(જૂન ૭, ૧૮૯૬)

માનવજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળોએ કામ કર્યું છે અને હજુ પણ કરી રહ્યાં છે, તે બધામાં જેની અભિવ્યક્તિને આપણે ધર્મ કહીએ છીએ, તેના કરતાં વધારે શક્તિશાળી પરિબળ બીજું એકેય નથી. બધી સામાજિક સંસ્થાઓની પાર્શ્વભૂમિકા તરીકે ક્યાંક ને ક્યાંક તે વિશિષ્ટ બળની ક્રિયાશક્તિ હોય છે; માનવ ઘટકોને એકબીજાની જોડે એકઠાં રાખનારી મોટામાં મોટી પ્રેરણા આ શક્તિમાંથી મેળવવામાં આવી છે. આપણે સૌ એ સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે ઘણા કિસ્સાઓમાં જાતિ, આબોહવા કે કુળના બંધન કરતાં પણ ધર્મનું બંધન વધારે મજબૂત નીવડ્યું છે. એ એક જાણીતી હકીકત છે કે જે લોકો એક જ ઈશ્વરને પૂજે છે અને એક જ ધર્મમાં માને છે, તે લોકો માત્ર એક જ કુળના લોકો કે ભાઈઓના કરતાં પણ ઘણા વધારે બળ અને મક્કમતાથી એકબીજાની પડખે ઊભા રહ્યા છે. ધર્મની શરૂઆત કેવી રીતે થઈ તે શોધવાને માટે વિવિધ પ્રયાસો થયા છે. આજે આપણા જમાના સુધી ચાલતા આવેલા બધા જ પ્રાચીન ધર્મોમાં, આપણે એક જ દાવો કરાતો જોઈએ છીએ કે તે બધા અલૌકિક છે, તેમની ઉત્પત્તિ જાણે કે માનવમગજમાંથી નહીં પરંતુ ક્યાંક બહારથી થયેલી છે.

આધુનિક વિદ્વાનોમાં ધર્મની ઉત્પત્તિ વિશે બે પ્રણાલીઓ થોડે ઘણે અંશે આજે સ્વીકારાયેલી છે. તેમાંની એક છે ભૂતાત્મા પ્રણાલી, બીજી છે અનંતના વિચારનો વિકાસ. એક પક્ષ એવું માને છે કે ધાર્મિક વિચારોની શરૂઆત પિતૃપૂજામાંથી થયેલ છે, જ્યારે બીજો પક્ષ એવો મત ધરાવે છે કે ધર્મની શરૂઆત પ્રકૃતિની શક્તિઓને જીવંત વ્યક્તિ તરીકે માનવામાંથી થાય છે. માણસ પોતાનાં મૃત્યુ પામેલ સગાંવહાલાંની યાદગીરી જાળવી રાખવા ઇચ્છે છે; તે માને છે કે શરીરનો નાશ થયા પછી પણ તેઓ જીવે છે. માણસ પોતાનાં મૃત સગાંને ખાવાનું આપવા અને અમુક અર્થમાં તેમની પૂજા કરવા માગે છે. જેને આપણે ધર્મ કહીએ છીએ. તેનો વિકાસ એમાંથી થયો છે.

ઇજિપ્ત, બેબિલોન, ચીન અને અમેરિકા તથા અન્ય દેશોની ઘણી પ્રજાઓના પ્રાચીન ધર્મોનો અભ્યાસ કરતાં આપણે જોઈએ છીએ કે પિતૃપૂજા ધર્મની શરૂઆત હોય એવાં સ્પષ્ટ ચિહ્નો દેખાય છે. પ્રાચીન ઇજિપ્તના લોકોનો પ્રથમ વિચાર બેવડિયા આત્માનો હતો. દરેક માનવશરીર તેનામાં પોતાના જેવું બીજું અંગ ધરાવતું હતું; અને જ્યારે માણસ મરી જાય, ત્યારે આ બીજું અંગ તેનામાંથી બહાર ચાલ્યું જતું અને છતાં જીવ્યા કરતું; પરંતુ સાથે એમ પણ મનાતું કે આ અર્ધઅંગ માત્ર ત્યાં સુધી જ જીવી શકે કે જ્યાં સુધી પેલો મૃતદેહ અકબંધ અવસ્થામાં રહે. તેથી આપણે જોઈએ છીએ કે ઇજિપ્તના લોકો મૃતદેહને કોઈ પ્રકારની ઈજા થયા વિનાનો રાખવાને ખૂબ જ ઇંતેજાર રહેતા, એ જ કારણે તેઓ ગંજાવર પિરામિડો બાંધતા અને ત્યાં પેલા મૃતદેહો સાચવી રાખતા, કારણ કે મૃત શરીરનો જો કોઈપણ બહારનો ભાગ જરા પણ ઈજા પામે તો તેના બીજા અર્ધ અંગને પણ તે જ પ્રમાણે ઈજા પહોંચે એમ મનાતું. દેખીતી રીતે જ આ પિતૃપૂજા છે. પ્રાચીન બેબિલોનના લોકોમાં પણ આપણને આવો જ બીજા અર્ધ અંગનો વિચાર જોવા મળે છે; માત્ર તેમાં સહેજ ફેર છે. મૃત્યુ પામ્યા પછી તેનું અર્ધ અંગ પ્રેમનો બધો વિચાર ગુમાવી બેસતું. તે તેનાં સગાંને ખોરાક-પાણી આપવા અને તેને ઘણી જ રીતોથી મદદ કરવા ડરાવતું. તેણે પોતાનાં બાળકો અને પોતાની પત્ની તરફની લાગણી પણ ગુમાવી દીધી હતી. પ્રાચીન હિંદુઓમાં પણ આપણે આ પિતૃપૂજાનાં ચિહ્નો જોઈએ છીએ. ચીનાઓમાં પણ તેમના ધર્મનું મૂળ પિતૃપૂજા જ છે એમ કહી શકાય; અને એ વિશાળ દેશના એક છેડાથી બીજા છેડા સુધી હજુ પણ તે જ પ્રણાલી પ્રવર્તી રહેલી છે. હકીકતે ચીનમાં જો કોઈ પણ ધર્મ પ્રબળ રીતે પ્રવર્તતો હોય તો તે માત્ર પિતૃપૂજાનો જ છે. આમ એક બાજુએ જે લોકો પિતૃપૂજાને ધર્મની શરૂઆત ગણે છે, તેમનો પક્ષ મજબૂત લાગે છે. બીજી બાજુએ, કેટલાક વિદ્વાનો એવા છે કે જેઓ પ્રાચીન આર્યોના સાહિત્યમાંથી એમ પુરવાર કરે છે કે ધર્મની શરૂઆત પ્રકૃતિપૂજામાંથી થયેલી છે. જો કે ભારતમાં આપણને બધી જ જગ્યાએ પિતૃપૂજાનાં પ્રમાણો મળે છે, છતાં પ્રાચીનમાં પ્રાચીન સાહિત્યમાં આપણને તેનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. આર્ય પ્રજાના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સંહિતામાં આપણને તેનું કોઈ પણ ચિહ્ન સાંપડતું નથી. આધુનિક વિદ્વાનો એમ માને છે કે તેમાં જે દેખાય છે તે પ્રકૃતિપૂજા છે. માનવમન દૃશ્ય જગતની પાછળ ડોકિયું કરવાનો પ્રયત્ન કરતું જણાય છે. ઉષા, સંધ્યા, વાવાઝોડું, પ્રકૃતિનાં પ્રચંડ અને રાક્ષસી બળો, તેનું સૌંદર્ય વગેરેએ માનવીના મન ઉપર પ્રભાવ પાડ્યો છે અને આ બધી વસ્તુઓ સમજવા સારુ તે હંમેશાં તેથી પર જવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે. એ પ્રયત્નમાં તે આ દૃશ્યોમાં જીવંત વ્યક્તિના ગુણોનું આરોપણ કરે છે અને તેમનામાં આત્માનું તથા કોઈવાર સુંદર, તો કોઈવાર અતીન્દ્રિય શરીરનું આરોપણ કરે છે. તે દૃશ્યો વ્યક્તિરૂપે કલ્પાયાં હોય કે ન હોય, પણ દરેક પ્રયત્ન અંતે તેમની વસ્તુ નિરપેક્ષ ભાવનામાં પરિણમે છે. પ્રાચીન ગ્રીક લોકોમાં પણ આવું જ જોવામાં આવે છે. તેમનાં બધાં પુરાણો માત્ર આ ભાવનાત્મક પ્રકૃતિપૂજા જ છે. એ જ પ્રમાણે જર્મન, સ્કેન્ડીનેવિયન અને બીજી બધી આર્ય પ્રજાઓ વિશે પણ આમ જ છે. આ રીતે આ પક્ષે પણ પ્રકૃતિનાં બળોને વ્યક્તિરૂપે કલ્પવામાં ધર્મનું મૂળ રહેલું છે, એ મતને માટે પણ મજબૂત પુરાવો ઊભો કરવામાં આવે છે.

