(નવેમ્બર ૧૮, ૧૮૯૬)

અત્યાર સુધી આપણે સમષ્ટિનું નિરૂપણ વધારે પ્રમાણમાં કરતા આવ્યા છીએ. આજે સવારે હું તમારી પાસે વ્યષ્ટિના સમષ્ટિ સાથેના સંબંધ વિષે વેદાંતનો શું વિચાર છે તે રજૂ કરવાનો પ્રયાસ કરીશ. આપણે જોયું છે કે વૈદિક સિદ્ધાંતોના દ્વૈતવાદી સ્વરૂપમાં, એટલે કે વધુ પ્રાચીન પ્રકારોમાં, એમ હતું કે દરેક પ્રાણીને એક સ્પષ્ટપણે વર્ણવેલો વિશિષ્ટ અને મર્યાદાવાળો જીવાત્મા હતો. દરેક વ્યક્તિમાં રહેલા આ વિશિષ્ટ જીવાત્મા વિશે ઘણા સિદ્ધાંતો રજૂ થયા છે, તેમાં વેદાંતીઓ માનતા કે વ્યક્તિરૂપ જીવાત્મા પોતે જ સ્વયંપૂર્ણ છે, જ્યારે બૌદ્ધો એવા વ્યક્તિરૂપ જીવાત્માના અસ્તિત્વનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરતા હતા. તે દિવસે મેં તમને કહ્યું તેમ યુરોપમાં જેમ તમારે દ્રવ્ય અને ગુણો વિશે ચર્ચા ચાલે છે, એ પણ ઘણે અંશે તે જ ચર્ચા છે. એક પક્ષ એમ કહે છે કે ગુણોની પાછળ તેના આધાર જેવું, દ્રવ્યરૂપે કંઈક છે કે જેની અંદર ગુણો સમાયેલા છે; અને બીજો પક્ષ આવા પદાર્થને અનાવશ્યક ગણીને તેના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, કારણ કે ગુણો પોતાની મેળે રહી શકે છે. બેશક આત્મા વિશેનો પ્રાચીનમાં પ્રાચીન સિદ્ધાંત તો પોતાની પોતા સાથેની અભિન્નતાના વિચાર ઉપર આધારિત છે; એટલે કે હું એ હું જ છું; ગઈ કાલનો હું જ આજનો હું છું અને આજનો હું જ આવતી કાલનો હું થઈશ. શરીરમાં જે જે ફેરફારો થાય છે તે બધા થવા છતાંય પણ, હું માનું છું કે હું એનો એ જ છું. જે લોકો મર્યાદાવાળા છતાં સંપૂર્ણપણે પૂર્ણ એવા વ્યક્તિરૂપ જીવાત્મામાં માનતા, તેમની મધ્યવર્તી દલીલ આ હતી એમ લાગે છે.

બીજી બાજુએ પ્રાચીન બૌદ્ધોએ આવી કલ્પનાની આવશ્યકતાનો અસ્વીકાર કર્યો. તેઓ એવી દલીલ રજૂ કરતા કે જે કંઈ આપણે જાણીએ છીએ, તેમ જ જે કાંઈ જાણી શકવાનું આપણાથી શક્ય છે, તે બધું માત્ર આ પરિવર્તનો જ છે. પરિવર્તનરહિત અને જેમાં પરિવર્તન થઈ ન શકે એવું એક દ્રવ્ય છે એમ માનવું એ કેવળ નિરર્થક છે અને એવી અપરિણામી વસ્તુ જો હોત, તો પણ આપણે તેને સમજી ન શકત; તેમ જ ‘ઓળખવું’ શબ્દના કોઈ પણ અર્થ પ્રમાણે આપણે તેને ઓળખી પણ શકત નહીં. તમે જોશો કે યુરોપમાં આજે પણ એક બાજુએ ધર્મનો પક્ષ લેનારાઓ અને વિજ્ઞાનવાદીઓ વચ્ચે અને બીજી બાજુએ આધુનિક વાસ્તવવાદીઓ અને અજ્ઞેયવાદીઓ વચ્ચે એ જ ચર્ચા ચાલી રહી છે. એક પક્ષ એમ માને છે કે કંઈક એવું છે કે જે પરિવર્તન પામતું નથી. (આ મતનો છેલ્લામાં છેલ્લો સમર્થક છે તમારો હર્બર્ટ સ્પેન્સર) પરિવર્તનરહિત એવા કશાકની આપણને ઝાંખી થાય છે. બીજા પક્ષના પ્રતિનિધિઓ છે આધુનિક કોન્ટેના અનુયાયીઓ અને અજ્ઞેયવાદીઓ. તમારામાંથી જેમને રસ હશે તેમણે જોયું હશે કે થોડાં વરસો પહેલાં હર્બર્ટ સ્પેન્સર અને ફ્રેડરિક હેરિસન વચ્ચેની ચર્ચામાં એની એ જ જૂની મુશ્કેલી ઊભી હતી; એક પક્ષ એમ કહેતો કે પરિવર્તનશીલ વસ્તુની પાછળ પરિવર્તનરહિત પદાર્થ છે, જ્યારે બીજો પક્ષ એવી કોઈ કલ્પનાની આવશ્યકતાનો અસ્વીકાર કરતો. એક પક્ષ એમ કહે છે કે જેમાં પરિવર્તન થતું નથી એવી કોઈક વસ્તુનો વિચાર કર્યા સિવાય પરિવર્તનોનો ખ્યાલ આપણને આવી ન શકે; બીજો પક્ષ એવી દલીલ રજૂ કરે છે કે એ કલ્પના બિન-જરૂરી છે; જે વસ્તુમાં પરિવર્તન થયા કરતું હોય તેનો જ માત્ર વિચાર આપણને આવી શકે અને પરિવર્તનરહિત વસ્તુને તો આપણે જાણી કે અનુભવી કે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકીએ જ નહીં.

ભારતમાં આ મહાન પ્રશ્નનું નિરાકરણ પ્રાચીન કાળમાં આવ્યું ન હતું, કારણ કે આપણે જોયું છે કે ગુણોની પાછળ રહેલા છતાં પોતે ગુણ નથી એવા એક દ્રવ્યની કલ્પનાને કદી સાબિત કરી શકાતી નથી; અરે, એટલું જ નહીં પરંતુ ગઈ કાલનો હું તે જ આજનો હું છું કારણ કે મને યાદ છે અને તેથી હું એક ચાલુ જ રહેલ કંઈક છું એવી સ્મૃતિ પર મંડાયેલી સ્વ-અભિન્નતાની દલીલનું પણ સમર્થન થઈ શકતું નથી. જે બીજો શબ્દશ્લેષ સામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે તે માત્ર શબ્દોની ભ્રમજાળ છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિને ‘હું કરું છું’, ‘હું જાઉં છું’, ‘હું સૂઉં છું’, ‘હું ખસું છું’ વગેરે કેટલાંક વાક્યોની એક લાંબી હારમાળા લઈને એવો દાવો કરતો જોશો કે જવું, કરવું, સૂવું, વગેરે બદલાતાં રહે છે, પરંતુ જે કાયમ રહ્યું છે તે પેલો ‘હું’ છે અને પછી એવા નિર્ણય પર આવે છે કે ‘હું’ એ કંઈક એવું છે કે જે કાયમ છે, તે અને પોતે જ એક સંપૂર્ણ વ્યક્તિરૂપ છે, પરંતુ આ ફેરફારો તો માત્ર શરીરના છે. ઉપલક દૃષ્ટિએ આ દલીલ જો કે ઘણી જ સ્પષ્ટ અને ગળે ઊતરે એવી લાગે છે છતાં તે માત્ર શબ્દોની જ રમત છે. એ ‘હું’ અને કરવું, જવું, સૂવું વગેરે માત્ર લખાણમાં જુદાં લાગે છે પણ પોતાના મનમાં તેમને કોઈ જુદાં પાડી શકે નહીં.

