(ઓક્ટોબર ૨૯, ૧૮૯૬)

આજે તમારી પાસે હું એક ઉપનિષદમાંથી થોડુંક વાંચીશ. તેનું નામ છે કઠોપનિષદ. તમારામાંના કેટલાકે ‘મૃત્યુનું રહસ્ય’ એ નામનો સર એડવિન આર્નોલ્ડનો અનુવાદ કદાચ વાંચ્યો હશે. આની અગાઉના વ્યાખ્યાનમાં આપણે જોયું કે જગતની ઉત્પત્તિ અને તેના સર્જન વિષે જે શોધ શરૂ થઈ હતી, તેનો જ્યારે બાહ્ય જગતમાંથી સંતોષકારક ખુલાસો મળ્યો નહિ, ત્યારે તે શોધ આંતર જગત તરફ વળી. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ઉપનિષદ મનુષ્યની અંતઃપ્રકૃતિ વિષેની આ જિજ્ઞાસા ઉપાડી લે છે. પ્રથમ એમ પૂછવામાં આવ્યું હતું કે, આ જગતનું કોણે સર્જન કર્યું અને તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? હવે પ્રશ્ન એ છે કે મનુષ્યમાં એવું તત્ત્વ કયું છે કે જે તેને જીવંત અને હાલતોચાલતો રાખે છે? અને મૃત્યુ પછી તે તત્ત્વની શી ગતિ થાય છે? આદિ તત્ત્વવેત્તાઓએ ભૌતિક જગતનો અભ્યાસ કરીને તે દ્વારા અંતિમ તત્ત્વને પહોંચવાનો પ્રયત્ન કરેલો. ખૂબ આગળ વધતાં તેઓએ જગતનો એક વ્યક્તિરૂપ શાસક શોધી કાઢ્યો કે જે માત્ર માનવ-સ્વરૂપની જ અતિવિરાટ કલ્પના હતી. છતાં પણ સર્વ દૃષ્ટિએ આખરે તે માનવ જ રહ્યો, કારણ કે તેવી કલ્પના પૂર્ણ સત્ય તો ન જ હોઈ શકે; બહુ તો તે માત્ર આંશિક સત્ય હોઈ શકે. આપણે આ વિશ્વને માનવ દૃષ્ટિથી જોઈએ છીએ અને એટલે આપણો ઈશ્વર, માનવ દૃષ્ટિએ કરાયેલો વિશ્વનો ખુલાસો છે.

ધારો કે એક ગાય તત્ત્વચિંતક હોય અને તેને ધર્મ હોય, તો તેનું વિશ્વ ગાયરૂપ હશે અને એનો ઉકેલ પણ ગાયના ઉકેલ જેવો જ હશે. તે આપણી દૃષ્ટિના ઈશ્વરને જુએ એ શક્ય નથી. ધારો કે કોઈ બિલાડીઓ તત્ત્વચિંતક બને તો તે બિલાડીનું વિશ્વ જોશે અને વિશ્વના પ્રશ્નોનો ઉકેલ બિલાડીની દૃષ્ટિએ કરશે; તેનો શાસક પણ મોટો બિલાડો જ હશે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વ વિશેનો આપણો ખુલાસો તે સંપૂર્ણ ખુલાસો નથી, તેમ જ આપણી કલ્પના પણ સમગ્ર વિશ્વને આવરી લેતી નથી. માણસ સાધારણ રીતે જે સ્થિતિ સ્વીકારે છે તે ખૂબ જ આત્મકેન્દ્રી હોય છે; તેનો સ્વીકાર કરવો એ મહાન ભૂલ છે. બહારથી આપણને મળી શકતા વિશ્વના પ્રશ્નના ઉકેલની મુશ્કેલી એ છે કે પ્રથમ તો જે વિશ્વ આપણે જોઈએ છીએ તે આપણું પોતાનું વિશ્વ હોય છે, તત્ત્વ વિષેનો આપણો પોતાનો ખ્યાલ હોય છે. આ તત્ત્વને આપણે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકીએ નહિ, આપણે તેને સમજી શકીએ નહિ. વિશ્વને આપણે પાંચેય ઇન્દ્રિયવાળા પ્રાણીઓના દૃષ્ટિબિંદુથી જ જાણીએ છીએ. ધારો કે આપણને એક વધારે ઇન્દ્રિય મળી; તો આખુંય વિશ્વ આપણે માટે બદલાઈ જવાનું. ધારો કે આપણી પાસે ચુંબકશક્તિ સમજવાની ઇન્દ્રિય આવી, તો સંભવ છે કે અત્યારે આપણે જેને જાણતા નથી અને જેને વિશે આપણી પાસે અત્યારે પ્રત્યક્ષ અનુભવ કે લાગણી નથી, તેવી કરોડો શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે તેમ જાણી શકીશું. આપણી ઇન્દ્રિયોની શક્તિ ઘણી ઓછી છે; ખરેખર તે અતિ મર્યાદિત છે અને આ મર્યાદાઓની અંદર જેને આપણે આપણું વિશ્વ કહીએ છીએ તે અસ્તિત્વ ધરાવે છે અને આપણો ઈશ્વર તે આવા જગતનો ઉકેલ છે; પણ તે આખાય પ્રશ્નનો ઉકેલ હોઈ ન શકે. પરંતુ માણસ ત્યાં જ અટકી જઈ ન શકે. તે વિચારશીલ પ્રાણી છે અને સમગ્ર જગતનું વ્યાપક સ્પષ્ટીકરણ આપે તેવો ઉકેલ મેળવવા તે ચાહે છે. તે એવું જગત જોવા માગે છે, જે માનવીનું, દેવોનું અને બધાં શક્ય પ્રાણીઓનું જગત હોય; અને તે એવી ઇચ્છા રાખે છે કે તે આ બધી ઘટનાઓને સમજાવી શકે તેવો ઉકેલ આપતું હોય.

આપણે જોઈએ છીએ કે પ્રથમ તો આપણે એવું વિશ્વ શોધવું જોઈએ કે તેમાં બધાં વિશ્વોનો સમાવેશ થઈ જાય; આપણે એવું કંઈક શોધવું જોઈએ કે જે અસ્તિત્વની બધી ભૂમિકાઓમાં ઓતપ્રોત થઈ રહેલું હોય; પછી ભલે આપણે તેને ઇન્દ્રિયોથી જોઈ શકીએ કે ન જોઈ શકીએ. જો આપણે એવું કોઈ તત્ત્વ મેળવી શકીએ કે જે જગતની ઊંચી કે નીચી સઘળી ભૂમિકાઓમાં એકસરખી રીતે રહેલું જણાય તો આપણા પ્રશ્નનો ઉકેલ આવી જાય. જો આપણે કેવળ તર્કથી પણ સમજી શકીએ કે બધા અસ્તિત્વનો એક જ પાયો હોવો જોઈએ, તો આપણો પ્રશ્ન થોડેઘણે અંશે ઉકેલની સમીપ પહોંચે. પણ આ ઉકેલ આપણે જે જગત જોઈએ છીએ અને જાણીએ છીએ તે દ્વારા આવી શકે નહિ, કારણ કે તે સમગ્ર તત્ત્વનો એક અધૂરો ખ્યાલ છે.

એટલે આપણી એકમાત્ર આશા વધુ ઊંડા ઊતરવામાં જ રહેલી છે. પ્રાચીન વિચારકો એટલું જોઈ શક્યા હતા કે કેન્દ્રથી તેઓ જેટલા દૂર હોય છે તેટલી વિવિધતા અને ભેદભાવો વધારે સ્પષ્ટ દેખાય છે અને જેટલા તેઓ કેન્દ્રની વિશેષ નિકટ પહોંચે છે તેટલા તેઓ ઐક્યની સમીપ પહોંચે છે. આપણે વર્તુળની મધ્યબિંદુની જેટલા સમીપ હોઈએ તેટલા, જેમાં બધી ત્રિજ્યાઓ મળે છે તે સામાન્ય ભૂમિકાની આપણે વધુ નજીક હોઈએ; અને મધ્યબિંદુથી જેટલા દૂર હોઈએ તેટલી આપણી ત્રિજ્યાઓ બીજા કરતાં વધારે દૂર હોય. બાહ્ય જગત આ મધ્યબિંદુથી બહુ દૂર છે અને તેથી અસ્તિત્વની બધી ઘટનાઓ જેમાં મળે છે તેવું કોઈ સામાન્ય ક્ષેત્ર તેમાં નથી. બહુ તો આ બાહ્ય જગત સમગ્ર ઘટનાનો એક અંશ માત્ર છે. બીજા અંશો – માનસિક, નૈતિક અને બૌદ્ધિક અસ્તિત્વની વિવિધ ભૂમિકાઓ – પણ છે; તેથી તે સમગ્રમાંથી કેવળ એક અંશ લઈને તેના વડે સમગ્રનો ઉકેલ લાવવો તદ્દન અસંભવિત છે. તેથી આપણે પહેલાં એક એવું મધ્યબિંદુ શોધી કાઢવું જોઈએ કે જેમાંથી જાણે કે અસ્તિત્વની બીજી બધી ભૂમિકાઓનો આરંભ થતો હોય; પછી એ બિંદુએ ઊભા રહીને આપણે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મુખ્ય પ્રશ્ન આ જ છે. એ મધ્યબિંદુ ક્યાં છે? એ આપણી અંદર જ છે. પ્રાચીન ઋષિઓ વિચારણામાં ઊંડા ને ઊંડા ઊતરતા ગયા અને આખરે તેઓ જાણી શક્યા કે સમગ્ર વિશ્વનું કેન્દ્ર તો જીવાત્માનું હાર્દ છે. બધી ભૂમિકાઓ આ એક જ બિંદુ તરફ જાય છે. તે જ સામાન્ય ભૂમિકા છે અને ત્યાં ઊભા રહીને જ આપણે એક સામાન્ય ઉકેલ શોધી શકીએ. તેથી જગત કોણે બનાવ્યું તે પ્રશ્ન બહુ તાત્ત્વિક નથી, તેમજ તેના ઉકેલનો પણ કોઈ અર્થ નથી.

