(ફેબ્રુઆરી ૧૬, ૧૮૯૬)
આપણે ઊભા હોઈએ છીએ અહીં જ, જ્યારે આપણી આંખો કેટલીક વખતે માઈલોના માઈલો સુધી આગળ દૃષ્ટિ દોડાવતી હોય છે. માનવ જ્યારથી વિચાર કરવા લાગ્યો ત્યારથી એમ કરતો આવ્યો છે. હંમેશાં તે આગળ દૃષ્ટિ-ભાવિમાં નજર કરતો આવ્યો છે. પોતાના શરીરનો વિનાશ થયા પછી પણ પોતે ક્યાં જાય છે તે જાણવાને તે ઇચ્છે છે. એનો ખુલાસો સૂચવતા જાતજાતના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એક પછી એક વિચારશ્રેણીઓ રજૂ કરવામાં આવી છે. એમાંથી કેટલીકનો અસ્વીકાર થયો છે, બીજી કેટલીક સ્વીકારાઈ છે. જ્યાં સુધી માનવ આ પૃથ્વી પર છે, જ્યાં સુધી તે વિચાર કરે છે, ત્યાં સુધી એમ ચાલ્યા જ કરવાનું. આ વિચારશ્રેણીમાંની દરેકમાં કંઈક સત્ય છે; અને બધીમાં ઘણો અંશ એવો પણ છે કે જે સત્ય નથી. આ બાબતમાં ભારતમાં જે શોધો, જે વિચારણાઓ થયેલી તેનો સાર, તેનું પરિણામ, તમારી સમક્ષ રજૂ કરવાનો હું પ્રયાસ કરીશ. ભારતીય દાર્શનિકોમાં આ વિષય અંગે અવારનવાર જે પ્રકારે વિવિધ વિચારો ઊઠતા ગયા છે તેમનો સમન્વય કરવાનો હું પ્રયાસ કરીશ. માનસશાસ્ત્રીઓ અને તત્ત્વચિંતકોનો પણ સમન્વય સાધવાનો હું પ્રયાસ કરીશ અને બનશે તો આધુનિક વૈજ્ઞાનિક વિચારકો સાથે પણ તેમનો સમન્વય બેસાડીશ.
વેદાંત ફિલસૂફીનો એકમાત્ર વિષય છે એકતાની શોધ. હિંદુમાનસ વિશિષ્ટની એટલે વિગતની પરવા કરતું નથી; તે હંમેશાં સામાન્યની એટલે કે વિશ્વવ્યાપી તત્ત્વની પાછળ પડેલું હોય છે. ‘એ શું છે કે જેને જાણવાથી બીજું સર્વ જાણી શકાય?’ એ જ એક વિષય છે. ‘જેવી રીતે માટીના એક પિંડાના જ્ઞાનથી માટીનું જે કાંઈ છે તેનું જ્ઞાન થાય છે તેમ,’ એવું શું છે કે જેને જાણવાથી આ આખા વિશ્વનું જ્ઞાન થાય? એ જ એકમાત્ર શોધ છે. હિંદુ દાર્શનિકોના મત પ્રમાણે આ આખા વિશ્વનો, જેને તેઓ આકાશ કહે છે તે એક તત્ત્વમાં લય થઈ શકે. આપણી આસપાસ આપણે જે કશાનો અનુભવ કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ચાખીએ છીએ, તે કેવળ આ આકાશની અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિ છે. આકાશ સર્વવ્યાપી કે, સૂક્ષ્મ છે. જેને આપણે ઘન, પ્રવાહી કે વાયુ, આકૃતિઓ, આકારો કે શરીરો કહીએ છીએ તે, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તારાઓ વગેરે બધું – આ આકાશનું બનેલું છે.
આ આકાશ ઉપર ક્રિયા કરીને તેમાંથી આ વિશ્વને જે બનાવે છે, તે બળ કયું છે? આકાશની સાથોસાથ જ વિશ્વશક્તિ રહેલી છે; વિશ્વમાં જે કાંઈ શક્તિરૂપ છે; જે બળ કે આકર્ષણરૂપે – અરે વિચારરૂપે સુધ્ધાં, જે પ્રગટ થાય છે અને હિંદુઓ જેને પ્રાણ કહે છે, તે એક જ શક્તિની માત્ર જુદી જુદી અભિવ્યક્તિઓ છે. આ પ્રાણ આકાશ ઉપર ક્રિયા કરીને સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરે છે. આ પ્રાણ કલ્પના આરંભમાં આકાશના અનંત સાગરમાં જાણે સૂઈ રહે છે. આરંભમાં તે ગતિરહિત અવસ્થામાં હોય છે. પછી આ આકાશસાગરમાં પ્રાણના સ્પંદનથી ગતિ ઉત્પન્ન થાય છે અને જેવો આ પ્રાણ ગતિમાન થવા, સ્પંદન કરવા લાગે છે એટલે આ આકાશ-સાગરમાંથી વિવિધ આકાશી મંડળો – સૂર્યો, ચંદ્રો, નક્ષત્રો, પૃથ્વી, મનુષ્યો, પશુઓ, વનસ્પતિઓ અને વિવિધ પ્રકારનાં બધાં બળો અને ચમત્કૃતિઓ આવિર્ભાવ પામે છે. તેથી તેમના મત પ્રમાણે શક્તિની પ્રત્યેક અભિવ્યક્તિ કે આવિર્ભાવ આ પ્રાણ છે. પ્રત્યેક ભૌતિક અભિવ્યક્તિ આકાશ છે. જ્યારે આ કલ્પ પૂરો થશે ત્યારે જેને જેને આપણે ઘન કહીએ છીએ તે બધું ત્યાર પછીના પ્રકારમાં, વધુ સૂક્ષ્મમાં કે પ્રવાહી પ્રકારમાં લય પામી જશે; એનો લય થશે વાયુમાં અને તે એથીય વધુ સૂક્ષ્મ અને વધુ એકરસ એવી પ્રકાશ-તન્માત્રાઓમાં લય પામશે અને છેવટે બધું લય પામશે આદિ આકાશમાં. તેમ જ અત્યારે જેને આપણે આકર્ષણ, અપાકર્ષણ અને ગતિ કહીએ છીએ તે શક્તિ ધીમે ધીમે આદિ પ્રાણમાં લય પામશે. ત્યાર પછી એમ કહેવાય છે કે આ પ્રાણ અમુક કાળ સુધી સૂઈ રહેશે, નિષ્ક્રિય રહેશે; અને પછી પાછો સક્રિય થઈને બહાર આવીને આ બધા આકારોને ઉત્પન્ન કરશે; અને જ્યારે એ કલ્પ પૂરો થશે ત્યારે આ આખી વસ્તુ ફરીથી લય પામશે. આમ આ સૃષ્ટિની પ્રક્રિયા ઉપર નીકળી આવે છે ને પાછી નીચે ઊતરી જાય છે, આગળ અને પાછળ ઝોલાં ખાય છે. આધુનિક વિજ્ઞાનની ભાષા વાપરીએ તો સમયના એક ગાળામાં તે નિષ્ક્રિય રહે છે અને બીજા ગાળામાં સક્રિય બને છે; એક વખતે તે સૂઈ રહે છે અને બીજે વખતે તે ગતિમાન બને છે. આ પરંપરા અનંત કાળથી ચાલતી આવી છે.
છતાંય, આ પૃથક્કરણ તો માત્ર આંશિક છે. આધુનિક પદાર્થવિજ્ઞાનને પણ આટલું તો જણાયેલું છે. એથી આગળ પદાર્થવિજ્ઞાનની શોધ પહોંચી શકે નહીં. પરંતુ એથી કંઈ જિજ્ઞાસા અટકે નહીં. જેને જાણવાથી બીજું સર્વ જ્ઞાન થાય એવું એક હજુ આપણે શોધી કાઢ્યું નથી. સમસ્ત વિશ્વને આપણે તો જડદ્રવ્ય અને શક્તિ અથવા જેને ભારતના પ્રાચીન તત્ત્વવેત્તાઓ આકાશ અને પ્રાણ કહેતા તે બે વિભાગોમાં લય કરી નાખ્યું છે, ત્યાં સુધી પહોંચ્યા છીએ. ત્યાર પછીનું પગથિયું છે આ આકાશ અને પ્રાણને તેમના કારણમાં લય કરવાનું. એ બન્નેનો લય, એથીયે વધુ ઉચ્ચ તત્ત્વ મનની અંદર થાય છે. આ બન્નેની ઉત્પત્તિ વિશ્વમાં વ્યાપીને રહેલી વિચારશક્તિ, યાને મહત્માંથી થઈ છે. વિચાર એ સત્-વસ્તુની આકાશ અને પ્રાણ એ બન્નેના કરતાં વધુ સૂક્ષ્મ અભિવ્યક્તિ છે. આકાશ અને પ્રાણ એ બે રૂપે પોતાને વિભક્ત કરનાર છે વિચાર. આદિમાં વિશ્વવ્યાપી વિચાર, મહત્-તત્ત્વ હતું; તે અભિવ્યક્ત થયું, પરિવર્તન પામ્યું અને પોતે જ આકાશ અને પ્રાણ એ બે રૂપે પ્રગટ્યું; અને આ બેના સંયોજનથી આ આખું વિશ્વ ઉત્પન્ન થયું છે.
