(નવેમ્બર ૧૭, ૧૮૯૬)

છાંદોગ્ય ઉપનિષદમાં આપણે વાંચીએ છીએ કે નારદ નામના એક ઋષિ સનત્કુમાર નામના એક બીજા ઋષિ પાસે ગયા અને તેમને વિવિધ પ્રશ્નો પૂછ્યા. તેમાંનો એક પ્રશ્ન એ હતોઃ ‘આ દૃશ્યમાન જગતનું કારણ શું ધર્મ છે?’ સનત્કુમાર તેમને ક્રમે ક્રમે ધીરે ધીરે આગળ લઈ જતા હોય તેમ કહેવા લાગ્યા કે આ પૃથ્વી કરતાં કોઈક વધુ ઉચ્ચ તત્ત્વ છે, તેના કરતાં વધુ ઉચ્ચ પણ કંઈક છે; અને એમ આગળ વધતાં વધતાં અંતે આકાશતત્ત્વે આવીને તેઓ અટક્યા. આકાશ એ તેજ કરતાં વધુ ઉચ્ચ છે કારણ કે આકાશમાં સૂર્ય અને ચંદ્ર, વિદ્યુત અને તારાઓ છે, આકાશમાં આપણે જીવીએ છીએ અને આકાશમાં આપણે મરીએ છીએ. પછી સવાલ ઊઠે છેઃ ‘આના કરતાં વધુ ઉચ્ચ કંઈ છે ખરું?’ એટલે સનત્કુમાર તેમને કહે છે કે પ્રાણ આકાશ કરતાં વધારે ઉચ્ચ છે. વેદાંત પ્રમાણે આ પ્રાણ જીવનતત્ત્વ છે. આકાશની પેઠે તે સર્વવ્યાપી છે; અને શરીરમાં અગર બીજે ગમે ત્યાં, હરેક પ્રકારની ગતિ તે આ પ્રાણનું કાર્ય છે. આકાશ કરતાંય તે મહાન છે અને તેના દ્વારા દરેક વસ્તુ જીવે છે. માતામાં પ્રાણ છે, પિતામાં પ્રાણ છે, બહેનમાં પ્રાણ છે, ગુરુમાં પણ પ્રાણ છે; આ પ્રાણ જ જ્ઞાતા છે.

હવે હું બીજો ફકરો વાંચું છું કે જેમાં શ્વેતકેતુ પોતાના પિતાને સત્ય વિષે પૂછે છે અને પિતા તેને જુદી જુદી બાબતોનો ઉપદેશ આપે છે. પછી છેવટે પિતા કહે છેઃ ‘આ બધી વસ્તુઓમાં જે સૂક્ષ્મ તત્ત્વ કારણરૂપે રહેલું છે, તે જ સર્વ કંઈ છે, તે જ સત્ય છે; હે શ્વેતકેતુ! તે તું છો, तत्त्वमसि.’ ત્યાર પછી તે વિવિધ ઉદાહરણો આપે છેઃ ‘હે શ્વેતકેતુ! જેવી રીતે મધમાખી જુદાં જુદાં ફૂલોમાંથી મધ એકઠું કરે છે અને મધને ખબર નથી હોતી કે પોતે જુદાં જુદાં વૃક્ષોમાંથી અને જુદાં જુદાં ફૂલોમાંથી આવેલું છે, તેમ આપણે સર્વે એ સત્ વસ્તુમાં સમાઈ જઈએ છીએ, ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણે જુદી જુદી સ્થિતિમાંથી આવ્યા છીએ.’ હવે જે વસ્તુ એ સૂક્ષ્મ સાર છે, તેની અંદર અસ્તિત્વ ધરાવતા આ સર્વ કંઈનો આત્મા રહેલો છે. એ જ સત્ય છે; એ જ આત્મા છે અને ઓ શ્વેતકેતુ! તે તું છો, तत्त्वमसि. સાગર તરફ વહી જતી નદીઓનું એક બીજું ઉદાહરણ આપીને તે કહે છેઃ ‘જેવી રીતે નદીઓ સમુદ્રમાં મળી જાય છે ત્યારે તેમને ખબર નથી હોતી કે પોતે જુદી જુદી નદીઓ હતી, તેવી રીતે, જ્યારે આપણે તે સત્-વસ્તુમાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણને પણ ખબર નથી હોતી કે આપણે તે જ છીએ. હે શ્વેતકેતુ! તે તું છો, तत्त्वमसि.’ અને એ પ્રમાણે તેનો ઉપદેશ આગળ ચાલે છે.

હવે, જ્ઞાન થવાની બે પદ્ધતિઓ છે. એક છે વિશિષ્ટ ઘટનાને સામાન્ય નિયમ સાથે સરખાવવાની અને તે સામાન્ય નિયમને વિશ્વવ્યાપી નિયમ સાથે સરખાવવાની અને બીજી પદ્ધતિ એ છે કે જો કોઈ વસ્તુનો ખુલાસો શોધવો હોય તો તે શક્ય હોય ત્યાં સુધી તે વસ્તુની પદ્ધતિમાંથી જ મેળવવો. પહેલી પદ્ધતિ વિચારીએ તો જણાય છે કે આપણું સર્વ જ્ઞાન વાસ્તવિક રીતે ઉચ્ચ અને ઉચ્ચ કક્ષાએ જતાં વર્ગીકરણોનું બનેલું છે. જ્યારે કોઈ પણ ઘટના એકાકી રીતે બને છે, ત્યારે જાણે કે આપણને અસંતોષ થાય છે. પણ જ્યારે એમ લાગે છે કે એ જ ઘટના વારંવાર બને છે ત્યારે આપણને સંતોષ થાય છે અને આપણે તેને નિયમ કહીએ છીએ. જ્યારે આપણે એક જ સફરજન પડતું જોઈએ છીએ ત્યારે આપણને અસંતોષ થાય છે; પરંતુ જ્યારે આપણે બધાં સફરજન પડતાં જોઈએ છીએ, ત્યારે આપણે એ બાબતને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ અને આપણને સંતોષ થાય છે. ખરી હકીકત એ છે કે અહીં આપણે વિશિષ્ટ બીના પરથી સામાન્ય નિયમ તારવીએ છીએ.