હું જ્યારે ખાઉં છું ત્યારે મારી જાતને ખાવાની ક્રિયા સાથે જોડું છું અને તેની સાથે તદ્રૂપ બનું છું; જ્યારે હું દોડું છું ત્યારે હું અને દોડવાની ક્રિયા બે અલગ વસ્તુઓ નથી. આમ વ્યક્તિગત તાદાત્મ્યની દલીલ બહુ મજબૂત લાગતી નથી. સ્મૃતિ પર આધારિત બીજી દલીલ પણ નબળી છે. મારા અસ્તિત્વનું એકત્વ જો મારી સ્મૃતિથી દર્શાવતું હોય તો જે કેટલીય બાબતો હું ભૂલી ગયો છું તે પેલા એકત્વમાંથી ચાલી ગયેલી છે, એમ સમજવું પડે. આપણે જાણીએ છીએ કે અમુક પરિસ્થિતિમાં માણસ પોતાનો આખો ભૂતકાળ ભૂલી જાય છે. ગાંડપણના ઘણા કિસ્સાઓમાં માણસ પોતાને કાચનો બનેલો અગર પશુ પણ ધારે. જો એ માણસનું અસ્તિત્વ સ્મૃતિ પર આધાર રાખતું હોય તો આપણે માનવું પડે કે તે માણસ કાચ બની ગયો છે; પરંતુ એમ તો છે નહિ; એટલે આપણે આત્માના એકત્વનો આધાર સ્મૃતિ જેવી ક્ષણભંગુર બાબત પર રાખી શકીએ નહિ. આમ આપણે જોઈએ છીએ કે મર્યાદિત છતાં સંપૂર્ણ અને સ્થિર એકત્વરૂપે આત્મા ગુણોથી અલગ સિદ્ધ કરી શકાતો નથી. જેને ગુણોનો એક સમૂહ વળગાડી દેવામાં આવ્યો છે તેવા એક સંકુચિત મર્યાદિત અસ્તિત્વને આપણે સિદ્ધ કરી શકીએ નહિ.

બીજી બાજુએ ગુણોના સમુદાયથી પર એવી કોઈ વસ્તુને આપણે જાણતા નથી અને જાણી શકતા નથી એવી પ્રાચીન બૌદ્ધોની આ દલીલ વધુ મજબૂત દેખાય છે. તેમના સિદ્ધાંત પ્રમાણે આત્મા એટલે જેને સંવેદનો અને લાગણીઓ કહેવામાં આવે છે તે ગુણોનો સમુદાય છે. આવા ગુણોનો સમૂહ આત્મા કહેવાય છે અને આ સમૂહ નિરંતર બદલાયા કરે છે.

આત્મા વિષેનો અદ્વૈતવાદનો સિદ્ધાંત આ બંને સ્થિતિનું સમાધાન સાધે છે. અદ્વૈતવાદી કહે છે કે ગુણોથી અલગ એવા દ્રવ્યનો આપણને વિચાર આવી જ ન શકે એ વાત ખરી છે, આપણે પરિવર્તનપણું અને અપરિવર્તનપણું એ બંનેનો ખ્યાલ એકી જ સાથે કરી ન શકીએ; એ અશક્ય છે. પરંતુ જે વસ્તુ દ્રવ્ય છે, તે જ ગુણ છે; દ્રવ્ય અને ગુણ એ બે વસ્તુઓ નથી. જે પરિવર્તનરહિત છે તે જ પરિવર્તનશીલ દેખાય છે. વિશ્વનું પરિવર્તનરહિત તત્ત્વ, વિશ્વથી અલગ એવી કોઈક વસ્તુ નથી. દૃશ્યજગતથી એની પાછળ રહેલું તત્ત્વ કંઈક જુદું તત્ત્વ નથી; એ તત્ત્વ પોતે જ દૃશ્ય થઈ રહેલ છે. આત્મા અપરિણામી જુદું તત્ત્વ નથી; એ તત્ત્વ પોતે જ દૃશ્ય થઈ રહેલ છે. આત્મા અપરિણામી છે અને જેને આપણે સંવેદનો અને અનુભવો કહીએ છીએ, અરે, આપણું શરીર સુધ્ધાં, બીજા દૃષ્ટિબિન્દુથી જોવામાં આવેલો ખુદ આત્મા જ છે. આપણને એમ માનવાની આદત પડી ગઈ છે કે આપણને શરીર છે, આપણને આત્મા છે વગેરે વગેરે; પરંતુ ખરી રીતે જે છે તે માત્ર એક જ છે.

જ્યારે હું મને પોતાને શરીર તરીકે માનું છું ત્યારે હું માત્ર એક શરીર છું; હું કંઈક બીજી વસ્તુ છું એમ કહેવું એ અર્થ વિનાનું છે અને જ્યારે હું મને પોતાને આત્મા તરીકે માનું ત્યારે શરીર અદૃશ્ય થઈ જાય છે અને શરીરનો અનુભવ રહેતો નથી. દેહનો અનુભવ અદૃશ્ય થયા વિના આત્માનો અનુભવ કોઈને થઈ શકે નહિ. ગુણોનો અનુભવ અદૃશ્ય થયા વિના દ્રવ્યનો અનુભવ કોઈને થઈ શકે નહિ.

અદ્વૈતનું પેલું પ્રાચીન દૃષ્ટાંત સર્પ-રજ્જુ-ન્યાયનું આ મુદ્દાને જરા વધુ સરળ બનાવે ખરું. જ્યારે માણસ દોરડીને સર્પરૂપે જુએ છે ત્યારે દોરડી અદૃશ્ય થઈ ગઈ હોય છે અને જ્યારે દોરડીને દોરડી તરીકે જુએ છે ત્યારે સર્પ અદૃશ્ય થઈ ગયો હોય છે અને માત્ર દોરડી જ બાકી રહે છે. બેવડા કે ત્રેવડા અસ્તિત્વના વિચારો અપૂરતી હકીકતો ઉપરથી તર્ક કરવાને કારણે ઉદ્‌ભવે છે; આપણે એ પુસ્તકોમાં વાંચીએ છીએ અથવા બીજા પાસેથી સાંભળીએ છીએ અને છેવટે આપણે એવા ભ્રમમાં પડી જઈએ છીએ કે આપણે ખરેખર આત્મા અને શરીર એવો બેવડો અનુભવ કરીએ છીએ; પણ વાસ્તવિક રીતે આવો બેવડો અનુભવ કદી હોતો નથી. જે અનુભવ થાય છે તે કાં તો શરીરનો અગર તો આત્માનો હોય છે. એ સાબિત કરવા માટે દલીલોની જરૂર નથી; તમે તમારા પોતાના મનમાં એની ખાતરી કરી શકો છો.

તમે તમને પોતાને આત્મા તરીકે, શરીરથી અલગ કોઈક વસ્તુ તરીકે કલ્પવાનો પ્રયાસ કરો; તમને તે લગભગ અશક્ય જણાશે અને જે વિરલાઓ એમ કરી શકશે તેમને જણાશે કે જે વખતે તેઓ પોતાને આત્મારૂપે અનુભવે છે તે વખતે દેહનો કશો જ ખ્યાલ નથી રહેતો. તમે એવા લોકો વિષે સાંભળ્યું હશે, કદાચ જોયા પણ હશે કે જેઓ અમુક વિશિષ્ટ પ્રસંગોએ ઊંડું ધ્યાન કે આત્મ-સંમોહન કે ઉન્માદ કે કોઈ ઔષધિના પ્રભાવે મનની અમુક વિશિષ્ટ સ્થિતિમાં આવી ગયા હતા. તેમના અનુભવ પરથી તમે સમજી લો કે જ્યારે તેઓ અંદરના કંઈકનો અનુભવ કરતા હતા ત્યારે બાહ્ય બધું તેમને માટે અદૃશ્ય થઈ ગયું હતું. આ બતાવે છે કે જે કંઈ છે તે એક જ છે. એ એક જ આ બધાં વિવિધરૂપે દેખાઈ ગયું છે અને આ બધાં વિવિધ રૂપો કાર્યકારણના સંબંધને ઉત્પન્ન કરે છે. કાર્યકારણ સંબંધ ઉત્ક્રાંતિનો સંબંધ છે – એટલે કે કારણ ઉત્ક્રાંતિ પામીને કાર્ય બને છે. કેટલીક વખત કારણ જાણે કે અદૃશ્ય થઈ જાય છે અને પોતાની જગાએ કાર્ય મૂકતું જાય છે. જો આત્મા શરીરનું કારણ હોય, તો જાણે કે તત્કાલ પૂરતો આત્મા અદૃશ્ય થઈ જાય છે અને શરીર જ રહે છે; અને જ્યારે શરીર અદૃશ્ય થઈ જાય છે, ત્યારે આત્મા રહે છે. દ્રવ્ય અને ગુણો એ વિવિધ રૂપોમાં દેખાતી એકની એક જ વસ્તુ છે એમ બતાવીને, શરીર અને આત્માના દ્વૈતની માન્યતાના વિરોધમાં બૌદ્ધોની જે દલીલો મૂકવામાં આવી હતી તેમાં આ સિદ્ધાંત બરાબર બંધ બેસે છે.

આપણે એ પણ જોયું છે કે અપરિવર્તનપણાનો સિદ્ધાંત માત્ર સમગ્રની બાબતમાં જ સિદ્ધ કરી શકાય, અંશને વિષે કદી જ નહીં. અંશનો વિચાર પોતે જ પરિવર્તન કે ગતિના વિચારમાંથી આવે છે. જે કોઈ પણ વસ્તુ મર્યાદિત છે, માત્ર તેને જ આપણે સમજી ર્તન પામતું હોય તેવા કશાકની સરખામણીમાં જ હોય.