આ બંને અભિપ્રાયો જો કે વિરોધાભાસી લાગે છે છતાં ત્રીજા મુદ્દા ઉપર તેમને સુસંગત બનાવી શકાય; અને મારા મત પ્રમાણે ધર્મનું સાચું મૂળ તે જ છે. હું તેને ઇન્દ્રિયોની મર્યાદાથી પર જવાનો પ્રયત્ન કહેવા માગું છું. કાં તો માણસ પોતાના પૂર્વજોના આત્માની શોધમાં એટલે કે મૃતાત્માઓની શોધમાં નીકળે છે એટલે કે જ્યારે શરીર વિલીન થઈ જાય, ત્યાર પછી એનું શું થાય છે, તેની ઝાંખી કરવાની તેની ઇચ્છા છે અથવા તો પ્રકૃતિનાં વિરાટ દૃશ્યો પાછળ કામ કરી રહેલાં પરિબળોને સમજવાની તે ઇચ્છા રાખે છે. આ બેમાંથી ગમે તે સાચું હોય, પણ એક વાત ચોક્કસ છે કે માનવી ઇન્દ્રિયોની મર્યાદાથી પર જવાની કોશિશ કરે છે. માનવી પોતાની ઇન્દ્રિયોથી સંતુષ્ટ-મર્યાદિત રહી શકતો નથી; તેને તેનાથી પર જવું છે. આ ખુલાસો રહસ્યમય લાગવાનું કોઈ કારણ નથી. મને એ ખૂબ જ સ્વાભાવિક લાગે છે કે ધર્મની પહેલી ઝાંખી સ્વપ્ન દ્વારા જ થઈ હોવી જોઈએ; અમરત્વનો પહેલો વિચાર માણસને સ્વપ્નની ઘટના મારફત જ આવ્યો હશે. શું ખરેખર આ અતિ અદ્ભુત અવસ્થા નથી? આપણે જાણીએ છીએ કે બાળકો અને બિનકેળવાયેલા માણસો સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં બહુ ઓછો તફાવત જુએ છે. સાહજિક વિચારથી તેમને લાગે છે કે જો નિદ્રામાં પણ, એટલે કે જ્યારે શરીર ઉપલક દૃષ્ટિએ મૃત દેખાય છે ત્યારે પણ, મન પોતાની અટપટી ક્રિયાઓમાં મશગૂલ રહે છે, તો માણસના અમરત્વનું વધુ સાહજિક પ્રમાણ આના કરતાં બીજું શું હોઈ શકે? અર્થાત્ આ શરીરનો કાયમને માટે નાશ થઈ ગયા પછી પણ તે જ રીતે માણસનું કાર્ય ચાલુ રહેશે એવા નિર્ણય ઉપર માણસ તરત જ આવે એમાં શી નવાઈ છે? મારા મત પ્રમાણે અતીન્દ્રિય અસ્તિત્વનું આ વધુ સ્વાભાવિક સ્પષ્ટીકરણ થાય; અને આ સ્વપ્ન-વિચાર દ્વારા માનવીનું મન વધારે ને વધારે ઉચ્ચ વિચારોએ પહોંચે. અલબત્ત, સમય જતાં માનવજાતના મોટાભાગને એ સમજાયું કે આ સ્વપ્નોના ખરાપણાની સાબિતી જાગ્રત અવસ્થામાં મળતી નથી અને સ્વપ્નાવસ્થામાં માણસને નવું અસ્તિત્વ મળે છે એમ પણ નથી; પરંતુ તે વેળા માત્ર જાગ્રત-અવસ્થાના અનુભવોની માત્ર તેને પુનરાવૃત્તિ થાય છે.