જ્યારે આપણે ધર્મનો અભ્યાસ કરવા માગીએ ત્યારે આ વૈજ્ઞાનિક પદ્ધતિ તેને લાગુ કરવી જોઈએ. પહેલો નિયમ અહીં પણ લાગુ પડે છે; અને એક હકીકત તરીકે આપણે જોઈએ છીએ કે સર્વત્ર એ જ પદ્ધતિ રહી છે. જેમાંથી હું તમને અનુવાદ સંભળાવી રહ્યો છું તે આ પુસ્તકો વાંચતાં જે પ્રાચીનમાં પ્રાચીન વિચાર હું તેમાં જોઈ શકું છું તે આ વિશિષ્ટ ઘટનાઓમાંથી સામાન્ય નિયમે પહોંચવાનો આ વિચાર છે. આપણે જોઈએ છીએ કે દેવો એટલે તેજસ્વી વિભૂતિઓ એક તત્ત્વમાં મળી જાય છે. તે જ પ્રમાણે બ્રહ્માંડ અંગેના વિચારોમાં આપણે જોઈએ છીએ કે પ્રાચીન વિચારકો આગળ ને આગળ જઈ રહ્યા છે; સૂક્ષ્મ ભૂતોમાંથી તેઓ વધુ ને વધુ સૂક્ષ્મ અને વધુ ને વધુ વ્યાપક ભૂતો તરફ જાય છે, તથા આ બધાં વિશિષ્ટ તત્ત્વોમાંથી આગળ વધીને તેઓ એક સર્વવ્યાપી આકાશતત્ત્વે પહોંચે છે; અને ત્યાંથી પણ તેઓ એક સર્વવ્યાપી બળ કે પ્રાણે પહોંચે છે. આ બધાંની આરપાર આ નિયમ વ્યાપી રહ્યો છે કે એક વસ્તુ બીજી વસ્તુઓથી જુદી નથી. એનું એ આકાશતત્ત્વ તેની વધુ સૂક્ષ્મ અવસ્થામાં પ્રાણરૂપે અવસ્થિત છે; અથવા પ્રાણરૂપી સૂક્ષ્મ અવસ્થા, જાણે કે સ્થૂળ બનીને આકાશ થાય છે; અને એ આકાશ એથીયે વધુ સ્થૂળ થાય છે અને એમ આગળને આગળ ચાલે છે.

વ્યક્તિરૂપ ઈશ્વરના સિદ્ધાંતનું સામાન્યીકરણ એ આ બાબતમાં બીજો મુદ્દો છે. સામાન્યીકરણે કેવી રીતે પહોંચવું અને તે કઈ રીતે સર્વ વિશેષ જ્ઞાનનો કુલ સરવાળો કહેવાયો તે આપણે જોયું છે. પરંતુ અહીં એક મુશ્કેલી ઊભી થાય છે કે સામાન્યીકરણ અધૂરું છે. આપણે પ્રકૃતિની હકીકતોની માત્ર એક જ બાજુ લઈએ છીએ. એટલે કે માત્ર વિશેષ જ્ઞાનની હકીકતો કે જે લઈએ છીએ અને તેના પરથી આપણે સામાન્યીકરણનો સિદ્ધાંત બાંધીએ છીએ; પરંતુ તેની બીજી બાજુ તો રહી જ જાય છે તેથી પ્રથમ તો આ સામાન્યીકરણ દોષયુક્ત છે. ઉપરાંત તેમાં એક વધુ અપૂર્ણતા છે કે જે બીજી પદ્ધતિને લાગુ પડે છે. દરેક વસ્તુનો ખુલાસો તેની પોતાની પ્રકૃતિમાંથી જ આવવો જોઈએ. પૂર્વે કદાચ એવા લોકો પણ થયા હશે કે જેઓ એમ ધારતા હશે કે જે સફરજન જમીન પર પડ્યું તેને કોઈ ભૂતે પાડ્યું હશે. પરંતુ સફરજન પડવાનો ખુલાસો તો છે ગુરુત્વાકર્ષણનો નિયમ અને જો કે આપણે જાણીએ છીએ કે એ પણ સર્વાંગ સંપૂર્ણ ખુલાસો તો નથી, છતાં પહેલાં કરતાં વધુ સારો છે, કારણ કે તે ખુલાસો વસ્તુની પોતાની પ્રકૃતિમાંથી જ મેળવેલો છે જ્યારે બીજો ખુલાસો વસ્તુની બહારના કંઈકને કારણરૂપે રજૂ કરે છે. આપણા જ્ઞાનના સમગ્ર ક્ષેત્રમાં બધે આ પ્રમાણે સમજવું. જે ખુલાસો વસ્તુની પોતાની પ્રકૃતિ પર આધારિત હોય તે વૈજ્ઞાનિક ખુલાસો છે અને જે ખુલાસો બહારની વસ્તુને કારણરૂપે રજૂ કરે તે અવૈજ્ઞાનિક.

તેથી વિશ્વના સર્જક તરીકે વ્યક્તિરૂપ ઈશ્વરના સિદ્ધાંતે એ પરીક્ષામાંથી પાર ઊતરવાનું છે. જો તે ઈશ્વર પ્રકૃતિની બહાર હોય અને પ્રકૃતિની સાથે તેને કંઈ જ સંબંધ ન હોય, તેમ જ આ પ્રકૃતિ એ ઈશ્વરની આજ્ઞાનું પરિણામ હોય અને શૂન્યમાંથી સર્જાઈ હોય, તો એ સિદ્ધાંત ઘણો જ અવૈજ્ઞાનિક છે; અને દરેક યુગમાં વ્યક્તિરૂપ ઈશ્વર માનનાર દરેક ધર્મની નબળી કડી આ જ રહી છે. સામાન્ય રીતે જેને એકેશ્વરવાદ અથવા વ્યક્તિરૂપ ઈશ્વરનો સિદ્ધાંત કહેવામાં આવે છે, એટલે કે જે સિદ્ધાંતમાં, ઈશ્વરમાં દરેક માનવીય ગુણ અનંત ગુણ પ્રમાણમાં રહેલો છે અને ઈશ્વરે પોતાની ઇચ્છાથી આ વિશ્વનું શૂન્યમાંથી સર્જન કર્યું છે છતાં તેનાથી તે અલગ છે એમ મનાય છે, તે સિદ્ધાંતમાં આ બે ખામીઓ આપણને જોવા મળે છે. આમાંથી બે મુશ્કેલીઓ ઊભી થાય છે.

આપણે જોયું છે તેમ એક તો આ સામાન્યીકરણ પૂરતું નથી અને બીજું એ ખુલાસો પ્રકૃતિનો પ્રકૃતિમાંથી મળેલો નથી. તે એમ કહે છે કે કાર્ય એ કારણ નથી; કારણ એ કાર્યથી સંપૂર્ણ રીતે અલગ છે. છતાં તમામ માનવીય જ્ઞાન બતાવે છે કે કાર્ય એ માત્ર બીજા રૂપમાં કારણ જ છે. આધુનિક વિજ્ઞાનની શોધો રોજ રોજ આ વિચાર તરફ ઢળતી જાય છે; અને વિજ્ઞાનની દરેક શાખાઓએ છેલ્લામાં છેલ્લો જે સિદ્ધાંત સ્વીકાર્યો છે તે ઉત્ક્રાંતિવાદનો છે. ઉત્ક્રાંતિવાદ કહે છે કે કાર્ય એ માત્ર અન્યરૂપે કારણ જ છે, કારણની પુનર્વ્યવસ્થા છે અને કારણ જ કાર્યનું રૂપ લે છે. આધુનિક વૈજ્ઞાનિકો શૂન્યમાંથી સર્જનના વાદ ઉપર જરૂર હસવાના.

