(જાન્યુઆરી ૨૨, ૧૮૯૬)

સાંખ્યશાસ્ત્રમાં અસ્તિત્વના દ્વૈત પાસે, એટલે કે પ્રકૃતિ અને પુરુષ સુધી, આવીને પૃથક્કરણ અટકી જાય છે. પુરુષની સંખ્યા અનંત છે; તેઓ કેવળ અસંમિશ્ર હોઈ, તેમનો નાશ થતો નથી અને તેથી પ્રકૃતિ કરતાં તે ભિન્ન હોવાં જોઈએ. પ્રકૃતિ પોતે પરિણામ પામે છે અને સમગ્ર ઘટનાને પ્રકટ કરે છે, જ્યારે પુરુષ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે નિષ્ક્રિય છે. તે પોતે કેવળ અસંમિશ્ર છે અને પ્રકૃતિ આ સમગ્ર પ્રપંચને પુરુષની મુક્તિ અર્થે વિસ્તારે છે; પોતે પ્રકૃતિ નથી એવો વિવેક કરવામાં પુરુષની મુક્તિ સમાયેલી છે. સાથોસાથ આપણે જોયું કે સાંખ્યવાદીઓને દરેક પુરુષ સર્વવ્યાપી હોવાનો સ્વીકાર કરવો પડ્યો હતો. પુરુષ કેવળ અસંમિશ્ર હોવાથી તે સીમિત હોઈ શકે નહીં કારણ કે બધી સીમાનું નિર્માણ દેશ, કાળ અથવા નિમિત્ત દ્વારા જ થાય છે. પુરુષ સંપૂર્ણપણે આ બધાંથી પર હોવાથી તેને કોઈ સીમા હોઈ શકે નહીં. સીમિત હોવા માટે તેણે દેશની અંતર્ગત આવવું જોઈએ કે જેનો અર્થ શરીર થાય અને જે શરીર છે તે પ્રકૃતિમાં જ હોવું જોઈએ. જો પુરુષને આકાર હોત તો તે પ્રકૃતિથી અભિન્ન હોત અને તેથી તે નિરાકાર છે; અને જે નિરાકાર છે તે અહીં, તહીં કે કોઈ પણ અમુક જગ્યાએ હોવાનું કહી શકાય નહીં. તે સર્વવ્યાપક હોવો જોઈએ. સાંખ્યદર્શન આથી આગળ જતું નથી.

આની વિરુદ્ધ વેદાંતવાદીઓની પ્રથમ દલીલ એ છે કે આ પૃથક્કરણ સંપૂર્ણ નથી. જો આ પ્રકૃતિ નિરપેક્ષ હોય અને આત્મા પણ નિરપેક્ષ હોય, તો નિરપેક્ષ બે તત્ત્વો થાય; અને આત્માની બાબતમાં તે સર્વવ્યાપક હોવાનું પુરવાર કરતી બધી દલીલો પ્રકૃતિને પણ લાગુ પડે અને પ્રકૃતિ પણ દેશ, કાળ અને નિમિત્તથી અતીત બની જાય; પરિણામે કોઈ પણ પરિવર્તન અથવા વિકાસ થાય નહીં. પછી બે નિરપેક્ષ સત્તા હોવાની મુશ્કેલી ઊભી થાય કે જે અસંભવિત છે. વેદાંતી આ પ્રશ્ન અંગે શો ઉકેલ સૂચવે છે? તેનો જવાબ એ છે કે, જેમ સાંખ્યવાદીઓ કહે છે તેમ, જડ પદાર્થથી માંડીને મહત્ (બુદ્ધિ) સુધી પ્રકૃતિ તેનાં તમામ સ્વરૂપોમાં માત્ર અચેતન છે; એટલે મનને વિચાર કરતું કરે અને પ્રકૃતિને કામ કરતું કરે તે માટે, તેમની પાછળ પ્રેરકબળ તરીકે કામ કરતું કોઈ એક ચેતનતત્ત્વ હોવું જ જોઈએ. હવે વેદાંતીના કહેવા મુજબ આ ચેતનતત્ત્વ કે જે અખિલ બ્રહ્માંડની પાછળ વિદ્યમાન છે, તેને આપણે ઈશ્વર કહીએ છીએ અને પરિણામે આ બ્રહ્માંડ તેનાથી જુદું નથી. તે પોતે જ આ બ્રહ્માંડરૂપે વ્યક્ત થયેલ છે. તે માત્ર આ બ્રહ્માંડનું નિમિત્ત કારણ જ નહીં પરંતુ તેનું ઉપાદાનકારણ પણ છે. કાર્યથી કારણ કદી પણ પૃથક હોતું નથી; કાર્ય એ માત્ર બીજા સ્વરૂપમાં રૂપાંતર પામેલું કારણ જ છે. આપણે એ દરરોજ જોઈએ છીએ. એટલે આ ચેતનતત્ત્વ જ પ્રકૃતિનું કારણ છે. વેદાંતના બધા વિભાગોઃ દ્વૈત, વિશિષ્ટાદ્વૈત કે અદ્વૈત, પ્રથમ આ સ્થિતિ સ્વીકારે છે કે ઈશ્વર આ વિશ્વનું માત્ર નિમિત્ત-કારણ નહીં પરંતુ ઉપાદાન-કારણ પણ છે અને દરેક વિદ્યમાન વસ્તુ ‘એ પોતે’ જ છે. વેદાંતનું બીજું સોપાન એ છે કે આ આત્માઓ પણ અનંત અગ્નિના એક સ્ફુલિંગની જેમ ઈશ્વરના જ અંશરૂપ છે. ‘જેવી રીતે અગ્નિ સમૂહમાંથી લાખો નાના સ્ફુલિંગો ઊડે છે, તેવી જ રીતે આ બધા આત્માઓ આ સનાતન પુરુષમાંથી ઉત્પન્ન થાય છે.’