પરંતુ આ દરમિયાન શોધની શરૂઆત થઈ ચૂકી હતી. આ શોધ અંતર્મુખી હતી. માણસે મનની જુદી જુદી ભૂમિકાઓનો વધુ ઊંડાણથી અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને જાગ્રત તથા સ્વપ્નથી વધુ ઉચ્ચ ભૂમિકાઓ શોધી કાઢી, જેને આપણે અંતઃપ્રેરણા કે ભાવસમાધિ કહીએ છીએ, એવી આ અવસ્થા દુનિયાના લગભગ બધા જ વ્યવસ્થિત ધર્મોમાં જોવા મળે છે. બધા સુવ્યવસ્થિત ધર્મોમાં, તેમના સંસ્થાપકો, પયગંબરો અને સંદેશવાહકો મનની એવી અવસ્થામાં ગયેલા હોવાનું કહેવાય છે કે જે નથી જાગ્રત કે નથી સ્વપ્ન કે નથી સુષુપ્ત. આ અવસ્થામાં તેઓ આધ્યાત્મિક રાજ્યને લગતી હકીકતોની નવી જ પરંપરાનો સાક્ષાત્કાર કરે છે. આપણે આપણી જાગ્રત અવસ્થા દરમિયાન જે હકીકતો આપણી આજુબાજુ જોઈએ છીએ તેના કરતાં વધારે તીવ્રતાથી તે લોકો ત્યાંની ઘટનાઓ જુએ છે. દાખલા તરીકે વૈદિક ધર્મ લો. વેદો ઋષિઓએ લખેલ છે એમ કહેવાય છે. આ ઋષિઓ એવા સંત પુરુષો હતા કે જેમણે અમુક સત્યોની અનુભૂતિ કરી હતી. સંસ્કૃત ભાષામાં ઋષિની વ્યાખ્યા છેઃ ઋષિ એટલે મંત્રદ્રષ્ટા; વૈદિક મંત્રોમાં દર્શાવેલા વિચારોના દ્રષ્ટા. આ લોકોએ જાહેર કર્યું કે પોતે અમુક ઘટનાઓનો સાક્ષાત્કાર કર્યો છે, જો સાક્ષાત્કાર શબ્દ અતીન્દ્રિય વિષય માટે વાપરી શકાય તો. તેમણે આ ઘટનાઓની નોંધ રાખવા માંડી. આપણે જોઈએ છીએ કે આ જ સત્ય ખ્રિસ્તી અને યહૂદી સંત પુરુષો પણ જાહેર કરે છે.

દક્ષિણપંથના એટલે હીનયાન સંપ્રદાયના બૌદ્ધો વિશે કંઈક અપવાદ મૂકી શકાય. એવો પ્રશ્ન થઈ શકે કે જો બૌદ્ધો ઈશ્વરમાં કે આત્મામાં માનતા નથી, તો એમનો ધર્મ આ અતીન્દ્રિય ક્ષેત્રમાંથી ઊતરી આવેલો છે એમ કેવી રીતે માની શકાય? જવાબ એ છે કે બૌદ્ધો પણ સનાતન નૈતિક નિયમ, એટલે કે ધર્મમાં માને છે. એ નૈતિક નિયમનો અર્થ આપણે જે પ્રમાણે ઘટાવીએ છીએ તે રીતે કરાયેલો નથી. પરંતુ બુદ્ધે તે નિયમ અતીન્દ્રિય અવસ્થામાં શોધી કાઢ્યો. તમારા પૈકી જેમણે બુદ્ધની જીવનકથા, ભલે સંક્ષિપ્તમાં, ‘લાઇટ ઑફ એશિયા (The Light of Asia)’ નામના સુંદર કાવ્યમાં વાંચેલ હશે, તેમને યાદ હશે કે બુદ્ધ જ્યાં સુધી મનની અતીન્દ્રિય અવસ્થાએ પહોંચ્યા નહોતા ત્યાં સુધી વડના ઝાડ તળે બેસી રહ્યા હતા. બુદ્ધના સઘળા ઉપદેશો બુદ્ધિની કસરતમાંથી નહીં પણ આ અતીન્દ્રિય અનુભૂતિમાંથી આવ્યા છે.

આમ દુનિયાના બધા ધર્મોએ ઉચ્ચારેલી મહાન ઉક્તિ એ છે કે અમુક ક્ષણોએ માનવમન ઇન્દ્રિયોની સીમાથી પર જાય છે એટલું જ નહીં પણ બુદ્ધિથી પણ પર જાય છે; પછી તે એવી ઘટનાઓનો સાક્ષાત્ અનુભવ કરે છે કે જે તેણે ઇન્દ્રિયો દ્વારા કદીય અનુભવી ન હોય અગર બુદ્ધિ દ્વારા વિચારી ન હોય. આ અનુભૂતિઓ દુનિયાના સર્વ ધર્મોનું મૂળ છે. એ ખરું છે કે આ અનુભૂતિઓને બુદ્ધિની સરાણ ઉપર ચઢાવવાનો કે તેમની સામે પડકાર કરવાનો આપણને અધિકાર છે. છતાં પણ દુનિયાના આજના બધા ધર્મો એવો દાવો કરે છે કે માનવમનમાં ઇન્દ્રિયોની અને બુદ્ધિની સીમાઓથી પર થઈ શકવાની આ વિશેષ શક્તિ રહેલી છે. તેઓ આ શક્તિને એ સત્ય હકીકત તરીકે આપણી સમક્ષ રજૂ કરે છે.

