તો પછી આપણે ગુરુને શી રીતે ઓળખવો? જેમ સૂર્યને જોવા માટે મશાલની આવશ્યકતા હોતી નથી, તેમ ગુરુને જોવા માટે દીવો પ્રકટાવવાની જરૂર નથી. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આપણને કુદરતી રીતે જ તેનું ભાન થાય છે અને જ્યારે આપણને સહાય કરવા ગુરુ આવે છે ત્યારે આત્મા સ્વાભાવિક રીતે જ જાણી લે છે કે સત્ય પોતા ઉપર પ્રકાશવા લાગ્યું છે. સત્ય સ્વતઃસિદ્ધ છે; તેને સિદ્ધ કરવા અન્ય પ્રમાણની જરૂર નથી, તે સ્વયંપ્રકાશિત છે. એ આપણી પ્રકૃતિના અંતસ્તલ સુધી પ્રવેશે છે. તેના સાંનિધ્યમાં સમસ્ત વિશ્વ ઊભું થઈને બોલી ઊઠે છે કે ‘આ જ સત્ય છે.’ જેમનું જ્ઞાન અને સત્ય સૂર્ય સમાન પ્રકાશે છે તેવા ગુરુઓ તો સંસારમાં સર્વશ્રેષ્ઠ છે અને માનવજાતિના મોટા ભાગ દ્વારા તેઓ ઈશ્વર તરીકે પૂજાય છે; પરંતુ તેમની અપેક્ષાએ આપણે નાના ગુરુઓ પાસેથી પણ સહાયતા પ્રાપ્ત કરી શકીએ. પરંતુ જે માણસ પાસેથી આપણે ઉપદેશ અને માર્ગદર્શન ગ્રહણ કરવાનું છે તેને ઓળખવા માટે આપણી પાસે પૂરતી અંતરદૃષ્ટિ હોતી નથી તેથી શિષ્યની પેઠે ગુરુના સંબંધમાં પણ કેટલીક કસોટીઓ હોવી જોઈએ.

શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા, જ્ઞાન માટેની સાચી પિપાસા અને અધ્યવસાય એટલે ખંત છે. કોઈ અપવિત્ર આત્મા યથાર્થ રીતે ધાર્મિક થઈ શકતો નથી; વિચાર, વાણી અને કર્મની પવિત્રતા કોઈ પણ વ્યક્તિના ધર્મજીવન માટે સર્વથા આવશ્યક છે. બાકી તો જ્ઞાનપિપાસા માટે આ એક સનાતન નિયમ છે કે આપણે જે વસ્તુની ઇચ્છા કરીએ છીએ તે જ આપણને પ્રાપ્ત થાય જ છે. આપણું અંતઃકરણ જેની ઉપર કેન્દ્રિત કરીએ તે સિવાયની બીજી કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. ધર્મ માટેની સાચી આતુરતા એક અત્યંત દુર્લભ વસ્તુ છે; આપણે સામાન્યતઃ કલ્પીએ છીએ તેટલી સુગમ તે નથી. ધાર્મિક ચર્ચા સાંભળવી કે ધાર્મિક પુસ્તકો વાંચવાં તે હૃદયમાં ધર્મ માટેની સાચી વ્યાકુળતા જાગ્રત થયાનું પ્રમાણ નથી. જ્યાં સુધી ધર્મ માટેની આ તીવ્ર ભૂખ ખરેખર અનુભવાતી નથી અને અંતિમ વિજય પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી સતત પ્રયાસ અને આપણા હલકા સ્વભાવ સાથે અવિરત સંગ્રામ અને અથાક સંઘર્ષ ચાલુ રહેવો જ જોઈએ. આ પ્રશ્ન એકાદ બે દિવસનો કે વર્ષોનો કે જન્મોનો નથી; આ સંગ્રામ સેંકડો જન્મો સુધી ચાલી શકે. સંભવ છે કે સિદ્ધિ કોઈક વાર તરત જ પ્રાપ્ત થઈ જાય; છતાં અનંત કાળ સુધી પણ તેની પ્રતીક્ષા કરવી પડે તોપણ તે માટે ધૈર્યપૂર્વક રાહ જોવાની આપણી તૈયારી હોવી જોઈએ. જે સાધક આવા ખંત સાથે સાધનામાં પ્રવૃત્ત થાય છે, તેને અંતે સિદ્ધિ અને અનુભૂતિ અવશ્ય પ્રાપ્ત થાય છે.