અહીં સુધી તો જાણે કે ઠીક; પરંતુ માત્ર એટલેથી જ સંતોષ થતો નથી. અનંતનો એક અંશ એટલે શું? અનંત અવિભાજ્ય છે; અનંતના ભાગલા થઈ શકે નહીં. પૂર્ણ બ્રહ્મ કદી વિભાજિત થઈ શકે નહીં. તો પછી આ બધા સ્ફુલિંગો તેમાંથી પ્રગટ્યા છે તેમ કહેવાનો અર્થ શો છે? અદ્વૈતવાદી વેદાંતી આ સમસ્યાની મીમાંસા એમ કહીને કરે છે કે વાસ્તવમાં, પૂર્ણ બ્રહ્મનો કોઈ અંશ નથી; પ્રત્યેક આત્મા અનંતનો કોઈ અંશ નથી, પરંતુ ખરેખર અનંત બ્રહ્મ સ્વરૂપ છે. તો પછી આ બધા આત્માઓ આવ્યા ક્યાંથી? જળનાં લાખો બિંદુઓમાં એક જ સૂર્યનાં લાખો પ્રતિબિંબો દૃષ્ટિગોચર થાય છે અને દરેક જળબિંદુમાં સૂર્યના આકારનું નાનું પ્રતિબિંબ હોય છે; તે રીતે આ બધા આત્માઓ માત્ર પ્રતિબિંબ સ્વરૂપ છે, વાસ્તવિક નથી. તેઓ સાચા ‘અહં’ નથી; સાચો ‘અહં’ તો વિશ્વની એક અવિભાજ્ય સત્તા પરમેશ્વર છે! આ બધાં ક્ષુદ્ર પ્રાણીઓ, મનુષ્યો અને પશુઓ વગેરે માત્ર પ્રતિબિંબ છે. સાચાં નથી. તેઓ માત્ર પ્રકૃતિની ઉપર પડેલાં મિથ્યા પ્રતિબિંબો છે. વિશ્વમાં માત્ર એક જ અનંત આત્મા છે અને તે જ ‘તમે’ અને ‘હું’ તરીકે દૃશ્યમાન થાય છે; આ બહુત્વની પ્રતીતિ એ આખરમાં તો એક ભ્રમણા માત્ર છે. આ આત્મા વિભક્ત થયો નથી, પરંતુ જાણે કે વિભક્ત થયો હોય એમ દેખાય છે. આ મિથ્યા ભેદ, તેને દેશ, કાળ અને નિમિત્તની જાળના માધ્યમ દ્વારા જોવાથી પ્રતીત થાય છે. જ્યારે હું ઈશ્વરને દેશ, કાળ અને નિમિત્તની જાળમાંથી જોઉં છું, ત્યારે હું તેને જડ જગત તરીકે દેખું છું; જ્યારે થોડી વધુ ઉચ્ચ ભૂમિકામાંથી, તેમ છતાં તે જ જાળમાંથી હું તેની તરફ જોઉં છું, ત્યારે હું તેને એક પશુ તરીકે જોઉં છું, તેથી વધુ ઉચ્ચ ભૂમિકાએથી માણસ તરીકે અને તેથી વધારે ઉચ્ચ ભૂમિકાએ દેવ તરીકે હું જોઉં છું. પરંતુ તેમ છતાં તે બ્રહ્માંડમાં એક જ અનંત સત્તા છે અને તે સત્તા આપણે પોતે જ છીએ. હું તે છું, તમે તે છો; તેના અંશ નહીં, પણ પૂર્ણ રૂપમાં. ‘તે અનંત જ્ઞાતારૂપે સમગ્ર પ્રપંચની પાછળ ઊભો છે; તે સ્વયં પ્રપંચ સ્વરૂપ છે.’ તે વિષયી અને વિષય બંને છે, તે ‘હું’ અને ‘તમે’ છે.

આ કેવી રીતે બન્યું? ‘જ્ઞાતાને કેવી રીતે જાણવો?’ જ્ઞાતા સ્વયં પોતાને જાણી શકતો નથી, હું પ્રત્યેક વસ્તુ જોઈ શકું છું પરંતુ મારી જાતને જોઈ શકતો નથી. તે જ આત્મા, જ્ઞાતા, વિશ્વનો સ્વામી, પરમાર્થ તત્ત્વ, વિશ્વમાં જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે એના કારણરૂપ છે, પરંતુ તેને માટે પોતાને જોવાનું અથવા સ્વયં પોતાને જાણવાનું પોતાના પ્રતિબિંબ સિવાય અસંભવિત છે. તમે તમારો પોતાનો ચહેરો અરીસા સિવાય દેખી શકતા નથી, તે રીતે આત્મા પણ પ્રતિબિંબિત ન થાય ત્યાં સુધી પોતાના સ્વરૂપને જોઈ શકતો નથી. તેથી આ સમગ્ર વિશ્વ, પોતાની જાતનો સાક્ષાત્કાર કરવા મથતો સ્વયં પરમાત્મા જ છે. આ પ્રતિબિંબ પ્રથમ જીવકોષ ઉપર પડે છે, ત્યાર પછી ઉદ્ભિજ ઉપર, પછી પ્રાણીઓ ઉપર અને એમ આગળ જતાં જતાં વધુ અને વધુ શુદ્ધ પરાવર્તકો ઉપર પડતાં પડતાં છેવટે શુદ્ધ સૌથી પરાવર્તક એટલે કે પૂર્ણ માનવ સુધી પહોંચે છે. જેવી રીતે કોઈ મનુષ્ય પોતાનો ચહેરો જોવાની ઇચ્છાથી, પ્રથમ એક ડહોળા પાણીના નાના ખાબોચિયામાં તે જુએ છે કે જેમાં માત્ર રેખાકૃતિ જ દેખાય છે; પછી તે નિર્મળ જળાશય પાસે આવે છે અને પોતાનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ જુએ છે; પછી ચળકતી ધાતુના એક ટુકડામાં તેથી પણ વધુ સ્પષ્ટ પ્રતિબિંબ જુએ છે; છેવટે દર્પણમાં તે પોતે જેવો છે તેવો જ પોતાને જુએ છે. એટલા માટે પરમાત્માનું જે વિષય અને વિષયી તરીકેનું ઉભય સ્વરૂપ છે, તેનું સર્વશ્રેષ્ઠ પ્રતિબિંબ પૂર્ણ માનવ છે. હવે તમને ખ્યાલમાં આવશે કે શા માટે માણસ સ્વભાવતઃ પ્રત્યેક વસ્તુની પૂજા કરે છે અને કેવી રીતે પૂર્ણ માનવો દરેક દેશમાં ઈશ્વર તરીકે આપોઆપ પૂજાય છે. તમે ભલે તમને ગમે તેવી વાતો કરો, પણ તેમની પૂજા અવશ્ય થયા જ કરવાની. એટલા માટે માણસો ઈશુ ખ્રિસ્ત અને બુદ્ધ જેવા પૂર્ણ માનવોને અવતાર તરીકે પૂજે છે. તેઓ અનંત આત્માની સર્વાંગ સંપૂર્ણ અભિવ્યક્તિઓ છે. તમે અથવા હું ઈશ્વર વિષે જેટલી કલ્પનાઓ કરી શકીએ તે બધા કરતાં તેઓ વધારે ઉચ્ચ છે. એક પૂર્ણ માનવ, આવી કલ્પનાઓ કરતાં અનેકગણો વધારે ઉચ્ચ છે. તેનામાં (જગતરૂપ) વર્તુળ સંપૂર્ણ બને છે; વિષય અને વિષયી એક થઈ જાય છે. તેનામાં બધી ભ્રમણાઓ લીન થઈ જાય છે અને તેને સ્થાને એવો સાક્ષાત્કાર થાય છે કે ચિરકાળથી જ તે પૂર્ણ પરમાત્માના રૂપમાં વિદ્યમાન છે.