ધર્મે જેનો દાવો કરેલ છે તે બાબતો કેટલે અંશે સાચી છે તે પ્રશ્નને બાજુએ રાખ્યા પછી આપણે એ બધામાં એક સામાન્ય લક્ષણ જોઈએ છીએ. ભૌતિકશાસ્ત્રની નક્કર શોધોની સાથે સરખાવતાં આ બધી સૂક્ષ્મ ભાવાત્મક વસ્તુઓ છે. ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વ્યવસ્થિતપણે રચાયેલા બધા ધર્મોમાં તે એક અતિ શુદ્ધ ભાવનાત્મક એકમનું સ્વરૂપ ધારણ કરે છે; તે એકમ કાં તો વસ્તુનિરપેક્ષ સત્તા તરીકે, સર્વવ્યાપી તત્ત્વ તરીકે અગર એક નિરપેક્ષ વ્યક્તિત્વ તરીકે અનુભવમાં આવે છે કે જેને ઈશ્વર કે નીતિધર્મ કહેવામાં આવે છે અથવા સર્વ અસ્તિત્વના આધારભૂત એક નિર્વિશેષ તત્ત્વરૂપે તે અનુભવવામાં આવે છે. મનની અતીન્દ્રિય અવસ્થાનો આશરો લીધા સિવાય ધર્મનો ઉપદેશ આપવાના આધુનિક સમયમાં પણ જે જે પ્રયત્નો થયેલા છે તેમને પણ પ્રાચીનોના સૂક્ષ્મ ભાવનાત્મક વિચારોનો આધાર લેવો પડ્યો છે; તેમણે તેને ‘નીતિધર્મ’ કે ‘આદર્શ એકત્વ’ વગેરે જુદાં જુદાં નામો આપેલાં છે, એ જ બતાવે છે આ સૂક્ષ્મ વિચારો ઇન્દ્રિયોનો ગ્રાહ્ય વિષય નથી. આપણામાંથી કોઈએ હજુ સુધી કોઈ સંપૂર્ણ આદર્શ માનવીને જોયો નથી, છતાં એવો મનુષ્ય છે એમ માનવાનું આપણને કહેવામાં આવે છે. આદર્શની દૃષ્ટિએ સંપૂર્ણ હોય એવો માણસ આપણે કોઈએ જોયો નથી અને છતાં આદર્શ વિના આપણે પ્રગતિ કરી ન શકીએ. આમ આ બધા જુદા જુદા ધર્મોમાંથી એક હકીકત પ્રમુખપણે તરી આવે છે કે એક આદર્શ ભાવનાત્મક તત્ત્વ છે કે જે આપણી સમક્ષ વ્યક્તરૂપે કે અવ્યક્તરૂપે કે નિયમરૂપે કે સત્તારૂપે કે સારતત્ત્વરૂપે રજૂ કરવામાં આવે છે. તે આદર્શને પહોંચવા માટે આપણે હંમેશાં પ્રયાસ કરતા હોઈએ છીએ. મનુષ્ય માત્રને, ભલે તે ગમે ત્યાં હોય અને ગમે તે હોય, અનંત શક્તિને પહોંચવાનો આદર્શ હોય જ છે. દરેક મનુષ્યને અનંત આદર્શ હોય જ છે. આપણી આજુબાજુમાં થતાં બધાં જ કાર્યો તથા આપણી આજુબાજુ પથરાયેલી બધી પ્રવૃત્તિઓ, આ અનંત આનંદ મેળવવાને માટે છે. પરંતુ કેટલાકને એ વાત એકદમ સમજાઈ જાય છે કે, ભલે પોતે અનંત શક્તિ પામવા માટે મહેનત કરે, પણ ઇન્દ્રિયો દ્વારા તેને મેળવી શકાશે નહીં; તેઓ તરત જ સમજી જાય છે કે એ અનંત આનંદ ઇન્દ્રિયો દ્વારા મળનાર નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ ઇન્દ્રિયો અને શરીર અનંતને વ્યક્ત કરવા માટે અત્યંત મર્યાદિત છે. અનંતને સાન્ત દ્વારા વ્યક્ત કરવું અસંભવિત છે; વહેલો કે મોડો માણસ અનંતને સાન્ત દ્વારા વ્યક્ત કરવાનો પ્રયાસ છોડી દેવાનું સમજી જાય છે. આ છોડી દેવું, આ પ્રયત્નનો ત્યાગ, એ જ નીતિધર્મની પાર્શ્વભૂમિ છે. ત્યાગના પાયા ઉપર જ નીતિધર્મ ઊભેલો છે. જેના પાયામાં ત્યાગ ન હોય, એવો નીતિધર્મ કદી ઉપદેશાયો જ નહોતો.

નીતિધર્મ હંમેશાં કહે છેઃ ‘પહેલો હું નહીં, પહેલો તું.’ તેનો મુદ્રાલેખ ‘સ્વાર્થ નહિ, પણ નિઃસ્વાર્થપણું છે.’ નીતિધર્મના નિયમો એવો આદેશ આપે છે કે જ્યારે માણસ અનંત શક્તિ કે અનંત આનંદ મેળવવા ઇન્દ્રિયો દ્વારા પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિત્વના જે વ્યર્થ વિચારોને પોતે વળગી રહે છે, તેમનો તેણે ત્યાગ કરવો પડશે. તમારે બીજાને આગળ કરવા પડશે અને તમારી જાતને છેલ્લે મૂકવી પડશે. ઇન્દ્રિયો કહે છેઃ ‘અમે પ્રથમ.’ નીતિધર્મ કહે છેઃ ‘મારો વારો સૌથી છેલ્લો.’ આમ નીતિધર્મના બધા જ નિયમો આ ત્યાગની ભાવના ઉપર રચાયેલા છે; નીતિધર્મનો આદર્શ છે ભૌતિક કક્ષાએ વ્યક્તિત્વનો વિનાશ, તેનો વિસ્તાર નહીં. એ અનંત તત્ત્વ કદી પણ ભૌતિક ભૂમિકા ઉપર વ્યક્ત થશે નહીં; તે શક્ય પણ નથી, અને તેની કલ્પના પણ થઈ શકે નહીં.

તેથી માણસે એ અનંતનો વધુ ગાઢ આવિર્ભાવ શોધવા માટે ભૌતિક ભૂમિકાને છોડી દઈને બીજી ભૂમિકાએ ચઢવું પડશે. આમ જુદા જુદા ઘણા નીતિધર્મના નિયમો ઘડવામાં આવે છે, પણ બધાનો મધ્યવર્તી વિચાર તો એક જ છેઃ અહંનો સદાને માટે નાશ. અહંનો સંપૂર્ણ લોપ તે જ નીતિધર્મનો આદર્શ છે. જો લોકોને કહેવામાં આવે કે પોતાના વ્યક્તિત્વનો વિચાર ન કરો તો તેઓ ચોંકી ઊઠે છે. એમને ભય લાગે છે કે જેને તેઓ પોતાનું વ્યક્તિત્વ કહે છે તે રખે ગુમાવી બેસવું પડે! સાથે સાથે એે જ લોકો નીતિધર્મના સર્વોચ્ચ આદર્શો સાચા છે એમ જાહેર કરે છે, જ્યારે એક ક્ષણ પણ વિચાર કરતા નથી કે સર્વધર્મનું ક્ષેત્ર, ધ્યેય અને વિચાર વ્યક્તિત્વનો લોપ છે, તેનો વિસ્તાર કે સર્જન નથી.

