(કેલિફોર્નિયાના લોસ એન્જલ્સ શહેરમાં ‘હોમ ઓફ ટ્રુથ’ નામના સ્થળે અપાયેલ વ્યાખ્યાન)
આજે સવારે હું તમારી સમક્ષ પ્રાણાયામ તથા બીજી ક્રિયાઓ વિશે કેટલાક વિચારો રજૂ કરીશ. આપણે એટલા બધા લાંબા સમય થયાં સિદ્ધાંતો અંગે ચર્ચા કરીએ છીએ કે, થોડુંક વ્યવહારુ જ્ઞાન ઉપયોગી થશે. હિંદુસ્તાનમાં આ વિષય ઉપર ઘણાં પુસ્તકો લખાયેલાં છે. અહીંના લોકો જેમ ઘણી બાબતમાં વ્યવહારુ છે, તેમ અમારા લોકો આ બાબતમાં વ્યવહારુ દેખાય છે. આ દેશમાં પાંચ માણસો ભેગા મળે અને નક્કી કરે કે આપણે એક ‘જોઈન્ટ સ્ટોક કંપની’ કાઢવી છે, એટલે પાંચ કલાકમાં તે કંપની ઊભી થઈ જાય, જ્યારે હિંદુસ્તાનમાં લોકો એ પચાસ વર્ષમાં પણ અમલમાં મૂકી શકશે નહીં; આવી બાબતોમાં એ લોકો તદ્દન બિનવ્યવહારુ છે. પણ જો કોઈ ગમે તેવા ઉટપટાંગ સિદ્ધાંત ઉપર દર્શનશાસ્ત્રની નવીન પદ્ધતિ ચલાવે, તો તેને અનુયાયીઓ મળી જ રહે. દાખલા તરીકે એક એવો સંપ્રદાય શરૂ કરવામાં આવે કે જેમાં એમ શીખવાય કે કોઈ માણસ બાર વરસ સુધી દિવસ અને રાત એક પગે ઊભો રહે તો તેને મોક્ષ મળશે, તો સેંકડો લોકો એક પગે ઊભા રહેવા માટે તૈયાર થશે. એ લોકો બધું દુઃખ શાંતિથી સહન કરશે. કેટલાક એવા લોકો છે કે જેઓ પુણ્ય મેળવવાને માટે વર્ષો સુધી પોતાના હાથ ઊંચા રાખે છે; મેં જાતે આવા સેંકડો લોકોને જોયેલા છે અને ખ્યાલમાં રાખજો કે એ બધા લોકો હંમેશાં અજ્ઞાની કે મૂર્ખાઓ નથી હોતા, પણ તેઓ એવા લોકો હોય છે કે જેમની ઊંડી અને વિશાળ બુદ્ધિ જોઈ તમે આશ્ચર્ય પામો. આ ઉપરથી તમે જોઈ શકશો કે વ્યવહારુ શબ્દ પણ તુલનાત્મક છે.
બીજો લોકો વિષે મત બાંધવામાં આપણે હંમેશાં એક ભૂલ કરતા હોઈએ છીએ. આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી માનસિક દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્યદૃષ્ટિ, આપણી કર્તવ્યદૃષ્ટિ, આપણી ઉપયોગિતાની ભાવના એ જ માત્ર ગણનાપાત્ર બાબતો છે. યુરોપ જતાં રસ્તામાં હું માર્સેલ્સ બંદરેથી પસાર થતો હતો; ત્યાં આખલાઓની સાઠમારી ગોઠવાઈ હતી. સ્ટીમરમાંના બધા જ અંગ્રેજો એકદમ ઉશ્કેરાઈ ગયા અને આખા કાર્યક્રમને ‘ઘાતકી’ તરીકે ઓળખાવી તેને ગાળો ભાંડવા લાગ્યા. જ્યારે હું ઇંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે મેં મલ્લયોદ્ધાઓની ટુકડી વિશે સાંભળ્યું. તે લોકો પેરિસ ગયા હતા અને ફ્રેંચ લોકોએ એ મલ્લયુદ્ધને પશુતાનું પ્રદર્શન માનીને તેમને કોઈ પણ પ્રકારના આવકાર વગર ધુત્કારી કાઢ્યા હતા. જ્યારે હું જુદા જુદા દેશોમાં આવી બાબતો વિશે સાંભળું છું ત્યારે હું ઈશુના પેલા અદ્ભુત વચનને સમજવા લાગું છું. ‘બીજાની ટીકા ન કરો કે જેથી તેઓ પણ તમારી ટીકા ન કરે.’ જેમ જેમ આપણે વધારે જાણીએ છીએ તેમ તેમ સમજાય છે કે આપણે કેટલા અજ્ઞાની છીએ અને માનવીનું મન કેટલું અનેકરંગી અને બહુમુખી હોય છે. જ્યારે હું જુવાન હતો ત્યારે મારા દેશભાઈઓની કઠોર તપશ્ચર્યાઓની પદ્ધતિની ટીકા કરતો; અમારા દેશના મહાન ઉપદેશકોએ પણ તેની ટીકા કરી છે અને મહાન માનવ બુદ્ધે પોતે પણ તેની ટીકા કરી છે. છતાં, જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું તેમ તેમ હવે મને લાગે છે કે બીજાઓનો ન્યાય કરવા બેસવાનો મને કોઈ અધિકાર નથી. કેટલીક વાર તો મને એમ થઈ આવે છે કે એ બધી વિસંવાદિતા છતાં પણ કામ કરવાની અને સહન કરવાની તેમની શક્તિનો થોડોક અંશ પણ મારામાં હોય! ઘણી વાર તો મને એવો વિચાર આવે છે કે મારો આવો મત અને ટીકા શારીરિક કષ્ટના અણગમામાંથી પેદા નથી થતાં પણ મારી કાયરતામાંથી જ પેદા થાય છે, કારણ કે હું તેમ કરી શકતો નથી કે તેમ કરવાની મારામાં હિંમત નથી.
વળી તમે જોશો કે શક્તિ, સામર્થ્ય અને હિંમત એ બહુ વિચિત્ર બાબતો છે. સામાન્યપણે ‘હિંમતવાન માણસ, બહાદુર માણસ, સાહસિક માણસ’ એમ આપણે બોલીએ છીએ. પણ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હિંમત, બહાદુરી કે બીજો કોઈ પણ ગુણ દરેક કિસ્સામાં માણસને ખાસ ઓળખાવતાં નથી. જે માણસ નિર્ભયપણે તોપને મોઢે ધસી જાય છે તે જ માણસ શસ્ત્રક્રિયા કરનાર દાકતરના ચપ્પુથી ડરે છે, જ્યારે જે માણસ કદી બંદૂકની સામે ઊભવાની હિંમત કરતો નથી તે જરૂર પડે તો શાંતિથી શસ્ત્રક્રિયા કરાવે છે. એટલે બીજા વિશે મત બાંધતાં પહેલાં કાયમ તમારે હિંમત અને મહત્તાની તમારી શરતોની સ્પષ્ટતા કરવી જોઈએ. જે માણસની હું ટીકા કરતો હોઉં કે તે સારો નથી, તે જ માણસ, જેમાં મારો ચંચુપ્રવેશ પણ ન હોય તેવી બાબતોમાં અદ્ભુત હોઈ શકે છે.
