(જાન્યુઆરી ૫, ૧૮૯૬)
આપણું આ વિશ્વ – તર્કગમ્ય, બુદ્ધિગમ્ય, ઇન્દ્રિયગમ્ય જગત – બંને બાજુએથી અસીમ, અગમ્ય, ચીર અજ્ઞાત (તત્ત્વ) દ્વારા સીમિત થયેલ છે. શોધ અહીં જ છે, પૃચ્છા અહીં જ છે, હકીકતો અહીં જ છે. દુનિયા જેને ધર્મ તરીકે ઓળખે છે, તેનો પ્રકાશ આમાંથી જ આવે છે. જો કે તત્ત્વતઃ ધર્મ ઇન્દ્રિયાતીત ક્ષેત્રની વસ્તુ છે, ઇન્દ્રિયગમ્ય ક્ષેત્રની નહીં. એ તત્ત્વ બધા તર્કોથી પર છે અને બુદ્ધિક્ષેત્રથી પણ પર છે તે એક દર્શન છે, એક પ્રેરણા છે, અજ્ઞાત અને અગમ્યમાં તે એક ભૂસકો છે. અગમ્યને જ્ઞાત કરતાંય વધુ જ્ઞાત તે બનાવે છે, કારણ કે તે કદી પણ ‘જ્ઞાત’ થઈ શકતું નથી. હું માનું છું કે માનવસમાજના પ્રારંભથી જ મનુષ્યના મનમાં આ જિજ્ઞાસા રહેલી છે. જગતના ઇતિહાસના કોઈ પણ કાળમાં માનવતર્ક અને માનવબુદ્ધિ, આ સંગ્રામ વિના, આ જિજ્ઞાસા વિના, સંભવી શકે જ નહીં. આપણા આ નાના બ્રહ્માંડમાં, આ માનવમનમાં આપણે એક વિચારનો ઉદ્ગમ થતો જોઈએ છીએ. તે ક્યાંથી ઉદ્ભવે છે તે આપણે જાણતા નથી; તેમ જ ક્યારે તે અદૃશ્ય બને છે, તે ક્યાં જાય છે, તે પણ આપણે જાણતા નથી. અખિલ બ્રહ્માંડ અને ક્ષુદ્ર જગત, જાણે કે એક જ ઢાંચામાં સમાન ભૂમિકાઓમાંથી પસાર થાય છે, અને સમાન સૂરનાં સ્પંદનો જગાડે છે.
ધર્મ બહારથી નહીં પરંતુ અંદરથી આવે છે, એ હિન્દુઓનો સિદ્ધાંત તમને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. મારી એ માન્યતા છે કે ધાર્મિક વિચારો માનવીના બંધારણમાં જ રહેલા છે. તે એટલે કે જ્યાં સુધી તે પોતાનાં મન અને શરીરનો, પોતાના વિચારો અને જીવનનો ત્યાગ ન કરી શકે, ત્યાં સુધી ધર્મનો ત્યાગ કરવાનું તેને માટે અસંભવિત છે. મનુષ્ય વિચાર કરી શકશે ત્યાં સુધી આ સંગ્રામ ચાલ્યા જ કરવાનો, અને ત્યાં સુધી માનવી પાસે ધર્મનું કોઈ પણ એક સ્વરૂપ હોવું જ જોઈએ. આમ આપણે દુનિયામાં વિવિધ પ્રકારના ધર્મો જોઈએ છીએ. એ ભારે ગહન અભ્યાસ છે તેની ના નહીં; પરંતુ ઘણા માને છે તેમ કોઈ વ્યર્થ કલ્પના નથી. આ અસામંજસ્ય (Chaos)માં પણ સામંજસ્ય છે, ભારે અવ્યવસ્થામાં પણ એક સંવાદીપણું છે, આ બેસૂરા અવાજોમાં પણ કંઈક સૂરીલાપણું રહેલ છે; અને જે તે સાંભળવામાં તૈયાર હશે, તે તો એ સૂરને પકડી જ લેશે.