ઉપયોગિતાનાં ધોરણો માનવીના નૈતિક સંબંધોને સમજાવી ન શકે કારણ કે સૌથી પહેલાં તો ઉપયોગિતાના વિચારોમાંથી આપણે નીતિધર્મના કોઈપણ નિયમો તારવી શકીએ નહીં. જેને અતીન્દ્રિય કહેવામાં આવે છે અથવા જેને હું અતિચેતન કહેવાનું વધુ પસંદ કરું છું, તેના અનુભવ વિના નીતિધર્મ હોઈ શકે નહીં. અનંતને પહોંચવાના પ્રયત્ન સિવાય આદર્શ હોઈ શકે નહીં. પોતાના સમાજની મર્યાદામાં માણસોને બાંધી રાખવાનો પ્રયત્ન કરતી કોઈપણ સમાજવ્યવસ્થા માનવજાતના નીતિધર્મના નિયમોનો ઉકેલ આપી શકતી નથી. ઉપયોગિતાના સિદ્ધાંતમાં માનનાર માણસ આપણને અનંતની શોધ મૂકી દેવાનું કહે છે; તેનો મત એવો છે કે અતીન્દ્રિયને પહોંચવાનો પ્રયત્ન અવ્યવહારુ અને મૂર્ખાઈભરેલો છે; અને સાથે જ પાછો એમ પણ કહે છે કે તમારે નીતિધર્મને અનુસરવું અને સમાજનું કલ્યાણ કરવું. આપણે કલ્યાણ શા માટે કરવું? કલ્યાણ કરવું એ ગૌણ વાત છે; આપણી પાસે આદર્શ હોવો જોઈએ. નીતિધર્મ પોતે ધ્યેય નથી પણ ધ્યેયે પહોંચવાનું સાધન છે. જો કંઈ ધ્યેય જ ન હોય તો આપણે શા માટે નીતિમાન થવું જોઈએ? બીજા લોકોને નુકસાન કરવાને બદલે મારે તેમનું કલ્યાણ શા માટે કરવું જોઈએ? જો માનવજાતનું ધ્યેય સુખ જ હોય તો મારે મારી જાતને સુખી કરવા બીજા લોકોને દુઃખી શા માટે ન કરવા? એમ કરતાં મને કોણ અટકાવે છે? બીજી બાજુ ઉપયોગિતાના સિદ્ધાંતનો પાયો બહુ સંકુચિત છે. બધા ચાલુ સામાજિક રીતરિવાજો અને રસમો અત્યારે સમાજ જે સ્થિતિમાં છે તેમાંથી લેવામાં આવ્યા છે; પણ ઉપયોગિતાના સિદ્ધાંતમાં માનનાર માણસને એવું માની લેવાનો શો અધિકાર છે કે સમાજ શાશ્વત છે? યુગો પહેલાં સમાજ અસ્તિત્વમાં ન હતો; યુગો પછી પણ સમાજ અસ્તિત્વમાં કદાચ નહીં હોય. ઘણે ખરે અંશે, તે એક કામચલાઉ પગથિયું છે કે જેના દ્વારા આપણે વધુ ઉચ્ચ વિકાસ તરફ જઈએ છીએ; અને જે કોઈ નિયમ માત્ર સમાજમાંથી જ આવેલો હોય છે તે શાશ્વત હોઈ શકે નહીં, તેમ મનુષ્ય સ્વભાવનું સમગ્ર ક્ષેત્ર તે આવરી શકે નહીં. તેથી તો ઉપયોગિતાના સિદ્ધાંતો વધારેમાં વધારે સમાજની આજની સ્થિતિમાં જ ચાલી શકે; તેથી આગળ તેમની કશી કિંમત નથી. પરંતુ ધર્મ અને આધ્યાત્મિકતામાંથી આવેલ નીતિધર્મ તથા તેના નિયમોનું ક્ષેત્ર તો અનંત માનવતાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે. તેનો આરંભ થાય છે વ્યક્તિથી, પરંતુ તેના સંબંધો અનંતની સાથે છે; સાથે સાથે તે સમાજને પણ આવરી લે છે કારણ કે સમાજ એટલે આ અનેક વ્યક્તિઓના સમૂહ સિવાય બીજું કંઈ નથી. તે નિયમો જેમ વ્યક્તિને તથા તેના કાયમી સંબંધોને લાગુ પડે છે, તેમ તે સમગ્ર સમાજને પણ જરૂર લાગુ પડવા જ જોઈએ, પછી ભલે તે ગમે તે સમયે અને ગમે તે સ્થિતિમાં હોય. આમ આપણે જોઈએ છીએ કે માનવજાતને માટે આધ્યાત્મિક ધર્મની હંમેશાં જરૂર છે. ગમે તેટલા આનંદદાયક હોય છતાં પણ માણસ હંમેશાં ભૌતિક પદાર્થોનો જ વિચાર કરીને રહી ન શકે.

એમ કહેવામાં આવે છે કે આધ્યાત્મિક વસ્તુઓ તરફ બહુ ધ્યાન આપવામાં આવે તો તે આ દુનિયાના વ્યવહારુ સંબંધોમાં ખલેલ પહોંચાડે છે. ચીનના સંત કોન્ફ્યુશિયસના અતિ પ્રાચીન જમાનામાં પણ એેમ કહેવામાં આવતું કે ‘આપણે આ દુનિયાનું ધ્યાન રાખીએ; અને પછી જ્યારે આપણે આ દુનિયાનો વ્યવહાર પૂરો કરીશું ત્યારે બીજી દુનિયા વિશેનો વિચાર કરીશું.’ આ દુનિયા પૂરતું આપણે ધ્યાન રાખીએ. એ ઘણું સારું છે, પણ જો આધ્યાત્મિકતા તરફનું વધારે પડતું ધ્યાન આપણા વ્યવહારિક સંબંધો ઉપર થોડીઘણી અસર કરે, તો કહેવાતા વ્યવહારુપણા તરફનું આપણું વધારે પડતું ધ્યાન આપણને આ લોક અને પરલોકમાં નુકસાન પહોંચાડે છે. આપણને તે જડવાદી બનાવે છે, કારણ કે માણસે પ્રકૃતિને પોતાના ધ્યેય તરીકે અપનાવવાની નથી, પરંતુ તેનાથી પર જવાનું છે.