ગુરુના સંબંધમાં આપણે એ જોવું જોઈએ કે તે શાસ્ત્રોના મર્મનો જાણકાર હોય. સમગ્ર જગત બાઇબલ, વેદ કે કુરાનનાં થોથાં વાંચે છે, પરંતુ તે બધું કેવળ શબ્દો, વાક્યરચના, વ્યુત્પત્તિ, ભાષાશાસ્ત્ર કે ધર્મનાં શુષ્ક હાડપિંજરો છે. જે ગુરુ, શબ્દનો વધુ પડતો વ્યવહાર કરે છે અને શબ્દોના વેગમાં મનને તણાઈ જવા દે છે, તે ધર્મના હાર્દને ખોઈ બેસે છે. કેવળ શાસ્ત્રોના મર્મનું જ્ઞાન જ સાચો ધર્મગુરુ બનવાની યોગ્યતા છે. શાસ્ત્રોની શબ્દજાળ એક મહાન અરણ્ય સમાન છે; મનુષ્યનું મન મોટે ભાગે તેમાં પોતાની જાતને અટવાવે છે અને બહાર નીકળવાનો કોઈ માર્ગ તેને જડતો નથી. ‘शब्दजालं महरण्यं चित्तभ्रमणकारणं’. ‘શબ્દજાળ એક મોટું જંગલ છે અને એને કારણે ચિત્ત તેમાં અટવાયા કરે છે.’

वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम्।

वैदुष्यं विदूषां तद्वद् भुक्तये न तु मुक्तये॥

‘શબ્દો જોડવાની, સુંદર ભાષામાં બોલવાની અને શાસ્ત્રોનાં વ્યાખ્યાન કરવાની વિવિધ પદ્ધતિઓ, તેમજ વિદ્વજ્જનોની વિદ્વત્તા કેવળ મનોરંજન અને વાગ્વિલાસ માટે છે.’ આધ્યાત્મિક અનુભૂતિના વિકાસમાં તે સહાયભૂત નીવડતાં નથી. જેઓ ધર્મપ્રચાર અર્થે આવી પદ્ધતિઓ અખત્યાર કરે છે, તેઓ કેવળ પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા આતુર હોય છે કે જેથી જગત મહાન પંડિતો તરીકે તેમની પ્રશંસા કરે. તમે જોશો કે શાસ્ત્રોની આવી વિવિધ વ્યાખ્યાઓમાં જગતના શ્રેષ્ઠ આચાર્યોમાંથી કોઈ પણ કદીયે પડ્યા નથી; તેમણે શાસ્ત્રોનાં લખાણો વિકૃત કરવા કદી પ્રયત્ન કર્યો નથી, તેમજ શબ્દાર્થ અને તેમના ધાત્વર્થના ચક્કરમાં તેઓ કદી પડ્યા નથી. તેમ છતાં તેમણે ઉત્તમમાં ઉત્તમ ઉપદેશ આપ્યો છે. જેમની પાસે કોઈ વસ્તુ શીખવવા જેવી જ નથી, તેઓ કેટલીક વાર એક શબ્દ પકડે છે અને તેની વ્યુત્પત્તિ ઉપર ત્રણ મોટા ગ્રંથો લખી નાખે છે. તેમાં તે શબ્દ પહેલાં કોણે વાપર્યો, તે મનુષ્ય શું ખાવાને ટેવાયેલો હતો અને કેટલો સમય તે સૂતો હતો, ઇત્યાદિ વ્યર્થ વિષયોનું વર્ણન કર્યું હોય છે.

