(જાન્યુઆરી ૨૯, ૧૮૯૬)

બધા વિવિધ યોગોમાં વૈરાગ્ય એ જ ધર્મજીવન તરફ વાળનાર પહેલું પગથિયું છે. કર્મયોગી તેનાં કર્મોનાં ફળોનો ત્યાગ કરે છે; પરમાત્મા અને સર્વવ્યાપી પ્રેમને ખાતર ભક્ત પોતાની ક્ષુદ્ર કામનાઓનો ત્યાગ કરે છે; યોગી તેની વિષયાનુભૂતિઓનો ત્યાગ કરે છે, સમગ્ર પ્રકૃતિ જો કે અનુભવનો વિષય બનવા છતાં આત્મા પ્રકૃતિમાં નથી. પરંતુ હંમેશને માટે પ્રકૃતિ કરતાં ભિન્ન છે, એવું એને ભાન કરાવે છે. જ્ઞાની પ્રત્યેક વસ્તુનો ત્યાગ કરે છે. કારણ કે તેનો સિદ્ધાંત એ છે કે પ્રકૃતિનું અસ્તિત્વ જ નથી – ભૂતકાળમાં પણ તેનું અસ્તિત્વ ન હતું, વર્તમાનકાળમાં નથી, તેમ જ ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ હશે નહીં. આ ઉચ્ચ વિષયોમાં, આનાથી દુન્યવી લાભ શું થાય? – એવો સવાલ પૂછી શકાય નહીં. એમ પૂછવું એ અત્યંત મૂર્ખાઈભર્યું છે અને તેમ છતાં યોગ્ય વિશ્લેષણ કર્યા પછી જો તે પૂછવામાં આવે તો આપણે આ લાભાલાભના પ્રશ્નથી શું મેળવીએ છીએ? આ સુખનો આદર્શ એવો છે કે આવાં જે ઉચ્ચ તત્ત્વો તેની દુન્યવી સમૃદ્ધિમાં વધારો કરતાં નથી અથવા તો તે દૃષ્ટિએ સાંસારિક સુખમાં ઉમેરો કરતાં નથી, તેના કરતાં જે વસ્તુ મનુષ્યને વધારે સુખ આપે તે જ તેને માટે વધારે ઉપયોગી છે. બધાં ભૌતિકશાસ્ત્રો આ એક જ ઉદ્દેશને અનુસરે છે કે માનવજાતિનાં સુખોની વૃદ્ધિ કરાવવી. માણસ પણ જે તેને માટે અધિક પ્રમાણમાં સુખ ઉત્પન્ન કરે છે તેને ગ્રહણ કરે છે અને જે અલ્પ પ્રમાણમાં સુખ ઉત્પન્ન કરે છે તેને તે છોડી દે છે. આપણે જોઈ ગયા છીએ કે સુખ કાં તો દેહમાં અથવા મનમાં અથવા આત્મામાં રહેલું છે. પશુઓ અને અત્યંત ઊતરતી કોટિના માણસો કે જેઓ પશુતુલ્ય છે, તેમને મન બધું સુખ શરીરમાં સમાયેલું છે. ભૂખથી વ્યાકુળ કૂતરો અથવા વરુ, જેટલી આતુરતાથી આહાર કરે છે તેટલી આતુરતાથી માણસ ખાઈ શકતો નથી; એટલે કૂતરાં અને વરુને મન સુખ પૂર્ણપણે શરીરમાં જ સમાયેલું છે. માનવીમાં આપણે સુખની વધુ ઉચ્ચ ભૂમિકા નિહાળીએ છીએ, તે છે ચિંતન. જ્ઞાનીને માટે સુખની સર્વોચ્ચ ભૂમિકા આત્મામાં છે. એટલા માટે જ્ઞાનીને મન આત્માનું આ જ્ઞાન પરમ ઉપયોગી છે, કારણ કે તે તેને ઉચ્ચમાં ઉચ્ચ આનંદ આપે છે. ઇન્દ્રિયતૃપ્તિ અથવા ભૌતિક પદાર્થો તેને મન સર્વોચ્ચ ઉપયોગનાં થઈ શકતાં નથી, કેમ કે જ્ઞાનમાં તે જે સુખ પ્રાપ્ત કરે છે તેવું સુખ તે ઇન્દ્રિયભોગોમાં જોતો નથી; અને આખરે તો જ્ઞાન જ એકમેવ લક્ષ્ય છે અને આપણે જેનાથી પરિચિત છીએ તે બધાં સુખો કરતાં ખરેખર જ્ઞાન જ પરમોચ્ચ સુખ છે. જેઓ બધા અજ્ઞાનમાં કાર્ય કર્યા કરે છે તેઓ જાણે કે દેવોના ભારવાહી પશુઓ જેવા છે. અહીં દેવ શબ્દ જ્ઞાની પુરુષના અર્થમાં વાપર્યો છે. યંત્રોની માફક જે બધા લોકો કાર્ય અને શ્રમ કર્યા કરે છે તેઓ ખરેખર જીવનનો આનંદ માણી શકતા નથી, પરંતુ એ આનંદ તો જ્ઞાની પુરુષો જ માણે છે. એક શ્રીમંત માણસ લાખો રૂપિયાની કિંમતે એક ચિત્ર ખરીદે, પરંતુ જે માણસ કળાનો જાણકાર છે તે જ તેમાં આનંદ અનુભવે છે; જો શ્રીમંત માણસ કળાના જ્ઞાન વિનાનો હોય તો પેલા ચિત્રનો તેને જરા પણ ઉપયોગ નથી, તે તો માત્ર તેનો માલિક છે. સમગ્ર જગતમાં જ્ઞાની જ જગતના સુખને માણે છે. અજ્ઞાની માણસ કદી તેવું સુખ માણતો નથી; તેને તો જાણ્યે અજાણ્યે ફક્ત બીજાઓ માટે પરિશ્રમ જ કરવાનો રહે છે.

