(ઓક્ટોબર ૨૭, ૧૮૯૬)

આપણે જોયું કે ગમે તેટલો સામનો કરીએ છતાં આપણા જીવનનો મોટો ભાગ અચૂકપણે અનિષ્ટોથી ભરેલો હોય છે અને આ અનિષ્ટોનો સમૂહ આપણા માટે તો લગભગ અખૂટ છે. આપણે એ પણ જોયું કે કાળના પ્રારંભથી જ આપણે તેનો ઉપાય કરવા મથી રહ્યા છીએ, છતાં બધું લગભગ હતું તેવું જ રહ્યા કરે છે. જેમ જેમ આપણે ઉપાયો વધારે શોધીએ છીએ તેમ તેમ આપણે અનિષ્ટોથી વધારે ને વધારે ઘેરાતા હોઈએ છીએ તેવું દેખાય છે અને આ વિટંબણામાંથી છૂટવા માટેનો એક માર્ગ ઈશ્વર છે તેવું વિધાન બધા ધર્મો કરે છે. બધા ધર્મો કહે છે કે આ યુગમાં મોટાભાગના વહેવારુ લોકો સલાહ આપે છે તેમ આ દુનિયા જેવી છે તેવી સ્વીકારી લઈએ, તો આપણી પાસે અનિષ્ટ સિવાય બીજું કંઈ નહીં રહે. તેઓ વળી ભારપૂર્વક એમ પણ કહે છે કે આ દુનિયાથી પર એવું કંઈક છે; પંચેન્દ્રિયનું આ જીવન, જડ જગતનું આ જીવન, સર્વસ્વ નથી; તે માત્ર તેનો થોડોક અંશ અને તે પણ ઉપરછલ્લો અંશ છે. તેની પાછળ અને તેથી પર અનંત છે કે જેમાં કંઈ અનિષ્ટ નથી. કેટલાક લોકો તેને ઈશ્વર કહે છે, કેટલાક અલ્લાહ કહે છે, કોઈ જેહોવા કહે છે, વગેરે. વેદાંતીઓ તેને બ્રહ્મ કહે છે.

ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. જીવનનાં દુઃખોને કેમ ટાળવાં તે પ્રશ્નનો પ્રથમ દૃષ્ટિએ તો ઉત્તર એવો છે કે જીવનનો ત્યાગ કરવો. આ પરથી મને એક જૂની વાત યાદ આવે છે કે એક માણસના માથા પર એક મચ્છર બેઠો હતો તેને મારવાના ઇરાદે તેના મિત્રે એવો ફટકો લગાવ્યો કે મચ્છર અને પેલો માણસ બન્ને મરી ગયા. અનિષ્ટનો ઉપાય કંઈક આવું કરવાનું સૂચન કરતો દેખાય છે. જીવન દુઃખથી ભરેલું છે અને દુનિયા અનષ્ટિથી ભરેલી છે; દુનિયાને જાણવા જેટલી ઉંમરે જે પહોંચ્યો છે તેવો કોઈપણ અનુભવી માણસ આ હકીકતને નકારી શકશે નહીં.

પણ બધા ધર્મોએ ઉપાય શો બતાવ્યો છે? તેઓ કહે છે કે આ દુનિયા કંઈ જ નથી; પણ આ દુનિયાથી પર કંઈક છે કે જે સત્ય છે. મુશ્કેલી અહીં નડે છે. ઇલાજ સઘળાનો જ નાશ કરતો હોય તેવું જણાય છે. તો પછી તેને ઇલાજ કેમ કહી શકાય? તો પછી શું બહાર નીકળવાનો બીજો કોઈ માર્ગ જ નથી? વેદાંત કહે છે કે માર્ગ છે. બધા ધર્મો જે કહે છે તે સંપૂર્ણ રીતે સત્ય છે, પણ તેને યોગ્ય રીતે સમજવું જોઈએ. ધર્મો તેમના અર્થમાં બહુ સ્પષ્ટ નથી હોતા, તેથી ઘણીય વેળા તેની ગેરસમજ થાય છે. જેની આપણે સૌથી પહેલી જ જરૂરિયાત છે તે મગજ અને હૃદયનું જોડાણ છે. હૃદય જરૂર મહાન છે, કારણ કે જીવનની મહાન પ્રેરણાઓ હૃદયમાંથી જન્મે છે; સંપૂર્ણ મગજ અને હૃદયહીનતાના મુકાબલે મને તો થોડુંક હૃદય અને મગજનો અભાવ વધારે ગમે. જેની પાસે હૃદય છે તેને માટે જીવન શક્ય છે, તેનો વિકાસ પણ શક્ય છે; પણ જેની પાસે હૃદય નથી અને માત્ર મગજ છે તે શુષ્કતાથી મરે છે.