આમ, અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે, આત્માને અખંડ, અપરિણામી અને અવિનાશી તરીકે બની શકે તેટલી હદ સુધી દર્શાવી શકાય. મુશ્કેલી આવે છે વ્યક્તિની બાબતમાં.આપણા પર સખત કબજો જમાવી બેઠેલી અને જેમાં થઈને આપણે બધાએ પસાર થવાનું જ છે તે મર્યાદિત, ક્ષુદ્ર, વ્યક્તિરૂપ જીવોની પેલી જૂની દ્વૈતવાદી માન્યતાઓની બાબતમાં આપણે શું કરીશું?

આપણે જોયું છે કે સમગ્રની દૃષ્ટિએ આપણે અવિનાશી છીએ; પરંતુ મુશ્કેલી એ છે કે આપણે સમગ્રના ‘અંશ’ તરીકે પણ તેટલાં જ અવિનાશી થવા ઇચ્છીએ છીએ. આપણે જોયું છે કે આપણે અનંત છીએ અને એ જ આપણું સાચું વ્યક્તિત્વ છે. પણ આપણે આ ક્ષુદ્ર જીવોને પણ સ્વતંત્ર વ્યક્તિ બનાવવાનો એટલો જ આગ્રહ રાખીએ છીએ. જ્યારે આપણે આપણા રોજિંદા અનુભવમાં જોઈએ છીએ કે આ ક્ષુદ્ર જીવો વ્યક્તિરૂપ છે, – માત્ર તે વ્યક્તિઓ સતત વૃદ્ધિ પામતી જાય છે, – ત્યારે તેમનું શું થાય છે? એ વ્યક્તિઓ એની એ જ છે અને છતાં એની એ નથી. ગઈકાલનો હું જ આજનો હું છું અને છતાં નથી; એ કંઈ બદલાયો છે. હવે, આ બધાં પરિવર્તનોની વચ્ચે એવું કંઈક છે કે જે પરિવર્તન પામતું નથી, તેવા દ્વૈતવાદી વિચારનો ત્યાગ કરીને ઉત્ક્રાંતિના આધુનિકમાં આધુનિક વિચાર લઈએ, તો આપણને જણાય છે કે ‘હું’ એ નિરંતર પરિવર્તન પામતું, વિસ્તાર પામતું જતું તત્ત્વ છે.

જો એ સાચું હોય કે માનવ એકકોષી જીવનું ઉત્ક્રાંત સ્વરૂપ છે, તો તે એકકોષી જીવ એ મનુષ્ય જ છે, માત્ર તેણે ઘણા મોટા પ્રમાણમાં વિકાસ કરવાનો છે. જીવાણુથી માંડીને માનવ સુધી અનંત તરફનો એક નિરંતર વિકાસ થયેલો છે. તેથી મર્યાદિત જીવને વિષે કહી શકાય કે તે એક અનંત વ્યક્તિત્વ તરફ નિરંતર વિકાસ કરી રહેલી વ્યક્તિ છે. પૂર્ણ વ્યક્તિત્વે તો માત્ર ત્યારે જ પહોંચાશે કે જ્યારે તે અનંતને પહોંચાયું હશે; પરંતુ અનંતની આ બાજુએ તો એ નિરંતર પરિવર્તન પામ્યે જતું, વિકસ્યે જતું વ્યક્તિત્વ છે. વેદાંતના અદ્વૈતવાદનું એક નોંધપાત્ર લક્ષણ એ છે કે તે આગળની પદ્ધતિઓનો સમન્વય કરે છે. ઘણા કિસ્સાઓમાં તેણે ફિલસૂફીને પુષ્કળ મદદ કરી; કેટલાક કિસ્સાઓમાં તેણે તેને નુકસાન પણ પહોંચાડ્યું છે. વિકાસ ક્રમપૂર્વક અને પગલે પગલે થાય છે, એ તમારા ઉત્ક્રાંતિના સિદ્ધાંતને પ્રાચીન દાર્શનિકો જાણતા હતા અને એને પિછાનવાથી તેઓ અગાઉના તમામ સિદ્ધાંતોનો સમન્વય કરી શક્યા હતા. આ રીતે આ પહેલાંના વિચારોમાંથી એકનો પણ અસ્વીકાર ન થયો. બૌદ્ધ ધર્મમાં ખામી એ રહી ગઈ કે તેનામાં આ નિરંતર વિસ્તાર પામતા વિકાસનો અનુભવ કે તેને સમજવાની બુદ્ધિ ન હોવાથી તેણે આદર્શ તરફથી અગાઉની પદ્ધતિઓ સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન સુધ્ધાં કદી ન કર્યો; તેમને નકામા અને નુકસાનકારક ગણીને તેણે તેમનો અસ્વીકાર કર્યો.

ધર્મની બાબતમાં આવી વૃત્તિ ઘણી જ નુકસાનકારક છે. માણસને એક નવો અને વધુ સારો વિચાર આવતાં જ, પોતે છોડી દીધેલા વિચારો તરફ તે પાછળ નજર નાખે છે અને તરત ઠરાવે છે કે એ બધા હાનિકારક અને બિનજરૂરી હતા. તે કદી એવો વિચાર નથી કરતો કે પોતાના અત્યારના દૃષ્ટિબિન્દુથી એ ગમે તેટલા અણઘડ લાગતા હોવા છતાં એ બધા વિચારો તેને ઘણા ઉપયોગી હતા, તેને તેની અત્યારની સ્થિતિએ પહોંચાડવા માટે તે બધા આવશ્યક હતા અને આપણે દરેકે એ જ પ્રકારે આગળ વધવાનું છે. ખરી વાત એમ છે કે પ્રથમ પ્રાકૃત વિચારોનો લાભ લઈને તે પ્રમાણે જીવવાનું હોય છે અને પછી વધુ ઉચ્ચ ધોરણે પહોંચવાનું હોય છે. તેથી અદ્વૈતવાદ પ્રાચીનમાં પ્રાચીન સિદ્ધાંતો સાથે પણ મૈત્રીભાવ રાખે છે. દ્વૈતવાદ અને તેની અગાઉ થઈ ગયેલા સર્વ વાદોનો અદ્વૈતવાદ સ્વીકાર કરે છે તે મુરબ્બીપણાની ભાવનાથી નહીં; તેની એવી ખાતરી છે કે તેઓ એક જ સત્યની સાચી અભિવ્યક્તિઓ છે અને જે નિર્ણયોએ અદ્વૈત પહોંચ્યું છે, તે જ નિર્ણયો ઉપર તેઓ પણ લઈ જાય છે.

માનવજાતને જે આ બધી વિવિધ ભૂમિકાઓમાંથી પસાર થવાનું છે, તે બધીને શુભ કામનાપૂર્વક જાળવી રાખવી જોઈએ; તેમને ભાંડવી ન જોઈએ. આ કારણને લીધે જ આ બધી દ્વૈતવાદી વિચાર પદ્ધતિઓને વેદાંતે કદી અસ્વીકાર કરીને ફેંકી દીધી નથી. પરંતુ તેમને એમ ને એમ જાળવી રાખી છે; અને મર્યાદિત છતાં સ્વયંસંપૂર્ણ એવા જીવાત્માના દ્વૈતવાદી વિચારને વેદાંતમાં સ્થાન આપ્યું છે.

દ્વૈતવાદ પ્રમાણે મનુષ્ય મરીને બીજા લોકોમાં જાય છે, વગેરે. તેમના આ વિચારોને વેદાંતમાં અકબંધ રહેવા દેવામાં આવ્યા છે, કારણ કે વિકાસનો સ્વીકાર કરવાની સાથોસાથ આ સિદ્ધાંતોને અદ્વૈતવાદમાં સત્યનાં આંશિક દર્શન તરીકે સ્વીકારીને તેમનું યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે.

દ્વૈતવાદના દૃષ્ટિબિન્દુથી આ વિશ્વને માત્ર જડદ્રવ્ય કે બળના સર્જન તરીકે જોઈ શકાય, માત્ર અમુક ઇચ્છાશક્તિના કાર્ય તરીકે જોઈ શકાય અને એ ઇચ્છાશક્તિને વિશ્વથી અલગ તરીકે જોઈ શકાય. આ પ્રકારે આવા દૃષ્ટિબિન્દુથી માણસે પોતાને દેહ અને આત્મા એવા બેવડા સ્વરૂપે જોવાનો હોય છે; અને આ જીવાત્મા જો કે મર્યાદિત હોવા છતાં વ્યક્તિગત રીતે સ્વયંસંપૂર્ણ છે. આવા માણસના અમરત્વના અને ભાવિ જીવનના વિચારો બેશક આત્મા વિષેના તેના વિચારોને અનુરૂપ જ હોય. આ બધા વિચારોને વેદાંતમાં ચાલુ રાખવામાં આવ્યા છે અને તેથી, દ્વૈતવાદના થોડાક લોકભોગ્ય વિચારો તમારી સામે હું રજૂ કરું તે આવશ્યક છે.