અત્યાર સુધી આપણે અદ્વૈતવાદીઓના સિદ્ધાંતો જોયા કે આત્મા એક જ છે, બે હોઈ શકે નહીં. આપણે એ પણ જોયું કે સમગ્ર બ્રહ્માંડમાં માત્ર એક જ સત્ વિદ્યમાન છે. તે એક સત્ જ્યારે ઇન્દ્રિયો દ્વારા જોઈએ છીએ ત્યારે જગત, ભૌતિક જગત તરીકે ઓળખાય છે; જ્યારે મન દ્વારા તે જોવાય છે ત્યારે તે વિચાર અને ભાવ-જગત તરીકે ઓળખાય છે; અને જ્યારે તે જેવું છે તેવું જોવાય છે ત્યારે તે એક અનંત સત્તારૂપ જણાય છે. તમારે આટલું યાદ રાખવું જોઈએ કે માણસની અંદર આત્મા અલગ જેવો હોય છે તેવું નથી, જો કે પ્રારંભમાં સમજાવવા પૂરતું મારે તે સ્વીકારી લેવું પડ્યું હતું કે માણસની અંદર આત્મા વસે છે. પણ જે છે તે તો એક જ સત્તા અથવા આત્માની છે. આ સત્તા જ્યારે ઇન્દ્રિયો દ્વારા – ઇન્દ્રિયોની કલ્પના દ્વારા દેખાય છે ત્યારે તે શરીર કહેવાય છે, જ્યારે તે ચિંતન દ્વારા અનુભવાય છે ત્યારે તે મન કહેવાય છે અને જ્યારે તે પોતાના જ સ્વરૂપમાં અનુભૂત થાય છે, ત્યારે તે સ્વયં આત્મા, એક માત્ર સત્ છે. એટલે, એમ નથી કે એકમાં ત્રણ પૃથક્ પૃથક્ વસ્તુઓઃ શરીર, મન અને આત્મા છે, જો કે સમજાવતી વખતે તે સાનુકૂળ રીત હતી; પરંતુ સર્વ કંઈ આત્મા છે અને તે એક સત્તા જ કેટલીકવાર શરીર, કેટલીકવાર મન અને કેટલીકવાર આત્મા તરીકે દૃષ્ટિ અનુસાર જુદાં જુદાં દેખાય છે. સત્તા ફક્ત એક જ છે કે જેને અજ્ઞાની બાહ્ય જગત કહે છે. જ્યારે તે જ વ્યક્તિ વધુ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ જ સત્તાને તે મનોરાજ્ય કહે છે. વળી જ્યારે પૂર્ણ જ્ઞાનનો ઉદય થાય છે, જ્યારે બધી ભ્રમણાઓ નષ્ટ થાય છે, ત્યારે માણસ અનુભવે છે કે આ બધું આત્મા સિવાય બીજું કંઈ જ નથી. હું તે જ સત્તા છું. આ અંતિમ સિદ્ધાંત છે. વિશ્વમાં ન તો ત્રણ અગર ન તો બે સત્તાઓ છે; સર્વ એક જ સત્તા છે. તે એક જ સત્તા માયાના પ્રભાવથી બહુરૂપે દેખાય છે. જેવી રીતે રજ્જુ સાપના રૂપમાં ભાસે છે, ત્યાં રજ્જુ જ સર્પરૂપે ભાસે છે. ત્યાં એક પૃથક્ રજ્જુ અને બીજો સર્પ એમ બે પૃથક્ વસ્તુઓ નથી. કોઈ પણ માણસ ત્યાં એકી સમયે આ બે વસ્તુઓ જોતો નથી.

દ્વૈતવાદ અને અદ્વૈતવાદ એ અત્યંત સુંદર દાર્શનિક પરિભાષા છે, પરંતુ સાચી અનુભૂતિમાં એકી સમયે સત્ય અને મિથ્યાને આપણે કદી પણ જોતા નથી. આપણે સૌ જન્મથી જ અદ્વૈતવાદી છીએ. આપણે માટે બીજો માર્ગ જ નથી. આપણે સદૈવ એકને જ જોઈએ છીએ. જ્યારે આપણે રજ્જુ જોઈએ છીએ ત્યારે આપણે સર્પને બિલકુલ જોતા નથી અને જ્યારે સર્પને જોઈએ છીએ ત્યારે રજ્જુ બિલકુલ જોતા નથી. તે અદૃશ્ય થઈ ગયેલ હોય છે. જ્યારે તમને ભ્રાંતદર્શન થાય છે ત્યારે તમે વાસ્તવિક સત્યને જોઈ શકતા નથી.