આજના યુગમાં બધા પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન આ છેઃ ધારો કે જ્ઞાત અને જ્ઞેય, બંને બાજુએથી અજ્ઞેય અને અનંત અજ્ઞાત વડે સીમિત છે, તો પછી આ અનંત અજ્ઞાતનો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી શા માટે? શા માટે જ્ઞાતથી જ આપણને સંતોષ થતો નથી? શા માટે ખાવાથી, પીવાથી અને થોડુંક લોકકલ્યાણ કરવાથી આપણે સંતોષ માની ન લેવો? આ ભાવ વાતાવરણમાં પ્રસરેલો છે. મહાનુભાવ વિદ્વાનોથી માંડીને તોતડાતા બાળકને મુખેથીયે આપણને સાંભળવા મળે છે કે જગતનું કલ્યાણ કરવું એમાં બધો ધર્મ સમાઈ જાય છે, અને અવ્યક્તના પ્રશ્નો વિષે આપણી જાતને તકલીફ આપવી તે નકામું છે. આ ભાવ એટલો બધો પ્રબળ થઈ ગયો છે કે જાણે કે એ સ્વતઃસિદ્ધ સત્ય બની ગયો છે.
પરંતુ સદ્ભાગ્યે આપણે અજ્ઞાત વિષેની પૃચ્છા કરવી જ પડશે. આ વિદ્યમાન, આ વ્યક્ત જગત માત્ર તે અવ્યક્તનો જ એક ભાગ છે. આ ઇન્દ્રિયગમ્ય જગત, જાણે કે, પેલા અનંત આધ્યાત્મિક જગતના માત્ર એક ભાગરૂપ છે, જે ઇન્દ્રિયગમ્ય ક્ષેત્રમાં ભાસે છે. જે અવ્યક્ત છે, તેને જાણ્યા સિવાય આ અલ્પ, પ્રક્ષિપ્ત જગતને કેવી રીતે સમજાવી શકાય, કે સમજી શકાય? સોક્રેટીસ વિષે કહેવાય છે કે એક દિવસે તે એથેન્સમાં વ્યાખ્યાન આપતો હતો ત્યારે ગ્રીસ દેશમાં પ્રવાસ કરતો એક બ્રાહ્મણ તેને મળ્યો. સોક્રેટીસે તે બ્રાહ્મણને કહ્યુંઃ માનવજાતને માટે સર્વોચ્ચ અભ્યાસનો વિષય મનુષ્ય પોતે જ છે. બ્રાહ્મણે તુરત કટાક્ષપૂર્વક પ્રત્યુત્તર આપ્યોઃ ‘ઈશ્વરને ન જાણો ત્યાં સુધી તમે માણસને કેવી રીતે જાણી શકો?’ આ ઈશ્વર, આ સદૈવ અજ્ઞેય અથવા નિરપેક્ષ અથવા અનંત અથવા નામાતીત તત્ત્વ – તમને ફાવે તે નામ તેને આપો એ જ આ વિદ્યમાન જીવનનો, જે કંઈ જ્ઞાત અને જ્ઞેય છે તેનો, એક માત્ર તર્કશુદ્ધ ખુલાસો છે, એક માત્ર તર્કશુદ્ધ ઉત્પત્તિ છે. તમારી સમક્ષ પડેલી કોઈ પણ સ્થૂળમાં સ્થૂળ વસ્તુ લો – ભૌતિક વિજ્ઞાનનાં શાસ્ત્રોમાંથી કોઈ પણ એક સ્થૂળમાં સ્થૂળ શાસ્ત્ર લો; જેમ કે – રસાયણશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જીવશાસ્ત્ર, અને તેનો અભ્યાસ કરો. આ અભ્યાસ આગળ ને આગળ કરતા જાઓ; એમ કરતાં આ સ્થૂળરૂપો લય પામતાં પામતાં ક્રમશઃ વધુ ને વધુ સૂક્ષ્મ બનતાં જશે, અને અંતે તમે એક એવી સ્થિતિએ પહોંચશો કે આ સ્થૂળ જડ વસ્તુઓ ઉપરથી સૂક્ષ્મ – ચૈતન્યમાં તમારે એક વિશાળ ફાળ ભરવી પડશે. જ્ઞાનના દરેક વિભાગમાં, અંતે સ્થૂળ સૂક્ષ્મમાં અને વિજ્ઞાન દર્શનશાસ્ત્રમાં લય પામે છે.