આ સિદ્ધાંત પ્રમાણે અવશ્ય, આપણે એક શરીર તો છે જ અને એ શરીરની પાછળ જેને તેઓ સૂક્ષ્મ શરીર કહે છે તે છે. આ સૂક્ષ્મ શરીર પણ જડપદાર્થોનું બનેલું હોય છે, માત્ર તે ઘણું જ સૂક્ષ્મ હોય છે. આપણાં સર્વ કર્મોનો, આપણી સર્વ ક્રિયાઓનો તથા દૃશ્ય રૂપોમાં ઉપર ઊછળી આવવા માટે તત્પર રહેતા સંસ્કારોનો જાણે કે તે ભંડાર છે. જે જે વિચારો, જે જે કર્મો આપણે કરીએ, તે બધાં અમુક સમય પછી સૂક્ષ્મ બને છે, જાણે કે બીજરૂપ થાય છે, સૂક્ષ્મ શરીરમાં સુપ્તરૂપે રહે છે, અમુક સમય પછી પાછાં બહાર આવે છે અને પોતાનાં ફળ કે પરિણામ ઉત્પન્ન કરે છે. આ પરિણામો માણસના જીવનને નિયંત્રિત કરે છે. આ રીતે તે પોતે જ પોતાનું જીવન ઘડે છે. માણસ પોતે પોતાને માટે ઘડે તે સિવાયના બીજા કોઈ નિયમોથી તે બંધાયેલો નથી. આપણા વિચારો, આપણા શબ્દો વગેરે અને કાર્યો, બધાં, આપણે આપણી આસપાસ સારા કે નરસા માટે જે એક જાળ રચીએ છીએ, તેની ગૂંથણીના દોરા જેવાં છે. એકવાર આપણે કોઈ શક્તિને ગતિમાં મૂકીએ પછી આપણે તેનાં પરિણામોને પૂરેપૂરાં સ્વીકારવાં જ પડે. આ છે કર્મનો નિયમ.

સૂક્ષ્મ શરીરની પાછળ, જીવ અથવા તો માણસનો જીવાત્મા રહે છે. આ જીવાત્માના સ્વરૂપ અને કદ વિષે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ છે. કેટલાકના મત મુજબ એ સાવ નાનો અણુ જેવો છે; બીજાઓનાં કહેવા પ્રમાણે તે એટલો બધો નાનો નથી; વળી બીજા કેટલાકના મત પ્રમાણે જીવાત્મા ઘણો મોટો છે વગેરે. આ જીવ પેલા સમષ્ટિ દ્રવ્યનો અંશ છે અને તે શાશ્વત પણ છે; તે અનાદિ કાળથી અસ્તિત્વમાં છે અને અનંતકાળ સુધી અસ્તિત્વમાં રહેશે. પોતાનો પવિત્રતાનો સાચો સ્વભાવ વ્યક્ત કરવા માટે તે આ બધાં રૂપોમાંથી પસાર થઈ રહ્યો છે. જે જે કાર્ય તેના આ સ્વરૂપને પ્રકટ કરવામાં વિઘ્નરૂપ બને તે તે કાર્ય અશુભ કહેવાય, વિચારોની બાબતમાં પણ એમ જ સમજવું, વળી જે જે કાર્ય અને જે જે વિચારો જીવને વિસ્તાર પામવામાં – તેનો પોતાને સાચો સ્વભાવ પ્રગટ કરવામાં સહાયક બને, તે સારાં. ભારતમાં અતિપ્રાકૃતમાં પ્રાકૃત દ્વૈતવાદીઓ તેમ જ ઉચ્ચમાં ઉચ્ચ અદ્વૈતવાદીઓ, બધાને સર્વસામાન્ય એવો જે સિદ્ધાંત છે, તે એ છે કે આત્માની સર્વ શક્તિઓ અને શક્યતાઓ તેના પોતામાં જ છે, તે બહારના કારણમાંથી આવતી નથી. આત્માની અંદર તે ભાવિ શક્યતારૂપે રહેલી છે અને જીવનનું સમગ્ર કાર્ય માત્ર એ શક્યતાઓને પ્રગટ કરવા તરફ જ વળેલું હોય છે.

તેઓ પુનર્જન્મના સિદ્ધાંતમાં પણ માને છે. તેઓ કહે છે કે આ શરીરના વિનાશ પછી જીવને બીજું શરીર મળશે, પછી તે આ લોકમાં મળે કે પરલોકમાં. એનો નાશ થયા પછી તેને વળી પાછું એક નવું શરીર મળશે; અને એમ ચાલ્યા જ કરશે. પરંતુ આ લોકને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આપણો હેતુ સિદ્ધ કરવા માટે સ્વર્ગાદિ બધા લોક કરતાં મનુષ્યલોકને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તેમની કલ્પના એવી છે કે બીજા લોકોમાં દુઃખ ઘણું જ ઓછું છે, એમ તેઓ કહે છે, પરંતુ સાથોસાથ તેમની દલીલ એવી છે કે, એ જ કારણસર એ લોકમાં વધુ ઉચ્ચ પારમાર્થિક બાબતોના વિચારો આવવાની તક ઓછી છે. આ લોકમાં સુખ થોડું અને દુઃખ ઝાઝું હોવાને લીધે ક્યારેક પણ જીવ જાગ્રત થાય છે અને મુક્ત થવાનો વિચાર કરે છે. પરંતુ જેમ આ દુનિયામાં અતિ શ્રીમંત લોકોને ઉચ્ચ પારમાર્થિક બાબતોના વિચાર કરવાની તક ઓછી હોય છે, તેમ સ્વર્ગમાં પણ જીવને ઉચ્ચ પારમાર્થિક બાબતમાં પ્રગતિની તક ઓછી હોય છે, કારણ કે તેની અવસ્થા ત્યાં એક શ્રીમંત માણસ જેવી હોય છે; માત્ર તેમની સમૃદ્ધિ વધારે પ્રમાણમાં હોય છે. તેને ઘણું સુંદર શરીર હોય છે, તેમાં રોગ થતો નથી, તેને ખાવાપીવાની જરૂર નથી પડતી અને તેની બધી ઇચ્છાઓ પૂરી પડે છે; જીવ ત્યાં એક પછી એક ભોગ ભોગવતો રહે છે અને તેથી તેને પોતાના સાચા સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. છતાં કેટલાક એવા લોકો પણ છે કે જ્યાં સર્વ પ્રકારના ભોગો હોવા છતાં, જીવના આગળ વિકાસનો સંભવ હોય છે. કેટલાક દ્વૈતવાદીઓ અંતિમ ધ્યેય તરીકે એક એવા સર્વોચ્ચ લોકની કલ્પના કરે છે કે જ્યાં જીવો ઈશ્વરની સાથે સદાને માટે રહે; તેમને સુંદર શરીરો મળે અને તેઓ રોગ તેમજ પાપ કે મૃત્યુથી મુક્ત હોય, તેમની સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય. અવારનવાર તેમના પૈકી કેટલાક આ પૃથ્વી પર આવે, બીજો દેહ ધારણ કરે અને લોકોને ઈશ્વરનો માર્ગ બતાવે; જગતના મહાન અવતારો અને આચાર્યો આવા હતા. તેઓ પ્રથમથી જ મુક્ત હતા અને સર્વોચ્ચ લોકમાં ઈશ્વરની સાથે રહેતા હતા; પરંતુ પીડાતી માનવજાત પ્રત્યેની તેમના કરુણા અને પ્રેમ એટલો બધો હતો કે લોકોને ઉચ્ચમાર્ગે જવાનો ઉપદેશ આપવા સારુ તેમણે અહીં આવીને પાછા અવતારો ધારણ કર્યા હતા.

બેશક, આપણે જાણીએ છીએ કે આ સ્થિતિ ધ્યેય કે આદર્શ હોઈ ન શકે એમ અદ્વૈતવાદ માને છે. તેમના મત મુજબ વિદેહાવસ્થા એ આદર્શ છે. આદર્શ સાન્ત હોઈ ન શકે. અનંતથી ઊતરતો કોઈ પણ આદર્શ ન હોઈ શકે, તેમ દેહ અનંત હોઈ ન શકે. દેહ મર્યાદામાંથી ઉત્પન્ન થતો હોવાથી એ અશક્ય વસ્તુ છે.

અનંત વિચાર પણ હોઈ ન શકે, કારણ કે વિચારની ઉત્પત્તિ પણ મર્યાદામાંથી છે. અદ્વૈત સિદ્ધાંત કહે છે કે આપણે શરીરથી અને વિચારથી પણ પર જવાનું છે. વળી આપણે એ પણ જોયું છે કે અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે આ મુક્તિ મેળવવાની રહેતી નથી, તે અત્યારે જ આપણી પાસે છે. આપણે માત્ર તેને ભૂલી જઈએ છીએ એટલે તેનો અસ્વીકાર કરીએ છીએ. પૂર્ણત્વ પામવાનું નથી; એ અત્યારે જ આપણી અંદર રહેલું છે. અમૃતત્વ અને આનંદ મેળવવાનાં નથી, અત્યારે જ એ આપણી પાસે છે; અનાદિ કાળથી તે આપણામાં જ રહેલાં છે.