બીજો દાખલો લઈએ. તમે ઘણી વાર જોશો કે લોકો જ્યારે પુરુષ અને સ્ત્રી શું શું કરી શકે તે વિશે ચર્ચા કરતા હોય છે, ત્યારે હંમેશાં આવી જ ભૂલ કરતા હોય છે. તેઓ એમ ધારે છે કે પુરુષ લડી શકે છે અને અથાગ શારીરિક શ્રમ કરી શકે છે માટે તે મહાન છે; અને સ્ત્રીની શારીરિક નિર્બળતા અને લડવાની અશક્તિની સામે તેને રજૂ કરવામાં આવે છે. આ અન્યાય છે. સ્ત્રી પણ પુરુષના જેટલી જ હિંમતવાન છે. દરેક પોતપોતાની રીતે સારાં છે. સ્ત્રીના જેટલી ધીરજ, પ્રેમ અને સહનશીલતાથી કયો પુરુષ બાળકને ઉછેરી શકશે? એકે કાર્ય કરવાની શક્તિ કેળવી છે, બીજીએ સહન કરવાની શક્તિ વિકસાવી છે. જો સ્ત્રીમાં કાર્ય કરવાની શક્તિ નથી તો પુરુષમાં સહન કરવાની શક્તિ નથી. આખા વિશ્વમાં સંપૂર્ણ સમતુલા પ્રવર્તે છે. મને આજે ખબર નથી, પણ કોઈક દિવસ આપણે જાગીએ અને જાણીએ કે એક નાના જીવડામાં પણ કંઈક એવો ગુણ છે કે જે આપણા મનુષ્યત્વની સામે સમતુલામાં ઊભો રહી શકે. દુષ્ટમાં દુષ્ટ માણસમાં પણ કોઈક એવા સદ્ગુણો હોય કે જેનો મારામાં તદ્દન અભાવ હોય. જીવનમાં હું દરરોજ આ જોઉં છું. પેલા જંગલી માણસ તરફ જુઓ! હું ઇચ્છું કે મારે તેના જેવું સુદૃઢ શરીર હોય. તે સારી રીતે ખાય છે, પીએ છે; માંદગી એટલે શું એ તે જાણતો નથી. જ્યારે હું તો ક્ષણે ક્ષણે રોગથી પીડાઉં છું. તેના શરીર સાથે મારા મનની અદલાબદલી કરવામાં હું કેટલો ખુશી થાઉં? સમગ્ર વિશ્વ કેવળ ઊંચાં મોજાં અને પાછળ ખાડાઓની પરંપરા છે; બાજુમાં ખાડા વિના મોજું ઊંચું થાય જ નહિ. બધે સમતુલા છે. તમારી પાસે એક વસ્તુ મહાન છે, તમારા પડોશી પાસે બીજી. જ્યારે તમે પુરુષ અને સ્ત્રીની સરખામણી કરતા હો ત્યારે દરેકને તેની પોતાની મહત્તાના ધોરણે માપો. એક વ્યક્તિ અન્યનાં પગરખાંમાં પગ ઘાલી ન શકે. એકને બીજું ખરાબ છે એમ કહેવાનો અધિકાર નથી. ‘જો અમુક કરવામાં આવશે તો દુનિયા નાશ પામશે’ એવો એક જૂનો વહેમ છે; પણ એવી માન્યતા છતાં હજુ સુધી દુનિયા પ્રલયના કિનારે પહોંચી નથી. આ દેશમાં જ એમ કહેવામાં આવતું કે જો હબસીઓને મુક્ત કરવામાં આવશે તો દેશ પાયમાલ થઈ જશે. પણ એવું કંઈ બન્યું છે ખરું? એમ પણ કહેવાતું કે જો સામાન્ય લોકોને કેળવણી આપવામાં આવશે તો દુનિયા પાયમાલ થઈ જશે; પણ દુનિયા તો ઊલટી વધુ સારી બની છે. ઘણાં વર્ષો અગાઉ એક પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, તેમાં ઇંગ્લેન્ડ ઉપર જે જે અનિષ્ટો આવવાનાં હતાં તે બતાવવામાં આવ્યાં હતાં. લેખકે એમ બતાવ્યું હતું કે જેમ જેમ કારીગરોનું વેતન વધતું જતું હતું, તેમ તેમ ઇંગ્લેન્ડનો વેપાર ઘટતો જતો હતો; એક એવી હવા ઊભી કરવામાં આવી હતી કે ઇંગ્લેન્ડમાં મજૂરોની વેતનની માગણી પ્રમાણ કરતાં ઘણી વધારે હતી, જ્યારે જર્મનો ઓછા વેતનથી કામ કરતા હતા. આની તપાસ કરવા માટે એક પ્રતિનિધિ મંડળ જર્મની મોકલવામાં આવ્યું. આ મંડળે એવું નિવેદન કર્યું કે ઇંગ્લેન્ડના મજૂરો કરતાં જર્મનીમાં મજૂરોને વધારે મળતું હતું. આમ શાથી હતું? સામાન્ય જનતાની કેળવણી તેનું કારણ હતી. તો પછી જનતાને કેળવણી આપવામાં આવે તો દુનિયા કેવી રીતે પાયમાલ થઈ જાય? ખાસ કરીને હિંદુસ્તાનમાં, બધી જગ્યાએ જુનવાણી વિચારના લોકો દેખા દે છે. સામાન્ય જનતાથી એ લોકો બધું ખાનગી રાખવા માગે છે. આ લોકો એવા આત્મસંતોષી નિર્ણય ઉપર આવે છે કે માત્ર પોતે જ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકો છે. તેઓ એમ માને છે કે આવા ભયાનક પ્રયોગોથી પોતાને નુકસાન નહીં થાય; માત્ર સામાન્ય જનતાને જ આથી નુકસાન થઈ શકે.
