વિવેકાનંદ ઇન ઇંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૮૫-૮૬.

(ધ ઇંડિયન મિરર, ડિસેમ્બર ૧, ૧૮૯૫)

બલૂન સોસાયટીની અઠવાડિક સભામાં સ્વામી વિવેકાનંદે ‘વેદાંતના પ્રકાશમાં માનવ અને સમાજ’, એ વિષય પર પ્રવચન આપ્યું હતું. (સ્વામી વિવેકાનંદે જણાવ્યા પ્રમાણે, ‘ઇંડિયન ફિલોસોફી એન્ડ વેસ્ટર્ન સોસાયટી’, એ વિષય હતો. વ્યાખ્યાનની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી. જુઓ ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૬૨.) પોતાના સંપ્રદાયનો લાલ અંચળો સ્વામીએ પહેર્યો હતો. એક પણ ચબરખી વિના એક કલાક કરતાં વધારે સમય સંપૂર્ણ અને પ્રવાહી અંગ્રેજીમાં એ બોલ્યા હતા. સામાજિક વ્યવસ્થામાં ધર્મ અદ્‌ભુત પરિબળ છે તેમ એમણે કહ્યું હતું. વિજ્ઞાનનો મોટામાં મોટો ફાયદો જ્ઞાન હોય તો ઈશ્વરના, આત્માના, મનુષ્યના સ્વભાવનું જ્ઞાન આપનાર ધર્મના અધ્યયન કરતાં મહાન શું હોઈ શકે? આખા જગત માટે એક જ ધર્મનું હોવું કેવળ અશક્ય નહીં, ભયાવહ પણ છે. સમગ્ર ધાર્મિક ચિંતન એક જ કક્ષાએ રહે એ ધાર્મિક ચિંતનનું મૃત્યુ જ થશે; વૈવિધ્ય જ જીવન છે. ધર્મના ચાર પ્રકારો છેઃ (૧) કર્મમાર્ગી (૨) ભાવનાપ્રધાન (૩) રહસ્યવાદી અને (૪) તત્ત્વદર્શી. દરેક માનવી પોતાના પ્રકારને દુર્ભાગ્યે એવો તો ચીટકી રહ્યો છે કે જગતમાં શાનું અસ્તિત્વ છે તે જોવાની દૃષ્ટિ જ એની પાસે ન રહી. બીજાઓને પોતાના જેવા – પોતાના સંપ્રદાયના – જ કરવા એ મથામણ કરવા લાગ્યો. જુદાં જુદાં લક્ષણોને વિકસાવવાની તક આપે તે ધર્મ જ પૂર્ણ કહેવાય. વૈદિક ધર્મે બધાંનો સ્વીકાર કર્યો હતો અને પોતાના સ્વભાવ અનુસાર દરેકને પસંદ કરવાની છૂટ હતી. પછી ચર્ચા થઈ હતી.

Total Views: 133
૪. ક્રિશ્ચિયન કોમનવેલ્થ
૬. પ્રેતવિદ્યા અને વેદાંતદર્શન