માની લો કે રસ્તા પર દૂરથી તમે તમારા એક મિત્રને આવતો જુઓ છો; તમે તેને બહુ સારી રીતે ઓળખો છો. પરંતુ તમારી સામે જે ઝાકળ અને ધુમ્મસ પ્રવર્તે છે તેને લઈને તમને તે બીજો માણસ હોય એમ લાગે છે. જ્યારે તમે તમારા મિત્રને બીજા માણસ તરીકે જુઓ છો ત્યારે તમે તમારા મિત્રને બિલકુલ જોતા નથી, તે અદૃશ્ય થઈ ગયેલ હોય છે; તમે કેવળ એક જ વ્યક્તિને જોઈ રહ્યા છો. માની લો કે તમારા મિત્ર શ્રી ‘ય’ છે, પરંતુ જ્યારે તમે શ્રી ‘ય’ ને શ્રી ‘ન’ તરીકે જુઓ છો, ત્યારે તમે શ્રી ‘ય’ને બિલકુલ દેખતા નથી. દરેક કિસ્સામાં તમે માત્ર એકને જ જુઓ છો. જ્યારે તમે સ્વયં તમારી જાતને એક શરીર તરીકે જુઓ છો ત્યારે તમે શરીર છો અને અન્ય કશું જ નહીં. માનવજાતિના બહુ મોટા ભાગની દૃષ્ટિ આવી જ હોય છે. તેઓ આત્મા અને મન અને બીજી ઘણી બાબતો વિષે વાતો કરશે, પરંતુ તેઓ જે જુએ છે તે તો માત્ર સ્થૂળ ભૌતિક આકાર, સ્પર્શ, રસ, રૂપ વગેરે જુએ છે. કોઈ કોઈ વ્યક્તિઓ જ્ઞાનભૂમિની વિશેષ પ્રકારની અવસ્થામાં પોતાની જાતને ભાવનારૂપે અનુભવે છે. અલબત્ત, સર હંફ્રી ડેવીના સંબંધમાં જે વાત પ્રચલિત છે તે તમે જાણો છો. તે પોતાના શ્રોતા વર્ગ સમક્ષ ‘હસાવતા વાયુ’નો પ્રયોગ કરી રહ્યો હતો; એકાએક તેમાંની એક નળી ભાંગી ગઈ અને તેમાંથી છૂટેલો વાયુ તેના શ્વાસમાં પ્રવેશ્યો. કેટલીક ક્ષણો સુધી તે એક પૂતળાની જેમ નિશ્ચળ ભાવથી ઊભો રહ્યો. ત્યાર બાદ વર્ગને તેણે કહ્યું કે, જ્યારે પોતે તે અવસ્થામાં હતો ત્યારે ખરેખર તેણે સમગ્ર જગત ભાવવસ્તુથી બનેલું છે એવું અનુભવ્યું હતું. તે વાયુએ કેટલાક સમય સુધી, તેને તેના દેહજ્ઞાનનું વિસ્મરણ કરાવી દીધું; જેને તે શરીર તરીકે જોતો હતો તે જ વસ્તુને તેણે વિચારો તરીકે અનુભવી. જ્યારે ચેતના તેથીયે વધુ ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે, જ્યારે આ ક્ષુદ્ર અહંભાવ ચિરકાળ માટે વિદાય લે છે, ત્યારે બધી વસ્તુઓની પાછળ જે સત્તા વિદ્યમાન છે તે પ્રકાશી ઊઠે છે અને આપણે એક વિશ્વવ્યાપી સત્, ચિત્, આનંદસ્વરૂપ આત્મા તરીકે તેનું દર્શન કરીએ છીએ.

किमपि सततबोधं केवलानन्दरूपं।

निरूपममतिवेलं नित्यमुक्तं निरीहम्॥

निरवधि गगनाभं निष्फलं निर्विकल्पम्।

हृदि कलयति विद्वान् ब्रह्म पूर्ण समाधौ॥

‘તે એક કે જે નિત્ય જ્ઞાનસ્વરૂપ, કેવળ આનંદ સ્વરૂપ, નિરૂપમ, અસીમ, નિત્યમુક્ત, નિઃસ્પૃહ, અંતરહિત, અખંડ, દ્વૈતરહિત, એવું પૂર્ણ બ્રહ્મ, જ્ઞાની પુરુષ સમાધિ અવસ્થામાં પોતાના હૃદયમાં અનુભવે છે.’