સાથોસાથ આપણે જાણીએ છીએ કે જે માત્ર હૃદયથી જ દોરાય છે તેને ઘણાં કષ્ટો વેઠવાં પડે છે, કારણ કે તેથી અવારનવાર તે ખાડામાં પડે એવો સંભવ છે. હૃદય અને મગજના જોડાણની આપણને ખાસ જરૂર છે. હું એમ નથી કહેવા માગતો કે બુદ્ધિને ખાતર માણસે પોતાના હૃદયની ભાવનાને દબાવવી; તેથી ઊલટું કરવાની પણ જરૂર નથી. હું તો એમ ઇચ્છું કે દરેક માણસ પાસે અખૂટ લાગણી અને હૃદય હોવાની સાથોસાથ અસીમ વિવેકશક્તિ પણ ભલે હોય. આ દુનિયામાં આપણે જે માર્ગે છીએ તેની કોઈ સીમા ખરી? શું દુનિયા અનંત નથી? અનંત લાગણી માટે જેમ ઘણો અવકાશ છે, તેમ જ અનંત સંસ્કાર અને વિવેકશક્તિ માટે પણ છે. તેમને એકી સાથે ભલે અમર્યાદ રહીને પણ આવવા દો; સાથોસાથ, જાણે કે સમાન્તર રેખાએ, તેમને ચાલવા દો.

ઘણાખરા ધર્મો આ હકીકત જાણે છે; પરંતુ તેઓ જે ભૂલ કરે છે તે ઘણે ભાગે એક સરખી જ હોય છે. તેઓ હૃદયની ઊર્મિથી દોરવાઈ જાય છે. આ દુનિયામાં અનિષ્ટ છે માટે દુનિયાનો ત્યાગ કરો; આ મહાન ઉપદેશ છે અને જરૂર એક માત્ર સાચો ઉપદેશ છે એમાં શંકા નથી. દુનિયાનો ત્યાગ કરો; સત્યને સમજવા માટે દરેકે અસત્યનો ત્યાગ કરવો જોઈએ, તે બાબતમાં કદીય બે-મત ન હોઈ શકે. શુભને પ્રાપ્ત કરવા માટે આપણે દરેકે અશુભનો ત્યાગ કરવો જોઈએ, તે બાબત પણ બે-મત ન હોઈ શકે. જીવન મેળવવા માટે જે મૃત્યુ છે તેનો ત્યાગ કરવો જોઈએ તે વિશે પણ બે-મત ન હોઈ શકે.

અને છતાં જો આ સિદ્ધાંત અનુસાર આપણે ઇન્દ્રિયોનું જીવન છોડવાનું હોય, જે જીવનને આપણે જાણીએ છીએ તેનો ત્યાગ કરવાનો હોય, તો આપણી પાસે બાકી શું રહેશે? અને જીવનનો અર્થ આપણે બીજો શો કરીએ? આ બધું જો આપણે ત્યાગીએ તો આપણી પાસે બાકી શું રહેશે?

આગળ ઉપર જ્યારે આપણે વેદાંતના વિશેષ તત્ત્વજ્ઞાનપૂર્ણ ભાગો તરફ વળીશું, ત્યારે આ વધારે સારી રીતે સમજીશું. પણ અત્યારે તો હું આ કહેવાની રજા લઉં છું કે આ પ્રશ્નનો બુદ્ધિગમ્ય ઉકેલ માત્ર વેદાંતમાં જ મળે છે. અહીં તો વેદાંત શો ઉપદેશ કરવા માગે છે તે હું તમારી પાસે રજૂ કરું છું; તે ઉકેલ છે જગતને દિવ્ય બનાવવાનો. વેદાંત વાસ્તવિક રીતે જગતને વખોડી કાઢતું નથી. ત્યાગનો આદર્શ વેદાંતના ઉપદેશોમાં જે ઊંચી કક્ષાએ પહોંચે છે, તેવો બીજે ક્યાંય પહોંચતો નથી. પણ સાથોસાથ શુષ્ક આત્મઘાતી ઉપદેશ આપવાનો તેનો ઇરાદો નથી. વસ્તુતઃ તે ઉપદેશ જગતને દિવ્ય બનાવવાનો છે – એટલે કે જગત વિષેનો જે આપણો ખ્યાલ છે કે જગતને જે રીતે આપણે જાણી છીએ, જેવું તે આપણને દેખાય છે, તેવાનો ત્યાગ કરીને તે ખરેખર જેવું છે તેવું જાણવાનો છે. તેને દિવ્ય બનાવો; તે ઈશ્વર પોતે જ છે. એક અતિ પ્રાચીન ઉપનિષદના આરંભમાં આપણે વાંચીએ છીએ ‘ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।’ આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તેને ઈશ્વરથી આચ્છાદિત કરવાનું છે.’

આપણે બધું ઈશ્વરથી આવરી દેવાનું છે; પણ તે ભ્રાન્ત સુખવાદથી નહીં, અશુભ પ્રત્યે આંખમીંચામણાં કરીને પણ નહીં, પરંતુ સર્વમાં ઈશ્વરનું ખરેખર દર્શન કરીને. આપણે દુનિયાનો ત્યાગ આમ કરવાનો છે; અને દુનિયાનો ત્યાગ કર્યા પછી આપણી પાસે શું રહે છે? ઈશ્વર. તેનો શો અર્થ છે? તમારે પત્ની ભલે રહી; પત્નીને તમારે છોડવી પડશે એવું નથી, પણ તે પત્નીમાં તમારે ઈશ્વરનાં દર્શન કરવાનાં છે. તમારાં બાળકોનો ત્યાગ કરો, તેનો અર્થ શો? દરેક દેશમાં પશુ સ્વભાવનાં માણસો જેમ કરે છે તેમ શું તેમને ઘર બહાર હાંકી કાઢવાં? જરૂર નહીં. એ આસુરી વૃત્તિ છે, ધર્મ નથી. તમારે તમારાં સંતાનોમાં ઈશ્વરને જોવાનો છે; તે જ પ્રમાણે દરેક વસ્તુમાં પણ ઈશ્વરને જોવાનો છે. જીવનમાં અને મૃત્યુમાં, સુખમાં અને દુઃખમાં, ઈશ્વર સમાન રીતે હાજર છે. આખુંય જગત ઈશ્વરમય છે. તમારી આંખ ઉઘાડો અને તેને જુઓ. વેદાંત આ શીખવે છે. તમે કલ્પના કરેલા જગતનો ત્યાગ કરો, કારણ કે તમારું અનુમાન અર્ધા અનુભવ ઉપર, બહુ જ દુર્બળ તર્ક ઉપર અને તમારી પોતાની નિર્બળતા ઉપર હતું. તેને છોડી દો. જે દુનિયા વિષે આપણે આટલા લાંબા સમયથી વિચાર કરીએ છીએ, જે દુનિયાને આપણે આટલા લાંબા સમયથી વળગી રહ્યા છીએ, તે આપણે સર્જેલી ખોટી દુનિયા છે; તેનો ત્યાગ કરો. તમારી આંખ ઉઘાડીને જુઓ કે તેવી તે હતી જ નહિ. તે સ્વપ્ન હતું. માયા હતી, જે હતું તે તો ઈશ્વર જ હતો. સંતાનમાં, પત્નીમાં અને પતિમાં તે ઈશ્વર જ છે; સારા મનુષ્યમાં કે ખરાબ મનુષ્યમાં પણ તે જ છે; પાપમાં અને પાપીમાં પણ તે જ છે; જીવનમાં અને મૃત્યુમાં પણ તે જ છે.

જરૂર, આ ખૂબ જોરદાર દાવો છે! છતાં પણ વેદાંત આ બાબતને સાબિત કરવા, શીખવવા અને તેનો પ્રચાર કરવા ઇચ્છે છે. આ તો માત્ર આરંભનો વિષય છે.

આમ, આપણે જીવનનાં ભય અને અનિષ્ટોમાંથી ઊગરી શકીએ છીએ. કોઈ વસ્તુની આશા ન રાખો. આપણને દુઃખી કઈ બાબત કરે છે? આપણે બધાં દુઃખો સહેવાં પડે છે, તેનું કારણ તૃષ્ણા છે. તમે કોઈ ચીજની ઇચ્છા રાખો અને તે ઇચ્છા પરિપૂર્ણ ન થાય તો પરિણામે દુઃખ થાય છે, પણ જો તૃષ્ણા જ ન હોય તો દુઃખ પણ ન હોય. પરંતુ અહીં પણ મારા કથન અંગે ગેરસમજ થવાનો ભય છે. માટે તૃષ્ણાનો ત્યાગ અને દુઃખથી મુક્ત થવાનો અર્થ હું શો કરવા માગું છું તે સમજાવવું જરૂરી છે. દીવાલોને તૃષ્ણા હોતી નથી અને તેઓ કદી દુઃખી થતી નથી; વાત સાચી છે; પણ તે કદી વિકાસ પણ કરતી નથી. ખુરશીને કોઈ ઇચ્છા નથી, તે કદી પણ દુઃખી થતી નથી, પણ તે કાયમને માટે ખુરશી જ રહે છે. સુખમાં પણ મહત્તા છે, દુઃખમાં પણ મહત્તા છે. જો હું ધારું તો એમ પણ કહું કે દુઃખોની પણ ઉપયોગિતા છે. દુઃખમાં જે મહાન પાઠ છે તે આપણે સહુ જાણીએ છીએ. આપણા જીવનમાં એવાં સેંકડો કાર્યો આપણે કર્યાં હોય છે કે જે ન કર્યાં હોત તો સારું એમ આપણે ઇચ્છીએ છીએ અને છતાં તેઓ આપણા મહાન શિક્ષકરૂપ હતાં. મારા વિશે કહું તો મેં થોડાંક સારાં અને ઘણાં ખરાબ કાર્યો કર્યાં છે; હું ખુશ છું કે મેં થોડું સારું કર્યું છે; અને ઘણી ભૂલો કરી છે, કારણ કે તેમાંની દરેક ભૂલ મને મહાન બોધપાઠ સમાન થઈ છે. હું આજે જે છું, તે મેં કાંઈ કર્યું છે તથા સઘળું વિચાર્યું છે તેના પરિણામરૂપ છું. પ્રત્યેક વિચાર અને કાર્યની અસર થઈ છે અને આ બધી અસરોનું પરિણામ મારી પ્રગતિ છે.

ઇચ્છાઓ, તૃષ્ણાઓ ખોટી છે તે આપણે બધા સમજી શકીએ છીએ; પણ તેમનો ત્યાગ કરવો તેનો અર્થ શો? એમ જીવન કેમ ચાલી શકે? તે ઉપદેશ પણ પહેલાંના જેવો જ આત્મઘાતી બનશે. ઇચ્છાના નાશ સાથે માનવીનો પણ નાશ થશે. તમારી પાસે મિલકત ન હોવી જોઈએ કે આવશ્યક ચીજો અથવા મોજશોખની ચીજો પણ ન હોવી જોઈએ એવું નથી. તમારે જોઈએ તે લો અને વધારે પણ લો; માત્ર સત્યને જાણો અને અનુભવો. સંપત્તિ કોઈની માલિકીની નથી; માલિકીની, કબજાની ભાવના ન રાખો. તમે કોઈ નથી, હું પણ કોઈ નથી, બીજા પણ કોઈ નથી, બધું ઈશ્વરની માલિકીનું છે, કારણ કે ઈશોપનિષદના આરંભના મંત્રમાં આપણને કહ્યું છે કે બધામાં ઈશ્વરને જુઓ. જે લક્ષ્મીનો તમે ઉપયોગ કરો છો તેમાં ઈશ્વર છે. તમારા મનમાં ઉત્પન્ન થતી ઇચ્છામાં પણ ઈશ્વર જ છે. તમારી ઇચ્છાને સંતોષવા તમે જે વસ્તુઓ ખરીદો છો તેમાં પણ તે જ છે; તમારાં સુંદર કપડાંમાં તે છે, તમારાં સુંદર આભૂષણોમાં પણ તે જ છે. વિચારસરણી આ છે. આ દૃષ્ટિથી તમે વસ્તુઓને જોવા માંડશો કે બધું સદંતર બદલાઈ જશે. જો તમે તમારા પ્રત્યેક હલનચલનમાં, વાતચીતમાં, દેહમાં, સર્વવસ્તુમાં ઈશ્વરને જોશો તો આખુંય દૃશ્ય બદલાઈ જશે અને આ જગત દુઃખમય લાગવાને બદલે સ્વર્ગસમું બની જશે.

ઈશુ કહે છેઃ ‘સ્વર્ગનું સામ્રાજ્ય તમારા અંતરમાં છે.’ વેદાંત અને પ્રત્યેક મહાન ધર્મગુરુ પણ આમ જ કહેઃ ‘જેને જોવા માટે આંખ છે તે જુએ, જેને સાંભળવા માટે કાન છે તે સાંભળે.’ વેદાંત એ સિદ્ધ કરે છે કે જે સત્યની આપણે બધો વખત શોધ કર્યા કરીએ છીએ તે અહીં જ છે, બધો જ વખત આપણી પાસે જ હતું. અજ્ઞાનમાં આપણે એમ માનતા હતા કે આપણે ગુમાવ્યું છે; અને રોતા કકળતા સત્યની શોધ માટે આપણે જગતમાં ભટકતા હતા, જ્યારે બધો વખત એ આપણા હૃદયમાં જ રહેલું હતું. આપણે તેને માત્ર ત્યાં જ જોઈ શકીએ.

જો આપણે જગતના ત્યાગને તેના જૂના અણઘડ અર્થમાં ઘટાવીએ તો તેનો અર્થ એવો થાય કે આપણે કામ ન કરવું; આપણે આળસુ બની બેસી રહેવું, માટીના ઢેફાની માફક પડ્યા રહેવું – નહિ કશો વિચાર કે નહિ કશું કર્તવ્ય! – માત્ર પ્રારબ્ધવાદી બની રહેવું અને પ્રત્યેક સંજોગોમાં એક સ્થળેથી બીજે સ્થળે પ્રકૃતિના નિયમો અનુસાર ઘસડાયા કરવું. પરિણામ આ જ આવે. પણ ખરો અર્થ એવો કદી નથી. આપણે કર્મ કરવું જ જોઈએ. જૂઠી તૃષ્ણાથી ચોમેર ઘસડાતી સામાન્ય જનતા કર્મ વિશે શું જાણે? પોતાની ઊર્મિઓ અને પોતાની ઇન્દ્રિયોથી પ્રેરાતો માનવી કર્મને શું સમજે? જે પોતાની તૃષ્ણાથી ઘસડાતો નથી, જે કોઈ સ્વાર્થથી પ્રેરાતો નથી, તે જ ખરેખર કર્મ કરે છે; કર્મમાંથી જેને કોઈ ફળપ્રાપ્તિનો ઇરાદો નથી તે જ કર્મ કરે છે; કર્મમાંથી જેને કંઈ મેળવવાનું નથી તે જ સાચું કર્મ કરે છે.

