(જાન્યુઆરી ૧૭, ૧૮૯૬)
માનવ આત્માના અમૃતત્વ સિવાય બીજો કયો પ્રશ્ન વધારે વખત પુછાયો છે? ઉત્તર માટે મનુષ્યોને વિશ્વની શોધમાં અનેક વખત દોરી જનારો એવો બીજો કયો વિચાર છે? કયો પ્રશ્ન માનવ હૃદયને વધુ પ્રિય અને વધુ નજીક છે? આપણા અસ્તિત્વની સાથે વધુ અવિચ્છેદ્ય રીતે સંકળાયેલો કયો પ્રશ્ન છે? એ પ્રશ્ન કવિઓ તેમજ ઋષિઓ માટે, પુરોહિતો તેમજ પયગંબરો માટે વિચારનો વિષય બન્યો છે. સિંહાસનારૂઢ સમ્રાટોએ તેની ચર્ચા કરી છે, રસ્તા પરના ભિખારીઓએ તેનાં સ્વપ્નાં સેવ્યાં છે, માનવ સમાજમાંના સારામાં સારા તત્ત્વચિંતકોએ તેને હલ કર્યો છે અને ખરાબમાં ખરાબ માણસોએ પણ તેના ઉત્તરની આશા સેવી છે. એ વિષયનો રસ હજી ખૂટ્યો નથી, તેમજ માનવ પ્રકૃતિ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી એ ખૂટવાનો નથી. વિવિધ પ્રકારનાં માનસ ધરાવતા લોકોએ તરેહતરેહના ખુલાસાઓ જગત પાસે રજૂ કર્યાં છે; ઇતિહાસના પ્રત્યેક યુગે હજારોએ એ ચર્ચાને જ છોડી દીધી છે અને છતાં પ્રશ્ન જેવો ને તેવો જ તાજો રહ્યો છે. આપણા રોજબરોજના જીવનસંગ્રામની જંજાળમાં આપણે તે ભૂલી ગયા હોઈએ એમ લાગે છે, પરંતુ અચાનક કોઈક મૃત્યુ પામે છે – કદાચ જે વ્યક્તિ આપણી અતિશય પ્રેમપાત્ર હતી, જે આપણા હૃદયનો જ જાણે કે એક ભાગ હતી, તે આપણી પાસેથી એકાએક ઝૂંટવાઈ જાય છે – ત્યારે આપણી આસપાસની દુનિયાનો સંગ્રામ, કોલાહલ અને જંજાળ, ક્ષણભરને માટે થંભી જાય છે અને જીવાત્મા પાછો પેલો પુરાણો પ્રશ્ન ઉઠાવે છેઃ ‘આની પછી શું?’ ‘આ પછી જીવનું શું થાય છે?’
માનવીનું સઘળું જ્ઞાન અનુભવમાંથી આવે છે; અનુભવ સિવાય આપણે કોઈ બાબત જાણી શકીએ નહિ. આપણાં સઘળાં અનુમાનો કે વાદો અનેક અનુભવો પરથી તારવેલાં પરિણામો હોય છે; આપણું સઘળું જ્ઞાન અનેક અનુભવોનો સમન્વય માત્ર હોય છે. આપણી આસપાસ નજર કરતાં આપણે શું જોઈએ છીએ? નિરંતર પરિવર્તન ચાલી રહેલું દેખાય છે. બીજમાંથી અંકુર બહાર આવે છે, ઊગે છે, વધીને વૃક્ષ થાય છે, એક વર્તુળ પૂરું કરે છે અને પાછું બીજમાં સમાઈ જાય છે. પશુ પેદા થાય છે, અમુક કાળ સુધી જીવે છે, મરી જાય છે અને વર્તુળ પૂરું કરે છે. માણસનું પણ તેવું જ છે. પર્વતો ધીમે ધીમે પણ ચોક્કસ રીતે ભાંગતા જાય છે, નદીઓ ધીમે ધીમે પણ ચોક્કસ રીતે સુકાતી જાય છે, સમુદ્રમાંથી વાદળાં બંધાઈને વરસાદરૂપે વરસી પાછાં સમુદ્રમાં પહોંચી જાય છે. સર્વત્ર વર્તુળો પૂરાં થતાં હોય છે; ઉત્પત્તિ, વૃદ્ધિ, વિકાસ અને ક્ષય જાણે કે ગણિતની ચોકસાઈથી એકની પાછળ એક એમ આવ્યા કરે છે. આ આપણો રોજનો અનુભવ છે. એ બધાંની અંદર, જેને આપણે જીવન કહીએ છીએ તે આ બધાંના સમૂહની પાછળ, લાખો રૂપો અને આકારોના અસંખ્ય સમુદાયની પાછળ, ક્ષુદ્રમાં ક્ષુદ્ર અણુથી માંડીને સર્વોચ્ચ આધ્યાત્મિક માનવ સુધીની કરોડો વિવિધતાઓની પાછળ એક પ્રકારની એકતા રહેલી આપણે જોઈએ છીએ. રોજરોજ આપણે જોઈએ છીએ કે આપણે ધારતા હતા તેમ એક વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડનારી દીવાલ તૂટતી જાય છે અને સમગ્ર જડદ્રવ્ય વિવિધ રીતે અને વિવિધરૂપે અભિવ્યક્ત થતો એક પદાર્થ છે એમ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારાતું આવે છે અને એક અખંડ સાંકળની પેઠે એકબીજામાં સંકળાયેલું, એ એક જ જીવન છે; આ બધાં વિધવિધ રૂપો તો એક પછી એક લગભગ અનંત રીતે લંબાયે જતી સાંકળની કડીઓ જેવાં છે; પણ એ કડીઓ એક જ અખંડ સાંકળની છે. આ પ્રક્રિયાને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે.