બધા ધર્મોમાં સ્વર્ગ અને નરક અને આ વિભિન્ન પ્રકારના ભાવો અને દૃષ્ટિબિન્દુઓ જે આપણે જોઈએ છીએ, તે બધાને અદ્વૈતવાદ કેવી રીતે ઘટાવે છે? જ્યારે એક મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે એમ કહેવાય છે કે તે સ્વર્ગ અથવા નરકમાં, અહીં અથવા તહીં, ક્યાંક જાય છે; અથવા માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કાં તો સ્વર્ગમાં, કાં તો બીજી દુનિયામાં અથવા બીજે ગમે ત્યાં અન્ય શરીરમાં જન્મે છે. આ બધી ભ્રમણાઓ છે. ખરું જોતાં, કોઈ કદી જન્મતું કે મરતું નથી. નથી કોઈ સ્વર્ગ કે નથી કોઈ નરક કે નથી કોઈ આ જગત; આ ત્રણે કદી વિદ્યમાન હતાં જ નહીં. કોઈ એક બાળકને ભૂતની વાર્તાઓ કહો અને સંધ્યાકાળે તેને શેરીમાં જવા દ્યો. એક ઝાડનું ઠૂંઠું ઊભું છે; બાળક ત્યાં શું જોશે? હાથ પહોળા કરીને તેને પકડવા તૈયાર ઊભેલું એક ભૂત તે દેખશે. માની લો કે એ જ શેરીને બીજે છેડેથી બીજો એક માણસ પોતાની પ્રિયતમાને મળવા નીકળ્યો છે; તે ઝાડના ઠૂંઠાને પોતાની પ્રિયતમા તરીકે જોશે. વળી એ જ શેરીને ત્રીજે ખૂણેથી આવતો પોલીસ તે ઠૂંઠાને ચોર તરીકે જુએ છે અને જો ચોર હોય તો તેને પોલીસ તરીકે જુએ છે. ઠૂંઠું ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. ઠૂંઠું એ જ સત્ય છે અને તેના જુદા જુદા આભાસો વિવિધ મનનાં આરોપણો માત્ર છે. સત્ એક જ છે અને તે આત્મા છે; તે નથી આવતો કે નથી જતો. માણસ જ્યારે અજ્ઞાની હોય છે ત્યારે તે સ્વર્ગ અથવા એવી કોઈક જગ્યાએ જવા ઇચ્છે છે અને આખી જિંદગી દરમિયાન સતત કેવળ આનો જ વિચાર કરતો રહે છે; અને જ્યારે આ જગતરૂપ સ્વપ્ન અદૃશ્ય થાય છે ત્યારે તે આ જગતને દેવો અને ઊડતી પરીઓ વગેરેથી ભરેલા સ્વર્ગ તરીકે નિહાળે છે. જો કોઈ વ્યક્તિ સમસ્ત જીવન પોતાના પિતૃઓને મળવાની ઇચ્છા કરે તો આદમથી માંડીને આજ સુધીના બધા પિતૃઓનાં તે દર્શન કરશે, કેમ કે તે પોતે જ તેમને સર્જે છે. જો કોઈ માણસ તેના કરતાં વધુ અજ્ઞાની હોય અને ધર્માંધો દ્વારા તેને નરકના વિચારો તથા અનેક પ્રકારની સજાના ભયથી ડરાવવામાં આવ્યો હોય તો મૃત્યુ બાદ આ દુનિયાને જ તે નરક તરીકે જોશે.

જન્મ અથવા મૃત્યુનો અર્થ એટલો જ છે કે એ માત્ર દૃષ્ટિનો ફેર છે. ન તો તમે ચલાયમાન છો કે ન તો જે બીજી વસ્તુ ઉપર તમારી દૃષ્ટિનો તમે આરોપ કરો છો, તે ચલાયમાન છે; તમે તો નિત્ય અને અપરિણામી છો. તમે કેવી રીતે આવી કે જઈ શકો? તે અશક્ય છે; તમે સર્વવ્યાપક છો. આકાશ કદી ગતિશીલ નથી; પરંતુ આકાશની સપાટી ઉપર વાદળાં ચાલે છે અને આપણને લાગે છે કે સ્વયં આકાશ જ ગતિમાન થાય છે. જ્યારે તમે રેલવેના ડબામાં હો છો, ત્યારે તમને જમીન ખસતી જતી હોય તેમ લાગે છે; વાસ્તવમાં એમ નથી, પરંતુ જે ચાલે છે તે તો ટ્રેન છે. તમે તો જ્યાં છો ત્યાંના ત્યાં જ છો; આ સ્વપ્નાં, આ જુદાં જુદાં વાદળાં જ ચાલે છે. કોઈ પણ સંબંધ વિના એક સ્વપ્ન બીજાને અનુસરે છે. આ જગતમાં નિયમ અથવા સંબંધ નામની કોઈ વસ્તુ જ નથી; માત્ર આપણે ધારી લઈએ છીએ કે વસ્તુઓ વચ્ચે પરસ્પર સારો એવો સંબંધ છે. તમે બધાએ ‘જાદુઈ દેશમાં એલિસ’ (Alice in Wonderland) નામનું પુસ્તક વાંચ્યું હશે. આ જમાનામાં બાળકો માટે લખાયેલાં પુસ્તકોમાં એ પુસ્તક સૌથી અદ્ભુત છે. જ્યારે મેં વાંચ્યું ત્યારે મને આનંદ થયો હતો; એવી જાતનું એકાદું પુસ્તક બાળકો માટે લખવાનું મારા મનમાં હંમેશાં રહેતું હતું. તમે તેમાં જેને ઘણું જ અસંગત સમજો છો તે જ વાંચીને મને અત્યંત આનંદ થયો હતો. એક વિચાર ઊઠે છે અને તે કશા અનુસંધાન વિના બીજા વિચારમાં ભૂસકો મારે છે. જ્યારે તમે બાળક હતા ત્યારે તમારે મન તે બધા વચ્ચે અત્યંત અદ્ભુત સંબંધ હતો. અર્થાત્ શૈશવકાળમાં જે છૂટાછવાયા વિચારો સંપૂર્ણપણે સુસંગત લાગતા હતા, તે વિચારોને સ્મૃતિપટ પર પાછા લાવીને લેખકે બાળકો માટે આ પુસ્તક લખ્યું હતું. માણસો પોતાના પુખ્ત વયના વિચારો બાળકોને ગળે ઉતારવા માટે જે પુસ્તકો લખે છે, તે અર્થહીન છે. આપણે પણ પુખ્ત વયના હોવા છતાં બાળકો જ છીએ; તેમાં બધું આવી જાય છે. આ જગત પણ એવી જ રીતે અસંબદ્ધ વસ્તુ – ‘જાદુઈ દેશમાં એલિસ’ – છે, જેમાં કશાને કોઈની સાથે કાંઈ સંબંધ જ નથી.