ભગવાન રામકૃષ્ણ એક ઉદાહરણ કાયમ આપતાઃ કેટલાક માણસો એક આંબાવાડીમાં ગયા; ત્યાં તેઓ વૃક્ષોનાં પાંદડાં તથા ડાળીઓ ગણવામાં, તેમનો રંગ તપાસવામાં, તેમની લંબાઈ જાણવામાં અને પ્રત્યેક વસ્તુની ખૂબ ચીવટપૂર્વક નોંધ કરવામાં મશગૂલ બની ગયા. તે પછી આ દરેક વિષય ઉપર પંડિતાઈભરી ચર્ચા ચાલી કે જે નિઃસંશય તેમને મન તો અત્યંત રસપ્રદ હતી. પરંતુ તેમાંનો એક કે જે બીજાઓ કરતાં વધુ સમજદાર હતો, તે આ બધી વસ્તુઓની પરવા ન કરતાં કેરીઓ જ ખાવા લાગ્યો. તે માણસ વધુ ડાહ્યો નહીં? માટે આ પાંદડાઓ અને ડાળીઓ ગણવાનું બીજા ઉપર છોડી દો. આ જાતના કાર્યને તેનું યોગ્ય સ્થાન છે ખરું; પરંતુ તે આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં. આ ‘પાંદડાં ગણનારાઓ’માં તમને કદી આધ્યાત્મિક મહાપુરુષ સાંપડશે નહીં. ધર્મ કે જે મનુષ્યનું સર્વોચ્ચ ધ્યેય છે, મનુષ્યનું જે સર્વોચ્ચ ગૌરવ છે, તેમાં આવા બધા શ્રમની આવશ્યકતા નથી. જો તમે ભક્ત થવા ઇચ્છતા હો તો તમારે માટે એ જાણવું જરાય જરૂરનું નથી કે કૃષ્ણ મથુરામાં જન્મ્યા હતા કે વ્રજમાં કે તેઓ શું કરતા હતા અથવા તો ગીતાનો ઉપદેશ તેમણે ચોક્કસ કઈ તારીખે આપ્યો હતો. તમારે તો માત્ર ગીતામાં કર્મના અને ભક્તિના જે સુંદર ઉપદેશો છે તેની લગન લગાડવાની આવશ્યકતા છે. ગીતા અને તેના પ્રણેતા વિશેની અન્ય સર્વ વિસ્તૃત વિગતો કેવળ પંડિતોના મનોરંજન માટે છે. જેમને તેવી ઇચ્છા હોય તેઓ ભલે તે કરે. તેમના પાંડિત્યપૂર્ણ તર્કવિતર્ક ચાલતા હોય ત્યારે ‘શાંતિઃ શાંતિઃ’ બોલો અને આપણે તો ‘કેરીઓ ખાવા લાગી જાઓ.’

ગુરુ માટે બીજું જરૂરી લક્ષણ છે, અનઘતા એટલે પવિત્રતા. ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ‘ગુરુના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ તરફ આપણે શા માટે જોવું? આપણે તો તે જે કહે તેનો વિચાર કરીને તે ગ્રહણ કરવાનું છે.’ પણ એ યોગ્ય નથી. જો કોઈ માણસ મને ગતિશાસ્ત્રનું વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અથવા અન્ય કોઈ ભૌતિકશાસ્ત્ર શીખવવા ઇચ્છતો હોય તો તે ગમે તેવો હોય તો ચાલે, કારણ કે ભૌતિકશાસ્ત્રો માટે માત્ર બૌદ્ધિક લાયકાત જ જરૂરી છે; પરંતુ આધ્યાત્મિક વિદ્યાની બાબતમાં તો જે આત્મા અપવિત્ર હોય, તેનામાં જરા પણ આધ્યાત્મિક પ્રકાશ હોવાનું તદ્દન અસંભવિત છે. એક અપવિત્ર વ્યક્તિ ધર્મ શું શીખવી શકે? આધ્યાત્મિક સત્યની ઉપલબ્ધિ કરવાની અથવા અન્યમાં તેનો સંચાર કરવાની એકમાત્ર લાયકાત હૃદય અને આત્માની પવિત્રતા છે. જ્યાં સુધી આત્મા પવિત્ર ન હોય ત્યાં સુધી ઈશ્વરદર્શન કે ઇન્દ્રિયાતીત તત્ત્વની ઝાંખી કદી થતી નથી. એટલા માટે આધ્યાત્મિક ગુરુની બાબતમાં આપણે સૌથી પ્રથમ તે કેવા છે, તે શું કહે છે તે જોવું જોઈએ. તે સંપૂર્ણપણે પવિત્ર હોવા જોઈએ; કેવળ ત્યારે તેના શબ્દોની કિંમત ગણાય, કારણ કે કેવળ ત્યાર પછી જ તે ‘આધ્યાત્મિક શક્તિનો સંચારક’ થાય છે. જો તેના પોતાનામાં જ આધ્યાત્મિક શક્તિ ન હોય તો તે શાનો સંચાર કરવાનો છે? ગુરુના મનમાં આધ્યાત્મિકતાનું યોગ્ય સ્પંદન હોવું જોઈએ કે જેથી શિષ્યના મનમાં તેનો સહૃદયતાપૂર્વક સંચાર કરી શકાય. ગુરુનું કાર્ય માત્ર શિષ્યની વર્તમાન બૌદ્ધિક અથવા અન્ય શક્તિઓને ઉત્તેજિત કરવાનું નથી, પરંતુ ખરેખર કોઈ વસ્તુનો તેનામાં સંચાર કરવાનું છે. કોઈ એક સાચી અને અનુભવી શકાય એવી વસ્તુ એક પ્રભાવરૂપે ગુરુમાંથી નીકળીને શિષ્યમાં પ્રવેશે છે. એટલા માટે ગુરુ પવિત્ર હોવો જોઈએ.