પાછા આપણે વ્યવહારની વાત ઉપર આવીએ. માનસશાસ્ત્રના વ્યવહારુ ઉપયોગના પ્રયોગો હિંદુસ્તાનમાં આદિ કાળથી થતા આવ્યા છે. ઈશુથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં હિંદુસ્તાનમાં પતંજલિ નામે એક મહાન તત્ત્વવેત્તા થઈ ગયા. તેમણે માનસશાસ્ત્રના વિષયમાં થયેલ બધી શોધો, પુરાવાઓ અને હકીકતો એકઠી કરી અને ભૂતકાળમાં ભેગા કરવામાં આવેલા બધા જ અનુભવોનો લાભ લીધો. યાદ રાખજો કે આ દુનિયા તો ખૂબ જ પુરાણી છે; માત્ર બે કે ત્રણ હજાર વર્ષ પહેલાં જ તેની ઉત્પત્તિ થઈ છે એમ નથી. અહીં પશ્ચિમના દેશોમાં એવું શીખવવામાં આવે છે કે નવા કરાર (New Testament)ની સાથે, એટલે કે ૧૮૦૦ વર્ષ પહેલાં જ માનવસમાજની શરૂઆત થઈ; તે અગાઉ સમાજ જેવું કંઈ હતું નહીં. કદાચ પશ્ચિમના દેશો પૂરતું તે ખરું હોય; પણ આખી દુનિયા માટે તે વિધાન સાચું નથી. જ્યારે હું લંડનમાં પ્રવચન આપતો હતો ત્યારે એક વિદ્વાન અને બુદ્ધિમાન મિત્ર અનેક વાર મારી જોડે દલીલ કરતા. પોતાનાં બધાં જ શસ્ત્રો મારી સામે વાપરી લીધા પછી એક દિવસ જ્યારે તેઓ બોલી ઊઠ્યા, ‘પણ તમારા ઋષિઓ અમને ઇંગ્લેન્ડમાં ઉપદેશ આપવા શા માટે ન આવ્યા?’ ત્યારે મેં જવાબ આપ્યોઃ ‘એ વખતે આવવા માટે ઇંગ્લેન્ડ જ હતું નહીં. શું તેઓ જંગલને ઉપદેશ આપે?’
શ્રી ઇંગરસોલે કહ્યુંઃ ‘જો તમે આજથી પચાસ વર્ષ પહેલાં અહીં ઉપદેશ કરવા આવ્યા હોત, તો આ દેશમાં તમને ફાંસી આપવામાં આવત અથવા તો તમને જીવતા સળગાવી દેવામાં આવત અગર પથ્થરો મારીને તમને ગામ બહાર કાઢી મૂકવામાં આવત.’
તેથી ઈશુથી ૧૪૦૦ વર્ષ પૂર્વે પણ સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી એમ માનવામાં કંઈ અજુગતું નથી. સંસ્કૃતિ હંમેશાં નીચલા થરમાંથી ઉપલા થરમાં આવી છે, તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી; આ વિધાન સાબિત કરવા માટે જે દાખલા દલીલો વપરાય છે, તે જ દાખલા દલીલો વડે એમ પણ બતાવી શકાય કે જંગલી માણસ એ નીચો ઊતરી ગયેલો સુસંસ્કૃત માનવી જ છે. દાખલા તરીકે ચીનના લોકો કદી એમ ન માની શકે કે સંસ્કૃતિનો ઉદ્ભવ કોઈ જંગલી સ્થિતિમાંથી થયો છે, કારણ કે એ લોકોનો અનુભવ એનાથી ઊલટો છે. પણ તમે જ્યારે અમેરિકાની સંસ્કૃતિ વિશે વાત કરો છો, ત્યારે તમે તમારા મનમાં જાતિની શાશ્વતતા અને વિકાસની વાત સમજતા હો છો.
એ માનવું તદ્દન સહેલું છે કે જે હિંદુઓ ૭૦૦ વર્ષ થયાં પડતીની દશામાં છે, તેઓ ભૂતકાળમાં ઘણા સુસંસ્કૃત હતા. આ વિધાન ખોટું છે એમ આપણે સાબિત કરી શકીએ તેમ નથી.
કોઈ સંસ્કૃતિ સ્વયંભૂ હોય એવો એક પણ દાખલો નથી. જ્યાં સુધી એક સંસ્કારી પ્રજા આવીને બીજી પ્રજા જોડે ભળે નહીં, ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ પ્રજા સંસ્કારી બની હોય એવું નથી. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિનો ઉદ્ભવ એક કે બે પ્રજામાં થયો હોવો જોઈએ; તે પ્રજાઓ બહાર ગઈ, પોતાના વિચારોનો ફેલાવો કર્યો તથા બીજી પ્રજાઓ સાથે ભળી; અને એ રીતે સંસ્કૃતિનો ફેલાવો થયો.
વ્યવહારુ વિચારણા અર્થે આપણે આધુનિક વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ. પણ તમારે યાદ રાખવું જોઈએ કે જેમ ધાર્મિક બાબતોમાં વહેમો હોય છે તે પ્રમાણે વિજ્ઞાનની બાબતોમાં પણ વહેમો પ્રવર્તે છે. ધાર્મિક ક્રિયા કરાવવાને માટે જેમ પુરોહિતો હોય છે, તેમ ભૌતિકશાસ્ત્રના નિયમોના પુરોહિતો વૈજ્ઞાનિકો હોય છે. ડાર્વિન કે હકસલી જેવા મોટા વૈજ્ઞાનિકોનું નામ ટાંકવામાં આવે, એટલે તરત જ આપણે તેનું વગર વિચાર્યે માની લઈએ છીએ; એ આજકાલની ફેશન છે. જેને આપણે વૈજ્ઞાનિક જ્ઞાન એવું નામ આપીએ છીએ, તેના નવાણું ટકા તો માત્ર સિદ્ધાંતો જ હોય છે. તેમાંના ઘણાખરા સિદ્ધાંતો અનેક માથાં અને હાથવાળા ભૂતોના જૂના વહેમો કરતાં વધારે સારા હોતા નથી. પણ તેમાં માત્ર આટલો તફાવત છે કે વિજ્ઞાને માણસને ઝાડપાન અને પથ્થરથી સહેજ જુદો પાડ્યો છે. સાચું વિજ્ઞાન આપણને સાવધાન રહેવાનું કહે છે. જેમ આપણે પુરોહિતોથી સાવધ રહેવું જોઈએ, તેમ આપણે વૈજ્ઞાનિકોથી પણ સાવચેત રહેવું જોઈએ. શરૂઆત શંકાથી કરો. બધી વસ્તુનું વિશ્લેષણ કરો. ચકાસણી કરો, સાબિત કરો અને પછી જ તેનો સ્વીકાર કરો. આધુનિક વિજ્ઞાનની કેટલીક ચાલુ માન્યતાઓ સાબિત થયેલી નથી. ગણિત જેવા શાસ્ત્રમાં પણ તેના મોટા ભાગના સિદ્ધાંતો માત્ર કામચલાઉ માન્યતાઓ છે; જ્ઞાન વધતાં જ તે ધારણાઓને બાજુએ મૂકી દેવામાં આવશે.
