યોગને ખાસ કરીને ધર્મની નૈતિક બાજુ કરતાં વધુ તો ધ્યાનાત્મક બાજુ સાથે વધારે સંબંધ છે, જો કે નૈતિક બાજુની થોડીક ગણતરી આવશ્યક છે ખરી. માત્ર કહેવાતી પ્રેરણા કરતાં કંઈક વધારેની અપેક્ષા નરનારીઓમાં વધારે થતી જાય છે. તેમને તેમની પોતાની ચેતનામાં હકીકતો જોઈએ છીએ. ધર્મમાં કશીયે વાસ્તવિકતા હોય તો તે માત્ર અનુભવ દ્વારા જ હોઈ શકે. આધ્યાત્મિક હકીકતો મોટે ભાગે મનની અતિચેતન અવસ્થામાંથી એકઠી કરવાની હોય છે. જેઓ ખાસ અનુભવી હોવાનો દાવો કરે છે તેઓ જેવી સ્થિતિમાં હતા તેવી જ સ્થિતિમાં આપણે આપણી જાતને મૂકવી જોઈએ; ત્યાર પછી જો આપણને તેમના જેવા અનુભવો થાય તો તે આપણે માટે હકીકત બને છે. બીજાએ જે બધું જોયું છે તે આપણે પણ જોઈ શકીએ; જે બાબત એક વાર બની તે ફરીથી બની શકે; અરે, એના જેવા સમાન સંજોગોમાં ‘બનવી જ જોઈએ.’ અતિચેતન અવસ્થાએ કેવી રીતે પહોંચવું તે રાજયોગ આપણને શીખવે છે. બધા મહાન ધર્મો કોઈક રૂપમાં આ સ્થિતિનો સ્વીકાર કરે છે; પરંતુ ભારતમાં ધર્મની આ બાજુ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. શરૂઆતમાં આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં કેટલાક યંત્રવત્ ઉપાયો આપણને મદદ કરે; પરંતુ એવા ઉપાયો એકલા જ કદી ઝાઝું સિદ્ધ કરી શકે નહિ. કેટલાંક આસનો તથા કેટલીએક શ્વાસોચ્છ્વાસની પદ્ધતિઓ મનને સુમેળમાં લાવવામાં અને એકાગ્ર કરવામાં મદદ કરે છે ખરાં; પરંતુ એમની સાથોસાથ પવિત્રતા અને ઈશ્વર માટેની એટલે કે સાક્ષાત્કાર માટેની તીવ્ર ઇચ્છા તો હોવી જ જોઈએ. એક આસને બેસીને એક જ વિચાર પર મનને કેન્દ્રિત કરીને તેમાં તેને ટકાવી રાખવાનો પ્રયત્ન ઘણાખરા લોકોને ખાતરી કરાવશે કે એ કામ સફળતાપૂર્વક કરવામાં સમર્થ બનવા સારુ તેમને કશીક સહાયની જરૂર રહે છે. મનને ક્રમે ક્રમે અને પદ્ધતિસર વશમાં લાવવાનું છે; ઇચ્છાશક્તિને ધીમી પરંતુ સતત અને ખંતપૂર્વકની તાલીમ વડે મજબૂત બનાવવાની છે. આ કાંઈ બચ્ચાંનો ખેલ નથી અગર તો એકાદ દિવસ અજમાવી જોઈને બીજે દિવસે તજી દેવાની ધૂન નથી. આ તો આખી જિંદગીનું કાર્ય છે; અને પ્રાપ્ત થવાનું ધ્યેય, તેને માટે જે કાંઈ આપવું પડે તે બધું મૂલ્ય પૂરી રીતે આપવા માટે યોગ્ય છે, કારણ કે એ ધ્યેય દિવ્ય તત્ત્વ સાથેની આપણી સંપૂર્ણ એકતાના સાક્ષાત્કારથી કંઈ જ ઓછું નથી. બેશક, આ હેતુને લક્ષમાં રાખતાં તથા આપણે જરૂર સફળ થઈ શકીએ એ જ્ઞાન હોય તો, તેને માટે ચૂકવવી પડતી કોઈ પણ કિંમત વધારે પડતી હોઈ શકે જ નહિ. (1.469)

Total Views: 221
૧૪. એકાગ્રતા અને પ્રાણાયામ
૧૬. ધર્મની સાબિતી