરિણમે છે. આવો જ્ઞાનપ્રવાહ માત્ર યોગીમાં જ અસ્તિત્વ ધરાવે છે.
પ્રાણાયામનો બીજો પાઠ છે શ્વાસોચ્છ્વાસ. સૌને માટે એક જ પદ્ધતિ નથી. શ્વાસોચ્છ્વાસ તાલબદ્ધ રીતે ચાલવા જોઈએ અને તેમ કરવાનો સહેલામાં સહેલો માર્ગ ગણતરી દ્વારા છે. એ ક્રિયા કેવળ યંત્રવત્ હોવાથી અમુક વાર સંખ્યા ગણવાને બદલે પવિત્ર શબ્દ ૐની અમુક સંખ્યામાં આવૃત્તિ કરીએ છીએ.
પ્રાણાયામની પ્રક્રિયા આ પ્રમાણે છેઃ ‘અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. પછી ૐ શબ્દને ચાર વાર મનમાં બોલતાં બોલતાં ડાબા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસ લો. ત્યાર પછી તરત જ ડાબા નસકોરા ઉપર તર્જની (પહેલી આંગળી) મૂકીને બંને નસકોરાં મજબૂત રીતે બરાબર બંધ કરો અને મનમાં ને મનમાં ૐને આઠ વાર બોલી રહેવાય ત્યાં સુધી શ્વાસને અંદર રોકી રાખો. ત્યાર પછી જમણા નસકોરા પરથી અંગૂઠો ઉઠાવી લઈ ૐને ચાર વાર બોલતાં બોલતાં તેમાંથી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢો. શ્વાસને બહાર કાઢો ત્યારે ફેફસાંમાંથી હવા સંપૂર્ણ બહાર કાઢી નાખવા માટે પેડુને બળપૂર્વક અંદર ખેંચો.
વળી પાછા ધીમે ધીમે ૐને ચાર વાર બોલતાં બોલતાં ડાબું નસકોરું બંધ રાખીને જમણા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસ લો. પછી અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો અને ૐને આઠ વાર બોલતાં બોલતાં શ્વાસને રોકી રાખો. પછી ડાબું નસકોરું ખુલ્લું કરો અને પહેલાંની જેમ ૐને ચાર વાર બોલતાં બોલતાં ધીમે ધીમે શ્વાસને અંદરથી બહાર કાઢો. દરેક બેઠકે આ આખી પ્રક્રિયા બે વાર કરો. એટલે કે દરેક નસકોરા દ્વારા બબ્બે વાર એ રીતે ચાર પ્રાણાયામ કરો. તમે આસને બેસો તે પહેલાં પ્રાર્થનાથી આરંભ કરવો એ વધારે સારું છે.
એક અઠવાડિયા સુધી આના અભ્યાસની જરૂર છે જ; ત્યાર પછી ક્રમે ક્રમે શ્વાસનો સમય વધારતા જાઓ, પણ પરસ્પરનું પ્રમાણ એનું એ જ જાળવો; એટલે કે જો તમે પૂરક શ્વાસ અંદર લેતી વખતે ૐને છ વાર બોલો તો કુંભક એટલે કે શ્વાસને અંદર રોકી રાખતી વખતે બાર વાર ૐનું ઉચ્ચારણ કરો. આ અભ્યાસ આપણને વધુ આત્મપરાયણ, વધુ નિષ્પાપ અને વધુ પવિત્ર બનાવશે. કોઈ પણ આડે માર્ગે ચડી જશો નહીં તેમ જ યોગિક સિદ્ધિ શોધતા ફરશો નહીં. પ્રેમ જ એક માત્ર શક્તિ છે કે જે આપણી પાસે રહે છે અને વૃદ્ધિ પામે છે. રાજયોગ દ્વારા જેને ઈશ્વરપ્રાપ્તિ કરવી હોય તે માનસિક, શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક, એમ દરેક રીતે સબળ હોવો જોઈએ. એ દૃષ્ટિએ તમે દરેક પગલું ભરજો.
લાખોમાંથી એકાદ આત્મા જ કહેશે, ‘હું સંસારને પેલે પાર જઈને ઈશ્વરમાં એક થઈશ.’ બહુ જ થોડા માણસો સત્યની સામે ટકી શકે છે; પરંતુ કોઈપણ બાબતને સિદ્ધ કરવી હોય તો આપણે સત્યને ખાતર પ્રાણ અર્પણ કરવાને તૈયાર રહેવું જોઈએ.