હવે, ધર્મ આ કસોટીઓ સામે ટકી શકે ખરો? જો ધર્મના કોઈ પણ એવા સિદ્ધાંતો હોય કે જે આ બે કસોટીઓ સામે ટકી શકે, તો તે આધુનિક માનસને, વિચારશીલ માનસને સ્વીકાર્ય બનશે. પુરોહિતોના સંપ્રદાયોના કે ગ્રંથોના પ્રમાણ ઉપર કોઈપણ સિદ્ધાંતને સ્વીકારી લેવાનું આધુનિક માનવને કહેવામાં આવે તો તે સ્વીકારી શકતો નથી; એનું પરિણામ ઘૃણાજનક શ્રદ્ધાહીનતામાં આવ્યું છે. જેમનામાં બહારથી શ્રદ્ધા દેખાતી હોય છે તેમના પણ અંતરમાં તો જબરી શ્રદ્ધાહીનતા પડી હોય છે. બાકીનાઓ ધર્મને પુરોહિતોની માત્ર ચાલાકી ગણીને તેનાથી દૂર ખસી જાય છે કે તેનો ત્યાગ કરે છે.

ધર્મને નીચે ઉતારીને તેને માત્ર રાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. ધર્મ એ આપણા સારામાં સારા સામાજિક રિવાજોના એક અવશેષરૂપે છે; માટે એ ભલે રહ્યો. પરંતુ આધુનિક માનવના પૂર્વજોને ધર્મની જે ખરી જરૂરિયાત જણાતી, તે સ્થિતિ ચાલી ગઈ છે; આધુનિક માનવની બુદ્ધિને ધર્મ સંતોષ આપી શકતો નથી. આવો વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર, આ પ્રકારની સૃષ્ટિ, દરેક ધર્મમાં સામાન્ય રીતે જેને એકેશ્વરવાદ તરીકે ઓળખવામાં આવે છે તે વિચાર, હવે ટકી શકે તેમ નથી. ભારતમાં તે ટકી ન શક્યો તેનું કારણ બૌદ્ધો હતા; બરાબર તે જ મુદ્દા પર તેમણે એ જમાનામાં વિજય મેળવ્યો. તેમણે બતાવી આપ્યું કે પ્રકૃતિમાં અનંત શક્તિ રહેલી છે અને તે પોતાની સર્વ જરૂરિયાતો પૂરી પાડી શકે છે, એમ જો આપણે માની લઈએ તો પછી પ્રકૃતિથી બહાર કંઈક છે એમ ભારપૂર્વક કહેવું સાવ અનાવશ્યક છે. અરે, ખુદ આત્મા સુધ્ધાં બિનજરૂરી છે.

દ્રવ્ય અને ગુણોની ચર્ચા ઘણી જ જૂની છે અને કોઈ કોઈ વાર તમને જણાશે કે એ જૂનો વહેમ આજે પણ હજી જીવતો છે. તમારા પૈકી ઘણા ખરાએ વાંચ્યું છે કે મધ્ય યુગોમાં અને દિલગીરી સાથે કહેવું પડે છે કે ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી પણ આ એક ચર્ચાનો વિષય હતો કે ગુણો દ્રવ્યમાં હોય છે કે નહિ; જેને આપણે જડદ્રવ્ય કહીએ છીએ તે પદાર્થમાં લંબાઈ, પહોળાઈને જાડાઈ હોય છે કે નહિ; અને ગુણો હોય કે ન હોય પણ દ્રવ્ય ટકી રહે કે નહિ. આ બાબતમાં આપણો બૌદ્ધ મિત્ર કહે છે કે ‘આવા કોઈ દ્રવ્યનું અસ્તિત્વ માનવાને કશું કારણ જ નથી; જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે માત્ર ગુણો જ છે. એથી આગળ તમે કંઈ જોઈ શકતા નથી.’ આપણા અત્યારના અજ્ઞેયવાદીઓના મોટા ભાગની સ્થિતિ બરાબર આવી જ છે, કારણ કે દ્રવ્ય અને ગુણો અંગેનો આ વાદ ઉચ્ચ ભૂમિકાએ, દૃશ્ય જગત અને તેની પાછળ રહેલા તત્ત્વ વચ્ચેના ઝઘડાનું સ્વરૂપ પકડે છે. અહીં દૃશ્યમાન જગત છે કે જે નિરંતર પરિવર્તન પામે છે અને તેની પાછળ એવું કંઈક છે કે જે પરિવર્તન પામતું નથી; અસ્તિત્વનું આ દ્વૈત, આ તાત્ત્વિક વસ્તુ અને દૃશ્ય જગત, એ બંને સાચા છે એમ કેટલાકો કહે છે, જ્યારે બીજાઓ વધુ મજબૂત ભૂમિકા પરથી એવો દાવો કરે છે કે તમને એ બંનેનો સ્વીકાર કરવાનો કોઈ હક નથી, કારણ કે આપણે જે કંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ અને વિચાર કરીએ છીએ, તે કેવળ દૃશ્ય જગત જ છે. તમને એવું ભારપૂર્વક કહેવાનો જરાય અધિકાર નથી કે દૃશ્ય જગતથી પર કંઈક છે; આનો કશો જ જવાબ નથી. આપણને જે એક માત્ર જવાબ મળે છે તે વેદાંતના અદ્વૈતવાદમાંથી જ મળે છે.