તો પછી આ બંધન આવ્યું કેવી રીતે? આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માટે અપૂર્ણમાં અવનત થવાનું શક્ય કેવી રીતે હતું? મુક્ત હતો તેને બદ્ધ બનવાનું શક્ય કેવી રીતે થયું? અદ્વૈતવાદી કહે છે કે તે કદી બદ્ધ ન હતો, હંમેશાં મુક્ત જ હતો. આકાશમાં જુદા જુદા રંગનાં અનેક વાદળાં આવે છે; તેઓ સ્વલ્પ કાળ માટે ત્યાં રહે છે અને પછી ખસી જાય છે; પેલું અનંત નીલ આકાશ, અનંત કાળથી વિસ્તરેલું તેમનું તેમ જ રહે છે. આકાશ કદી બદલાતું નથી; જે બદલાય છે તે તો માત્ર વાદળું જ છે. એ જ રીતે તમે હંમેશાં પૂર્ણ છો, ચિરકાળથી પૂર્ણ છો. કોઈ પણ વસ્તુ તમારી પ્રકૃતિને કદી પણ બદલાવતું નથી કે કદી તે બદલાશે નહીં. આ બધા ભાવો, જેવા કે હું અપૂર્ણ છું, પુરુષ છું અથવા સ્ત્રી છું અથવા પાપી છું અથવા મન છું, મારી પાસે વિચાર છે, હું વિચારીશ. આ બધી ભ્રમણાઓ છે. તમે કદી વિચારતા નથી, તમારે કદી શરીર હતું નહીં, તમે કદી પણ અપૂર્ણ હતા નહીં. તમે આ જગતના આનંદમય પ્રભુ છો, પ્રત્યેક વસ્તુ કે જે વિદ્યમાન છે અને ભવિષ્યમાં થશે તે તમામના તમે એકમાત્ર સર્વશક્તિમાન નિયંતા છો; આ સૂર્ય, તારા, ચંદ્ર, પૃથ્વી, ગ્રહો અને આપણા વિશ્વના તમામ ક્ષુદ્ર અંશોના તમે સર્વશક્તિમાન સ્વામી છો. સૂર્ય પ્રકાશે છે, તારાઓ ચમકે છે અને પૃથ્વી સૌંદર્યધામ બને છે તે બધું તમારે લઈને છે. તમે પ્રેમસ્વરૂપ છો માટે તેઓ એકબીજાને ચાહે છે અને એકબીજા તરફ આકર્ષાય છે. તમે સર્વમાં છો, સર્વ સ્વરૂપ છો. શાનો ત્યાગ કરવો અને શાનું ગ્રહણ કરવું? તમે સર્વમય છો. જ્યારે આ જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે તે જ ક્ષણે ભ્રમણા અદૃશ્ય થઈ જાય છે.

ભારતમાં એક વખત હું રણપ્રદેશમાં મુસાફરી કરતો હતો. ત્યાં એક મહિનાથીયે વધુ વખત સુધી મેં પ્રવાસ કર્યો અને અત્યંત મનોહર કુદરતી દૃશ્યો જેવાં કે સુંદર સરોવરો વગેરે જોયા કરતો હતો. એક દિવસ હું બહુ જ તરસ્યો થયો હતો તેથી આવા એક સરોવરમાંથી પાણી પીવા જવાનો વિચાર કર્યો. પણ જેવો હું તેની પાસે પહોંચ્યો કે તરત તે અદૃશ્ય થઈ ગયું. મને મગજમાં વીજળીના ચમકારાની પેઠે વિચાર આવ્યો કે મારી આખી જિંદગી સુધી જે મૃગજળ વિશે મેં વાંચ્યું હતું તે આ જ છે. મને એ યાદ આવ્યું અને મારી મૂર્ખાઈ પ્રત્યે હું હસ્યો. છેલ્લા એક મહિનાથી જે રળિયામણી ભૂમિ અને સરોવરો હું જોયા કરતો હતો, તે હતાં તો આ મૃગજળ જ. પરંતુ તે વખતે હું તે પારખી શક્યો ન હતો. બીજી સવારે મેં મારો પ્રવાસ ફરી શરૂ કર્યો; ત્યારે પણ તે દૃશ્યો હતાં જ, પરંતુ તે જોતાંવેંત જ મને ખ્યાલ આવ્યો કે ‘આ તો મૃગજળ છે.’ એક વાર જ્ઞાન થયા પછી તેની માયાશક્તિ નાશ પામી હતી. તેવી રીતે એકાદ દિવસે વિશ્વની આ માયાજાળ પણ તૂટી જશે, આ સમગ્ર વિશ્વ અદૃશ્ય થઈ જશે. આ છે અનુભૂતિ.

ફિલસૂફી કેવળ મજાક અથવા હવાઈ વાતો નથી. તેનો અનુભવ કરવાનો છે; આ શરીર નાશ પામશે, આ પૃથ્વી અને પ્રત્યેક વસ્તુ અદૃશ્ય થશે, હું શરીર કે મન છું એવો ભાવ કેટલાક સમય માટે ચાલ્યો જશે અને જો કર્મનો અંત આવ્યો હશે તો તે તદ્દન અલોપ થઈ જશે; કદી તે પાછો આવશે નહીં. પરંતુ જો કર્મનો કોઈ એક ભાગ બચ્યો હશે તો – જેવી રીતે કુંભારનો ચાકડો તેણે ઘડો ઉતારી લીધા પછીયે કેટલીક વાર સુધી પૂર્વવેગને લઈને ફર્યા કરે છે – તેવી રીતે અજ્ઞાન પૂર્ણપણે ચાલ્યા ગયા પછી પણ આ શરીર કેટલોક કાળ ચાલ્યા કરશે. જેવી રીતે બીજે દિવસે પેલું મૃગજળ દેખાયું હતું તેવી રીતે પુનઃ આ જગત આવશે, પુરુષો, સ્ત્રીઓ અને પશુઓ આવશે, પરંતુ હવે તે તેટલા જ બળ સાથે આવશે નહીં. એ વખતે સાથોસાથ એ વિચાર પણ આવશે કે હવે હું તેનો સ્વભાવ જાણું છું અને તેથી તે કોઈ બંધન, દુઃખ, શોક અથવા પરિતાપ ઉપજાવશે નહીં. જ્યારે પણ કોઈ વિપત્તિ આવશે ત્યારે મન એટલું કહી શકશે કે ‘હું જાણું છું કે તું ભ્રમણા છો.’ માણસ જ્યારે આ અવસ્થાએ પહોંચે છે ત્યારે તે જીવનમુક્ત કહેવાય છે; જીવિત અવસ્થામાં પણ તે મુક્ત છે. જ્ઞાનયોગીના જીવનનું અંતિમ લક્ષ્ય આ રીતે જીવનમુક્ત થવાનું છે.