ચિત્રના આનંદનો ઉપભોગ કોણ કરે છે? વેચનારો કે જોનારો? ચિત્ર વેચનારો તો પોતાના હિસાબમાં રોકાયેલો હોય છે; ચિત્ર ઉપર કેટલો નફો થશે, તેની ગણતરી તેનો વિચાર તે કરતો હોય છે; તેનું મગજ તે વિચારોથી જ ભરેલું હોય છે; હરાજીના ભાવો સાંભળવામાં જ તે મગ્ન હોય છે અને માગણી કેમ વધે છે તે તે જોયા કરતો હોય છે; કેટલી ઝડપથી માગણીઓ વધતી જાય છે તે સાંભળવાને તે આતુર હોય છે. પણ જે માણસ ખરીદવાના કે વેચવાના કોઈ ઇરાદા વિના ત્યાં ગયો હોય છે, તે માણસ ચિત્રનો ખરો ઉપભોગ કરે છે. તે ચિત્રને જુએ છે અને તેનો આનંદ માણે છે. આમ આ આખુંય વિશ્વ એક ચિત્ર છે; જ્યારે આ વાસનાઓ અદૃશ્ય થશે ત્યારે માણસ જગતનો આનંદ માણી શકશે, ત્યારે આ ખરીદવેચાણ અને માલિકીના મૂર્ખાઈભર્યા વિચારોનો અંત આવશે. નાણાં ધીરનારનો, ખરીદનારનો અને વેચનારનો ખ્યાલ નીકળી જતાં આ જગત એક ચિત્રરૂપે રહે છે. નીચેના વાક્યોમાં દર્શાવેલી છે તેવી ઈશ્વર વિશેની સુંદર કલ્પના મેં બીજે ક્યાંય વાંચી નથી. ‘તે એક મહાન કવિ છે, પ્રાચીન કવિ છે. આ સમગ્ર વિશ્વ પ્રાસબદ્ધ પંક્તિઓમાં અને અનંત આનંદથી લખાયેલું તેનું કાવ્ય છે.’ જ્યારે આપણે તૃષ્ણાઓનો ત્યાગ કર્યો હશે ત્યારે જ આપણે ઈશ્વરના આ જગતને વાંચી શકીશું અને તેનો આનંદ માણી શકીશું. ત્યારે જ બધું દિવ્ય બની જશે. ખૂણા ખાંચરાઓ, નાની ગલીઓ, અંધારી શેરીઓ – જેમને આપણે અંધારી અને અપવિત્ર લેખતા હતા તે બધી દિવ્ય બનશે, તે બધી જ પોતાના સત્ય સ્વરૂપે દેખાશે. આપણે આપણી જાત પ્રત્યે હસીશું અને આ બધાં રોદણાં, આ બધા બળાપાઓ એક બાળકના ખેલ જેવું હતું અને આપણે માત્ર બાજુ પર ઊભા રહીને (પ્રેક્ષક તરીકે) તે જોતા હતા, એવો ખ્યાલ આવશે.

માટે વેદાંત કહે છે તમારું કામ કર્યે જાઓ. કામ કેમ કરવું તેનો પ્રથમ તે ઉપદેશ આપે છેઃ ભ્રામક જગતનો ત્યાગ કરીને કામ કરવાનો. તેનો અર્થ શો છે? ઈશ્વરને સર્વમાં જોવો તે. તમે આ રીતે કામ કરો. તમારી મરજી હોય તો સો વર્ષ જીવવાની ઇચ્છા રાખો, તમામ પાર્થિવ વસ્તુઓ પ્રાપ્ત કરો; માત્ર તેમને દિવ્યતામાં પરિણત કરો, તેમને સ્વર્ગમય બનાવો. બીજાને સહાયભૂત થઈને આનંદમય રહીને અને પ્રવૃત્તિમય રહીને આ જગતમાં દીર્ઘજીવન જીવવાની ઇચ્છા રાખો. આમ કરવાથી તમને છૂટવાનો રસ્તો મળશે; આ સિવાય બીજો માર્ગ નથી. સત્યને જાણ્યા સિવાય માનવી જો આ જગતના મૂર્ખાઈભર્યા મોજશોખમાં અવિચારીપણે પડશે તો તે પોતાનો આધાર ગુમાવશે અને લક્ષ્યને નહીં પહોંચે. તેમજ જે માણસ આ દુનિયાને ભાંડીને જંગલમાં ચાલ્યો જાય છે, જે પોતાના દેહને કષ્ટ આપે છે અને અજ્ઞાતવાસથી ધીરે ધીરે પોતાનું મૃત્યુ આણે છે, હૃદયને શુષ્ક વેરાન જેવું બનાવે છે, બધી ઊર્મિઓને રહેંસી નાખે છે તથા કઠોર, કડક અને શુષ્ક બની જાય છે, તે માણસ પણ પોતાનો માર્ગ ભૂલ્યો છે. આ બન્ને છેડાઓ છે અને બન્ને છેડાઓ ભૂલભરેલા છે. બન્ને જણા માર્ગ ભૂલ્યા છે, બન્ને જણા લક્ષ્ય ચૂક્યા છે.