ત્યાર પછી આપણે મનોવિજ્ઞાન તરફ આવીએ. હું તમારી સામે જોઉં છું. બહારનાં સંવેદનો આંખો દ્વારા મારી પાસે આવે છે; સંવેદનવાહક જ્ઞાનતંતુઓ દ્વારા તે મગજમાં પહોંચે છે. આંખો એ દર્શનેન્દ્રિય નથી, એ તો માત્ર બહારનાં સાધનો છે, કારણ કે તેની પાછળથી ઇન્દ્રિયનો, એટલે કે સંવેદન મગજમાં જે પહોંચાડે છે તેનો, જો નાશ થઈ જાય તો મારે ભલે વીસ આંખો હોય છતાં હું તમને જોઈ ન શકું. નેત્રપટલ (Retina) ઉપર ચિત્ર ભલે ગમે તેટલું સંપૂર્ણ પડતું હોય, તો પણ હું તમને દેખીશ નહીં. એનો અર્થ કે ઇન્દ્રિય તેનાં સાધનોથી અલગ છે. આંખો રૂપી સાધનોની પાછળ ઇન્દ્રિય હોવી જ જોઈએ. બધાં સંવેદનોની બાબતમાં એમ જ છે. નાક એ સૂંઘવાની ઇન્દ્રિય નથી પણ એ તો માત્ર સાધન છે અને ઇન્દ્રિય તેની પાછળ છે. આપણી દરેક ઇન્દ્રિયની બાબતમાં, પ્રથમ ભૌતિક શરીરમાં બાહ્ય સાધન છે; તેની પાછળ, એ જ ભૌતિક શરીરમાં ઇન્દ્રિય છે; છતાં અનુભવ માટે એ પૂરતાં નથી. ધારો કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને તમે એકધ્યાન થઈને મારી વાત સાંભળી રહ્યાં છો. એટલામાં કંઈક બને છે; કહો કે એક ઘંટડી વાગે છે. કદાચ તમે એ ઘંટડી વાગતી સાંભળશો જ નહીં. એ અવાજની લહરીઓ તમારા કાનમાં ગઈ, અંદરના પડદા પર અથડાઈ તથા સંવેદનવાહક જ્ઞાનતંતુ વડે એ મગજમાં પહોંચાડવામાં આવી; હવે આ રીતે એ સંવેદનને મગજમાં પહોંચાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા જો સંપૂર્ણ હતી, તો તમે સાંભળ્યું કેમ નહીં? ત્યાં કંઈક ખૂટતું હતું – એ ઇન્દ્રિય સાથે મન જોડાયેલું ન હતું. જ્યારે મન ઇન્દ્રિયથી પોતાને અલગ કરી નાખે છે, ત્યારે ઇન્દ્રિય ગમે તે સમાચાર લાવે પરંતુ મન તે સ્વીકારશે નહીં. જ્યારે તે પોતાને ઇન્દ્રિય સાથે જોડશે ત્યારે જ મન દ્વારા તે સમાચાર સ્વીકારવાનું શક્ય બનશે. છતાં એટલાથી પણ સમગ્ર પ્રક્રિયા પૂરી થતી નથી. સાધનો બહારથી સંવેદન ભલે લાવે, ઇન્દ્રિયો તેને અંદર ભલે લઈ જાય અને મન ભલે ઇન્દ્રિયો સાથે જોડાઈ જાય, તે છતાં પણ અનુભવ સંપૂર્ણ ન થાય. હજુ એક વધારાની ઘટના આવશ્યક છે; તે છે અંદર પેદા થતી પ્રતિક્રિયા. આ પ્રતિક્રિયાની સાથે જ્ઞાન આવે છે. જે બહાર છે તે જાણે કે સમાચારનો પ્રવાહ અંદર મોકલે છે; મારું મન તે ઉઠાવી લે છે અને બુદ્ધિની સમક્ષ રજૂ કરે છે, બુદ્ધિ પોતાના પૂર્વસંસ્કારોની સાથે સરખાવીને તેનું વર્ગીકરણ કરે છે, પ્રતિક્રિયાનો પ્રવાહ મોકલે છે અને એ પ્રતિક્રિયાની સાથે વસ્તુબોધ એટલે કે જ્ઞાન થાય છે. હવે અહીં ઇચ્છાશક્તિ આવે છે. મનની જે અવસ્થા પ્રતિક્રિયા કરે છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે; છતાં આટલેથી પણ સમગ્ર પ્રક્રિયા પૂરી થતી નથી. એક વધારે પગલું આવશ્યક છે. ધારો કે અહીં એક કેમેરો છે. ત્યાં એક કાપડનો પડદો છે અને એ પડદા ઉપર હું ચિત્ર પાડવા માગું છું. તો મારે શું કરવું? પ્રકાશનાં વિવિધ કિરણોને કેમેરા દ્વારા મારે પડદા ઉપર પાડીને તેમને એક સમૂહરૂપે ગોઠવવાં જોઈએ. ચિત્ર પડી શકે તે માટે કશુંક સ્થિર, જે હાલતું ચાલતું ન હોય એવું કશુંક આવશ્યક છે. કોઈક ગતિશીલ વસ્તુ ઉપર હું ચિત્ર પાડી ન શકું; એ માટે કશીક સ્થિર વસ્તુ જોઈએ, કારણ કે પ્રકાશનાં જે કિરણોને હું ફેંકું છું તેઓ ગતિમાં છે. પ્રકાશનાં આ ગતિમાન કિરણોને એકત્રિત કરવાં જોઈએ, જોડવાં જોઈએ, સંયોજિત કરવાં જોઈએ અને કોઈક સ્થિર વસ્તુ ઉપર એકઠાં કરવાં જોઈએ. જે સંવેદનોને આપણી ઇન્દ્રિયો અંદર લઈ જાય છે અને મનની પાસે રજૂ કરે છે અને જેમને મન પોતાના તરફથી બુદ્ધિની પાસે હાજર કરે છે, તેમનું પણ આવું જ છે. જેના ઉપર ચિત્ર જાણે કે રચાય, જેના ઉપર સઘળાં જુદાં જુદાં સંવેદનો એકઠાં થાય, તે પૃષ્ઠભૂમિમાં કંઈક શાશ્વત ન હોય તો આ પ્રક્રિયા સંપૂર્ણ ન થાય, જે આપણા પરિવર્તનશીલ સમગ્ર સમુદાયને એકત્વ આપે છે તે શું છે? ક્ષણે ક્ષણે ગતિમાં રહેલી વસ્તુની સ્મૃતિ સંઘરી રાખે છે તે શું છે? જેના ઉપર આપણી સઘળી જુદી જુદી છાપો એક સાથે જોડાય છે, જેના ઉપર અનુભવો જાણે કે સંયોજિત થાય છે, રહે છે અને એ બધાને એકત્રિત કરે છે, એ શું છે? આપણે જોયું છે કે આ હેતુ સિદ્ધ કરવા માટે કંઈક હોવું જોઈએ; અને આપણે એ પણ જોઈએ છીએ કે શરીર અને મનની અપેક્ષાએ તે ગતિરહિત, સ્થિર હોવું જોઈએ. કપડાના જે પડદા ઉપર કેમેરો ચિત્ર ફેંકે છે તે, પ્રકાશનાં કિરણોની સરખામણીએ સ્થિર છે, નહિતર ચિત્ર જ ન પડે. એટલે કે જ્ઞાતા, એ ‘કંઈક’ આખું હોવું જોઈએ. આ કંઈક કે જેના ઉપર મન અને બુદ્ધિ દ્વારા પહોંચાડાયેલાં આપણાં સંવેદનો સમૂહમાં ગોઠવાય છે અને એક આખી રચના બને છે તે ‘કંઈક’ને માણસનો જીવ કહેવામાં આવે છે.
આપણે એ જોયું છે કે વિશ્વવ્યાપી સમષ્ટિ-મન જ પોતાની જાતને આકાશ અને પ્રાણરૂપે વિભક્ત કરે છે. વળી આપણામાં મનથી પર રહેલા જીવને આપણે શોધી કાઢ્યો છે. વિશ્વમાં પણ સમષ્ટિ-મનની પાછળ એક આત્મા રહેલો છે જે ઈશ્વર કહેવાય છે. વ્યક્તિમાં તે માનવના જીવરૂપે છે. આ વિશ્વમાં, આ સમષ્ટિમાં, જેવી રીતે સમષ્ટિ-મનનો વિકાસ થઈને આકાશ અને પ્રાણ બને છે તેવી જ રીતે, આપણે જોઈએ છીએ કે સમષ્ટિ-આત્મા ઈશ્વર, પોતે જ મનરૂપે વિકાસ પામે છે. પરંતુ વ્યક્તિ-માનવ વિષે પણ એમ છે ખરું? શું માનવનું મન તેના શરીરનો કર્તા છે અને તેનો જીવાત્મા શું તેના મનનો કર્તા છે? એટલે કે તેનું શરીર, મન અને જીવ એ ત્રણ શું જુદી જુદી વસ્તુઓ છે કે એ ત્રણે એકમાં જ છે કે પછી એ ત્રણે એકના એક જ એકમની ત્રણ જુદી જુદી અવસ્થાઓ છે? આપણે ક્રમેક્રમે આ પ્રશ્નનો ઉત્તર શોધવાનો પ્રયાસ કરીશું. આપણે અત્યારે જ્યાં પહોંચ્યા, તે પ્રથમ પગથિયું આ છેઃ પ્રથમ તો બાહ્ય શરીર છે; આ બાહ્ય શરીરની પાછળ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ છે અને તેની પાછળ આત્મા છે. પહેલે જ પગલે આપણે જોયું છે કે આત્મા શરીરથી જુદો છે, સ્વયં મનથી પણ તે જુદો છે. અહીં, આ મુદ્દા પર આવતાં, ધાર્મિક જગતમાં અભિપ્રાયોમાં મતભેદો પડ્યા અને તે મતભેદો આવા છે. દ્વૈતવાદના નામે સામાન્ય રીતે ઓળખાતા બધા ધાર્મિક વિચારો એમ માને છે કે આ જીવાત્મા સગુણ છે, એનામાં જુદા જુદા ગુણો છે અને આનંદ તેમજ સુખ અને દુઃખની ઊર્મિઓ વાસ્તવમાં જીવની છે. અદ્વૈતવાદીઓ તેનો અસ્વીકાર કરીને કહે છે કે આત્મામાં એવો કોઈ ગુણ ન હોઈ શકે; તેઓ કહે છે કે આત્મા નિર્ગુણ છે.
પ્રથમ હું દ્વૈતવાદીઓની બાજુ લઈને જીવ અને તેના અંતિમ ધ્યેયના વિષયમાં તેમનો મત શો છે એ તમારી સમક્ષ રજૂ કરીશ; ત્યાર પછી જે વિચારપદ્ધતિ તેનું ખંડન કરે છે તે રજૂ કરીશ અને છેવટે અદ્વૈતવાદ જે સમન્વય લાવે છે તે શોધી કાઢવાનો આપણે પ્રયાસ કરીશું. માણસનો આ જીવાત્મા, શરીર અને મનથી જુદો હોવાને કારણે, આકાશ અને પ્રાણનો બનેલો ન હોવાને કારણે, મૃત્યુરહિત હોવો જોઈએ. શા માટે? મૃત્યુનો આપણે શો અર્થ કરીએ છીએ? મૃત્યુ એટલે વિશ્લેષણ, યાને વિખૂટા પડી જવું. આવી ક્રિયા જે વસ્તુઓ સંયોજનનાં પરિણામરૂપ હોય, તેમને જ માટે સંભવે; જે કોઈ વસ્તુ બે કે ત્રણ દ્રવ્યોની બનેલી હોય તે વિખૂટી પડી જઈને નાશ પામવી જ જોઈએ. જે સંયોજનના પરિણામરૂપ ન હોય, તે જ કદી વિખૂટી ન પડી જઈ શકે અને તેથી કદી મરી પણ જઈ ન શકે. તે મૃત્યુરહિત છે. તે અનંત કાળથી અસ્તિત્વમાં રહેતી જ આવી છે; એની કોઈએ ઉત્પત્તિ કરી નથી. સૃષ્ટિની એકેએક બાબત કેવળ એક સંયોજન જ છે; શૂન્યમાંથી સૃષ્ટિ બનતી કોઈએ કદી જોઈ નથી. સૃષ્ટિ વિષે આપણે જે કાંઈ જાણીએ છીએ તે માત્ર આટલું જ કે સર્જન એટલે અગાઉથી અસ્તિત્વમાં રહેલી વસ્તુઓનું નવા સ્વરૂપે સંયોજન. એમ હોવાથી, માનવનો આ જીવાત્મા નિર્વિશેષ હોવાથી સદા કાળથી અસ્તિત્વમાં રહેતો આવ્યો હોવો જ જોઈએ અને સદા કાળને માટે તે અસ્તિત્વમાં રહેશે જ. જ્યારે આ શરીર પડી જાય છે ત્યારે પણ આત્મા જીવે છે.
વેદાંતીઓના મત પ્રમાણે જ્યારે આ શરીરનો નાશ થાય છે, ત્યારે મનુષ્યની જીવનશક્તિઓ તેના મનમાં લય પામે છે, મનનો લય જાણે કે પ્રાણમાં થાય છે, તે પ્રાણ માણસના જીવાત્મામાં લય પામે છે અને તે જીવાત્મા – જેને તેઓ સૂક્ષ્મ શરીર, મનોમય કોષ અથવા આધ્યાત્મિક શરીર અથવા તેમને ઠીક લાગે તે નામ આપે છે -તેનાથી જાણે કે ઘેરાઈને બહાર નીકળી જાય છે. આ સૂક્ષ્મ શરીરમાં માણસના સંસ્કારો રહેલા હોય છે. આ સંસ્કારો શું છે? મન એક સરોવર જેવું છે અને દરેક વિચાર તે સરોવર પરના તરંગ જેવો છે. જેવી રીતે સરોવરમાં તરંગો ઊઠે છે, પાછા બેસી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે, તેવી જ રીતે આ વિચાર-તરંગો ચિત્તમાં નિરંતર ઊઠ્યા કરે છે અને પાછા શમી જાય છે; પરંતુ તેઓનો સદાને માટે નાશ થઈ જતો નથી. તેઓ સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ બને છે પણ તે બધા ત્યાં જ હોય છે અને બીજીવાર જ્યારે જરૂર પડે ત્યારે ઉપર ઊછળવાને તૈયાર રહે છે! સ્મૃતિ એટલે જે વિચારો તેમના અસ્તિત્વની પેલી સૂક્ષ્મ સ્થિતિમાં ગયેલા હોઈને તેમાંના કેટલાક તરંગરૂપે પાછા ઉપર આવે તે. આમ આપણે જે જે બધું વિચાર્યું હોય, જે જે કાર્ય આપણે કર્યું હોય, તે બધું મનમાં સંઘરાઈ રહે છે; એ બધું સૂક્ષ્મ આકારમાં ત્યાં રહે છે અને જ્યારે મનુષ્ય મરી જાય છે ત્યારે પણ આ સંસ્કારોનો કુલ સરવાળો તો મનમાં હોય જ છે; અને તે તેના માધ્યમ તરીકે રહેલા થોડાક સૂક્ષ્મ દ્રવ્ય ઉપર ક્રિયા કરે છે. જીવાત્મા, જાણે કે આ સંસ્કારો અને સૂક્ષ્મ શરીરથી ઢંકાઈને સ્થૂળ શરીરની બહાર નીકળી જાય છે; આ જીવાત્માની ત્યાર પછીની ગતિ જુદા જુદા સંસ્કારોના પ્રતિનિધિસમાં બધાં ભિન્ન ભિન્ન બળોના પરિણામે નક્કી થાય છે.