આ જગતમાં અનાસક્ત થઈને જે રહી શકે છે તે જીવનમુક્ત છે. જળમાં રહ્યા છતાં કદી પણ જળથી નહીં ભીંજાતાં કમળની પેઠે તે રહે છે. તે મનુષ્યજાતિમાં સર્વશ્રેષ્ઠ છે એટલું જ શા માટે, તે સકળ જીવંત સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ છે; કારણ કે, તેણે પરમાત્મા સાથે પોતાની એકતાનો સાક્ષાત્કાર કર્યો છે, ઈશ્વર સાથે પોતે એક છે એવો તેણે સાક્ષાત્કાર કર્યો છે. જ્યાં સુધી ઈશ્વરથી તમે સહેજ પણ ભિન્ન છો એવું તમે ધારશો ત્યાં સુધી ભય તમને જકડી રાખશે; પણ જ્યારે તમે જાણશો કે તમે ઈશ્વર છો, તમારામાં અને એનામાં કોઈ ભેદ નથી, જરા પણ ભેદ નથી, તમે તે છો, સમગ્રપણે તેના છો અને સંપૂર્ણપણે તેના છો, ત્યારે બધો ભય શમી જાય છે. ‘ત્યાં કોણ કોને જુએ છે? કોણ કોને ભજે છે? કોણ કોની સાથે વાત કરે છે? કોણ કોને સાંભળે છે? જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને જુએ છે, જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરે છે, જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને સાંભળે છે, તે સ્થિતિ ક્ષુદ્ર છે; જ્યાં કોઈ કોઈને જોતું નથી, જ્યાં કોઈ કોઈની સાથે બોલતું નથી, તે સર્વશ્રેષ્ઠ સ્થિતિ છે. તે મહાન છે, તે જ બ્રહ્મ છે.’ તેમ હોવાથી, તમે હંમેશાં તે જ છો.

તો પછી આ દુનિયાનું શું થશે? આ દુનિયાનું આપણે શું કલ્યાણ કરીશું? આવા પ્રશ્નો ઉપસ્થિત થતા જ નથી. ‘હું જ્યારે મોટો થઈશ ત્યારે મારાં રમકડાંનું શું થશે?’ એ પ્રશ્ન બાળક પૂછે છે? ‘જો હું મોટો થાઉં તો મારી લખોટીનું શું થશે? માટે હું મોટો થઈશ નહીં!’ એમ નાનો છોકરો કહે છે શું? ‘હું મોટી થઈશ ત્યારે મારી ઢીંગલીઓનું શું થશે?’ નાની બાળકી આવો સવાલ કરે છે? આ દુનિયાના સંબંધમાં પણ એ જ સવાલ પુછાય છે; ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અથવા ભવિષ્યમાં આ દુનિયાનું અસ્તિત્વ જ નથી. જો આપણે આત્માને તે જેવો છે તેવો જાણ્યો હોય, જો આ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી એમ આપણે જાણ્યું હોય, આત્મા સિવાયની પ્રત્યેક વસ્તુ માત્ર સ્વપ્ન છે, વાસ્તવમાં અસ્તિત્વ વિનાની છે એમ આપણે જાણ્યું હોય, તો પછી આ જગત, તેનું દારિદ્રય, તેનાં દુઃખો, તેની દુષ્ટતા તથા તેની સારપ સાથે આપણને ચલિત કરતું અટકી જશે. જો એ બધાંનું અસ્તિત્વ નથી, તો પછી કોને માટે અને શા માટે આપણે આ બધું કષ્ટ વેઠવું? જ્ઞાનયોગીઓ જે શીખવે છે તે આ છે.

એટલા માટે મુક્ત થવાની હિંમત કરો, તમારી ચિંતનશક્તિ તમને લઈ જઈ શકે તેટલે સુધી દૂર જવાનું સાહસ કરો અને તમારા જીવનમાં તેનો અમલ કરવાની હામ ભીડો. આ જ્ઞાન પ્રાપ્ત કરવું ઘણું મુશ્કેલ છે. અત્યંત બહાદુર અને ખૂબ સાહસિકોનું તે કામ છે, જેઓ બધી પૂતળીઓને તોડી ફોડી નાખવાની હિંમત કરે, – માત્ર બૌદ્ધિક નહીં પરંતુ ઇન્દ્રિયભોગ્ય વિષયરૂપી પૂતળીઓને પણ જે તોડી ફોડી નાખીને ફેંકી દઈ શકે. આ શરીર હું નથી; તેનો અવશ્ય નાશ થશે. આમાંથી અનેક પ્રકારની વિચિત્ર બાબતો ઉદ્ભવે તેવો સંભવ છે. એક માણસ ઊભો થાય અને પૂછે કે ‘હું શરીર નથી, એટલા માટે મારા માથાનો દુઃખાવો મટી જ જવો જોઈએ.’ પરંતુ શરીર જ નથી તો માથાનો દુઃખાવો ક્યાં છે? હજારો માથાના દુ:ખાવાઓ અને હજારો શરીરોને આવવા અને જવા દો. મારે તેની સાથે શી લેવાદેવા છે? મારે નથી જન્મ કે નથી મૃત્યુ; મારે પિતા કે માતા કદીયે ન હતાં; મારે કોઈ મિત્રો અને દુશ્મનો નથી કારણ કે તેઓ બધાં રૂપે હું છું. હું જ મારો પોતાનો મિત્ર છું અને હું જ મારો પોતાનો દુશ્મન છું. હું સત્ ચિત્ આનંદ છું. सोऽहम्, सोऽहम्। હું તે છું, હું તે છું. જો હજારો શરીરોમાં હું તાવ અને બીજાં દર્દોથી પીડાતો હોઉં, તો બીજી બાજુએ લાખો શરીરોમાં હું તંદુરસ્ત છું; જો હજારો શરીરોમાં હું ભૂખથી રિબાતો હોઉં, તો બીજાં હજારો શરીરમાં હું મિજબાની ઉડાવું છું; જો હજારો શરીરોમાં હું દુઃખ અનુભવતો હોઉં તો હજારો શરીરોમાં રહીને હું સુખી પણ છું. કોણ કોને દોષ આપે? કોણ કોને વખાણે? કઈ વસ્તુની ઇચ્છા કરવી અને કોનો ત્યાગ કરવો? હું કંઈ ઇચ્છતો નથી, હું કંઈ તજતો નથી, કારણ કે હું સમગ્ર જગતરૂપ છું. હું જ મારી જાતની સ્તુતિ કરું છું, હું જ મારી જાતને દોષપાત્ર ગણું છું, હું જ મારી જાત માટે દુઃખ વેઠું છું, મારી પોતાની ઇચ્છાથી હું સુખી છું, હું મુક્ત છું. જ્ઞાની તે છે, શૂરવીર અને સાહસિક પણ તે જ છે જે આખું બ્રહ્માંડ ભલે તૂટી પડે છતાં જે હસે છે અને કહે છે કે તે કદી હતું જ નહીં, એ બધી તો એક ભ્રમણા હતી. તે બ્રહ્માંડને વિલય પામતું જુએ છે અને કહે છે કે એ હતું ક્યાં અને તે ગયું ક્યાં?