માણસ જ્યાં સુધી પ્રકૃતિથી પર જવાની કોશિશ કરે છે, ત્યાં સુધી તે માણસ છે; અને આ પ્રકૃતિ આંતર અને બાહ્ય બંને છે. તે આપણા શરીરનું તથા બાહ્ય ભૌતિક પરમાણુઓનું નિયમન કરે છે, એટલું જ નહીં પણ આપણી અંદર રહેલી જે વધુ સૂક્ષ્મ પ્રકૃતિ છે, એટલે કે હકીકતમાં જગતને ચલાવનારી શક્તિ છે, તેનું પણ નિયમન કરે છે. બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહત્ત્વપૂર્ણ છે; પરંતુ આંતરપ્રકૃતિને જીતવી એ એથી પણ વધુ સારું અને વધુ મહત્ત્વપૂર્ણ છે; ગ્રહો અને તારાઓનું સંચાલન કરતા નિયમોનું જ્ઞાન હોવું એ મહત્ત્વપૂર્ણ અને સારું છે; પરંતુ માનવજાતની ઇચ્છાઓ, લાગણીઓ અને આવેશોને કાબૂમાં રાખતા નિયમોનું જ્ઞાન હોવું તે અનંતગણું સારું અને મહત્ત્વપૂર્ણ છે. આ અંદરના માનવીને જીતવાનું, માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓનાં રહસ્યો સમજવાનું અને તેનાં અદ્ભુત રહસ્યો ઉકેલવાનું કામ માત્ર ધર્મનું જ છે. માનવ સ્વભાવ એટલે કે સામાન્ય માનવ સ્વભાવ, મોટી મોટી ભૌતિક હકીકતોને જોવા માગે છે. સામાન્ય માનવી કોઈ અટપટી બાબતને સમજી શકતો નથી. એ ઠીક જ કહેવાયું છે કે સામાન્ય માનવી હજારો ઘેટાંને મારી નાખનાર સિંહને વખાણે છે; તેઓ એક ક્ષણ પણ એવો વિચાર કરતા નથી કે અહીં ઘેટાંનું મોત થાય છે, જો કે સિંહનો તે ક્ષણિક વિજય ભલે હોય. આનું કારણ એ છે કે લોકોને શારીરિક બળના પ્રદર્શનથી આનંદ થાય છે. સામાન્ય જનતાનું હંમેશાં એવું જ છે. તે દરેક બાહ્ય વસ્તુને જ સમજે છે. પરંતુ દરેક સમાજમાં એક ભાગ એવો પણ હોય છે કે જેનો આનંદ ઇન્દ્રિયોના વિષયોમાં નહીં પણ તેનાથી પર એવી બાબતોમાં હોય છે. અવારનવાર તેમને ભૌતિક કરતાં કોઈક ઉચ્ચ બાબતની ઝાંખી થાય છે, તેને પહોંચવાનો તેઓ પ્રયાસ કરે છે. જો આપણે દુનિયાની પ્રજાઓનો ઇતિહાસ બરોબર રીતે વાંચીશું તો હંમેશાં એવું દેખાશે કે જ્યારે કોઈ દેશમાં આવા લોકોની સંખ્યા વધે છે, ત્યારે જ તે પ્રજાની ઉન્નતિ થાય છે; અને ઉપયોગિતાવાદીઓ અનંતની આ શોધને ભલે ગમે તેટલી વ્યર્થ ગણે તો પણ જ્યારે તે અટકી પડે છે, ત્યારે તે પ્રજાનું અધઃપતન શરૂ થાય છે. એટલે કે દરેક પ્રજાની તાકાતનું મૂળ તે તે પ્રજાની આધ્યાત્મિકતામાં રહેલું છે; અને જે દિવસથી તે પ્રજામાંથી આધ્યાત્મિકતા તરફનું વલણ ઓછું થાય છે અને ભૌતિકવાદ જોર પકડે છે, તે દિવસથી તે પ્રજાના મૃત્યુની શરૂઆત થાય છે.

આમ ધર્મમાંથી જે કંઈ નક્કર હકીકતો તથા સત્યો આપણે શીખીએ તે બાજુ પર મૂકતાં, જે કંઈ આશ્વાસન આપણે તેમાંથી મેળવીએ તે પણ બાજુએ મૂકતાં, ધર્મ, એક વિજ્ઞાન તરીકે – એક અભ્યાસ તરીકે માનવીના મનને માટે એક મોટામાં મોટો અને સૌથી તંદુરસ્ત વ્યાયામ છે. અનંતને પામવાનો આ પુરુષાર્થ, અનંતને સમજવા માટેની આ મથામણ, જાણે કે ભૌતિક પદાર્થોમાંથી બહાર જઈને ઇન્દ્રિયોની સીમાથી પર થવાનો આ પ્રયત્ન, આધ્યાત્મિક માનવ વિકસાવવાનો આ પુરુષાર્થ, અનંતને આપણી સાથે એક કરવાનો આ દિનરાતનો પ્રયાસ – આ પ્રયત્ન જ માણસ માટે સૌથી વધુ ગૌરવભર્યો અને ભવ્ય છે. કેટલાક લોકોને ખાવામાં સૌથી વધારે આનંદ આવે છે; તે લોકોને તેમાંથી આનંદ ન આવવો જોઈએ એમ કહેવાનો આપણને અધિકાર નથી. બીજા કેટલાકને અમુક વસ્તુઓની માલિકી ધરાવવામાં ખૂબ જ રસ આવે છે; તે લોકોને આ બાબતોમાં રસ ન આવવો જોઈએ એમ કહેવાનો આપણને હક નથી. પરંતુ જે માણસને આધ્યાત્મિક વિચારોમાં અત્યંત રસ આવે છે તેને ‘ના’ કહેવાનો એ લોકોને પણ અધિકાર નથી. જીવ જેટલી નીચી કક્ષાનો તેટલો તેને ઇન્દ્રિયભોગમાં આનંદ વધારે. એક કૂતરા કે વરુના જેટલા હર્ષાવેશથી બહુ ઓછા માણસો ખોરાક ખાઈ શકે. પણ વરુનો કે કૂતરાનો સઘળો આનંદ જાણે કે ઇન્દ્રિયોમાં જ સમાયેલો હોય છે. બધી પ્રજાઓમાં માનવજાતની નીચલી કક્ષાના લોકોને ઇન્દ્રિયોના વિષયોમાં વધારે આનંદ આવે છે, જ્યારે સંસ્કારી અને કેળવાયેલા લોકોને વિચારણા, તત્ત્વજ્ઞાન, કલા અને વિજ્ઞાનમાં વધારે આનંદ આવે છે. આધ્યાત્મિકતા એથી પણ ઊંચી કક્ષા છે; અનંત હોવાથી તેની ભૂમિકા ઊંચામાં ઊંચી છે અને જે લોકો તેમાં રસ લઈ શકે તેમના માટે તેમાંથી મળતો આનંદ પણ ઊંચામાં ઊંચો છે. તેથી ઉપયોગિતાના સિદ્ધાંત પ્રમાણે પણ જે માણસને આનંદ મેળવવો હોય, તેણે ધાર્મિક વિચારો કેળવવા જોઈએ, કારણ કે ઊંચામાં ઊંચો આનંદ એ જ છે. આમ અભ્યાસના વિષય તરીકે, ધર્મ મને તદ્દન જરૂરી જણાય છે.