જ્યારે આપણે કેટલીક ઘટનાઓને અસંખ્ય વખત નિર્દિષ્ટ ક્રમ અનુસાર બનતી જોઈએ છીએ, ત્યારે આપણે તેને કાર્યકારણના નામે ઓળખીએ છીએ અને કહીએ છીએ કે આ ઘટના ફરી વાર પણ તેવી જ રીતે બનશે. આ સ્વપ્નનો અંત આવશે ત્યારે બીજું સ્વપ્ન આના જેટલું પૂરેપૂરું સુસંગત લાગશે. જ્યારે આપણને સ્વપ્નાં આવે છે ત્યારે જે ઘટનાઓ તેમાં બનવી જોઈએ તે બધી સુસંબદ્ધ હોય તેમ દેખાય છે! સ્વપ્ન દરમિયાન આપણને જરા પણ એમ લાગતું નથી કે તેઓ અસંગત છે; માત્ર જ્યારે આપણે સ્વપ્નમાંથી જાગીએ છીએ ત્યારે જ આપણે સુસંગતતાનો અભાવ જોઈએ છીએ. તેવી જ રીતે આ જગતના સ્વપ્નમાંથી આપણે જ્યારે જાગ્રત થઈએ છીએ અને તેમને વાસ્તવિકતા સાથે સરખાવીએ છીએ ત્યારે બધું અસંગતતાથી ભરેલું અને અર્થહીન જણાય છે; અસંગતતાનો એક સમૂહ, એક પુંજ, આપણી સામેથી પસાર થતો જોઈએ છીએ; આપણે જાણતા નથી કે એ ક્યાંથી આવે છે અને ક્યાં જશે, પરંતુ આપણે જાણીએ છીએ કે તેનો અંત આવશે. એ જ માયા કહેવાય છે કે જે ચંચળ, રૂ જેવાં વાદળાઓ સમાન છે. આ ચંચળ વાદળાં તે સંસાર છે અને અચલ સૂર્ય તે તમે છો. જ્યારે તમે આ અપરિણામી સત્તાને બહારથી જુઓ છો ત્યારે તમે તેને ઈશ્વર કહો છો અને જ્યારે અંતરથી જુઓ છો ત્યારે તેને આત્મા કહો છો; વસ્તુ એક જ છે. તમે – સાચા ‘તમે’થી જુદો અથવા વધુ ઉચ્ચ કોઈ ઈશ્વર નથી. બધાય દેવો તમારી સમક્ષ અલ્પ છે; ઈશ્વર કે દૂર સ્વર્ગમાં રહેલો પિતા, તે બધા ભાવો માત્ર તમારું પોતાનું જ પ્રતિબિંબ છે. સ્વયં ઈશ્વર તમારી પોતાની પ્રતિમૂર્તિ છે. ઈશ્વરે ‘મનુષ્યને પોતાની આકૃતિ પ્રમાણે સર્જ્યો’ તે વચન ખોટું છે. સ્વયં માણસ પોતાની પ્રતિમૂર્તિ પ્રમાણે ઈશ્વરને સર્જે છે તે જ સાચું છે. સમસ્ત વિશ્વમાં આપણે સૌ આપણી પોતાની પ્રતિમૂર્તિ પ્રમાણે જ દેવોને સર્જીએ છીએ. આપણે જ દેવો સર્જીએ છીએ અને પછી તેમને ચરણે પડીએ છીએ અને તેમને પૂજીએ છીએ; જ્યારે આ સ્વપ્ન આપણે અનુભવીએ છીએ ત્યારે આપણને તે ગમે છે.

આ એક સારો સમજવાનો મુદ્દો છે. આ પ્રવચનનો સાર એ છે કે સત્ એક જ છે અને તે એક જ સત્ ભિન્ન ભિન્ન માધ્યમો દ્વારા દેવો, ભૂતપ્રેતો, મનુષ્યો, રાક્ષસો, જગત અથવા આ બધી વસ્તુઓ તરીકે પ્રતિભાસિત થાય છે. પરંતુ આ બધા વચ્ચે ‘જે આ મૃત્યુના સાગરમાં તે એક સત્તાને જ જુએ છે, આ નશ્વર જગતમાં તે જ માત્ર એક અપરિણામી સત્તાને અનુભવે છે, તે પુરુષને જ અનંત શાંતિ મળે છે, બીજા કોઈને નહીં, બીજા કોઈને નહીં.’ આ સત્તાનો સાક્ષાત્કાર કરવાનો છે. એ સાક્ષાત્કાર કેવી રીતે કરવો તે પ્રશ્ન પછીનો છે. આ સાક્ષાત્કાર કેવી રીતે થશે? આપણે ક્ષુદ્ર માનવીઓ છીએ તે જાતનું સ્વપ્ન તોડીને આપણે કેવી રીતે જાગ્રત થઈશું? આપણે વિશ્વવ્યાપી અનંત સત્તા હોવા છતાં અન્યનાં કડવાં મીઠાં વચનોની અપેક્ષા રાખીને ક્ષુદ્ર માનવીઓ બની ગયા છીએ. કેટલી ભયંભર પરાધીનતા! કેટલી ભયંકર ગુલામી! હું કે જે સકળ સુખ અને દુઃખથી પર છું, સમગ્ર વિશ્વ જેનું પ્રતિબિંબ માત્ર છે, સૂર્યગણ, ચંદ્રગણ અને તારાઓ જે મહાપ્રાણના માત્ર ક્ષુદ્ર અંશો છે તેવો હું, આ રીતે ભયંકર દાસત્વમાં જકડાઈ ગયો છું! મારા શરીરને તમે ચૂંટી ભરો તો હું દુઃખ અનુભવું છું; જો કોઈ મારી પ્રશંસાનો એક શબ્દ બોલે તો હું આનંદથી ફુલાઈ જાઉં છું. જુઓ તો મારી કેવી દુર્દશા છે! હું શરીરનો ગુલામ છું, હું મનનો ગુલામ છું, જગતનો ગુલામ છું, એક મીઠા શબ્દનો ગુલામ છું, એક બૂરા શબ્દનો ગુલામ છું, વાસનાનો ગુલામ છું, સુખનો ગુલામ છું, જીવનનો ગુલામ છું, મૃત્યુનો ગુલામ છું, એકેએક વસ્તુનો હું ગુલામ છું! આ ગુલામીને તોડવી જ જોઈએ. કેવી રીતે?