હું મુક્ત છું એમ જાહેર કરવાની જો તમે હિંમત કરી શકો તો આ જ ક્ષણે તમે મુક્ત છો. જો તમે કહો કે તમે બદ્ધ છો, તો તમે બદ્ધ જ રહેવાના. અદ્વૈત વેદાંત જેની હિંમતપૂર્વક ઘોષણા કરે છે તે આ છે. મેં તમને અદ્વૈતવાદીઓના વિચારો પણ જણાવ્યા છે. તમને જે ગમે તે તમે સ્વીકારી શકો છો.

વેદાંતનો સર્વોચ્ચ આદર્શ સમજવો અતિ કઠિન છે. લોકો હંમેશાં તેના વિષે ઝઘડો કરતા હોય છે; અને મોટામાં મોટી મુશ્કેલી એ છે કે જ્યારે તેઓ અમુક વિચારોને પકડે છે ત્યારે બીજા વિચારોનો અસ્વીકાર કરે છે અને તેમની સામે ઝઘડો કરવા લાગે છે. તમને જે કંઈ અનુકૂળ પડે તે તમે લો અને બીજાઓને જે કંઈ જરૂરી લાગે તે ભલે તેઓ લે. જો આ ક્ષુદ્ર વ્યક્તિત્વને – આ ક્ષુદ્ર મનુષ્યત્વને તમે વળગી રહેવા ઇચ્છતા હો તો વળગી રહો, આ બધી ઇચ્છાઓ રાખો, તેમનાથી સંતોષ પામો અને રાજી થાઓ. જો તમારો મનુષ્યપણાનો અનુભવ બહુ સારો અને મનપસંદ હોય તો તમે તમને ગમે ત્યાં સુધી તે ભલે રાખો. તમે તેમ કરી શકો છો, કારણ કે તમે પોતે જ તમારા નસીબના ઘડનારા છો; તમારું મનુષ્યત્વ છોડી દેવાની તમને કોઈ ફરજ પાડી શકે નહિ. તમને ગમે ત્યાં સુધી તમે મનુષ્ય થશો; કોઈ તમને અટકાવી શકશે નહિ. જો તમારી ઇચ્છા દેવ થવાની હશે તો તમે દેવ થશો. નિયમ એ છે. પરંતુ કેટલાક એવા પણ હોય જેઓ દેવો પણ થવા ન ઇચ્છે. તેમનો ખ્યાલ ભયાનક છે એમ માનવાનો તમને શો હક્કછે? સો પાઉન્ડ ગુમાવતાં તમને કદાચ ટાઢ ચડે પરંતુ કેટલાક એવા પણ હોય કે જેમનું સર્વસ્વ લૂંટાઈ જાય તો પણ તેમના પેટનું પાણીય ન હલે. એવા માણસો થઈ ગયેલા છે અને હજી આજે પણ છે. તમે તેમનો ન્યાય તમારા ધોરણ મુજબ કરવાની હિંમત કેવી રીતે કરી શકો? તમે તમારી મર્યાદાઓને ભલે વળગી રહો; આ ક્ષુદ્ર સંસાર વહેવારના વિચારો તમારો સર્વોચ્ચ આદર્શ ભલે હોય. તમને તે મુબારક હો. તે તમારી ઇચ્છા પ્રમાણે જ થશે. પરંતુ એવા બીજાઓ પણ છે કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, જેઓ આ મર્યાદાઓથી સંતોષ પામતા નથી; જેમણે આ બધી વસ્તુઓને જોઈ લીધી છે અને જેઓ એથી આગળ જવા ઇચ્છે છે. દુનિયા અને તેના બધા મોજશોખો તેમને મન કેવળ કાદવનું ખાબોચિયું છે. એ લોકોને તમે તમારા વિચારો પ્રમાણે બાંધી રાખવા શા માટે માગો છો? તમારે આ વલણનો હંમેશને માટે ત્યાગ કરવો. સૌ કોઈને સ્થાન આપો.

એક વખત મેં એક વર્ણન વાંચેલું. તેમાં કેટલાંક વહાણો દક્ષિણ સમુદ્રના ટાપુઓમાં એક તોફાનમાં સપડાયેલાં. એનું એક ચિત્ર પણ ‘ઈલેસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’ નામના અઠવાડિકમાં આવેલું હતું. તે બધાં જહાજો ભાંગી ગયેલાં; માત્ર એક ઇંગ્લિશ જહાજ જ તોફાનમાં ટકી રહ્યું હતું. ચિત્રમાં એવું બતાવેલું હતું કે જે માણસો ડૂબી જવાના હતા તેઓ ભાંગેલ વહાણનાં તૂતકો પર ઊભા ઊભા જે લોકો તોફાનમાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેને ઉત્સાહ આપી રહ્યા હતા. એના જેવા બહાદુર અને ઉદાર હૃદયવાળા થાઓ; તમે જ્યાં પડ્યા છો ત્યાં બીજાઓને ખેંચી લાવો નહિ. મૂર્ખાઈભર્યો એક બીજો ખ્યાલ એ છે કે જો આપણે આપણું ક્ષુદ્ર વ્યક્તિત્વ ગુમાવીએ, તો પછી નીતિ નહિ રહે, માનવજાતને માટે કશી આશા નહિ રહે. જાણે કે બધા ચોવીસે કલાક માનવજાત માટે મરી રહ્યા ન હોય! ભગવાન તમને સદ્બુદ્ધિ આપો! જો દરેકે દરેક દેશમાં માનવજાતનું ભલું કરવાની સાચી તમન્નાવાળાં બસો નરનારીઓ હોય તો સતયુગ પાંચ દિવસમાં આવી જાય. આપણે માનવજાતને માટે કેવા મરી રહ્યા છીએ તે આપણે જાણીએ છીએ! આ બધાં વાતોનાં વડાં છે, બીજું કાંઈ નથી. જગતનો ઇતિહાસ બતાવે છે કે જેમણે પોતાના ક્ષુદ્ર વ્યક્તિત્વનો કદી વિચાર કર્યો નહોતો, તેઓ માનવજાતના મહાનમાં મહાન કલ્યાણ કરનારા હતા; તે એમ પણ બતાવે છે કે જેમ જેમ માણસ પોતાનો વધુ વિચાર કરે છે તેમ તેમ તે બીજાઓનો વિચાર ઓછો કરી શકે છે. એક છે નિઃસ્વાર્થતા, બીજું છે સ્વાર્થપરાયણતા. ક્ષુદ્ર ભોગોને વળગી રહેવું, તથા આની આ વસ્તુસ્થિતિની પુનરાવૃત્તિ ચાલુ રહે એવું માગવું, એ નરી સ્વાર્થપરાયણતા છે. એની ઉત્પત્તિ સત્યપ્રાપ્તિની ઇચ્છામાંથી બિલકુલ નથી; એનું મૂળ બીજાં પ્રાણીઓ માટેની કરુણામાં નથી, પરંતુ માનવહૃદયની નરી સ્વાર્થપરાયણતામાં છે, ‘મારે જ બધું જોઈએ છે; મને બીજા કોઈની પરવા નથી,’ એવી ભાવનામાં છે. મને તો આ જ દેખાય છે. એક ક્ષુદ્ર પશુને પણ લાભ થતો હોય તો તેમ કરવા માટે પ્રાચીન કાળના પયગંબરો અને ઋષિમુનિઓ પોતાની સો સો જિંદગી અર્પણ કરવા તૈયાર રહેતા; તેનાથી વધુ ધાર્મિક, વધુ નીતિમાન નરનારીઓ આ દુનિયામાં મારે હજી જોવાનાં છે!

વર્તમાન સમયની નીતિમત્તાની અને પારકાનું ભલું કરવાની બધી વાતો સાવ મૂર્ખતાભરેલી વાતો છે!

