હવે વિચાર કરવાનો બીજો મુદ્દો, જેને આપણે ઇષ્ટનિષ્ઠા તરીકે જાણીએ છીએ, તે છે. ભક્ત થવાની આકાંક્ષા છે તેણે જાણવું જોઈએ કે ‘જેટલા મત તેટલા પથ’. તેણે જાણવું જોઈએ કે વિવિધ ધર્મોના ભિન્ન ભિન્ન સંપ્રદાયો એક જ પરમાત્માના મહિમાની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ છે.

‘नाम्नामकारि बहुधानिजसर्वशक्तिः

तत्रार्पिता नियमितः स्मरणे न कालः।

एतादृशी तव कृपा भगवन्ममापि

दुर्दैवमीदृशमिहाजनि नानुरागः॥’ – (श्री शिक्षाष्टकम्) શ્રીકૃષ્ણ ચૈતન્ય

‘તેઓ તને અસંખ્ય નામોથી સંબોધે છે, જાણે કે તને ભિન્ન ભિન્ન નામોથી વિભાજિત કરે છે, છતાં આમાંના પ્રત્યેકમાં તારી સર્વશક્તિમત્તા વિદ્યમાન છે…. આ બધાં નામો દ્વારા તું ઉપાસક પાસે પહોંચે છે. જ્યાં સુધી હૃદયમાં તારે માટે ગાઢ પ્રેમ છે ત્યાં સુધી (તારા નામના રટણ માટે) કોઈ નિશ્ચિત સમય નથી. તું આટલો બધો સહજગમ્ય છે, છતાં એ મારું દુર્ભાગ્ય છે કે હું તારા પ્રત્યે પ્રેમ રાખી શકતો નથી.’ એટલું જ નહીં પણ જેઓ ઈશ્વરી પ્રકાશના મહાતેજસ્વી પુત્રો છે, જેઓ પોતાનાથી ભિન્ન સંપ્રદાયના પ્રવર્તકો છે, તેમનો દ્વેષ ન કરવાની- તેમની નિંદા સુધ્ધાં ન કરવાની ભક્તે કાળજી રાખવી જોઈએ. બીજાઓ તેમની નિંદા કરે તોપણ તેણે તે સાંભળવી ન જોઈએ. વાસ્તવમાં એવા મનુષ્યો બહુ જ થોડા હોય છે કે જેઓ એકીસાથે ઉદાર, સહાનુભૂતિવાળા, કદરદાન, તેમજ ઊંડો પ્રેમ ધરાવનારા હોય. બહુધા આપણે જોઈએ છીએ કે ઉદાર અને સહાનુભૂતિસંપન્ન સંપ્રદાયો ધર્મભાવનાના ઊંડાણને ખોઈ બેસે છે, તેમના હાથે ધર્મ એક પ્રકારના સામાજિક તથા રાજકીય મંડળમાં ઊતરી જાય તેવો ભય છે, તથા બીજી બાજુ અતિ સંકુચિત સંપ્રદાયો તેમના પોતાના આદર્શો માટે ખૂબ પ્રશંસાપાત્ર પ્રેમ પ્રદર્શિત કરે છે, પરંતુ એવું જણાય છે કે આ પ્રેમ અન્ય મતવાદીઓ પ્રત્યેના દ્વેષભાવ દ્વારા જ કેળવેલો હોય છે. આપણે ઈશ્વર પાસે માગીએ કે આ સંસાર એવા મનુષ્યોથી ભરાઈ જાય કે જેમની સહાનુભૂતિ જેમ વિશ્વવ્યાપી હોય, તેમ પ્રેમ પણ ઊંડો અગાધ હોય! પરંતુ આવા મહાનુભાવો માત્ર અલ્પ સંખ્યામાં અને ઘણા કાળને અંતરે આવતા હોય છે. તેમ છતાં આપણે જાણીએ છીએ કે પ્રેમનું ઊંડાણ અને વિસ્તાર, એ બંનેના અદ્‌ભુત મિશ્રણયુક્ત આદર્શ પ્રત્યે વિશાળ સંખ્યાના મનુષ્યોને દોરવણી આપી શકાય છે. આ સિદ્ધ કરવાનો માર્ગ ઇષ્ટનિષ્ઠાનો એટલે કે પોતે પસંદ કરેલ આદર્શ પ્રત્યેની અવિચળ ભક્તિનો છે. પ્રત્યેક ધર્મનો એક એક સંપ્રદાય માનવજાત સમક્ષ પોતાનો એક જ આદર્શ રજૂ કરે છે, પરંતુ સનાતન વેદાંતધર્મ ભગવાનના નિજમંદિરમાં જવાનાં અસંખ્ય દ્વારો માનવજાત માટે ખુલ્લાં કરે છે, તથા તેની સમક્ષ આદર્શોની લગભગ અખૂટ પરંપરા ઉપસ્થિત કરે છે, આ પ્રત્યેક આદર્શમાં ‘અનંત સત્ય’ની એકએક અભિવ્યક્તિ હોય છે, ભૂતકાળમાં તથા વર્તમાનકાળમાં ઈશ્વરના માનવ-અવતારોએ, ઈશ્વરના તેજસ્વી પુત્રોએ, માનવજીવનની કઠોર વાસ્તવિકતાઓમાંથી અસંખ્ય માર્ગો કોરી કાઢ્યા છે; વેદાંત પરમ કરુણાયુક્ત થઈને મુમુક્ષુ નરનારીઓને અનેક માર્ગો બતાવે છે અને સૌને વર્તમાન તથા ભવિષ્યની માનવજાતિને આવકાર આપીને પેલા સત્ય ધામે, પેલા આનંદસાગરે લઈ જવા માગે છે કે જ્યાં પહોંચીને માયાજાળથી મુક્ત થઈને પૂર્ણ સ્વાતંત્ર્ય અને શાશ્વત આનંદ પામી શકે છે.

