(એપ્રિલ ૧૦, ૧૯૦૦ના રોજ સાનફ્રાંસિસ્કો વિસ્તારમાં આપેલ વ્યાખ્યાન)

તમારામાંથી જેઓ બધા બાઇબલના અભ્યાસી હશે તેઓ સમજતા હશે કે યહૂદીઓનો સમગ્ર ઇતિહાસ અને તેમની વિચારપ્રણાલી બે પ્રકારના ઉપદેશકો, પુરોહિતો અને પેગંબરો દ્વારા ઉત્પન્ન થઈ છે. પુરોહિતો રૂઢિચુસ્ત માનસના અને પેગંબરો પ્રગતિની શક્તિના પ્રતિનિધિઓ છે. બધાંનો અર્થ એટલો છે કે રૂઢિચુસ્ત કર્મકાંડ પગ પેસારો કરી દે છે અને બાહ્યાચાર બધી બાબતો પર પકડ જમાવે છે. દરેક દેશ અને દરેક ધર્મ વિશે આ સાચું છે. ત્યાર પછી કેટલાક નવા દ્રષ્ટાઓ નવી દૃષ્ટિ લઈને આવે છે; તેઓ નવા આદર્શો અને નવીન વિચારોનો પ્રચાર કરે છે અને સમાજને નવો વેગ આપે છે. થોડીક પેઢીઓ જતાં તેમના અનુયાયીઓ પોતાના ગુરુઓના વિચારોને એટલા બધા ચુસ્ત વફાદાર થઈ જાય છે કે તેઓ બીજું કશું જોઈ જ શકતા નથી. આજના જમાનાના વધુમાં વધુ પ્રગતિશીલ અને ઉદાર મતવાદી પ્રચારકો થોડાંક વર્ષોમાં જ વધુમાં વધુ રૂઢિચુસ્ત પુરોહિતો બની જશે. પ્રગતિશીલ વિચારકો પણ, તેમના કરતાં સહેજ આગળ ગયેલા માણસની પ્રગતિને રુંધવા માંડશે. તેમણે પોતે જે સિદ્ધિ મેળવી શકે તેનાથી આગળ તેઓ બીજા કોઈને જવા નહિ દે. પરિસ્થિતિને જેવી ને તેવી જ રહેવા દઈને તેઓ સંતોષ માનશે.

જે શક્તિ દરેક દેશમાં, દરેક ધર્મના રચનાત્મક સિદ્ધાંતો દ્વારા કાર્ય કરે છે તે ધાર્મિક પ્રકારોમાં વ્યક્ત થાય છે. … સિદ્ધાંતો અને ગ્રંથો, અમુક નિયમો અને ક્રિયાઓ, (ઊભા રહેવું, બેસી જવું) વગેરેનો ભક્તિના તે જ વર્ગમાં સમાવેશ થાય છે. આધ્યાત્મિક ઉપાસના નક્કર, સ્થૂળ સ્વરૂપ એટલા માટે લે છે કે માનવજાતનો મોટો ભાગ તે દ્વારા તેને ગ્રહણ કરી શકે. દરેક દેશમાં મોટા ભાગનો જનસમુદાય ચૈતન્યની ચૈતન્ય તરીકે કદી જ ઉપાસના કરવાનો નથી. તે હજી શકય નથી. હું નથી માનતો કે એવો સમય કદી પણ આવે, જ્યારે તેવું બને. આ શહેરના કેટલા હજાર લોકો ઈશ્વરની ચૈતન્યરૂપે ઉપાસના કરવા તૈયાર હશે? બહુ જ થોડા. તેઓ તેમ કરી જ નહિ શકે; તેઓ ઇંદ્રિયોમાં જ જીવે છે. તમારે તેમને સ્થૂળ અને નક્કર વિચારો આપવા જોઈએ. તમે તેમને કંઈક શારીરિક કર્મ કરવાનું કહો, જેમ કે વીસ વાર ઊભા થાઓ, વીસ વાર બેસી જાઓ વગેરે, તો તે તેઓ સમજશે. તેમને એક નસકોરામાંથી શ્વાસ અંદર લઈને બીજામાંથી બહાર કાઢવાનું કહો; તેઓ તે સમજશે. ચૈતન્ય વિશેનો તમારો આશીર્વાદ તેઓ જરાય સ્વીકારી નહિ શકે. તેમાં તેમનો દોષ નથી. .. ઈશ્વરની ચૈતન્યરૂપે ઉપાસના કરવાની તમારામાં શક્તિ હોય તો ઘણું સારું! પણ એક વખત એવો હતો કે જ્યારે તમે પણ તેમ નહોતા કરી શકતા. … જો લોકો અણઘડ, પ્રાકૃત હોય તો તેમના ધાર્મિક વિચારો પણ અણઘડ જ હોય અને પ્રતીકો પણ ઢંગ વિનાનાં તથા સ્થૂળ હોય. લોકો જો સુધરેલા અને સંસ્કારી હોય, તો ત્યાં પ્રતીકો પણ વધારે સુંદર હોય છે. પ્રતીકો તો હોવાં જ જોઈએ; માત્ર સમય પ્રમાણે તે બદલાતાં રહે છે.

