ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૨૨૯-૩૦.
(લાઈટ, જુલાઈ ૪, ૧૮૯૬)
વેદાંત ફિલસૂફીના પ્રચાર માટે સ્વામી વિવેકાનંદ લંડન આવે છે અને અમે પ્રથમ સાંભળ્યું ત્યારે અમને આશા હતી કે એમનો બોધ પ્રેતવાદીઓની શ્રદ્ધાને દૃઢ કરશે, એટલું જ નહીં પણ એમની સંખ્યામાં વૃદ્ધિ કરશે. અમે આ આશા એ માટે રાખી હતી કે હિંદુ ફિલસૂફીનું મૂળ તત્ત્વ જ એ છે કે મનુષ્ય આત્મા છે અને એ દેહધારી છે, નહીં કે મનુષ્ય દેહધારી છે અને એને આત્મા હોય; મોટાભાગનાં પાશ્ચાત્ય માનસો એટલે સુધી જ જઈ શકે છે…
અમારો અર્વાચીન પ્રેતવિદ્યાનો પ્રત્યક્ષ નિદર્શનથી પુરવાર કરવાનો પ્રકીર્તિત અધિકાર છે કે દેહથી અલગ પ્રેતાત્મા રહી શકે છે અને તેથી વેદાંત ફિલસૂફીના પ્રવકતાઓ અને પ્રેતવિદ્યાના ટેકેદારો વચ્ચે સહકારની આશા રાખવી યોગ્ય ગણાશે એમ લાગતું હતું. પરંતુ આ ઇચ્છનીય સહકાર ટકી રહે એમ અમને લાગતું નથી કારણ કે તાજેતરમાં ઉચ્ચારાયેલાં સ્વામીનાં કેટલાંક વચનો આ બે પંથો વચ્ચે ભેદ કરવા કરાયેલાં જણાય છે. (૧૮૯૬ના ઉનાળામાં સેંટ જોર્જીઝ રોડ પર એક ગુરુવારે સાંજે અપાયેલું વ્યાખ્યાન, જેનો શબ્દશઃ અહેવાલ ઉપલબ્ધ નથી.) વેદાંત ફિલસૂફી શિષ્ય પાસે આદર્શ હેતુ રજૂ કરે છે! વાસ્તવમાં એ છે ભીતર રહેલા ઈશ્વરના આવિષ્કારથી કશું ઓછું નહીં અને સ્વામીના જેવી ઊર્જા અને વક્તૃત્વશક્તિ ધરાવતા મનુષ્યથી એ રજૂ થાય ત્યારે એના કરતાં વધારે પ્રભાવક અને પ્રેરક કશું હોઈ શકે નહીં. અર્વાચીન પ્રેતવિદ્યાનો ઉલ્લેખ કરીને પ્રેતાત્માને બોલાવવા માટે મળતી બેઠકોની ઘટનાને સ્વામીએ બેધડક ઉતારી પાડી ન હોત તો અમે સ્વામીનો આદર કર્યો હોત. ધંધાદારી માધ્યમો સાથે અવલોકનાર્થે પોતે બેઠા હોવાનું કહી, સ્વામીજી ઝઘડતા સંભળાતા નથી. દફનના અવાજો પૂરા થતાં નાના બાળકનો અવાજ સંભળાવા લાગે છે, જે દર્શાવે છે કે અવાજ દૂરથી આવે છે તે દેખાડવાની કળા એને માટે જવાબદાર છે. આત્માઓ તરફથી મળતા સંદેશા અર્થહીન છે કારણ કે ‘હું ખુશી મજામાં છું’ અથવા ‘જોનને કેકનો ટુકડો આપો’, એથી કદી આગળ જતા નથી.
આવું વિધાન ‘સ્પિરિટ ટીચિંગ્ઝ’ પુસ્તકના અજ્ઞાનથી જ કરી શકાય. એ પુસ્તક સ્વામી વિવેકાનંદના ઉચ્ચ બોધની સાથે મૂકી શકાય એમ અમને લાગે છે. પાર્થિવીકરણના ઢોંગની પ્રક્રિયા અને તારના છેડાથી આકૃતિ દોરવાની બાબતો પણ વિગતે વર્ણવાઈ હતી.
અમે પછીના દિવસની સાંજે પણ હાજર હતા. (૧૮૯૬ના ઉનાળામાં શુક્રવારે સાંજે સેંટ જોર્જીઝ રોડ પર અપાયેલું વ્યાખ્યાન. એની શબ્દશઃ નોંધ મળતી નથી.) તે સમયે સ્વામી વિરુદ્ધની ટીકાનો એક પેપર સભામાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો. પછી આગલી સાંજનાં સ્વામીનાં વક્તવ્યોને સમજાવવામાં લગભગ ત્રીસેક મિનિટનો સમય પસાર કરવામાં આવ્યો અને અમને ખૂબ સંતોષ થયો કે જીવંત લોકો સાથે પ્રેતાત્માઓ સંપર્ક સાધે તેનો સ્વામીએ સ્વીકાર કર્યો અને એમ પણ જણાવ્યું કે ઉચ્ચ પ્રકારના આત્મા કોઈક વાર માનવજાતની સહાયમાં ધરતી પર ઊતરી આવે. પણ અમને લાગે છે કે એવા પ્રકારનો સંયોગ વેદાંત ફિલસૂફી ઇચ્છતી નથી કારણ કે એમાં ‘ભય’ છે. અવિકસિત આત્મા સરળતાથી મનુષ્ય સાથે વાતો કરી શકે એમ મનાય છે માટે, એને ઉત્તેજન નહીં આપતાં સ્વામીએ ચેતવણીનો સૂર કાઢ્યો હતો…