આપણે તેના પ્રભાવથી તે જોઈ શકીએ છીએ. મનુષ્યના મનને ચલાવનાર મોટામાં મોટું પ્રેરક બળ ધર્મ છે. આધ્યાત્મિકતાનો આદર્શ જેટલી શક્તિ આપણામાં રેડી શકે, તેટલી શક્તિ બીજો કોઈ આદર્શ રેડી શકે નહીં. માનવ ઇતિહાસ જોતાં આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ હકીકત છે અને ધર્મની શક્તિનો હજુ અંત આવેલ નથી. માત્ર ઉપયોગિતાના સિદ્ધાંતને અનુસરીને પણ માણસ સારો અને પ્રામાણિક થઈ શકે, તેની હું ના નથી કહેતો. માત્ર ઉપયોગિતાના સિદ્ધાંતને અનુસરીને જ દુનિયામાં ઘણા એવા પુરુષો થયા છે કે જેઓ સંપૂર્ણ રીતે નિર્દોષ, નીતિપરાયણ અને ભલા હોય. પરંતુ દુનિયાને હચમચાવી મૂકનારા માણસો, જેઓ આ દુનિયામાં જાણે કે ચુંબકશક્તિનો મોટો જથ્થો લાવે છે, જેમનો જુસ્સો સેંકડો અને હજારો લોકો ઉપર પ્રભાવ પાડે છે, જેમનાં જીવન બીજાની જિંદગીમાં આધ્યાત્મિકતાનો અગ્નિ પ્રગટાવે છે, આવા લોકોની પાર્શ્વભૂમિકા આપણે જોઈએ છીએ કે હંમેશાં આધ્યાત્મિક હોય છે. તેમનું પ્રેરક બળ ધર્મમાંથી આવ્યું હોય છે. જે અનંત શક્તિ દરેક મનુષ્યનો સ્વભાવ અને જન્મસિદ્ધ હક છે, તે મેળવવાનું ધર્મ મોટામાં મોટું પ્રેરક બળ છે. ચારિત્ર્યના ઘડતર માટે, જે કંઈ સારું અને મહાન છે તે બધાંને માટે, પોતાની તથા બીજાની શાંતિને માટે, ધર્મ સૌથી મોટું પ્રેરક બળ છે અને તેથી એ દૃષ્ટિએ તેનો અભ્યાસ થવો જોઈએ. અગાઉના કરતાં આજે ધર્મનો અભ્યાસ વધારે વિસ્તૃતપણે થવો જોઈએ. ધર્મના સઘળા સંકુચિત, મર્યાદિત અને ઝઘડો પેદા કરનારા વિચારો જવા જ જોઈએ; ધર્મના બધા સાંપ્રદાયિક વિચારોનો, જાતિ અંગેના કે રાષ્ટ્ર અંગેના વિચારોનો ત્યાગ કરવો જોઈએ. જો દરેક જાતિ કે પ્રજાને પોતાનો વિશિષ્ટ ઈશ્વર હોવો જોઈએ અને બીજા બધા ખોટા છે એમ તેણે માનવું જોઈએ, – તો તે એક વહેમ છે; તે ભૂતકાળની વસ્તુ બની જવો જોઈએ. આવા બધા વિચારોને તિલાંજલિ આપવી જોઈએ.

જેમ જેમ માનવમન વિકાસ પામતું જાય છે, તેમ તેમ તેની આધ્યાત્મિક સાધનાઓ પણ વધુ ઉદાર થતી જાય છે. આજે એવો સમય આવી ગયો છે કે માણસ એેક પણ વિચાર એવો ન કરી શકે કે જે દુનિયાને દરેક છેડે પહોંચ્યા વિના રહે. માત્ર ભૌતિક સાધનો વડે પણ આપણે આખી દુનિયાના સંપર્કમાં પહોંચી ચૂક્યા છીએ; તેથી દુનિયાના ભવિષ્યના ધર્મોએ પણ તેટલા જ વિશ્વવ્યાપી અને તેટલા જ ઉદાર બનવું પડશે.