આ ખ્યાલ આમ તો પ્રાચીન, ઘણો જ પ્રાચીન, માનવ સમાજના જેટલો જ પ્રાચીન છે; માત્ર જેમ જેમ માનવીના જ્ઞાનની પ્રગતિ થતી જાય છે તેમ તેમ તે વધુ ને વધુ તાજો થતો જાય છે. પ્રાચીન કાળના લોકોએ પારખી કાઢેલી એક બીજી વસ્તુ પણ છે કે જે આધુનિક કાળમાં જેટલી જોઈએ તેટલી સ્પષ્ટ રીતે નથી પરખાઈ. એ છે અપક્રાંતિ. બીજ છોડ થાય છે; રેતીનો દાણો કદી છોડ થતો નથી. પિતા બાળક બને છે; માટીનો પિંડો કદી બાળક બનતો નથી. સવાલ એ છે કે આ ઉત્ક્રાંતિ આવે છે ક્યાંથી? બીજ શું હતું? બીજ વૃક્ષ જ હતું. ભાવિ વૃક્ષની બધી શક્યતાઓ બીજમાં રહેલી છે, તેમ ભાવિ માનવની બધી શક્યતાઓ નાના શિશુમાં રહેલી છે; કોઈપણ ભાવિ જીવનની શક્યતાઓ જીવાણુમાં રહેલી છે. આનો અર્થ શો? ભારતના પ્રાચીન દાર્શનિકોએ તેને અપક્રાંતિ નામ આપ્યું હતું. આમ આપણે જોઈએ છીએ કે દરેક ઉત્ક્રાંતિની પૂર્વે અપક્રાંતિ ધારી લેવાની હોય છે. અગાઉથી જ જે (સમાયેલું) ન હોય તે ઉત્ક્રાંત થઈને બહાર ન જ આવી શકે.
અહીં આધુનિક વિજ્ઞાન વળી આપણી મદદે આવે છે. તમે જાણો છો કે ગણિતશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે વિશ્વમાં દેખાતી શક્તિનો કુલ સરવાળો કાયમ એક સરખો જ રહે છે. તમે તેમાંથી એક અણુ જેટલું દ્રવ્ય અગર એક ફૂટ-પાઉન્ડ જેટલી શક્તિ ઓછી નહિ કરી શકો; તેમ જ એક અણુ જેટલું દ્રવ્ય કે એક ફૂટ-પાઉન્ડ જેટલી શક્તિ વિશ્વમાં તમે ઉમેરી પણ નહિ શકો. આ હિસાબે એ ઉત્ક્રાંતિ શૂન્યમાંથી આવતી નથી. તો એ ક્યાંથી આવે છે? અગાઉની અપક્રાંતિમાંથી આવે છે. બાળક એ અપક્રાંત થયેલો માણસ છે અને માણસ ઉત્ક્રાંતિ પામેલું બાળક છે. બીજ એ અપક્રાંત થયેલું વૃક્ષ છે અને વૃક્ષ એ ઉત્ક્રાંતિ પામેલું બીજ છે. જીવનની સઘળી શક્યતાઓ જીવાણુની અંદર સમાયેલી છે. આમ ક્રમશઃ પ્રશ્ન વધુ સ્પષ્ટ થાય છે. ઉપરના વિચારમાં હવે જીવનની અખંડિતતાનો અગાઉનો વિચાર ઉમેરો. ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવકોષથી માંડીને પૂર્ણમાં પૂર્ણ માનવ સુધી વાસ્તવિક રીતે માત્ર એક જ જીવન છે. જેમ એક જ જીવનમાં અભિવ્યક્તિનાં જુદાં જુદાં પાસાં હોય છે; જેવાં કે જીવાણુ વિકસીને શિશુ થાય, પછી બાળક થાય, પછી યુવક, પછી વૃદ્ધ બને, તેમ જીવાણુથી માંડીને પૂર્ણમાં પૂર્ણ માનવ સુધી એક અખંડ જીવનરૂપી સાંકળ ચાલી આવે છે. આ છે ઉત્ક્રાંતિ.
પરંતુ આપણે જોયું છે કે દરેક ઉત્ક્રાંતિની પાછળ અપક્રાંતિ રહેલી જ હોય છે. આ સમગ્ર જીવન કે જે ધીમે ધીમે પોતાને પ્રગટ કરે છે – જીવાણુથી માંડીને સંપૂર્ણ માનવ પ્રાણી સુધી, પૃથ્વી પરના ઈશ્વરના અવતાર સુધી જે ઉત્ક્રાંતિ પામતું જાય છે – આ આખી હારમાળા કેવળ એક અખંડ જીવન છે અને આ આખી અભિવ્યક્તિ પેલા જીવાણુમાં જ સમાયેલી હોય છે. આ સમગ્ર જીવન, પૃથ્વી પરનો આ સ્વયં ઈશ્વર તેમાં સમાયેલો હતો અને પોતાને ધીમે ધીમે પ્રકટ કરતો કરતો ક્રમશઃ બહાર આવ્યો. ઊંચામાં ઊંચી અભિવ્યક્તિ પેલા જીવાણુની અવસ્થામાં, સૂક્ષ્મ રૂપમાં રહેલી હશે; તેથી આ આખું બળ, આ આખી સાંકળ, સર્વત્ર પથરાયેલી પેલા સમષ્ટિ જીવનની અપક્રાંતિ છે. આ એક આખો બુદ્ધિનો સમુદાય, જીવાણુથી માંડીને પૂર્ણમાં પૂર્ણ માનવ સુધી ધીમે ધીમે પોતાને ઉત્ક્રાંત કરી રહ્યો છે. એવું નથી કે એ વધે છે; તમારા મનમાંથી વધવાના તમામ વિચારો કાઢી નાખો. વધવાના ખ્યાલમાં તો કંઈક જાણે બહારથી આવતું હોય, કંઈક ઉમેરાયું હોય એવી ભાવના સંકળાયેલી છે; અને તે ખ્યાલ તો પ્રત્યેક જીવનની અંદર અપ્રકટ રહેલ અનંત તત્ત્વ બહારની તમામ પરિસ્થિતિઓથી સ્વતંત્ર છે, એ સત્યનો વિરોધ કરે છે. એ કદી વધી શકે જ નહિ; એ તો સદાય ત્યાં રહેલ જ છે. માત્ર તે પોતાને અભિવ્યક્ત કરે છે એટલું જ.