आत्मा वा अरे श्रोतव्यो मंतव्यो निदिध्यासितव्यः।

‘આ આત્મા વિષે પ્રથમ શ્રવણ કરવું પછી તેની ઉપર ચિંતન કરવું અને પછી તેનું ધ્યાન કરવું.’ અદ્વૈત જ્ઞાનીની આ સાધનપદ્ધતિ છે. સત્યને પ્રથમ સાંભળવું જોઈએ, પછી તેનું ચિંતન કરવું જોઈએ અને તે પછી તેનું સતત ધ્યાન કરવું જોઈએ. હંમેશાં વિચારો કે ‘હું બ્રહ્મ છું.’ અન્ય દરેક વિચારને દુર્બળતાજનક માનીને બાજુ પર ફેંકી દેવો જોઈએ. તમે પુરુષ છો અથવા સ્ત્રી છો તેવા દરેક વિચારને એક બાજુ ફેંકી દો, શરીર ભલે જાય, મન ભલે જાય, દેવો ભલે જાય અને ભૂતપ્રેતો પણ ભલે જાય; એક સત્ સિવાય એકેએક વસ્તુ ભલે જાય. ‘જ્યાં એક અન્યને સાંભળતો નથી, જ્યાં એક અન્યને જોતો નથી, તે અનંત છે.’ જ્યાં વિષયી અને વિષય બંને એકાકાર બની જાય છે તે સર્વોત્તમ અવસ્થા છે. જ્યારે હું જ શ્રોતા અને હું જ વક્તા હોઉં અને જ્યારે હું જ ગુરુ અને હું જ શિષ્ય હોઉં, જ્યારે હું જ સર્જક અને હું જ સૃષ્ટા હોઉં, કેવળ ત્યારે જ ભય દૂર થાય છે. ત્યાર પછી આપણને ભયભીત કરનારું અન્ય કોઈ નથી. મારા સિવાય કંઈ જ નહીં હોય તો પછી મને ભય કોણ પમાડી શકે? દિન પ્રતિદિન આ સાંભળ્યા કરવાનું છે. અન્ય તમામ વિચારોને છોડી દો. એ સિવાયની પ્રત્યેક વસ્તુને એક બાજુ ફગાવી જ દેવી જોઈએ. નિરંતર આની પુનરાવૃત્તિ કરવી જોઈએ; જ્યાં સુધી પ્રત્યેક સ્નાયુ, પ્રત્યેક માંસપેશી, પ્રત્યેક શોણિતબિંદુ ‘હું તે છું, હું તે છું.’ એ ભાવનાથી ઝણઝણી ન ઊઠે ત્યાં સુધી, હૃદયના ઊંડાણ સુધી ન પહોંચે ત્યાં સુધી કાનમાં એ તત્ત્વને સતત રેડ્યા જ કરવું પડશે. યમદ્વારે પહોંચ્યા હો તો પણ કહો सोऽहम्। ‘હું તે છું.’

