(સપ્ટેમ્બર ૨૦, ૧૮૯૩ના રોજ ધર્મ પરિષદમાં અપાયેલા પ્રવચનની અક્ષરશઃ નોંધ, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૧, પૃ. ૧૨૩-૨૬)

(શિકાગો ઈન્ટર ઓશન, સપ્ટેમ્બર ૨૧, ૧૮૯૩)

સ્વામી વિવેકાનંદ

મિ. હેડલેન્ડનો પેપર ‘રિલીજિયન ઈન પેકિંગ’ પૂરો થયા પછી ડૉ. મોમેરીએ જાહેર કર્યું કે એ સાંજે બોલનારા બીજા વકતાઓ દેખાતા ન હતા. ૯-૦૦ જ વાગ્યા હતા અને મુખ્ય સભાગૃહ તથા ગેલેરીઓ ચિક્કાર હતાં. મંચ ઉપર હિંદુ સાધુ વિવેકાનંદને પોતાની નારંગી ઝભ્ભા અને લાલ પાઘડીમાં જોઈને સભાજનો તાળી પાડી ઊઠ્યા.

એ લોકપ્રિય હિંદુએ તાળીઓના જોરદાર ગડગડાટનો પ્રત્યુત્તર આપતાં કહ્યું કે “હું આજ રાતે અહીં બોલવા માટે આવ્યો નથી.” પણ મિ. હેડલેન્ડે કરેલાં કેટલાંક વિધાનો સામે એમણે વાંધો લીધો અને તેમની ટીકા કરી. ચીનમાં પ્રવર્તતી ગરીબાઈનો ઉલ્લેખ કરતાં એ બોલ્યા કે “ખોરાકની કિંમત તરીકે ખ્રિસ્તી ધર્મ અપનાવી સદીઓ જૂના પુરાણા પોતાના ધર્મનો ત્યાગ કરવાનું તેમને સમજાવવાને બદલે, મિશનરીઓ એમની ભૂખ ભાંગવા કોશિશ કરે તો સારું થશે.” પછી એ હિંદુ મંચ પર જરા પાછળ હટી ગયા અને કેથલિક ચર્ચના બિશપ કીનના કાનમાં એક ક્ષણ માટે કશું ગણગણ્યા.

પછી પોતાનું પ્રવચન ચાલુ રાખતાં એ બોલ્યા કે “બિશપ કીને મને કહ્યું છે કે પ્રામાણિક ટીકાથી અમેરિકનોને માઠું નહીં લાગે.” પછી એમણે કહ્યું કે “ચીનમાં પ્રવર્તતી બધી ભયંકર બાબતો વિશે અને ભયંકર દશા વિશે મેં સાંભળ્યું છે. પણ આ દુઃખો દૂર કરવા માટે અમેરિકનોએ કોઈ આશ્રયસ્થાનો બાંધ્યાનું મેં સાંભળ્યું નથી.’

“અમેરિકાના ખ્રિસ્તી બંધુઓ, અધર્મીઓના આત્માના ઉદ્ધાર માટે મિશનરીઓ મોકલવા તમે આટલા ઉત્સુક છો. મારો તમને પ્રશ્ન છેઃ એમના દેહને ભૂખમરાથી બચાવવા તમે શું કર્યું છે? (તાળીઓ) ભારતમાં ૩૦ કરોડ નરનારીઓ મહિને સરેરાશ ૫૦ સેંટ પર જીવે છે. વર્ષો સુધી જંગલી ફૂલો પર નભતાં મેં તેમને જોયાં છે. નાનો પણ દુકાળ પડ્યો છે ત્યારે લાખ્ખો ભૂખમરાથી મૃત્યુ પામ્યાં છે. ખ્રિસ્તી મિશનરીઓ ત્યાં આવીને જીવતદાન આપવાની વાત કરે છે પણ એક શરતે કે પોતાના બાપદાદાનો ધર્મ ત્યાગીને હિંદુઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે. શું એ યોગ્ય છે? સેંકડો આશ્રયસ્થાનો છે પણ મુસલમાનો કે હિંદુઓ ત્યાં જાય તો તેમને હાંકી કાઢવામાં આવે છે. હિંદુઓએ ઊભાં કરેલાં હજારો આશ્રયસ્થાનોમાં કોઈપણ પ્રવેશી શકે છે. હિંદુઓની સહાયથી સેંકડો ખ્રિસ્તી દેવળો ઊભાં થયાં છે પણ એકપણ એવું હિંદુ મંદિર નથી જેને માટે ખ્રિસ્તીઓએ એક પૈસો પણ આપ્યો હોય.