એ સાચું છે કે અસ્તિત્વ તો માત્ર એકનું જ છે, પછી તે એક કાં તો દૃશ્ય જગત છે અથવા તેની પાછળ રહેલું અપરિણામી તત્ત્વ છે. એક પરિવર્તન પામ્યા કરતી અને બીજી તેની અંદર તથા તેમાં વ્યાપીને રહ્યા છતાં એવી કે જે પરિવર્તન પામતી નથી, એવી બે વસ્તુઓ હોવાનું સ્વીકારવું, તે સાચું નથી. પરંતુ તે એકની એક જ વસ્તુ છે. જે પરિવર્તન પામતી ભાસે છે પણ ખરી રીતે તો અપરિણામી છે. આપણે શરીર, મન અને આત્માને ભિન્ન ભિન્ન વસ્તુ માનવા લાગ્યા છીએ, પરંતુ વાસ્તવિક રીતે તે એક જ છે; તે એક આ બધાં વિવિધ સ્વરૂપોમાં દેખાઈ રહ્યો છે. અદ્વૈતવાદીઓનું પેલું રજ્જુ અને સર્પનું જાણીતું દૃષ્ટાંત લઈએ. કેટલાક લોકો અંધારામાં કે અન્ય કોઈ કારણે દોરીને સર્પ માની લે છે, પરંતુ જ્યારે દોરીનું ભાન થાય છે, ત્યારે સર્પ અદૃશ્ય થઈ જાય છે અને માત્ર દોરી જ દેખાય છે. આ દૃષ્ટાંતથી આપણે જોઈએ છીએ કે મનમાં જ્યારે સર્પ હોય છે ત્યારે દોરી અદૃશ્ય થઈ ગઈ હોય છે અને જ્યારે દોરી હોય છે ત્યારે સર્પ નથી હોતો. જ્યારે આપણે આપણી આસપાસ જગતને અને જગતને જ જોઈએ છીએ ત્યારે તત્ત્વ અદૃશ્ય થઈ ગયું હોય છે, પરંતુ જ્યારે આપણે અપરિણામી તત્ત્વને જોઈએ છીએ ત્યારે એ સ્વાભાવિક રીતે જ ફલિત થાય છે કે જગત અદૃશ્ય થઈ જાય. હવે આપણે બાહ્યાર્થવાદી અને વિજ્ઞાનવાદી, બંનેની સ્થિતિ વધુ સારી રીતે સમજી શકીએ છીએ. બાહ્યાર્થવાદી માત્ર જગતને જ જુએ છે અને વિજ્ઞાનવાદી માત્ર અપરિણામી તત્ત્વને જ જુએ છે. પરિવર્તનના તમામ વિચારોથી મુક્ત થવાની શક્તિ જેણે ખરેખર અનુભવથી મેળવી છે, એવા વિજ્ઞાનવાદીને માટે, ખરેખરા સાચા વિજ્ઞાનવાદીને માટે, પરિણામી જગત અદૃશ્ય થઈ ગયું છે અને તેથી તેને જ એમ કહેવાનો અધિકાર છે કે આ બધું ભ્રમ છે, પરિવર્તન જેવું કંઈ જ નથી. એ જ વેળા બાહ્યાર્થવાદી તો પરિવર્તનશીલ જગત તરફ જ જુએ છે. તેને માટે અપરિણામી તત્ત્વ અદૃશ્ય થઈ ગયું છે અને આ બધું સત્ય છે એમ કહેવાનો તેને હક છે. આ તત્ત્વવિચારણાનું પરિણામ શું છે? પરિણામ એ કે વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર પૂરતો નથી. કંઈક વધુ ઉચ્ચ, વ્યક્તિત્વ-રહિત વિચારની ભૂમિકાએ આપણે પહોંચવાનું છે. તે એક માત્ર તર્કશુદ્ધ પગલું આપણે લઈ શકીએ તેવું છે. એમ નથી કે એનાથી વ્યક્તિરૂપ ઈશ્વરની ભાવનાનો નાશ થઈ જાય છે, તેમ જ વ્યક્તિરૂપ ઈશ્વરનું અસ્તિત્વ ન હોવાનું આપણે પ્રમાણ આપીએ છીએ એમ પણ નથી, પરંતુ વ્યક્તિરૂપ ઈશ્વરની ભાવનાનો ખુલાસો શોધવા માટે આપણે વ્યક્તિત્વ-રહિત ઈશ્વરી ભાવનાને સ્વીકારવી જોઈએ, કારણ કે વ્યક્તિત્વ-રહિત ઈશ્વરની ભાવના એ વ્યક્તિરૂપ ઈશ્વરની ભાવના કરતાં વધારે ઉચ્ચ કોટિનું નિરૂપણ છે. માત્ર વ્યક્તિત્વ-રહિત જ અનંત હોઈ શકે; વ્યક્તિરૂપ ઈશ્વરની ભાવના સંકુચિત છે. આમ આપણે વ્યક્તિરૂપ ઈશ્વરની ભાવનાને જાળવી રાખીએ છીએ, તેનો નાશ કરતા નથી. ઘણી વાર આપણને એવી શંકા થઈ આવે છે કે જો આપણે વ્યક્તિ-રહિત ઈશ્વરનો વિચાર સ્વીકારીશું તો વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર નાશ પામી જશે, જો આપણે વ્યક્તિત્વ-રહિત માનવનો ખ્યાલ સ્વીકારીશું તો વ્યક્તિરૂપ માનવનો નાશ થઈ જશે. પરંતુ વેદાંતનો વિચાર વ્યક્તિત્વનો નાશ કરવાનો નથી, પરંતુ તેને સાચી રીતે જાળવી રાખવાનો છે. વ્યક્તિને સમષ્ટિની સાથે જોડ્યા સિવાય, વ્યક્તિ વાસ્તવિક રીતે સમષ્ટિ છે એમ સાબિત કર્યા સિવાય, બીજા કોઈ પણ ઉપાયે આપણે વ્યક્તિને સાબિત નહીં કરી શકીએ. જો આપણે વ્યક્તિને વિશ્વમાંની બીજી સર્વ વસ્તુઓથી અલગ ગણીશું તો એ ક્ષણભર પણ ટકી શકશે નહીં. આવી વસ્તુનું અસ્તિત્વ કદી હતું જ નહીં.

બીજું, દરેક વસ્તુનો ખુલાસો વસ્તુની પ્રકૃતિમાંથી જ આવવો જોઈએ એ બીજા સિદ્ધાંતને લાગુ કરવાથી, આપણે એથીયે વધુ હિંમતભર્યા અને સમજવામાં વધુ કઠિન વિચાર તરફ ખેંચાવું પડે છે. એ વિચાર છે વ્યક્તિત્વ-રહિત સત્તા એટલે કે આપણું સર્વોચ્ચ સામાન્યીકરણ આપણી અંદર જ છે, આપણે તે જ છીએ, બીજું કશું નહીં. ‘હે શ્વેતકેતુ! તે તું જ છો.’ એ વ્યક્તિત્વ-રહિત સત્તા તમે જ છો; જે ઈશ્વરની આખા વિશ્વમાં તમે શોધ કર્યા કરો છો, તે ઈશ્વર તમે પોતે જ છો. તમે પોતે એટલે વ્યક્તિના અર્થમાં નહીં. પરંતુ વ્યક્તિત્વ-રહિતના અર્થમાં. જેને આપણે અત્યારે જાણીએ છીએ તે માનવ પ્રગટ માનવ વ્યક્તિરૂપ છે, પરંતુ એનું સાચું સ્વરૂપ છે વ્યક્તિત્વ-રહિત તત્ત્વ. વ્યક્તિરૂપને સમજવા માટે આપણે તેને વ્યક્તિત્વ-રહિતની સાથે જોડવું પડે. વિશિષ્ટ વસ્તુને સામાન્યની સાથે જોડવી પડે; અને એ વ્યક્તિત્વ-રહિત તો છે સત્ય માનવનો આત્મા.