ભારતમાં એક સંન્યાસી હતો. તે शिवोऽहम्। ‘હું અનંત આનંદ છું’ એવો જપ જપ્યા કરતો હતો. એક દિવસે એક વાઘે તેની ઉપર તરાપ મારી અને તેને દૂર ઘસડી જઈને તેને મારી નાખ્યો; પરંતુ જ્યાં સુધી તેના શરીરમાં પ્રાણ હતા ત્યાં સુધી અવાજ આવ્યા કરતો હતો કે ‘शिवोऽहम्, शिवोऽहम्’ મૃત્યુને દ્વારે, અત્યંત ઘોર વિપત્તિમાં, યુદ્ધક્ષેત્રની વચ્ચોવચ, સમુદ્રના તળિયે, ઊંચામાં ઊંચા પર્વતનાં શિખરો ઉપર કે ગીચમાં ગીચ જંગલમાં પણ તમારી જાતને કહોઃ ‘હું તે છું, હું તે છું.’ દિવસ અને રાત કહો કે ‘હું તે છું.’ એ જ પરમ સામર્થ્ય છે; એ જ ધર્મ છે. नायमात्मा बलहीनेन लभ्यः ‘નિર્બળ વ્યક્તિ કદી પણ આત્માને પામી શકશે નહીં.’ કદી એમ ન બોલો કે, ‘હે પ્રભો! હું અતિ અધમ છું, પાપી છું.’ તમને કોણ સહાય કરવાનું છે? તમે જ જગતના સહાયક છો. આ જગતમાં કોણ તમને મદદ કરી શકશે? ક્યાં છે તે માણસ, તે દેવ અથવા તે રાક્ષસ કે જે તમને મદદ કરે? તમારા ઉપર અન્ય કઈ શક્તિ કામ કરી શકે? તમે જગતના ઈશ્વર છો; તમે સહાય ક્યાં શોધવા જવાના? તમારા પોતા સિવાય બીજી કોઈ જગ્યાએથી તમને કદી સહાય પ્રાપ્ત થઈ નથી. તમારી અજ્ઞાન અવસ્થામાં તમે જે પ્રાર્થના કરી અને જેનો ઉત્તર તમને મળ્યો, તે ઉત્તર અન્ય કોઈ પાસેથી મળ્યો હતો એમ તમે માનેલું; પરંતુ તમારી પ્રાર્થનાનો એ જવાબ અજાણ્યે તમે પોતે જ વાળ્યો છે. સહાય તમારા પોતામાંથી આવી, જ્યારે તમે કલ્પનાથી માની લીધું કે અન્ય કોઈ તમને સહાય મોકલી રહ્યું હતું. તમારી બહાર તમારો પોતાનો સહાયકર્તા અન્ય કોઈ નથી. તમે જ જગતના સ્રષ્ટા છો. રેશમના કીડાની જેમ તમે જ તમારી ચારે બાજુ કોશેટો બાંધ્યો છે. તમારો ઉદ્ધાર બીજું કોણ કરશે? તમે તમારા પોતાના કોશેટાને તોડી નાખો અને સુંદર પતંગિયાની પેઠે મુક્ત આત્મા તરીકે બહાર પડો. કેવળ તે પછી જ તમે સત્યનાં દર્શન કરી શકશો. હંમેશાં તમારી જાતને કહો કે ‘હું તે છું.’ આ શબ્દો જ મનના કચરાને બાળીને ભસ્મ કરી દેશે; આ શબ્દો જ તમારામાં જે મહાન શક્તિ પહેલેથી જ વિદ્યમાન છે તેને પ્રગટ કરશે, તમારા હૃદયમાં જે અનંત શક્તિ સુપ્ત છે તેને જગાડશે. સતત સત્ય અને સત્યના શ્રવણથી આ શક્તિને પ્રગટ કરી શકાશે. જ્યાં જ્યાં દુર્બળતાનો વિચાર સંભવે તે તરફ કદી જશો નહીં. તમે જ્ઞાની થવા ઇચ્છતા હો તો બધી જ નબળાઈઓનો ત્યાગ કરો.

સાધનાનો આરંભ કરતાં પહેલાં તમારા મનના તમામ સંદેહોને દૂર કરી નાખો. લડો, ચર્ચા કરો, વાદ કરો; અને જ્યારે કેવળ આ અને આ જ સત્ય હોઈ શકે અને અન્ય કશું જ નહીં, એ સિદ્ધાંત તમારા મનમાં બરોબર સ્થપાઈ જાય ત્યારે પછી વધારે તર્ક કરશો નહીં. પછી તમારું મોં બંધ કરી દો; તે પછી તર્કવિતર્ક સાંભળશો જ નહીં. અથવા તમે પણ તર્કવિતર્ક કરશો નહીં. વધુ તર્કવિતર્કનો હવે ઉપયોગ શો છે? તમે તમારી જાતને સંતોષ આપ્યો છે, તમે સિદ્ધાંત નિશ્ચિત કરી લીધો છે. તે પછી બાકી શું રહે છે? હવે સત્યનો સાક્ષાત્કાર કરવાનો છે, તો શા માટે વૃથા વાદવિવાદમાં અમૂલ્ય સમય ગુમાવવો? હવે તો એ સત્યનું ધ્યાન ધરવાનું છે અને જે પ્રત્યેક ભાવ તમને બળ આપે તેને પકડી જ લેવાનો છે, તથા જે પ્રત્યેક વિચાર તમને દુર્બળ બનાવે તેને ફગાવી જ દેવાનો છે. ભક્ત મૂર્તિઓ અને પ્રતિમાઓ તથા એવી બધી વસ્તુઓનું તેમજ ઈશ્વરનું ધ્યાન ધરે છે; આ પ્રક્રિયા સ્વાભાવિક છે પરંતુ તે ધીમી છે. યોગી પોતાના શરીરમાં ભિન્ન ભિન્ન ચક્રોનું ધ્યાન ધરે છે અને મનની શક્તિઓનો ઉપયોગ કરે છે. જ્ઞાની કહે છે, મનનું અસ્તિત્વ જ નથી, શરીરનું પણ અસ્તિત્વ નથી. શરીર અને મનના આ વિચારો દૂર કરવા જ જોઈએ, તેમને હાંકી જ કાઢવા જોઈએ; એટલે તેમને વિષે વિચાર કરવો એ મૂર્ખતાભર્યું છે. તે તો એક રોગને મટાડવા બીજા રોગને પેસાડવા જેવું છે. એટલા માટે તેનું ધ્યાન અત્યંત કઠણ. નેતિ, નેતિ; કહીને તે પ્રત્યેક વસ્તુના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અને જે શેષ રહે છે તે જ આત્મા છે. આ સૌથી શ્રેષ્ઠ વિશ્લેષણાત્મક સાધના છે. જ્ઞાની કેવળ વિશ્લેષણના બળથી જગતને આત્માથી છૂટો કરવા ઇચ્છે છે. ‘હું જ્ઞાની છું.’ તેમ કહેવું ઘણું જ સહેલું છે, પરંતુ યથાર્થ જ્ઞાની બનવું અત્યંત કઠિન છે. વેદ કહે છે,

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशीता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥

‘પથ અત્યંત લાંબો છે. તે જાણે કે અસ્તરાની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવું છે; પરંતુ નિરાશ ન થાવ. ઊઠો, જાગો અને જ્યાં સુધી એ પરમ લક્ષ્યને ન પહોંચો ત્યાં સુધી અટકશો નહીં.’

