હવે પછી વિચારવાના મુદ્દાઓ પ્રતીકોની એટલે કે ઈશ્વરને બદલે ઓછે વધતે અંશે સંતોષકારક પ્રતિનિધિઓની તથા પ્રતિમાઓની એટલે મૂર્તિઓની ઉપાસના છે. પ્રતીક દ્વારા ઈશ્વરની ઉપાસના એટલે શું? તે ‘अब्रह्मणि ब्रह्मदृष्ट्याऽनुसंधानम्’— ‘જે બ્રહ્મ નથી તેને બ્રહ્મ તરીકે સ્વીકારી, તેમાં ભક્તિ ભાવપૂર્વક મનને જોડવું તે’ એમ ભગવાન શ્રીરામાનુજ કહે છે. આચાર્ય શંકર કહે છે કે ‘मनोब्रह्मेति उपासीतेति अध्यात्मम् अथाधिदैवतम् आकाशो ब्रह्मेति।’ ‘મનની બ્રહ્મરૂપે ઉપાસના કરો, આ આધ્યાત્મિક ઉપાસના છે; અને આકાશની બ્રહ્મ તરીકેની ઉપાસના આધિ દૈવિક છે. મન એક આંતર પ્રતીક છે, આકાશ બાહ્ય પ્રતીક છે અને બંનેની ઉપાસના ઈશ્વરના પ્રતીક તરીકે કરવાની હોય છે. તેઓ આગળ કહે છે તથા ‘आदित्यो ब्रह्मेत्यादेशः’ ‘તે પ્રમાણે આદિત્ય જ બ્રહ્મ છેઃ આ આદેશ છે’ ‘यो नामब्रह्मेति उपासते इति एवम् आदिषु प्रतीकोपासनेषु संशयः’ ‘જે નામને બ્રહ્મ તરીકે ઉપાસે છે’. આ બધાં વાક્યોથી શરૂમાં જ પ્રતીકોપાસના સંબંધે સંશય ઉપસ્થિત થાય છે.’ પ્રતીક શબ્દનો અર્થ ‘प्रति’ એટલે તરફ; અને ‘इक’ એટલે જવું એવો થાય છે, કોઈપણ પ્રતીકની ઉપાસનાનો અર્થ એમ છે કે, બ્રહ્મને સ્થાને કોઈ એવી વસ્તુની ઉપાસના કરવી તે એક અથવા અધિક રીતે બ્રહ્મની સમાન છે પરંતુ બ્રહ્મ સ્વયં નથી. શ્રુતિઓમાં વર્ણવેલાં પ્રતીકોની સાથોસાથ પુરાણો અને તંત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રતીકોનો ઉલ્લેખ જોવામાં આવે છે. આ પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રતીકોપાસનામાં પિતૃઉપાસના અને દેવોપાસનાનો પણ સમાવેશ કરી શકાય.
ખરું કહીએ તો ભક્તિ એટલે ઈશ્વરની, કેવળ ઈશ્વરની જ ઉપાસના. પિતૃ અથવા અન્ય કોઈ વસ્તુની ઉપાસના ભક્તિ હોઈ શકે નહિ. વિવિધ દેવોની ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાસના કર્મકાંડમાં સમાઈ જાય છે. ઉપાસકને કોઈક સ્વર્ગીય સુખના રૂપમાં ચોક્કસ ફળ આપે છે. પરંતુ તે તેને ન તો ભક્તિ કે ન તો મુક્તિ આપી શકે. એટલા માટે એક હકીકત ખાસ કરીને કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી પડશે. કેટલાકની બાબતમાં બને છે તેમ જો પરબ્રહ્મના ઉચ્ચ દાર્શનિક આદર્શને પ્રતીક ઉપાસના દ્વારા પ્રતીકની કક્ષાએ નીચે ખેંચી લાવવામાં આવે અને પ્રતીકને ઉપાસકના આત્મા અથવા તો અંતર્યામી તરીકે ગણવામાં આવે તો તો ઉપાસક પૂર્ણપણે લક્ષ્યભ્રષ્ટ થઈ જાય, કેમ કે પ્રતીક વાસ્તવિક રીતે ઉપાસકનો આત્મા હોઈ શકે નહીં. પરંતુ જ્યાં બ્રહ્મ સ્વયં ઉપાસ્ય છે અને પ્રતીક કેવળ પ્રતિનિધિ સ્વરૂપ અથવા તેનું સૂચક માત્ર હોય છે, અર્થાત્ જ્યાં સર્વવ્યાપી બ્રહ્મની પ્રતીક દ્વારા ઉપાસના થાય છે અને પ્રતીકને પ્રતીકરૂપે, માન્યા વિના તેને જગતકારણરૂપ બ્રહ્મ માનવામાં આવે છે, ત્યાં ઉપાસના નિશ્ચિતપણે ફળદાયક હોય છે; એટલું જ નહીં બલ્કે જ્યાં સુધી સમસ્ત માનવજાત ઉપાસના સંબંધી ચિત્તની પ્રાથમિક અથવા પૂર્વતૈયારીની અવસ્થાને પાર ન કરે, ત્યાં સુધી તે સૌને માટે અનિવાર્ય રીતે આવશ્યક છે. એટલા માટે જ્યારે અન્ય કોઈ દેવો અથવા અન્ય કોઈ વ્યક્તિઓની ઉપાસના સ્વયં તેમના માટે કરવામાં આવે છે, ત્યારે આવી ઉપાસના માત્ર કર્મકાંડ જ છે; અને એક વિદ્યા (વિજ્ઞાન) તરીકે તે ઉપાસના આપણને કેવળ તે વિશિષ્ટ વિદ્યાનું ફળ આપે છે; પરંતુ જ્યારે દેવો અથવા અન્ય વ્યક્તિઓને બ્રહ્મસ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે ઉપાસનાનું ફળ ઈશ્વરોપાસના સમાન હોય છે. શ્રુતિઓ અને સ્મૃતિઓમાં કહેવા પ્રમાણે ઘણા કિસ્સાઓમાં કોઈ દેવતા અથવા કોઈ ઋષિમુનિ કોઈ અલૌકિક પુરુષને જાણે કે તેની પ્રકૃતિમાંથી ઊંચે ચડાવીને તેની બ્રહ્મસ્વરૂપે ઉપાસના કેવી રીતે કરવામાં આવે છે તેનો ખુલાસો આથી સ્પષ્ટ રીતે મળે છે. અદ્વૈતવાદી કહે છે કે ‘જ્યારે કોઈ વસ્તુમાંથી નામ અને રૂપ કાઢી નાખવામાં આવે છે, ત્યારે શું પ્રત્યેક વસ્તુ બ્રહ્મ નથી?’ વિશિષ્ટાદ્વૈતવાદી કહે છેઃ ‘શું ઈશ્વર પ્રત્યેક માણસનો અંતર્યામી નથી?’ ‘फलम् आदित्याद्युपासनेषु ब्रह्मैव दास्यति सर्वाध्यक्षत्वात्’ ‘આદિત્યો વગેરેની ઉપાસનાનું ફળ પણ સ્વયં બ્રહ્મ જ પ્રદાન કરે છે, કારણ કે બ્રહ્મ સર્વનું નિયંતા છે.’ શ્રીશંકર તેમનાં બ્રહ્મસૂત્રોના ભાષ્યમાં કહે છેઃ ‘इदृशं चात्र ब्रह्मण उपास्यत्वं यतः प्रतीकेषु तद्दृष्टया अध्यारोपणं प्रतिमादिषु इव विष्ण्वादीनाम्’— ‘આ પ્રકારે બ્રહ્મઉપાસ્ય બની જાય છે, કેમ કે જે પ્રમાણે પ્રતિમા ઉપર વિષ્ણુ વગેરેનું આરોપણ થાય છે, તે જ પ્રમાણે પ્રતીકો ઉપર બ્રહ્મનું આરોપણ થાય છે.’
પ્રતીકોની ઉપાસનાની જેમ પ્રતિમાની ઉપાસનાને પણ તે જ ભાવો બંધબેસતા થાય છે; અર્થાત્ જો કોઈ પ્રતિમા દેવ અથવા મહાપુરુષને સ્થાને હોય તો તેની ઉપાસનાનું ફળ ભક્તિ હોતી નથી અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ જો તે પ્રતિમા એકલા ઈશ્વરની જ સૂચક હોય તો તેની ઉપાસના ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરશે. દુનિયાના મુખ્ય ધર્મો પૈકી વેદાંત, બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના કેટલાક સંપ્રદાયોમાં પ્રતિમાપૂજા છૂટથી થતી જોવામાં આવે છે; માત્ર ઇસ્લામ અને ખ્રિસ્તીઓનો પ્રોટેસ્ટંટ સંપ્રદાય આવી સહાયનો અસ્વીકાર કરે છે. તોપણ મુસલમાનો પ્રતિમાઓને બદલે તેમના પીરો તથા ઓલિયાઓની કબરોનો ઉપયોગ કરે છે. પ્રોટેસ્ટંટ લોકો બધા પ્રકારનાં સ્થૂળ પ્રતીકોનો તિરસ્કાર કરી પ્રતિવર્ષ ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતા જાય છે, તે એટલે સુધી કે આજે પ્રગતિશીલ પ્રોટેસ્ટંટો અને કેવળ નીતિનો જ ઉપદેશ આપનારા અજ્ઞેયવાદી અથવા ઓગસ્ટ કોમ્ટેના અનુયાયીઓ વચ્ચે કશું અંતર રહ્યું નથી. તે ઉપરાંત ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં પ્રતીકોપાસના જે કંઈ નામશેષરૂપે પણ વિદ્યમાન છે, તે પ્રતીક અથવા પ્રતિમા પોતાની જ ઉપાસનાની કક્ષામાં મુકાઈ ગયેલ છે, પરંતુ ‘ઈશ્વરદૃષ્ટિની સહાયક’ તરીકે નહીં; એટલા માટે તે તેના શ્રેષ્ઠરૂપે પણ કેવળ વિધિઓવાળો કર્મકાંડ માત્ર છે, તે ભક્તિ અથવા મુક્તિ અપાવી શકે નહીં. આ પ્રકારની પ્રતિમાપૂજામાં આત્માર્પણ ઈશ્વર પ્રત્યે નહીં પરંતુ અન્ય વસ્તુઓ પ્રત્યે થાય છે એટલા માટે પ્રતિમાઓ, કબરો, ચર્ચો કે દરગાહો વગેરેની ઉપાસના વાસ્તવમાં મૂર્તિર્પૂજા જ છે. તે પોતે ન તો પાપયુક્ત છે કે ન તો દોષયુક્ત છે. તે માત્ર એક પ્રકારનું અનુષ્ઠાન છે, કર્મ છે; ઉપાસકોને તેનું ફળ મળવું જ જોઈએ અને મળે છે.