આ રીતે અવ્યક્તનો અભ્યાસ, અવ્યક્તની અનુભૂતિ માટે માણસને ખેંચાઈ જવું પડે છે. જો આપણે આ અવ્યક્તને જાણી નહીં શકીએ તો જિંદગી ઉજ્જડ બની જશે, માનવજીવન વ્યર્થ બનશે. વિદ્યમાન દૃશ્ય વસ્તુઓથી જ સંતોષ માનો, એમ કહેવું તો ઘણું સહેલું છે. ગાયો અને કૂતરાં અને બધાં પશુઓ આમ જ સંતોષ માને છે, અને તેથી જ તેઓ પશુઓ કહેવાય છે. અર્થાત્ જો મનુષ્ય વ્યક્તથી જ સંતુષ્ટ રહે અને અવ્યક્ત વિષેની સર્વ જિજ્ઞાસા છોડી દે તો માનવજાતને ફરી વાર પશુ કક્ષાએ ઊતરી જવું પડે. અવ્યક્તનું સંશોધન એટલે કે ધર્મ જ એક એવો છે કે, જે માણસ અને પશુને એકબીજાંથી જુદાં પાડે છે. મનુષ્ય જ માત્ર એક એવું પ્રાણી છે કે જે સ્વાભાવિક રીતે જ ઊંચું જુએ છે; બાકી પ્રત્યેક પ્રાણી કુદરતી રીતે જ નીચી દૃષ્ટિથી જુએ છે. આ કથનમાં ઘણું સત્ય છે. એ ઊર્ધ્વદર્શન અને ઊર્ધ્વગમન અને પૂર્ણત્વને પામવાના પ્રયત્નને જ મોક્ષ કહેવામાં આવે છે; અને માણસ વધુ ઊંચે જવાનું જેટલું વહેલું શરૂ કરે છે તેટલો તે મોક્ષરૂપી સત્ય તરફ વહેલો આગળ વધે છે. મુક્તિ કાંઈ તમારા ખીસામાં પડેલ નાણાંની રકમમાં કે તમે જે પોશાક પહેરો છો તેમાં, અગર તમે જે ઘરમાં રહો છો તેમાં નથી, પરંતુ તમારા મગજમાં રહેલ આધ્યાત્મિક ભાવનાની મહત્તામાં છે. આ ભાવના જ માનવજાતને ઉન્નત બનાવે છે. બધી ભૌતિક અને બૌદ્ધિક ઉન્નતિનું એ જ મૂળ છે, બધાની પાછળ રહેલું પ્રેરક બળ એ જ છે, માનવજાતને આગળ ધકેલનાર ઉત્સાહ – બળ એ છે.
ધર્મ રોટલા ઉપર નભતો નથી કે કોઈ ઘરમાં તે વસતો નથી. વારંવાર તમે આ વાંધાઓ આગળ ધરાતા સાંભળશોઃ ‘ધર્મ શું કલ્યાણ કરી શકે? એ કંઈ ગરીબની ગરીબાઈને નિવારી શકશે?’ ધારો કે તે તેમ નથી કરી શકતો; તેથી શું ધર્મ મિથ્યા છે, એમ સાબિત થશે? તમે જ્યારે એક ખગોળ વિષયક સિદ્ધાંતનો પ્રયોગ કરી બતાવતા હો, ત્યારે ધારો કે એક બાળક વચ્ચે ઊભું થઈને પૂછેઃ કે ‘આનાથી કાંઈ મીઠાઈ આવશે?’ તુરત તમે જવાબ આપશોઃ કે ‘ના, એનાથી મીઠાઈ નથી મળતી.’ બાળક કહે છેઃ કે ‘તો પછી તે કંઈ કામનું નથી, વ્યર્થ છે.’ બાળકો, મીઠાઈ મળી શકશે કે કેમ? – ના જેવા પોતાના જ દૃષ્ટિબિંદુથી આખા વિશ્વનો ન્યાય કરે છે. અને દુનિયાનાં બધાં મોટાં બાળકો પણ એમ જ કરે છે. નીચલા દૃષ્ટિબિન્દુથી વધુ ઉચ્ચ વસ્તુઓ વિષે આપણે મત બાંધવો જોઈએ નહીં. દરેક વસ્તુને તેના પોતાના જ ધોરણથી માપવી જોઈએ, અનંતનો વિચાર પણ અનંતના ધોરણથી જ કરવો જોઈએ. ધર્મ માનવીના સમસ્ત જીવનને – માત્ર વર્તમાનના નહીં પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્યના જીવનને પણ – વ્યાપીને રહે છે. માટે જ તે અનંત આત્મા અને અનંત પરમાત્મા વચ્ચેની અનંત કડીરૂપ બની રહે છે. પાંચ મિનિટના માત્ર ક્ષણિક માનવજીવન ઉપર તેની અસર જોઈને તેની કિંમત કરવી કે મૂલ્ય આંકવું એમાં તે કોઈ બુદ્ધિપૂર્વકનો વિચાર છે? ચોક્કસ નથી. આ બધી નિષેધક દલીલો છે.