આ હકીકત કઠોપનિષદમાં ઘણી આલંકારિક ભાષામાં વર્ણવાયેલ છે. પ્રાચીન કાળમાં એક અતિ ધનવાન માણસ હતો. તેણે એક એવો યજ્ઞ કર્યો કે જેમાં પોતાની પાસે જે કંઈ હોય તે સર્વસ્વ આપી દેવું પડતું. હવે આ માણસ નિખાલસ દિલનો નહોતો. તેને તો યજ્ઞ કર્યાનો યશ અને કીર્તિ મેળવવાં હતાં, દાનમાં તે માત્ર વૃદ્ધ, વસૂકી ગયેલી, આંધળી અને લૂલી ગાયો આપતો હતો કે જે તેને હવે પછી કોઈ ખપની રહી ન હતી. આ ધનિકને નચિકેતા નામે એક પુત્ર હતો. પુત્રે જોયું કે પિતા જે કરવું ઉચિત હતું તે કરતો ન હતો અને યજ્ઞના સંકલ્પનો ભંગ કરતો હતો; પણ પિતાને આ કહેવું કેવી રીતે તે પોતે નક્કી કરી શકતો ન હતો. ભારતમાં સંતાનોને મન માતા-પિતા જીવંત દેવો ગણાય છે. આથી પુત્ર ઘણા જ માનપૂર્વક પિતા પાસે ગયો અને વિનીત ભાવે તેને પૂછ્યુંઃ ‘પિતાજી! આપના યજ્ઞમાં તો સર્વસ્વ આપી દેવાનું છે, તો તમે મને કોને આપવાના છો?’ આ પ્રશ્ન સાંભળી પિતા ખૂબ ગુસ્સે થયા અને જવાબ આપ્યોઃ ‘છોકરા! તું શું કહેવા માગે છે? પિતા પોતાના પુત્રને આપી દે?’ છતાં પુત્રે પિતાને બીજીવાર તથા ત્રીજીવાર પણ એનો એ પ્રશ્ન પૂછ્યો, ત્યારે ક્રોધે ભરાયેલા પિતાએ ઉત્તર આપ્યોઃ ‘તને હું મૃત્યુ (યમને) ને આપું છું!’ અને કથા એમ કહે છે કે એ પુત્ર મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજ પાસે પહોંચ્યો. યમરાજ એ સૌથી પ્રથમ મૃત્યુ પામેલા માનવી હતા. તેઓ સ્વર્ગે ગયા અને સર્વ પિતૃઓના શાસક બન્યા. જે સારા માણસો મૃત્યુ પામે છે તેઓ લાંબા કાળ સુધી તેમની સાથે જઈને રહે છે. તેમના નામના અર્થ (યમ) પ્રમાણે તેઓ ઘણા જ પવિત્ર, શુદ્ધ અને સારા દેવ છે. એટલે પુત્ર યમના લોકમાં ગયો. પરંતુ દેવો પણ ક્યારેક ઘેર હોતા નથી; અને તે કારણે આ છોકરાને ત્રણ દિવસ યમરાજની રાહ જોવી પડી. ત્રણ દિવસ પછી યમરાજ પાછા ફર્યા.

આવીને યમરાજે કહ્યુંઃ ‘હે બ્રાહ્મણ! ત્રણ દિવસ સુધી અન્નજળ વિના અહીં મારી રાહ જોઈને તમે બેસી રહ્યા; વળી તમે તો માનનીય અતિથિ છો! હે બ્રાહ્મણ! તમને મારાં વંદન હો; અને તમારું કલ્યાણ થાઓ. હું ઘેર નહોતો તે માટે મને દુઃખ થાય છે. પણ તેનો બદલો હું વાળી આપીશ. તમારે ત્રણ દિવસ રાહ જોવી પડી છે તો પ્રત્યેક દિવસનું એક એક, એ પ્રમાણે ત્રણ વરદાન તમે માગો.’ એટલે તેણે માગ્યુંઃ ‘પ્રથમ વર એ માગું છું કે, મારા પિતાનો મારા પરનો રોષ શાંત થાય; તે મારા તરફ મમતા બતાવે અને તમારી પાસેથી પાછો જાઉં, ત્યારે મને ઓળખે.’ યમરાજે ‘તથાસ્તુ’ કહ્યું. બીજા વરદાન દ્વારા કયા પ્રકારનો યજ્ઞ કરવાથી લોકો સ્વર્ગમાં જાય છે તે તેને જાણવું હતું. હવે આપણે જોઈ ગયા છીએ કે વેદના સંહિતા વિભાગમાં પ્રાચીનમાં પ્રાચીન વિચાર માત્ર સ્વર્ગનો જ હતો; ત્યાં લોકોને તેજોમય શરીર મળતાં અને તેઓ પિતૃઓ સાથે વસતા. ધીરે ધીરે બીજા વિચારો આવતા ગયા, પણ તેથી કોઈને સંતોષ ન થયો. તેનાથી કંઈક વિશેષ ઉચ્ચની તેઓની આવશ્યકતા જણાઈ. સ્વર્ગનું જીવન આ દુનિયાના જીવન કરતાં કંઈ વિશેષ ફેરફારવાળું ન હોઈ શકે; વધુમાં વધુ, તે એક તંદુરસ્ત શ્રીમંત માનવીનું, વિષયોના આનંદથી ભરેલું, કોઈપણ રોગવિહોણા શરીરવાળું હોઈ શકે. ભલે જરા વધારે ઉચ્ચ કોટિનું, પણ આખરે તો તે આ ભૌતિક જગતમાં જ હોય અને આપણે આ મુશ્કેલીઓ તો જોઈ છે કે બાહ્ય જડ જગત આ પ્રશ્નનો ઉકેલ લાવી શકે તેમ નથી. તે જ કારણે સ્વર્ગ પણ તે ઉકેલ લાવી શકે નહિ. જો આ જડ જગત તે પ્રશ્નનો ઉકેલ લાવી ન શકે તો એવાં અનેક જગતો પણ તેનો ઉકેલ લાવી શકે નહિ, કારણ કે આપણે હંમેશાં એ યાદ રાખવું ઘટે કે જડ પદાર્થ પ્રકૃતિની રચનાનો માત્ર અલ્પમાં અલ્પ ભાગ છે. જે ઘટનાઓ આપણે જોઈએ છીએ, તેમનો વિશાળ ભાગ જડ નથી.

જેમ કે આપણા જીવનની પ્રત્યેક પળમાં બહારની ભૌતિક ઘટનાઓને મુકાબલે વિચાર અને ઊર્મિઓ કેટલો મોટો ભાગ ભજવે છે? જબરદસ્ત પ્રવૃત્તિઓવાળી આ આંતર-દુનિયા કેટલી વિશાળ છે? તેને મુકાબલે ઇન્દ્રિયોનું જગત સાવ નાનું છે. સ્વર્ગની કલ્પનાવાળા ઉકેલમાં પણ આ જ ભૂલ રહેલી છે; તે ભારપૂર્વક કહે છે કે આખુંયે વિશ્વ માત્ર રૂપ, રસ, સ્પર્શ વગેરેમાં સમાઈ જાય છે. આથી સ્વર્ગનો આ વિચાર સર્વને પૂર્ણ સંતોષ આપી ન શક્યો. છતાં, નચિકેતા બીજા વરદાન તરીકે એક એવા યજ્ઞ અંગે જાણવા માગે છે કે જે વડે લોકો સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે. વેદમાં એક એવો ખ્યાલ હતો કે આવા યજ્ઞો દેવોને સંતોષ આપે છે અને મનુષ્યોને સ્વર્ગે લઈ જાય છે.

બધા ધર્મોના અભ્યાસ પરથી તમે જોઈ શકશો કે જે કાંઈ પુરાણું છે તે પવિત્ર બની જાય છે. દાખલા તરીકે ભારતમાં અમારા વડવાઓ ભોજપત્ર ઉપર લખતા; સમય જતાં તેઓ કાગળ બનાવતાં શીખ્યા, છતાં ભોજપત્ર હજુ પણ પવિત્ર લેખાય છે. પ્રાચીન કાળમાં જેમાં તેઓ રસોઈ કરતા તે વાસણોમાં સુધારો થયો ત્યારે તે પુરાણાં વાસણો પવિત્ર બન્યાં. આ ભાવના ભારત જેટલી બીજે ક્યાંય પણ સાચવી રાખવામાં આવી નથી. લાકડાના બે ટુકડાને ઘસીને અગ્નિ પ્રગટાવવાની નવથી દસ હજાર વર્ષની પ્રાચીન રીત, હજુ અનુસરવામાં આવે છે. યજ્ઞ વખતે અગ્નિ પ્રગટાવવાની બીજી કોઈ રીત ચાલી શકતી નથી. એશિયાના આર્યોની બીજી શાખાનું પણ આ જ પ્રમાણે છે. તેમના વર્તમાન વંશજો હજુ પણ આકાશી વિદ્યુતમાંથી અગ્નિ મેળવવા ઇચ્છે છે; તે બતાવે છે કે અગાઉ તેઓ આમ જ અગ્નિ પ્રગટાવતા હતા. બીજા રિવાજો તેઓ શીખ્યા તો પણ તેમણે પુરાણી પ્રથાઓ જાળવી રાખી અને પછીથી તે પવિત્ર બની. હિબ્રૂ લોકોનું પણ આમ જ છે. પૂર્વે તેઓ ચર્મપત્ર ઉપર લખતા; હવે તેઓ કાગળ ઉપર લખે છે, છતાં ચર્મપત્ર પવિત્ર લેખાય છે. દરેક પ્રજા વિષે આમ જ હોય છે. દરેક વિધિ કે જેને તમે આજે પવિત્ર માનો છો, તે માત્ર પુરાણી રીત હતી. વૈદિક યજ્ઞો પણ આ પ્રકારના હતા. સમય જતાં જ્યારે જીવન જીવવાની વિશેષ સારી પદ્ધતિઓ જડી, ત્યારે તેઓના વિચારોમાં ઘણો સુધારો થયો, છતાં આ પુરાણી પદ્ધતિઓ ટકી રહી અને અવારનવાર તે આચરણમાં મુકાતાં પવિત્રતાની સૂચક બની.