આ બાબતમાં અનેક પ્રશ્નો ઊભા થવાનો સંભવ છે; અને જેમ જેમ આગળ જશું તેમ તેમ એ બધાનો ઉત્તર આપવાનો હું પ્રયાસ કરીશ. તેમાં મુશ્કેલીઓ ઘણી ઊભી થશે, પરંતુ પ્રથમ આપણે અદ્વૈતવાદીની વાત સ્પષ્ટપણે સમજી લઈએ. અભિવ્યક્ત આત્માઓ તરીકે આપણે અલગ અલગ ભાસીએ છીએ, પરંતુ આપણું સાચું તત્ત્વ એક જ છે; એટલે એ એકત્વથી આપણે આપણી જાતને જેટલા ઓછા જુદા માનીએ તેટલું વધારે સારું. આપણે પોતાને સમષ્ટિથી જેટલા વધુ અલગ માનીએ, તેટલા વધુ દુઃખી થઈએ. આ અદ્વૈતવાદી સિદ્ધાંતમાંથી આપણે નીતિના મૂળમાં પહોંચીએ છીએ; અને હું એમ કહેવાની હિંમત કરું છું કે નીતિનું તર્કશુદ્ધ કારણ આપણને બીજે ક્યાંયથી નહીં મળે, આપણે જાણીએ છીએ કે નીતિ વિશેનો પ્રાચીનમાં પ્રાચીન વિચાર, – કોઈ દિવ્ય આત્મા કે આત્માઓનો આદેશ એટલે નીતિ, – એવો હતો. પરંતુ અત્યારે બહુ થોડા લોકો આમ માનવા તૈયાર છે, કારણ કે એ માત્ર આંશિક સામાન્યીકરણ થાય. હિંદુ કહે છે કે આપણે આમ અગર તેમ ન કરવું કારણ કે વેદો એમ કહે છે; પણ ખ્રિસ્તી વેદોનું પ્રમાણ સ્વીકારવા તૈયાર નથી. બીજી બાજુ ખ્રિસ્તી કહે છે કે તમારે આ કરવું અને પેલું ન કરવું કારણ કે બાઇબલમાં એમ કહ્યું છે. પણ જેઓ બાઇબલમાં માનતા નથી તેમને એ વચન બંધનકારક ન બને. તેથી આપણી પાસે આ બધી વિવિધ ભૂમિકાઓને સમાવી લે તેવો વિશાળ સિદ્ધાંત હોવો જોઈએ. જેમ એવા લાખો લોકો છે કે જેઓ વ્યક્તિરૂપ જગતના સ્રષ્ટામાં માનવા તૈયાર છે, તે જ રીતે આ દુનિયામાં મહા તેજસ્વી માનસવાળા એવા હજારો લોકો પણ છે કે જેમને લાગે છે કે આ વિચારો પૂરતા નથી, એથી કંઈક વધારે ઉચ્ચ મળવું જોઈએ અને જ્યાં જ્યાં આ બધા તેજસ્વી લોકોને પોતાની અંદર સમાવવા જેટલો વિશાળ ધર્મ નહોતો, ત્યાં ત્યાં પરિણામ એ આવ્યું હતું કે સમાજમાંના અતિ તેજસ્વી લોકો હંમેશાં ધર્મની બહાર રહેતા હતા; અને આ વસ્તુસ્થિતિ આજે, ખાસ કરીને યુરોપમાં, દેખાઈ આવે છે તેટલી અગાઉ કદી પણ નહોતી.

આથી આવું માનસ ધરાવતા લોકોનો સમાવેશ કરવા માટે ધર્મ પૂરતા પ્રમાણમાં વિશાળ થવો જ જોઈએ. ધર્મના દરેક દાવાઓની તુલના તર્કની ભૂમિકાથી થવી જોઈએ. તર્કના સિદ્ધાંતને અનુસરવા પોતે બંધાયેલ નથી એવો દાવો ધર્મોએ શા માટે કરવો જોઈએ, એ કોઈ જાણતું નથી. માણસ જો તર્કનું ધોરણ ન સ્વીકારે તો તો પછી ધર્મોની બાબતમાં સુધ્ધાં કશો સાચો ન્યાય મળી જ ન શકે. એકાદ ધર્મ કંઈક ઘૃણાજનક જ ફરમાન પણ કાઢી શકે. દાખલા તરીકે ઈસ્લામ ધર્મ જે લોકો ઈસ્લામના અનુયાયી ન હોય તે તમામને ખતમ કરી નાખવાની છૂટ આપે છે. કુરાનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ‘કાફિરો જો મુસલમાન ન થાય તો તેમને મારી નાખવા; તેમને તલવાર અને આગને હવાલે કરી દેવા.’ હવે જો કોઈ મુસલમાનને આપણે કહીએ કે એ ખોટું છે, તો સ્વાભાવિક રીતે જ તે પૂછશે કે ‘તમે ક્યાંથી જાણો? તમને કેમ ખબર પડી કે એ સારું નથી? મારો ધર્મગ્રંથ તો કહે છે કે એ સારું છે.’ જો તમે એમ કહો કે મારો ધર્મગ્રંથ વધુ પ્રાચીન છે, તો બૌદ્ધ આવીને કહેશે કે મારો ધર્મગ્રંથ એથીયે વધુ પ્રાચીન છે. ત્યાં તો હિંદુ આવીને કહેશે કે મારા ધર્મગ્રંથો પ્રાચીનમાં પ્રાચીન છે. તેથી ધર્મગ્રંથોના પુરાવા નહિ ચાલે. તમે સહુ પરસ્પર સરખાવી શકો એવું ધોરણ જ ક્યાં છે? તમે કહેશો કે ગિરિપ્રવચન તરફ નજર નાખો. તરત મુસલમાન બોલી ઊઠશે કે કુરાનનાં નીતિ વચનોને નિહાળો. મુસલમાન કહેશે કે આ બેમાંથી વધુ સારું ક્યું છે એનો ન્યાય કોણ કરશે? કુરાન અને નવા કરાર (New Testament) વચ્ચેના ઝઘડામાં બે પૈકી એકેય ન્યાયાધીશ બની ન શકે. તેમને માટે કોઈક સ્વતંત્ર પ્રમાણ જોઈએ અને તેવું પ્રમાણ કોઈ ધર્મગ્રંથ ન બની શકે; એ કંઈક એવું હોવું જોઈએ કે જે વિશ્વવ્યાપી હોય અને તર્કથી વધુ વ્યાપક બીજું શું છે? કહેવાયું છે કે તર્કનું પ્રમાણ પૂરતું સબળ નથી; તે આપણને સર્વદા સત્યે પહોંચવામાં મદદ કરતું નથી; ઘણીયે વખત એ ભૂલો કરે છે. તેથી આપણે એકાદ ધર્મસંપ્રદાયની સત્તા માનવાના નિર્ણય ઉપર આવવું જોઈએ. કોઈક રોમન કેથોલિકે મને આવું કહેલું, પણ મને તેની પાછળનો તર્ક સમજાયો નહિ. ઊલટાનું હું તો એમ કહું છું કે જો તર્કને એટલો નબળો ગણીએ તો પુરોહિતોનું મંડળ તો એથીયે વધુ નબળું કહેવાય અને હું તો તેમનો નિર્ણય ન સ્વીકારું, પણ હું તો મારા પોતાના તર્ક પ્રમાણે ચાલુ, કારણ કે તર્કની બધી નબળાઈઓ છતાં સત્યે પહોંચવાની મારે માટેની શક્યતા તર્ક દ્વારા કંઈક પણ છે, જ્યારે પેલા બીજા ઉપાયો દ્વારા તો જરાય આશા નથી.