એ એક વિચિત્ર ઘટના છે કે આખી દુનિયામાં ઈસ્લામ ધર્મ સિવાય બીજા કોઈ ધર્મે પ્રતીકોની વધારે દુશ્મનાવટથી શરૂઆત કરી નથી. … મુસલમાનોને ચિત્રકલા, સ્થાપત્ય કે સંગીત ચાલી શકે નહિ. … તે બધાં પ્રતીકપૂજા તરફ, બૂતપરસ્તી તરફ લઈ જાય. તેમનો મુલ્લાં સભાની સામે જોઈને ઊભો નહિ રહે; જો તે તેમ ઊભો રહે તો બંને વચ્ચે ભેદ થયો ગણાય. આ રીતે તેમાં કશાં જ પ્રતીકો નથી અને છતાં પણ હઝરત મહંમદ પેગંબરના મૃત્યુને બે સૈકા પણ પૂરા થયા ન હતા ત્યાં પીરપૂજા શરૂ થઈ. અહીં આ પીરનો અંગૂઠો છે, ત્યાં પેલા પીરનો વાળ છે! એ એમ જ ચાલે છે. વૈધી ભક્તિ એક ભૂમિકા છે કે જેમાં થઈને આપણે પસાર થવાનું છે.

માટે પ્રતીક-ઉપાસનાની વિરુદ્ધ જેહાદ જગાડ્યા વિના તેમાં જે શ્રેષ્ઠ છે તે સ્વીકારીએ અને તેના પાયામાં રહેલા સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ.

અલબત્ત, જેને વૃક્ષપૂજા તથા પથ્થરપૂજા કહેવામાં આવે છે, તે નીચામાં નીચી કક્ષાની પૂજા છે. પ્રત્યેક અસંસ્કારી માણસ કંઈક પકડી લેશે અને પોતાનો કોઈક નવો વિચાર તેમાં ઉમેરશે; એ તેને સહાયક પણ થશે. તે એક હાડકાનો ટુકડો કે પથ્થર કે ગમે તેની ઉપાસના કરશે. ઉપાસનાની આ બધી અસંસ્કારી અવસ્થાઓમાં પણ માણસે પથ્થરને પથ્થર તરીકે કે ઝાડને ઝાડ તરીકે પૂજ્યું નથી. સાવ સામાન્ય સમજણથી પણ એટલું જાણી શકાય. પંડિતો ઘણી વાર કહે છે કે માણસ પથ્થર અને ઝાડને પૂજતો; એ બધું મૂર્ખતાભર્યું કથન છે. વૃક્ષપૂજા એક તબક્કો છે કે જેમાં થઈને માનવજાત પસાર થયેલી છે. ખરેખરી રીતે તો મનુષ્ય દ્વારા ચૈતન્યની ઉપાસના સિવાય બીજા કશાની ઉપાસના કદી હતી જ નહિ. પોતે ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સિવાય બીજા કશાનો અનુભવ કરી ન શકે. ચૈતન્યની જડ પદાર્થ તરીકે ઉપાસના કરવાની ભૂલ દિવ્ય મન કદી પણ કરી ન શકે. આ કિસ્સામાં માણસ પથ્થરને અથવા વૃક્ષને ચૈતન્ય તરીકે કલ્પતો. તે કલ્પના કરતો કે ઈશ્વરનો થોડોક અંશ તે પથ્થર કે વૃક્ષમાં છે અને પથ્થર કે વૃક્ષને પણ આત્મા છે.

વૃક્ષપૂજા અને નાગપૂજા કાયમ સાથે રહેલાં છે. જ્ઞાનરૂપી વૃક્ષ હોય છે જ. વૃક્ષ તો હંમેશાં હોય જ; અને વૃક્ષનો ગમે તે રીતે નાગ સાથે સંબંધ જોડાયો છે. પૂજાના આ પ્રકારો સૌથી પ્રાચીન છે. તેમાં પણ તમે જોશો કે અમુક ચોક્કસ વૃક્ષ કે અમુક પથ્થરને જ પૂજવામાં આવે છે; દુનિયાનાં બધાં વૃક્ષો કે બધા જ પથ્થરોને પૂજવામાં આવતા નથી.

પ્રતીક પૂજાનું જરા વધારે ઊંચું સ્વરૂપ છે પૂર્વજોની અને ઈશ્વરની મૂર્તિઓની પૂજા. લોકો મૃત માણસોની અને ઈશ્વરની કાલ્પનિક મૂર્તિઓ બનાવે છે અને પછી તેઓ તેની પૂજા કરે છે.

એથી વધુ ઉચ્ચ પૂજા છે ચાલ્યા ગયેલા સંતો, સત્પુરુષો અને પવિત્ર સ્ત્રીઓની. લોકો તેમના અવશેષોને પૂજે છે. તેમને લાગે છે કે કોઈક પણ પ્રકારે અવશેષોમાં સંતોની હાજરી રહેલી હોય છે અને તેમની તેમને સહાય મળશે. તેઓ માને છે કે સંતના અસ્થિના સ્પર્શથી તેઓ રોગમુક્ત થશે—પેલું અસ્થિ પોતે રોગ મટાડે છે એમ નહિ પણ તેમાં રહેલા સંત મટાડે છે. …