આ પ્રશ્નની વ્યાવહારિક બાજુ તપાસતાં પહેલાં આપણે હજુ એક બૌદ્ધિક પ્રશ્નની આલોચના કરીશું. આટલે સુધીની દલીલો અત્યંત પ્રબળ છે, જો કોઈ વ્યક્તિ તર્ક કરે તો તેને માટે આ સ્થિતિ સિવાય બીજી કોઈ પણ સંભવે નહીં કે વિશ્વમાં એક જ સત્તા વિદ્યમાન છે ને તેના સિવાય બીજું કંઈ છે જ નહીં. તર્કવાદી માણસને માટે આ દૃષ્ટિકોણ લીધા સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી. પરંતુ જે અનંત, સદા પૂર્ણ તથા આનંદમય, સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે તે કેવી રીતે આ ભ્રમોની અસર તળે આવ્યું? સમગ્ર દુનિયામાં આ એક જ પ્રશ્ન પુછાય છે. પ્રાકૃત સ્વરૂપમાં પ્રશ્ન એ થાય છે કે ‘આ જગતમાં પાપ શી રીતે આવ્યું?’ પ્રશ્નનું આ અત્યંત સ્થૂળ અને નીચી કક્ષાનું સ્વરૂપ થયું. અગાઉ ચર્ચા કરેલો વિચાર, નિત્યમુક્ત કેવી રીતે બદ્ધ થયું છે, આ પ્રશ્નનું અત્યંત ઉચ્ચ દાર્શનિક એ જ સ્વરૂપ છે; પરંતુ બંનેનો જવાબ તો એક જ છે. એ જ પ્રશ્ન જુદી જુદી રીતે અનેક પ્રકારે પૂછવામાં આવ્યો છે, પરંતુ તેનાં ઊતરતી કક્ષાનાં સ્વરૂપોમાં તેનો કોઈ જવાબ મળતો નથી, કારણ કે અલીક કથાઓમાં – ખ્રિસ્તી ધર્મની (સફરજન), સર્પ અને સ્ત્રીની કથાઓમાં – તેનો કોઈ ઉકેલ મળતો નથી. એ પરિસ્થિતિમાં પ્રશ્ન જ બાલિશ છે અને તેનો જવાબ પણ બાલિશ છે. પરંતુ હવે આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો થઈ પડ્યો છે કે ‘આ ભ્રમ આવ્યો કેવી રીતે?’ અને તેનો જવાબ પણ એટલો જ સુંદર છે.

જવાબ એ છે કે, આપણે અસંભવિત પ્રશ્નના જવાબની આશા રાખી શકીએ નહીં. આ પ્રશ્ન પોતે જ તદ્દન અસંગત છે. તમને એ પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. શા માટે? પૂર્ણત્વ શું છે? જે દેશ, કાળ અને નિમિત્તથી પર છે તે જ પૂર્ણ છે. પછી તમે પૂછો છો કે પૂર્ણ એ અપૂર્ણ કેવી રીતે બન્યું? તર્કની પરિભાષામાં આ પ્રશ્નને આ રીતે રજૂ કરી શકાય કે ‘જે વસ્તુ કાર્યકારણ સંબંધથી પર છે, તે કાર્યમાં કેવી રીતે પરિણત થઈ? તમે તમારો પોતાનો જ વિરોધ કરો છો. પહેલાં તમે સ્વીકારો છો કે તે કાર્યકારણ સંબંધથી પર છે અને પછી પૂછો છો કે તે કાર્યમાં કેવી રીતે પરિણમ્યું? આ પ્રશ્ન કેવળ કાર્યકારણ સંબંધની સીમાની અંતર્ગત બાબતો માટે જ પૂછી શકાય. જેટલે સુધી દેશ, કાળ અને નિમિત્તનો અધિકાર પહોંચે તેટલે સુધી જ આ પ્રશ્નને લંબાવી શકાય છે. પરંતુ તેથી આગળ તે પ્રશ્ન કરવો એ નિરર્થક છે, કારણ કે પ્રશ્ન જ અયુક્તિક, તર્કશાસ્ત્રથી વિરુદ્ધનો છે. દેશ, કાળ અને નિમિત્તની અંદર તેનો કદી પણ જવાબ આપી શકાય નહીં; અને આ સીમાઓની પેલે પાર જે જવાબ હોય તે ત્યાં પહોંચ્યા પછી જ જાણી શકાય. એટલા માટે ડાહ્યા માણસો આ પ્રશ્નને છોડી દે છે. જ્યારે કોઈ માણસ બીમાર હોય ત્યારે તે પોતાની જાતને રોગને મટાડવામાં સર્વ રીતે પરોવી દે છે અને આ રોગ કેવી રીતે આવ્યો તે જાણવા માટે પ્રથમ તે આગ્રહ સેવતો નથી.

આ પ્રશ્નનું એક બીજું, સહેજ વધુ નીચું સ્વરૂપ છે, પરંતુ તે વધુ વ્યાવહારિક અને દૃષ્ટાંતરૂપ છે. આ ભ્રમ ઉત્પન્ન કોણે કર્યો? કોઈ સત્ય શું કદી ભ્રમને ઉત્પન્ન કરી શકે? અવશ્ય નહીં. આપણે જોઈએ છીએ કે એક ભ્રમ બીજા ભ્રમને ઉત્પન્ન કરે છે અને એ રીતે ભ્રમ હંમેશાં ભ્રમને ઉત્પન્ન કર્યે જાય છે. રોગ જ રોગને ઉત્પન્ન કરે છે, નહીં કે સ્વાસ્થ્ય. પાણી અને પાણીના તરંગમાં કોઈ ભેદ નથી, કાર્ય એ કારણનું જ બીજું સ્વરૂપ છે. કાર્ય ભ્રમ છે અને એટલા માટે તેનું કારણ ભ્રમ જ હોવું જોઈએ. આ ભ્રમ કોણે ઉત્પન્ન કર્યો? બીજા ભ્રમે. આમ આ અનાદિ પરંપરા છે.

હવે તમારે એક જ પ્રશ્ન પૂછવાનો રહે છે કે શું આમ કહેવું એ તમારા અદ્વૈત સિદ્ધાંતનું ખંડન કરતું નથી? કારણ કે તમે બ્રહ્માંડમાં બે સત્તાઓ (અસ્તિત્વો) સ્વીકારો છોઃ તમે અને ભ્રમ. તેનો ઉત્તર એ છે કે ભ્રમને સત્તા કહી શકાય નહીં. તમારી જિંદગીમાં હજારો સ્વપ્નાઓ આવે છે પરંતુ તેઓ તમારા જીવનમાં કંઈ ભાગ ભજવતાં નથી. સ્વપ્નાઓ આવે છે અને ચાલ્યાં જાય છે; તેમનું કોઈ અસ્તિત્વ નથી. ભ્રમને પણ સત્તા અથવા અસ્તિત્વ કહેવાથી તો વિતંડાવાદ થશે. એટલા માટે, બ્રહ્માંડમાં નિત્ય મુક્ત અને નિત્ય આનંદસ્વરૂપ માત્ર એક જ સત્તા છે; અને તે જે છે તે તમે જ છો. અદ્વૈતવાદીઓનો આ અંતિમ નિર્ણય છે.

પછી પ્રશ્ન પૂછી શકાયઃ ‘વિવિધ પ્રકારની આ બધી ઉપાસનાઓનું શું થાય? તે બધી જ રહેશે; તે બધી કેવળ અંધકારમાં પ્રકાશ શોધવા માટેના પ્રયત્નો છે; અને આ પ્રયત્નો મારફત જ પ્રકાશ આવશે. આપણે હમણાં જ જોયું કે આત્મા પોતાની જાતને જોઈ શકતો નથી. આપણું જ્ઞાન (મિથ્યા) માયાની જાળમાં બદ્ધ છે અને મુક્તિ તેથી પર છે. આ જાળમાં દાસત્વ છે, તે બધું કઠોર નિયમને આધીન છે. એથી પર કોઈ નિયમ નથી. જગતને લાગેવળગે છે ત્યાં સુધી સત્તા (અસ્તિત્વ) નિયમાધીન રહીને વર્તે છે; મુક્તિ તેની બહાર છે. જ્યાં સુધી તમે દેશ, કાળ અને નિમિત્તની જાળમાં બદ્ધ છો, ત્યાં સુધી તમે મુક્ત છો એમ કહેવું એ નિરર્થક છે, કારણ કે તે જાળમાં બધું જ કાર્યકારણના કઠોર નિયમથી બદ્ધ છે. જે દરેક વિચાર તમે કરો છો, તે પૂર્વકારણનું કાર્ય છે; દરેક ભાવ પણ કોઈક કારણનું કાર્ય છે. ઇચ્છા સ્વાધીન છે તેમ કહેવું એ નરી મૂર્ખતા છે. જ્યારે તે અનંત સત્તા આ માયાજાળની અંદર પડે છે કે તરત જ તે ઇચ્છાનું સ્વરૂપ ધારણ કરે છે. ઇચ્છા, એ માયાજાળમાં બદ્ધ પુરુષનો માત્ર એક અંશ છે અને એટલા માટે ‘સ્વતંત્ર ઇચ્છા’ જેવો શબ્દ કેવળ વાણીવિલાસ છે; તેનો કાંઈ અર્થ નથી, તે તદ્દન નિરર્થક છે. તેવી જ રીતે મુક્તિ વિષેની આવી બધી વાત પણ નિરર્થક છે. માયાની અંદર કોઈ સ્વાધીનતા નથી.

પ્રત્યેક વ્યક્તિ વિચારમાં, વાણીમાં, કાર્યમાં અને મનમાં, પથ્થરના એક ટુકડા અથવા આ મેજની જેમ જ બદ્ધ છે. હું તમારી સાથે વાત કરું છું અને તમે મને સાંભળી રહ્યા છો, એ બંને કઠોર કાર્યકારણ નિયમને આધીન છે. માયાની પાર ન જાઓ ત્યાં સુધી સ્વાધીનતા નથી. માયાતીત અવસ્થા જ આત્માની ખરી મુક્તાવસ્થા છે. માણસો ગમે તેટલા બાહોશ અને બુદ્ધિશાળી હોય, તર્કશક્તિથી તે ગમે તેટલું સ્પષ્ટ જોઈ શકતા હોય કે અહીં કાંઈ સ્વાધીન હોઈ શકે નહીં, તો પણ તેઓ પોતે સ્વાધીન છે તેવો તેમને વિચાર આવે જ છે; તેમને તેમ કર્યા સિવાય છૂટકો નથી. આપણે સ્વાધીન છીએ તેમ આપણે માનીએ નહીં ત્યાં સુધી કોઈ પણ કાર્ય બની શકતું નથી. એનો અર્થ એટલો જ થાય છે કે આપણે જે સ્વાધીનતાની વાત કરીએ છીએ તે તો વાદળાંમાંથી દેખાતી નીલ આકાશની ઝાંખી માત્ર છે અને સાચી સ્વાધીનતા – નીલ આકાશ પોતે તેની પાછળ છે. આ ભ્રમ, આ દિવાસ્વપ્ન, દુનિયાનું આ વૃથાપણું, ઇન્દ્રિયો, દેહ અને મનની આ દુનિયાની અંદર સાચી સ્વાધીનતા હોઈ શકે નહીં. આદિ અને અંત વિનાનાં, અનિયંત્રિત અને અનિયંત્રણીય, વિસંગત, ખંડિત, વિસંવાદી એવાં આ બધાં સ્વપ્નો આપણા આ વિશ્વરૂપી ઘટનાનું નિર્માણ કરે છે. સ્વપ્નમાં જ્યારે વીસ માથાવાળા એક રાક્ષસને તમારી પાછળ દોડતો તમે જુઓ છો અને તમે તેનાથી દૂર ભાગતા હો છો, ત્યારે તે સ્વપ્ન વિસંવાદી છે એવું તમે ધારતા નથી; તમને લાગે છે કે તે યોગ્ય અને સાચું છે. તેવો જ આ નિયમ છે. તમે જેને નિયમ તરીકે જણાવો છો તે તો માત્ર અર્થ વિનાની આકસ્મિક ઘટનાઓ છે; આ સ્વપ્નાવસ્થામાં તેને તમે નિયમ કહો છો. માયાની અંદર જ્યાં સુધી દેશ-કાળ-નિમિત્તનો આ નિયમ વિદ્યમાન છે ત્યાં સુધી સ્વાધીનતા હોતી નથી; અને ઉપાસનાઓનાં આ બધાં સ્વરૂપો આ માયાની અંતર્ગત છે. ઈશ્વરનો ભાવ અને પશુના તેમ જ માણસના ભાવો આ માયાની અંતર્ગત છે અને એ રીતે એ બધી એક સરખી ભ્રમણાઓ છે, બધાં સ્વપ્નો છે.

પરંતુ હમણાં આપણે જે કેટલાક અસાધારણ માણસો વિષે સાંભળીએ છીએ, તેમની રીતે ચર્ચા ન કરવાની કાળજી તમારે લેવી જ જોઈએ. તેઓ કહે છે કે ઈશ્વરનો વિચાર ભ્રમ છે, પરંતુ આ સૃષ્ટિનો વિચાર સાચો છે. બંને વિચાર એક સમાન તર્કના આધારે ઊભા રહે છે અથવા જમીનદોસ્ત થાય છે. જે આ દુનિયાને તેમ જ બીજી દુનિયાને માનતો ન હોય તેને જ નાસ્તિક થવાનો અધિકાર છે. બંને માટે દલીલ એક જ છે. પરમાત્માથી માંડીને નીચલામાં નીચલી કોટિના પશુ સુધી, ઘાસના એક પાંદડાથી તે બ્રહ્મા સુધી, બધામાં એક જ ભ્રમનો પ્રસાર છે. તેઓ એક જ તર્કના આધારે ઊભા રહે છે અથવા જમીનદોસ્ત થાય છે. ઈશ્વરના વિચારમાં જે મિથ્યાપણાને જુએ છે તેણે પોતાના શરીર કે પોતાના મનના વિચારમાં પણ તે મિથ્યાપણું જોવું જોઈએ. જ્યારે ઈશ્વર લય પામે, ત્યારે શરીર અને મન લય પામે; અને જ્યારે તે બંને વિલીન થાય, ત્યારે પાછળ સાચું તત્ત્વ હંમેશને માટે રહે છે.