ગુરુનું ત્રીજું લક્ષણ છે, તેનો હેતુ. ગુરુએ કોઈ ગોપવી રાખેલ સ્વાર્થી હેતુ ખાતર, ધન, નામના અથવા યશને માટે ઉપદેશ આપવો જોઈએ નહીં; તેનું કાર્ય કેવળ, પ્રેમ, સમગ્ર માનવજાત પ્રત્યેના શુદ્ધ પ્રેમથી પ્રેરાયેલું હોવું જોઈએ. આધ્યાત્મિક શક્તિ કેવળ શુદ્ધ પ્રેમના માધ્યમ દ્વારા જ સંચારિત કરી શકાય. કોઈપણ પ્રકારનો સ્વાર્થી ભાવ, જેવા કે લાભ અથવા યશની ઇચ્છા, તરત જ આ માધ્યમનો નાશ કરી નાખશે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે; અને ઈશ્વરનો પ્રેમસ્વરૂપ તરીકે જેણે અનુભવ કર્યો છે, કેવળ તે જ વ્યક્તિ મનુષ્યને આધ્યાત્મિક તત્ત્વ અને ઈશ્વરનો ઉપદેશ આપી શકે.

તમારા ગુરુમાં આ સર્વ લક્ષણો જો તમે જુઓ તો તમે સલામત છો. જો તેમ ન હોય તો તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાનું સલામત નથી; કેમ કે એક મોટું ભયસ્થાન એ છે કે તે તમારા અંતરમાં સદ્‌ભાવનો સંચાર કરી ન શકે તોપણ અસદ્‌ભાવનો તો સંચાર કરી શકે છે. આ ભય સામે સર્વપ્રકારે સાવચેત રહેવું જોઈએ. ‘क्षोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः’, ‘જે શાસ્ત્રજ્ઞ, નિષ્પાપ, વાસનારહિત, સર્વોત્તમ બ્રહ્મવિદ્’ છે, તે જ સાચો ગુરુ છે.

ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, તે પરથી સાહજિક રીતે એટલું સિદ્ધ થાય છે કે પ્રત્યેક સ્થળે, પ્રત્યેક મનુષ્ય આપણને ધર્માનુરાગી, ધર્મજ્ઞ અને ધર્મમય બનાવી શકે નહીં. ‘પથ્થરોમાં ઉપદેશ, વહેતાં ઝરણાંમાં ગ્રંથો અને પ્રત્યેક વસ્તુમાં ભલાઈ સમાયેલી છે.’ આ બધું કાવ્યાલંકાર તરીકે બહુ સાચું હશે, પરંતુ જો કોઈ વ્યક્તિમાં ધર્મનું બીજ અવિકસિત રીતે પણ વિદ્યમાન ન હોય તો આપણને સત્યનો એક કણ સુદ્ધાં તે આપી શકશે નહીં. પથ્થરો અને ઝરણાં ધર્મોપદેશ કોને આપે? જેનું પવિત્ર હૃદયમંદિરરૂપી કમળ વિકાસોન્મુખ બનેલું છે તેવા માનવ આત્માને. જે પ્રકાશ આ હૃદયકમળને સુંદર રીતે વિકસાવે છે, તે હંમેશાં સદ્‌ગુણી અને જ્ઞાનવાન ગુરુ પાસેથી જ આવે છે. જ્યારે હૃદયકમળ આ રીતે વિકસિત થાય છે, ત્યારે તે પથ્થરો, ઝરણાં, તારાઓ, સૂર્ય, ચન્દ્ર અથવા ઈશ્વરની સૃષ્ટિમાં વિદ્યમાન બીજી કોઈપણ વસ્તુ પાસેથી ઉપદેશ મેળવવાને પાત્ર બને છે. પરંતુ અવિકસિત હૃદયને તેમાં કેવળ પથ્થરો અને પાણી સિવાય બીજું કશું દેખાશે નહીં. કોઈ અંધ મનુષ્ય સંગ્રહસ્થાનમાં ભલે જાય, પરંતુ તેમાંથી કોઈ રીતનો લાભ તેને મળશે નહીં. પ્રથમ તેની આંખો ખૂલવી જોઈએ, કેવળ ત્યાર પછી જ સંગ્રહસ્થાન જે કંઈ શીખવી શકે તે સમજવાને તે શક્તિમાન બનશે.