આ બધી ઉપાસનાની ઊતરતી કક્ષાઓ છે, છતાં તે ઉપાસના તો છે જ. આપણે બધાએ તે અવસ્થામાંથી પસાર થવું પડે છે. કેવળ બુદ્ધિની દૃષ્ટિએ વિચારીએ તો તે સારી નથી લાગતી; પણ હૃદયમાંથી આપણે તેમને ટાળી નથી શકતા. માણસ પાસેથી જો તમે બધા સંતો અને પ્રતીમાઓ ખસેડી લો અને તેને મંદિરે ન જવા દો (તોપણ) તે બધા દેવોની કલ્પના કરશે; તેણે તે કરવી જ પડે. એંસી વર્ષનો એક ડોસો મને કહેતો હતો કે વાદળાં પર બેઠેલા અને એક લાંબી દાઢીવાળા બુઢ્ઢા વિના ઈશ્વરની કલ્પના પોતે કરી શકતો જ નથી. એ શું બતાવે છે? તેનું શિક્ષણ અધૂરું છે; તેને આધ્યાત્મિક શિક્ષણ જરાય મળ્યું નથી અને તેથી તે માનવ સ્વરૂપ સિવાય બીજા કશાની કલ્પના કરી શકતો નથી.

પ્રતીક પૂજાની એથી વધુ ઉચ્ચ એક કક્ષા છે; તે છે તાંત્રિક આકૃતિઓની દુનિયા. એમાં પ્રતીકો તો છે, પણ તે ઝાડ કે પથ્થર કે મૂર્તિઓ કે સંતોના અવશેષો નથી; એ છે આકૃતિઓ. દુનિયાભરમાં અનેક જાતની તાંત્રિક આકૃતિઓ છે. વર્તુળ એ અનંતતાની મહાન આકૃતિ છે. .. તેમાં જ ચોરસ છે; વધસ્તંભ ક્રોસની આકૃતિ તો જાણીતી જ છે; અને બે અંગ્રેજી અક્ષરો ‘s’ અને ‘z’ ને આડાઊભા એકબીજાને છેદતા હોય તેવી સ્વસ્તિકની આકૃતિ પણ છે.

કેટલાક લોકોના મગજમાં એવું ભરાઈ બેસે છે કે આવી આકૃતિઓનો કંઈ અર્થ નથી. … જ્યારે કેટલાકને જાતજાતની ગુપ્ત રહસ્યમય આકૃતિઓ જોઈએ છે. જો તમે તેમને સાદાં સરળ સત્યો કહો તો તેઓ સ્વીકારશે નહિ. … માનવ સ્વભાવ જ એવો હોવાને લીધે તેઓ ધારે છે કે જેટલું ઓછું સમજાય તેવું હોય તેટલું તે વધારે સારું; તેટલા તમે વધારે મહાન ગણાશો. પ્રત્યેક યુગમાં અને દરેક દેશમાં આવા ઉપાસકો અમુક આકૃતિઓ અને પ્રતીકો વડે ભરમાયેલા હોય છે. ભૂમિતિ એ સૌથી મહાન વિજ્ઞાન હતું; મોટા ભાગના લોકો તેમાંનું કાંઈ સમજતા નહિ. તેઓ માનતા કે ભૂમિતિનો જાણનારો એક ચતુષ્કોણ દોરીને તેના ચારે ખૂણા પર મંત્ર ભણવા જેવું કંઈક તૂત કરે એટલે આખી દુનિયા ચલાયમાન થાય, સ્વર્ગનાં દ્વાર ખૂલી જાય, ઈશ્વર નીચે ઊતરી આવે, નાચવા લાગે અને આપણો ગુલામ બની રહે. આજે પણ આવી બાબતો પર દિવસ અને રાત વિચાર કર્યા કરનાર પાગલોનો એક આખો સમુદાય છે. આ બધું એક પ્રકારનો રોગ છે; એ બધાંનો વિચાર તત્ત્વજ્ઞાનીએ નહીં પણ વૈદ્યે કરવા જેવો છે. હું વિનોદ કરું છું પણ મને બહુ જ દુઃખ થાય છે. ભારતમાં આ પ્રશ્ન બહુ જ ગંભીર છે. પ્રજાના સડાનાં, અધઃપતનનાં અને આફતનાં આ ચિહ્નો છે. જોમ, જીવન, આશા સ્વાસ્થ્ય અને બધી શુભ વસ્તુઓની નિશાની છે શક્તિ. જ્યાં સુધી શરીર ટકી રહે ત્યાં સુધી શરીરમાં, મનમાં અને બાહુમાં બળ હોવું જોઈએ, આ બધા (મંત્ર-તંત્રો) વડે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવામાં ભય—જીવનનો ભય—રહેલો હોય છે. હું આ પ્રકારના પ્રતીકવાદ વિશે કહેતો ન હતો.

છતાં પ્રતીકવાદમાં કંઈક સત્ય તો છે જ. પાછળ કંઈક પણ સત્ય વિનાનું કોઈ પણ જૂઠાણું ચાલી ન શકે; અસલ વિના નકલ થઈ ન શકે.