હવે પ્રશ્ન થાય છે કે ધર્મ ખરેખર કોઈ વસ્તુ સિદ્ધ કરી શકે છે? હા, તે ચોક્કસ કરી શકે. માનવીને તે અનંત જીવન આપે છે. આજે માણસ જે કંઈ છે, તેવો તેને તેણે (ધર્મે) જ બનાવ્યો છે, અને આ માનવપશુને તે એક દેવ પણ બનાવશે. ધર્મ જે કાંઈ સાધી શકે તે આ છે. માનવ સમાજમાંથી ધર્મને લઈ લો તો પાછળ શું રહેશે? પશુઓનાં વિશાળ ટોળાં સિવાય બીજું કશું જ નહીં. ઇન્દ્રિયસુખ માનવજીવનનું લક્ષ્ય નથી; જ્ઞાન જીવમાત્રનું લક્ષ્ય છે. આપણે જોઈએ છીએ કે પશુ ઇન્દ્રિયસુખમાં કેટલો આનંદ અનુભવે છે તે કરતાં વધુ આનંદ માણસ પોતાની બુદ્ધિથી અનુભવે છે; અને આપણે એ પણ જોઈએ છીએ કે માણસ તેની બૌદ્ધિક પ્રકૃતિ કરતાં પણ તેની આધ્યાત્મિક પ્રકૃતિમાંથી વધુ આનંદ મેળવે છે. અર્થાત્ આ આધ્યાત્મિક સાક્ષાત્કાર જ સર્વોચ્ચ જ્ઞાન હોવું જોઈએ. આ અનુભૂતિ સાથે પરમાનંદની પ્રાપ્તિ થશે. સંસારની સઘળી વસ્તુઓ છાયામાત્ર જ છે; સત્ય, જ્ઞાન અને આનંદની ત્રીજી કે ચોથી કક્ષાની એ બધી માત્ર અભિવ્યક્તિઓ છે.
એક વધુ પ્રશ્નઃ આપણું પરમ ધ્યેય શું છે? આજકાલ ભારપૂર્વક કહેવામાં આવે છે કે માણસ અનંત પ્રગતિ સાધી રહ્યો છે, આગળ અને આગળ જઈ રહ્યો છે, અને પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું તેનું કોઈ ધ્યેય જ નથી. સદૈવ સમીપ દેખાતું, કદી હાથમાં ન આવતું, તેનો જે કંઈ અર્થ થતો હોય અને તે ગમે તેટલું અદ્ભુત હોય, તો પણ તે ધ્યેય, પ્રથમ નજરે તો તદ્દન મૂર્ખતાપૂર્ણ ભાસે છે. સીધી લીટીમાં કોઈ પણ ગતિ હોય છે? સીધી લીટીને અનંત સુધી લંબાવો તો તે એક વર્તુળ બની જાય છે, અને પ્રારંભબિન્દુએ પાછી ફરે છે. જ્યાંથી તમે શરૂ કર્યું ત્યાં જ તમારે પૂરું કરવું પડે છે; અને જેમ ભગવાનમાંથી તમે પ્રયાણ શરૂ કર્યું, તેમ તેનામાં જ તમારે લય પામવાનું છે. બાકી શું રહે? પૂરક કર્મો. તેને પ્રાપ્ત કરવા માટે અનંત કાળપર્યંત તેનાં સહાયક કાર્યો કરવાનું રહે છે.