પછી થોડાક માણસોએ આ યજ્ઞોને ધંધો બનાવ્યો. તેઓ પુરોહિતો હતા; તેમણે યજ્ઞો અંગે ઘણી યોજનાઓ વિચારી અને યજ્ઞો જ તેમને માટે સર્વસ્વ બન્યા. યજ્ઞોની સૌરભ લેવા દેવો આવવા લાગ્યા અને દુનિયામાં બધું જ યજ્ઞની શક્તિથી મળે તેમ મનાવા લાગ્યું. જો યજ્ઞોમાં અમુક બલિદાનો કે આહુતિઓ અપાય, અમુક મંત્રો બોલાય અને ચોક્કસ આકારની વેદીઓ બનાવાય તો દેવો સઘળું આપે. આથી જ નચિકેતા પૂછે છે કે કયા પ્રકારના યજ્ઞથી માણસ સ્વર્ગે જઈ શકે. આ બીજું વરદાન પણ યમરાજે ખુશીથી આપ્યું અને તે યજ્ઞ હવેથી નાચિકેતયજ્ઞ તરીકે ઓળખાશે તેવું પણ વચન આપ્યું.

આ પછી આવે છે ત્રીજું વરદાન; અને ત્યાંથી જ ખરું ઉપનિષદ શરૂ થાય છે. નચિકેતા કહે છેઃ ‘આ એક મુશ્કેલી છે; જ્યારે માણસ મરી જાય છે ત્યારે કેટલાકો કહે છે કે તે રહે છે, જ્યારે કેટલાકો કહે છે કે તે નથી રહેતો. તમારા ઉપદેશ દ્વારા હું આ સત્ય જાણવા માગું છું.’ આથી યમરાજને મૂંઝવણ થઈ. પ્રથમ બે વરદાન આપવામાં તેમને ખૂબ આનંદ થયો હતો; પણ હવે તેમણે કહ્યુંઃ ‘પ્રાચીન કાળમાં આ બાબતમાં દેવો પણ મૂંઝાયા હતા. આ સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજાય તેવો નથી. હે નચિકેતા! તું બીજો કોઈ વર માગ. આનો આગ્રહ છોડી દઈને મને આમાંથી તું મુક્ત કર.’

પણ નચિકેતાનો તો દૃઢ નિશ્ચય હતો. તેણે કહ્યુંઃ ‘હે (મૃત્યુદેવ) યમરાજ! તમે જે કહ્યું કે દેવોને પણ આ વિશે શંકા હતી તે સત્ય છે. વળી આ સહેલાઈથી સમજાય તેવો વિષય પણ નથી. પણ આપના જેવો બીજો ઉપદેશક મને મળશે નહિ અને આના તુલ્ય બીજો કોઈ વર મારા માટે નથી.’

યમરાજે કહ્યુંઃ ‘હે નચિકેતા! સો વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે તેવા પુત્રો તથા પૌત્રો માગ; પુષ્કળ ગાયો, હાથી, સુવર્ણ અને અશ્વો માગ; આ પૃથ્વીનું સામ્રાજ્ય માગ અને તને ઠીક પડે તેટલું દીર્ઘ આયુષ્ય ભોગવ; અગર લક્ષ્મી અને દીર્ઘ આયુષ્ય કે તને જે યોગ્ય લાગે તે બીજું વરદાન માગ. અથવા હે નચિકેતા! આ પૃથ્વી ઉપરનો તું રાજા થા. હું તારી સઘળી ઇચ્છાઓ પૂરી પડે એવું કરી આપીશ. આ પૃથ્વી પર ઘણી મુશ્કેલીથી મળી શકે તેવી કામ્ય વસ્તુઓ માગ. મનુષ્યને માટે દુર્લભ તેવી આ સ્વર્ગની સુંદરીઓ, રથ, ગીતવાદ્યો બધું જ તારું છે; તેનો તું ઉપભોગ કર. પણ હે નચિકેતા! મૃત્યુ પછી શું થાય છે એ પ્રશ્ન પૂછ નહિ.’

નચિકેતાએ કહ્યુંઃ ‘હે મહારાજ! આ બધી વસ્તુઓ ક્ષણભંગુર છે; તેઓ બધી ઇન્દ્રિયોના તેજનો નાશ કરે છે. દીર્ઘમાં દીર્ઘ આયુષ્ય પણ અનંત કાળની તુલનામાં ટૂંકું છે. આ અશ્વો અને રથો, નૃત્ય અને સંગીત તમારી પાસે જ રહેવા દો. વિત્તથી મનુષ્યને સંતોષ થતો નથી. તમારું દર્શન પામ્યા પછી શું અમે વિત્ત રાખી શકીએ? તમારી ઇચ્છા હોય ત્યાં સુધી જ અમે જીવી શકીએ. મેં તો જે વરદાન માગ્યું છે તે જ હું પસંદ કરું છું.’

યમરાજ આ ઉત્તરથી ખુશી થયા અને કહ્યુંઃ ‘હે નચિકેતા! પૂર્ણતા (શ્રેય) એક વસ્તુ છે અને ભોગ (પ્રેય) બીજી વસ્તુ છે. આ બન્નેના હેતુ જુદા હોઈ તે જુદી જુદી રીતે માનવીને પ્રવૃત્તિમાં રોકી રાખે છે. જે શ્રેયને વરે છે તે પવિત્ર બને છે; જે પ્રેયને વરે છે તે સાચા લક્ષ્યથી ભ્રષ્ટ થાય છે. શ્રેય અને પ્રેય બંને મનુષ્ય સામે આવી હાજર થાય છે. વિવેકી પુરુષ બંનેની પરીક્ષા કરી, એકબીજા વચ્ચેનો તફાવત સમજે છે અને પ્રેય કરતાં શ્રેય શ્રેષ્ઠ છે તેમ જાણીને શ્રેયને પસંદ કરે છે. પણ મૂર્ખ માણસ પોતાના દેહના આનંદને માટે પ્રેયને પસંદ કરે છે. હે નચિકેતા! દેખાવમાં ગમી જાય ને ઇચ્છવા યોગ્ય લાગે તેવા વિષયો ઉપર વિચાર કરીને તેં વિવેકપૂર્વક તેનો ત્યાગ કર્યો છે.’ ત્યાર પછી યમરાજ નચિકેતાને ઉપદેશ આપવા લાગ્યા.

અહીં હવે આપણને ત્યાગનો અને વૈદિક નીતિધર્મનો એક ખૂબ વિકાસ પામેલો વિચાર મળે છે કે જ્યાં સુધી માનવે ભોગવિલાસની પોતાની બધી વાસનાઓને જીતી નથી ત્યાં સુધી તે સત્યનો પ્રકાશ પામશે નહિ. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોની આ મિથ્યા તૃષ્ણાઓ તોફાન મચાવી રહી છે અને જાણે કે પ્રત્યેક પળે આપણને બહાર ઘસડી જતી લાગે છે અને આપણે ગમે તેટલો દાવો કરતા હોઈએ તો પણ આપણને થોડાક રૂપનો, થોડાક રસનો, થોડાક સ્પર્શનો – દરેક બાહ્ય વસ્તુનો દાસ બનાવે છે, તે સ્થિતિમાં આપણા હૃદયમાં સત્ય શી રીતે પ્રકાશ પામે?