ઈસવી સનથી ૧૪૦૦ વર્ષો પૂર્વે એક મહાન ઋષિએ મનોવિજ્ઞાનની કેટલીક હકીકતોને ગોઠવવાનો, પૃથક્કરણ કરવાનો અને તેમાંથી સામાન્ય નિયમો તારવી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઋષિએ શોધેલા સિદ્ધાંતોના અમુક ભાગોને લઈને તેના ઘણા અનુગામીઓએ તે ભાગનો વિશેષ અભ્યાસ કર્યો. બધી પ્રાચીન પ્રજાઓમાંથી માત્ર હિંદુઓએ જ જ્ઞાનની આ શાખાનો અભ્યાસ ખંતપૂર્વક કર્યો. હું તમને અત્યારે તેના વિશે શીખવવા માગું છું; પણ તમારામાંનાં કેટલાં તેનો અભ્યાસ કરશે? આ વિષયને છોડી દેતાં તમને કેટલા દિવસ કે મહિના લાગશે? આ વિષયમાં તમે (ઉદાસીન) અવ્યવહારુ છો. હિંદુસ્તાનમાં લોકો યુગોના યુગો સુધી ખંતપૂર્વક તેની પાછળ લાગી રહે છે. તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે આ માટે ત્યાં દેવળો નથી, સામૂહિક પ્રાર્થનાઓ નથી અથવા તેના જેવું કશું જ નથી. પણ છતાં લોકો દરરોજ પ્રાણાયામ કરે છે અને ધ્યાન ધરવાની કોશિશ કરે છે; તેમની ઉપાસનાનો આ મુખ્ય ભાગ છે. આ અગત્યના મુદ્દાઓ છે; દરેક હિંદુએ તે પાળવા જ જોઈએ. દેશ આખાનો તે ધર્મ છે. માત્ર દરેકને પોતાની વિશિષ્ટ પદ્ધતિ, પ્રાણાયામ કરવાની ખાસ રીત, ધ્યાન ધરવાની એક ખાસ પ્રણાલી હોય છે. એકની પદ્ધતિ બીજા કોઈએ, તેની પત્નીએ સુધ્ધાં જાણવાની જરૂર નથી; પુત્રની પદ્ધતિ પિતાએ પણ જાણવાની જરૂર નથી. પણ સૌ કોઈએ આ કરવાનું હોય જ છે અને આ વસ્તુઓ વિશે ‘રહસ્યમય’ જેવું કંઈ નથી. ‘રહસ્યમય’ શબ્દને તેની સાથે કંઈ જ લેવાદેવા નથી. ગંગાનદીને કિનારે હજારોની સંખ્યામાં લોકો આંખો બંધ કરીને પ્રાણાયામ કરતા અને ધ્યાન ધરતા હંમેશાં જોવા મળે છે. કેટલીક ક્રિયાઓને સર્વસામાન્ય જનતા માટે અવ્યવહારુ બનવાનાં બે કારણો હોઈ શકે. એક કારણ એવું છે કે ગુરુઓ એમ માને છે કે સામાન્ય લોકો તે ક્રિયાઓને માટે લાયકાત ધરાવતા હોતા નથી. આ વિધાનમાં કંઈક સત્ય હોય; પણ તેનું કારણ ખાસ તો અભિમાન હોય છે. બીજું કારણ છે સતામણીનો ભય. દાખલા તરીકે કોઈપણ વ્યક્તિને આ દેશમાં જાહેર રીતે પ્રાણાયામની ક્રિયા કરવાનું ગમશે નહીં, કારણ કે લોકો તેને વિચિત્ર માણસ ગણે. અહીં તેવી પ્રથા જ નથી. જ્યારે હિંદુસ્તાનમાં જો માણસ એવી પ્રાર્થના કરે કે ‘હે ભગવાન! આજે અમને રોજિંદું અન્ન આપજે!!’ તો લોકો તેની હાંસી ઉડાવવાના! હિંદુને મન ‘આપણા પરમ પિતા કે જે સ્વર્ગમાં છે’ એમ બોલવા કરતાં વધારે મૂર્ખાઈ ભરેલું બીજું કશું નહીં હોય. હિંદુ પૂજા કરે છે ત્યારે એમ માને છે કે ઈશ્વર તેની પોતાની અંદર જ છે.
યોગીઓના કહેવા મુજબ નાડીના મુખ્ય ત્રણ પ્રવાહો છેઃ એક પ્રવાહને તે લોકો ‘ઇડા’ કહે છે, બીજાને ‘પિંગલા’ અને વચલાને ‘સુષુમ્ણા’ એવું નામ આપે છે. આ બધા કરોડરજ્જુમાં આવેલા છે; ડાબી અને જમણી બાજુ ઇડા અને પિંગલા નાડીનાં ઝૂમખાંઓ છે જ્યારે વચ્ચેની ‘સુષુમ્ણા’ નાડી પોલી છે; તે નાડીઓનું ઝૂમખું નથી. આ ‘સુષુમ્ણા’ નાડી બંધ હોય છે અને સામાન્ય માણસ માટે તેનો કંઈ ઉપયોગ નથી કારણ કે માત્ર ઇડા અને પિંગલા નાડીઓ વડે જ તેનું કામ ચાલતું હોય છે. સંવેદનાના અને ક્રિયાશક્તિના પ્રવાહો આ નાડીઓ દ્વારા ઉપર-નીચે સતત રીતે ચાલ્યા કરે જ છે; અને શરીરના જુદા જુદા ભાગોમાંથી પસાર થતી નાડીઓ આખા શરીરના જુદા જુદા ભાગોમાં સંદેશાઓ; અથવા આજ્ઞાઓ લઈ જાય છે.
પ્રાણાયામનો મુખ્ય ઉદ્દેશ ઇડા અને પિંગલા નાડીને તાલબદ્ધ અને વ્યવસ્થિત રીતે ચલાવવાનો છે. પણ એટલું જ બસ નથી. તેનાથી માત્ર અમુક પ્રમાણમાં હવા ફેફસાંમાં ભરાય છે; માત્ર લોહીને શુદ્ધ કરવા સિવાય તેનો બીજો કશો ઉપયોગ નથી. લોહી શુદ્ધ કરવા માટે આપણા શ્વાસની સાથે જે હવા આપણે અંદર લઈએ છીએ તેમાં ‘રહસ્યમય’ કશું જ નથી; તે ક્રિયા એક ગતિ માત્ર છે. આ ગતિને અમે જેને ‘પ્રાણ’ કહીએ તેવી એકમ ગતિમાં લાવી શકાય અને સર્વ સ્થળે ગતિ માત્ર આ ‘પ્રાણ’ની જ જુદી જુદી અભિવ્યક્તિ છે. આ પ્રાણ વીજળી છે; તે જ ચુંબક શક્તિ છે; મગજમાંથી વિચારરૂપે તે બહાર નીકળે છે. બધું પ્રાણ જ છે; સૂર્ય, ચંદ્ર અને તારાઓને તે જ ચલાવે છે.
અમે એમ કહીએ છીએ કે આ વિશ્વમાં જે કંઈ દેખાય છે તે પ્રાણના સ્પંદનથી જ ઊભું થયેલું છે. સ્પંદનનું ઊંચામાં ઊંચું પરિણામ વિચાર છે. જો તેના કરતાં વધુ ઉચ્ચ કોઈ વસ્તુ હોય તો તે કલ્પી શકતા નથી. ઇડા અને પિંગલા નાડીઓ પ્રાણ દ્વારા જ ક્રિયા કરે છે. જુદી જુદી શક્તિઓનું સ્વરૂપ ધારણ કરીને પ્રાણ જ શરીરના દરેક ભાગને ચલાવે છે. પેલા જૂના વિચારને છોડી દો કે ઈશ્વર જેવું કંઈક છે કે જે કાર્યને પેદા કરે છે અને સિંહાસન પર બેસીને ન્યાય આપે છે. કામ કરીએ છીએ ત્યારે આપણે થાકી જઈએ છીએ, તેનું કારણ એ છે કે આપણે પ્રાણનો અમુક જથ્થો વાપરી નાખીએ છીએ. પ્રાણાયામના નામે ઓળખાતી શ્વાસોચ્છ્વાસની ક્રિયા શ્વાસમાં નિયમબદ્ધતા, એટલે કે પ્રાણમાં તાલબદ્ધતા લાવવાનું કાર્ય કરે છે. જ્યારે પ્રાણ તાલબદ્ધ રીતે કાર્ય કરે છે ત્યારે બધી જ વસ્તુઓ યોગ્ય રીતે ચાલે છે. જ્યારે યોગીઓ પોતાના શરીર પર કાબૂ મેળવે છે ત્યારે જો શરીરના કોઈ પણ ભાગમાં કંઈ વ્યાધિ હોય, તો તેઓ જાણે છે કે ત્યાં પ્રાણ તાલબદ્ધ નથી અને જ્યાં સુધી તાલબદ્ધતા પુનઃ સ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ પ્રાણને વ્યાધિવાળા ભાગ તરફ મોકલે છે.
જેમ તમે તમારા પોતાના શરીરમાંના પ્રાણને કાબૂમાં રાખી શકો, તે જ પ્રમાણે જો તમે પૂરતા શક્તિશાળી હો તો હિંદુસ્તાનમાં રહેલા બીજા માણસના પ્રાણને પણ અહીં બેઠાં બેઠાં પણ કાબૂમાં રાખી શકો. તે બધું એક જ છે. તેમાં ક્યાંય ભંગ નથી; એકત્વ એ જ નિયમ છે. શારીરિક રીતે, માનસિક રીતે, નૈતિક રીતે, આધ્યાત્મિક રીતે જે કંઈ છે તે બધું એક જ છે. જીવન એ તો માત્ર એક જાતનું સ્પંદન છે. જે તત્ત્વ આ ઈથરના મહાસાગરને સ્પંદિત કરે છે તે જ તમને પણ સ્પંદિત કરે છે. જે પ્રમાણે તળાવમાં જુદી જુદી ઘનતાવાળા બરફના જુદા જુદા થરો બને છે અથવા તો જેમ વરાળના સમુદ્રમાં ઘનતાના જુદા જુદા અંશો હોય છે, તે જ પ્રમાણે આ વિશ્વ પણ જડતત્ત્વનો મહાસાગર છે. આ ઈથરનો મહાસાગર છે કે જેમાં સૂરજ, ચંદ્ર, તારા અને આપણી જાતને ઘનતાની જુદી જુદી અવસ્થામાં જોઈએ છીએ; પણ તેથી કંઈ અખંડિતતાનો ભંગ થતો નથી; બધામાં તે એકસરખી જ રહે છે.
હવે જ્યારે આપણે અતીન્દ્રિય તત્ત્વોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે દુનિયા એક જ છે. આધ્યાત્મિક, ભૌતિક, માનસિક અને પ્રાણશક્તિની દુનિયા જુદી જુદી નથી, તે બધી દુનિયા એક જ છે, પણ જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી તે જુદી જુદી દેખાય છે. જ્યારે તમે તમારી જાતનો વિચાર શરીર તરીકે કરો છો, ત્યારે તમે ભૂલી જાઓ છો કે તમે મન છો; અને જ્યારે તમે તમારી જાતનો મન તરીકે વિચાર કરો છો, ત્યારે તમે ભૂલી જાઓ છો કે તમે શરીર છો. વસ્તુમાત્ર એક જ છે કે તે તમે છો; તમે તેને પદાર્થ અથવા શરીર તરીકે જોઈ શકો છો અથવા તમે તેને મન અગર આત્મા તરીકે જોઈ શકો છો. જન્મ, જીવન અને મૃત્યુ માત્ર પુરાણા વહેમો છે. કોઈ પણ ક્યારેય જન્મતો નથી અને કોઈ પણ ક્યારેય મરતો નથી; દરેક જણ માત્ર પોતાની સ્થિતિ જ બદલે છે—બસ, આટલું જ છે. પશ્ચિમના દેશોમાં મૃત્યુને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે કે તે જોઈને મને દુઃખ થાય છે; અહીં લોકો હંમેશાં નાનકડી જિંદગીને પકડી રાખવાનો પ્રયાસ કરે છે. ‘મૃત્યુ પછી અમને જીવન આપજે! અમને જીવન આપજે!’ જો તે લોકોને કોઈ એમ કહે કે તમે મૃત્યુ પછી જીવવાના છો, તો તેઓ બહુ જ ખુશી થાય છે! આ બાબતમાં હું કોઈ દિવસ શંકા પણ કેમ કરી શકું? હું કેવી રીતે કલ્પના કરી શકું કે હું મૃત્યુ પામેલો છું? તમે મૃત્યુ પામેલા છો એવો તમારી જાતે વિચાર કરવાનો પ્રયત્ન કરી જુઓ એટલે તમે જોશો કે તમારો મૃત દેહ જોવાને તમે પોતે હાજર હશો. જીવન એક એવું અદ્ભુત તત્ત્વ છે કે તેને તમે એક ક્ષણ પણ ભૂલી શકો નહીં; તો તો પછી તમે તમારા અસ્તિત્વ વિશે પણ શંકા ઉઠાવી શકો! ભાનમાં હોવાની સૌથી પહેલી હકીકત એ છે કે ‘હું’ છું. જે પરિસ્થિતિ કોઈ દિવસ અસ્તિત્વમાં જ હતી નહીં, તેની કલ્પના કોણ કરી શકે? બધાં સત્યોમાંનું આ સૌથી વધારે સ્વતઃસિદ્ધ સત્ય છે. તેથી અમરત્વનો વિચાર માણસમાં સ્વભાવગત છે. જે વિષય કલ્પનાથી પર છે, તેની ચર્ચા કોઈ કેમ કરી શકે? જે વિષય સ્વતઃસિદ્ધ છે, તેનો પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ આપણે શા માટે ચર્ચવો જોઈએ?