અમારા હિંદુઓના મત પ્રમાણે (માનવીના) જીવાત્માની ત્રણ ગતિ હોય છે. જેઓ અત્યંત ધાર્મિક હોય છે તેઓ મૃત્યુ પામ્યા પછી સૂર્યનાં કિરણો દ્વારા ઊર્ધ્વગતિ પામે છે અને જેને સૂર્યલોક કહેવામાં આવે છે ત્યાં જાય છે; ત્યાંથી જેને ચંદ્રલોક કહેવામાં આવે છે ત્યાં જાય છે; ત્યાંથી જેને વિદ્યુત-લોક કહેવામાં આવે છે ત્યાં જાય છે; અહીં તેમને એક બીજો દિવ્ય આત્મા મળે છે, જે તેમને બ્રહ્મલોક નામના સૌથી ઉચ્ચ લોકમાં દોડીને લઈ જાય છે. ત્યાં આ જીવો સર્વજ્ઞતાને અને સર્વશક્તિમત્તાને પામે છે અને લગભગ સ્વયં ઈશ્વર જેટલા શક્તિશાળી અને સર્વજ્ઞ થાય છે. દ્વૈતવાદીઓના મત પ્રમાણે તેઓ ત્યાં સદાને માટે રહે છે અથવા અદ્વૈતવાદીઓના મત મુજબ તેઓ કલ્પને અંતે સમષ્ટિની સાથે એક થઈ જાય છે.
બીજા વર્ગના લોકો કે જેઓ સ્વાર્થી હેતુઓથી સત્કર્મો કરતા હોય છે તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમનાં સત્કર્મોના ફળરૂપે, જેને ચંદ્રલોક કહેવામાં આવે છે તે લોકમાં તેમને લઈ જવામાં આવે છે. આ ચંદ્રલોકમાં ઘણાં સ્વર્ગો છે; ત્યાં તેમને દેવતાઓનાં સુંદર શરીરો પ્રાપ્ત થાય છે અને તેઓ દેવ થઈને ઘણા લાંબા કાળ સુધી સ્વર્ગસુખો ભોગવે છે. એ કાળ પૂરો થઈ જાય એટલે જૂનાં કર્મો જાગી ઊઠે છે અને તેઓ પાછા પૃથ્વી ઉપર આવે છે. તેઓ વાયુ અને મેઘ વગેરે વિવિધ લોકોમાં થઈને વર્ષાબિંદુઓ દ્વારા પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર વર્ષાના જળ દ્વારા તેઓ કોઈ વનસ્પતિમાં પ્રવેશ કરે છે અને અંતે તેમને નવું શરીર આપવા માટે યોગ્ય એવા મનુષ્ય શરીરમાં ખાદ્ય વનસ્પતિ દ્વારા પ્રવેશે છે.
છેલ્લા વર્ગના એટલે કે દુષ્ટ કર્મો કરનારા લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ભૂતો કે પ્રેતો વગેરે થાય છે અને ચંદ્રલોક તથા પૃથ્વીની વચમાં ક્યાંક રહે છે; તેમાંના કેટલાક માનવજાતને તકલીફ આપે છે તો કેટલાક મિત્રભાવવાળા હોય છે અને અમુક કાળ સુધી ત્યાં રહીને તેઓ પણ પાછા પૃથ્વી પર પડે છે અને પશુ થાય છે. પશુ-શરીરમાં કેટલોક કાળ રહ્યા પછી તેઓ તેમાંથી છૂટે છે, પાછા મનુષ્ય થાય છે અને આ રીતે મુક્ત થવા માટેનો પ્રયાસ કરવાની એક વધુ તક તેમને મળે છે.
એટલે આપણે જોઈએ છીએ કે જેઓ લગભગ મુક્ત થયા હોય, જેમનામાં અપવિત્રતાનો ઘણો ઓછો અંશ રહ્યો હોય, તેઓ સૂર્યનાં કિરણો દ્વારા બ્રહ્મલોકમાં જાય છે. જેઓ સ્વર્ગે જવાની કામનાથી સત્કર્મો કરનારા મધ્યમ પ્રકારના લોકો હોય છે, તેઓ ચંદ્રલોકમાં જઈને દેવશરીરો મેળવે છે; પરંતુ તેઓને ફરીથી મનુષ્યદેહ લેવો પડે છે અને એ રીતે પૂર્ણ થવાની ફરીથી તક મળે છે. જેઓ બહુ જ દુષ્ટ હોય છે તેઓ ભૂત, રાક્ષસાદિ થાય છે; પછીથી તેમને પશુશરીરોમાં જવું પડે છે; ત્યાર પછી તેઓ ફરીથી મનુષ્ય થઈને જન્મે છે અને પૂર્ણ થવાની વધુ તક મેળવે છે. આ પૃથ્વીને કર્મભૂમિ કહેવામાં આવી છે. કેવળ અહીં જ મનુષ્ય સારાં કે નરસાં કર્મો કરે છે. જે મનુષ્ય સ્વર્ગે જવા ઇચ્છે છે અને એ હેતુથી સત્કર્મો કરે છે, તે દેવ થાય છે. પછી દેવ તરીકે તે ખરાબ કર્મોનો સંચય કરતો નથી. સ્વર્ગમાં તે પૃથ્વી પર કરેલાં સત્કર્મોનું માત્ર ફળ ભોગવે છે અને જ્યારે તેનાં સત્કર્મો ખલાસ થઈ જાય છે ત્યારે તેણે પૂર્વ જીવનમાં કરી રાખેલાં અસત્કર્મોનો પરિપાક તેને ફરીથી આ પૃથ્વી પર લાવે છે. એ જ પ્રમાણે જેઓ ભૂતપ્રેતાદિ થાય છે, તેઓ એ સ્થિતિમાં નવાં કર્મો કરતા નથી પરંતુ માત્ર પોતાનાં પૂર્વનાં દુષ્કર્મોનું ફળ ભોગવે છે; પછી કેટલાક કાળ સુધી નવાં કર્મો કર્યા સિવાય પશુશરીરમાં રહે છે અને તે સમય પૂરો થઈ જાય એટલે તેઓ પણ ફરીથી મનુષ્યો થાય છે.
સત્કર્મોનાં અને દુષ્કર્મોનાં ફળરૂપ સ્વર્ગ અને નરકમાં નવાં કર્મો ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી હોતું; ત્યાં તો માત્ર સુખ અથવા દુઃખ ભોગવવાનાં હોય છે. જો કોઈ કર્મ અસાધારણ રીતે શુભ હોય અગર અસાધારણ રીતે અશુભ હોય, તો તેનું ફળ જલદી મળે છે. દાખલા તરીકે કોઈ માણસ પોતાના જીવનમાં ઘણાં દુષ્કર્મો કરતો હોય પરંતુ એક શુભકર્મ કરે, તો તે શુભકર્મનું ફળ તેને તુરત મળે; પણ જ્યારે તે ફળ ભોગવાઈ રહે ત્યારે પછી બીજાં અશુભ કર્મોનાં ફળ પણ તેણે ભોગવવાં પડે. જે લોકો કેટલાંક સારાં અને મહાન કર્મો કરે, પરંતુ જેમના જીવનનું સામાન્ય વલણ નિઃસ્વાર્થ ન હોય, તેઓ દેવો બને; આ દેવશરીરોમાં કેટલોક કાળ રહીને દેવોની શક્તિઓનો ઉપભોગ લઈને તેઓને પાછા આવીને મનુષ્ય બનવું પડે. આમ જ્યારે શુભ કર્મોનું ફળ ખલાસ થઈ જાય, ત્યાર પછી જૂનાં અશુભ કર્મોનું ફળ તેમને ભોગવવું પડે. જેઓ અસાધારણ દુષ્ટ કર્મો કરે તેમણે ભૂત અને રાક્ષસાદિ શરીરો લેવાં પડે; અને જ્યારે એ દુષ્ટ કર્મોનો ફળભોગ પૂરો થઈ જાય ત્યારે તેમની સાથે જે કાંઈ થોડુંક સત્કર્મ વળગેલું હોય તેના પ્રભાવે તેઓ ફરીથી મનુષ્ય થઈને જન્મે. જે લોકમાંથી ફરી પાછો જન્મ લેવો પડતો નથી તે બ્રહ્મલોકના માર્ગને દેવયાન એટલે કે ઈશ્વરનો માર્ગ કહેવામાં આવે છે અને સ્વર્ગલોકના માર્ગને પિતૃયાન એટલે કે પિતૃઓ પાસે જવાનો માર્ગ કહેવામાં આવે છે.
તેથી વેદાંત ફિલસૂફી પ્રમાણે વિશ્વમાં મહાનમાં મહાન જીવન કોઈ હોય તો તે માનવજીવન છે અને આ પૃથ્વી તેમાં સર્વોત્તમ સ્થાન છે, કારણ કે માત્ર ત્યાં જ તેને માટે પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની મહાનમાં મહાન અને ઉત્તમમાં ઉત્તમ તક રહેલી છે. દેવતાઓ કે દેવો, તમે તેમને ગમે તે કહો, એ બધાને જો પૂર્ણત્વ પ્રાપ્ત કરવું હોય તો મનુષ્ય થવું પડે. અદ્ભુત સમતુલા અને અદ્ભુત તક મેળવવાનું મહાન અને મુખ્ય સ્થાન તે આ માનવજીવન જ છે.
હવે આપણે ફિલસૂફીના બીજા પાસા તરફ વળીએ. હું હજી હમણાં જ જેનું પ્રતિપાદન કરી રહ્યો હતો તે જીવ વિષેના આખા સિદ્ધાંતનો જ બૌદ્ધો અસ્વીકાર કરે છે. તેઓ કહે છેઃ ‘આ શરીર અને મનના આધારરૂપે, પાર્શ્વભૂમિકારૂપે કંઈક માની લેવાની જરૂર શી છે? વિચારો જ ચાલુ રહે છે એમ કેમ ન માનવું? શરીર અને મનની બનેલી આ શરીરરચનાની પાછળ આત્મા નામનો એક ત્રીજો પદાર્થ શા માટે સ્વીકારવો? એનો ઉપયોગ શો? શું આ શરીરરચના પોતે જ પોતાનો ખુલાસો કરવા માટે પૂરતી નથી? નવું ત્રીજું કંઈક શા માટે લેવું?’ આ દલીલો બહુ સબળ છે; આ તર્ક ઘણો જ જોરદાર છે. શોધખોળનું ક્ષેત્ર જ્યાં સુધી બહારનું છે ત્યાં સુધી આપણે જોઈએ છીએ કે આ શરીરરચના પોતાનો ખુલાસો પૂરતી રીતે આપે છે – ઓછામાં ઓછું આપણામાંના ઘણા તેને એ પ્રકારે જુએ છે. તો પછી જે પોતે શરીર કે મન નથી પરંતુ શરીર અને મન બંનેની પાર્શ્વભૂમિકારૂપે છે, તેવા આધારભૂત એક આત્માની જરૂર શી? મન અને શરીર હોય એટલે બસ. જડદ્રવ્યના નિરંતર ગતિમાન પ્રવાહનું નામ છે શરીર; ચેતના યાને વિચારના નિરંતર ગતિમાન પ્રવાહનું નામ છે મન. આ બેની વચ્ચે આભાસરૂપે દેખાતી એકતા કોણ ઉત્પન્ન કરે છે? માની લો કે આ એકતાનું વાસ્તવિક રીતે અસ્તિત્વ નથી. દાખલા તરીકે એક સળગતું ઉંબાડિયું લો અને તેને તમારી સામે ચક્કર ચક્કર ફેરવો. તમને અગ્નિનું એક ચકરડું દેખાશે. એ ચકરડું વાસ્તવિક રીતે અસ્તિત્વમાં નથી, પરંતુ ઉંબાડિયું નિરંતર ફર્યા કરે છે એટલે તે એક ચકરડાનો દેખાવ ઊભો કરે છે. તે પ્રમાણે આ જીવનમાં કશી એકતા છે જ નહીં, જે છે તે નિરંતર ધસ્યે જતો જડદ્રવ્યનો સમૂહ છે; આ સમગ્ર જડદ્રવ્યને એક એકમ તમે ભલે કહો, પણ એથી વધારે કશું નહીં. મનનું પણ તેમજ છે; દરેક વિચાર બીજા બધા વિચારોથી અલગ છે; માત્ર ધસ્યે જતો વિચારનો પ્રવાહ એકતાનો ભ્રમ ઊભો કરે છે. કોઈ ત્રીજા પદાર્થની આવશ્યકતા નથી. વાસ્તવમાં જે બધું છે તે શરીર અને મનની નિરંતર ચાલતી વ્યાપક ઘટનાની પરંપરા જ છે; એની પાછળ કંઈપણ ન કલ્પો.