માટે વેદાંત કહે છે કે સર્વમાં ઈશ્વરને જોઈને કામ કરો અને સર્વમાં તે વસી રહ્યો છે તેમ જાણો. જીવન દિવ્ય છે તેમજ તે ઈશ્વરસ્વરૂપ છે અને આપણું આ જ કર્તવ્ય છે, આ જ આપણે માગવાનું છે, તે ધ્યાનમાં રાખી, સતત કર્મ કર્યે જાઓ. ઈશ્વર સર્વત્ર છે; તેને શોધવા બીજે ક્યાં જઈશું? તે દરેક કર્મમાં, દરેક વિચારમાં, દરેકેદરેક ઊર્મિમાં છે જ છે. આવો ખ્યાલ રાખીને કર્મ કરવાં જોઈએ. આ જ એક માત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આમ કરવાથી કર્મ આપણને બંધનકારક થશે નહિ. આપણે જોયું છે કે જે દુઃખો અને અનિષ્ટો આપણે ભોગવીએ છીએ તે બધાંનું કારણ આપણી ખોટી તૃષ્ણાઓ છે. પણ જ્યારે તે ઈશ્વરમય દૃષ્ટિ દ્વારા દિવ્ય અને પવિત્ર બને છે ત્યારે તે કશું અનિષ્ટ કરતી નથી, કશું દુઃખ લાવતી નથી. જેમણે આ રહસ્ય જાણ્યું નથી, તેમણે એ જાણતાં સુધી આ આસુરી જગતમાં રહેવું પડશે. ઘણા લોકો જાણતા નથી કે પોતાનામાં, પોતાની આજુબાજુ અને સર્વત્ર સુખની અખૂટ ખાણ પડી છે; તેમણે તે હજુ શોધી નથી. આસુરી જગત એટલે શું? વેદાંત કહે છે કે તે અજ્ઞાન છે.

મહાન સરિતાને કિનારે વસીને આપણે તરસે મરીએ છીએ; અન્નના ઢગલાઓ સામે બેસીને આપણે ભૂખે મરીએ છીએ. સામે આનંદમય વિશ્વ પડ્યું છે છતાં આપણને તે હાથ આવતું નથી. આપણે સર્વદા તેમાં જ છીએ છતાંયે આપણે તેને ભૂલીએ છીએ. ધર્મ આપણને આ માર્ગ શોધી આપવા માગે છે. આવા આનંદમય જગત માટેની તૃષ્ણા દરેકના હૃદયમાં હોય છે. બધી પ્રજાઓ તેને શોધી રહી છે; ધર્મનું તે એકમાત્ર ધ્યેય છે અને જુદા જુદા ધર્મોમાં તથા વિવિધ ભાષાઓમાં આ આદર્શ વ્યક્ત કરાયો છે. માત્ર ભાષાનો ભેદ આ બધા ભાસમાન ભેદભાવો ઉત્પન્ન કરે છે. એક જણ વિચારને એક રીતે વ્યક્ત કરે છે, બીજો બીજી રીતે; છતાં કદાચ બન્ને એક જ સત્ય કહેવા માગે છે, ભાષા જ ફક્ત જુદી વાપરે છે.

આ સંબંધમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વાત કરવી ઘણી સહેલી છે. ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું દુનિયામાં ભળું છું અને દુનિયા તરફથી થોડા ધક્કાધૂંબા અનુભવું છું કે તરત એ વિચાર અદૃશ્ય થાય છે. દરેક માણસમાં ઈશ્વર છે તેવો વિચાર રાખીને હું રસ્તે ચાલુ છું; એક બળવાન માણસ આવીને મને ધક્કો મારે છે અને હું ફૂટપાથ ઉપર ચત્તોપાટ પડી જાઉં છું; પછી હું મુક્કો વાળી જલદી ઊભો થઈ જાઉં છું; મારા મગજમાં લોહી ધસી આવે છે અને વિવેક ચાલ્યો જાય છે; તરત જ હું પાગલ બની જાઉં છું, બધું જ ભુલાઈ જાય છે, ઈશ્વરને બદલે હું તેનામાં સેતાનને દેખું છું. આપણે જન્મ્યા ત્યારથી જ સઘળે ઈશ્વર જોવાનું આપણને કહેવામાં આવ્યું છે. દરેક ધર્મ ઉપદેશ આપે છે કે સર્વમાં અને સર્વ સ્થળે ઈશ્વરને જુઓ. બાઇબલમાં ઈશુ એમ કહે છે તે શું તમે નથી જાણતા? આપણને સહુને આ ઉપદેશ કરવામાં આવ્યો છે. પણ જ્યારે વ્યવહારુ બાજુએ આવીએ છીએ, ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે. ઈસપનીતિની વાર્તા તમને યાદ હશે. એક સાબર સરોવરમાં પોતાના પ્રતિબિંબને જોઈને પોતાના બચ્ચાને કહે છેઃ ‘જો હું કેવું શક્તિશાળી છું? મારું ભવ્ય મસ્તક જો, મારા અવયવો જો; તે કેવા મજબૂત અને સ્નાયુબદ્ધ છે? હું કેટલી બધી ઝડપથી દોડી શકું છું?’ દરમિયાન દૂર કૂતરાના ભસવાનો અવાજ તે સાંભળે છે અને તરત નાસે છે. કેટલાયે માઈલો દોડ્યા પછી તે હાંફતું પાછું આવે છે. બચ્ચું પૂછે છેઃ ‘તેં મને હમણાં જ કહ્યું હતું કે તું કેટલી બધી મજબૂત છે, છતાં પણ કૂતરા ભસ્યા ત્યારે કેમ દોડી જવું પડ્યું?’ ‘હા, બેટા! પણ જ્યારે કૂતરાં ભસે છે ત્યારે મારી બધી જ આત્મશ્રદ્ધા ચાલી જાય છે.’ આપણું પણ આવું જ છે. આપણે માણસ તરીકે આપણી જાત વિશે ઊંચા ખ્યાલ બાંધીએ છીએ; આપણી જાતને મજબૂત અને બહાદુર લેખીએ છીએ; આપણે ભવ્ય નિશ્ચયો કરીએ છીએ. પણ જ્યારે કસોટી અને પ્રલોભનનાં ‘કૂતરાં’ ભસે છે, ત્યારે પેલી વાર્તાના સાબર જેવા બની જઈએ છીએ. જો આમ જ હોય તો પછી આ બધી બાબતોના ઉપદેશોનો શો ઉપયોગ? તેનો શ્રેષ્ઠ ઉપયોગ આ છે કે અંતે ખંતનો વિજય થશે. કશું એક દિવસમાં સાધ્ય થઈ શકતું નથી.