કાર્ય એટલે અભિવ્યક્ત થયેલું કારણ. કાર્ય અને કારણ વચ્ચે મૌલિક ભેદ નથી. દાખલા તરીકે આ કાચનો પ્યાલો લો. કાચરૂપી ઉપાદાન દ્રવ્ય તો હતું જ. એ ઉપાદાન વત્તા બનાવનારની ઇચ્છાશક્તિ, એ બેનું પરિણમિત કાર્ય એટલે પ્યાલો. આ બે તેનાં કારણો હતાં અને તે પ્યાલામાં હાજર જ છે. ઇચ્છાશક્તિ તેમાં કયા રૂપે હાજર છે? ચોંટી રહેવાની શક્તિરૂપે. એ બળ ત્યાં ન હોત તો કાચનો દરેક કણ અલગ અલગ થઈ જાત. ત્યારે કાર્ય શું છે એ કારણ જ છે; માત્ર એ જુદો આકાર ધારણ કરે છે, જુદી બનાવટ છે. જ્યારે કારણ બદલાય છે અને અમુક કાળને માટે પરિસીમિત થાય છે, ત્યારે તે કાર્ય બને છે. આ પ્રમાણે બરાબર યાદ રાખવાનું છે. હવે આ વિચારસરણીને આપણા જીવનની સાથે લાગુ પાડીએ તો જીવાણુથી માંડીને સંપૂર્ણ માનવ સુધીની આ એક હારમાળાની આખી અભિવ્યક્તિ, સમષ્ટિ જીવનરૂપે એકની એક જ વસ્તુ હોવી જોઈએ. પ્રથમ તો અપક્રાંત થઈ અને સૂક્ષ્મ થઈ; અને કારણરૂપે રહેલ એ સૂક્ષ્મ કંઈકમાંથી, તે ઉત્ક્રાંતિ કરતી જ જાય છે, પોતાને પ્રગટ કરતી જ જાય છે અને સ્થૂળ ને સ્થૂળ થતી જ જાય છે.
પરંતુ અમૃતત્વનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી. આપણે જોયું કે આ વિશ્વમાંની કોઈપણ વસ્તુ નાશ પામી શકે એવી નથી. જગતમાં નવું કંઈ જ નથી; નવું કંઈ થવાનું નથી. વારાફરતી ઉપર ચડતા અને નીચે આવતા પૈડાંના આરાઓ પેઠે અભિવ્યક્તિઓની એની એ જ હારમાળા આપણને દેખાતી આવે છે. આ વિશ્વમાંની સઘળી ગતિ મોજાંઓના રૂપમાં છે; વારાફરતી તે ચડે છે અને પડે છે. સૂક્ષ્મ રૂપોમાંથી અનેક બ્રહ્માંડો ઉત્ક્રાંત થઈને બહાર આવે છે, વધુ અને વધુ સ્થૂળ રૂપો લે છે અને ફરીથી જાણે કે પીગળી જઈને પાછાં સૂક્ષ્મ રૂપોની સ્થિતિમાં પહોંચે છે. વળી પાછાં એ સ્થિતિમાંથી તે ઉત્પન્ન થાય છે, અમુક કાળને માટે ઉત્ક્રાંતિ પામે છે અને ફરીથી ધીમે ધીમે કારણમાં પાછાં સમાઈ જાય છે. એ પ્રમાણે સમગ્ર જીવન વિષે સમજવાનું છે. જીવનની પ્રત્યેક અભિવ્યક્તિ ઉપર આવે છે અને વળી પાછી સમાઈ જાય છે. સમાઈ શું જાય છે? આકાર. આકારનો નાશ થઈ જાય છે, પણ તે ફરીથી પાછો ઊભો થાય છે. એક અર્થમાં તો શરીરો અને આકારો સુધ્ધાં શાશ્વત છે. કેવી રીતે? ધારો કે આપણે રમવાના પાસા લઈએ અને તેમને વારંવાર નાખ્યા કરીએ. ધારો કે પ્રથમ તે ૬-૫-૩-૪ના દાણાના ક્રમમાં પડે છે. વળી પાછા આપણે પાસા હાથમાં લઈને ઉપરાઉપરી નાખ્યા જ કરીએ, તો પછી એક સમય એવો આવવો જ જોઈએ કે જ્યારે એ જ ક્રમમાં દાણાઓ પાછા દેખાયા કરે. એની એ જ ગોઠવણીઓ પાછી આવવી જ જોઈએ.
ત્યારે હવે આ વિશ્વની અંદર રહેલો દરેક અણુ આવો એક પાસો સમજી લો; એ બધાને લઈને નાખવામાં આવે છે, વારે વારે એના એ દાણાની ગોઠવણીઓ આવે છે. તમારી સમક્ષના સર્વ આકારો મળીને આવી એક ગોઠવણી થઈ છે. અહીં પડેલી આ બધી વસ્તુઓઃ પ્યાલો, ટેબલ, પાણીનો કૂજો, એ બધા આકારો છે. આ એમની એક ગોઠવણી છે; કાળ જતાં એ આખી ગોઠવણી વીંખાઈ જવાની, તૂટી જવાની. પરંતુ એક સમય એવો જરૂર આવવાનો કે જ્યારે બરાબર આ પ્રમાણે જ ગોઠવણી ફરીથી ઊભી થશે, જ્યારે તમે અહીં જ હશો. આ આકારો અહીં જ હશે, આજ વિષયની ચર્ચા ચાલતી હશે અને આ પાણીનો ઘડો અહીં જ હશે. અસંખ્ય વખત આવું બન્યું છે અને અસંખ્ય વખત આવું ફરીથી બનવાનું છે. આટલું સ્થૂળ આકારો વિશે. એથી આપણને શું સમજાયું? આપણને એ સમજાયું કે સ્થૂળ આકારોની ગોઠવણી પણ અનંત કાળ સુધી પુનરાવર્તન પામ્યા કરે છે.
આ સિદ્ધાંત પરથી એક બહુ જ રસપ્રદ નિર્ણય આવે છે, એ પરથી નીચેના જેવી ઘટનાઓનો ખુલાસો મળી આવે છે. કદાચ તમારામાંથી કેટલાકે એવો માણસ જોયો હશે કે જે બીજાઓના પૂર્વજન્મોનું અને ભાવિ જન્મોનું પણ કહી શકે. જો ભાવિ નિયંત્રિત ન હોય તો કોઈનાથી યે ભવિષ્ય શું હશે એ કહેવાનું શક્ય કેવી રીતે બને? ભૂતકાળનાં કાર્યો ભવિષ્યમાં ફરીવાર બનવાનાં જ અને આપણે એ પ્રમાણે બનતાં જોઈએ પણ છીએ. તમે ફજેતફાળકો તો જોયો હશે. તે ફરવા માંડે ત્યારે હીંચકા એક પછી એક નીચેથી ઉપર અને ઉપરથી નીચે ક્રમાનુસાર આવ્યા જ કરે છે. એક વારાના માણસ તેમાં બેસે, તેમનો ફેરો પૂરો થાય એટલે તેઓ ઊતરી જાય અને નવા વારાવાળા માણસો તેમાં બેસે. આ દરેક વારાવાળો સમૂહ હલકામાં હલકાં પશુથી માંડીને સર્વોચ્ચ માનવ સુધીની એકએક અભિવ્યક્તિરૂપ સમજી લેવાનો. પ્રકૃતિ જાણે કે એ ફજેતફાળકાના પૈડા જેવી અંત વિનાની છે અને એના નાના હીંચકાઓ એ શરીરો કે આકારો છે, જેમાં જીવનના નવા નવા સમૂહો બેસે છે; તે શરીરરૂપી હીંચકાઓમાં બેઠેલા જીવો ઉપર ને ઉપર ગતિ કર્યા કરે છે અને ફેરો પૂરો થાય એટલે તે જીવો તેમાંથી બહાર ઊતરી જાય છે. પરંતુ ફજેતફાળકો તો ચાલ્યા જ કરે છે અને જ્યાં સુધી શરીરો એટલે કે હીંચકાઓ ફજેતફાળકા સાથે જોડાયેલા છે ત્યાં સુધી નિર્વિવાદ રીતે અને ગણિતના જેટલી નિશ્ચિતતાપૂર્વક પહેલેથી કહી શકાય કે કયો શરીરરૂપી હીંચકો ક્યારે અને ક્યાં આવશે; પણ જીવોની બાબતમાં એવું કહી શકાય નહિ.
આમ પ્રકૃતિનો ભૂતકાળ અને ભાવિ સંપૂર્ણ ચોકસાઈપૂર્વક ભાખવાનું શક્ય છે. આમ આપણે જોઈએ છીએ કે અમુક અમુક સમયને અંતરે એની એ જ ભૌતિક ઘટનાઓની પુનરાવૃત્તિ થયા કરે અને એના એ જ સંયોજનો અનંત કાળ સુધી થયા કરે છે. પરંતુ એ કાંઈ આત્માનું અમૃતત્વ નથી. કોઈ પણ બળનો નાશ થાય નહિ, તેમજ કોઈપણ જડ પદાર્થનો પણ નાશ થઈ શકે નહિ, ત્યારે તેનું શું થાય? આગળ અને પાછળ તે બદલાયા જ કરે અને અંતે જે મૂળ સ્થિતિમાંથી તે આવ્યું, તે જ મૂળ સ્થિતિમાં તે પાછું જાય. કોઈપણ ગતિ સીધી લીટીમાં ન હોઈ શકે; દરેક વસ્તુ એક વર્તુળમાં જ ગતિ કરે છે. એક સીધી લીટીને અનંતપણે લંબાવ્યે જાઓ તો તે વર્તુળ બની જાય. જો વસ્તુસ્થિતિ આવી હોય તો કોઈપણ જીવાત્માને માટે કાયમનું અધઃપતન હોઈ શકે જ નહિ, એ બની શકે જ નહિ. દરેકે વર્તુળ પૂરું કરવું જ પડે અને પોતાના ઉદ્ગમસ્થાને પાછા આવવું જ પડે. તમે અને હું અને આ બધા જીવો શું છે? ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ પરની આપણી ચર્ચામાં આપણે જોયું છે કે તમે અને હું જે સમષ્ટિ ચૈતન્ય – જે સમષ્ટિ જીવન – જે સમષ્ટિ મન અપક્રાંત થયું, તેનો અંશ હોવો જોઈએ અને આપણે વર્તુળ પૂરું કરીને આ સમષ્ટિ-બુદ્ધિ કે જે ઈશ્વર છે, તેમાં પાછા જવાના છીએ. જેને લોકો ભગવાન કે ઈશ્વર, ખ્રિસ્ત કે બુદ્ધ કે બ્રહ્મ તરીકે કે જડવાદીઓ તેને બળ તરીકે ઓળખે છે તે અને અજ્ઞેયવાદીઓ જેને વ્યક્ત કરી શકાય નહિ તેવું પેલે પારનું અનંત કહે છે તે, આ સમષ્ટિબુદ્ધિ છે; અને આપણે સહુ તેના અંશો છીએ.