જુદા જુદા ધર્મોમાં પૂજાનો પ્રતીકાત્મક પ્રકાર હોય જ છે. નવીન, જોમદાર, કાવ્યમય અને તંદુરસ્ત પ્રતીકો પણ છે. ક્રોસના પ્રતીકે કરોડો લોકો પર જે અદ્‌ભુત પ્રભાવ પાડ્યો છે તે જુઓ! ચાંદના પ્રતીકનો વિચાર કરો! આ એક જ પ્રતીકના આકર્ષણનો વિચાર કરો! દુનિયામાં સર્વત્ર સારાં અને મહાન પ્રતીકો હોય છે. તેઓ ચૈતન્યનો અર્થ સમજાવે છે અને મનની અમુક અવસ્થાઓ ઊભી કરે છે; એક નિયમ તરીકે આપણે જોઈએ છીએ કે તેઓ શ્રદ્ધા અને પ્રેમની અદ્‌ભુત શક્તિ પેદા કરે છે.

પ્રોટેસ્ટંટ પંથની કેથોલિક પંથ સાથે તુલના કરો. છેલ્લાં ચારસો વરસની બંનેની હયાતીમાં બંનેમાંથી કોણે વધારે સંતો, વધારે શહીદો ઉત્પન્ન કર્યા છે? કેથોલિકોના કર્મકાંડનું જબરદસ્ત આકર્ષણ; પેલા અનેક દીવા, ધૂપ, મીણબત્તીઓ અને પાદરીઓના ઝભ્ભા વગેરેની પોતાની જ એક મોટી અસર છે. પ્રોટેસ્ટન્ટ પંથ ખૂબ શુષ્ક અને કાવ્યત્વ વિનાનો છે. પ્રોટેસ્ટન્ટોએ ઘણી બાબતો સાધ્ય કરી છે, અમુક બાબતોમાં તેમણે કેથોલિકો કરતાં ઘણી વધારે સ્વતંત્રતા આપી છે અને તેથી તેમની કલ્પના વધુ સ્પષ્ટ અને વ્યક્તિ કેન્દ્રિત છે. એ બધું ઠીક છે, પણ તેમણે ગુમાવ્યું પણ ઘણું છે. … દેવળોમાંના ચિત્રકામની વાત કરીએ. તેમાં કાવ્યનો આસ્વાદ લેવાનો પ્રયત્ન છે. જો આપણને કાવ્યની ભૂખ હોય તો શા માટે આપણે તેનો આસ્વાદ ન લેવો? આત્માને જે જોઈએ તે તેને કેમ ન આપવું? આપણે સંગીત જોઈએ જ છીએ. પ્રેસ્બિટેરિયનો તો વળી સંગીતની પણ વિરુદ્ધ છે. તેમને ખ્રિસ્તી-ધર્મીઓમાંના ‘મુસલમાન’ ગણી શકાય. તેમના મત પ્રમાણે કવિતા માત્ર બંધ! કર્મકાંડ માત્ર બંધ! પછી તેઓ સંગીત યોજે છે; તે કેવળ ઇંદ્રિયોને જ આકર્ષે છે. વ્યાસપીઠ ઉપર પ્રકાશના કિરણ માટે તેઓ સામુદાયિક રીતે કેવો પ્રયાસ કરે છે તે મેં જોયું છે.

કાવ્યરસ અને બાહ્ય ભૂમિકા પર વ્યક્ત થયેલ ધર્મનો આનંદ આત્મા જોઈએ તેટલો ભલેને માણે. શા માટે નહિ? … પ્રતીક ઉપાસના સાથે ઝઘડો કર્યે કાંઈ નહિ વળે. ફરી ફરીને તે જ જીતશે. .. કેથોલિકો જે કરે છે તે તમને પસંદ ન હોય તો તેથી કંઈક વધારે સારું કરો. પણ આપણે તો વધારે સારું કાંઈ કરવું નથી અને જે કાવ્યરસ છે તે પણ રાખવો નથી. આ તો ભયંકર પરિસ્થિતિ કહેવાય! કાવ્યતત્ત્વ તો સંપૂર્ણ રીતે આવશ્યક વસ્તુ છે. તમે દુનિયાના મોટામાં મોટા ફિલસૂફ ભલે હો; પણ ફિલસૂફી એ સર્વોચ્ચ પ્રકારની કવિતા છે, એ કાંઈ સૂકાં હાડકાં નથી; એ તો વસ્તુઓનું સત્ત્વ છે, સત્ય પોતે જ કોઈ પણ પ્રકારનાં દ્વૈત કરતાં વધારે કાવ્યમય છે. …

ધર્મમાં પંડિતાઈને કશું જ સ્થાન નથી; મોટા ભાગના લોકો માટે તો એ માર્ગમાં વિઘ્નરૂપ બને છે. … કોઈ માણસે દુનિયાનાં તમામ પુસ્તકાલયો વાંચી નાંખ્યા હોય છતાં તે જરાય ધાર્મિક ન હોય, જ્યારે બીજો કદાચ પોતાનું નામ લખવા જેટલું ય ભણ્યો ન હોવા છતાં ધર્મને પારખતો હોય અને તેનો સાક્ષાત્કાર પણ કરતો હોય. સમગ્ર ધર્મ એટલે આપણી આંતરિક અનુભૂતિ. જ્યારે હું ‘માનવ બનાવનારો ધર્મ’ એવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે તેનો અર્થ પુસ્તકો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે સિદ્ધાંતો એવો નથી કરતો; એનો અર્થ હું એવો કરું છું કે જેણે તેના પોતાના હૃદયમાં પેલી અનંત સત્તાના કંઈક અંશનો સાક્ષાત્કાર કર્યો હોય, કંઈક અંશના સંપૂર્ણ રીતે દર્શન કર્યાં હોય.