એટલા માટે મુક્તિને માર્ગે લઈ જતા ભિન્ન ભિન્ન પંથોમાંથી કોઈનો પણ અસ્વીકાર કે ધિક્કાર ન કરવા માટે ભક્તિયોગ આપણને સ્પષ્ટ આદેશ આપે છે. તથાપિ ઊગતો છોડ વધીને વૃક્ષ ન બને ત્યાં સુધી તેની આજુબાજુ વાડ કરીને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આધ્યાત્મિકતાનો આ કોમળ રોપ શરૂઆતમાં જ ભાવો અને આદર્શોના સતત પરિવર્તનના દબાણ નીચે આવે તો તે મરી જાય. ધાર્મિક ઉદારતાના નામે ઓળખાતા ભિન્ન ભિન્ન આદર્શોના સતત પરિવર્તન વડે ઘણા લોકો પોતાની નકામી કુતૂહલવૃત્તિને પોષતા જોવામાં આવે છે. નવી નવી વાતો સાંભળવાનો તેમનામાં એક પ્રકારનો રોગ પેદા થાય છે, એક પ્રકારનો ધાર્મિક નશો બની જાય છે. ક્ષણિક ઉત્તેજના માટે જ તેઓ નવી નવી વાતો સાંભળવા ઇચ્છે છે અને જ્યારે આ પ્રકારની એક ઉત્તેજનાની અસર તેમના પરથી ચાલી જાય છે કે તુરત તેઓ બીજી ઉત્તેજના માટે તૈયાર રહે છે. આવા લોકોને માટે ધર્મ એ એક પ્રકારના બૌદ્ધિક નશા જેવો છે અને ત્યાં જ પૂરો થાય છે. ભગવાન શ્રીરામકૃષ્ણ કહે છે, ‘બીજા એક પ્રકારનો માણસ પણ છે કે જે વાર્તા માંહેની મોતી પકાવનારી કાલુ માછલી જેવો છે. જ્યારે સ્વાતિ નક્ષત્રનો આકાશમાં ઉદય થાય છે, ત્યારે આ માછલી સાગર તળિયે આવેલું પોતાનું સ્થાન છોડીને વર્ષાબિંદુ ગ્રહણ કરવા સાગરની સપાટી ઉપર આવે છે. જ્યાં સુધી વર્ષાનું જલબિંદુ ગ્રહણ કરવામાં તે સફળ થતી નથી ત્યાં સુધી સમુદ્રની સપાટી ઉપર તે પોતાની છીપને ખુલ્લી રાખીને તરતી રહે છે. પછી વર્ષાનું જલબિંદુ પોતાની અંદર પડતાં જ સમુદ્રને તળિયે આવેલા પોતાના સ્થાને પહોંચવા ઊંડી ડૂબકી મારી જાય છે; અને પેલા વર્ષાના જલબિંદુનું સુંદર મોતી ન બને ત્યાં સુધી તે ત્યાં જ રહે છે.’