તમને જણાશે કે આ બૌદ્ધ વિચાર અર્વાચીન સમયના કેટલાક સંપ્રદાયો અને વિચારક મંડળોએ સ્વીકારી લીધો છે; અને એ બધા એવો દાવો કરે છે કે એ નવું છે – તેમની પોતાની શોધ છે. ઘણાખરા બૌદ્ધ દાર્શનિકોનો મધ્યવર્તી વિચાર જગત પોતે સ્વયંપૂર્ણ છે, એવો જ રહ્યો છે; તેમનું માનવું એવું છે કે તમારે પાર્શ્વભૂમિકા માટે કશી વસ્તુ શોધવાની મુદ્દલ જરૂર નથી; જે કાંઈ છે તે આ ઇન્દ્રિયગ્રાહ્ય જગત જ છે; આ વિશ્વના આધારરૂપે કશાકની કલ્પના કરવાની જરૂર જ શી છે? દરેક વસ્તુ ગુણોનો એક સમૂહ છે; જેમાં તેઓ રહે છે એવો એક ત્રીજો કાલ્પનિક પદાર્થ શા માટે હોવો જોઈએ? આધારરૂપ વસ્તુનો ખ્યાલ, ગુણોના અતિઝડપી પરસ્પર પરિવર્તનને અંગે ઊઠે છે; તેમની પાછળ પરિવર્તનરહિત કંઈક વસ્તુનું અસ્તિત્વ છે તેને અંગે નહીં. આપણે જોઈએ છીએ કે આમાંની કેટલીક દલીલો કેવી અદ્ભુત છે અને માનવજાતિના સાધારણ અનુભવને તે કેટલી સહેલાઈથી રુચિકર બની જાય છે. વાસ્તવિક રીતે કરોડોમાંથી એક પણ માણસ દૃશ્ય જગત સિવાય બીજી વસ્તુનો વિચાર કરી શકતો નથી. વિશાળ માનવસમુદાયને મન તો પ્રકૃતિ એટલે પરિવર્તન પામ્યા કરતો, ગોળગોળ ફર્યા કરતો, એકઠો થતો, મિશ્રિત થતો, એવો ફેરફારોનો સમૂહ માત્ર છે. તેની પાછળ રહેલા પ્રશાંત સાગરની ઝાંખી આપણામાંથી ઘણા ઓછાને હોય છે. આપણે માટે તો તે હંમેશાં મોજાંઓથી ખળભળતો જ હોય છેઃ આ વિશ્વ આપણને તો માત્ર અથડાતાં મોજાંઓના એક સમૂહરૂપે જ દેખાય છે. આ બંને વિચારસરણીઓ આ જાતની છે. એક વિચાર એવો છે કે શરીર અને મન બંનેની પાછળ કોઈક એવો પદાર્થ છે કે જે પરિવર્તનરહિત અને ગતિરહિત છે; અને બીજો વિચાર એવો છે કે વિશ્વમાં ગતિરહિતપણા જેવું કે પરિવર્તનરહિતપણા જેવું કશું જ નથી; જે છે તે બધું પરિવર્તન જ છે, એ સિવાય બીજું કંઈ જ નથી. આ ભેદનું નિરાકરણ આવે છે વિચારના તેની આગળના પગલામાં, એટલે કે અદ્વૈતવાદમાં.
અદ્વૈતવાદ કહે છે કે આ બધાંની પાછળ પાર્શ્વભૂમિકારૂપે પરિવર્તન ન પામતી કંઈક વસ્તુ છે એમ કહેવામાં દ્વૈતવાદીઓ સાચા છે; પરિવર્તન રહિત કંઈક ન હોય તો પરિવર્તનનો ખ્યાલ આપણને આવી જ ન શકે. કોઈપણ પરિવર્તનશીલ વસ્તુનો વિચાર, કોઈપણ ઓછી પરિવર્તનશીલ વસ્તુને જાણવાથી જ આવી શકે; એ પોતે પણ તેનાથી ઓછી પરિવર્તનશીલ બીજી કોઈક વસ્તુની તુલનામાં વધુ પરિવર્તનશીલ દેખાવી જોઈએ; અને એ પ્રકારે આગળ વધતાં વધતાં એવી કંઈક વસ્તુ હોવી જ જોઈએ કે જે કદી પરિવર્તન પામતી જ નથી એવું સ્વીકારવાની આપણને ફરજ પડે છે. આ સમગ્ર અભિવ્યક્તિ જ્યારે કોઈપણ બળ ક્રિયા કરતું નહોતું ત્યારે – કારણ કે સમતુલામાં વિક્ષેપ પડે ત્યારે જ બળ ક્રિયા કરવા લાગે – જાણે કે સામસામાં બળોની સમતુલા હોવાને લીધે, શાંત અને નીરવ સ્થિતિમાં રહી હોવી જોઈએ. પેલી સમતુલાની સ્થિતિને પાછી પ્રાપ્ત કરવા માટે આ વિશ્વ સર્વદા ઉતાવળે ઉતાવળે દોડી રહ્યું છે. જો આપણને કોઈપણ હકીકતની ખાતરી હોય તો આની જ છે. એવી કોઈક વસ્તુ છે કે જે પરિવર્તન પામતી નથી એવો દ્વૈતવાદીઓનો દાવો સંપૂર્ણપણે સાચો છે; પરંતુ જે શરીર કે મન નથી તેવી કોઈક નીચે રહેલી, બંનેથી જુદી ત્રીજી વસ્તુ હોવાનું તેમનું પૃથક્કરણ ખોટું છે.
બૌદ્ધો જે કહે છે કે સમગ્ર વિશ્વ પરિવર્તનનો જ એક સમૂહ છે, તેમાં તેઓ સંપૂર્ણપણે સાચા છે; જ્યાં સુધી હું વિશ્વથી અલગ છું, જ્યાં સુધી હું દૂર ઊભો રહીને મારી સામેની કોઈ વસ્તુને જોઉં છું, જ્યાં સુધી દ્રષ્ટા અને દૃશ્ય એ બે ભિન્ન વસ્તુઓ છે, ત્યાં સુધી હંમેશાં એવું દેખાશે કે વિશ્વ પરિવર્તનમય જ છે, નિરંતર પરિવર્તન પામતું જ રહે છે. પરંતુ આ વિશ્વમાં પરિવર્તનશીલતા અને પરિવર્તનરહિતતા બન્ને છે, એ જ સત્ય છે. આત્મા, મન અને શરીર એ ત્રણ અલગ અલગ અસ્તિત્વો છે એવું નથી, કારણ કે આ ત્રણની બનેલી શરીરરચના જ વાસ્તવિક રીતે એક છે. શરીરરૂપે, મનરૂપે અને મન તથા શરીરથી પર વસ્તુરૂપે જે દેખાય છે તે એક જ વસ્તુ છે; પરંતુ એક જ વખતે તે આ બધાં નથી. જે શરીરને જુએ છે તે મનને જોતો નથી; જે મનને જુએ છે તે જેને તે આત્મા કહે છે તેને જોતો નથી; અને જે આત્માને જુએ છે તેને માટે શરીર અને મન અદૃશ્ય થઈ ગયાં હોય છે. જે કેવળ ગતિને જ જુએ છે, તે કદીયે સંપૂર્ણ સ્થિરતાને જોતો નથી અને જે સંપૂર્ણ સ્થિરતાને જુએ છે તેને માટે ગતિ અદૃશ્ય થઈ ગઈ છે. દોરડીને ભ્રાંતિથી સર્પ માનવામાં આવે છે. જે દોરડીને સર્પરૂપે જુએ છે, તેને માટે દોરડી અદૃશ્ય થઈ ગઈ છે; અને જ્યારે ભ્રમ મટી જાય છે અને દોરડી જ દેખાય છે, ત્યારે સર્પ અદૃશ્ય થઈ ગયો હોય છે.
એટલે સર્વવ્યાપી એક જ સત્તા (અસ્તિત્વ) છે અને તે એક જ અનેક રૂપે ભાસે છે. જગતમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે આ આત્મા અથવા ખરી આધારવસ્તુ છે. એ આત્માને જ અથવા આધારને જ અદ્વૈતવાદીની ભાષામાં બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ જ નામ અને રૂપ દ્વારા જૂજવેરૂપે ભાસી રહ્યું છે. સમુદ્રમાં તરંગો જુઓ. એક પણ તરંગ સાચી રીતે સમુદ્રથી જુદો નથી, પરંતુ તરંગ સમુદ્રથી જુદો છે એવો ભ્રમ કોણ ઊભો કરે છે? નામ અને રૂપઃ તરંગનો આકાર અને આપણે આપીએ છીએ તે ‘તરંગ’ એવું નામ. આ નામ-રૂપ જ તેને સમુદ્રથી જુદો બતાવે છે. જ્યારે નામ અને રૂપ ચાલ્યા જાય, ત્યારે તેનો તે જ સમુદ્ર છે. તરંગ અને સમુદ્ર વચ્ચે કશો પણ સાચો ભેદ કોણ પાડી શકે? તેથી આ આખું વિશ્વ એ એક અખંડ અસ્તિત્વ છે; નામ અને રૂપે આ બધા વિવિધ ભેદો ઉત્પન્ન કર્યા છે. જેવી રીતે લાખો જળબિંદુઓ ઉપર સૂર્ય પ્રકાશે છે ત્યારે જળબિંદુ ઉપર સૂર્યનું એક એક સંપૂર્ણ પ્રતિબિંબ દેખાય છે, તેવી રીતે એક જ આત્મા, વિશ્વની એક માત્ર સત્તા, આ બધાં વિવિધ નામરૂપનાં અસંખ્ય બિંદુઓ ઉપર પ્રતિબિંબિત થતાં, વિવિધ રૂપે દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે માત્ર એક જ છે. ‘હું’ કે ‘તમે’ જેવું કંઈ જ નથી. બધું એક જ છે. તે બધું ‘હું’ અથવા ‘તમે’. આ બેપણાનો વિચાર-દ્વૈતનો વિચાર-સાવ ખોટો છે; અને આખું જગત, આપણે સામાન્યતઃ જે રીતે જાણીએ છીએ તે રીતે, આ ખોટા જ્ઞાનનું પરિણામ છે. જ્યારે વિવેક આવે અને માણસને ખબર પડે કે બે નથી પણ એક જ છે, ત્યારે તેને લાગે કે તે પોતે જ આ વિશ્વ છે. ‘અત્યારે છે તેવું આ વિશ્વ, નિરંતર બદલાયા કરતો સમૂહ, હું જ છું. સર્વ પરિવર્તનથી પર, સર્વ ગુણોથી પર, સર્વદા સંપૂર્ણ, સદા કલ્યાણમય હું જ છું.’
તેથી આત્મા માત્ર એક જ છેઃ તે સદા પવિત્ર, સર્વદા સંપૂર્ણ, અવિકારી અને પરિવર્તનરહિત છે; તેનામાં કદી પરિવર્તન આવ્યું જ નથી; અને વિશ્વમાંનાં આ બધાં પરિવર્તનો એ એક જ આત્મામાં દેખાતા માત્ર આભાસો જ છે.