યમરાજે કહ્યુંઃ ‘જે ઇન્દ્રિયોથી પર છે, તે સંપત્તિની ઇચ્છાથી ભ્રમિત બનેલા અજ્ઞાની બાલમાનવના મન આગળ કદીય પ્રગટ ન થાય. આ લોક જ છે અને પરલોક નથી એવું માનનારા તે લોકો વારંવાર મારી સત્તા હેઠળ આવે છે. આ સત્યને સમજવું ઘણું મુશ્કેલ છે. ઘણાઓ તેનું સતત શ્રવણ કર્યા છતાં તેને સમજી શકતા નથી, કારણ કે આ સત્યનો વકતા અદ્ભુત હોવો જોઈએ, તેવો શ્રોતા જ હોવો જોઈએ, ગુરુ અદ્ભુત હોવો જોઈએ તેમજ શિષ્ય પણ તેવો જ હોવો જોઈએ. વળી મનને પણ મિથ્યા તર્કથી ચલવિચલ નહિ કરવું જોઈએ, કારણ કે તે તર્કનો વિષય નથી, પણ અનુભવનો વિષય છે.’ આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ કે પ્રત્યેક ધર્મ આપણને શ્રદ્ધા રાખવાનો આગ્રહ કરે છે. આપણને અંધશ્રદ્ધાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ અંધશ્રદ્ધાનો ખ્યાલ જરૂર વાંધાભર્યો છે; પરંતુ પૃથક્કરણ કરતાં જણાશે કે તેની પાછળ પણ એક મહાન સત્ય રહેલું છે. તેનો ખરો અર્થ શો છે તેની આલોચના હવે આપણે કરીએ. મનને મિથ્યા તર્કથી બહેકવા દેવું ન જોઈએ, કારણ કે ઈશ્વરને જાણવામાં તર્ક આપણને સહાયભૂત નહિ થાય. તે અનુભવનો પ્રશ્ન છે, તર્કનો નહિ. બધી દલીલો અને બધા તર્કો અમુક અનુભવો ઉપર રચાયેલા હોવા જોઈએ; તે સિવાય કોઈ દલીલ થઈ શકે નહિ. આપણે જાણેલી અમુક હકીકતો વચ્ચે તુલના કરવાની પદ્ધતિને તર્ક કહે છે. જો આ પ્રત્યક્ષ હકીકતો હાજર ન હોય તો કોઈ તર્ક થઈ શકે નહિ. જો બાહ્ય ઘટનાઓ અંગે આ બાબત સાચી હોય, તો પછી આંતર ઘટનાઓ અંગે તે સાચી કેમ ન હોય? રસાયણશાસ્ત્રી અમુક રસાયણો હાથ ધરે છે અને તેમાંથી અમુક પરિણામો આવે છે; આ એક હકીકત છે. તમે તેને જુઓ છો, તેનો અનુભવ કરો છો અને તમારી બધી રાસાયણિક દલીલો માટે તેને ભૂમિકા બનાવો છો. પદાર્થવિજ્ઞાન અંગે તેમજ બીજાં વિજ્ઞાનોની બાબતમાં પણ એમ જ છે. બધું જ્ઞાન ચોક્કસ હકીકતોના અનુભવ ઉપર આધારિત હોવું જોઈએ અને તેના ઉપર આપણે આપણા તર્કો રચવા જોઈએ. પણ વિચિત્ર વાત તો એ છે કે માનવજાતનો મોટોભાગ – ખાસ કરીને આધુનિક યુગમાં – એમ વિચારે છે કે ધર્મમાં આવો કોઈ પ્રત્યક્ષ અનુભવ શક્ય નથી, ધર્મ તો ખાલી દલીલોથી જ સમજી શકાય અને તેથી આપણને કહેવામાં આવ્યું છે કે મનને વ્યર્થ દલીલોથી ચલિત કરો નહિ. ધર્મ એ અનુભવનો વિષય છે, ચર્ચાનો નથી. આપણે આપણા અંતરાત્માનું પૃથક્કરણ કરીને ત્યાં શું છે તે શોધવાનું છે. આપણે તે સમજવું જોઈએ અને જે સમજાયું હોય તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ; આનું નામ છે ધર્મ. વાતો ગમે તેટલી કરો પણ તેથી ધર્મ આવશે નહિ. તેથી ઈશ્વર છે કે નહિ તે પ્રશ્ન દલીલોથી કદી સાબિત નહિ થાય, કારણ કે એક પક્ષે જેટલી દલીલો છે તેટલી જ બીજે પક્ષે પણ છે. પણ જો ઈશ્વર હોય તો તે આપણા પોતાના હૃદયમાં જ હોય. તમે તેને કદી જોયો છે? આ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે કે નહિ તે પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી અને આદર્શવાદીઓ તેમજ વાસ્તવવાદીઓ વચ્ચેની ચર્ચાનો કોઈ અંત નથી. છતાં પણ આપણે જાણીએ છીએ કે જગત છે અને તે ચાલ્યા કરે છે; આપણે માત્ર શબ્દોના અર્થમાં ફેરફાર કરીએ છીએ. આમ જીવનના બધા પ્રશ્નો પરત્વે આપણે મૂળ હકીકત ઉપર આવવું જોઈએ. બાહ્ય વિષયોના વિજ્ઞાનની માફક કેટલીક એવી ધાર્મિક હકીકતો છે કે જેમનો આપણે અનુભવ કરવો જોઈએ; તેમના ઉપર જ ધર્મ રચાશે. અલબત્ત એવો અતિ-આગ્રહી દાવો કરવો કે ધર્મનું પ્રત્યેક વિધાન તમારે સ્વીકારવું જ પડે, તે તો માનવીના માનસને હીન બનાવવા જેવું છે. જે માણસ તમને બધું જ માની લેવાનું કહે છે તે પોતાને તો નીચો પાડે જ છે, પણ જો તમે તે બધું માનો તો તમને પણ નીચા પાડે છે. જગતના ઋષિઓને તો એટલું જ કહેવાનો અધિકાર છે કે તેમણે પોતાના મનનું પૃથક્કરણ કરીને આ હકીકતો શોધી કાઢી છે અને આપણે તેમ કરીને શોધી કાઢીશું ત્યારે આપણે પણ તેમાં માનીશું, તે પહેલાં નહિ. ધર્મમાં જે કંઈ છે તે આટલું જ છે. પણ તમારે હંમેશાં આ યાદ રાખવું કે, જે લોકો ધર્મની ઉપર આક્ષેપ મૂકે છે તેમાંથી ૯૯.૯ ટકા માનવીઓએ પોતાના મનનું કદી પૃથક્કરણ કર્યું નથી હોતું, સત્ય હકીકત મેળવવા કદીયે તેમણે પ્રયત્ન કર્યો નથી હોતો. જેમ ‘સૂર્યના અસ્તિત્વમાં માનનારા તમો બધા મૂર્ખા છો’ તેવાં આંધળા માનવીનાં વચનો સાંભળીને આપણને કંઈ અસર થતી નથી, તેમ આવા લોકોની ધર્મ સામેની દલીલોમાં કાંઈ વજૂદ નથી.

અનુભૂતિના આ એક મહાન વિચારને સમજીને તેને વળગી રહેવાનું છે. આપણે જ્યારે સમજીશું કે ધર્મ કોઈ મંદિરો અગર પુસ્તકોમાં નથી, માત્ર ત્યારે જ ધર્મોના આ ગોટાળા, ઝઘડાઓ અને ભેદભાવો અદૃશ્ય થશે. તે એક પ્રત્યક્ષ અનુભવ છે. જે માણસે ઈશ્વરને અને આત્માને ખરેખર જાણ્યો છે તેને જ ધર્મ પ્રાપ્ત થયો છે. ધર્મ ઉપર અનર્ગળ પ્રવચન કરી શકે તેવા મોટામાં મોટા શાસ્ત્રવિશારદ અને નીચામાં નીચા અજ્ઞાની જડવાદી વચ્ચે ખરેખરો તફાવત નથી. આપણે બધા નાસ્તિકો છીએ, તે આપણે કબૂલ કરીએ. કેવળ બૌદ્ધિક સ્વીકાર આપણને ધાર્મિક નથી બનાવતો. એકાદ ખ્રિસ્તી કે મુસ્લિમ અગર દુનિયાના કોઈપણ ધર્મના અનુયાયીને જુઓ. જે માણસે ‘ગિરિ પ્રવચન’નાં સત્યનો ખરેખર અનુભવ કર્યો હશે તે પૂર્ણ થઈને તત્કાળ દેવ બની જવાનો. છતાં કહેવાય છે કે દુનિયામાં લાખો ખ્રિસ્તીઓ છે. તેનો અર્થ એ છે કે માનવજાત કોઈક કાળે કદાચ તે પ્રવચનને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી શકે, પણ અત્યારે તો કરોડોમાંથી એક પણ સાચો ખ્રિસ્તી નથી.

એમ કહેવાય છે કે ભારતમાં ત્રીસ કરોડ વેદાંતીઓ છે, પણ તેઓ પૈકી ખરેખર ધર્મનો અનુભવ કર્યો હોય એવો હજારે એક પણ નીકળે તો આ દુનિયા એકદમ બદલાઈ જાય. આપણે બધા જ નાસ્તિકો છીએ અને છતાંયે જે સ્પષ્ટ રીતે તે કબૂલ કરે છે તેની સાથે આપણે ઝઘડો કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે બધા જ અંધકારમાં છીએ; આપણે માટે ધર્મ એક બૌદ્ધિક સ્વીકાર માત્ર છે, કેવળ વાતો જ છે, બીજું કંઈ જ નથી. જે માણસ ધર્મની વાતો સુંદર રીતે કરી શકે છે તેને આપણે ઘણીવાર ધાર્મિક માની લઈએ છીએ; પણ તે ખરેખર ધર્મ નથી. ‘શબ્દોની જોડણી કરવાની અદ્ભુત શૈલી, કવિત્વશક્તિ અને શાસ્ત્રોનું જુદી જુદી રીતે નિરૂપણ કરવાની આવડત; આ બધું વિદ્વાનના આનંદ માટે છે; એ ધર્મ નથી.’ જ્યારે આપણા આત્મામાં આવો સાચો અનુભવ થવા માંડે ત્યારે જ ધર્મ આવે છે; જ્યારે ધર્મની ઉષા ઊગશે ત્યારે જ આપણે નીતિમાન બનીશું. અત્યારે તો આપણે પશુઓ કરતાં જરાયે વધારે નીતિમાન નથી. માત્ર સમાજના ચાબખાથી આપણે કાબૂમાં રહીએ છીએ. જો સમાજ આજે કહે કે ‘તમે ચોરી કરશો તો પણ હું તમને સજા નહિ કરું’ તો આપણે એકબીજાની મિલકત ઉપર તરાપ મારીશું. આ તો પોલીસ આપણને નીતિમાન બનાવે છે, સમાજનો અભિપ્રાય આપણને નીતિમાન બનાવે છે; ખરેખર તો આપણે પશુઓ કરતાં ભાગ્યે જ સારા છીએ. આ બધું કેટલું ખરું છે તે આપણા હૃદયના ઊંડાણમાં આપણે બરાબર સમજીએ છીએ; માટે આપણે દંભી ન થઈએ. આપણે કબૂલ કરીએ કે આપણે પોતે ધાર્મિક નથી અને તેથી બીજાને ઉતારી પાડવાનો આપણને અધિકાર નથી. આપણે બધા ભાઈઓ છીએ; જ્યારે આપણે ધર્મ પ્રાપ્ત કર્યો હશે ત્યારે જ આપણે ખરા નીતિમાન થઈશું.

જો તમે કોઈ દેશ જોયો હોય અને કોઈ માણસ તમે તે નથી જોયો તેમ કહેવાની ફરજ પાડે, તો પણ તમે તમારા અંતરમાં જાણો જ છો કે તમે તે દેશ જોયેલો છે. તે પ્રમાણે જ જ્યારે તમે બાહ્ય જગત કરતાંય ધર્મ અને ઈશ્વરને વધુ સ્પષ્ટ રીતે જોશો, ત્યારે કોઈ તમારી શ્રદ્ધા ડગાવી શકશે નહિ. ત્યારે જ તમારી શ્રદ્ધા સાચી હશે. તમારા બાઇબલમાંના શબ્દો કે ‘જેની પાસે રાઈના દાણા જેટલી પણ શ્રદ્ધા છે’ – તેનો અર્થ પણ આ છે. ત્યારે તમે સત્યને જાણશો કારણ કે તમે પોતે જ સત્ય સ્વરૂપ બન્યા હશો.

વેદાંતનો મૂળમંત્ર આ છેઃ ધર્મનો અનુભવ કરો, વાતો કરવાથી કંઈ વળશે નહિ. પણ અનુભવ કરવો બહુ મુશ્કેલ છે. આ પુરાણ પુરુષ કે જે દરેકની હૃદયગુહામાં વસે છે તેણે પોતાની જાતને અણુમાં છુપાવી રાખી છે. ઋષિઓએ આત્મનિરીક્ષણની શક્તિથી તેનો સાક્ષાત્કાર કર્યો અને સુખ તથા દુઃખથી, આપણે જેને પાપ-પુણ્ય કહીએ છીએ તેથી, શુભ અને અશુભ કર્મોથી, તથા અસ્તિત્વ અને નાસ્તિત્વથી પણ પર ગયા. જેણે એ પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, તેણે જ તત્ત્વનો અનુભવ કર્યો છે. પણ તો પછી સ્વર્ગનું શું? સ્વર્ગ એટલે દુઃખ વિનાનું સુખ. એટલે કે આપણને જે જોઈએ છે તે આ જીવનનાં બધાં દુઃખો બાદ કરીને જીવનનો આનંદ. જરૂર, આ વિચાર ઘણો સારો છે; તે સ્વાભાવિક રીતે જ આવે છે. પણ તે પહેલેથી છેલ્લે સુધી ભૂલભરેલો છે, કારણ કે સંપૂર્ણ સારી કોઈ જ વસ્તુ નથી, તેમજ સંપૂર્ણ ખરાબ એવી પણ કોઈ જ વસ્તુ નથી.

તમે રોમના પેલા ધનાઢ્ય માનવીની વાત તો સાંભળી હશે. એક દિવસ તેને એકાએક ખબર પડી કે પોતાની પાસે માત્ર દશ લાખ પૌંડ જ બાકી રહ્યા હતા. તેને થયુંઃ ‘કાલે હું શું કરીશ?’ અને તરત જ તેણે આપઘાત કર્યો. દશ લાખ પૌંડની સંપત્તિ પણ તેને મન ગરીબાઈ લાગી. આનંદ શું છે અને શોક શું છે? તે નિરંતર બદલાયે જતી વસ્તુ છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને એમ થતું કે જો હું ઘોડાગાડી હાંકનાર થાઉં અને ચારે બાજુ ગાડી હાંકી શકું તો કેવું સારું! મારી સુખની કલ્પનાનું તે ઊંચામાં ઊંચુ શિખર હતું. પણ આજે હું તેમ માનતો નથી. તમે કયા આનંદને વળગી રહેશો? આ એક એવો મુદ્દો છે કે જે આપણે બધાએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને એક એ જ વહેમ એવો છે કે જે આપણને સહુથી છેલ્લે છોડે છે. પ્રત્યેક વ્યક્તિની આનંદની કલ્પના ભિન્નભિન્ન હોય છે. મેં એક એવા માણસને જોયો છે જે, જ્યાં સુધી અફીણની એક ગોળી ન ચડાવે ત્યાં સુધી તેને ચેન ન પડે; તેની સ્વર્ગની કલ્પના કદાચ એવી હોય કે જ્યાંની સઘળી જમીન કેવળ અફીણની બની હોય. પણ મારે માટે તો તે ઘણું ખરાબ સ્વર્ગ બને. અરબી કાવ્યોમાં આપણે વારેવારે સુંદર સ્વર્ગનાં એવાં વર્ણનો વાંચીએ છીએ કે જ્યાં સુંદર બગીચાઓ હોય તથા તેમાં થઈને નદીઓ વહેતી હોય. મારી જિંદગીનો મોટોભાગ મેં એવા દેશમાં કાઢ્યો છે કે જ્યાં પાણી પુષ્કળ છે; ત્યાં દર વર્ષે ઘણાં ગામડાં પાણીના પૂરમાં તણાઈ જાય છે અને હજારો લોકો પૂરનો ભોગ બને છે. તેથી મારું સ્વર્ગ જ્યાં બગીચાઓમાં નદીઓ વહ્યા કરતી હોય એવું નહિ હોય. મારે એવી ભૂમિ જોઈશે કે જ્યાં વરસાદ બહુ થોડો પડતો હોય.

આપણા આનંદની કલ્પનાઓ સર્વદા બદલાતી રહે છે. જો કોઈ યુવાન સ્વર્ગનું સ્વપ્ન દેખે તો તે એવું સ્વર્ગ દેખશે કે જ્યાં તેને સુંદર પત્ની મળે; તે જ માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેને પત્ની જોઈતી નથી હોતી. આપણી જરૂરિયાતો આપણું સ્વર્ગ રચે છે અને એ જરૂરિયાતો બદલાતી જાય તે પ્રમાણે સ્વર્ગ બદલાય છે. ઇન્દ્રિયોના ઉપભોગને સર્વસ્વ માનનારાઓ જે પ્રકારનું સ્વર્ગ ઇચ્છે છે, તેવું સ્વર્ગ જો આપણને મળે તો આપણે પ્રગતિ કરી શકીએ નહિ; આત્મા ઉપર તે એક પ્રકારના કારમા શાપ જેવું નીવડે. થોડુંક રોવું, થોડુંક નાચવું-કૂદવું અને પછી કૂતરાને મોતે મરી જવુંઃ શું આપણે આટલું જ સાધવાનું છે? જો તમે આવી વસ્તુઓની આશા રાખો તો માનવજાત ઉપર તમે કેવો શાપ વરસાવો! તમે જ્યારે આ દુનિયાના આનંદો માટે પોકાર કરો છો ત્યારે તમે આમ જ કરો છો, કારણ કે સાચો આનંદ શું છે તે તમે જાણતા નથી. તત્ત્વજ્ઞાન જેના ઉપર ભાર મૂકે છે, તે આનંદનો ત્યાગ કરવા ઉપર નહિ પણ આનંદ ખરેખર શું છે તે જાણવા ઉપર. નોર્વેના લોકોનું સ્વર્ગ એક ભયંકર રણક્ષેત્ર છે, જ્યાં તેઓ બધા ઓડીન દેવ પાસે બેસે છે. તેઓ જંગલી સૂવરનો શિકાર કરે છે, પછી તેઓ યુદ્ધે ચડે છે અને એકબીજાને કાપી નાખે છે. પણ એક અગર બીજી રીતે થોડાક કલાકના યુદ્ધ પછી બધાના ઘા રૂઝાઈ જાય છે અને પછી શેકેલ સૂવરની મોટી મિજબાની ઉડાવવા તેઓ એક ખંડમાં પહોંચી જાય છે. અહીં પેલું જંગલી સૂવર ફરી જીવતું થાય છે અને બીજે દિવસે શિકાર બનવા માટે તૈયાર રહે છે. આ વસ્તુ મોટે અંશે આપણા સ્વર્ગ જેવી જ છે, તેનાથી લેશમાત્ર ઊતરતી નથી; માત્ર આપણા વિચારો કદાચ વિશેષ સંસ્કારી હોય એટલું જ. નોર્વેજિયન લોકો જેમ માને છે કે જંગલી સૂવરનો રોજ શિકાર કરીને તેને ખાધા પછી બીજે દિવસ તે પાછું સજીવન થાય છે, તેમ આપણે પણ જંગલી સૂવરનો શિકાર કરવો છે અને એવે સ્થળે જવું છે કે જ્યાં સતત આનંદ જ મળ્યા કરે.

હવે તત્ત્વજ્ઞાન ભારપૂર્વક કહે છે કે એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો આનંદ તે હોઈ ન શકે. છતાં વેદાંત બતાવે છે કે અહીંના જીવનમાં જે આનંદ મળે છે તે સાચા આનંદનો એક અંશમાત્ર છે; કારણ કે એ જ એકમાત્ર સાચો આનંદ છે. ભલે ઢંકાયેલો હોય, ભલે તેના વિશે ગેરસમજ થયેલી હોય અને ભલે તેને બેહૂદો ચીતરવામાં આવ્યો હોય, છતાં પણ પ્રત્યેક પળે આપણે ખરેખર તો તે જ પૂર્ણ આનંદ ભોગવીએ છીએ. જ્યાં જ્યાં કંઈ પણ કલ્યાણ છે, સુખ છે, આનંદ છે, ભલે તે ચોરીનો આનંદ હોય, પણ દર વખતે તે જ પૂર્ણ આનંદ બહાર આવે છે. માત્ર અનેક જાતની બહારની પરિસ્થિતિને કારણે તે ઢંકાયેલો છે, જાણે કે ખીચડો થઈને રહ્યો છે, તેના વિશે ગેરસમજ ઊભી થયેલી છે. પણ તેને સમજવા માટે આપણે પ્રથમ ત્યાગના વિચારોમાંથી પસાર થવું પડશે, ત્યાર પછી સાચા આનંદનો આરંભ થશે. આપણે અજ્ઞાનનો અને જે કંઈ મિથ્યા છે તેનો ત્યાગ કરવો જોઈશે; તે પછી જ સત્ય આપણી પાસે પ્રગટ થશે. જ્યારે આપણે સત્યને પકડી શકીશું ત્યારે જે વસ્તુઓનો પ્રથમ આપણે ત્યાગ કર્યો છે તે નવો આકાર અને નવું સ્વરૂપ ધારણ કરશે, નવા પ્રકાશમાં દેખાશે અને દિવ્ય બનશે. આમ જ્યારે આપણે તેમને ઉચ્ચ સ્વરૂપ આપીશું ત્યારે જ આપણે તેમને સાચા સ્વરૂપમાં સમજીશું. પણ તેમને સમજવા માટે આપણે પ્રથમ સત્યની ઝાંખી કરવી પડશે. પ્રથમ તો આપણે તેમનો ત્યાગ કરવો પડશે અને પછી તે દિવ્ય બનીને આપણને પાછી મળશે. આપણે આપણાં બધાં દુઃખ, શોક અને તુચ્છ આનંદનો ત્યાગ કરવો પડશે.

सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति।

यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥

(કઠોપનિષદ – ૧.૨.૧૫)

‘જેનું બધા વેદો પ્રતિપાદન કરે છે અને બધાં તપો જેને હર્ષથી આવકારે છે, જેને પ્રાપ્ત કરવા માનવ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે તમને હું એક શબ્દમાં જ કહું છું. તે ‘ૐ’ છે.’ તમે વેદોમાં આ ‘ૐ’ શબ્દની ઘણી પ્રશંસા જોશો; તે શબ્દને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

‘શરીરનું મૃત્યુ થયા પછી માનવનું શું થાય છે?’ આ પ્રશ્નનો યમરાજ હવે ઉત્તર આપે છે.

न जायते म्रियते वा विपश्चिन्नायं कुतश्चिन्न बभूव कश्चित्।

अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥

(કઠોપનિષદ – ૧.૨.૧૮)

‘જ્ઞાનસ્વરૂપ આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી; તે કશામાંથી ઉત્પન્ન થતો નથી અને તેમાંથી કંઈ ઉત્પન્ન થતું નથી; જન્મરહિત, નિત્ય, શાશ્વત એવા આ પુરાણ પુરુષનો શરીરના નાશની સાથે કદી નાશ થતો નથી. જો હણનાર એમ માને કે તે હણે છે અને હણાયેલ એમ માને છે કે પોતે હણાયો છે, તો તે બન્ને સત્યને જાણતા નથી, કારણ કે આત્મા કદી હણતો નથી કે હણાતો નથી.’ આ અત્યંત મહત્ત્વનું વિધાન છે! પ્રથમ પંક્તિમાં જે ‘જ્ઞાન સ્વરૂપ’ વિશેષણ વાપર્યું છે, તે ઉપર હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. જેમ આપણે આગળ વધીશું તેમ આપણને જણાશે કે વેદાંતનો આદર્શ એ છે કે, સર્વ જ્ઞાન અને સર્વ પવિત્રતા આત્મામાં પહેલેથી જ રહેલાં છે. માત્ર ક્યાંક ઓછાં પ્રગટ થયાં હોય, તો ક્યાંક વધારે. તફાવત માત્ર એટલો જ છે. આખીય સૃષ્ટિમાં માનવી માનવી વચ્ચેનો અને બધી વસ્તુઓ વચ્ચેનો ભેદ માત્ર પ્રમાણનો છે, સ્વરૂપનો નહિ. દરેકની પશ્ચાદ્ભૂમિકા, દરેકનું સત્ય તો તે જ શાશ્વત, સદા આનંદમય, નિત્ય શુદ્ધ, નિત્ય પૂર્ણ તત્ત્વ છે – અને તે આત્મા છે. સંતમાં અને પાપીમાં, સુખી તેમજ દુઃખી માનવીમાં, સુંદરમાં અને કુરૂપમાં, માનવમાં અને પશુમાં, સર્વત્ર એ એક જ આત્મા રહેલો છે. તે જ્યોતિર્મય છે. ભેદ માત્ર પ્રગટ થવાની શક્તિને કારણે ઉત્પન્ન થાય છે. કેટલાકમાં તે વિશેષ રીતે પ્રગટ થાય, કેટલાકમાં ઓછો; પણ પ્રાકટ્યનો આ ભેદ આત્મા ઉપર કોઈ અસર કરતો નથી. જો પહેરવેશમાં એક માણસ પોતાના દેહને બીજાના કરતાં વિશેષ ખુલ્લો રાખે, તો તેથી શરીરમાં તફાવત પડતો નથી; તફાવત તેના પોશાકમાં છે. આપણે અહીં એટલું યાદ રાખીએ કે સમગ્ર વેદાંતદર્શનમાં સારી કે ખરાબ એવી કોઈ વસ્તુ નથી; તેમનું કોઈ પૃથક્ અસ્તિત્વ નથી. એક જ વસ્તુ સારી કે ખરાબ હોઈ શકે; તફાવત માત્ર પ્રમાણનો જ છે. જેને હું આજે આનંદપ્રદ લેખું, તેને જ આવતીકાલે વિશેષ સારા સંજોગોમાં કદાચ દુઃખમય લેખું. જે અગ્નિ આપણને ઉષ્મા આપે છે, તે જ અગ્નિ આપણને બાળી પણ શકે છે; તેમાં અગ્નિનો દોષ નથી. આમ આત્મા શુદ્ધ અને પૂર્ણ હોઈને, જે માણસ અશુભ કર્મ કરે છે, તે પોતાની જાતને છેતરે છે. તે પોતાના આત્માના સ્વભાવને જાણતો નથી. ખૂનીમાં પણ તે જ શુદ્ધ આત્મા છે; તે મરતો નથી. તે પોતાને પ્રગટ ન કરી શક્યો તેમાં તેની ભૂલ છે; તેણે તેને ઢાંકી દીધો હતો. તેમ જ જે માણસ એમ માને છે કે પોતે હણાયો છે, તેનો આત્મા હણાતો નથી, તે નિત્ય છે. તે કદીયે હણાય નહિ, તે કદીય નાશ પામે નહિ.

अणोरणीयान्महतो महीयानात्मास्य जन्तोर्निहितो गुहायाम्।

तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मनः॥

(કઠોપનિષદ – ૧.૨.૨૦)

‘અણુથી પણ અનંત ગણો અણુ જેવો નાનો અને મહાનથીયે અનંત ગણો મહાન, આ સર્વનો શાસક પ્રત્યેક મનુષ્યની હૃદયગુહામાં રહેલો છે. નિષ્પાપ અને સર્વ દુઃખોથી વિમુક્ત લોકો તેને ઈશ્વરની કૃપાથી જોઈ શકે છે.’

अशरीरं शरीरेषु अनवस्थेष्ववस्थितम्।

महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति॥

(કઠોપનિષદ – ૧.૨.૨૨)

‘શરીર રહિત છતાંયે શરીરમાં વસતા, સર્વવ્યાપી અવકાશ રહિત છતાં અવકાશમાં વ્યાપી રહેલા દેખાતા, અનંત અને સર્વવ્યાપીઃ આત્માને આવા તત્ત્વ તરીકે જાણવાથી જ્ઞાની પુરુષો કદી દુઃખી થતા નથી.’

नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन।

(કઠોપનિષદ – ૧.૨.૨૩)

‘આ આત્મા પ્રવચન દ્વારા પ્રાપ્ત થાય તેવો નથી કે નથી વિશાળ બુદ્ધિ દ્વારા કે નથી વેદોના અધ્યયનથી પ્રાપ્ત થાય તેવો.’

આ ઘણી હિંમતભરી ઉક્તિ છે. મેં પ્રથમ કહ્યું તેમ ઋષિઓ બધા બહાદુર તત્ત્વચિંતકો હતા અને કદીયે ક્યાંય અટકતા નહિ. તમારે એ યાદ રાખવું જોઈએ કે ખ્રિસ્તીઓને મન બાઇબલ જેટલું માનને પાત્ર છે, તેના કરતાં પણ વેદો ભારતમાં વધારે માનને પાત્ર લેખાય છે. તમારો પ્રાગટ્યનો ભાવ એ છે કે, ઈશ્વરે મનુષ્યને પ્રેરણા આપી; પણ ભારતમાં વિચાર એવો છે કે, વેદોમાં વસ્તુઓનો ઉલ્લેખ છે માટે તે અસ્તિત્વ ધરાવે છે; આખી સૃષ્ટિ વેદોમાંથી આવી છે. જે બધું જ્ઞાન કહેવાય છે તે વેદોમાં છે. વેદોનો દરેક શબ્દ પવિત્ર અને શાશ્વત છે, આત્મા જેટલો જ નિત્ય, અનાદિ અને અનંત છે. જાણે કે સર્જનહારનું સમગ્ર માનસ આ વેદોમાં છે. વેદોને આ દૃષ્ટિએ જોવામાં આવે છે. અમુક વસ્તુ શા માટે નૈતિક છે? કારણ કે વેદો તેમ કહે છે. શા માટે અમુક વસ્તુ અનૈતિક છે? કારણ કે વેદો તેમ કહે છે. આમ છતાંયે જે ઋષિઓએ એમ કહ્યું કે વેદોના બહુ અભ્યાસથી પણ સત્ય નથી મળતું, તેમની હિંમત તો જુઓ! ‘ઈશ્વર જેના ઉપર પ્રસન્ન થાય, તેની સન્મુખ તે પોતાને વ્યક્ત કરે છે.’ ત્યારે તો પછી એમ વાંધો લેવામાં આવે કે આ તો પક્ષપાત જેવું થયું. પણ યમરાજ તેનો ખુલાસો આપે છેઃ ‘જેઓ દુષ્કર્મ કરનાર છે તથા જેમનાં મન શાંત નથી, તેઓ કદીયે પ્રકાશ જોઈ શકશે નહિ; જે લોકો હૃદયથી સાચા છે, જેમનાં કર્મો શુદ્ધ છે તથા જેમની ઇન્દ્રિયો પોતાના વશમાં છે, તેમની સન્મુખ આત્મા પોતાને પ્રકટ કરે છે.’