આ બીજો વિચાર છે, છતાં એ પૂરતો નથી; હજી વધારે શંકાઓ ઊઠશે. કોઈપણ બળનો વિનાશ થતો નથી એમ કહેવું બહુ મજાનું છે. પરંતુ જે જે બળો અને આકારો આપણી નજરે ચડે છે તે બધાં સંયોજનો જ છે. આપણી સામે રહેલો આ આકાર અનેક અવયવભૂત અંશોનું સંયોજન છે અને એ પ્રમાણે જે જે બળ આપણે જોઈએ છીએ તે દરેક પણ એ જ રીતે સંયોજિત છે. જો તમે બળ વિશેનો વૈજ્ઞાનિક વિચાર સ્વીકારો અને તેને જુદાં જુદાં બળોનો કુલ સરવાળો કે પરિણામી બળ કહો, તો તમારા વ્યક્તિત્વનું શું થાય? જે જે વસ્તુ સંયોજિત છે, તે દરેક વહેલી કે મોડી પોતાનો અવયવભૂત અંશોમાં પાછી જવાની જ. જે કોઈ વસ્તુ અમુક કારણોનું પરિણામ છે, તેનું મૃત્યુ થવું જ જોઈએ – નાશ થવો જ જોઈએ. તે તૂટી જાય, વિખેરાઈ જાય અને પાછી તેના અવયવો જેવા અંશોમાં ફેરવાઈ જાય. આત્મા કોઈ બળ નથી, તેમ વિચાર પણ નથી. તે વિચારોનો સર્જક છે, પણ વિચાર પોતે નથી; તે શરીરનો સર્જક છે, પણ પોતે શરીર નથી. એમ કેમ? આપણે જોઈએ છીએ કે શરીર આત્મા હોઈ શકે નહિ. શા માટે નહિ? કારણ કે શરીર બુદ્ધિવાળું નથી. મડદું બુદ્ધિવાળું નથી હોતું. તેમ કસાઈની દુકાન માંહેનો માંસનો લોચો પણ બુદ્ધિવાળો નથી હોતો.
વારુ, બુદ્ધિ શબ્દથી આપણે શું કહેવા માગીએ છીએ? પ્રતિક્રિયા કરવાની શક્તિ. આપણે આ વિષયમાં જરા વધુ ઊંડા ઊતરવું પડશે. આ એક ઘડો છે; હું તેને જોઉં છું. કેવી રીતે? ઘડા પરથી પરાવર્તિત થયેલાં પ્રકાશનાં કિરણો મારી આંખોમાં પ્રવેશ કરે છે અને મારા નેત્રપટલ (Retina) પર એક ચિત્ર મગજ પાસે પહોંચાડવામાં આવે છે. છતાં દર્શન થતું નથી. શરીરવિજ્ઞાનીઓ જેને સંવેદનવાહક જ્ઞાનતંતુઓ કહે છે તે આ (ઘડાના ચિત્રની છાપને) અંદર લઈ જાય છે. પરંતુ આટલે સુધી હજી કોઈપણ જાતની પ્રતિક્રિયા નથી. મગજની અંદર રહેલું જ્ઞાનતંતુનું કેન્દ્ર એ છાપને મન પાસે પહોંચાડે છે અને મન પ્રતિક્રિયા કરે છે. જેવી આ પ્રતિક્રિયા આવે છે કે તરત તેની સામે ઘડો ચમકે છે.
બીજો વધુ સામાન્ય દાખલો લઈએ. ધારો કે તમે એકાગ્ર થઈને મને સાંભળી રહ્યા છો અને મચ્છર આવીને તમારા નાકના ટેરવા પર બેસીને તેનો સુમધુર ચટકો ભરે છે; પરંતુ તમે સાંભળવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા છો કે મચ્છરના ચટકાની તમને તરત જરા પણ ખબર નથી પડતી. અહીં શું બને છે? મચ્છરે તમારી ચામડી પર ડંખ તો માર્યો છે અને ત્યાં રહેલાં અમુક જ્ઞાનતંતુઓએ અમુક સંવેદન પણ મગજને પહોંચાડ્યું છે અને ત્યાં છાપ પડી છે; પરંતુ મન અન્યત્ર રોકાયેલું હોવાથી તે અંગે તે પ્રતિક્રિયા કરતું નથી, તેથી તમને મચ્છરની હાજરી જણાતી નથી. જ્યારે કોઈ નવું સંવેદન આવે ત્યારે જો મન તેની સામે પ્રતિક્રિયા ન કરે તો આપણને તેનું ભાન નહિ થાય; પરંતુ જ્યારે પ્રતિક્રિયા થાય ત્યારે આપણને અનુભવ થાય, આપણે જોઈએ, સાંભળીએ વગેરે વગેરે. આ પ્રતિક્રિયાની સાથે જ, સાંખ્ય દાર્શનિકો કહે છે તેમ પ્રકાશ ચમકે છે, જ્ઞાન થાય છે. આપણે જોઈએ છીએ કે શરીર કોઈ વસ્તુને પ્રકાશિત કરી શકતું નથી કારણ કે ધ્યાનના અભાવે કોઈપણ પ્રકારનું સંવેદન સંભવિત નથી. એવા કિસ્સાઓ નોંધાયા છે કે એક માણસ પોતે જે ભાષા કદી શીખ્યો જ નહોતો, તે અમુક સંજોગોમાં પેલી ભાષા બોલવા લાગ્યો; પાછળથી તપાસ કરતાં સાબિત થયું કે એ માણસ બાળક હતો ત્યારે એ ભાષા બોલનારા લોકોમાં