એટલા માટે આપણે તર્કને અનુસરવું અને જે લોકો તર્ક અનુસારની કોઈ પણ પ્રકારની માન્યતા સ્વીકારી શકતા ન હોય તેમના પ્રત્યે પણ સહાનુભૂતિ રાખવી, કારણ કે કોઈકના કહેવા મુજબ વીસ કરોડ દેવોને અંધશ્રદ્ધાથી માને, તે કરતાં માનવજાતિ ઈશ્વરમાં જ ન માનનારી થાય એ વધુ સારું છે. આપણે જોઈએ છીએ પ્રગતિ, વિકાસ, અનુભૂતિ. કોઈપણ સિદ્ધાંતો એકલા, માનવીને કદી ઊંચે લાવ્યા નથી. ગ્રંથોના હજારો ઢગલા પવિત્ર બનવામાં સહાયક બનતા નથી. એવી એક માત્ર શક્તિ અનુભૂતિમાં છે; એ આપણી અંદર છે અને વિચારમાંથી તે આવે છે. માણસોને વિચાર કરવા દો. માટીનું ઢેફું કદી વિચાર નથી કરતું; એ કાયમ માટીનું ઢેફું જ રહે છે. માણસની મહત્તા એ છે કે તે વિચાર કરનારું પ્રાણી છે. વિચાર કરવો એ માનવીની પ્રકૃતિ છે અને ત્યાં એ પશુઓથી જુદો પડે છે. શાસ્ત્ર-પ્રમાણનાં અનિષ્ટો પૂરેપૂરાં અનુભવ્યાં હોવાથી હું તર્કને અનુસરું છું, કારણ કે જે દેશમાં હું જન્મ્યો છું ત્યાં શાસ્ત્ર-પ્રમાણની પરાકાષ્ઠા આવી ગઈ છે.

હિંદુઓ માને છે કે સૃષ્ટિ વેદોમાંથી ઉત્પન્ન થઈ છે. ગાય છે એ તમે કેવી રીતે જાણો છો? કારણ કે ગાય શબ્દ વેદમાં છે માટે. જગતમાં મનુષ્ય છે એ તમે કેવી રીતે જાણો છો? કારણ કે મનુષ્ય શબ્દ વેદમાં છે માટે. જો વેદમાં મનુષ્ય શબ્દ ન હોત તો બહાર જગતમાં મનુષ્ય જ ન હોત. એ લોકો આમ કહે છે. આનું નામ છે શાસ્ત્ર પ્રમાણની પરાકાષ્ઠા! વળી શાસ્ત્રોનો અભ્યાસ, મેં જે રીતે કર્યો છે એવી રીતે નથી કરવામાં આવતો; કેટલાંક પ્રખરમાં પ્રખર ભેજાં એની પાછળ મંડ્યાં છે અને અદ્‌ભુતમાં અદ્‌ભુત તર્કશુદ્ધ સિદ્ધાંતો એની આસપાસ રચાયા છે. પંડિતોએ એને તર્ક દ્વારા નક્કી કર્યા છે અને એની પાછળ એક આખી તત્ત્વજ્ઞાનની પ્રણાલી ઊભી કરી છે, વળી આ સિદ્ધાંતને સાબિત કરી આપવા માટે હજારો વર્ષ દરમિયાન સેંકડો તેજસ્વી અને મેધાવી પંડિતોએ પોતાની બુદ્ધિ સમર્પિત કરી છે. શાસ્ત્ર પ્રમાણની શક્તિ આવી જબરી છે અને તેનાં જોખમો પણ તેવાં જ મોટાં છે. માનવજાતિના વિકાસને તે રુંધે છે અને આપણે ભૂલવું ન જોઈએ કે આપણને જરૂર છે વિકાસની. બધાં સાપેક્ષ સત્યોની બાબતમાં પણ, કેવળ સત્યના કરતાંય, આપણને તર્કના ઉપયોગની તાલીમની જરૂર છે; એ તો આપણું જીવન છે.

અદ્વૈત સિદ્ધાંતની આ વિશિષ્ટતા છે કે આપણે કલ્પી શકીએ તે સઘળા ધાર્મિક સિદ્ધાંતોમાં એક એ જ સૌથી વધુ તર્કશુદ્ધ સિદ્ધાંત છે. બીજો દરેક સિદ્ધાંત, ઈશ્વર વિષેનો દરેક એકાંગી, ક્ષુદ્ર અને વ્યક્તિરૂપ ખ્યાલ, તર્કશુદ્ધ નથી અને છતાં અદ્વૈતવાદની એ ભવ્યતા છે કે ઈશ્વર વિષેના આ બધા અધૂરા ખ્યાલો, ઘણાયને જરૂરના હોય છે એમ ગણીને તે એ બધાને સ્વીકારે છે. કેટલાક લોકો કહે છે કે આ વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર તર્કશુદ્ધ નથી. પણ એ આશ્વાસન આપે તેવો છે; લોકોને આશ્વાસન આપે તેવો ધર્મ જોઈએ છે અને આપણે સમજી શકીએ કે તેની તેમને જરૂર પણ છે. સત્યના સ્વચ્છ, ઝળહળતા પ્રકાશને આ જીવનમાં બહુ જ થોડા લોકો સહન કરી શકે છે અને એ અનુસાર જીવન જીવનારા તો એથી પણ ઓછા હોય છે. તેથી આ આશ્વાસન આપનારો ધર્મ હોવો આવશ્યક છે. ઘણા લોકોને એ એથીય વધારે સારા ધર્મને ગ્રહણ કરવામાં સહાયભૂત થાય છે. સંકુચિત મનનું ક્ષેત્ર ઘણું જ મર્યાદિત હોય છે; એ ક્ષેત્ર રચવા તેમણે બહુ નાની નાની વસ્તુઓની જરૂર હોય છે; વિચારના ક્ષેત્રમાં ઊંચા ઉડ્ડયનનાં સાહસ તેઓ કદીય કરતા નથી. તેમની કલ્પનાઓ ભલે માત્ર નાનકડા દેવો અને પ્રતીકોની હોય, પરંતુ તે સારી છે અને તેમને તે સહાય કરે તેવી છે. પરંતુ વસ્તુતઃ તમારે ઈશ્વરના વ્યક્તિરહિત સ્વરૂપને સમજવું જ પડે, કારણ કે એકલા તેમાં અને તે દ્વારા જ આ બીજા પ્રશ્નોનો ખુલાસો મળી શકે.

