ધર્મ વિષે મોટો પ્રશ્ન એ પુછાય છે કે તે શા માટે એટલો અવૈજ્ઞાનિક છે? ધર્મ એ વિદ્યા હોય તો બીજી વિદ્યાઓની પેઠે તે પણ શા માટે વૈજ્ઞાનિક ન હોય? ઈશ્વર, સ્વર્ગ આદિની માન્યતા કેવળ અટકળો છે, કલ્પનાઓ છે; તેમને વિષે કશું ચોક્કસ લાગતું નથી. ધર્મવિષય, આપણા વિચારો હંમેશાં બદલાતા રહે છે; મન નિરંતર ચંચલ અને ગતિમાન હોય છે.
શું મનુષ્ય એ આત્મા, એક પરિવર્તનરહિત વસ્તુ છે કે સદાય પરિવર્તન પામ્યા કરતો સમુદાય છે? પ્રાચીન બૌદ્ધ ધર્મ સિવાયના બધા ધર્મો માને છે કે માણસ એ આત્મા છે; એક એવું તત્ત્વ, એવું એકમ છે કે જેને કદી મૃત્યુ નથી, જે અમર છે.
પ્રાચીન બૌદ્ધો માને છે કે માનવ એક નિત્ય પરિવર્તનશીલ દ્રવ્ય છે અને તેની ચેતના એટલે જેની ગણના ન કરી શકાય એવી ઝડપવાળાં પરિવર્તનોની લગભગ અનંત પરંપરા; એ દરેક પરિવર્તન જાણે કે બીજાની સાથે કંઈ પણ સંબંધ વિનાનું, એકલું ઊભેલું છે. આમ તેઓ પરંપરાના કે કાર્યકારણના નિયમના સિદ્ધાંતને બાકાત રાખે છે.
જો એકમ હોય તો તે આધારભૂત સત્ય વસ્તુ હોય. એકમ હંમેશાં અમિશ્રિત હોય છે. જે અમિશ્રિત હોય તે કશાનું સંયોજન હોતું નથી, તે બીજી કોઈ વસ્તુ પર આધાર રાખતું નથી; તે એકલું જ રહે છે અને વિનાશરહિત હોય છે.
પ્રાચીન બૌદ્ધો કહે છે કે દરેક વસ્તુ એકબીજીની સાથે સંબંધ વિનાની છે. એકમ જેવું કંઈ જ નથી; તેમજ માણસ એક એકમ છે એ સિદ્ધાંત કેવળ માન્યતા જ છે, તે સાબિત થઈ શકે એવો નથી.
હવે મોટો પ્રશ્ન આ છેઃ માણસ એક એકમ છે કે સતત પરિવર્તનશીલ સમૂહ છે?
આ પ્રશ્નનો ઉત્તર આપવાનો, તેની સાબિતી બતાવવાનો એક જ માર્ગ છેઃ મનની બધી કલ્પનાઓ થંભાવી દો, એટલે તરત જ માણસ એક સાદું એકમ છે તેની સાબિતી મળી જશે. બધાં પરિવર્તનો મારામાં એટલે કે ચિત્તમાં છે. હું પોતે પરિવર્તનરૂપ નથી. જો હું તેવો હોત તો તેમને રોકી શકત નહીં?
દરેક વ્યક્તિ પોતે એમ માને છે અને બીજાને મનાવે છે કે આ દુનિયા બહુ સુંદર છે અને પોતે પૂર્ણ સુખી છે. પણ માણસ જીવનનો હેતુ શો છે એ પ્રશ્ન વિચારવા બેસે ત્યારે તેને લાગે છે કે આ અને તે વસ્તુઓ પાછળ પોતે વલખાં મારે છે, તેનું કારણ એ છે કે તેનાથી તેમ કર્યા વિના રહેવાતું નથી. તેને આગળ જવાની ફરજ પડે છે; તે રોકાઈ શકતો જ નથી. તેથી તે પોતાની જાતને ફોસલાવે છે કે તે પોતે જ ખરેખર આમ અગર તેમ કરવા ઇચ્છે છે. ઉત્તમ શારીરિક તાકાતવાળો માણસ જ પોતે ખૂબ સુખી છે એમ પોતાની જાતને ખાતરી કરાવવામાં ખરેખરો સફળ થાય છે. આવો માણસ કંઈ પણ સવાલ કર્યા વિના જ પોતાની ઇચ્છાઓને તરત સંતોષે છે. તેની અંદરની જે શક્તિ તેને કંઈ પણ વિચાર કર્યા વિના આગળ જવા આજ્ઞા કરે છે તેને તે તત્ક્ષણ અનુકૂળ થાય છે અને જાણે કે પોતાની ઇચ્છાથી જ કાર્ય થયું હોય તેમ માને છે. પણ જ્યારે તેને કુદરત ખૂબ ઠોકરો મારે, જ્યારે ઘણા ઘા વાગે અને ઉઝરડા થાય, ત્યારે તે આ બધાંનો શો અર્થ છે એવો વિચાર કરવા લાગે છે. જેમ જેમ વધારે જખમો થતા જાય ને તે વધુ વિચારતો થાય, તેમ તેમ તેને લાગે છે કે પોતાના કાબૂ બહારની કોઈક શક્તિ તેને ઉત્તેજે છે અને તેણે ફરજિયાત કાર્યો કરવાં પડે છે. પછી તે બળવો શરૂ કરે છે અને આમ વિગ્રહનો આરંભ થાય છે.