રહ્યો હોવાથી એ સંસ્કારો તેના મગજ ઉપર પડ્યા હતા. સંઘરાઈને પડેલા એ સંસ્કારો પછી જ્યારે કોઈક પણ કારણે મનની પ્રતિક્રિયા થઈ, એટલે જાગ્રત થયા અને ત્યારે માણસ એ ભાષા બોલી શક્યો. એ બતાવે છે કે એકલું મન પૂરતું નથી; એ પોતે પણ બીજા કોઈકના હાથનું હથિયાર છે. પેલા છોકરાના કિસ્સામાં મનમાં એ ભાષા સંઘરાયેલી હતી, છતાં તેને તેની ખબર નહોતી; પરંતુ પાછળથી એવો સમય આવ્યો કે જ્યારે તેને તેની ખબર પડી. એ બતાવે છે કે મન ઉપરાંત બીજું ‘કંઈક પણ’ છે; જ્યારે તે માણસ બાળક હતો ત્યારે તેણે એ શક્તિનો ઉપયોગ કરેલો નહિ; પરંતુ જ્યારે તે મોટો થયો ત્યારે તેણે એનો લાભ લઈને તેનો ઉપયોગ કર્યો. એટલે પ્રથમ છે શરીર, બીજું છે મન એટલે વિચારનું સાધન અને ત્રીજો છે આ મનની પાછળ રહેલો માનવ પોતે. એનો સંસ્કૃત શબ્દ આત્મા છે. આધુનિક દાર્શનિકોએ વિચારને મગજમાં થતા પરમાણુઓના ફેરફારરૂપ માન્યો હોવાથી આવા કિસ્સાનો અર્થ કેવી રીતે બેસાડવો તે તેમને સમજાતું નથી અને આથી સાધારણ રીતે તેઓ એનો અસ્વીકાર કરે છે. મગજની સાથે મન ગાઢ રીતે સંકળાયેલું છે અને શરીરના નાશની સાથે દરેક વખતે એ મગજનો પણ નાશ થાય છે. આત્મા પ્રકાશક છે અને મન તેના હાથ માંહેનું સાધન છે; તે સાધન દ્વારા તે બહારના સાધનનો, એટલે શરીરનો ઉપયોગ કરે છે અને આ રીતે અનુભવ થાય છે. બહારનાં સાધનો સંવેદનોને ગ્રહણ કરે છે અને તેમને અંદર ઇન્દ્રિયો પાસે પહોંચાડે છે. તમારે હંમેશાં યાદ રાખવું કે આ બહારની આંખો અને કાન વગેરે તો માત્ર ગ્રહણ કરનારાં સાધનો છે. જે ક્રિયા કરે છે તે તો અંદરની ઇન્દ્રિયો એટલે કે મગજની અંદરનાં કેન્દ્રો છે. સંસ્કૃતમાં એમને ઇન્દ્રિયો કહેવામાં આવે છે. સંવેદનોને તેઓ મન પાસે પહોંચાડે છે અને મન તેમને એથીયે અંદર મનની બીજી એક અવસ્થા કે જેને ચિત્ત કહે છે તેની પાસે રજૂ કરે છે; ત્યાં તે ઇચ્છારૂપે ગોઠવાય છે; આ બધાં અંદર રહેલા રાજાધિરાજ સિંહાસનારૂઢ માનવના આત્મા પાસે હાજર થાય છે. એ બધાંને જોઈને તે પોતાના હુકમો છોડે છે. હુકમ મળતાં તરત જ મન ઇન્દ્રિયો પર ક્રિયા કરે છે અને ઇન્દ્રિયો બહારના શરીર પર ક્રિયા કરે છે. ખરો જ્ઞાતા, ખરો શાસક, ખરો નિયામક, ખરો કર્તા, આ બધા સમુદાયનો સંચાલક તો માણસનો આત્મા છે.
એટલે આપણે જોઈએ છીએ કે માણસનો આત્મા એ શરીર નથી કે વિચાર પણ નથી. એ મિશ્રણ ન હોઈ શકે. શા માટે નહિ? કારણ કે જે કંઈ મિશ્રણ હોય તે દેખી શકાય અગર તેની કલ્પના કરી શકાય. જેની આપણે કલ્પના કરી ન શકીએ, જેને આપણે પારખી ન શકીએ, જેને આપણે એકઠું કરીને બાંધી ન શકીએ, તે બળ કે જડ પદાર્થ નથી, તે કારણ અથવા કાર્ય નથી અને તે મિશ્રણ ન હોઈ શકે. મિશ્રણનું ક્ષેત્ર, આપણા માનવવિશ્વ – આપણા વિચારવિશ્વ સુધી પહોંચે છે. એથી પેલે પાર એનું કાંઈ ચાલતું નથી. તેનું ક્ષેત્ર જ્યાં સુધી નિયમની હકૂમત ચાલતી હોય ત્યાં સુધી જ છે; જે કાંઈ નિયમથી પર હોય તે કોઈ રીતે મિશ્રણ હોઈ ન શકે. મનુષ્યનો આત્મા કાર્યકારણના નિયમથી પર હોવાને લીધે મિશ્રણ નથી. તે સદા મુક્ત છે; અને જે કોઈ વસ્તુ નિયમની અંદર છે તે સર્વનો શાસક છે. તેનું કદી મૃત્યુ નથી, કારણ કે મૃત્યુ એટલે પોતાના અવયવોમાં પાછા જવું; એટલે જે મિશ્રણ ન હોય તેનું કદી મૃત્યુ થઈ ન શકે. આત્મા મરે છે એમ કહેવું એ મૂર્ખાઈની પરાકાષ્ઠા છે.