તે આત્માની ઉપર નામ અને રૂપે આ બધાં સ્વપ્નાં ચીતર્યાં છે; તરંગને સાગરથી જુદો પાડનાર આકાર યાને રૂપ છે. ધારો કે તરંગ શમી જાય તો પછી આકાર રહેશે? ના, એ અદૃશ્ય થઈ જશે. તરંગનું અસ્તિત્વ સંપૂર્ણરૂપે સાગરના અસ્તિત્વ ઉપર અવલંબતું હતું, પરંતુ સાગરનું અસ્તિત્વ તરંગના અસ્તિત્વ ઉપર મુદ્દલે અવલંબતું નહોતું. તરંગ હોય ત્યાં સુધી આકાર રહે, પરંતુ જેવો તરંગ તેને છોડી દે એટલે તે અદૃશ્ય થઈ જાય, એ રહી ન શકે. આ નામ અને રૂપ કે આકાર, જેને માયા કહેવામાં આવે છે તેની પેદાશ છે. વ્યક્તિઓને બનાવનાર, એકને બીજાથી જુદા બતાવનાર આ માયા છે. છતાં તેનું સાચું અસ્તિત્વ જ નથી. માયાનું અસ્તિત્વ છે એમ ન કહી શકાય. રૂપ કે આકારનું અસ્તિત્વ છે એમ ન કહી શકાય, કારણ કે તેનો આધાર કોઈક બીજી વસ્તુ છે. એનું અસ્તિત્વ નથી એમ પણ ન કહી શકાય, કારણ કે આ ભેદોને તે ઉત્પન્ન કરે છે એ દેખાય છે. ત્યારે, અદ્વૈત ફિલસૂફી પ્રમાણે આ માયા કે અજ્ઞાન – અથવા નામ અને રૂપ અથવા યુરોપમાં જેમ કહેવાયું છે તેમ ‘દેશ, કાળ અને નિમિત્ત’ ભાવ – આપણને આ એક અનંત અસ્તિત્વમાંથી વિશ્વની અનેકતા દર્શાવે છે. સારરૂપે કહીએ તો આ વિશ્વ એક છે. જો કોઈને લાગે કે અંતિમ સત્તાઓ બે છે તો તે ભ્રમમાં છે. જ્યારે તેને સમજાઈ જાય કે જે છે તે માત્ર એક જ છે, ત્યારે તે સાચો છે.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભૂમિકા પર પણ, જે આપણને દિનપ્રતિદિન સાબિત કરી બતાવવામાં આવે છે તે આ છે. આજે એ સાબિત કરી બતાવવામાં આવ્યું છે કે તમે અને હું, સૂર્ય, ચંદ્ર અને તારાઓ, જડદ્રવ્યના સાગરમાં જુદાં જુદાં ટપકાંનાં જુદાં જુદાં નામ છીએ અને આ જડદ્રવ્ય તેના બહારના આકારમાં નિરંતર પરિવર્તન પામ્યા જ કરે છે. શક્તિનો જે અંશ કેટલાક મહિનાઓ પૂર્વે સૂર્યમાં હતો તે અત્યારે મનુષ્યોમાં હોઈ શકે; આવતીકાલે એ કોઈ પશુમાં હોય; પરમ દિવસે એ કોઈ વનસ્પતિમાં હોય. એ કાયમ આવે છે અને કાયમ જાય છે. એ બધાં જડદ્રવ્યનો એક અખંડ, અનંત, માત્ર નામ અને રૂપથી ભિન્ન ભિન્ન લાગતો સમૂહ છે. તેમાંનું એક બિંદુ સૂર્ય કહેવાય છે, બીજું ચંદ્ર, કોઈક નક્ષત્રો, કોઈક માનવ, કોઈક પશુ, કોઈક વનસ્પતિ, વગેરે વગેરે કહેવાય છે અને આ બધાં નામો કાલ્પનિક છે; તેમનું કશું અસ્તિત્વ નથી, કારણ કે આ બધું એક નિરંતર પરિવર્તન પામ્યે જતા જડદ્રવ્યનો સમૂહ છે. બીજા દૃષ્ટિબિંદુથી જોતાં આ વિશ્વ સ્વયં પોતે જ વિચારનો મહાસાગર છે, જ્યાં આપણામાંનો દરેક અમુક મન નામનું બિંદુ છે. તમે એક મન છો, હું પણ એક મન છું, દરેકેદરેક એકેક મન છે; અને એનું એ વિશ્વ, જ્યારે દૃષ્ટિ ભ્રમણાઓથી મુક્ત થઈ હોય છે, જ્યારે મન પવિત્ર થયું હોય છે, ત્યારે જ્ઞાનદૃષ્ટિથી જોતાં સદા પવિત્ર, પરિવર્તનરહિત, અવિનાશી, અખંડ, નિર્વિશેષ સત્તારૂપ દેખાય છે.
તો પછી દ્વૈતવાદીની આ ત્રિવિધ ગતિ, જેવી કે માનવ મરે છે ત્યારે તે સ્વર્ગે જાય છે, અગર આ કે પેલા લોકમાં જાય છે અને દુષ્ટ લોકો ભૂતાદિ થાય છે તથા પશુઓ થાય છે, વગેરે બધાનું શું? અદ્વૈતવાદી કહે છે કે નથી કોઈ જતું કે નથી કોઈ આવતું. તમે કેવી રીતે આવી કે જઈ શકો? તમે તો અનંત છો; તમારે માટે જવાનું કોઈ સ્થાન ક્યાં છે? એક નિશાળમાં કેટલાંક નાનાં બાળકોની પરીક્ષા લેવાતી હતી. પરીક્ષકે એ નાનાં બચ્ચાંને મૂર્ખાઈથી તરેહતરેહના અઘરા પ્રશ્નો પૂછવા માંડ્યા હતા. બીજા પ્રશ્નોમાં એક પ્રશ્ન આ પણ હતો કે ‘પૃથ્વી પડી કેમ જતી નથી?’ પરીક્ષકનો ઈરાદો આ નાનાં છોકરાઓ પાસેથી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કે બીજું કોઈ ગૂંચવણભર્યું વૈજ્ઞાનિક સત્ય બહાર કઢાવવાનો હતો. તે બાળકો પૈકી ઘણાંખરાં તો એ પ્રશ્ન સમજ્યાં પણ નહીં અને તરેહતરેહના ખોટા જવાબો આપ્યા. પરંતુ એક હોશિયાર નાનકડી છોકરીએ પોતાના ઉત્તરમાં સામો સવાલ કર્યોઃ ‘એ પડે ક્યાં?’ દેખીતી રીતે જ પરીક્ષકનો પ્રશ્ન જ મૂર્ખાઈભર્યો હતો. વિશ્વમાં ઉપર અને નીચે એવું કંઈ જ નથી; એ વિચાર કેવળ સાપેક્ષ છે. આત્માની બાબતમાં પણ તેમજ છે. તેને વિષે જન્મ અને મૃત્યુનો પ્રશ્ન પોતે જ સાવ મૂર્ખાઈભર્યો છે. કોણ જાય છે અને કોણ આવે છે? તમે કયે સ્થળે નથી? જેમાં તમે અગાઉથી જ ન હો એવું સ્વર્ગ ક્યાં છે? માનવનો આત્મા સર્વવ્યાપી છે. એ ક્યાં જવાનો હોય? એ ક્યાં જવાનો ન હોય? એ સર્વત્ર છે. તેથી પૂર્ણ માનવ માટે જન્મ અને મરણનું, સ્વર્ગોનું, વધુ ઊંચાં સ્વર્ગોનું અને નીચેના લોકોનું, બાળકને છાજતું સ્વપ્ન અને નાદાનિયતભર્યો ભ્રમ તાબડતોબ અદૃશ્ય થઈ જશે. પૂર્ણત્વની નજીક પહોંચેલા માનવને બ્રહ્મલોક સુધીનાં કેટલાંક દૃશ્યો બતાવીને તે અદૃશ્ય થઈ જાય છે; અજ્ઞાનીને માટે તે ચાલ્યા કરે છે.
તો પછી એમ શા માટે છે કે સ્વર્ગે જવામાં, મરવામાં અને જન્મ લેવામાં આખી દુનિયા માને છે? હું એક પુસ્તક વાંચું છું; તેનાં એક પછી એક પાનાં વાંચીને ફેરવ્યે જાઉં છું. બીજું પાનું આવે છે અને તે ફેરવાય છે. પરિવર્તન કોણ પામે છે? કોણ આવે છે ને જાય છે? નહીં કે હું, પરંતુ પુસ્તક. આ આખી પ્રકૃતિ આત્માની પાસે પુસ્તક જેવી છે; તેનાં પ્રકરણ પછી પ્રકરણ વંચાયે જાય છે અને ઉથલાવાયે જાય છે અને દરેક વખતે એકએક નવું નવું દૃશ્ય ઊઘડતું જાય છે. તે વંચાઈ રહે એટલે ફેરવાઈ જાય છે; વળી એક નવું પ્રકરણ નીકળે છે; પરંતુ આત્મા એનો એ જ, શાશ્વત છે; જે પરિવર્તન પામે છે તે પ્રકૃતિ છે, માનવનો આત્મા નહીં. એ તો કદી પરિવર્તન પામતો નથી. જન્મ અને મૃત્યુ પ્રકૃતિમાં છે, તમારામાં નહીં. છતાં અજ્ઞાનીઓ ભરમાય છે. જેવી રીતે આપણે ભ્રમથી માનીએ છીએ કે પૃથ્વી નહીં પણ સૂર્ય ફરે છે, બરાબર તે જ રીતે આપણે માનીએ છીએ કે પ્રકૃતિ નહીં પણ આપણે મરીએ છીએ. તેથી, આ સઘળી માત્ર ભ્રમણાઓ છે. જેવી રીતે રેલગાડી ચાલે છે ત્યારે ભ્રમણાથી આપણને એમ લાગે છે કે રેલગાડી નહીં પણ ખેતરો દોડ્યાં જાય છે, બરાબર એ જ રીતે જન્મ અને મરણની ભ્રમણા છે. મનુષ્યો જ્યારે મનની અમુક અવસ્થામાં હોય, ત્યારે તેઓ આ જ અસ્તિત્વને પૃથ્વીરૂપે, સૂર્યરૂપે, ચંદ્રરૂપે, તારારૂપે જુએ છે; અને જે જે લોકો મનની એ જ અવસ્થામાં હોય તેઓ પણ તે જ વસ્તુઓ જુએ છે. તમારી અને મારી વચ્ચે અસ્તિત્વની જુદી જુદી ભૂમિકાઓ પર લાખો ને કરોડો જીવો હોઈ શકે. તેઓ આપણને કદી જોશે નહીં કે આપણે તેઓને કદી જોવાના નથી. આપણે માત્ર તેઓને જોઈશું કે જેઓ આપણા જેવી જ મનની અવસ્થામાં હોય અને અસ્તિત્વની આપણી જ ભૂમિકાએ હોય. જે વાજિંત્રો અવાજનાં આંદોલનોની એક સમાન માત્રાએ બંધાયેલાં હોય, તેઓ જ પ્રતિધ્વનિરૂપે ઝણઝણી ઊઠે. જેને ‘માનવ-આંદોલન’ કહેવામાં આવે છે તે આંદોલનોની માત્રાની સ્થિતિ બદલાઈ જાય તો અહીં માનવ દેખાય જ નહિ; સમગ્ર માનવવિશ્વ અદૃશ્ય થઈ જાય અને તેને બદલે બીજું જ દૃશ્ય આપણી સામે હાજર થાય. કદાચ દેવો અને દેવ-વિશ્વ અથવા દુષ્ટ માનવને માટે કદાચ રાક્ષસો અને રાક્ષસ-દુનિયા દેખાય; પરંતુ એ બધી એક જ વિશ્વ વિશેની જુદી જુદી દૃષ્ટિઓ હોય.
આ જ વિશ્વ, જે માનવભૂમિકાએથી પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા અને એવી બધી વસ્તુઓ રૂપે દેખાય છે, તે જ વિશ્વ જ્યારે દુષ્ટતાની ભૂમિકાઓથી જોવામાં આવે ત્યારે શિક્ષા ભોગવવાના સ્થાન તરીકે – નરક તરીકે – દેખાય છે. વળી આ જ વિશ્વ, જેઓ તેને સ્વર્ગ તરીકે જોવા ઇચ્છે, તેમને સ્વર્ગ તરીકે દેખાય છે. જેઓ એક સિંહાસનારૂઢ ઈશ્વર પાસે જવાનું અને પોતે આખી જિંદગી સુધી તે ઈશ્વરની સમક્ષ સ્તુતિ કરતા ઊભા રહેવાનું સ્વપ્ન સેવતા હોય, એવા લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે જે કલ્પના તેમના મનમાં હોય તેનું જ માત્ર દર્શન તેમને થાય. તેમને માટે આ જ વિશ્વ એવા વિશાળ સ્વર્ગમાં પલટાઈ જાય જ્યાં તરેહ તરેહનાં પાંખોવાળા ફિરસ્તાઓ ઊડતા હોય અને ઈશ્વર એક સિંહાસન પર બેઠેલ હોય. આ બધાં સ્વર્ગો માણસની પોતાની જ કલ્પનાની કૃતિઓ છે. તેથી અદ્વૈતવાદી કહે છે કે સ્વર્ગો વિષે દ્વૈતવાદી જે કહે છે તે સાચું છે, માત્ર તે સઘળું તેની પોતાની જ કૃતિ છે. આ બધા લોકો, રાક્ષસો અને દેવો, પુનર્જન્મો અને લોકાન્તરગમનો, વગેરે બધું પૌરાણિક કલ્પના છે; તે જ પ્રમાણે આ માનવ જીવન છે. માણસો ધારે છે કે એકલું આ જીવન જ સાચું છે, તે એમની મોટી ભૂલ છે. જ્યારે દુનિયાની બીજી વસ્તુઓને કાલ્પનિક વાતો કહેવામાં આવે છે ત્યારે તેઓ સારી રીતે સમજે છે, પરંતુ પોતાની અવસ્થા વિષે એ જ વિધાન કબૂલ કરવાને તેઓ તૈયાર નથી. આ આખી વસ્તુ જે પ્રકારે દેખાય છે તે પ્રકારે કેવળ કલ્પના છે; અને મોટામાં મોટું જૂઠાણું એ છે કે આપણે શરીર છીએ કે જે આપણે કદી હતા નહીં કે કદી થવાના નથી.