હવે દાખલા તરીકે વ્યક્તિરૂપ ઈશ્વરનો વિચાર લો. જે માણસ વ્યક્તિરહિત (ઈશ્વર)ને સમજે છે અને માને છે – ઉદાહરણાર્થ જહોન સ્ટુઅર્ટ મિલ – તે કહે કે વ્યક્તિરૂપ ઈશ્વર અસંભવિત છે, તે સાબિત કરી શકાય તેમ નથી. તેની સાથે હું પણ સ્વીકારું છું કે એક વ્યક્તિરૂપ ઈશ્વર પ્રત્યક્ષ દર્શાવી શકાય તેમ નથી. પરંતુ વ્યક્તિરૂપ ઈશ્વર એ વ્યક્તિત્વ રહિત વિષેની માનવબુદ્ધિ વડે પહોંચી શકાય તેવી ઉચ્ચમાં ઉચ્ચ વિચાર દૃષ્ટિ છે; અને વિશ્વ એ નિર્વિશેષ ઈશ્વરના વિવિધ વિચારો સિવાય બીજું છે શું? જાણે કે એ આપણી સામેના એક પુસ્તક જેવું છે; આપણે દરેક તેને વાંચવા સારું પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ અને દરેકે પોતે જ તે વાંચવાનું છે. તમામ મનુષ્યોની બુદ્ધિમાં કંઈક એવું છે કે જે સર્વસામાન્ય છે; તેથી અમુક વસ્તુઓ સમગ્ર માનવજાતની બુદ્ધિને એકસરખી જ દેખાય છે. ખુરશીને તમે અને હું એકસરખી રીતે ખુરશી તરીકે જ જોઈએ છીએ, તે જ સાબિત કરે છે કે આપણાં બંનેનાં મનને માટે કાંઈક વસ્તુ સામાન્ય છે. ધારો કે કોઈ પ્રાણી બીજા પ્રકારની ઇન્દ્રિય લઈને આવે તો આ ખુરશીને તે બિલકુલ દેખશે નહિ; પરંતુ એકસરખી રીતે ઘડાયેલાં સર્વ પ્રાણીઓ વસ્તુઓને એક સરખી રીતે જ જોશે. આમ આ વિશ્વ પોતે જ નિર્વિશેષ, અપરિણામી તત્ત્વ છે; અને દૃશ્ય જગત એટલે એ તત્ત્વનું દર્શન છે. કેમ કે તમને પ્રથમ એ જણાશે કે સર્વ દૃશ્ય વસ્તુઓ સાન્ત છે. આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા વિચારમાં લાવી શકીએ, તે દરેક વસ્તુ સાન્ત છે, આપણા જ્ઞાનથી મર્યાદિત છે અને આપણે જે જાતની કલ્પના કરીએ છીએ તેવો વ્યક્તિરૂપ ઈશ્વર હકીકતમાં તો એક દૃશ્ય વસ્તુ છે. કાર્યકારણનો વિચાર સુધ્ધાં ફક્ત દૃશ્ય જગતની અંદર જ અસ્તિત્વ ધરાવે છે અને આ વિશ્વના કારણરૂપ ઈશ્વરને કુદરતી રીતે મર્યાદિત તરીકે જ કલ્પી શકાય. છતાં તે એનો એ જ વ્યક્તિત્વ-રહિત ઈશ્વર છે. આપણે જોયું છે તેમ આ વિશ્વ પોતે જ આપણી બુદ્ધિ દ્વારા અનુભવાયેલ એ જ વ્યક્તિત્વ-રહિત તત્ત્વ છે. વિશ્વમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે પેલું વ્યક્તિત્વ-રહિત તત્ત્વ છે અને તેના ઉપર આપણી બુદ્ધિ આકારો અને કલ્પનાઓનું આરોપણ કરે છે. આ ટેબલમાં જે કંઈ છે તે આ પેલું વ્યક્તિત્વ-રહિત તત્ત્વ છે અને ટેબલનો આકાર અને બીજા બધા આકારો આપણી બુદ્ધિએ તેમાં આરોપેલા છે.