ભવિષ્યના ધાર્મિક આદર્શોએ દુનિયામાં જે કંઈ મહાન અને સારું છે તે બધાને આવરી લેવું પડશે; સાથોસાથ ભવિષ્યના વિકાસને માટે પણ અખૂટ ક્ષેત્ર રહેશે. ભૂતકાળનું જે કંઈ સારું તત્ત્વ છે તેને જાળવી રાખવું જોઈશે અને હાલ જે આપણા ભંડારમાં છે તેમાં ભવિષ્યમાં વધારો થવાને માટે હંમેશાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈશે. ધર્મો એકબીજાને સમાવી લેવાને માટે તૈયાર હોવા જોઈએ; એકબીજાની ઈશ્વરની ભાવના જુદી જુદી હોય માટે પરસ્પર તિરસ્કારની દૃષ્ટિએ જોવું ન જોઈએ. મારી જિંદગીમાં, મેં અનેક આધ્યાત્મિક પુરુષો જોયા છે, અનેક સમજદાર પુરુષો જોયા છે કે જેઓ ઈશ્વરમાં બિલકુલ માનતા ન હતા. એટલે કે આપણે જે રીતે માનીએ છીએ તે રીતે માનતા નહોતા. પણ કદાચ આપણે કદી પણ સમજી ન શકીએ તેના કરતાં તે લોકો ઈશ્વરને વધુ સારી રીતે સમજ્યા હતા. ઈશ્વરનો વ્યક્તિ તરીકેનો વિચાર અથવા વ્યક્તિત્વથી પર અનંત તત્ત્વ, નીતિધર્મ કે આદર્શ માનવ – આ બધાંને ધર્મની વ્યાખ્યામાં આવવું જ પડે છે અને ધર્મો જ્યારે આ પ્રમાણે ઉદાર બનશે ત્યારે તેમની કલ્યાણ કરવાની શક્તિ હજારગણી વધી ગઈ હશે. ધર્મોમાં પ્રચંડ શક્તિ હોવા છતાં માત્ર સંકુચિતતા અને મર્યાદાઓને લીધે જ, તેમણે ઘણીવાર દુનિયાનું ભલું કરવા કરતાં નુકસાન વધારે કર્યું છે.

હજુ આજે પણ એવા કેટલાક સંપ્રદાયો અને સમાજો છે કે જે લગભગ સરખી જ જાતના ખ્યાલો ધરાવતા હોવા છતાં, પરસ્પર ઝઘડતા જોવામાં આવે છે; કારણ કે એક, બરાબર બીજાની માફક જ તે વિચારો વ્યક્ત કરવા માગતો નથી. તેથી ધર્મોએ વિશાળ દૃષ્ટિ કેળવવી પડશે. ધાર્મિક વિચારોને પણ અનંત, ઉદાર અને વિશ્વવ્યાપી બનાવવા જોઈશે; ત્યાર પછી જ ધર્મનો ખરેખરો વિકાસ થશે. ધર્મની શક્તિ તો દુનિયામાં હજુ હમણાં જ પ્રગટ થવા લાગી છે. કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે ધર્મો હવે મરી પરવારતા જાય છે, આધ્યાત્મિક વિચારો દુનિયામાંથી લુપ્ત થતા જાય છે. મને તો એમ લાગે છે કે ધર્મો અને આધ્યાત્મિક વિચારોની હજુ હવે જ શરૂઆત થઈ છે. ઉદાર અને પવિત્ર બનેલી ધર્મની શક્તિ માનવજીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશવાની છે. જ્યાં સુધી ધર્મ માત્ર થોડાક પસંદ કરાયેલા માણસોના અને ધર્મગુરુઓની મંડળીના હાથમાં હતો, ત્યાં સુધી તે મંદિરોમાં, દેવળોમાં, ગ્રંથોમાં, આચારમાં, વિધિમાં, મૂર્તિઓમાં અને ક્રિયાકાંડમાં સમાયેલો રહ્યો હતો. પરંતુ જ્યારે આપણે ખરેખરી વિશ્વવ્યાપી આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીશું ત્યારે જ ધર્મ સાચો અને પ્રાણવંત બનશે; તે આપણો ખુદ સ્વભાવ બની જશે. આપણા દરેક હલનચલનમાં, આપણા સમાજના રોમેરોમમાં તે દાખલ થઈ જશે અને અત્યારના કરતાં અનંતગણી વધારે કલ્યાણકારી શક્તિ બની જશે.

બધા ધર્મો કાં તો એકીસાથે જીવે ને કાં તો એકસાથે મરે; એ જોતાં જરૂરની વસ્તુ છે, જુદા જુદા ધર્મો વચ્ચે ભાઈચારો, પરસ્પર પ્રત્યેનો આદર અને માનમાંથી ઉત્પન્ન થતી બંધુત્વભાવના અને નહીં કે આજે દુર્ભાગ્યે જે અનેક ધર્મોમાં પ્રચલિત છે તેવી ઉપકાર કરતી, દયા દર્શાવતી, સંકુચિતતાભરી ભલાઈની ભાવના! સૌથી વિશેષ તો, માનસિક ઘટનાઓના અભ્યાસમાંથી આવતા ધર્મની અભિવ્યક્તિના પ્રકારો વચ્ચે આવી ભાવનાની ખાસ જરૂર છે – દુર્ભાગ્યે હજુયે તેઓ ધર્મને માટે આગવો દાવો કરે છે – અને ધર્મની પેલી અભિવ્યક્તિઓ કે જેનાં ચરણો પૃથ્વી સાથે જડાયેલાં હોવા છતાં મસ્તકો, જાણે કે, સ્વર્ગનાં રહસ્યો ભેદવા વધુ ઊંચાં ચડી રહ્યાં છે, તે કહેવાતાં ભૌતિક વિજ્ઞાનો વચ્ચે આવી ભાવનાની જરૂર છે.

આ સંવાદિતા લાવવા સારુ બંનેએ થોડું થોડું જતું કરવું પડશે; કેટલીકવાર ઘણું જતું કરવું પડશે, એટલું જ નહીં કેટલીકવાર તો એ ગમશે પણ નહીં; છતાં આખરે બંનેને એમ જણાશે કે આ ત્યાગથી બંનેએ વિકાસ સાધ્યો છે અને સત્યને પંથે વધારે આગળ ગયા છે, છેવટે, જે જ્ઞાન દેશ અને કાળના પ્રદેશમાં મર્યાદિત થયેલું છે તે, બંનેથી જે પર છે તેવા જ્ઞાનમાં મળી જઈ એક બનશે કે જ્યાં ઇન્દ્રિયો તથા મન પહોંચી શકશે નહીં કે જે અનંત, નિરપેક્ષ અને એકમેવાદ્વિતીય છે. (2.283)

Total Views: 218
૮. સાચો અને આભાસિક માનવ
૨. માનવીનું સાચું સ્વરૂપ