આપણે માત્ર મનુષ્ય છીએ એ મોટામાં મોટું અસત્ય છે; આપણે તો વિશ્વોના ઈશ્વર છીએ. ઈશ્વરની ઉપાસના કરવામાં આપણે હંમેશાં આપણા પોતાના અપ્રગટ આત્માની જ ઉપાસના કરીએ છીએ. તમારે વિષે ખરાબમાં ખરાબ જૂઠાણું જો તમે કદી બોલતા હો તો તે તમે પાપી જન્મ્યા છો કે દુષ્ટ જન્મ્યા છો એમ કહો, તે છે. જે બીજા માણસને પાપી દેખે છે તે પોતે જ પાપી છે. ધારો કે અહીં એક બાળક છે અને તમે એક સોનામહોરની થેલી ટેબલ પર મૂકો છો; હવે સમજો કે એક લૂંટારો આવીને એ થેલી ઉઠાવી જાય છે. પેલા બાળકને મન બધું એકસરખું જ છે, કારણ કે તેને માટે લૂંટારો અંદર પણ નથી તેમ બહાર પણ નથી. પાપીઓ અને દુષ્ટ માણસોને જ બહાર દુષ્ટતા દેખાય છે, સત્પુરુષોને નહીં. તેથી દુષ્ટ લોકો આ વિશ્વને નરકરૂપે દેખે છે, અમુક અંશે સારા લોકો તેને સ્વર્ગરૂપે દેખે છે, જ્યારે પૂર્ણ આત્માઓ તેને સાક્ષાત ઈશ્વરરૂપે જુએ છે. માત્ર ત્યારે જ નેત્રો પરથી પડદો હઠી જાય છે અને પવિત્ર તથા શુદ્ધ થયેલો માનવ પોતાની આખી દૃષ્ટિ બદલાઈ ગયેલી જુએ છે. લાખો વરસોથી જે ખરાબ સ્વપ્નો તેને ત્રાસ દઈ રહ્યાં હતાં, તે બધાં અદૃશ્ય થઈ જાય છે; અને જે માણસ પોતાને મનુષ્ય, દેવ કે રાક્ષસ ધારતો હતો, જે પોતાને નીચેના લોકમાં કે ઉપરના લોકમાં, પૃથ્વી પર કે સ્વર્ગમાં રહેનાર ધારતો હતો, તેને ખબર પડે છે કે પોતે વાસ્તવિક રીતે સર્વવ્યાપી છે; સમગ્ર કાળ તેની પોતાની અંદર જ છે, પોતે કાળની અંદર નથી; બધાં સ્વર્ગો તેની પોતાની અંદર છે, તે પોતે કોઈ પણ સ્વર્ગમાં નથી; અને પોતે જે જે દેવોને કદી પણ પૂજ્યા હતા તે બધા તેનામાં છે, પોતે તેમાંના એકે દેવમાં નથી. દેવોનો અને દાનવોનો, મનુષ્યનો અને વનસ્પતિનો, પશુઓનો અને પથ્થરનો બનાવનાર પોતે જ હતો; અને માનવનો સાચો સ્વભાવ હવે તેની પાસે સ્વર્ગ કરતાંય વધુ ઊંચો, આપણા આ વિશ્વ કરતાંય વધુ સંપૂર્ણ, અનંત કાળ કરતાંય વધુ અનંત, સર્વવ્યાપી અવકાશ કરતાંય વધુ વ્યાપક રૂપે પ્રકટ થાય છે. કેવળ આ રીતે જ માનવ નિર્ભય બને છે અને મુક્ત થાય છે. ત્યારે જ બધી ભ્રમણાઓ દૂર થાય છે, સર્વ દુઃખો અદૃશ્ય થઈ જાય છે, સર્વ ભયોની સદાને માટે નિવૃત્તિ થાય છે. જન્મ અટકી જાય છે, તેમ તેની સાથે મૃત્યુ પણ અટકી જાય છે; દુઃખો નાશ પામે છે અને તેની સાથે જ સુખો પણ ઊડી જાય છે; પૃથ્વીઓ અદૃશ્ય થઈ જાય છે અને તે સાથે સ્વર્ગો પણ અદૃશ્ય થાય છે; શરીરોનો લય થઈ જાય છે અને તેની સાથે મન લય પામે છે અને માણસને માટે જાણે કે આખું વિશ્વ અદૃશ્ય થઈ જાય છે. આ શોધાશોધ, આ આવાગમન, બળોનો આ અવિરત સંગ્રામ સદાને માટે બંધ પડી જાય છે; તથા જે પોતાને બળ અને જડદ્રવ્યરૂપે, પ્રકૃતિના સંગ્રામરૂપે સ્વયં પ્રકૃતિરૂપે અગર તો સ્વર્ગો, પૃથ્વીઓ, વનસ્પતિઓ, પશુઓ, માનવો અને દેવતાઓ રૂપે પ્રકટ કરી રહ્યો હતો, તે બધું ફેરવાઈ જઈને એક અનંત, અખંડ, અવિકારી સત્તારૂપ બને છે; જ્ઞાનીને ત્યારે ખબર પડે છે કે પોતે તે સત્તા સાથે એક છે. ‘જેવી રીતે જુદા જુદા રંગનાં વાદળાં આકાશની સામે આવે છે, ક્ષણભર ત્યાં ટકે છે અને ત્યાર પછી અદૃશ્ય થઈ જાય છે’ તેવી જ રીતે આ આત્માની સન્મુખ આ બધાં પૃથ્વીઓનાં અને સ્વર્ગોનાં, ચંદ્રનાં અને દેવોનાં, સુખોનાં અને દુઃખોનાં દૃશ્યો ખડાં થાય છે; પણ તે બધાં ચાલ્યાં જાય છે અને અંતે એક અનંત અવિકારી, નીલ આકાશ રહે છે. આકાશમાં કદી પરિવર્તન થતું નથી; પરિવર્તન જેનામાં થાય છે તે વાદળાં છે. આકાશ પરિવર્તન પામે છે એમ માનવું એ ભૂલ છે. આપણે અપવિત્ર છીએ, આપણે મર્યાદિત છીએ, આપણે જુદા છીએ એમ માનવું એ ભૂલ છે. સાચો માનવ તો એક અખંડ સત્તા છે.
હવે બે પ્રશ્ન ઊઠે છે. પ્રથમ પ્રશ્ન એ છે કે ‘આનો અનુભવ કરવો સંભવિત છે? અહીં સુધી તો આ એક સિદ્ધાંત છે, તત્ત્વજ્ઞાન છે; પણ તેનો સાક્ષાત્કાર સંભવિત છે ખરો?’ હા, સંભવિત છે. આ દુનિયામાં એવા મનુષ્યો હજી જીવતા છે કે જેમને માટે આ સંસારની ભ્રમણા સદાને માટે અદૃશ્ય થઈ ગઈ છે. આવો સાક્ષાત્કાર થયા પછી એવા લોકો શું તરત જ મરી જાય છે? આપણે ધારીએ છીએ તેટલા તરત તેઓ મરી જતા નથી. એક ધરીથી જોડાયેલાં બે ચક્રો એકી સાથે દોડી રહ્યાં છે. હું જો એક ચક્રને પકડીને ધરીને કુહાડીથી કાપી નાખું તો જે ચક્રને મેં પકડી રાખ્યું છે તે અટકશે; પણ બીજા ચક્રમાં તેનો પૂર્વેનો વેગ સમાયેલો હોવાથી એ થોડુંક દોડીને પછી પડી જાય છે. આ પવિત્ર અને પૂર્ણ તત્ત્વરૂપ આત્મા એ એક ચક્ર છે અને આ શરીર અને મનરૂપી બાહ્ય ભ્રમણા એ બીજું ચક્ર છે; તે બન્ને કર્મરૂપી ધરી વડે – બંધન વડે – બંધાયેલાં છે. જ્ઞાનરૂપી કુહાડી તે બન્નેની વચ્ચેનું બંધન કાપી નાખશે, એટલે આત્મારૂપી ચક્ર અટકી જશે. તે પોતે આવે છે અને જાય છે, જીવે છે અને મરે છે, એમ ધારતો બંધ થશે; પોતે પ્રકૃતિરૂપ છે અને પોતાને તૃષ્ણાઓ અને જરૂરિયાતો છે એમ ધારતો તે બંધ થશે; તેને થશે કે પોતે પૂર્ણ છે, તૃષ્ણારહિત છે. પરંતુ શરીર અને મનરૂપી બીજા ચક્રમાં પૂર્વકર્મોનો વેગ રહેશે; તેથી પૂર્વકર્મોનો વેગ ખલાસ ન થઈ જાય, તે વેગનું કાર્ય પૂરું ન થઈ જાય, ત્યાં સુધી તે જીવશે; ત્યાર પછી શરીર અને મન પડી જશે અને આત્મા મુક્ત થશે. પછી તેને ક્યાંય જવાનું કે આવવાનું રહેશે નહિ; પછી બ્રહ્મલોકમાં જવાનું કે કોઈ અન્ય ઊંચામાં ઊંચા લોકમાં જવાનું રહેશે નહિ, કારણ કે પછી એ આત્મા ક્યાંથી આવે અગર ક્યાં જાય? જે માણસે આ જીવનમાં જ આ સ્થિતિને પ્રાપ્ત કરી છે, જેને માટે ઓછામાં ઓછું એક ક્ષણને માટે પણ સંસારનું સામાન્ય દૃશ્ય પલટાઈ ગયું છે અને સત્ય પ્રત્યક્ષ થયું છે, તેને ‘જીવન્મુક્ત’ કહેવામાં આવે છે. આ જીવન્મુક્તિ મેળવવી એ વેદાંતીનું ધ્યેય છે.
એકવાર પશ્ચિમ ભારતમાં હિંદી મહાસાગરમાં કિનારા પરના રણપ્રદેશમાં થઈને હું મુસાફરી કરી રહ્યો હતો. એ રણપ્રદેશમાંથી હું દિવસોના દિવસો સુધી પગપાળા મુસાફરી કરતો. પરંતુ દરરોજ હું સુંદર સરોવરો, તેમની આસપાસ વૃક્ષો અને તેય ઊંચી ટોચવાળાં અને હાલતાં-ચાલતાં જોતો, ત્યારે મને નવાઈ લાગતી. મને થતું કે ‘આ કેવું સુંદર દેખાય છે! છતાં લોકો આને મરુભૂમિ કહે છે!’ આશરે એક મહિના સુધી મેં પ્રવાસ કર્યો; દરમિયાન રોજ આ રમણીય સરોવરો, વૃક્ષો અને વનસ્પતિઓ જોયા કર્યાં. એક દિવસે મને બહુ જ તરસ લાગી; પાણી પીવાની અદમ્ય ઇચ્છા થઈ. તેથી હું પેલા એક સ્વચ્છ, સુંદર દેખાતા સરોવર પાસે જવા નીકળ્યો. પરંતુ ત્યાં પહોંચ્યો કે તરત જ તે અદૃશ્ય થઈ ગયું. સાથે જ એક ચમકારો મારા મગજમાં ઊઠ્યોઃ ‘અરે, જેને વિષે હું આજ સુધી વાંચતો હતો તે મૃગજળ આ જ!’ તેની સાથે જ એ વિચાર પણ આવ્યો કે આ આખો મહિનો, રોજ રોજ હું મૃગજળ જ જોયા કરતો હતો અને છતાં તે મૃગજળ છે એમ જાણતો ન હતો! બીજે દિવસે સવારમાં મેં તો પાછું મારું પર્યટન શરૂ કર્યું. વળી પાછું એ સરોવર દેખાયું ખરું, પરંતુ એ સાથે જ એ વિચાર પણ આવ્યો કે એ મૃગજળ છે, ખરું સરોવર નહિ. આ સંસારનું પણ તેમ જ છે. આપણે બધા આ સંસારના મૃગજળમાં દિવસોના દિવસો, મહિનાના મહિનાઓ, વરસોનાં વરસો સુધી, એ મૃગજળ છે એમ જાણ્યા વિના ફર્યા જ કરીએ છીએ. એક દિવસે એ ભ્રમ ભાંગશે, પણ વળી પાછો એ આવશે. શરીર પૂર્વકર્મના પ્રભાવ નીચે રહેશે એટલે મૃગજળ પાછું દેખાશે. જ્યાં સુધી આપણે કર્મોથી બદ્ધ છીએ ત્યાં સુધી આ સંસાર આપણે અનુભવવો પડવાનો જ; સ્ત્રીપુરુષો, પશુઓ, વૃક્ષો, આપણી આસક્તિઓ અને ફરજો વગેરે પાછાં આપણને અનુભવવાં પડશે; પરંતુ ત્યારે એમનામાં પૂર્વનું બળ નહિ રહે. નવીન જ્ઞાનના પ્રભાવે કર્મનું બળ તૂટી જશે, તેમાંનું ઝેર નીકળી જશે. એનું સ્વરૂપ બદલાઈ જશે, કારણ કે તેની સાથે જ એ વિચાર પણ આવે છે કે આપણે હવે સંસારને ઓળખી ગયા છીએ, સત્ય અને મિથ્યા વચ્ચેનો સૂક્ષ્મભેદ આપણને સમજાઈ ગયો છે.