હવે ગતિનો દાખલો લઈએ. ગતિ એ દૃશ્ય જગતનો એક આવશ્યક ગુણ છે; સર્વવ્યાપી વસ્તુને તે લાગુ પાડી ન શકાય. વિશ્વની અંદરનો દરેકેદરેક ક્ષુદ્ર અંશ, દરેકેદરેક પરમાણુ નિરંતર ગતિની અને પરિવર્તનની સ્થિતિમાં છે; પરંતુ સમગ્ર દૃષ્ટિએ વિશ્વ આખું પરિવર્તનરહિત છે, કારણ કે ગતિ કે પરિવર્તન એ સાપેક્ષ વસ્તુ છે; કોઈ પણ ગતિમાન વસ્તુનો વિચાર આપણને કોઈ પણ ગતિરહિત વસ્તુના વિચારની સરખામણી દ્વારા જ આવી શકે. ગતિને સમજવા માટે બે વસ્તુઓ હોવી જ જોઈએ. વિશ્વનો આખો સમૂહ એક એકમ તરીકે લેતાં, ગતિ કરી શકે નહિ. એ કોની સરખામણીમાં ગતિ કરશે? એ પરિવર્તન પામે છે એમ કહી ન શકાય. શાના સંબંધમાં તે પરિવર્તન પામે? તેથી સમગ્ર વિશ્વ નિર્વિશેષ છે; પરંતુ તેની અંદર દરેક પરમાણુ નિરંતર ગતિની અને પરિવર્તનની સ્થિતિમાં છે. તે પરિવર્તનરહિત અને પરિવર્તનશીલ બંને એક સાથે છે, વ્યક્તિત્વ-રહિત અને વ્યક્તિરૂપ બંને એક સાથે છે. વિશ્વ વિષેના, ગતિ અને ઈશ્વર વિષેના અમારા ખ્યાલો આ છે; અને એ અર્થમાં જ કહેવાયું છે કે ‘તે તું છે, ‘तत्त्वमसि’ આમ આપણે જોઈએ છીએ કે વ્યક્તિત્વ-રહિત વસ્તુ વ્યક્તિરૂપ વસ્તુનો નાશ કરવાને બદલે, નિરપેક્ષ વસ્તુ સાપેક્ષ વસ્તુને તોડી પાડવાને બદલે, આપણી બુદ્ધિ અને હૃદયને સંપૂર્ણ સંતોષ થાય તેવી રીતે સમજાવે છે. વ્યક્તિરૂપ ઈશ્વર અને વિશ્વમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે સર્વ, આપણા મન દ્વારા દેખાતું એક જ વ્યક્તિત્વરહિત તત્ત્વ છે. જ્યારે આપણે આપણા મનથી મુક્ત થઈશું, આપણાં ક્ષુદ્ર વ્યક્તિત્વોથી રહિત થઈશું, ત્યારે આપણે તેની સાથે એક થઈશું. તે તું છે, तत्त्वमसि એનો અર્થ આ છે, કારણ કે આપણે આપણા સાચા સ્વરૂપને, નિર્વિશેષ તત્ત્વને જાણવું જોઈએ. શાંત, વ્યક્તિરૂપ દેખાતો માનવ પોતાનું મૂળ સ્થાન વીસરી જાય છે અને પોતાને તે તત્ત્વથી સંપૂર્ણ ભિન્ન માને છે. આપણે વ્યક્તિ સ્વરૂપે, અલગ અલગ જીવો તરીકે, આપણા સાચા સ્વરૂપને વીસરી જઈએ છીએ; અને અદ્વૈતવાદનો ઉપદેશ આ ભેદોને છોડી દેવાનો નથી, પણ તે શું છે એ સમજવાનો છે. ખરી રીતે આપણે એ અનંત તત્ત્વ છીએ અને આપણાં વ્યક્તિત્વો જાણે કે, જુદાં જુદાં સ્વરૂપો છે કે જે દ્વારા આ અનંત તત્ત્વ પોતાને પ્રગટ કરી રહ્યું છે. આત્મા પોતાની અનંત શક્તિ વધુ ને વધુ પ્રગટ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે તેનાથી પરિવર્તનનો સમગ્ર સમૂહ ઉત્પન્ન થયો છે અને તેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ. અનંતને પામ્યા વિના આપણે અટકી શકીએ નહિ. આપણી શક્તિ, આપણી ધન્યતા, આપણું જ્ઞાન અનંતપણાને પામ્યા વિના રહી જ ન શકે. અનંત શક્તિ, અનંત અસ્તિત્વ અને અનંત ધન્યતા આપણાં જ છે; આપણે તેમને મેળવવાનાં હોતાં નથી, એ આપણા પોતાના જ છે; માત્ર આપણે તેમને પ્રગટ કરવાનાં છે.

અદ્વૈતવાદનો મધ્યવર્તી વિચાર આ છે; અને એ સમજવામાં અત્યંત કઠિન છે. મારા બચપણથી મારી આજુબાજુના સૌ કોઈએ મને નિર્બળતાનો ઉપદેશ આપ્યો; હું જન્મ્યો ત્યારથી મને કહેવામાં આવ્યું કે હું એક નિર્બળ પ્રાણી છું. મારી પોતાની શક્તિનો મને પૂરેપૂરો ખ્યાલ આવવો હવે ઘણો જ કઠણ છે, પરંતુ્ર પૃથક્કરણ અને તર્ક વડે હું મારી પોતાની શક્તિનું જ્ઞાન મેળવું છું, તેનો અનુભવ કરું છું.

આ જગતમાં આપણી પાસે જે કાંઈ જ્ઞાન છે, તે બધું આવ્યું ક્યાંથી? આ આપણી અંદર હતું. બહાર કયું જ્ઞાન છે? કંઈ જ નથી. જ્ઞાન જડ પદાર્થમાં નથી; હંમેશાં એ માનવમાં જ રહેલું છે. જ્ઞાનને કોઈએ કદી ઉત્પન્ન કર્યું નથી; માનવ તેને પોતાની અંદરથી બહાર લાવે છે. એ ત્યાં પડેલું જ છે. એકરોના વિસ્તારમાં પથરાઈને ઊભેલું પેલું મોટું વડનું ઝાડ આખુંય તેના પેલા નાના બીજમાં હતું કે જે કદાચ રાઈના દાણાના આઠમા ભાગનુંય નહોતું; આખા વૃક્ષની શક્તિનો સમૂહ ત્યાં પુરાઈને પડેલો હતો. આપણે જાણીએ છીએ તે વિરાટમાં વિરાટ મેધા જીવ-કોષમાં ગૂંચળું વળીને સમાયેલી પડેલી છે; અનંત શક્તિ પણ તેવી જ રીતે ત્યાં શા માટે ન હોય? આપણે જાણીએ છીએ કે તે પણ તેવી જ રીતે પડેલી છે. એ વિરોધાભાસભર્યું લાગતું હોવા છતાં પણ સાચું છે. આપણે સહુ જીવ-કોષમાંથી આવ્યા છીએ અને આપણામાં રહેલી સઘળી શક્તિઓ ત્યાં ગૂંચળું વળીને પડેલી હતી. તમારાથી એમ નહિ કહી શકાય કે એ અન્નમાંથી આવી; કારણ કે અન્નના ભલે તમે ઢગલેઢગલા ખડકી મૂકો; તેમાંથી કશી શક્તિ આવે ખરી? શક્તિ ત્યાં જીવકોષમાં હતી, ભલે સુપ્ત રીતે હતી, પણ છતાંય તે ત્યાં હતી જ. તે જ પ્રમાણે માણસ પોતે તે જાણતો હોય કે ન જાણતો હોય પણ તેના આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તેની અભિવ્યક્તિ એ માત્ર તેનું ભાન થવાનો જ પ્રશ્ન છે. ધીમે ધીમે જાણે કે આ વિરાટ જાગી ઊઠે છે, તેને પોતાની શક્તિનું ભાન થાય છે, તે પોતાને જાગ્રત કરતો જાય છે; અને પોતાના વધતા જતા ભાનની સાથે સાથે તેનાં બંધનો વધુ ને વધુ તૂટતાં જાય છે, બેડીઓ તૂટી જાય છે અને એક એવો દિવસ જરૂર આવવાનો છે કે જ્યારે, પોતાની અનંત શક્તિ અને જ્ઞાનનું પૂરેપૂરું ભાન થતાં એ વિરાટ પોતાના પગ પર ટટ્ટાર ઊભો થઈ જશે. એ ગૌરવભરી સંપૂર્ણતાને ત્વરાથી લાવવામાં આપણે સહુ સહાયક બનીએ.

Total Views: 143
૧૦. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૨
૧૨. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૪