એટલે જ્ઞાનીનું લક્ષ્ય શું છે? જ્ઞાની દેહ અથવા મનના પ્રત્યેક ભાવથી પર જવા ઇચ્છે છે, પોતે શરીર છે તેવા ખ્યાલને દૂર કરવા તે ઇચ્છે છે. દૃષ્ટાંત તરીકે જ્યારે હું કહું છું કે ‘હું માલિક છું,’ તે જ ક્ષણે દેહનો ભાવ આવી જાય છે. તો મારે શું કરવું જોઈએ? મારે મારા મન ઉપર એક સખત આઘાત કરવો જોઈએ અને કહેવું જોઈએ કે ‘ના, હું શરીર નથી, હું આત્મા છું.’ રોગ અથવા અતિ ભયંકર સ્વરૂપમાં મૃત્યુ આવે, તો ય તેની કોને પરવા છે? હું શરીર નથી. શરીરને શા માટે શણગારવું? ફરી એક વાર માયા માણવા માટે? આ ગુલામી ચાલુ રાખવા? તેને છોડી દો. હું તે શરીર નથી. જ્ઞાનીનો આવો પંથ છે. ભક્ત કહે છે કે ‘ઈશ્વરે મને આ દેહ આપ્યો છે, તે આ સંસારસાગર હું સહીસલામત રીતે પાર તરી જાઉં તે માટે છે. તેથી જ્યાં સુધી મારી આ યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી હું તેનું સારી રીતે જતન કરીશ.’ યોગી કહે છે, ‘મારે શરીરની કાળજી રાખવી જ જોઈએ કે જેથી સ્થિર ગતિથી હું આગળ વધી શકું અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી શકું.’ જ્ઞાનીને એમ લાગે છે કે તે રાહ જોઈ શકે નહીં, આ જ ક્ષણે તેણે ધ્યેયે પહોંચવું જોઈએ. તે કહે છે કે ‘હું અનંત કાળથી મુક્ત છું; હું કદી બદ્ધ નથી; અનંત કાળથી હું બ્રહ્માંડનો સ્રષ્ટા છું; મને કોણ પૂર્ણ કરવાનું છે? હું અત્યારે જ પૂર્ણ છું.’ જ્યારે મનુષ્ય પૂર્ણ હોય છે ત્યારે બીજાઓમાં પણ તે પૂર્ણતા નિહાળે છે; જ્યારે તે અપૂર્ણતા જુએ છે, ત્યારે તે અપૂર્ણતા તેના પોતાના મનનું જ આરોપણ હોય છે. તેના પોતાનામાં અપૂર્ણતા ન હોય તો કેવી રીતે અપૂર્ણતા જોઈ શકે? એટલા માટે જ્ઞાની પૂર્ણતા અથવા અપૂર્ણતાની પરવા કરતો નથી. તેને મન બેમાંથી એકેનું અસ્તિત્વ નથી. જેવો તે મુક્ત બને છે કે તે ભલું અને બૂરું કંઈ જ જોતો નથી. ભલું અને બૂરું કોણ જુએ છે? જેના પોતાનામાં તે બંને વિદ્યમાન હોય તે જ એ જુએ છે. શરીર કોણ જુએ છે? જે એમ વિચારે છે કે પોતે શરીર છે તે જ એમ જુએ છે. જે ક્ષણે તમે શરીર છો તેવો ભાવ છોડી દો, તે જ ક્ષણે આ જગતને તમે જરા પણ જોવાના નથી. તે સદા કાળને માટે અદૃશ્ય થઈ જાય છે. જ્ઞાની બૌદ્ધિક નિશ્ચયના બળથી આ જડ પદાર્થના બંધનથી પોતાની જાતને છૂટી કરવા મથે છે. આ નિષેધક પથ છે, ‘नेति नेति’ આ નહીં, આ નહીં.’

स तन्मयो ह्यमृत ईशसंस्थो ज्ञः सर्वगो भुवनस्यास्य गोप्ता।

य ईशेऽस्य जगतो नित्यमेव नान्यो हेतुर्विद्यत ईशनाय॥

यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै।

तं ह देवं आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये॥

‘જે બ્રહ્મસ્વરૂપ, મૃત્યુરહિત, ઈશ્વરસ્થાનીય, સર્વજ્ઞ, સર્વવ્યાપી, આ વિશ્વનો રક્ષક છે; જે જગતનું નિત્ય શાસન કરી રહ્યો છે, જેના સિવાય બીજો કોઈ શાસક નથી; સૃષ્ટિના આરંભમાં બ્રહ્માને ઉત્પન્ન કરે છે અને તેને વેદોનું જ્ઞાન આપે છે, તે આત્માભિમુખી બુદ્ધિના પ્રકાશક આત્મદેવને, મુમુક્ષુ એવો હું, શરણે જાઉં છું.’

– શ્વેતાશ્વતર ઉપનિષદ (૬-૧૭, ૧૮) (2.131)

Total Views: 375
૫. મુક્ત આત્મા
૭. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી