જ્યાં પ્રભુનું નામ ઉચ્ચારાય છે તે સ્થાન સુધ્ધાં પવિત્ર બની જાય છે. તો પછી જે મનુષ્યમાંથી આધ્યાત્મિક સત્ય આપણામાં પ્રવેશે, જે ઈશ્વરના નામનું ગુણગાન કરે, તે મનુષ્ય કેટલો વધારે પવિત્ર હશે? એવા મનુષ્યની સમીપ કેવી શ્રદ્ધા સાથે આપણે જવું જોઈએ? આ જગતમાં આધ્યાત્મિક સત્યનાં આવા મહાન આચાર્યો સંખ્યામાં અત્યંત જૂજ હોય છે; જો કે જગત કદી સદંતર તેમના વિહોણું હોતું નથી. તેઓ હંમેશાં માનવસમાજનાં સુંદરમાં સુંદર પુષ્પો છે. ‘अहेतुकदयासिन्धुः’—‘કોઈપણ હેતુ વિનાનો દયાનો સાગર’ ‘आचार्य मां विजानीयात्’—‘ગુરુને મારું સ્વરૂપ જ જાણ.’ આમ ભગવાન શ્રીકૃષ્ણ ભાગવતમાં કહે છે. જગત જે ક્ષણે સદંતર તેમના વિહોણું બને, તે જ ક્ષણે તે એક ભયંકર નરકકુંડ બની જાય અને જલદી વિનાશને પંથે વળે છે.
સામાન્ય કક્ષાના આચાર્યો કરતાં વધારે ઉચ્ચ અને શ્રેષ્ઠ એવા અન્ય શ્રેણીના ગુરુઓ હોય છે. તેઓ જગતમાં ઈશ્વરના અવતારો ગણાય છે. તેઓ કેવળ સ્પર્શમાત્રથી અથવા ઇચ્છામાત્રથી પણ આધ્યાત્મિકતાનો સંચાર કરી શકે છે. તેમની આજ્ઞાથી હલકામાં હલકા અને અત્યંત દુરાચારી મનુષ્યો પણ એક ક્ષણમાં સાધુ બની જાય છે. તેઓ ગુરુઓના પણ ગુરુ છે, મનુષ્યરૂપે ઈશ્વરની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. તેમના આધાર સિવાય આપણે ઈશ્વરનાં દર્શન કરી શકતા નથી. તેમની ઉપાસના કર્યા સિવાય આપણે રહી શકતા નથી અને વાસ્તવમાં કેવળ તેઓ જ એવા છે કે જેમની ઉપાસના આપણે અવશ્ય કરવી જોઈએ.
આ માનવશરીરધારી ઈશ્વરાવતારના આધાર સિવાય કોઈ મનુષ્ય ઈશ્વરનું દર્શન ખરેખર કરી શકે નહીં. જો આપણે બીજી કોઈ રીતે ઈશ્વરદર્શન કરવાનો પ્રયત્ન કરીએ તોપણ આપણે ઈશ્વરની કોઈ એક અતિ વિકૃત કલ્પના કરી નાખીએ અને તેના ખરા સ્વરૂપ કરતાં તે વિકૃત સ્વરૂપ ખરાબ નથી એમ માની બેસીએ. એક અનાડી મનુષ્યની વાત છે. ભગવાન શિવની મૂર્તિ બનાવવાનું તેને કહેવામાં આવ્યું હતું. અનેક દિવસોના સખત પરિશ્રમ પછી તેણે એક વાંદરાની મૂર્તિ બનાવી. આમ જ્યારે જ્યારે આપણે ઈશ્વરની, તેના નિર્ગુણ પૂર્ણ સ્વરૂપની કલ્પના કરવા મથીએ છીએ ત્યારે ત્યારે આપણને અનિવાર્ય રીતે ઘોર નિષ્ફળતા સાંપડે છે, કારણ કે આપણે મનુષ્યો હોવાથી મનુષ્યના સ્વરૂપ કરતાં વધુ ઉચ્ચ સ્વરૂપમાં ઈશ્વરની કલ્પના કરી શકતા નથી. એવો સમય પણ આવે કે જ્યારે આપણે આપણી મનુષ્યપ્રકૃતિથી પર જઈએ અને ઈશ્વરને તેના સાચા સ્વરૂપમાં ઓળખીએ. પરંતુ આપણે મનુષ્ય છીએ ત્યાં સુધી આપણે તેની ઉપાસના મનુષ્યમાં અને મનુષ્ય તરીકે કરવી જોઈએ. તમે ભલે ગમે તેમ વાતો કરો, ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ મનુષ્ય સિવાય બીજા કોઈ પણ સ્વરૂપમાં તમે ઈશ્વરને કલ્પી નહીં શકો. ઈશ્વર અને સંસારની બધીયે વસ્તુઓ ઉપર ભલે તમે મોટાં બૌદ્ધિક વ્યાખ્યાનો આપો, ગમે તેટલા મહાન તર્કવાદી બની જાઓ અને સંતોષ થાય તેવી રીતે સિદ્ધ કરો કે મનુષ્ય રૂપમાં ઈશ્વરના અવતારો વિશેની કથાઓ નરી મૂર્ખતા છે, પરંતુ એક ક્ષણને માટે વ્યાવહારિક બુદ્ધિથી આપણે વિચાર કરીએ. આ પ્રકારની પ્રખર બુદ્ધિની પાછળ છે શું? શૂન્ય. કંઈ જ નહીં, કેવળ શબ્દાડમ્બર! તો પછી જ્યારે તમે કોઈ મનુષ્યને ઈશ્વરના અવતારોની આ પૂજાની વિરુદ્ધ મોટું બૌદ્ધિક વ્યાખ્યાન આપતો સાંભળો ત્યારે તેને ઊભો રાખીને પૂછજો કે ઈશ્વર વિશેનો તારો ખ્યાલ શો છે? ‘સર્વ શક્તિમાન’, ‘સર્વ વ્યાપી’ અને આ પ્રકારની અન્ય પરિભાષાનો અર્થ એ શબ્દોની જોડણી સિવાય તમે શું સમજો છો? વાસ્તવમાં તેમનો કશો જ અર્થ તે સમજતો નથી હોતો; તે એનો કોઈપણ એવો અર્થ ઘટાવી શકતો નથી કે જે તેની પોતાની માનવપ્રકૃતિ વડે રંગાયેલ ન હોય. આ સંબંધમાં, જેણે એક પણ પુસ્તક વાંચ્યું નથી તેવા એક સાધારણ માણસ કરતાં તે કોઈ રીતે વધુ ચડિયાતો નથી. ઊલટું, પેલો સાધારણ માણસ મૂંગો રહે છે અને જગતની શાંતિનો ભંગ કરતો નથી, જ્યારે આ મોટો વાતોડિયો, માનવજાતમાં ભારે મોટી ગડબડ મચાવે છે અને મહાન આપત્તિ ઊભી કરે છે. વાસ્તવમાં ધર્મ એ પ્રત્યક્ષાનુભૂતિ છે અને કેવળ શબ્દો તથા આંતરિક અનુભૂતિ વચ્ચેનો તફાવત આપણે સ્પષ્ટપણે તારવવો જોઈએ. આપણા અંતરનાં ઊંડાણમાં આપણે જે અનુભવ કરીએ તે જ પ્રત્યક્ષાનુભૂતિ છે. આ બાબતમાં સામાન્ય બુદ્ધિ જેટલી અસામાન્ય વસ્તુ બીજી કોઈ નથી.
આપણી વર્તમાન માનવપ્રકૃતિ પ્રમાણે આપણે ઈશ્વરને કેવળ મનુષ્યરૂપે જ જોઈ શકીએ. જેમ કે જો ભેંસો ઈશ્વરની ઉપાસના કરવા ઇચ્છે તો તેમની પ્રકૃતિ અનુસાર તેઓ ઈશ્વરને એક વિરાટ ભેંસના સ્વરૂપમાં જોશે; જો એક માછલી ઈશ્વરની ઉપાસના કરવા ચાહે તો તેને ઈશ્વરની કલ્પના એક વિરાટ મત્સ્યરૂપે કરવી પડશે અને માણસને ઈશ્વરની કલ્પના એક મહાન માનવીના રૂપમાં કરવી પડે છે. આ વિવિધ ધારણાઓ વિકૃત કલ્પનાનું પરિણામ નથી. મનુષ્ય, ભેંસ, માછલી, આ બધાંને વિવિધ પ્રકારનાં પાત્રો રૂપે કલ્પી શકાય. આ બધાં પાત્રોમાં આકાર અને શક્તિ અનુસાર ઈશ્વરરૂપી સાગરનું જળ ભરાય છે. એ જળ મનુષ્યમાં મનુષ્યનો, ભેંસમાં ભેંસનો અને માછલીમાં માછલીનો આકાર લે છે. આ દરેક પાત્રોમાં ઈશ્વરરૂપી સાગરનું એક જ જળ ભરેલું છે. માણસ જ્યારે ઈશ્વરને જુએ છે ત્યારે તે તેને માણસરૂપે જુએ છે; અને પશુઓની પણ ઈશ્વરની જો કંઈ કલ્પના હોય તો તેઓ તેને પશુ તરીકે જ જોશે. સૌ કોઈ ઈશ્વરને પોતાના આદર્શ અનુસાર કલ્પે છે. એટલા માટે આપણે ઈશ્વરને મનુષ્યરૂપ સિવાય બીજા રૂપમાં જોઈ શકીએ જ નહિ. અર્થાત્ આપણે મનુષ્યરૂપે જ તેની પૂજા કરવા બંધાયેલા છીએ; બીજો કોઈ રસ્તો નથી.
કેવળ બે પ્રકારના મનુષ્યો ઈશ્વરની મનુષ્ય તરીકે ઉપાસના કરતા નથી. એક તો નરપશુ કે જેને કોઈ ધર્મ નથી અને બીજો પરમહંસ કે જે માનવજાતિની સર્વ દુર્બળતાઓથી પર ગયો છે, જે માનવપ્રકૃતિની સીમાઓને વટાવી ગયો છે, જેને માટે આખીયે પ્રકૃતિ તેનું પોતાનું સ્વરૂપ બની ચૂકી છે. કેવળ એ જ ઈશ્વરની તેના સાચા સ્વરૂપે ઉપાસના કરી શકે છે. અન્ય બાબતોની જેમ અહીં પણ બે છેડાઓ મળી જાય છે, એક અજ્ઞાનની પરાકાષ્ઠા અને બીજી જ્ઞાનની પરાકાષ્ઠા. બેમાંથી એકેય ઉપાસના કરતા નથી. નરપશુ અજ્ઞાનવશ ઉપાસના કરતો નથી અને જીવનમુક્ત પુરુષોએ પોતાનામાં જ ઈશ્વર સાક્ષાત્કાર કર્યો હોવાથી ઉપાસના કરતા નથી. જીવનના આ બે છેડાઓની વચ્ચેનો જો કોઈ પણ તમને કહે કે પોતે મનુષ્યરૂપમાં ઈશ્વરની ઉપાસના કરશે નહીં, તો કૃપા કરીને તેનાથી સાવધાન રહેજો; તેને માટે અન્ય કોઈ કઠોર ભાષાનો ઉપયોગ કર્યા સિવાય એટલું જ કહેવું બસ થશે કે તે એક બિનજવાબદાર વિતંડાવાદી છે; તેનો ધર્મ અસ્થિર મગજના અને બુદ્ધિહીન માણસો માટે જ છે.
ઈશ્વર મનુષ્યની દુર્બળતાઓ સમજે છે અને મનુષ્યજાતિના કલ્યાણ માટે મનુષ્યરૂપે અવતાર લે છેઃ
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥
‘હે ભારત! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મનો ઉદય થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સત્પુરુષોની રક્ષા માટે, દુષ્ટોના વિનાશ માટે તથા ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું.’
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम्॥
‘જ્યારે હું મનુષ્યનું શરીર ધારણ કરું છું ત્યારે મારો ઈશ્વરી ભાવ ન સમજી શકવાથી મૂઢ લોકો મારી અવગણના કરે છે.’ ગીતામાં અવતાર વિશે ભગવાન શ્રીકૃષ્ણની આ ઘોષણા છે. શ્રીરામકૃષ્ણ કહે છેઃ ‘જ્યારે સમુદ્રનું એક વિરાટ મોજું આવે છે ત્યારે નાળાં અને ખાબોચિયાં પોતાના કોઈપણ પ્રયાસ સિવાય આપોઆપ જ છલોછલ ભરાઈ જાય છે; એવી રીતે જ્યારે અવતાર જન્મ લે છે ત્યારે આધ્યાત્મિકતાનું એક વિરાટ મોજું સંસાર ઉપર ફેલાઈ જાય છે અને જાણે કે આખું વાતાવરણ આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયું હોય એમ લોકોને લાગે છે.’