જે માનવીને ચરણે હું આખી જિંદગી બેસી રહ્યો છું અને જેના ફક્ત થોડાક વિચારોનો જ હું ઉપદેશ આપું છું, તેને પોતાનું નામ પણ લખતાં આવડતું નહિ. હું આખી દુનિયા ફરી વળ્યો છું પણ મેં એના જેવો બીજો માનવી જોયો નથી. જ્યારે મને તે માણસનો વિચાર આવે છે, ત્યારે હું મને પોતાને મૂર્ખ જેવો લાગું છું કેમ કે મને પુસ્તકો વાંચવાનું મન થાય છે જ્યારે તેમણે પુસ્તકો કદી વાંચેલાં જ નહિ. તેમને બીજા લોકોનું ઉચ્છિષ્ટ ચાટવાનું કદી મન જ થયું નથી. એ કારણસર જ તે પોતે પોતાના ગ્રંથરૂપ હતા. આપણે આખી જિંદગી સુધી ફલાણો આમ માનતો ને ઢીંકણો આમ કહી ગયો છે, એનું જ રટણ કર્યા કરીએ છીએ; કોઈ દિવસ આપણું પોતાનું કશું જ કહેતા નથી. ફલાણાએ પચ્ચીસ વર્ષ પહેલાં આમ કહેલું ને ઢીંકણો પાંચ વર્ષ પહેલાં આમ કહેતો હતો, એ જાણવામાં તમારી શી વડાઈ છે? તમારે પોતાને શું કહેવું છે તેની જ વાત કરો ને?

યાદ રાખો કે વિદ્યાની—ભણતરની—કંઈ જ કિંમત નથી. વિદ્યા ભણવામાં તમે ભૂલ ખાઓ છો. જ્ઞાનની એકમાત્ર કિંમત મનને મજબૂત બનાવવામાં, તેને તાલીમ આપવામાં છે. આ બધી અનંત કાળથી ચાલી આવતી ગોખણપટ્ટીનું આપણને અજીર્ણ કેમ નથી થઈ જતું એ જ નવાઈ છે. હવે આપણે બસ કરીએ; ચોપડાં બધાં બાળી નાખીએ અને આપણી જાતને પકડીને જરા વિચાર કરીએ. તમે બધા તમારું ‘વ્યક્તિત્વ’ ખોઈ બેસવાની વાતો કરો છો અને તેની બીકથી ગભરાઈ જાઓ છો; પણ આ અનંત કાળથી કરવામાં આવેલી ગોખણપટ્ટીથી તો તમારાં જીવનની દરેક પળે તમે તે ‘વ્યક્તિત્વ’ ગુમાવી રહ્યા છો. તમારામાંના કોઈ હું જે શીખવું છું તે એમ ને એમ માની જ લેશે તો મને બહુ દુઃખ થશે; પણ તમારામાં તમારી જાતે વિચાર કરવાની શક્તિ જો હું ઉત્પન્ન કરી શકીશ તો મને અનહદ આનંદ થશે. … મારી ઇચ્છા માનવ નરનારીઓને ઉપદેશ કરવાની છે, ઘેટાંને નહિ. નરનારીઓનો અર્થ હું ‘વ્યક્તિઓ’ કરું છું. તમે સૌ કંઈ નાનાં બાળક નથી કે શેરીનાં ગંદાં ચીથરાં ભેગાં કરીને ઢીંગલીઓ બનાવો!

‘આ તો વિદ્યાનું ધામ છે! પેલો માણસ વિશ્વવિદ્યાલયમાં નિમાયેલો છે! શ્રી ‘પોલ’ ભાઈએ જે કહ્યું છે તે બધું ય તે જાણે છે!’ પણ શ્રી પોલભાઈએ કંઈ જ કહ્યું નથી! જો મને છૂટ આપવામાં આવે તો હું તો પ્રાધ્યાપકને કહી દઉં; ‘અહીંથી ચાલ્યા જાઓ; તમારામાં કંઈ નથી.’ ગમે તે ભોગે આ વ્યક્તિત્વને કેળવો! તમને ફાવે તો ખોટી રીતે પણ જાતે વિચાર કરો; તમને સત્ય સાંપડે કે ન સાંપડે તેનો કાંઈ વાંધો નથી. મુખ્ય મુદ્દો મનને કેળવવાનો છે. બીજા પાસેથી આવેલું સત્ય તમે બીજાને શીખવી નહિ શકો. તેમ તમે પોતે પણ શીખી નહિ શકો. કોઈ કોઈને શીખવી શકતું નથી. સત્યનો તમારે જાતે જ સાક્ષાત્કાર કરવાનો છે અને તમારા પોતાના સ્વભાવ પ્રમાણે તમારે જ તેને આચરણમાં ઉતારવું જોઈએ. … સૌ કોઈએ સુદૃઢ, પોતાના પગ પર ઊભા રહેનાર, પોતાનો સ્વતંત્ર વિચાર કરી શકનાર અને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી જેલમાં પકડાયેલા સૈનિકોની પેઠે બધાએ એકીસાથે ઊભા થવું, બધાએ સાથે જ બેસી જવું, બધાએ એક જ ખોરાક ખાવો અને બધાએ એકી સાથે માથાં ધુણાવવાં—અન્યની ઇચ્છાનુસાર વર્તનારાઓની પેઠે બીજા આપે તે સિદ્ધાંતોને ગળે ઉતારી જવા, એનો કશો ઉપયોગ નથી. ભિન્નતા એ જીવનનું ચિહ્ન છે, સમાનતા એ મૃત્યુનું ચિહ્ન છે.