પૂર્વને શાની જરૂર છે

“અમેરિકી બંધુઓ! પૂર્વનું પોકારતું અનિષ્ટ ધર્મ નથી. અમારી પાસે ધર્મ તો જોઈએ તેના કરતાં વધારે છે. લોકોને જરૂર છે રોટલાની પણ એમને પથ્થર અપાય છે. (તાળીઓ) ભૂખે મરતા માણસને ધર્મનો બોધ કરવો એ તેનું અપમાન છે. એટલે તમે ‘બંધુતા’નું ઉદાહરણ પૂરું પાડવા ઇચ્છતા હો તો હિંદુ પ્રત્યે થોડો વધારે દયાભાવ દાખવો, પછી ભલે એ હિંદુ જ રહે અને પોતાના ધર્મને વફાદાર રહે. એમને ધાર્મિક ધતિંગ શીખવવાને બદલે પોતાનો રોટલો વધારે સારી રીતે કમાતાં શીખવે તેવા મિશનરીઓ મોકલો. (ખૂબ તાળીઓ)

પછી એ સાધુએ કહ્યું કે ‘આજે મારી તબિયત સારી નથી ને તેથી હું વધુ ન બોલી શકું તે માટે મને માફ કરો.’ પણ તાળીઓના ગડગડાટ જોરદાર હતા અને ‘બોલવાનું ચાલુ રાખો’ એવા અવાજો પણ ખૂબ ઊઠતા હતા એટલે સ્વામી વિવેકાનંદે ચાલુ રાખ્યું.

“હમણાં જે પેપર વંચાયો તેમાં રંક અને અજ્ઞાની પુરોહિતો વિશે કંઈક ઉલ્લેખ છે. ભારતને પણ તે જ લાગુ કરી શકાય. ભિખારી તરીકે વર્ણવાયેલા સાધુઓ માંહેનો એક હું છું. મારા જીવનનું એ ગૌરવ છે. (તાળીઓ) એ અર્થમાં ઈસુ જેવા થવાનું મને ગૌરવ છે. આજે જે મળે તે હું ખાઉં છું અને આવતીકાલનો વિચાર કરતો નથી. ‘ખેતરનાં કમળ જુઓ. એ નથી શ્રમ કરતાં, નથી કાંતતાં.’ હિંદુ એને અક્ષરશઃ વળગી રહે છે. આ મંચ પર બેઠેલા અને શિકાગોમાં ઉપસ્થિત કેટલાક ગૃહસ્થો સાક્ષી પૂરી શકશે કે મારું બીજી વારનું ભાણું ક્યાંથી આવશે તેની ખબર છેલ્લાં બાર વર્ષથી મને ન હતી. પ્રભુને ખાતર ભિખારી થવાનું મને ગૌરવ છે. પૈસાને ખાતર બોધ આપવો કે શીખવવું એ હલકું કામ છે એ ખ્યાલ પૂર્વનો છે. પણ પગાર લઈ પ્રભુનામ શીખવવાનું તે એટલું તો અધમ છે કે પુરોહિત તેથી જ્ઞાતિ બહાર મુકાય અને લોકો એની ઉપર થૂંકે. એ પેપરમાં એક સૂચન સાચું છે. ચીન અને ભારતના પુરોહિતો સંગઠિત થાય તો સમાજના અને માનવજાતના ઉત્થાન માટે અસાધારણ શક્તિ જાગ્રત થાય. ભારતમાં તેવું સંગઠન કરવાના પ્રયત્નમાં પૈસાને અભાવે હું સફળ ન થયો. અમેરિકામાંથી મને તે સહાય મળે ખરી.

“પણ ‘ખ્રિસ્તી લોકો’ પાસેથી એક અસંસ્કારી અધર્મી માટે મદદ મેળવવી ખૂબ દુષ્કર છે. (ખૂબ તાળીઓ) મુક્તિના, સ્વતંત્રતાના અને વિચાર સ્વાતંત્ર્યના આ દેશ વિશે મેં ખૂબ સાંભળ્યું છે એટલે હું નિરાશ થતો નથી. સન્નારીઓ અને સદ્ગૃહસ્થો, આભાર.”

અને પછી એ લોકપ્રિય મુલાકાતીએ છટાપૂર્વક નમન કર્યું અને પ્રસન્ન હાસ્ય સાથે બેસવા ઇચ્છા વ્યક્ત કરી. પણ શ્રોતાજનોએ એમને બોલવાનું ચાલુ રાખવા દબાણ કર્યું. મુખ પર પ્રસન્નતાના ભાવ સાથે પછી વિવેકાનંદે હિંદુઓનો પુનર્જન્મનો સિદ્ધાંત સમજાવ્યો. પ્રવચન પૂરું થયે (ઇંગ્લેંડના એક પ્રતિનિધિ) ડૉ. મોમેરીએ કહ્યું કે ‘વર્તમાનપત્રો આ પરિષદને સહસ્રાબ્દીનો અભિગમ શા માટે કહે છે તે હું હવે સમજી શકું છું.’ (1.501)

Total Views: 175
૨. બેઠક ખંડમાંના વાર્તાલાપો
૪. પૂર્વની સ્ત્રીઓ