અહીં એક સુંદર રૂપક છે. શરીરને રથ, આત્માને રથમાં બેસનાર, બુદ્ધિને સારથિ, મનને લગામ અને ઇન્દ્રિયોને અશ્વો તરીકે કલ્પો. જે મનુષ્યના અશ્વો કાબૂમાં છે, જેની લગામ મજબૂત છે અને સારથિ (બુદ્ધિ)ના હાથમાં સારી રીતે કાબૂમાં રહે છે, તે સર્વરૂપી આત્માના સ્વરૂપરૂપી ધ્યેયે પહોંચે છે. પણ જે માણસના ઇન્દ્રિયો રૂપી અશ્વો કાબૂમાં નથી, તેમજ મનરૂપી લગામ બરાબર પકડમાં નથી, તેનો નાશ થાય છે. બધાં પ્રાણીઓમાં રહેલો આ આત્મા આંખો કે બીજી ઇન્દ્રિયો સામે અભિવ્યક્ત થતો નથી, પણ જેનું મન શુદ્ધ અને સૂક્ષ્મ બન્યું છે તે તેનો સાક્ષાત્કાર કરે છે. તે સર્વ શબ્દથી પર, સર્વ દૃષ્ટિથી પર, રૂપથી પર, સ્પર્શ અને રસથી પર, નિર્વિશેષ, અનાદિ અને અનંત, પ્રકૃતિથી પણ પર અને અપરિણામી છે. જે તેને આવે સ્વરૂપે ઓળખે છે, તે મૃત્યુના મુખમાંથી પોતાને મુક્ત કરે છે. પણ તે ઘણું જ મુશ્કેલ છે, જાણે કે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. માર્ગ લાંબો અને ભય ભરેલો છે; પણ પ્રયાસ કરો, નિરાશ ન થાઓ, ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યે ન પહોંચો ત્યાં સુધી અટકો મા.

બધાં ઉપનિષદોમાં એકમાત્ર મધ્યવર્તી વિચાર સાક્ષાત્કારનો છે. અવારનવાર ઘણાયે પ્રશ્નો, ખાસ કરીને આધુનિક યુગના માનવ માટે, ઉપસ્થિત થશે; ઉપયોગિતાનો અને બીજી વિવિધ બાબતોના પ્રશ્નો આવશે. પણ બધામાં આપણને જણાશે કે આપણા ભૂતકાળના સંસ્કારો દ્વારા આપણે પ્રેરાઈએ છીએ. વિચાર-સાહચર્યની આપણા મન ઉપર આટલી પ્રબળ અસર છે.બાળપણથી જેમણે વ્યક્તિરૂપ ઈશ્વર વિશે અને મનના વ્યક્તિત્વ વિષે સર્વદા સાંભળ્યું હશે, તેમને આ વિચારો જરૂર કઠિન અને આકરા લાગશે; પણ જો તેઓ તે સાંભળશે અને તેના ઉપર વિચાર કરશે, તો તે તેમના જીવનનો ભાગ બનશે અને પછી તેમને તે ડરાવશે નહિ. જે મોટો પ્રશ્ન સામાન્ય રીતે ઉત્પન્ન થાય છે, તે તત્ત્વજ્ઞાનની ઉપયોગિતાનો છે. તેના વિશે એક જ જવાબ આપી શકાય. જો ઉપયોગિતાની દલીલ ઉપર, મનુષ્યે આનંદ શોધવો એ સારું છે તેમ ગણાય, તો પછી જેને ધાર્મિક ચિંતનમાં આનંદ મળે છે તેણે શા માટે તે ન લેવો? ઇન્દ્રિયોનો ઉપભોગ ઘણાને આનંદ આપે છે તેથી તે તેને શોધે છે; પણ બીજા એવા પણ હોય કે જેમને તે આનંદ ન આપતો હોય; તેમને વિશેષ ઉચ્ચ આનંદ જોઈતો હોય. કૂતરાનો આનંદ માત્ર ખાવાપીવામાં જ છે. અમુક તારાઓની સ્થિતિ જોવા માટે સર્વસ્વનો ત્યાગ કરીને પર્વતના શિખર ઉપર રહેતા વૈજ્ઞાનિકના આનંદને કૂતરો સમજી નહિ શકે; કૂતરાઓ તો તેના તરફ હસીને તેને ગાંડો માણસ ગણશે. કદાચ આ બિચારા વૈજ્ઞાનિક પાસે પરણવા જેટલા પૈસા પણ ન હોય અને તે સાદું જીવન ગાળતો હોય. ભલે કદાચ કૂતરો તેના તરફ હસે, પણ વૈજ્ઞાનિક તો કહે છેઃ ‘મારા વહાલા કૂતરા! તારો આનંદ માત્ર તું જે ઇન્દ્રિયોનો ઉપભોગ કરે છે તેમાં જ છે; તેથી વિશેષ તું કંઈ જાણતો નથી. પણ મારે માટે તો આ જ આનંદપ્રદ જિંદગી છે અને જો તને તારી રીતે આનંદ લેવાનો અધિકાર હોય તો મને મારી રીતે આનંદ લેવાનો અધિકાર છે.’

ભૂલ આ છે કે આપણે આખા જગતને આપણા વિચારની ભૂમિકા ઉપર બાંધી રાખવા માગીએ છીએ અને આપણા મનને આખા વિશ્વનું પ્રમાણ-વિશ્વને મૂલવવાનું સાધન બનાવીએ છીએ. તમારે મન જૂના ઇન્દ્રિયોના વિષયો કદાચ મનમાન્યો આનંદ આપનારા હશે; પણ મારો આનંદ પણ તે જ પ્રકારનો હોવો જોઈએ, એ જરૂરનું નથી અને જો તે બાબતનો તમે આગ્રહ રાખો તો મારે તમારાથી જુદા પડવું જ જોઈએ. દુન્યવી ઉપયોગિતાવાદની દૃષ્ટિવાળા મનુષ્ય અને ધર્મવૃત્તિવાળા મનુષ્ય વચ્ચે આ જ તફાવત છે. પહેલો માણસ કહે છેઃ ‘જુઓ, હું કેવો સુખી છું? મને પૈસા મળે છે; ધર્મની બાબતમાં હું માથાફોડ કરતો નથી. ધર્મ ઘણો જ અગમ્ય છે અને તે વિના પણ હું સુખી રહી શકું છું.’ અહીં સુધી તો બધું ઠીક છે; બધા ઉપયોગિતાવાદીઓ માટે આ સારું છે. પણ આ દુનિયા મહાભયંકર છે. જો માણસ પોતાના જાતભાઈઓને હાનિ કર્યા વિના કોઈપણ રીતે સુખ મેળવી શકતો હોય તો ઈશ્વર તેને હજીયે વધુ ભલે આપે પણ જ્યારે એ માણસ મારી પાસે આવીને કહે કે ‘તમારે પણ આમ કરવું જોઈએ; તેમ ન કરો તો તમે મૂર્ખ છો.’ તો હું કહું કે ‘તું ખોટો છે; કારણ કે જે વસ્તુઓ તને આનંદપ્રદ છે તેને માટે મને લેશમાત્ર આકર્ષણ નથી. જો મારે મુઠ્ઠીભર સોનાના સિક્કા માટે દોડવું પડે તો મારું જીવન મને જીવવા યોગ્ય લાગે નહિ; મારે મરવું પડે.’ ધાર્મિક માણસ આવો જવાબ આપે. હકીકત એ છે કે, જે માણસે આ બધી હલકી વૃત્તિઓને ખતમ કરી હોય, માત્ર તેને માટે જ ધર્મ છે. આપણને આપણો પોતાનો અનુભવ હોવો જોઈએ; આપણે આપણો પૂર્ણ ભાગ ભજવી લીધો હોવો જોઈએ. જ્યારે આપણે આમ આપણો પૂર્ણ ભાગ ભજવી લીધો હોય ત્યારે જ ઈશ્વરી દુનિયાનાં દ્વારો ખૂલે છે.

