(વિશ્વ ધર્મપરિષદની કાર્યવાહીના સમગ્ર સંકલિત અહેવાલમાં (ગ્રંથ ૧લો, પૃષ્ઠ ૧૫૬) ‘પૂર્વની સ્ત્રીઓની પરિસ્થિતિ’ ઉપર સ્વામી વિવેકાનંદના એક વ્યાખ્યાનનો ઉલ્લેખ છે. એ વ્યાખ્યાનની વ્યવસ્થા, શિકાગોની જેફસ સ્ટ્રીટના મહિલા ભવનમાં, વિશ્વ ધર્મપરિષદના ‘મહિલા-વ્યવસ્થાપક મંડળ’નાં પ્રમુખ શ્રીમતી પોટર પામરે કરી હતી. ‘પૂર્વની તેમની બહેનોના જીવન વિશે સાંભળવા, ઘણા મોટી સંખ્યામાં મહિલાઓ હોલ નંબર ૭માં ગઈકાલે બપોર પછી ભેગી થઈ હતી.)

(તારીખ ૨૩મી સપ્ટેમ્બર સને ૧૮૯૩ના રોજ શિકાગો ‘ડેઈલી ઈન્ટરઓશન’માં આપેલા એક વ્યાખ્યાનનો અહેવાલ)

એક ખાસ સભામાં સ્વામી વિવેકાનંદે પૂર્વની સ્ત્રીઓના વર્તમાન અને ભાવિ વિષે ચર્ચા કરી. તેમણે કહ્યુંઃ ‘કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિની સારામાં સારી પારાશીશી તે દેશની સ્ત્રીઓ પ્રત્યેની તેની વર્તણૂકમાં રહેલી છે. પ્રાચીન ગ્રીસમાં પુરુષ અને સ્ત્રીની સ્થિતિમાં બિલકુલ ભેદભાવ હતો નહીં; પૂરેપૂરી સમાનતાનો વિચાર અસ્તિત્વમાં હતો. પરણ્યો ન હોય ત્યાં સુધી કોઈ હિંદુ પુરોહિત થઈ શકે નહીં; તેની પાછળ ભાવના એ છે કે કુંવારો માનવી કેવળ અર્ધમાનવી છે, અપૂર્ણ છે. સંપૂર્ણ સ્ત્રીત્વની ભાવના સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. આધુનિક હિંદુ મહિલાના જીવનની મુખ્ય ભાવના તેનું સતીત્વ છે. પત્ની એક એવા વર્તુળનું કેન્દ્ર છે, જેની મજબૂતી પત્નીના સતીત્વ પર આધાર રાખે છે. આ ભાવનાના અતિરેકને પરિણામે હિંદુ વિધવાઓને બળી મરવું પડતું. હિંદુ સ્ત્રીઓ ખૂબ આધ્યાત્મિક અને ઘણી ધાર્મિક છે; કદાચ જગતની બીજી કોઈ પણ સ્ત્રીઓ કરતાં આ બાબતમાં તેઓ ખૂબ મોખરે છે. આ સુંદર ગુણો જો અમે જાળવી રાખી શકીએ અને સાથોસાથ જો અમે સ્ત્રીઓનો બૌદ્ધિક વિકાસ સાધી શકીએ, તો ભવિષ્યની હિંદુ નારી જગતની આદર્શ સ્ત્રી બનશે.’

વાચકોને એ જાણવામાં રસ પડશે કે શિકાગોની ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલાં ભાષણો સંપૂર્ણપણે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં નથી અને ઘણાં ભાષણોનો—ખાસ કરીને પરિષદના વૈજ્ઞાનિક વિભાગમાં એમણે આપેલાં ભાષણોનો અહેવાલ બિલકુલ અપાયેલ જ નથી. કોલંબસ ખંડમાં ભરવામાં આવતી ખુલ્લી બેઠકની સાથોસાથ જ વૈજ્ઞાનિક વિભાગની બેઠકોનું સંચાલન કરવામાં આવતું. સ્વામી વિવેકાનંદ વૈજ્ઞાનિક વિભાગમાં નીચેના વિષયો પર બોલ્યા હતાઃ

(૧) સનાતન હિંદુ ધર્મ અને વેદાંત ફિલસૂફી

શુક્રવાર, તારીખ ૨૨મી સપ્ટેમ્બર, સને ૧૮૯૩, સવારે ૧૦-૩૦.

(૨) ભારતના આધુનિક ધર્મો

શુક્રવાર, તારીખ ૨૨મી સપ્ટેમ્બર, સને ૧૮૯૩, બપોર પછીની બેઠક.

(૩) પહેલાંનાં ભાષણોના વિષય પર

શનિવાર, તારીખ ૨૩મી સપ્ટેમ્બર, સને ૧૮૯૩

(૪) હિંદુ ધર્મનો સાર

સોમવાર, તારીખ ૨૫મી સપ્ટેમ્બર, સને ૧૮૯૩

આમાંના પ્રથમ વ્યાખ્યાન અંગે ૨૩મી સપ્ટેમ્બર સને ૧૮૯૩ના ‘ધી શિકાગો ડેઈલી ઈન્ટરઓશને’ નીચેની નોંધ પ્રસિદ્ધ કરી હતીઃ

‘વૈજ્ઞાનિક વિભાગમાં ગઈ કાલે સવારે સ્વામી વિવેકાનંદ ‘સનાતન હિંદુ ધર્મ’ પર બોલ્યા. ત્રીજો ખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો. શ્રોતાજનોએ સ્વામીજીને સેંકડો પ્રશ્ન પૂછ્યા હતા અને તે મહાન સંન્યાસીએ અદ્ભુત કુશળતાથી અને સ્પષ્ટ રીતે એ બધાના ઉત્તરો આપ્યા હતા. બેઠક પૂરી થતાં આતુર જિજ્ઞાસુઓનાં ટોળાંઓ તેમને ઘેરી વળ્યાં; તેમણે સ્વામીજીને તેમના ધર્મના વિષય પર કોઈક જગાએ જાહેર જેવું વ્યાખ્યાન આપવાની વિનંતી કરી. સ્વામીજીએ જવાબ આપ્યો કે આવી યોજનાનો પોતે ક્યારનો વિચાર કરી રહ્યા છે.’ (1.504)

Total Views: 210
૩. ધર્મ ભારતની તાતી જરૂર નથી
૫. ધાર્મિક એકતા પરિષદ