ત્યાર પછી આ સંસાર એનો એ પૂર્વનો સંસાર નહિ રહે. છતાં અહીં એક ભય રહેલો છે. દરેક દેશમાં આપણે જોઈએ છીએ કે લોકો આ ફિલસૂફીને ગ્રહણ કરીને કહે છે કે ‘હું તમામ પાપપુણ્યોથી પર છું; માટે કોઈ નીતિનિયમ મને બંધનકર્તા નથી; હું મને ફાવે તેમ કરી શકું.’ આ દેશમાં અને અત્યારના સમયમાં પણ તમને એવા ઘણા મૂર્ખાઓ મળી આવે, જેઓ કહેતા હોય કે ‘હું કશાથી બદ્ધ નથી, હું સ્વયં ઈશ્વર છું; હું ગમે તેમ વર્તી શકું.’ શારીરિક, માનસિક કે નૈતિક સર્વ નિયમોથી આત્મા પર છે એ ભલે સાચું હોય, છતાં આ સાચું નથી. નિયમની અંદર બંધન છે; નિયમની બહાર સ્વાતંત્ર્ય છે. એ પણ સાચું છે કે સ્વાતંત્ર્ય એ આત્માની પ્રકૃતિ છે, એ તેનો જન્મસિદ્ધ હક્ક છે; આત્માનું એ સાચું સ્વાતંત્ર્ય જડદ્રવ્યના પડદામાં થઈને માણસના આભાસિક સ્વાતંત્ર્યરૂપે પ્રકાશે છે. જીવનની દરેકેદરેક ક્ષણે તમને લાગે છે કે તમે સ્વતંત્ર છો. આપણે સ્વતંત્ર છીએ એમ લાગ્યા વિના આપણે ક્ષણભર પણ જીવી, વાત કરી કે શ્વાસ લઈ શકીએ નહિ; પરંતુ, તે જ વખતે એક સહેજ વિચાર આપણને બતાવે છે કે આપણે યંત્રો જેવા છીએ અને મુક્ત નથી. ત્યારે આમાં સાચું શું? શું આ સ્વાતંત્ર્યનો વિચાર ભ્રમણા છે? એક પક્ષ એમ કહે છે કે સ્વાતંત્ર્યનો વિચાર ભ્રમણા છે; બીજો કહે છે કે બંધનનો વિચાર ભ્રમણા છે. આમ કેમ બને છે? માનવ વાસ્તવિક રીતે મુક્ત છે, સાચો માનવ મુક્ત હોવો જ જોઈએ; જ્યારે તે માયાની દુનિયામાં, નામ અને રૂપની દુનિયામાં આવે છે ત્યારે તે બદ્ધ થાય છે. સ્વતંત્ર ઇચ્છા એ ખોટું નામ છે. ઇચ્છાશક્તિ કદી સ્વતંત્ર હોઈ ન શકે. એ કેવી રીતે સ્વતંત્ર હોઈ શકે? સાચો માનવ જ્યારે બદ્ધ થયો હોય છે ત્યારે જ માત્ર તેની ઇચ્છાશક્તિ અસ્તિત્વમાં આવે છે, તે પહેલાં નહિ. માનવની ઇચ્છા બદ્ધ છે, પરંતુ એ ઇચ્છાશક્તિનો પાયો તો સદાને માટે મુક્ત છે. તેથી, જેને આપણે આ પૃથ્વી પર કે સ્વર્ગમાં, માનવજીવન કે દેવજીવન કહીએ છીએ તે બંધનની સ્થિતિમાં પણ, દિવ્ય અધિકારથી જે સ્વાતંત્ર્ય આપણું છે તેની સ્મૃતિ આપણને રહે છે અને જાણેઅજાણે પણ આપણે સહુ તે તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માણસે જ્યારે પોતાનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હોય ત્યારે કોઈપણ નિયમથી કેમ કરીને તે બદ્ધ થાય? આ જગતમાં કોઈપણ નિયમ તેને બાંધી શકે નહિ, કારણ કે આ જગત પોતે જ તેનું છે.
તે પોતે જ આખું જગત છે. કાં તો તે જ આખું જગત છે એમ કહો અથવા તેને માટે જગત જ નથી એમ કહો. તો પછી આ બધા લિંગભેદના અને દેશ વગેરેના ક્ષુદ્ર વિચારો તેનામાં કેવી રીતે હોઈ શકે? હું પુરુષ છું, હું સ્ત્રી છું કે હું બાળક છું, એમ તે કેવી રીતે કહી શકે? શું એ બધાં અસત્યો નથી? તે તો જાણે જ છે કે એ બધાં અસત્યો છે. એ કેવી રીતે કહી શકે કે આ અધિકાર પુરુષોના છે અને આ બીજા અધિકાર સ્ત્રીઓના છે? અધિકાર કોઈના નથી; અલગ રીતે કોઈનું અસ્તિત્વ નથી. નથી પુરુષ કે નથી સ્ત્રી; આત્મા લિંગભેદ રહિત, સદા પવિત્ર છે. હું પુરુષ છું કે સ્ત્રી છું અથવા હું આ દેશનો છું કે તે દેશનો છું, એમ કહેવું એ અસત્ય છે. સમસ્ત વિશ્વ મારો દેશ છે, આખું જગત મારું છે, કારણ કે મેં આખા જગતને મારું શરીર ગણીને તેનાથી મારી જાતને ઢાંકી છે. છતાં આપણે જોઈએ છીએ કે આ જગતમાં એવા લોકો છે કે જેઓ આ સિદ્ધાંતો ભારપૂર્વક રજૂ કરવા તૈયાર છે અને તે જ વખતે જેને આપણે ગંદાં કામ કહીએ છીએ તેવી બાબતો કરતા હોય છે. વળી જો આપણે તેમને પૂછીએ કે તમે આમ કેમ કરો છો, તો તેઓ કહેશે કે એ તો તમારો ભ્રમ છે, અમે કંઈ જ ખોટું ન કરી શકીએ. તેમનો ન્યાય તોળવાનું ધોરણ શું?
એનું પારખું આ રહ્યું. અનિષ્ટ અને ઇષ્ટ એ બન્ને આત્માની મર્યાદિત અભિવ્યક્તિઓ છે, છતાં અનિષ્ટ સૌથી બહારનું પડ છે અને ઇષ્ટ એ આત્માની સાચા માનવની નજીકનું પડ છે. વળી જ્યાં સુધી માનવ અનિષ્ટનું પડ કાપી ન નાખે ત્યાં સુધી તે ઇષ્ટના પડ સુધી પહોંચી ન શકે; અને જ્યાં સુધી અનિષ્ટ અને ઇષ્ટ બન્નેનાં પડ તે પાર કરી ન જાય ત્યાં સુધી તે આત્માને પહોંચી ન શકે. જે માણસ આત્માને પહોંચે, તેને પછી શું વળગેલું રહે? પ્રારબ્ધકર્મનો લેશ, પૂર્વજન્મના વેગનો સહેજ અંશ રહે ખરો; પરંતુ એ બધો શુભ વેગ હોય છે. જ્યાં સુધી અશુભ વેગ પૂરેપૂરો વપરાઈ ન જાય અને પૂર્વની અપવિત્રતાઓ સંપૂર્ણપણે ખાખ થઈ ન જાય, ત્યાં સુધી કોઈપણ માણસને માટે સત્યને જોવું અને તેનો સાક્ષાત્કાર કરવો અસંભવિત છે. તેથી જે માણસે આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અને સત્યને જોયું હોય તેને જે બાકી રહેલું વળગી રહ્યું હોય તે પૂર્વજન્મના શુભ સંસ્કારોનો લેશ, શુભ વેગ હોય છે. ભલે તે શરીરમાં રહેતો હોય અને અવિશ્રાંતપણે કાર્ય કરતો હોય, તો પણ તે શુભ કરવા માટે જ કાર્ય કરતો હોય છે. તેના મુખ વાટે સૌને માટે આશીર્વાદ જ નીકળવાના; તેના હાથ માત્ર સારાં કામ જ કરવાના; તેનું મન કેવળ શુભ વિચારો જ કરવાનું; તે જ્યાં જાય ત્યાં ત્યાં તેની હાજરી આશીર્વાદરૂપ જ થઈ પડવાની. તે પોતે જ એક જીવંત આશીર્વાદરૂપ છે. આવો માનવી પોતાની હાજરી માત્રથી દુષ્ટમાં દુષ્ટ પુરુષનું સંતમાં પરિવર્તન કરી શકે. તે મોઢેથી ભલે બોલતો ન હોય, તો પણ તેની હાજરી જ માનવજાતને આશીર્વાદ થઈ પડશે.
આવા માણસો કદી કશું અનિષ્ટ કરી શકે ખરા? તેઓ કશું ખરાબ કામ કરી શકે ખરા? તમારે યાદ રાખવું કે સાક્ષાત્કાર અને માત્ર વાતો વચ્ચે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલો તફાવત છે. વાતો કોઈપણ મૂર્ખ કરી શકે; પોપટો પણ વાતો કરે છે. વાતો કરવી એક બાબત છે અને સાક્ષાત્કાર કરવો એ જુદી બાબત છે. ફિલસૂફીઓ, સિદ્ધાંતો, દલીલો, ગ્રંથો, વાદો, સંપ્રદાયો અને પંથોઃ આ બધી બાબતો એમની પોતાની રીતે ઠીક છે; પરંતુ જ્યારે પેલો સાક્ષાત્કાર આવે છે ત્યારે આ બધી વસ્તુઓ નીચે ખરી પડે છે. દાખલા તરીકે નકશાઓ ઠીક છે; પરંતુ જ્યારે પ્રત્યક્ષ દેશને જોયા પછી, તમે ફરીથી નકશા જુઓ ત્યારે તમને કેટલો મોટો તફાવત જણાય છે! તેથી, જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય તેમને પછી સત્યને સમજવા માટે તર્કવિતર્કોની અને બુદ્ધિની કસરતોની જરૂર નથી રહેતી; તેમને માટે એ તેમના જીવનનું જીવન છે, પ્રત્યક્ષ અનુભવેલું, ઇન્દ્રિયજન્ય જ્ઞાનથીયે વધારે સ્પષ્ટ છે. વેદાંતના ઋષિઓની વાણીમાં તે ‘હસ્તામલકવત્’ છે; તમે ઊઠીને કહી શકો કે તે આ રહ્યું. તેથી જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો હશે તેઓ ઊભા થઈને કહેશેઃ ‘આ રહ્યો આત્મા.’ તમે તેની સાથે ભલે આખું વરસ દલીલો કર્યા કરો, પરંતુ તે તો તમારા તરફ માત્ર મોં મલકાવવાના; તેઓ એ બધાને બાલિશ વાતો ગણવાના અને એવી બાલિશ વાતો ચાલવા પણ દેવાના. તેમણે તો સત્યનો સાક્ષાત્કાર કર્યો છે એટલે તેઓ પૂર્ણ છે.
ધારો કે તમે એક દેશ જોયો છે અને બીજો માણસ આવીને દલીલો કર્યા કરે છે કે એ દેશનું અસ્તિત્વ જ નથી; પેલો માણસ ભલે અનંત કાળ સુધી દલીલો કર્યા કરે, પરંતુ તેના પ્રત્યેનું તમારા મનનું વલણ એવું હશે કે એ માણસ ગાંડાના દવાખાનામાં મોકલવા જેવો છે. તેવી જ રીતે સાક્ષાત્કાર કરેલો માણસ કહે છેઃ ‘દુનિયામાં આ બધા નાના નાના ધર્મોની વાતો માત્ર બકવાસ છે; સાક્ષાત્કાર જ ધર્મનો આત્મા છે, ધર્મનો સાર છે.’ ધર્મનો સાક્ષાત્કાર થઈ શકે. તમે તૈયાર છો? તમારે તે કરવો છે? જો તમે ઇચ્છતા હશો તો સાક્ષાત્કાર થશે; અને ત્યાર પછી જ તમે સાચા ધાર્મિક બનશો. જ્યાં સુધી તમે સાક્ષાત્કાર કર્યો નથી ત્યાં સુધી તમારી અને નાસ્તિકની વચ્ચે બહુ તફાવત નથી. ઊલટું, નાસ્તિકો તો અંતરથી સાચા છે; પરંતુ જે માણસ પોતે ધર્મમાં માને છે એમ કહેવા છતાં તેનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતો નથી, એ અંતરથી સાચો નથી.