ગૌતમ બુદ્ધ વ્યક્તિરૂપ ઈશ્વરમાં કે વ્યક્તિરૂપ આત્મામાં માનતા નહોતા, તેમ તેના વિષે કદી પૂછ્યું પણ નહોતું; તેઓ સંપૂર્ણ અજ્ઞેયવાદી હતા અને છતાં કોઈને પણ માટે પોતાનું જીવન વિસર્જન કરવા તેઓ તૈયાર રહેતા; તેમણે જીવનભર સર્વના ભલા માટે કાર્ય કર્યા કર્યું; અને સર્વના ભલાનો જ માત્ર વિચાર કર્યો. આવા નીતિમાન મહાપુરુષો જોવાનું મને ગમે. તેમના જન્મનું વર્ણન કરતાં તેમના ચરિત્રલેખકે ઠીક જ કહ્યું છે કે બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય’, ‘બહુજનહિતાય’ હતું. કેવળ પોતાની જ મુક્તિ માટે ધ્યાનમાં બેસી જવા તેઓ જંગલમાં નહોતા દોડી ગયા; તેમને લાગ્યું કે દુનિયા દુઃખથી સળગી રહી છે; તેમાંથી પોતાને રસ્તો કાઢવો જ રહ્યો. જિંદગી આખી એક જ સવાલ તેમના મનને સતત મૂંઝવી રહ્યો હતો કે ‘જગતમાં આટલું બધું દુઃખ શા માટે છે?’ શું તમે ધારો છો કે આપણે બુદ્ધ જેટલા નીતિમાન છીએ?

જેમ વ્યક્તિ વધુ સ્વાર્થી, તેમ તે વધુ અનીતિમાન હોય છે; પ્રજાનું પણ તેવું જ છે. જે પ્રજા કેવળ પોતાના સ્વાર્થમાં જ બંધાયેલી છે તે આખી દુનિયામાં વધુમાં વધુ ક્રૂર અને વધુમાં વધુ દુષ્ટ બની છે. એવો એકે ધર્મ નથી કે જે આ દ્વૈતવાદને અરબસ્તાનના પયગંબરે સ્થાપેલા ધર્મ કરતાં વધુ વળગ્યો હોય; અને એવો એકેય ધર્મ નથી થયો કે જેણે એ ધર્મના જેટલું લોહી રેડ્યું હોય કે પરધર્મના માણસો પ્રત્યે એટલો બધો ઘાતકી થયો હોય. કુરાનમાં એવો સિદ્ધાંત છે કે જે માણસ આ ઉપદેશને ન માને તેને મારી નાખવો; એવા માણસને મારી નાખવો એ તો તેના પર દયા બતાવવા જેવું છે! અને કાફિરોને મારી નાખવા તે સુંદર હૂરીઓ અને સર્વ પ્રકારનાં ઇન્દ્રિયસુખવાળા જન્નતમાં જવાનો ખાતરીવાળો રસ્તો છે. આવી માન્યતાઓને પરિણામે જે રક્તપાત થયા છે તેનો વિચાર તો કરો!

ખ્રિસ્તના ધર્મમાં પ્રાકૃતપણું ઓછું છે; ખ્રિસ્તના શુદ્ધ ધર્મ અને વેદાંત વચ્ચે તફાવત બહુ જ ઓછો છે. ત્યાં તમને એકત્વનો વિચાર મળી આવે છે; પરંતુ લોકો પકડી શકે તેવો, સર્વોચ્ચ ધ્યેયે દોરી જાય તેવો ધર્મ આપવા માટે, ઈશુએ દ્વૈતવાદી વિચારોનો પણ ઉપદેશ કર્યો. જે પયગંબર ઈશુ ખ્રિસ્તે એવો ઉપદેશ આપ્યો કે ‘સ્વર્ગમાં રહેલા અમારા પિતા’, તેમણે જ એ પણ ઉપદેશ આપ્યો કે ‘હું અને મારા પિતા એક જ છીએ;’ અને એ જ પયગંબર જાણતા હતા કે ‘સ્વર્ગમાં રહેલા પિતા’ની ભાવના દ્વારા જ ‘હું અને મારા પિતા એક છીએ’ એ આદર્શે પહોંચવાનો માર્ગ છે. ઈશુના આ ધર્મમાં માત્ર પ્રેમ અને આશીર્વાદ જ હતા; પરંતુ જેવું તેમાં પ્રાકૃતપણું પ્રવેશ્યું કે તરત જ તેનું અધઃપતન થયું અને અરબસ્તાનના પયગંબરના ધર્મ કરતાં તે ધર્મ જરાય વધુ સારો રહ્યો નહિ. આ ક્ષુદ્ર ‘અહં’ માટેની લડાઈ, ‘અહં’ને વળગી રહેવાપણું, માત્ર આ જીવનમાં જ નહિ, પરંતુ મૃત્યુ પછી પણ તેને ચાલુ રાખવાની ઇચ્છા – એ જરૂર અણઘડપણું જ હતું. આને જ એ લોકો સ્વાર્થરહિતતા તરીકે જાહેર કરે છે; આ છે તેમનો નીતિધર્મનો પાયો! જો નીતિધર્મનો આ પાયો હોય, તો તો ઈશ્વર આપણને તેમાંથી બચાવે! અને વિચિત્ર વાત તો એ છે કે જે નરનારીઓ વધારે સમજદાર હોવાં જોઈએ, તેઓ પણ માને છે કે જો આ નાનકડાં વ્યક્તિત્વો નીકળી જાય તો સઘળી નીતિમત્તાનો નાશ થઈ જાય; એટલું જ નહિ પણ આ વ્યક્તિત્વોના નાશ ઉપર જ નીતિમત્તા ટકી રહી શકે એ વિચાર આવતાં તેઓ બાઘા જેવાં બની જાય છે! સર્વ કલ્યાણનો, સર્વ નૈતિક કલ્યાણનો મૂલમંત્ર છે ‘હું નહિ’ પણ ‘તું.’ સ્વર્ગ અને નરક છે કે નહિ તેની કોણ પરવા કરે છે? આત્મા છે કે નહિ તેની પરવા કોણ કરે છે? અપરિણામી આત્મા છે કે નહિ તેની પરવા કોણ કરે છે? જુઓ આ દુનિયા, દુઃખથી તે ભરપૂર છે. બુદ્ધે કર્યું તેમ તે દુનિયામાં જાઓ, તેનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરો અથવા એ પ્રયત્નમાં પ્રાણ વિસર્જન કરો. તમે ભલે આસ્તિક હો કે નાસ્તિક, અજ્ઞેયવાદી હો કે વેદાંતી, ખ્રિસ્તી હો કે મુસલમાન, પણ સૌથી પહેલો શીખવાનો પાઠ એ છે કે તમે તમારી જાતને વીસરી જાઓ. સૌની સામે એક માત્ર સ્પષ્ટ બોધપાઠ છે ક્ષુદ્ર અહંનો નાશ અને સાચા આત્માની અભિવ્યક્તિ.

બે બળો સમાંતર રેખામાં એકબીજાની સાથે રહીને કાર્ય કરી રહ્યાં છે. એક કહે છે કે ‘હું,’ બીજું કહે છે કે ‘હું નહિ.’ તેમની અભિવ્યક્તિ માત્ર મનુષ્યમાં જ નહિ પણ પશુઓમાં-અરે, માત્ર પશુઓમાં જ નહિ પરંતુ ઝીણામાં ઝીણા કીડાઓમાં સુધ્ધાં દેખાય છે. માણસના ગરમા ગરમ માંસમાં પોતાની દાઢો ઘોંચી દેનારી વાઘણ પોતાનાં બચ્ચાંના બચાવ સારુ પોતાનું જીવન હોમી દે છે. જેને મન પોતાના માનવબંધુનો જાન લેવો એ કંઈ જ નથી, એવો ઘાતકીમાં ઘાતકી માણસ પણ પોતાનાં ભૂખે મરતાં સ્ત્રી-પુત્રાદિને બચાવવા સારુ જરા પણ અચકાયા વિના કદાચ પોતાનો જાન આપી દેશે. આમ સમસ્ત સૃષ્ટિમાં આ બે બળો સાથોસાથ કામ કરી રહ્યાં છે; જ્યાં એક હશે ત્યાં બીજું હોવાનું જ. એક છે સ્વાર્થપરાયણતા, બીજું છે નિઃસ્વાર્થતા. એક છે સંગ્રહ, બીજું છે ત્યાગ. એક લે છે, બીજું આપે છે. હલકામાં હલકીથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ કોટિ સુધી આખું વિશ્વ આ બે બળોનું ક્રીડાંગણ છે. એને સાબિત કરી બતાવવાની જરૂર નથી; એ સૌને સ્પષ્ટ છે.