હવે આ બધાં દુઃખોમાંથી બહાર નીકળવાનો જો કંઈ રસ્તો હોય તો તે આપણી અંદર જ છે. આપણે હંમેશાં સત્યનું દર્શન કરવા પ્રયત્ન કરીએ છીએ જ; આપણને હંમેશાં તેમ કરવાની અંદરથી પ્રેરણા જ થતી હોય છે. આત્માએ પોતે કરેલું સર્જન જ ઈશ્વરને ઢાંકી દે છે, તેથી જ ઈશ્વરના આદર્શો વિષે આટલા બધા મતભેદો છે. જ્યારે આપણા આત્માની સૃષ્ટિ અટકે ત્યારે જ આપણે પૂર્ણપુરુષને પામી શકીએ. પરમાત્મા આત્મામાં છે, સર્જનમાં નથી. તેથી આત્માની સૃષ્ટિને અટકાવીને જ આપણે ઈશ્વરને જાણી શકીએ. જ્યારે જ્યારે આપણે આપણો વિચાર કરીએ છીએ, ત્યારે તે શરીરનો જ વિચાર હોય છે અને ઈશ્વરનો વિચાર કરીએ ત્યારે તેનો પણ શરીરરૂપે જ વિચાર કરીએ છીએ. આત્મા પ્રગટ થાય એટલા માટે મનની કલ્પનાઓ અટકાવવી એ જ ખરું કામ છે. આ તાલીમની શરૂઆત દેહથી થાય છે. પ્રાણાયામ શરીરને તાલીમ આપે છે અને તેને સુસંવાદી સ્થિતિમાં મૂકે છે. પ્રાણાયામની ક્રિયાઓનો હેતુ ધ્યાન અને એકાગ્રતા પ્રાપ્ત કરવાનો છે. તમે એકાદ ક્ષણને માટે પણ જો પૂર્ણપણે સ્થિર બની શકો, તો લક્ષ્ય સિદ્ધ કર્યું ગણાય. ત્યાર બાદ મન ભલે કાર્ય કરવા લાગે, પણ પછી તે પહેલાંનું મન નહિ હોય. તમે જેવા છો તેવા પોતાને જાણી શકશો, તમારા સાચા સ્વરૂપને ઓળખી શકશો. ફક્ત એ ક્ષણને માટે મનને સ્થિર કરી દો, તો તમારા મૂળ સ્વરૂપનો પ્રકાશ તમારા મન પર ઝબકશે અને મુક્તિ તમારા હાથમાં આવશે. ત્યાર પછી કશું બંધન નહિ રહે. આમ થવાનો નિયમ એ છે કે જો તમે કાળની એક ક્ષણને જાણી શકો તો સમગ્ર કાળને જાણી શકો, કેમ કે સમગ્ર કાળ એ એક એક ક્ષણનો ઝડપથી વહેતો પ્રવાહ જ છે. એ ક્ષણના સ્વામી બનો, એક ક્ષણને પૂર્ણપણે જાણો, તો મુક્તિએ પહોંચી જશો.
પ્રાચીન બૌદ્ધો સિવાય બધા ધર્મો ઈશ્વર અને આત્મામાં માને છે; અર્વાચીન બૌદ્ધો પણ ઈશ્વર અને આત્મામાં માને છે. પ્રાચીન બૌદ્ધો એટલે બ્રહ્મદેશ, સિયામ અને ચીનની પ્રજા.
‘ધી લાઈટ ઓફ એશિયા’ નામનું શ્રી આર્નોલ્ડનું પુસ્તક બૌદ્ધ ધર્મ કરતાં વેદાંત ધર્મને વધારે રજૂ કરે છે. (1.470)