તેથી તમે ગમે તે દૃષ્ટિકોણથી જુઓ, પણ આખું વિશ્વ એક એકમ છે. અત્યારે આપણે માટે આ વિશ્વ પ્રાણ અને આકાશનું, શક્તિ અને જડ તત્ત્વનું એકમ છે અને ધ્યાનમાં રાખજો કે બીજા બધા મૂળભૂત સિદ્ધાંતોની માફક આ પણ આત્મવિરોધી છે, કારણ કે શક્તિ એટલે શું? શક્તિ એટલે જડ તત્ત્વને જે ગતિમાન કરે છે તે. અને જડ તત્ત્વ એટલે શું? જડ તત્ત્વ એટલે શક્તિ વડે જે ગતિમાન થાય છે. તે એક ચીચવો છે. જ્ઞાન અને વિજ્ઞાન વિશે આપણે બડાઈ મારીએ છીએ, છતાં પણ આપણી તર્કશક્તિના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અતિ વિચિત્ર છે. સંસ્કૃતમાં કહેવત છે તેમ તે માથા વિનાના માથાના દુઃખાવા જેવી વાત છે. આ જાતની પરિસ્થિતિ ‘માયા’ કહેવાય છે. તે નથી સત્ કે નથી અસત્. તમે તેને સત્ કહી શકો નહીં, કારણ કે જે સ્વતઃસિદ્ધ છે, જે દેશકાળથી પર છે, તે જ માત્ર સત્ છે. છતાં પણ આ જગત થોડે અંશે પણ અસ્તિત્વ વિશેના આપણા વિચારને સંતોષે છે, તેથી આ જગતનું ભાસમાન અસ્તિત્વ છે.
પણ સત્ (હોવાપણું) વસ્તુ માત્રની અંદર ઓતપ્રોત થઈને રહેલું છે; અને તે સત્ જાણે કે, દેશ, કાળ અને નિમિત્તની જાળમાં ફસાઈ ગયેલ છે. સાચા સ્વરૂપમાં માનવ અસીમ, અનાદિ, અનંત, સદા આનંદમય નિત્યમુક્ત છે. દેશ, કાળ અને નિમિત્તની જાળમાં તે સપડાયેલો છે. જગતની બધી વસ્તુઓનું તેવું જ છે. વસ્તુમાત્રનું સાચું સ્વરૂપ તો તે જ અનંત તત્ત્વ છે. આ કેવળ આદર્શવાદ નથી; એમ નથી કે જગતનું અસ્તિત્વ જ નથી. સાપેક્ષપણે તેનું અસ્તિત્વ છે અને તે સાપેક્ષતાની બધી શરતો પૂરી પાડે છે. પણ તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. દેશ, કાળ અને નિમિત્તથી પર જે નિરપેક્ષ તત્ત્વ છે, તેને કારણે જ આ જગત છે.
મેં ઘણું વિષયાંતર કર્યું. હવે આપણે મુખ્ય વિષય પર આવીએ.
આપમેળે થતી બધી જ ક્રિયાઓ અને ભાનપૂર્વક કરાતી બધી જ ક્રિયાઓ જ્ઞાનતંતુ દ્વારા થતું પ્રાણનું કાર્ય છે. હવે તમે જોશો કે અભાનપણે થતી ક્રિયાઓ ઉપર કાબૂ હોવો એ ઘણી ઇચ્છવા યોગ્ય વસ્તુ છે.
એક વખત મેં તમને ઈશ્વર અને મનુષ્યની વ્યાખ્યા આપી હતી. મનુષ્ય એક અનંત વર્તુળ છે કે જેનો પરિઘ ક્યાંય નથી, પરંતુ જેનું કેન્દ્ર એક ચોક્કસ બિન્દુમાં છે; જ્યારે ઈશ્વર એક અનંત વર્તુળ છે કે જેનો પરિઘ ક્યાંય નથી, પરંતુ જેનું કેન્દ્ર સર્વત્ર છે. ઈશ્વર બધા હાથો વડે કામ કરે છે, બધી આંખો વડે જુએ છે, બધા પગોથી ચાલે છે, બધાં શરીરોમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે, જીવમાત્રમાં તે જ જીવનરૂપે છે, દરેક મોઢેથી તે બોલે છે અને દરેક મગજ વડે તે વિચાર કરે છે. જો માણસ પોતાની આત્મચેતનાના મધ્યબિન્દુને અનંત રીતે વિકસાવે તો તે પરમેશ્વર જેવો બની શકે અને આખા વિશ્વ ઉપર કાબૂ મેળવી શકે. આથી સમજવાની મુખ્ય વસ્તુ આ ચૈતન્ય છે. ધારો કે અહીં અંધકારમાં એક અનંત રેખા છે. આપણે એ રેખાને જોતા નથી, પરંતુ તેના પર એક તેજસ્વી બિન્દુ છે કે જે ગતિશીલ છે. તે બિન્દુ જેમ જેમ રેખા ઉપર ચાલે છે તેમ તેમ તે રેખાના જુદા જુદા ભાગોને અજવાળે છે અને પાછળથી બધી વસ્તુઓ ફરીથી અંધકારમય બની જાય છે. આપણા ચૈતન્યને આપણે આ પ્રકાશમય બિન્દુ સાથે સરખાવી શકીએ. તેના ભૂતકાળના અનુભવોનું સ્થાન વર્તમાનકાળના અનુભવો લઈ લે છે; અથવા તે અનુભવો અચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે. આપણી અંદરના તેના અસ્તિત્વનું આપણને ભાન રહેતું નથી, પરંતુ આપણને ખ્યાલ ન આવે તે રીતે આપણા શરીર અને મન ઉપર અસર કરતા તે અનુભવો ત્યાં જ હોય છે. અત્યારે આપણે જે જે ક્રિયાઓ અભાનપણે કરીએ છીએ તે અગાઉ સભાનપણે કરવામાં આવતી હતી; આપમેળે કામ કરવાને માટે તેને પૂરતો ધક્કો અપાઈ ગયો હતો.