એક વાર હું ભારતના એક શહેરમાં હતો ત્યારે એક વૃદ્ધ મને મળવા આવ્યો. તેણે કહ્યુંઃ ‘સ્વામીજી! મને મુક્તિનો માર્ગ બતાવો.’ મેં જોયું કે એ માણસ આ સામે પડેલ ટેબલ જેવો તદ્દન જડ, મરેલ થઈ ગયો હતો. માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ તે ખરેખર મરેલો જ હતોઃ મેં કહ્યું; ‘હું કહું તેમ કરી શકશો? તમે ચોરી કરી શકશો? દારૂ પી શકશો? માંસ ખાઈ શકશો?’

પેલા માણસે તો આશ્ચર્યચક્તિ બની જઈને પૂછ્યુંઃ ‘આ તે તમે કેવો ઉપદેશ આપો છો?’

મેં તેને કહ્યુંઃ ‘આ સામેની ભીંતે કદી ચોરી કરી છે? તેણે કદી દારૂ પીધો છે?’

‘ના જી.’

‘ત્યારે, ભલાભાઈ! માણસ જ ચોરી કરે, માણસ જ દારૂ પીએ અને માણસ જ ભગવાન બને! મિત્ર! તમે કાંઈ આ ભીંત જેવા થોડા છો! કંઈક કરો! કંઈક કરો!’

મેં જોયું કે એ માણસમાં ચોરી કરવાનીયે જો હિંમત આવે તો તેનો આત્મા મુક્તિને પંથે વળવાની શક્તિ મેળવી શકે.

તમે બધા એક જ વાત કરો છો; બધા સાથે જ ઊભા થાઓ છો અને સાથે જ બેસો છો; તો પછી તમે દરેક જણ અલગ વ્યક્તિત્વ ધરાવો છો તે હું કેમ જાણી શકું? એ તો મૃત્યુનો માર્ગ છે! તમારા આત્મા માટે કંઈક કરો! ગમે તો ખોટું કરો, પણ કંઈક કરો! અત્યારે જ નહિ તો ધીમે ધીમે તમે મારું કહેવું સમજશો. આત્મા પર જાણે કે ઘડપણ આવી ગયું છે; તેના પર કાટ ચઢી ગયો છે. એ કાટ ઘસી કાઢવો જોઈએ, તો જ આગળ જઈ શકાય. હવે તમને સમજાશે કે દુનિયામાં પાપ શા માટે છે. ઘરે જઈને આ કાટ કેમ દૂર કરવો તેનો વિચાર કરજો!

આપણે ભૌતિક સુખો માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે વેપારીવૃત્તિથી કંઈક હેતુ સિદ્ધ કરવા માટે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. ભલે કરો; અન્નવસ્ત્ર સારુ પણ ભગવાનની પ્રાર્થના કરતા રહેજો! ભક્તિ કરવી એ સારું છે; સાવ ન કરવા કરતાં કંઈક કરો તો સારું. ‘નહિ મામા કરતાં કાણો મામો પણ સારો.’ કોઈ શ્રીમંત યુવાન માંદો પડે છે પછી રોગમાંથી છૂટવા ગરીબોને તે દાન દેવા લાગે છે. એ સારું છે, પણ તે કંઈ ખરો ધર્મ નથી, આધ્યાત્મિક દૃષ્ટિએ તે ધર્મ નથી, એ બધું ભૌતિક ક્ષેત્રમાં છે. કયું ભૌતિક છે અને કયું ભૌતિક નથી? જ્યારે સંસાર જ ધ્યેય હોય અને ઈશ્વર તેને મેળવવાનું સાધન હોય, ત્યારે તે ભૌતિક કહેવાય. જ્યારે ઈશ્વર ધ્યેય હોય અને દુનિયા તેને મેળવવાનું માત્ર સાધન હોય, ત્યારે આધ્યાત્મિક જીવન શરૂ થયું ગણાય.

આમ જે માણસને પૂરતા પ્રમાણમાં ભૌતિક સુખો જ જોઈતાં હોય એવા માણસને માટે તેનાં બધાં સ્વર્ગો એટલે અહીંના જીવનનો જ વિસ્તાર છે. તે મૃત્યુ પામેલા બધા લોકોને મળીને ફરીથી મજા માણવા માગે છે.