ઇન્દ્રિયોનો ઉપભોગ કેટલીકવાર બીજું એક ભયંકર અને પ્રલોભનભર્યું સ્વરૂપ ધારણ કરે છે. ઘણા પ્રાચીન કાળમાં અને દરેક ધર્મમાં તમે હંમેશાં એક એવી વાત સાંભળશો કે એક વખત એવો આવશે કે જ્યારે દુનિયાનાં બધાં દુઃખો નાશ પામશે અને માત્ર આનંદ અને સુખ જ બાકી રહેશે અને ત્યારે આ પૃથ્વી સ્વર્ગ બની જશે. હું આ વાતમાં માનતો નથી. આ દુનિયા જેવી છે તેવી જ સદાય રહેશે. આ કહેવું ઘણું ભયંકર છે, પણ હું બીજો કોઈ માર્ગ જોતો નથી. આ જગતનાં દુઃખો શરીરમાંના કાયમી સંધિવા જેવાં છે. એક ભાગમાંથી તમે તેને હાંકી કાઢો એટલે તે તમને બીજે ક્યાંય દેખાશે; ત્યાંથી કાઢો તો વળી ત્રીજે સ્થળે દેખા દેશે. તમે ગમે તે કરો પણ તે ત્યાં છે તો ખરો જ. જૂના કાળમાં લોકો જંગલમાં રહેતા અને એકબીજાને ખાઈ જતા; આધુનિક જમાનામાં તેઓ એકબીજાનું માંસ તો નથી ખાતા પણ એકબીજાને છેતરે છે. છેતરપિંડીથી દેશના દેશ અને શહેરોનાં શહેરો નાશ પામ્યાં છે. આ કાંઈ બહુ પ્રગતિદર્શક નથી. દુનિયામાં તમે જેને પ્રગતિ કહો છો, તેમાં તો તૃષ્ણાઓની અનેકગણી વૃદ્ધિ સિવાય બીજું કંઈ હું જોતો નથી. જો કોઈપણ વાત મારી પાસે સ્પષ્ટ હોય તો તે એ છે કે તૃષ્ણાઓ સર્વ દુઃખ લાવે છે. આ રોજ રોજ કંઈક કંઈક વસ્તુની ભીખ માગતા પેલા ભિખારીના જેવી સ્થિતિ છે; ભિખારી તે મેળવવાની આશા સિવાય બીજી કોઈ વસ્તુ નહિ જોતાં હંમેશાં તૃષ્ણામાં જ રહ્યા કરે છે. જો આપણી તૃષ્ણાઓને સંતોષવાની શક્તિ ગણિતશ્રેણીની રીતે વધી છે તો તૃષ્ણાઓ ભૂમિતિશ્રેણીની રીતે વધી છે. જગતમાં સુખ અને દુઃખનો સરવાળો સદાયને માટે કાંઈ નહિ તો તેટલો ને તેટલો જ રહે છે. જો સમુદ્રમાં ક્યાંય મોજું ઉત્પન્ન થાય છે તો બીજે સ્થળે ખાડો થાય છે; જો એક માણસને સુખ મળે તો બીજા કોઈકને દુઃખ મળે; છેવટે કોઈક પ્રાણીને તો દુઃખ મળે જ. મનુષ્યોની સંખ્યા વધતી જાય છે તો કેટલાંક પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે; આપણે તેમનો નાશ કરીએ છીએ અને તેમની રહેવાની જગ્યા લઈ લઈએ છીએ. આપણે તેમનાં આજીવિકાનાં સઘળાં સાધનો પણ લઈ લઈએ છીએ. તો પછી એકંદરે સુખ વધે છે તેમ આપણે કેમ કહી શકીએ? બળવાન પ્રજા નબળી પ્રજાનો નાશ કરે છે; પણ તે બળવાન પ્રજા ખૂબ સુખી થશે તેમ તમે માનો છો? ના, તેઓ પરસ્પર એકબીજાનો સંહાર કરવાનું શરૂ કરશે. વ્યાવહારિક દૃષ્ટિએ, પણ આ દુનિયા સ્વર્ગ કેમ બની શકે તે મને સમજાતું નથી; હકીકતો તેની વિરુદ્ધમાં છે. સિદ્ધાંતની દૃષ્ટિએ પણ હું તો જોઉં છું કે તે બની ન શકે.

પૂર્ણતા સદા અનંત છે. આપણે આ અનંત છીએ જ અને આ અનંતને અભિવ્યક્ત કરવા મથીએ છીએ. તમે, હું અને સઘળાં પ્રાણીઓ તેને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આટલે સુધી તો જાણે બરાબર છે. પણ આ હકીકતમાંથી કેટલાક જર્મન દાર્શનિકોએ એક વિચિત્ર સિદ્ધાંત શરૂ કર્યો છે કે જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે પૂર્ણતાને અભિવ્યક્ત ન કરી શકીએ, જ્યાં સુધી આપણે પૂર્ણ ન બની શકીએ, ત્યાં સુધી આ અભિવ્યક્તિ ઉચ્ચ અને ઉચ્ચ કોટિની થતી જશે. સંપૂર્ણ અભિવ્યક્તિનો અર્થ શું? પૂર્ણતા એટલે અનંતતા, અભિવ્યક્તિ એટલે મર્યાદા. એટલે એનો અર્થ એવો થાય કે આપણે અસીમ સીમિત છીએ! એ પરસ્પર વિરોધી વાત છે. આવો સિદ્ધાંત બાળકોને રાજી કરે, પણ તે તેમનાં મનને જૂઠાણાંથી કલુષિત કરે છે; અને ધર્મની બાબતમાં તો તે ઘણું જ ખરાબ છે. પણ આપણે જાણીએ છીએ કે આ જગત જ અવનતિ છે કે મનુષ્ય ઈશ્વરનું અવનતિ પામેલું સ્વરૂપ છે અને આદમનું પતન થયેલું છે. આજે એવો કોઈ ધર્મ નથી કે જે એમ ન શીખવતો હોય કે મનુષ્યત્વ એટલે અવનતિ. આપણે પશુકોટિ સુધી નીચે પડ્યા; આપણે આ અધઃપતનમાંથી છૂટવા માટે હવે ઊંચે ચડીએ છીએ. પણ આપણે અહીં અનંતને સંપૂર્ણપણે કદી અભિવ્યક્ત કરી શકવાના નથી. આપણે ભલે સખત મહેનત કરીએ, પણ એક સમય એવો આવશે કે જ્યારે આપણને જણાશે કે જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોથી બદ્ધ છીએ ત્યાં સુધી આપણે માટે પૂર્ણ થવું અશક્ય છે અને પછી મૂળ અનંત તત્ત્વ તરફના પ્રયાણની તપાસ શરૂ થશે.

આનું નામ છે ત્યાગ. જે રીતે આપણે આ મુશ્કેલીમાં સપડાયા એ જ રીતને ઉલટાવીને આપણે તેમાંથી બહાર નીકળવું પડશે; અને ત્યારબાદ નીતિધર્મ, દાનધર્મ વગેરે શરૂ થશે. બધાં નૈતિક શાસ્ત્રોનો મૂળમંત્ર શું છે? ‘હું નહિ પણ તું’ અને આ ‘હું’ તે બાહ્ય જગતમાં પોતાને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહેલા પાછળના અનંતનો પ્રગટભાવ છે. આ ક્ષુદ્ર ‘અહં’ તે કાર્ય છે અને તેણે પાછા જઈને પોતાના મૂળ સ્વરૂપ અનંતમાં ભળી જવું પડશે. દરેક વખતે જ્યારે તમે કહો છો કે ‘ભાઈ! હું નહિ, પણ તું,’ ત્યારે તમે મૂળ સ્વરૂપમાં પાછા જવાનો પ્રયાસ કરો; અને જ્યારે ‘તું નહિ પણ હું,’ એમ કહો છો ત્યારે તમે અનંતને ઇન્દ્રિયસૃષ્ટિ દ્વારા અભિવ્યક્ત કરવાનું ખોટું પગલું ભરો છો. આથી દુનિયામાં ઘર્ષણો અને અનિષ્ટો ઉત્પન્ન થાય છે; પરંતુ અમુક વખત પછી ત્યાગ – શાશ્વત ત્યાગ જરૂર આવશે જ; આ નાનો ‘અહં’ ત્યારે મરી પરવાર્યો હશે. આ ક્ષુદ્ર જીવનની એટલી બધી પરવા શા માટે કરવી? અહીં કે બીજે, જીવવાની અને આનંદ માણવાની આ બધી વ્યર્થ તૃષ્ણાઓ મૃત્યુને લાવે છે.

જો આપણે પશુઓમાંથી વિકાસ પામ્યા હોઈએ તો પશુઓ પણ હીન બનેલાં માનવી હોઈ શકે. તમે કેમ કરીને જાણ્યું કે તેમ નથી? તમે જોયું છે કે ઉત્ક્રાંતિની સાબિતી માત્ર આવી છેઃ નીચામાં નીચેથી માંડીને ક્રમે ક્રમે ઊંચામાં ઊંચા સુધી જતાં શરીરોની પરંપરા દેખાય છે. પરંતુ તે પરથી તમે ભારપૂર્વક એમ કેવી રીતે કહી શકો કે સદૈવ નીચેથી જ ઊંચે જવાનું છે અને ઊંચેથી નીચે કદીયે નહિ? દલીલ બંને બાજુ લાગુ પડી શકે અને જો કાંઈ પણ સત્ય હોય તો હું માનું છું કે ઉપર અને નીચે એમ બન્ને બાજુએ ગતિ કરીને ક્રમ પોતાની પુનરાવૃત્તિ કરી રહેલ છે. અપક્રાંતિ વિના ઉત્ક્રાંતિ કેમ હોઈ શકે? ઉચ્ચ જીવન માટેનો આપણો પરિશ્રમ એ બતાવે છે કે આપણે ઊંચી સ્થિતિમાંથી નીચે આવ્યા છીએ. હોવું તેમ જ જોઈએ; માત્ર તેની વિગતોમાં ફેરફાર હોઈ શકે. જિસસ, બુદ્ધ અને વેદાંતે એકી અવાજે એ વિચાર અગાઉ રજૂ કર્યો છે કે કાળે કરીને આપણે બધા પૂર્ણત્વ પામીશું. પણ તે માત્ર આ અપૂર્ણતાનો ત્યાગ કરવાથી જ. તેમના આ વિચારને હું સદૈવ વળગી રહું છું. આ દુનિયા કંઈ જ નથી; બહુ તો તે માત્ર એક ઘૃણાજનક વ્યંગચિત્ર છે, સત્યનો પડછાયો માત્ર છે. આપણે સત્ય તરફ વળવું જોઈએ. ત્યાગ આપણને તે તરફ દોરી જશે. ત્યાગ આપણા સાચા જીવનનો પાયો છે. જે જે ક્ષણોએ આપણે પોતાને વિષે વિચાર કરતા નથી, તે તે ક્ષણોમાં આપણે કલ્યાણ અને સત્ય જીવનનો અનુભવ કરીએ છીએ. સત્યથી અલગ પડેલા આ ક્ષુદ્ર અહંનો નાશ થવો જ જોઈએ; ત્યારે જ આપણને જણાશે કે આપણે સત્યમાં છીએ, સત્ય ઈશ્વર છે, તે જ આપણું સાચું સ્વરૂપ છે અને તે સદાય આપણામાં અને આપણી સાથે છે. આપણે તેનામાં જીવીએ અને તેનામાં દૃઢ થઈએ. જીવનની તે જ એકમાત્ર આનંદમય સ્થિતિ છે. આત્માની ભૂમિકા પરનું જીવન એ જ એકમાત્ર જીવન છે અને તે પામવા માટે આપણે સહુ પ્રયાસ કરીએ. (2.385)

Total Views: 206
૫. સર્વત્ર રહેલો ઈશ્વર
૭. વિવિધતામાં એકતા