હવે આપણે વધુ ને વધુ સૂક્ષ્મ ભૂમિકાએ ચડતા જઈએ છીએ અને તમારામાંના કેટલાક કદાચ ગભરાઈ જશો. આ આત્મા, આપણે જોયું છે કે જડદ્રવ્ય, બળ અને વિચારના નાનકડા ક્ષેત્રની પેલે પાર હોવાને કારણે અમિશ્ર છે; અને અમિશ્ર હોવાને લીધે એનું મૃત્યુ હોઈ શકે નહિ. જેનું મૃત્યુ ન હોય તેનું જીવન પણ ન હોય, કારણ કે જીવન અને મૃત્યુ એ એક જ સિક્કાની ઊલટાસૂલટી બે બાજુઓ છે. જીવન એ મૃત્યુનું જ અને મૃત્યુ એ જીવનનું જ બીજું નામ છે. એક વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિને આપણે જીવન કહીએ છીએ; એની જ બીજી વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિને આપણે મૃત્યુ કહીએ છીએ. મોજું જ્યારે ટોચે પહોંચે ત્યારે તે જીવન કહેવાય; જ્યારે તે ઊંડાણમાં ઊતરી જાય ત્યારે મૃત્યુ કહેવાય. જો કોઈ વસ્તુ મૃત્યુથી પર હોય તો સાહજિક રીતે જ આપણે જોઈ શકીએ છીએ કે તે જીવનથી પણ પર હોવી જોઈએ. હું તમને પ્રથમનો નિર્ણય યાદ કરાવું છું કે માનવ આત્મા, અસ્તિત્વમાં રહેલી સમષ્ટિ શક્તિ કે જે ઈશ્વર છે તેનો અંશ છે. હવે આપણે જોઈએ છીએ કે તે જીવન અને મૃત્યુથી પર છે. તમારો કદી જન્મ થયો નથી, તેમ તમારું કદી મૃત્યુ થવાનું નથી.
ત્યારે આપણી આસપાસ જોઈએ છીએ તે જન્મ અને મૃત્યુ શું છે? એ કેવળ શરીરને જ લાગુ પડે છે, કારણ કે આત્મા તો સર્વવ્યાપી છે. તમે કદાચ પૂછો કે ‘એ કેમ હોઈ શકે? આટલા બધા લોકો અહીં બેઠેલા છે, છતાં તમે કહો છો કે આત્મા સર્વવ્યાપી છે?’ હું પૂછું છું કે જે કંઈ નિયમથી પર છે, કાર્યકારણથી પર છે, તેને સીમિત કરનાર શું છે? આ પ્યાલો સીમિત છે; તે સર્વવ્યાપી નથી, કારણ કે આસપાસનું જડદ્રવ્ય તેને પરાણે સીમા લેવડાવે છે, તેને વિસ્તાર પામવા દેતું નથી; પોતાની આસપાસની સર્વ વસ્તુઓથી તે વીંટાયેલ છે અને તેથી તે સીમિત છે. પરંતુ જે નિયમથી પર હોય, જેના પર ક્રિયા કરનારું કોઈ ન હોય, તે સીમિત કેવી રીતે થઈ શકે? તે સર્વવ્યાપી હોવું જ જોઈએ. તમે વિશ્વમાં સર્વત્ર છો. તો પછી હું જન્મું છું અને હું મરવાનો છું, એ બધું શું? એ બધી અજ્ઞાનની વાતો છે, મગજની ભ્રમણા છે. તમે કદી જન્મ્યા નથી, તેમ તમે મરવાના પણ નથી. તમારો જન્મ થયો નથી કે થવાનો નથી; નથી તમારે જીવન કે નથી પુનર્જન્મ કે નથી કંઈ. આવવું અને જવું એનો અર્થ શો? છીછરી, અક્કલ વિનાની એ બધી વાત છે! તમે સર્વત્ર છો. પણ ત્યારે પછી આ આવવું અને જવું એ છે શું? એ તો જેને તમે મન કહો છો તે આ સૂક્ષ્મ શરીરના પરિભ્રમણથી ઉત્પન્ન થયેલી ભ્રમણા છે. એ ચાલ્યા કરે છે. આકાશની આડે પસાર થતું ક્ષુદ્ર નાનકડું વાદળું જેમ જેમ આગળ ને આગળ ચાલતું જાય તેમ તેમ આકાશ ચાલે છે એવી ભ્રમણા તે ઉત્પન્ન કરતું જાય છે. જ્યારે કોઈવાર તમે ચંદ્રમાની આડેથી પસાર થતું વાદળું જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે ચંદ્રમા દોડી રહ્યો છે; જ્યારે તમે રેલવે ટ્રેનમાં બેઠા હો છો ત્યારે તમને એમ લાગે છે કે જાણે જમીન દોડતી જાય છે અથવા જ્યારે તમે હોડીમાં બેઠા હો ત્યારે તમને લાગે છે કે પાણી ચાલ્યું જાય છે. ખરી રીતે નથી તમે જતા કે નથી તમે આવતા, નથી તમે જન્મતા કે નથી તમે જન્મ લેવાના; તમે અનંત, સદાવિદ્યમાન, સર્વ કાર્યકારણથી પર અને સદામુક્ત છો. આવો પ્રશ્ન જ અસ્થાને છે, એ નરી મૂર્ખતા છે. જન્મ જ ન હોય ત્યાં વળી મૃત્યુ કેવું?