न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। (કેનોપનિષદ – ૧/૩)

‘ન તો ત્યાં આંખો પહોંચી શકે છે; ન તો વાણી અથવા મન પહોંચી શકે છે, ન તો આપણે તેને જોઈ કે જાણી શકીએ છીએ.’ હવે આપણે સમજ્યા કે જ્યાં સુધી વાણી, વિચાર, ચિંતન અને બુદ્ધિ પહોંચે છે, ત્યાં સુધી તે બધું માયાના અધિકાર તળે છે. બંધનમાં છે. સત્ય તેની પેલે પાર છે. ત્યાં ન તો વિચાર, ન તો મન, ન તો વાણી પહોંચી શકે છે.

અહીં સુધી તો વિચાર દ્વારા આ બધું બરાબર સ્પષ્ટ સમજાય છે; પરંતુ તે પછી તેનું આચરણ આવે છે. ખરી સાધના આચરણમાં છે. આ ઐક્ય અનુભવવા માટે કોઈ સાધના આવશ્યક છે? અવશ્ય છે. એમ નથી કે તમે બ્રહ્મ બનો છો; તમે અત્યારે પણ બ્રહ્મ જ છો. એમ નથી કે તમે ઈશ્વર અથવા પૂર્ણ બનવા જાઓ છો; તમે અત્યારે પણ પૂર્ણ છો અને તમે તેમ નથી એમ માનો છો તે ભ્રમ છે. જે ભ્રમ વડે તમે પોતાને શ્રીયુત અમુક અથવા તો શ્રીમતી અમુક માનો છો, તે ભ્રમને બીજા ભ્રમ દ્વારા જ નિવારી શકાય અને તે જ સાધના છે. અગ્નિ અગ્નિને સ્વાહા કરશે; તમે એક ભ્રમને નિવારવા માટે બીજા ભ્રમની સહાયતા લઈ શકો છો. એક વાદળું આવીને બીજા વાદળાને હટાવી દેશે અને પછી બંને ચાલ્યાં જશે.

તો પછી આ સાધનાઓ શું છે? આપણે હંમેશાં યાદ રાખવું પડશે કે આપણું મુક્ત થવાપણું બાકી નથી. પણ સદા મુક્ત જ છીએ. આપણે બદ્ધ છીએ તે વિચાર જ ભ્રમ છે. આપણે સુખી અથવા દુઃખી છીએ તેવો પ્રત્યેક વિચાર એક પ્રચંડ ભ્રમ છે; પછી બીજો ભ્રમ આવશે – કે આપણે મુક્ત થવા માટે પ્રયત્ન, ઉપાસના તથા સંગ્રામ કરવો પડશે – અને આ ભ્રમ પહેલા ભ્રમને હટાવશે; અને પછી બંને ભ્રમનો અંત આવશે.

મુસલમાનો અને હિંદુઓ બંને શિયાળને અત્યંત અપશુકનિયાળ માને છે. ઉપરાંત જો કોઈ કૂતરો ભોજનના એક ભાગને પણ અડકી જાય તો તેને પણ ફેંકી દેવું પડે, કોઈ માણસ માટે તે ખાવા યોગ્ય રહી શકતું નથી. કોઈ એક મુસલમાનના ઘરમાં એક શિયાળ આવ્યું; ટેબલ ઉપરથી ભોજનનો થોડોક ભાગ ખાઈને તે નાસી ગયું. આ માણસ ગરીબ હતો; એણે પોતાને માટે ખૂબ સરસ ભોજન બનાવ્યું હતું. હવે એ ભોજન અપવિત્ર બની ગયું, તેથી તે ખાઈ શક્યો નહીં. એટલે તે એક મુલ્લાં પાસે ગયો અને કહ્યુંઃ ‘સાહેબ! મારે ત્યાં આ પ્રમાણે બન્યું છે. એક શિયાળ આવીને મારા ભોજનમાંથી એક કોળિયો ખાઈ ગયું છે. હવે શું કરું? મેં સરસ ભોજન બનાવ્યું હતું અને તે ખાવા માટે હું અત્યંત આતુર હતો; હવે આ શિયાળે આવીને આખા પ્રસંગને બરબાદ કરી નાખ્યો છે.’ મુલ્લાંએ એક મિનિટ વિચાર કર્યો; તેને એક જ નિરાકરણ જડ્યું. તેણે કહ્યુંઃ ‘તારે માટે એક જ રસ્તો છે. એક કૂતરાને લાવીને તે થાળીમાંથી થોડુંક તેને ખવડાવી દે, કારણ કે કૂતરાં અને શિયાળિયાં હંમેશાં ઝઘડે છે. શિયાળિયાંએ જે ભોજન બોટી રાખ્યું હતું તે તારા પેટમાં જશે અને કૂતરો જે બોટી રાખશે તે પણ તારા પેટમાં જશે, એટલે તે બંને શુદ્ધ બની જશે.’

આપણે મોટે ભાગે એવી જ મૂંઝવણમાં છીએ. આપણે અપૂર્ણ છીએ એ એક ભ્રમ છે અને આપણે પૂર્ણ બનવા માટે સાધના કરવી પડશે એવા એક બીજા ભ્રમની સહાયતા લઈએ છીએ. એટલે પછી બીજો ભ્રમ પહેલા ભ્રમને દૂર કરશે. જેમ આપણે એક કાંટો કાઢવા માટે બીજા કાંટાનો ઉપયોગ કરીએ છીએ અને પછી તે બંનેને ફેંકી દઈએ છીએ, તેવું જ આ પણ છે. એવાય લોકો છે કે જેમને तत्त्वमसि (તું તે છો) સાંભળતાં જ પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. તેમને માટે એક ચમકારામાં આ જગત લય પામે છે અને આત્માનું યથાર્થ સ્વરૂપ પ્રકાશે છે. પરંતુ બીજાઓને આ બંધનનો ખ્યાલ નિવારવા માટે કઠોર સંગ્રામ ખેલવો પડે છે.