સાધકનાં અંતઃચક્ષુ ખોલનારા ગુરુ જ છે. એટલા માટે ગુરુ સાથેનો આપણો સંબંધ પૂર્વજ અને તેના વંશજ વચ્ચેના સંબંધ જેવો છે. આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા, નમ્રતા, વિનય અને ભક્તિભાવ ન હોય તો આપણામાં ધર્મનો વિકાસ થઈ શકે નહીં અને અગત્યની હકીકત એ છે કે જ્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે આ પ્રકારનો સંબંધ પ્રવર્તે છે, કેવળ ત્યાં જ મહાન આધ્યાત્મિક પુરુષો પાકે છે. જે દેશોએ આ પ્રકારના સંબંધની અવગણના કરી છે, ત્યાં ગુરુ માત્ર એક વ્યાખ્યાતા બન્યો છે; ગુરુને તેના પાંચ રૂપિયાની ખેવના છે અને શિષ્યને તેનું મગજ ગુરુના શબ્દોથી ભરવાની ખેવના છે અને તે પછી સૌ પોતપોતાને રસ્તે પડી જાય છે. આવા સંજોગોમાં આધ્યાત્મિકતા લગભગ અજ્ઞાત બાબત બની જાય છે. ત્યાં તેનો સંચાર કરનાર કોઈ હોતું નથી અને તેને ગ્રહણ કરનાર પણ કોઈ હોતું નથી. આવા લોકોને માટે ધર્મ એક ધંધો બની જાય છે. તેઓ ધારે છે કે પોતાના ધન વડે તેઓ ધર્મને ખરીદ કરી શકશે. ધર્મ આટલો સુલભ રીતે પ્રાપ્ત કરી શકાતો હોત તો ઈશ્વરનો મોટો ઉપકાર ગણાત! પરંતુ કમનસીબે તેમ બની શકતું નથી.

ધર્મ એટલે તો સર્વોચ્ચ જ્ઞાન, સર્વોત્તમ પ્રજ્ઞા. તે ખરીદી શકાય નહીં અગર પુસ્તકોમાંથી પ્રાપ્ત કરી શકાય નહીં. જગતના એકએક ખૂણામાં ભલે તમે ફાંફાં મારો, તમે ભલે હિમાલય કે આલ્પ્સ કે કોકેસસને ખૂંદી વળો, તમે સાગરના તળિયાને ભલે માપી કાઢો કે તિબેટ તથા ગોબીના રણના એકએક ખૂણામાં ભલે જઈ વળો, પરંતુ જ્યાં સુધી તમારું અંતર ધર્મને ગ્રહણ કરવા માટે તૈયાર ન હોય અને જ્યાં સુધી ગુરુ મળે નહીં, ત્યાં સુધી કોઈપણ સ્થળે તમને ધર્મ સાંપડશે નહીં. જ્યારે વિધાતા દ્વારા નિર્દિષ્ટ ગુરુ આવી પહોંચે ત્યારે બાળક સમાન વિશ્વાસ અને સરળતાથી તેમની સેવા કરજો, તેમની સન્મુખ કોઈ પડદો રાખ્યા વિના તમારું હૃદય ખોલી નાખજો, એટલે તેમનામાં સાક્ષાત્ ઈશ્વરનું સ્વરૂપ વ્યક્ત થયેલું તમે જોઈ શકશો. આવા પ્રેમ અને આવી ભક્તિથી જેઓ સત્યની શોધ કરવા આવે છે, તેમની સમક્ષ સત્ય સ્વરૂપ ઈશ્વર ‘सत्यं शिवं सुंदरम्’ વિષેનું અદ્‌ભુત રહસ્ય પ્રગટ કરે છે.

Total Views: 139
૪. ગુરુની આવશ્યકતા
૬. આચાર્યો અને અવતાર