आत्मा अरे वा श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः – ‘આત્મા વિષે પ્રથમ શ્રવણ કરવાનું છે, પછી તેના પર મનન કરવાનું છે અને પછી તેનું ધ્યાન ધરવાનું છે.’ દરેક માણસ આકાશને જોઈ શકે છે; પૃથ્વી પર પેટે ચાલતો કીડો પણ નીલ આકાશને જોઈ શકે છે! પણ તે કેટલું દૂર છે! આપણા આદર્શનું પણ તેવું જ છે. તે જરૂર ઘણો જ દૂર છે; પણ સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે આદર્શ હોવો તો જોઈએ જ. અરે, આપણે આદર્શ તો ઊંચામાં ઊંચો રાખવો જોઈએ. કમભાગ્યે આ જીવનમાં ઘણા મોટાભાગના મનુષ્યો કોઈપણ આદર્શ વિના અંધકારમાં ફાંફાં મારે છે. આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી છે કે આદર્શ વિહોણો માનવી તો પચાસ હજાર ભૂલો કરતો હશે. માટે આદર્શ રાખવો વધુ સારું છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી આ આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ન પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિંદુમાં તે ન ઝણઝણે અને શરીરનાં રોમેરોમમાં ન પ્રસરે, ત્યાં સુધી તે આદર્શ વિશે બને તેટલું સાંભળવું અને તેનું મનન કરવું જોઈએ. ‘હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ મુખમાંથી વાણી નીકળે,’ અને હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ હાથ પણ કામ કરે.

આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિષે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌંદર્ય છે. તેમના વિના જીવનનો શો અર્થ છે? જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી; તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? મથામણોની, ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતી સાંભળી નથી, પણ માત્ર તે ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની, આ નાનાં નાનાં પતનોની પરવા ન કરો; ગભરાયા વગર હજારવાર આદર્શને વળગી રહો; અને હજારોવાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો. ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે. પણ જો તમે તેને દરેક વસ્તુમાં જોઈ ન શકતા હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ, અને પછી અન્યમાં જુઓ; એ રીતે તમે આગળ વધી શકશો. આત્માની સામે અનંત જીવન છે. જોઈએ તેટલો સમય લો; તમે લક્ષ્યને પ્રાપ્ત કરશો જ.

‘તે આત્મા મન કરતાંય વિશેષ કંપનશીલ (વેગવાન) છે; મન ગમે તેટલી ગતિ કરી શકે તે કરતાંય તે વિશેષ વેગવાન છે; તેને દેવતાઓ પણ પહોંચી શકતા નથી કે નથી તેને વિચાર ગ્રહણ કરી શકતો. તે ગતિમાન થતાં સર્વ કંઈ ગતિમાન બને છે. સઘળું તેનામાં વસે છે. તે ગતિમાન છે અને સ્થિર પણ છે; તે નજીક છે અને દૂર પણ છે; તે બધાની અંદર છે, બધાની બહાર પણ છે અને બધામાં ઓતપ્રોત થયેલો છે. દરેક પ્રાણીમાં રહેલા તે એક જ આત્માને જે જુએ છે અને તે આત્મામાં સર્વ વસ્તુઓને જુએ છે, તે કદીયે આત્માથી દૂર જતો નથી. જ્યારે સમગ્ર જીવન અને સમગ્ર વિશ્વ આ આત્મામાં દેખાય છે, ત્યારે જ મનુષ્યે જીવનનું રહસ્ય પ્રાપ્ત કર્યું ગણાય. પછી તેને કદી ભ્રમ થતો નથી. જે આ એકત્વને વિશ્વમાં જુએ છે, તેને માટે પછી દુઃખ ક્યાં રહ્યું?’