પ્રથમ પ્રશ્ન એ છે કે જ્ઞાનયોગી બનવા માટે અધિકારી કોણ છે? જેઓમાં નીચેના બધા સદ્ગુણો હોય તે. પહેલું, કર્મનાં બધાં ફળોનો અને આ જીવનના તેમજ અન્ય જીવનના તમામ ભોગોનો ત્યાગ. જો તમે જ આ જગતના સ્રષ્ટા હો તો જે કંઈ તમે ઇચ્છો તે તમને પ્રાપ્ત થશે જ, કેમ કે તમે તે તમારા માટે ઉત્પન્ન કરશો; સવાલ માત્ર સમયનો છે. કેટલાકને તે તાત્કાલિક પ્રાપ્ત થાય છે; અને બીજાઓને તેમની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવાના માર્ગમાં પૂર્વના સંસ્કારો આડા આવે છે. આપણે આ જીવનમાં અગર અન્ય જીવનમાં ભોગની ઇચ્છાઓને પ્રથમ સ્થાન આપીએ છીએ. આ જીવનનો અગર અન્ય જીવનનો કે કોઈ પણ જીવનનો સદંતર અસ્વીકાર કરો, કારણ કે જીવન એ મૃત્યુનું માત્ર નામાંતર જ છે. તમે જીવંત પ્રાણી છો તેનો જ અસ્વીકાર કરો. જીવનની કોને પડી છે? જીવન એ તો એક ભ્રમ છે,અને મૃત્યુ તેની જ બીજી બાજુ છે. સુખ આ બધા ભ્રમોની એક બાજુ છે અને દુઃખ બીજી બાજુ છે અને એમ ને એમ પરંપરા ચાલ્યા જ કરે છે. તમારે જીવન અગર મૃત્યુની સાથે શી લેવાદેવા છે? આ બધી તમારા મનની સૃષ્ટિઓ છે. આનું નામ આ જન્મના અથવા પરજન્મના ભોગોનો ત્યાગ.

ત્યાર પછી શમ અથવા મનનો સંયમ આવે છે. મનને એવી રીતે શાંત કરવું પડશે કે તે તરંગોમાં વિક્ષિપ્ત થઈ જાય નહીં અને જાતજાતની કામનાઓ તેમાં ઉદ્ભવે નહીં. મનને સ્થિર રાખીને, બહારનાં અથવા તો અંદરનાં કોઈ પણ કારણોથી તેને તરંગોમાં પરિણામ પામતું અટકાવવું; કેવળ ઇચ્છાશક્તિ દ્વારા મનને સંપૂર્ણપણે સંયત કરવું. જ્ઞાનયોગી કોઈ પ્રકારની શારીરિક અથવા માનસિક સહાયતા લેતો નથી; તે કેવળ દાર્શનિક વિચાર, જ્ઞાન અને તેની પોતાની ઇચ્છાશક્તિઃ આ બધાં સાધનોમાં શ્રદ્ધા ધરાવે છે.

પછી આવે છે તિતિક્ષા, સહનશીલતાઃ એટલે કે ગણગણાટ વિના, ફરિયાદ કર્યા વિના બધાં દુઃખો સહન કરવાં તે. તમારી ઉપર કોઈ આપત્તિ આવી પડે તો ગણકારશો નહીં. કોઈ વાઘ આવી ચડે તો ત્યાં ઊભા રહો. નાસે કોણ? એવા અનેક માણસો છે કે જેઓ તિતિક્ષાની સાધના કરે છે અને તેમાં સફળ થાય છે. ભારતમાં એવા માણસો છે કે જેઓ ઉનાળાના મધ્યાહ્નના સૂર્ય નીચે ગંગા કિનારે સૂએ છે અને શિયાળામાં આખો દિવસ ગંગાના પાણીમાં ઊભા રહે છે; તેઓ કશાની પરવા કરતા નથી. અનેક વ્યક્તિઓ હિમાલયમાં બરફના ઢગ ઉપર બેસી રહે છે અને કોઈ પણ વસ્ત્ર પહેરવાની પરવા કરતા નથી. ગ્રીષ્મ શું છે? શીત શું છે? વસ્તુઓ આવે કે જાય, તેમાં મારે શું છે? હું શરીર નથી. પાશ્ચાત્ય દેશોમાં આ માનવું અઘરું છે, પરંતુ આમ થાય છે એ માનવું સારું છે. જેમ તમારી પ્રજા તોપને મોઢે અથવા યુદ્ધક્ષેત્રમાં ધસી જાય તેવી સાહસિક છે, તેવી રીતે અમારા લોકો તત્ત્વજ્ઞાનનું ચિંતન કરવામાં અને તેનું જીવનમાં આચરણ કરવામાં શૂરવીર હોય છે. તેઓ તેને માટે પોતાના જીવનનું વિસર્જન કરે છે. ‘હું અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, सोऽहम्, सोऽहम्। (હું તે છું, હું તે છું.’)

વ્યવહારમાં મોજશોખ કરવાનો જેમ પાશ્ચાત્ય પ્રજાનો આદર્શ છે, તેવી રીતે અમારો આદર્શ આધ્યાત્મિકતાના સર્વોચ્ચ આદર્શને વળગી રહેવાનો છે, ધર્મ એ માત્ર ખાલી શબ્દો નથી, પરંતુ તેના પ્રત્યેકે પ્રત્યેક અંશને આ જીવનમાં આચરી શકાય છે તે દર્શાવવાનો છે. પ્રત્યેક બાબતને સહન કરવી, એક પણ બાબતની ફરિયાદ ન કરવી, તે તિતિક્ષા છે. મેં પોતે એવા માણસોને જોયા છે કે જેઓ કહે છે કે ‘હું આત્મા છું; મારી સમક્ષ વિશ્વ શું છે? સુખ અથવા દુઃખ, પાપ અથવા પુણ્ય, ગરમી કે ઠંડી, એ મારે મન કશી ગણતરીમાં નથી.’ ઇન્દ્રિયોના ભોગ પાછળ ન દોડવું એ જ તિતિક્ષા છે. ‘મને આ આપો અને તે આપો.’ એવી પ્રાર્થના કરવી એ શું ધર્મ છે? ધર્મ વિષેના આ વિચારો મૂર્ખતાભર્યા છે? જેઓ આમ માને છે તેમને ઈશ્વર કે આત્માનો સાચો ખ્યાલ જ નથી. મારા ગુરુ કહેતાઃ એક ટપકા જેટલું દેખાય ત્યાં સુધી ગીધ ઊંચે ને ઊંચે ઊડે છે, પરંતુ તેની નજર એ બધો વખત ધરતી ઉપર પડેલા સડેલા માંસના લોચા ઉપર હોય છે. તમારી ધર્મ વિષેની કલ્પનાઓનું છેવટે પરિણામ શું આવે છે? શેરીઓને સ્વચ્છ બનાવવી અને વધુ ભોજન અને વધુ વસ્ત્રો પ્રાપ્ત કરવાં તે જ ને? ભોજન અને વસ્ત્રની કોને પરવા છે? ક્ષણે ક્ષણે લાખો આવે છે ને લાખો જાય છે. આ ક્ષુદ્ર જગતનાં સુખદુઃખોની શા માટે પરવા કરવી? હિંમત હોય તો તેની પેલે પાર જાઓ; નિયમથી પર જાઓ; સમગ્ર વિશ્વનો ભલે લય થાય, તો ય એકલા ઊભા રહો. ‘હું અખંડ સત્, અખંડ ચિત્, અખંડ આનંદ છું. सोऽहम्, सोऽहम्। ‘હું તે છું, હું તે છું.’ (2.117)

Total Views: 237
૪. સાંખ્ય અને વેદાંત
૬. અનેકરૂપે દેખાતું એક જ સત્ય