વિશ્વનું સઘળું આયોજન અને ઉત્ક્રાંતિ આ બેમાંના એક જ અંગ ઉપર, હરીફાઈ અને સંઘર્ષ ઉપર આધારિત કરવાનો સમાજના કોઈ પણ વિભાગને શો હક્કછે? વિશ્વનું સમગ્ર આયોજન, આવેશ અને લડાઈ પર, સ્પર્ધા અને સંઘર્ષ પર માંડવાનો તેને શો અધિકાર છે? આ હલકાં બળોનું અસ્તિત્વ છે તેનો અમે અસ્વીકાર નથી કરતા; પરંતુ બીજા બળના કાર્યનો અસ્વીકાર કરવાનો કોઈને શો હક્કછે? પ્રેમ, નિરહંકાર, ત્યાગ એ જ વિશ્વમાં એક માત્ર વિધાયક શક્તિ છે, એનો શું કોઈ પણ માણસ અસ્વીકાર કરી શકે એમ છે? બીજું તો માત્ર પ્રેમની શક્તિનો ખોટે રસ્તે થયેલો ઉપયોગ છે. હરીફાઈને લાવે છે પ્રેમની શક્તિ; સ્પર્ધાની ઉત્પત્તિ ખરી રીતે પ્રેમમાંથી જ થાય છે. અનિષ્ટની ઉત્પત્તિ ખરી રીતે સાચા સ્વાર્થ પ્રત્યેની ઉદાસીનતામાંથી થાય છે. અનિષ્ટનો સર્જક ઇષ્ટ છે અને તેનો અંત પણ ઇષ્ટ છે. માત્ર એ ઇષ્ટની શક્તિ ખોટે રસ્તે દોરાઈ છે. જે માણસ બીજાનું ખૂન કરે છે, તે કદાચ પોતાના બાળક પરના પ્રેમને કારણે જ એમ કરવાને પ્રેરાયેલો હશે. તેનો પ્રેમ પેલા એક નાનકડા બાળક પૂરતો જ સીમિત થઈ ગયો છે; વિશ્વમાંના બીજા લાખો માનવોને તે બાદ રાખે છે. પરંતુ સીમિતિ કે અસીમ, પ્રેમ એ એક જ છે.

આમ, સમસ્ત વિશ્વનું પ્રેરકબળ -પછી તે ગમે તે રીતે અભિવ્યક્ત થતું હોય-પણ છે પેલી એક જ અદ્‌ભુત વસ્તુ, નિઃસ્વાર્થતા, ત્યાગ; અસ્તિત્વ ધરાવતું એકમાત્ર સાચું અને જીવતું બળ પ્રેમ. એટલા માટે વેદાંત એ એકતા પર ભાર મૂકે છે. અમે આ ખુલાસા પર ભાર મૂકીએ છીએ, તેનું કારણ એ છે કે અમે આ વિશ્વનાં બે કારણો સ્વીકારી શકતા નથી. જો આપણે માત્ર એટલું જ માનીએ કે એનો એ જ સુંદર અદ્‌ભુત પ્રેમ મર્યાદિત થવાથી અનિષ્ટ કે પાપરૂપે ભાસે છે, તો આપણે જોઈશું કે આખા વિશ્વનો ખુલાસો પ્રેમના એક જ બળથી મળી જાય છે. જો તેમ ન હોય તો વિશ્વનાં બે કારણો માની લેવાં પડે છે, એક ઇષ્ટ અને બીજું અનિષ્ટ, એક પ્રેમ અને બીજો દ્વેષ, કયું વધુ તર્કશુદ્ધ છે? ચોક્કસ, એક જ બળનો સિદ્ધાંત.

હવે, ચાલો આપણે એવી બાબતો તરફ વળીએ કે જે કદાચ દ્વૈતવાદની નથી. મને ભય છે કે દ્વૈતવાદીઓના નિરૂપણમાં હું વધુ વખત આપી નહીં શકું. મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ આધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ નીતિશાસ્ત્ર અને ચારિત્ર્યના સાચા આધારે પહોંચવા માટે તમારી પાસે ઉચ્ચમાં ઉચ્ચ દાર્શનિક અને વૈજ્ઞાનિક વિચારો હોવા જોઈએ. માનવજ્ઞાન માનવ-કલ્યાણનું વિરોધી નથી. ઊલટું, એક માત્ર જ્ઞાન જ જીવનના સર્વ વિભાગોમાં આપણો ઉદ્ધાર કરશે, કારણ કે જ્ઞાનમાં જ ઉપાસના રહેલી છે. આપણે જેમ વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તેમ આપણે માટે વધારે સારું. વેદાંતી કહે છે કે ઉપલક દૃષ્ટિએ જે કંઈ અનિષ્ટ દેખાય છે તેનું કારણ છે અમર્યાદિત તત્ત્વનું મર્યાદીકરણ. જે પ્રેમ નાનાં ક્ષેત્રોમાં મર્યાદિત થઈ જાય છે અને અનિષ્ટરૂપે દેખાય છે, તે અંતે તેમાંથી બહાર આવીને પોતાને ઈશ્વરરૂપે પ્રગટ કરે છે. વળી વેદાંત એમ પણ કહે છે કે આ બધાં ઉપરથી દેખાતાં અનિષ્ટનું કારણ આપણામાં જ છે. પ્રકૃતિની બહારના કોઈ તત્ત્વ ઉપર દોષારોપણ કરો નહિ, તેમ જ નિરાશ અને નિરુત્સાહી પણ બનો નહિ. એમ પણ ન ધારશો કે આપણે એવા સ્થાનમાં આવી પડ્યા છીએ કે કોઈક હાથ પકડીને આપણો ઉદ્ધાર ન કરે ત્યાં સુધી આપણે કદી પણ તેમાંથી છૂટી શકવાના નથી. વેદાંત કહે છે, એમ બને જ નહિ; આપણે રેશમના કીડા જેવા છીએ. આપણા પોતાના જ શરીરમાંથી આપણે લાળ કાઢીએ છીએ, કોશેટો બનાવીએ છીએ અને સમય જતાં તેની અંદર પુરાઈ જઈએ છીએ. પરંતુ એ કાયમને માટે રહેવાનું નથી. એ જ કોશેટામાં આપણે પ્રગતિ કરીને આત્માનો સાક્ષાત્કાર કરીશું અને રેશમના કીડામાંથી બનેલા પતંગિયાની પેઠે મુક્ત થઈને કોશેટાની બહાર નીકળી આવીશું. કર્મની આ જાળ આપણે જ આપણી આસપાસ ગૂંથી છે; આપણા જ્ઞાનને લીધે આપણને લાગે છે કે આપણે બદ્ધ છીએ, રોદણાં રડીએ છીએ તથા સહાયને માટે બૂમો પાડીએ છીએ. પરંતુ મદદ બહારથી નથી આવતી; એ આપણી અંદરથી જ આવે છે. દુનિયા આખીના બધાય દેવતાઓ પાસે પોકાર કરી જુઓ. મેં વરસો સુધી આવો પોકાર કરી જોયો છે; મને લાગ્યું કે અંતે મદદ મળી છે. પણ મદદ આવી હતી અંદરથી જ. એટલે મેં જે ભૂલથી કરેલું તે બધું ભૂંસી નાખવું પડ્યું. એ એક જ રસ્તો છે, મેં જે જાળ મારી આસપાસ ગૂંથેલી તે મારે જ કાપવી પડી; અને એમ કરવાની શક્તિ અંદર જ રહેલી છે. એક બાબતની મને ખાતરી થઈ ચૂકી છે કે મારા જીવનમાં સારા કે ખોટા માર્ગે દોરાયેલી, મારી એક પણ અભિલાષા વ્યર્થ ગઈ નથી, પરંતુ હું મારા સારા અને ખરાબ, સમગ્ર ભૂતકાળનું પરિણામ છું. મારા જીવનમાં મેં ઘણીયે ભૂલો કરી છે; પણ યાદ રાખજો કે એ એકેએક ભૂલો વિના આજે હું જે છું તે ન થઈ શક્યો હોત એની મને ખાતરી થઈ છે; અને તેથી એ ભૂલો કર્યાનો મને પૂરો સંતોષ છે. મારા કહેવાનો અર્થ એવો નથી કે ઘેર જઈને તમારે જાણીજોઈને ભૂલો કરવા માંડવી; મારા કહેવાનો એવો ઊલટો અર્થ લેશો નહિ. પરંતુ તમારાથી ભૂલો થઈ ગઈ હોય તો એને માટે અફસોસ કરતા બેસી રહેતા નહિ; પરંતુ જાણજો કે અંતે બધું સારું થઈ રહેશે. બીજી રીતે બની શકે જ નહિ, કારણ કે માંગલ્ય આપણો સ્વભાવ છે, પવિત્રતા આપણી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિનો કદી નાશ ન થઈ શકે. આપણો મૂળ સ્વભાવ સદાય એક સરખો જ રહે છે.