ઇષ્ટનિષ્ઠાના સિદ્ધાંતને વ્યક્ત કરતી આ વાત અત્યંત કાવ્યપૂર્ણ અને હૃદયસ્પર્શી છે; આ પહેલાં ભાગ્યે જ તે કદી આવી તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી હશે. આ એકનિષ્ઠા એટલે કે આદર્શ પ્રત્યેની ભક્તિ ધર્મસાધનાનો આરંભ કરનારા પ્રત્યેક સાધકને માટે અનિવાર્યપણે આવશ્યક છે. રામાયણમાં હનુમાન કહે છે તેમ તેણે કહેવું જોઈએ કે,

‘श्रीनाथे जानकीनाथे अभेदः परमात्मनि।

तथापि मम सर्वस्वः राम कमललोचनः॥’

‘જો કે હું જાણું છું કે શ્રીનાથ અને જાનકીનાથ બંને એક જ પરમ તત્ત્વની અભિવ્યક્તિ છે, તેમ છતાં મારું સર્વસ્વ તો કમલનયન શ્રીરામ જ છે,’ અથવા સંત તુલસીદાસે કહ્યું છે તેમ તેણે કહેવું જોઈએઃ

‘सब से रसिये सब से बसिये सब का लीजिये नाम।

हाँ जी हाँ जी करते रहिये बैठिये अपने ठाम॥’

અર્થાત્ ‘બધાની સાથે બેસો, બધાની સાથે મીઠું બોલો, બધા દેવતાઓનાં નામ લો અને બધાને હાંજી હાંજી કરતા રહો! પરંતુ રહો તમારી પોતાની જગ્યા ઉપર.’ અર્થાત્ તમારો ભાવ દૃઢ રાખો. ત્યારે પછી જો સાધક અંતરથી સાચો હશે તો ગુરુએ આપેલ આ નાનકડા બીજ-મંત્રમાંથી તેનામાં પરાભક્તિ તથા પરમજ્ઞાનરૂપી મહાન વડલાની ઉત્પત્તિ થશે કે જેમાંથી બધી દિશાઓમાં શાખાપ્રશાખાઓ અને વડવાઈઓ ફૂટીફૂટીને ધર્મના સમગ્ર ક્ષેત્રને આવરી લેશે. આમ સાચો સાધક અનુભવશે કે જીવનમાં તેનો પોતાનો જે આદર્શ હતો તે જ આદર્શની, બધાં નામો વડે, બધા આદર્શોરૂપે, બધા સંપ્રદાયો દ્વારા અને સર્વ મૂર્તિઓ મારફત ઉપાસના થાય છે.

Total Views: 182
૮. પ્રતીકો અને પ્રતિમાઓની ઉપાસના
૧૦. ભક્તિનો માર્ગ અને તેનાં સાધનો