ત્યાર પછીનો પ્રશ્ન છેઃ સાક્ષાત્કાર પછી શું થાય? ધારો કે આપણે આ વિશ્વની એકતાનો સાક્ષાત્કાર કર્યો, આપણે જાણ્યું કે આપણે એ એક અનંત અસ્તિત્વ છીએ, આ આત્મા જ એકમાત્ર અસ્તિત્વ છે, આ બધાં વિવિધ દૃશ્ય રૂપોમાં પ્રગટ થાય છે તે એક જ આત્મા છે, તો તે પછી આપણું થાય શું? શું આપણે નિષ્ક્રિય થઈને, એક ખૂણામાં પેસીને ત્યાં બેઠાબેઠા મરી જવું? જગતનું એ શું ભલું કરશે?’ વળી પેલો પુરાણો પ્રશ્ન! પ્રથમ તો જગતનું ભલું એણે શા માટે કરવું? એમ કરવાનું કશું કારણ ખરું? ‘જગતનું એ શું ભલું કરશે?’ એવો પ્રશ્ન પૂછવાનો કોઈને પણ અધિકાર શો છે? એનો અર્થ શો છે? એક બાળકને પિપરમીન્ટ ભાવે છે. ધારો કે તમે વીજળીના વિષયમાં કંઈક શોધખોળ ચલાવી રહ્યા છો અને પેલું બાળક તમને પૂછે છેઃ ‘એનાથી પિપરમીન્ટ ખરીદાશે?’ તમે કહો છોઃ ‘ના.’ બાળક કહે છેઃ ‘ત્યારે આનો ફાયદો શો?’ એ જ પ્રમાણે માણસો ઊભા થઈને પૂછેઃ ‘સાક્ષાત્કાર જગતનું શું ભલું કરશે? એ અમને પૈસા આપશે?’ ‘ના.’ ‘ત્યારે એમાં શો ફાયદો?’ લોકો જગતમાં ભલું કરવાનો અર્થ આવો કરે છે.
છતાં, ધર્મનો સાક્ષાત્કાર જગતનું બધી રીતે ભલું કરે છે. લોકોને ડર લાગે છે કે જ્યારે તેમને સાક્ષાત્કાર થશે, જ્યારે તેઓને અનુભવ થશે કે જે કાંઈ છે તે માત્ર એક જ છે, ત્યારે પ્રેમનું ઝરણું સુકાઈ જશે, જીવનમાંથી દરેક વસ્તુ ચાલી જશે, તથા આ જીવનમાં તેમજ આવતા જીવનમાંની જે બધી વસ્તુઓને તેઓ ચાહે છે તે સઘળી જાણે કે તેમની પાસેથી અદૃશ્ય થઈ જશે. લોકો એટલો વિચાર કરતા નથી કે જેઓએ પોતાના વ્યક્તિત્વનો ઓછામાં ઓછો ખ્યાલ રાખ્યો છે, તેઓ જગતની મહાનમાં મહાન કલ્યાણકારી વિભૂતિઓ બન્યા છે. માણસ માત્ર ત્યારે જ સાચો પ્રેમ કરી શકે જ્યારે તેને માલૂમ પડે છે તેના પ્રેમનું પાત્ર કોઈ અધમ, ક્ષુદ્ર, મરણાધીન વસ્તુ નથી. માણસ ત્યારે જ માત્ર સાચો પ્રેમ કરી શકે કે જ્યારે તેને જણાય કે તેના પ્રેમનું પાત્ર એક માટીનું ઢેફું નથી, પણ ઈશ્વર પોતે જ છે. પત્નીને જ્યારે જણાય કે ઈશ્વર પોતે જ પતિરૂપે છે ત્યારે તે પતિને વધુ ચાહશે. પતિને જ્યારે જણાશે કે ઈશ્વર પોતે જ પત્નીરૂપે છે ત્યારે તે પત્નીને વધુ ચાહશે. જ્યારે માતા એમ માનશે કે સ્વયં ઈશ્વર જ પોતાનાં બાળકો રૂપે છે ત્યારે તે તેમને વધુ ચાહશે. જે માણસ એમ ધારશે કે ઈશ્વર પોતે જ પોતાના કટ્ટર શત્રુરૂપે છે ત્યારે તે તેને પણ ચાહશે. જે માણસ જાણે છે કે ઈશ્વર જ સંત પુરુષરૂપે છે તે સંત પુરુષને ચાહશે અને તે જ માણસ પોતે અપવિત્રમાં અપવિત્ર માણસને પણ ચાહશે, કારણ કે તે જાણે છે કે પેલા અપવિત્ર માણસની પાર્શ્વભૂમિકા પણ તે જ ઈશ્વર છે. ત્યારે માણસની ક્ષુદ્ર અહંબુદ્ધિ નીકળી જઈને તેની જગ્યાએ ઈશ્વર બિરાજે છે. તે માણસ જગતને હચમચાવી નાખનારો થશે. તેને માટે આખા વિશ્વનું સ્વરૂપ બદલાઈ જશે. જે જે કંઈ દુઃખદાયક અને દુઃખમય છે તે બધું અદૃશ્ય થઈ જશે; બધા સંઘર્ષનો અંત આવશે. ત્યારે આ વિશ્વ કે જ્યાં આપણે રોજ રોજ રોટલાના એક ટુકડા સારું ગદ્ધાવૈતરું, ઝઘડા અને હરીફાઈ કરીએ છીએ તે એક કેદખાનાને બદલે રમતનું મેદાન બની જશે, ત્યારે આ વિશ્વ રમણીય બનશે! માત્ર આવા માણસને જ પોકારી ઊઠવાનો હક છે કે ‘આ વિશ્વ કેવું સુંદર છે!’ કેવળ તેને જ આ વિશ્વ સારું છે એમ કહેવાનો હક છે.
આવા સાક્ષાત્કારમાંથી નીપજતું જગતનું કલ્યાણ એ થશે કે જગત ઘર્ષણમય અને મારામારી કરતું ચાલે છે તેને બદલે, જો માનવજાત આજે મહાન સત્યનો લેશમાત્ર સાક્ષાત્કાર કરે, તો આખા જગતનું દૃશ્ય પલટાઈ જાય, તથા લડાઈ અને ઝઘડાની જગાએ શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય. આ ગંદી અને પાશવી દોડાદોડ, બીજા બધા કરતાં આગળ નીકળી જવાની આ હરીફાઈ જગતમાંથી અદૃશ્ય થઈ જાય. તેની સાથે સઘળા સંઘર્ષોનો, સમગ્ર ધિક્કારનો, સર્વ ઈર્ષ્યાનો, તમામ અનિષ્ટનો સદાને માટે અંત આવે. ત્યારે આ પૃથ્વી ઉપર દેવતાઓ નિવાસ કરે, ત્યારે આ પૃથ્વી પોતે જ સ્વર્ગ બની જાય અને જ્યારે દેવો સાથે દેવો ક્રીડા કરતા હોય, જ્યારે દેવોની સાથે દેવો કાર્ય કરતા હોય, જ્યારે દેવો દેવોને ચાહતા હોય ત્યારે આ જ પૃથ્વી સ્વર્ગ બની જાય એમાં શી નવાઈ? દિવ્ય સાક્ષાત્કારનો મોટો લાભ આ છે. ત્યારે સમાજમાં તમે આજે જે કાંઈ જુઓ છો તે પલટાઈ જાય અને નવું સ્વરૂપ ધારણ કરે. પછી માણસને તમે પાપી નહિ ધારી શકો; સૌથી પહેલો અને મોટો લાભ એ છે. પછી જો દુર્બળ પુરુષ કે સ્ત્રીએ કાંઈ ભૂલ કરી હશે, તો તેના તરફ તમે તિરસ્કારની નજરે નહિ જુઓ. પછી સન્નારીઓ! જે બિચારી સ્ત્રી અનીતિને માર્ગે જતી હશે તેના તરફ તિરસ્કારની નજરે તમે નહિ જુઓ, કારણ કે તમે ત્યાં પણ ઈશ્વરને જ જોશો. પછી તમને ઈર્ષ્યાનો કે શિક્ષાનો ખ્યાલ જ નહિ આવે. એ બધા વિચારો અદૃશ્ય થઈ જશે; અને પ્રેમ, પ્રેમનો મહાન આદર્શ, એટલો બધો પ્રબળ બનશે કે માનવજાતને સીધે રસ્તે દોરવાને માટે ચાબુક કે દોરડાની આવશ્યકતા નહિ રહે.
આ દુનિયામાં વસતાં નરનારીઓનો એક લાખમો ભાગ પણ માત્ર શાંતિથી બેસીને થોડીક મિનિટ માટે પણ એટલું બોલે કે ‘ઓ મનુષ્યો, પશુઓ અને જીવતાં પ્રાણીઓ! તમે સહુ એક જીવંત ઈશ્વરનાં જ સ્વરૂપો છો!; તો અર્ધા કલાકમાં આખું જગત પલટાઈ જાય. ખૂણે ખૂણે ધિક્કારના જબરજસ્ત બોમ્બગોળા ફેંકવાને બદલે, ઈર્ષ્યા અને દુષ્ટ વિચારનાં પૂર વહેવડાવવાને બદલે, દેશદેશમાં લોકો વિચારતા થાય કે જે કંઈ છે તે બધું ઈશ્વર છે, તમે જે કંઈ જુઓ છો અને અનુભવો છો તે બધું ઈશ્વર છે. જ્યાં સુધી તમારા પોતામાં પાપ ભર્યું છે ત્યાં સુધી તમને બહાર પાપ જોવાનો શો હક છે? જો ચોર તમારા અંતરમાં જ ભરાઈને બેઠો ન હોય તો તમે બહાર ચોરને કેવી રીતે જોઈ શકો? તમે પોતે જ્યાં સુધી ખૂની ન હો ત્યાં સુધી તમને ખૂની દેખાય કેવી રીતે? તમે પોતે સારા થાઓ, એટલે તમારે માટે અનિષ્ટ દૂર થઈ જશે; આખું વિશ્વ આ રીતે પલટાઈ જશે. સમાજને મોટામાં મોટો લાભ, માનવી શરીરરચનાને મોટો ફાયદો આ છે. પ્રાચીન ભારતમાં કેટલાક લોકોએ આ વિચારોની શોધ કરીને તેમને અમલમાં મૂક્યા હતા. ગુરુઓની સંકુચિતતા અને પરદેશીઓનાં આક્રમણ વગેરે વિવિધ કારણોસર એ વિચારોનો ફેલાવો થવા દેવામાં આવ્યો ન હતો. છતાં એ મહાન સત્યો છે; અને જ્યાં જ્યાં તેમનું આચરણ કરવામાં આવ્યું છે ત્યાં ત્યાં માનવ દિવ્ય બન્યો છે. આવા દિવ્ય માનવોમાંના એકના સ્પર્શથી મારું જીવન આખું પલટાઈ ગયું છે, તેના જીવન વિષે હું આવતે રવિવારે તમારી સમક્ષ બોલવાનો છું અને એવો પણ સમય આવી રહ્યો છે, જ્યારે આ વિચારો આખા વિશ્વમાં ફેલાવવામાં આવશે. તેમને મઠોમાં સાચવી રાખવાને બદલે, માત્ર વિદ્વાનોના અભ્યાસ સારુ તત્ત્વજ્ઞાનના ગ્રંથોમાં ગોંધી રાખવાને બદલે, કેટલાક સંપ્રદાયો અને થોડાએક વિદ્વાનોની આગવી માલિકીના બનવાને બદલે તેમને આખા જગતમાં ફેલાવવામાં આવશે કે જેથી સંતો અને પાપીઓ, સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો, વિદ્વાન અને અભણ, સૌ કોઈની તે સામાન્ય મિલકત બનશે. ત્યારે તે આખા વિશ્વના વાતાવરણમાં ઓતપ્રોત થઈ રહેશે અને જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવાનો ધબકારો બોલી ઊઠશેઃ ‘तत्त्वमसि’ ‘તે તું છો.’ ત્યારે લાખો અને કરોડો સૂર્યો અને ચંદ્રો સહિતનું સમગ્ર બ્રહ્માંડ, જ્યાં જ્યાંથી વાણી પ્રગટી શકે છે તે સર્વની દ્વારા, એકે અવાજે બોલી ઊઠશે; ‘तत्त्वमसि’ ‘તે તું છો.’ (2.253)