આપણે જે સમજવાનું છે તે આ છે કે આપણી કહેવાતી ભૂલો કે પાપ આપણી નબળાઈને કારણે થયેલી છે; અને આપણે નબળા છીએ તેનું કારણ છે આપણું અજ્ઞાન. પાપને હું ભૂલ કહેવાનું પસંદ કરું છું. પાપ શબ્દ, મૂળમાં બહુ જ સારો શબ્દ હતો, પણ તેની સાથે રહેલી એક દુર્ગંધ મને ગભરાવે છે. આપણને અજ્ઞાની બનાવે છે કોણ? આપણે પોતે જ, આપણે આંખો આડા હાથ રાખીએ છીએ અને પછી અંધારું છે, અંધારું છે એમ કહીને રડીએ છીએ! હાથ લઈ લો એટલે અજવાળું ચોમેર દેખાશે! પ્રકાશ આપણે માટે સદાય રહેલો છે જ; એ છે માનવઆત્માની સ્વયંપ્રકાશ પ્રકૃતિ. તમારા આધુનિક વૈજ્ઞાનિકો શું કહે છે તે તમે સાંભળતા નથી? ઉત્ક્રાંતિનું કારણ શું છે? ઇચ્છા. પશુ કંઈક કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેને અનુકૂળ સંયોગો મળતા નથી તેથી તે નવું શરીર લે છે. શરીર કોણ લે છે? તે પોતે જ, તેની ઇચ્છાશક્તિ નીચામાં નીચી કોટિના એકકોશી જીવ (અમીબા)માંથી ઉત્ક્રાંતિ કરતા કરતા તમે માનવ સ્વરૂપ પામ્યા છો. તમારી ઇચ્છા શક્તિનો તમે ઉપયોગ કરો તો એ તમને એથીયે વધુ ઊંચે લઈ જશે. ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે. તમે કહેશો કે, જો એ સર્વશક્તિમાન હોય તો હું સઘળું કેમ નથી કરી શકતો? પરંતુ તમે વિચાર કરો છો કેવળ તમારી પોતાની ક્ષુદ્ર જાતનો. એકકોશી જીવ (અમીબા)ની કક્ષામાંથી માનવસ્વરૂપ સુધીની તમારી સ્થિતિ સુધી, તમારા પોતાના ભૂતકાળ પર પાછળ નજર કરી જુઓે; એ બધું કોણે કર્યું? તમારી પોતાની ઇચ્છાએ. ત્યારે ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે એનો અસ્વીકાર કરી શકો? જેણે તમને આટલે ઊંચે લીધા છે, તે તમને એથીયે વધુ ઊંચે લઈ જઈ શકે. જેની તમારે જરૂર છે તે ચારિત્ર્યની, ઇચ્છાશક્તિને પ્રબળ બનાવવાની.

તેથી જો હું તમને એવો ઉપદેશ આપું કે તમે સ્વભાવે જ પાપી છો, કારણ કે તમે અમુક ભૂલો કરી છે અને તમારે ઘેર જઈ શરીરે ચીંથરાં વીંટી, રાખ ચોળીને જિંદગી આખી રોદણાં જ રોયા કરવાં, તો તેથી તમને કંઈ ફાયદો નહિ થાય. તેથી તો તમે વધુ નબળા બનશો. અર્થાત્ તેમ કરવાથી મેં તમને સારા કરતાં વધારે નરસા તરફ જવાનો રસ્તો બતાવ્યા જેવું થશે. જો આ ઓરડો હજાર વરસથી અંધારાથી ભરેલો હોય અને તમે આવીને રડવા તથા શોક કરવા માંડો કે ‘અરેરે, અહીં તો અંધારું છે,’ તો શું અંધારું તેથી અદૃશ્ય થઈ જવાનું? તમે દીવાસળી સળગાવો એટલે એક ક્ષણમાં પ્રકાશ આવી જશે. તમે આખી જિંદગી સુધી એવો અફસોસ કર્યા કરો કે ‘અરેરે, મેં પાપ કર્યું છે, મેં ઘણી ભૂલો કરી છે!’ તો તેથી તમને કશો ફાયદો નહિ થાય. એમ કોઈએ કહેવાની જરૂર નથી. પ્રકાશ લાવો એટલે પાપ એક ક્ષણમાં ચાલ્યું જશે. તમારું ચારિત્ર્ય ઘડો; તમારો પ્રકાશસ્વરૂપ જ્યોતિર્મય, સદા પવિત્ર, સાચો સ્વભાવ પ્રગટ કરો; અને જેને જુઓ તેનામાં તે જગાવો. હું તો ઇચ્છું કે આપણે દરેકે દરેક એવી સ્થિતિએ પહોંચીએ કે દુષ્ટમાં દુષ્ટ માનવીઓમાં પણ તેની અંદર રહેલા સત્ય આત્માને જોઈ શકીએ, તથા તેમનો તિરસ્કાર કરવાને બદલે કહીએ કે ‘ઓ જ્યોતિર્મય આત્મન્! ઊઠ, તું સદા પવિત્ર છો; તું જન્મરહિત છો અને મૃત્યુરહિત છો, સર્વશક્તિમાન છો; તારું સાચું સ્વરૂપ પ્રગટ કર. આ નાનાં નજીવાં સ્વરૂપો તને શોભતાં નથી.’ અદ્વૈતવાદ શીખવે છે તે ઉચ્ચમાં ઉચ્ચ પ્રાર્થના આ છે. આપણી અંદર સર્વદા રહેલ ઈશ્વર એ જ આપણું સાચું સ્વરૂપ છે. આપણો આત્મા અનંત, સર્વશક્તિમાન, સદા-મંગલમય, સદા-કલ્યાણકારી, નિઃસ્વાર્થ, સર્વ મર્યાદાઓથી પર છે એવું ચિંતન, એ જ એક માત્ર પ્રાર્થના છે.

એ સ્વરૂપ સ્વાર્થરહિત છે, તેથી તે બળવાન અને નિર્ભય છે; કારણ કે સ્વાર્થમાં જ ભય રહેલો છે. જેને પોતાને માટે કશું જ ઇચ્છવા જેવું નથી, તેને કોનો ભય હોય? તેને કોણ ડરાવી શકે? તેને મૃત્યુનો શો ભય હોય? અનિષ્ટ તેને શા માટે ડરાવે? તેથી જો આપણે અદ્વૈતવાદી હોઈએ, તો આ ક્ષણથી જ આપણે માનવું જોઈએ કે આપણો જૂનો આત્મા મરી પરવાર્યો છે. જૂનો શ્રીયુત કે જૂનાં શ્રીમતી કે જૂનાં બહેન કે જૂનાં અમુક્ તમુક બધાં ચાલ્યાં ગયાં છે; એ બધા માત્ર વહેમો હતા; હવે બાકી જે રહે છે તે સદા પવિત્ર, સદા સબળ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, એકલો આત્મા જ છે અને ત્યારે આપણામાંથી સર્વ ભય અદૃશ્ય થઈ જશે. આપણે સર્વવ્યાપી છીએ, આપણને કોઈ ઈજા પહોંચાડી શકે? આપણામાંથી સર્વ નબળાઈઓ નાશ પામી ગઈ છે; આપણું એકમાત્ર કામ છે આપણા માનવબંધુઓમાં આ જ્ઞાનને જગાડવાનું. આપણે જોઈએ છીએ કે તેઓ પણ તે જ પવિત્ર આત્મા છે, માત્ર તેઓ તે જાણતા નથી; આપણે તેમને ઉપદેશ આપીને, તેમનો અનંત સ્વભાવ જગાડવામાં સહાયકર્તા થવું જોઈએ. મને લાગે છે કે આખી દુનિયામાં કોઈ અત્યંત આવશ્યક બાબત હોય તો તે આ છે. આ સિદ્ધાંત તો અતિ પ્રાચીન છે, કદાચ ઘણા પર્વતોના કરતાંય પ્રાચીન છે. સર્વ સત્ય સનાતન છે. સત્ય કોઈની માલિકીની વસ્તુ નથી; કોઈ પણ જાતિ, કોઈ પણ વ્યક્તિ તેનો આગવો દાવો કરી ન શકે. સર્વ આત્માઓનો સ્વભાવ જ સત્ય છે. તેના પર વિશેષાધિકારનો દાવો કોણ કરી શકે? પરંતુ તેને વ્યવહારુ બનાવવાનું છે, સરળ બનાવવાનું છે, (અને સર્વોચ્ચ સત્યો હંમેશાં સરળ જ હોય છે) કે જેથી તે માનવસમાજના અણુએ અણુમાં પ્રવેશી જાય અને પ્રખરમાં પ્રખર બુદ્ધિશાળીની તેમ જ સામાન્યમાં સામાન્ય માણસની; સ્ત્રી, પુરુષ, બાળક સહુની એકીસાથે તે સંપત્તિ બની જાય. આ બધા તર્કશાસ્ત્રના યુક્તિવાદો, આ બધાં અધ્યાત્મવિદ્યાનાં પોટલાં, આ બધાં શાસ્ત્રો અને કર્મકાંડો તેમના પોતાના જમાનામાં સારાં હશે. પરંતુ આપણે વસ્તુઓને વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે એવો સુવર્ણમય યુગ લાવવાનો પ્રયાસ કરીએ કે જેમાં દરેકેદરેક માણસ ઉપાસક હોય અને એ ઉપાસનાનું અંતિમ ધ્યેય હોય – પ્રત્યેક માનવીમાં રહેલું સત્ય!

Total Views: 139
૧૧. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૩
૧૩. બુદ્ધિ અને ધર્મ