હજુ એક બીજો પ્રશ્નઃ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, તેમ તેમ શું ધર્મનાં નવાં સત્યોને શોધવાનાં છે? હા, અને ના. સૌથી પ્રથમ, ધર્મ વિષે આપણે કંઈ પણ નવું જ્ઞાન મેળવી શકીએ નહીં; આપણને એ બધું જ્ઞાન થયેલું જ છે. દુનિયાના તમામ ધર્મોમાં તમે ભારપૂર્વક કહેવાયેલું જોશો કે આપણા અંતરમાં એક એકત્વ રહેલ છે. ઈશ્વરત્વ સાથેના આપણા એકત્વના અર્થમાં કંઈક વધુ પ્રગતિ કરી શકાય નહીં. જ્ઞાનનો અર્થ આ એકત્વને પામવાનો છે. હું તમને પુરુષો અને સ્ત્રીઓ તરીકે પૃથક્ પૃથક્ જોઉં છું. આ વૈવિધ્ય છે. જ્યારે હું તમને સૌને એકત્ર કરીને એક સમૂહમાં માનવ વ્યક્તિઓ તરીકે સંબોધું ત્યારે તે વૈજ્ઞાનિક જ્ઞાન બને છે. દાખલા તરીકે રસાયણશાસ્ત્ર લો. રસાયણશાસ્ત્રીઓ બધા જ્ઞાત પદાર્થોને તેની મૂળ ધાતુઓનું રૂપ આપવા, અને શક્ય હોય તો જે એક તત્ત્વમાંથી આ બધીયે ધાતુઓ ઉત્પન્ન થઈ છે તે શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. બનવાજોગ છે કે તેઓ બધી ધાતુઓનું મૂળભૂત એવું એક તત્ત્વ શોધી કાઢે. ત્યાં સુધી પહોંચ્યા પછી તેઓ વધુ આગળ જઈ શકશે નહીં; ત્યારે રસાયણશાસ્ત્ર પૂર્ણત્વને પામ્યું હશે. એવું અધ્યાત્મવિજ્ઞાન વિષે છે. જો આપણે આ પૂર્ણ એકત્વની શોધ કરી શકીએ તો વધુ આગળ જવાપણું રહી શકતું નથી.
તે પછીનો પ્રશ્ન છેઃ આવા એકત્વની શોધ – અનુભૂતિ થઈ શકે ખરી? ભારતમાં અત્યંત પ્રાચીન કાળથી જ ધર્મ અને દર્શનના વિજ્ઞાનને પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે; કેમ કે પાશ્ચાત્ય દેશોમાં જેમ આ બંનેને પૃથક્ રીતે જોવામાં આવે છે, તેમ હિન્દુઓ આ બંનેમાં આ પ્રકારનો ભેદ જોતા નથી. અમે ધર્મ અને દર્શનને એક જ વસ્તુનાં બે પાસાં ગણીએ છીએ કે જે તર્ક અને વૈજ્ઞાનિક સત્યમાં સમભાવે પ્રતિષ્ઠિત હોય.
ભારતમાં અથવા વાસ્તવિક રીતે સમગ્ર જગતમાં સાંખ્યદર્શન એ પ્રાચીનમાં પ્રાચીન છે. તેના મહાન દ્રષ્ટા કપિલ બધાં હિન્દુ મનોવિજ્ઞાનોના જનક છે; તેમણે જે પ્રાચીન રચના શીખવી તે આજે પણ સમગ્ર ભારતમાં સ્વીકારાયેલાં તત્ત્વજ્ઞાનોનો પાયો છે. આ તત્ત્વજ્ઞાનોને ‘દર્શન’ કહેવામાં આવે છે. બીજી બાબતોમાં તેઓ ગમે તેટલા મતભેદ ધરાવતા હોય, છતાં બધાં સાંખ્યોના મનોવિજ્ઞાનને તો સ્વીકારે જ છે.
સાંખ્યના સ્વાભાવિક પરિણામ સ્વરૂપ વેદાંત, તેના સિદ્ધાંતોને હજુ વધુ આગળ લઈ જાય છે. કપિલે ઉપદેશેલ સૃષ્ટિવિજ્ઞાન સાથે વેદાંતનું સૃષ્ટિવિજ્ઞાન મેળ ખાય છે, તો પણ દ્વૈતમાં તેની ઈતિશ્રી થાય તેટલાથી વેદાંત સંતોષ પામતું નથી; એ તો પરમ એકત્વ એટલે અદ્વૈત, કે જે વિજ્ઞાન અને ધર્મ, બંનેનું એક સમાન ધ્યેય છે, તેની શોધ ચાલુ જ રાખે છે. (2.180)