પ્રેતાત્માઓને નીચે અહીં આપણી પાસે લાવનારી એક બાઈ હતી—કહો કે એક માધ્યમ હતી. તે બહુ જ જાડી હતી, છતાં તે માધ્યમ કહેવાતી. વારુ, આ બાઈને મારા પર ખૂબ ભાવ હતો, એટલે મને તેમના પ્રેતાત્માઓના મેળાવડામાં આવવાનું તેણે આમંત્રણ આપ્યું. પ્રેતાત્માઓ બધા મારા પ્રત્યે ઘણા વિનયી હતા. મને બહુ વિચિત્ર અનુભવ થયો. તમે સમજ્યા ને, પ્રેતાત્માઓને બોલાવવા માટેની એ સભા હતી; મધ્ય રાત્રિ હતી. પેલી માધ્યમ-સ્ત્રી બોલીઃ ‘…. અહીં એક પ્રેત ઊભેલું હું જોઉં છું. પ્રેત કહે છે કે પેલા બાંકડા પર એક હિંદુ ગૃહસ્થ બેઠા છે.’ મેં તુરત ઊભા થઈને કહ્યુંઃ ‘એ તમને કહેવા માટે પ્રેતની કાંઈ જ જરૂર ન હતી.’

ત્યાં એક પરિણીત, બુદ્ધિશાળી, સુશિક્ષિત યુવક હાજર હતો. એ પોતાની માતાને જોવા આવેલો. પેલી સ્ત્રી બોલીઃ ‘ફલાણાભાઈનાં માતુશ્રી અહીં આવ્યાં છે.’ આ યુવકે મને પોતાની માતા વિશે વાત કરેલી; તે ગુજરી ગઈ ત્યારે બહુ જ દૂબળી હતી. પણ પડદામાંથી પ્રગટ થયાં તે માતુશ્રી તો…! એ તો તમારે જોવા જેવાં હતાં! આ યુવક હવે શું કરશે તે મારે જોવું હતું. મારા મહદ્ આશ્ચર્ય વચ્ચે તે યુવક કૂદી પડ્યો અને આ પ્રેતને ભેટી પડીને બોલ્યોઃ ‘ઓ બા! ત્યાં પ્રેતલોકમાં તું કેટલી રૂપાળી થઈ ગઈ છે!’ મને થયુંઃ ‘મારાં ધન્ય ભાગ્ય છે કે હું અહીં આ દુનિયામાં જ છું. એથી મને માનવ સ્વભાવ જાણવાની ઊંડી દૃષ્ટિ મળે છે!’

આપણે પાછા આપણી પ્રતીક ઉપાસનાના વિષય પર આવીએ. … આ ભૌતિક જીવન અને સાંસારિક વસ્તુઓ માટેના સાધન તરીકે ઈશ્વરની તમે ઉપાસના કરો તે હલકા પ્રકારની ગણાય. … મોટા ભાગના લોકોને આ માટીનો પિંડ અને ઇંદ્રિયોનાં સુખો કરતાં વધારે ઊંચી ભાવના કદી જ હોતી નથી. આ જિંદગીમાં પણ બિચારા જીવોને જે સુખો મળે છે તે પશુઓનાં સુખો જેવાં જ હોય છે. … તેઓ પણ પશુઓને ખાય છે; પોતાનાં બાળકોને ચાહે છે. શું માનવની મહત્તા આટલી જ છે? છતાં આપણે સર્વશક્તિમાન ઈશ્વરને પણ ભજીએ છીએ! શા માટે? માત્ર આવા ભૌતિક પદાર્થો તે આપણને આપતો રહે અને કાયમ તેમનું રક્ષણ કરતો રહે તે માટે!… તેનો અર્થ એ કે આપણે પશુઓ પક્ષીઓથી આગળ ગયાં નથી. આપણે એમનાથી જરાય વધુ સારા નથી. આપણામાં કંઈ જ વિશેષ સમજણ નથી અને ખરે, આપણાં એ દુર્ભાગ્ય છે. આપણામાં વિશેષ જ્ઞાન હોવું જોઈએ! પશુપક્ષીઓમાં અને આપણામાં ફરક એટલો જ છે કે આપણે જેવો ઈશ્વર છે તેવો તેમને નથી હોતો … પ્રાણીઓની પેઠે આપણને પણ એ જ પાંચ ઇંદ્રિયો છે, માત્ર તેમની ઇંદ્રિયો વધુ સારી છે. કૂતરો જેટલા સ્વાદથી હાડકું કરડે છે એટલા સ્વાદથી આપણે અન્નનો એક કોળિયો પણ ખાઈ શકતા નથી. આપણા કરતાં તેમને જીવનમાં વધુ આનંદ છે; તેથી (એમ કહી શકાય કે) આપણે પ્રાણીઓ કરતાં પણ જરા ઊતરતા છીએ.

કુદરતની એકાદ શક્તિ જે કામ વધારે સારું કરી શકે છે, તે બનવાની તમારે શા માટે ઇચ્છા રાખવી જોઈએ? તમારે વિચારવાનો આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તમારે શું જોઈએ છે? આ જીવન, આ ઇંદ્રિયો, આ શરીર કે કંઈક અનંતગણું વધુ ઉચ્ચ અને વધુ સારું? કંઈક એવું કે જ્યાંથી પછી પતન ન હોય, જેમાં કંઈ પરિવર્તન ન થાય?

આનો અર્થ શો. …? તમે કહો છો? ‘હે ભગવાન! મને રોજી આપ, મને પૈસા આપ! મને સાજો કરી દે! આમ કરી દે ને તેમ કરી દે!’ જ્યારે જ્યારે તમે આમ કહો છો ત્યારે ત્યારે તમે એ વિચારથી તમારી જાતને ભ્રમમાં પાડો છો કે ‘હું ભૌતિક પદાર્થ છું અને આ જડ જગત એ જ મારું અંતિમ લક્ષ્ય છે.’ જ્યારે જ્યારે તમે એકાદ ભૌતિક ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે ત્યારે તમારી જાતને કહો છોઃ તું દેહ છે, તું આત્મા નથી. ….