જીવનની આ એકતા, સર્વ વસ્તુની એકતા, એ વેદાંતનો એક બીજો મહાન વિષય છે. આપણું બધું દુઃખ અજ્ઞાનમાંથી કેવી રીતે આવે છે તે વેદાંત બતાવે છે; આપણે તે જોઈશું. આ અજ્ઞાન એટલે વિવિધતાનો વિચાર. માનવ માનવ વચ્ચેનો ભેદ, પ્રજા વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો ભેદ, આવા બધા ભેદોના વિચારથી દુઃખ આવે છે. પણ વેદાંત કહે છે કે આવો ભેદ અસ્તિત્વ ધરાવતો નથી; ભેદ સાચો નથી; તે માત્ર ઉપરછલ્લો છે, માત્ર ભાસમાન છે. વસ્તુના અંતરમાં તો આ એકતા જ રહેલી છે. સપાટીની નીચે જાઓ તો માનવ માનવ વચ્ચેની, પ્રજા પ્રજા વચ્ચેની, ઊંચ અને નીચ વચ્ચેની, ગરીબ અને તવંગર વચ્ચેની, દેવ અને માનવ વચ્ચેની તેમજ માનવ અને પશુ વચ્ચેની આ એકતા દેખાશે. પૂરતા ઊંડા ઊતરીને જુઓ તો સર્વ કંઈ એક જ તત્ત્વના વિવિધ પ્રકારોરૂપે દેખાશે અને જેણે આ એકતાનો સાક્ષાત્કાર કરેલો છે તેને મન કોઈ ભ્રમણા રહેતી નથી. તેને ભ્રમમાં શું નાખી શકે? તેણે તો દરેક વસ્તુનું તત્ત્વ, દરેકેદરેક વસ્તુનું રહસ્ય જાણેલું છે; તેને માટે પછી દુઃખ ક્યાં રહ્યું? તેને તૃષ્ણા શાની રહે? જે દરેકનું કેન્દ્ર અને સમન્વય છે; તે પ્રભુમાં તેણે દરેક વસ્તુની સત્યતા શોધેલી છે અને તે જ અનંત સત્, અનંત ચિત્ અને અનંત આનંદ છે. ત્યાં નથી મૃત્યુ, નથી રોગ, નથી દુઃખ, નથી શોક, નથી અસંતોષ. બધું જ પૂર્ણ એકત્વ અને પૂર્ણ આનંદ છે. તો પછી તે શાને માટે શોક કરે? તત્ત્વમાં મૃત્યુ નથી, દુઃખ નથી, કોઈનો શોક કરવાનો રહેતો નથી, કોઈને માટે દિલગીર થવાનું હોતું નથી. તે પવિત્ર, અરૂપી, અશરીરી, નિષ્કલંક, જ્ઞાની, મહાકવિ, સ્વયંભૂ, જે સૌને તેની યોગ્યતા અનુસાર આપે છે. જેઓ આ અજ્ઞાનમય દુનિયાને, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી આ દુનિયાને સત્ય સમજીને વળગી રહે છે, તેઓ અંધારામાં ફાંફાં મારે છે; અને જેઓ આ દુનિયામાં પોતાનું આખું જીવન ગાળે છે અને વધુ સારું કે વધુ ઉચ્ચ કંઈ પણ મેળવતા નથી, તેઓ એથીયે વધુ ગાઢ અંધારામાં ફાંફાં મારે છે. પરંતુ જે પ્રકૃતિનું રહસ્ય જાણે છે, એ પ્રકૃતિની સહાય દ્વારા પ્રકૃતિથી જે પર છે તેનાં દર્શન કરીને મૃત્યુને તરી જાય છે અને પ્રકૃતિથી જે પર છે તેની સહાયથી તે અનંત આનંદનો અનુભવ કરે છે.

हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्।

तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥

‘હે સૂર્ય! તું કે જેણે તારા સુવર્ણમય પાત્રથી સત્યને ઢાંકી દીધું છે, તે આવરણને દૂર કર કે જેથી તારી અંદર રહેલા સત્યનાં હું દર્શન કરી શકું.’ ‘તારી અંદર રહેલા સત્યને મેં જાણ્યું છે; તારાં કિરણો અને તારા મહિમાનો સાચો અર્થ શો છે તે મેં જાણ્યું છે અને તારામાં જે પ્રકાશ છે તેને મેં જોયો છે. તારામાં રહેલું સત્ય હું જોઉં છું અને જે તારામાં રહેલ છે તે જ મારામાં છે અને હું તે જ છું.’ (2.374)

Total Views: 177
૪. માયા અને મુક્તિ
૬. સાક્ષાત્કાર