તર્કશુદ્ધ નિર્ણય પર પહોંચવા માટે આપણે હજુ એક પગલું વધારે લેવું પડશે; અર્ધે રસ્તે અટકી શકાય નહિ. તમે તત્ત્વચિંતકો છો એટલે રોદણાંને સ્થાન નથી. જો આપણે સર્વ નિયમોથી પર હોઈએ, તો પછી આપણે સર્વજ્ઞ હોવા જોઈએ, સદા ધન્ય હોવા જોઈએ; સર્વ જ્ઞાન, સર્વ શક્તિ અને ધન્યતા આપણામાં હોવાં જોઈએ. અવશ્ય, વિશ્વની સર્વજ્ઞ, સર્વવ્યાપી સત્તા તમે છો. પરંતુ આવી સત્તાઓ શું અનેક હોઈ શકે? સર્વવ્યાપી આત્માઓ શું કંઈ લાખો ને કરોડો હોઈ શકે? ન જ હોઈ શકે. ત્યારે આપણા બધાનું શું થાય? તમે માત્ર એક જ છો; આવો આત્મા કેવળ એક જ છે; અને તે એક આત્મા તમે છો. આ ક્ષુદ્ર પ્રકૃતિની પાછળ જેને આપણે આત્મા કહીએ છીએ તે ઊભેલો છે. એક જ સત્તા, સદા ધન્ય, સર્વવ્યાપી સર્વજ્ઞ, જન્મરહિત, મૃત્યુરહિત એક જ આત્મા છે. ‘તેના શાસનથી આકાશ વિસ્તાર પામી રહેલું છે, વાયુ વાય છે, સૂર્ય પ્રકાશે છે અને સર્વ કંઈ જીવે છે. પ્રકૃતિ માંહેની સત્તા તે છે; તમારા આત્માનો આત્મા તે છે; ના, એથી વધુ, તમે જ તે છો. તમે તેની સાથે એક છો.’ જ્યાં જ્યાં બે છે ત્યાં ત્યાં ભય છે, જોખમ છે, સંઘર્ષ છે, કજિયો છે. જ્યારે સર્વ કંઈ એક જ હોય, ત્યારે કોણ કોને ધિક્કારે? કોણ કોની સાથે ઝઘડો કરે? જ્યારે સર્વ કંઈ તે જ છે, ત્યારે તમે કોની સાથે લડી શકો? જીવનનું સાચું સ્વરૂપ આ સમજાવે છે, અસ્તિત્વનું સાચું સ્વરૂપ આ સમજાવે છે. આ પૂર્ણતા છે અને આ ઈશ્વર છે. જ્યાં સુધી તમે અનેકત્વ જુઓ છો, ત્યાં સુધી તમે ભ્રમમાં છો. ‘બહુત્વપૂર્ણ આ જગતમાં જે એકને જુએ છે, નિરંતર પરિવર્તન પામતા આ વિશ્વમાં જે પરિવર્તનરહિતને પોતાના આત્માના આત્મા તરીકે જુએ છે, તે મુક્ત છે, તે ધન્ય છે, તે ધ્યેયે પહોંચ્યો છે.’ તેથી તું જાણ કે તે તું જ છો. તું જ આ વિશ્વનો ઈશ્વર છો. तत्त्वमसि। આ બધા વિવિધ વિચારો કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું માંદો છું, હું તંદુરસ્ત છું, હું સબળ છું, હું નિર્બળ છું, હું ધિક્કારું છું, હું ચાહું છું, હું કંઈ સત્તા ધરાવું છું, એ બધી ભ્રમણાઓ છે. તેમને હાંકી કાઢો! કઈ બાબત તમને નિર્બળ બનાવે છે? શું તમને ડરાવે છે? વિશ્વમાં તમે એક જ સત્તા છો. તમને ગભરાવે છે કોણ? ખડા થાઓ અને મુક્ત બનો. એટલું સમજી લો કે જે જે વિચાર અને જે જે શબ્દો તમને આ દુનિયામાં નબળા બનાવે તે જ એકમાત્ર પાપ છે. જે જે કંઈ માણસોને નબળા બનાવે અને ડરાવે તે જ એકમાત્ર પાપ છે અને તેનો ત્યાગ કરવો જોઈએ. તમને ડરાવી કોણ શકે? સૂર્યો ભલે ગબડી પડે અને ચંદ્રના ટુકડેટુકડા થઈને ભલે તેનો ભૂકો થઈ જાય, બ્રહ્માંડોનાં બ્રહ્માંડો અથડાઈને ભલે નાશ પામે, તોય તમને શું? ખડકની પેઠે અચલ રહો; તમે અવિનાશી છો. તમે વિશ્વના આત્મા, વિશ્વના ઈશ્વર છો. કહો કે ‘હું કેવળ સત્ સ્વરૂપ છું, કેવળ આનંદ સ્વરૂપ છું, કેવળ ચિત્-સ્વરૂપ છું. ‘सोऽहम्’ અને પિંજરાને તોડીને બહાર નીકળી આવતા કેસરીની પેઠે તમારાં બંધન તોડી નાખો અને સદાને માટે મુક્ત થાઓ. તમને ડરાવે છે શું? તમને દબાવી રાખે છે શું? કેવળ અજ્ઞાન અને ભ્રમ; બીજું કંઈ જ તમને બાંધી ન શકે. તમે પવિત્રાત્મા, સદા કલ્યાણમય આત્મા છો.
અક્કલ વિનાના મૂર્ખાઓ કહે છે કે તમે પાપી છો; અને પછી તમે ખૂણામાં પેસીને રડવા માંડો છો. તમે પાપી છો એમ કહેવું એ મૂર્ખતા છે, દુષ્ટતા છે, નરી બદમાશી છે! તમે સહુ ઈશ્વર છો. ઈશ્વરને દેખતા નથી, ને તમે તેને માણસ કહો છો? માટે જો હિંમત હોય તો તેના પર મુસ્તાક રહો, તેના પર તમારું આખું જીવન ઘડો. કોઈ માણસ જો તમારું ગળું કાપે તો તેને ના ન કહો, કારણ કે તમે જ તમારું ગળું કાપી રહ્યા છો. જ્યારે તમે કોઈ ગરીબને મદદ કરો ત્યારે જરાય અભિમાન લો નહિ. એ તો તમારે માટે પૂજનક્રિયા છે, અભિમાનનું એ કોઈ જ કારણ નથી. આ સમગ્ર વિશ્વ જ શું તમે નથી? ક્યાં છે એવું કોઈ કે જે તમે ન હો? તમે તો આ વિશ્વના આત્મા છો. તમે સૂર્ય, ચંદ્ર અને તારાઓ છો; સર્વત્ર પ્રકાશી રહ્યા છો તે તમે છો. સમસ્ત વિશ્વ તમે છો. તમે કોનો ધિક્કાર કરશો કે કોની સાથે ઝઘડવા જશો? માટે તમે જાણો કે ‘તું તે છો,’ અને તે પ્રમાણે તમારું આખું જીવન ઘડો. જે કોઈ આ જાણશે અને તે પ્રમાણે પોતાનું જીવન ઘડશે, તે કદી અંધારામાં આથડશે નહિ. (2.186)