નિરપવાદપણે બધાં જ નીતિશાસ્ત્રોમાં એક મોટી ખામી એ છે કે મનુષ્ય જેના વડે પાપ કરતાં અટકે તેવા ઉપાયો વિશે શીખવવામાં આવતું નથી. બધાં નીતિશાસ્ત્રો એમ શીખવે છે કે ‘ચોરી કરશો નહીં!’ ઘણી સારી વાત છે. પરંતુ માણસ ચોરી કરે છે. શા માટે? કારણ કે ચોરી, લૂંટફાટ અને બીજાં બધાં ખોટાં કર્મો સામાન્યપણે સાહજિક થઈ ગયાં છે. રીઢા લૂંટારા, ચોર, મિથ્યાવાદી, અન્યાયી, સ્ત્રી કે પુરુષ, પોતાની ઇચ્છા ન હોવા છતાં તેવાં જ હોય છે. ખરેખર માનસશાસ્ત્રનો આ એક બહુ મોટો કોયડો છે. મનુષ્ય તરફ આપણે ખૂબ જ ઉદાર દૃષ્ટિથી જોવું જોઈએ. સારા થવું એટલું બધું સહેલું નથી. જ્યાં સુધી તમે મુક્ત ન બનો ત્યાં સુધી તમે કેવળ એક યંત્ર કરતાં વિશેષ શું છો? તમો સારા માણસ છો માટે શું તમારે એ માટે અભિમાન લેવું જોઈએ? જરાય નહીં. તમે સારા માણસ છો તેનું કારણ એ છે કે તેવા થવા સિવાય તમારો છૂટકો નથી. બીજો માણસ ખરાબ છે કારણ કે તે તેમ કરતો અટકી શકે તેમ નથી. તમે જો તેની સ્થિતિમાં હોત તો તમે કેવા થયા હોત તે કોણ જાણે! તમે સારા માણસ બની શકો તે માટે ઈશુ ખ્રિસ્તની જેમ મિથ્યાચારવાળી સ્ત્રી અથવા કેદખાનાનો ચોર પોતાનું બલિદાન આપે છે. સમતુલાનો આવો નિયમ છે. બધા ચોરો અને ખૂનીઓ, બધા અન્યાયી, નબળા, દુષ્ટો અને શેતાનો મારે મન ઈશુ છે! દેવ ઈશુ તથા દાનવ ઈશુ બન્ને મારી પૂજાના પાત્ર છે. તે મારો સિદ્ધાંત છે; તેમ કર્યા વિના હું રહી શકતો નથી. સાધુસંતોને ચરણે મારા નમસ્કાર છે, તેમજ પાપી અને દાનવ પુરુષોને ચરણે પણ મારાં વંદન છે. તે બધા મારા ગુરુઓ, આધ્યાત્મિક પિતાઓ અને તારણહાર છે. હું એકને ભલે ભાંડું અને છતાં તેની ભૂલોમાંથી ફાયદો ઉઠાવું; હું ભલે બીજાનાં વખાણ કરું છતાં તેનાં સત્કર્મોમાંથી ફાયદો ઉઠાવું. હું અહીં ઊભેલો છું તે વાત જેટલી સાચી છે તેટલી જ આ વાત પણ સાચી છે. હું બજારુ સ્ત્રી પ્રત્યે ઘૃણા બતાવું છું કારણ કે સમાજને તે પસંદ છે. તે બજારુ સ્ત્રી બીજી સ્ત્રીઓની પવિત્રતાનું કારણ હોઈ શકે છે ને મારી તારણહાર છે! તેનો ખ્યાલ કરો. સજ્જનો અને સન્નારીઓ, તમારા મનમાં આ પ્રશ્ન વિશે વિચાર કરો, તે સત્ય છે, ઉઘાડું અને ખુલ્લું સત્ય છે! જેમ જેમ હું જગતને વધારે જોઉં છું, જગતનાં સ્ત્રીપુરુષોને વધારે ને વધારે સંખ્યામાં જોઉં છું તેમ તેમ મારી આ માન્યતા વધારે દૃઢ થતી જાય છે. હું કોનો દોષ કાઢું? કોને વખાણું? ઢાલની બંને બાજુઓ આપણે જોવી જોઈએ.
આપણી સામે પડેલું કાર્ય વિશાળ છે; સૌથી પહેલાં તો આપણી અંદર રહેલા અને અજ્ઞાત મનમાં પડેલા અસંખ્ય વિચારો કે જે આપણને સ્વાભાવિક થઈ ગયા છે, તેના પર કાબૂ મેળવવાનો છે. એ વાત સાચી છે કે દુષ્ટ કાર્ય જ્ઞાત પ્રદેશમાં છે; પણ જે કારણે એ ઉત્પન્ન થયું તે તો જ્ઞાત ભૂમિકાથી ઘણું અદૃષ્ટ અને અજ્ઞાત પ્રદેશની અંદર રહેલું હતું અને તેથી તે વધારે શક્તિવાળું હતું.
વ્યવહારુ માનસશાસ્ત્ર પહેલાં તો તેની બધી જ શક્તિઓ અજ્ઞાત અવસ્થા ઉપર કાબૂ મેળવવામાં વાપરે છે; અને આપણે જાણીએ છીએ કે આપણે તેમ કરી શકીએ છીએ. તેનું કારણ શું? આપણે જાણીએ છીએ કે ચેતન સ્થિતિ અજ્ઞાત અવસ્થાનું કારણ છે. અજ્ઞાત અવસ્થાના વિચારો તો આપણે ચેતન અવસ્થામાં કરોડોની સંખ્યામાં કરેલા પણ મનની સપાટી નીચે દબાઈ ગયેલા, જૂના વિચારો છે—સભાનપણે કરેલાં જૂના કર્મ કે જે જાણે સડી ગયેલાં છે—આપણે એમના તરફ જોતા નથી, એમને જાણતા નથી અને તેમને ભૂલી ગયા છીએ. પણ એટલું ધ્યાનમાં રાખજો કે જો દુષ્કર્મની શક્તિ અજ્ઞાત મનમાં રહેલી છે, તો સત્કર્મની શક્તિ પણ ત્યાં જ છે. જાણે કે ખિસ્સામાં પડી હોય તેમ આપણી અંદર અનેક વસ્તુઓ સંઘરેલી પડી છે. આપણે તે વિશે ભૂલી ગયા છીએ; તેનો વિચાર પણ કરતા નથી; તેમાંથી કેટલીયે વસ્તુઓ સડે છે અને ચોક્કસ રીતે ભયરૂપ બને છે; અજ્ઞાત અવસ્થામાં પડેલાં તે કારણો બહાર આવે છે અને માનવજાતનો નાશ કરે છે. તેથી ખરું માનસશાસ્ત્ર આવી વસ્તુઓને સભાન અવસ્થાના કાબૂ હેઠળ લાવવાનો પ્રયત્ન કરશે. મોટું કામ તો જાણે કે આખા માણસને પુનર્જીવિત કરવાનું છે કે જેથી તે પોતાની જાતનો પૂરેપૂરો સ્વામી બની શકે. જેને આપણે આપણા શરીરમાં આપમેળે કાર્ય કરતા અવયવો તરીકે ઓળખીએ છીએ તે યકૃત જેવા અવયવોને પણ આપણે આપણા હુકમો માનતા કરી શકીએ.
અજ્ઞાત મન ઉપર કાબૂ, એ અભ્યાસનો પહેલો તબક્કો છે; જ્ઞાત મનથી પર જવું એ અભ્યાસનો બીજો તબક્કો છે. જે પ્રમાણે અજ્ઞાત મનનું કાર્ય જ્ઞાત મનથી નીચે રહેલું છે, તે જ પ્રમાણે બીજા એક પ્રકારનું કાર્ય પણ છે કે જે જ્ઞાત મન, ચેતન મનથી પર છે. જ્યારે આ અતિચેતન અવસ્થામાં પહોંચી શકાય છે, ત્યારે માણસ મુક્ત અને દિવ્ય બને છે, મૃત્યુ અમરત્વમાં પરિણમે છે, નિર્બળતા અનંત શક્તિ બને છે અને લોખંડની બેડીઓ સ્વતંત્રતામાં પલટાઈ જાય છે. અતિચેતન અવસ્થાનો આ અનંત પ્રદેશ એ જ આપણું ધ્યેય છે.