ભગવાનનો ઉપકાર માનો કે આ બધું સ્વપ્ન છે! તેનો પાડ માનો કે તે અદૃશ્ય થઈ જવાનું છે! ઈશ્વરનો તમે પાડ માનો કે મૃત્યુ જેવી વસ્તુ છે! મૃત્યુ મહિમાવંતુ છે કારણ કે આ બધો ભ્રમ, આ સ્વપ્ન, આ દેહ વિષેની આસક્તિ અને આ સંતોષઃ બધાનો અંત મૃત્યુ આણે છે. કોઈ પણ સ્વપ્ન અનંત કાળ સુધી ચાલી ન શકે; વહેલો કે મોડો તેનો અંત આવવો જ જોઈએ. એવું કોઈ નથી કે જે પોતાના સ્વપ્નને સદા કાળને માટે ટકાવી રાખી શકે. એ એવું છે કે તે માટે હું ઈશ્વરનો પાડ માનું છું! છતાંય ભક્તિનો આ પ્રકાર પણ ઠીક છે. આગળ વધો. કંઈ જ ન કરવા કરતાં કશાકને માટે પ્રાર્થના કરવી વધારે સારી છે. આ બધા તબક્કાઓ છે કે જેમાંથી આપણે પસાર થવાનું છે. આ બધા પહેલા પાઠો છે. મન ક્રમે ક્રમે ઇંદ્રિયો, શરીર, આ દુનિયાનાં સુખો વગેરેથી કંઈક વધુ ઉચ્ચ વસ્તુનો વિચાર કરવા લાગે છે.

માણસ આ કઈ રીતે કરે છે? પહેલાં તો તે વિચાર કરતો થાય છે. જ્યારે તમે કોઈ પ્રશ્ન પર વિચાર કરો ત્યારે તેમાં ઇંદ્રિયસુખ હોતું નથી, પણ વિચારનો અપૂર્વ આનંદ હોય છે. … આનાથી જ માણસ માનવ બને છે. … એક મહાન વિચાર લો! તે ઊંડો ઊતરે, પછી એકાગ્રતા આવે; શરીરનું ભાન ભૂલી જવાય; ઇંદ્રિયો (કામ કરતી) થંભી જાય; બધી સ્થૂળ ઇંદ્રિયોથી તમે પર થઈ જાઓ; ઇંદ્રિયો દ્વારા જે કંઈ વ્યક્ત થતું હતું તે બધું પેલા એક વિચાર પર કેન્દ્રિત થાય. તે ક્ષણે તમે પશુ કરતાં વધુ ઉચ્ચ હો છો, તમને માત્ર શરીર કરતાં ઉચ્ચ એવા કશાકનું દર્શન થાય છે—આ દર્શન તમારી પાસેથી કોઈ ખૂંચવી લઈ શકશે નહિ. …. આ જ મનનું સાધ્ય છે, ઇંદ્રિયોની ભૂમિકામાં નહિ.

આમ, ઇંદ્રિયોની ભૂમિકા દ્વારા કાર્ય કરતાં કરતાં, તમને બીજા વધુ ઉચ્ચ પ્રદેશોમાં વધારે ને વધારે પ્રવેશ મળે છે; અને પછી આ જગત તમારી સામેથી ખસી જાય છે. તમને આત્માની એક ઝાંખી થતાં જ પછી તમારી ઇંદ્રિયો, તમારાં ભૌતિક સુખો અને તમારી દેહને વળગી રહેવાની વૃત્તિઃ આ બધું તમારામાંથી નીકળી જશે. પછી તો આત્માના ધામમાંથી દર્શન પછી દર્શન આવશે. ત્યારે તમારી યોગસાધના પૂરી થઈ હશે; અને આત્મા આત્મા તરીકે પ્રગટ થઈ રહેશે. ત્યારે તમે ઈશ્વરની ઉપાસના આત્મતત્ત્વરૂપે જ કરશો. પછી તમને સમજાવવા માંડશે કે ઉપાસના કંઈક મેળવવા માટે નથી. હૃદયમાં આપણી ઉપાસના હતી પેલા અનંત-સાન્ત તત્ત્વની, પ્રેમની, ભગવાનનાં ચરણોમાં જીવાત્મા દ્વારા અપાતા શાશ્વત બલિદાનની. ‘હું નહિ પણ તું. હું તો મરી પરવારેલ છું. હું નથી પણ તું છે. મારે ન જોઈએ ધન કે ન જોઈએ સૌંદર્ય; વિદ્યા પણ ન જોઈએ; હું મુક્તિ પણ માગતો નથી. પ્રભુ! તારી ઇચ્છા હોય તો મને કરોડો નરકમાં નાખ. હું તો માત્ર એક જ વસ્તુ માગું છુંઃ તું મારું પ્રેમપાત્ર બન!’

Total Views: 112
૪. ઉપાસક અને ઉપાસ્ય
૬. દિવ્ય પ્રેમ