આમ આપણે જોઈશું કે આ કાર્ય બેવડું છે. એક છે ઇડા અને પિંગલા કે જે પ્રચલિત સામાન્ય નાડીપ્રવાહો છે, તેમને યોગ્ય કાર્ય કરતા કરવાનું છે અને એમ કરીને અજ્ઞાત મનનાં કાર્યો પર કાબૂ મેળવવાનું છે; બીજું છે, એનાથી પર અતિચેતન અવસ્થામાં પહોંચવાનું.
ગ્રંથો કહે છે કે એ જ સાચો યોગી છે કે જેણે લાંબા સમય સુધી એકાગ્રતાનો અભ્યાસ કર્યા પછી આ સત્ય પ્રાપ્ત કર્યું હોય. ત્યાર પછી સુષુમ્ણા નાડી ખૂલે છે અને જ્યાં પ્રવાહ કદી દાખલ થયો નથી ત્યાં આ નવા માર્ગમાં તે પ્રવેશે છે અને ધીમે ધીમે (જેને આપણે આલંકારિક ભાષામાં) જુદાં જુદાં કમળચક્રો કહીએ છીએ તે તરફ ઉપર ચડતાં ચડતાં છેવટે મગજમાં (સહસ્રાર ચક્રમાં) પહોંચે છે. પછી યોગી પોતાના ખરા સ્વરૂપને એટલે કે સાક્ષાત્ ઈશ્વરને જાણે છે.
એક પણ અપવાદ વગર આપણે સહુ કોઈ યોગના આ અંતિમ ધ્યેય સુધી પહોંચી શકીએ. પરંતુ તે વિકટ કાર્ય છે. જો માણસે આ સત્ય પ્રાપ્ત કરવું હોય તો તેણે આ પ્રવચનો સાંભળવા અને પ્રાણાયામરૂપી શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ કરવા ઉપરાંત કંઈક વધારે કરવું પડશે. તૈયારીમાં જ સર્વસ્વ રહેલું છે. દીવો સળગાવતાં કેટલો સમય લાગે છે? એક ક્ષણમાં આપણે દીવો પેટાવી શકીએ છીએ. પરંતુ મીણબત્તી બનાવતાં કેટલો લાંબો સમય લાગે છે? ભોજન કરવામાં કેટલો સમય લાગે છે? ભાગ્યે જ અરધો કલાક લાગતો હશે; પરંતુ ભોજન તૈયાર કરતાં કલાકો લાગે છે! આપણે એક ક્ષણમાં દીવો પ્રગટાવવો છે; પણ આપણે ભૂલી જઈએ છીએ કે દીવો પ્રગટાવતાં પહેલાં મુખ્ય વાત તો મીણબત્તી બનાવવાની છે.
વળી ધ્યેયે પહોંચવું ભલે ઘણું મુશ્કેલ છે, પરંતુ આપણા નાનામાં નાના પ્રયત્નો પણ વૃથા જતા નથી. આપણે જાણીએ છીએ કે કંઈ વ્યર્થ જતું નથી. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છેઃ ‘જે લોકો આ જીવનમાં યોગમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય, તે લોકો શું ગ્રીષ્મનાં વાદળાંની પેઠે નાશ પામે?’ શ્રીકૃષ્ણ જવાબ આપે છેઃ ‘ભાઈ! આ જગતમાં કોઈ વસ્તુનો નાશ થતો નથી. માણસ જે કંઈ કરે છે તે તેનું પોતાનું જ રહે છે; અને યોગનું ફળ—સિદ્ધિ જો આ જીવનમાં ન મળે, તો બીજા જન્મમાં તે ફરીથી હાથ ધરે છે.’ એ સિવાય ઈશુ ખ્રિસ્ત, બુદ્ધ, શંકરાચાર્ય વગેરેના ચમત્કારિક બાલ્યકાળનો ખુલાસો કેવી રીતે આપી શકાય?
આ રીતે પ્રાણાયામ, આસનો વગેરે યોગમાં મદદકર્તા જરૂર છે; પરંતુ તે માત્ર શારીરિક છે. મોટી તૈયારીઓ તો માનસિક છે. તેને માટે પહેલી જરૂરિયાતની બાબત છે શાંત અને નિરુપાધિક જીવન.
જો તમારે યોગી બનવું હોય તો તમે સ્વતંત્ર હોવા જોઈએ; તમારે એવા વાતાવરણમાં રહેવું જોઈએ કે જ્યાં તમે એકલા હો અને બધી ચિંતાઓમાંથી મુક્ત હો. જે માણસ આરામમય અને શોખીન જીવનની ઇચ્છા સેવે છે અને સાથે સાથે આત્મસાક્ષાત્કાર કરવાની પણ આશા રાખે છે, તે નદી તરવા માટે લાકડાનો ટુકડો સમજીને ભૂલથી મગરને પકડી રાખનાર પેલા મૂર્ખા જેવો છે. ‘પહેલાં તું ઈશ્વરના સામ્રાજ્યની શોધ કર એટલે તને બીજી બધી વસ્તુઓ મળી રહેશે.’ આ જ એક મોટી જવાબદારી છે. આનું જ નામ ત્યાગ છે. ચોક્કસ આદર્શને માટે જીવો અને મનમાં બીજી કોઈ વસ્તુને માટે જગ્યા ન રાખો. આપણી બધી શક્તિઓને, જેનો કદી નાશ નથી થતો એવી આધ્યાત્મિક પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે કામે લગાડીએ. જો પરમ તત્ત્વની અનુભૂતિને માટે આપણને ખરેખરી ધગશ હોય, તો તીવ્ર સાધના કરવી જોઈએ; અને સાધના દ્વારા જ આપણો વિકાસ થશે. આપણે ભૂલો તો કરીશું જ, પણ તે બધી અજ્ઞાત દેવદૂતો જેવી આપણને સહાયક નીવડશે.
આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સૌથી વધારે મદદરૂપ છે. ધ્યાનમાં આપણે બધી ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઈ જઈએ છીએ અને આપણા દિવ્ય સ્વભાવનું આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ઘણા જ ઉજ્જવળ રંગોથી રંગી શકે છે; ખરાબમાં ખરાબ વસ્તુને પણ તે સુગંધિત બનાવી શકે છે; પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે અને બધું વૈમનસ્ય, બધો સ્વાર્થ અદૃશ્ય થઈ જાય છે. શરીરનો જેટલો ઓછો વિચાર કરીએ તેટલું વધારે સારું છે, કારણ કે આપણને નીચે ખેંચી જનાર શરીર છે. આસક્તિ અને તાદાત્મ્ય આપણને દુઃખી કરે છે. રહસ્ય આ છે કે માણસે એવો વિચાર કરવો કે હું આત્મા છું, હું શરીર નથી. આ આખું વિશ્વ, તેની અંદરના બધા સંબંધો, તેમાં રહેલું સારું અને ખરાબ માત્ર ચિત્રોની હારમાળા છે, પડદા ઉપરનાં એ દૃશ્યો છે કે જેનો હું દ્રષ્ટા છું. (1.379)

