(સાનફ્રાંસિસ્કો વિસ્તારમાં તારીખ એપ્રિલ ૯, ૧૯૦૦ના રોજ અપાયેલ પ્રવચન)
અત્યાર સુધી આપણે માનવ પ્રકૃતિની તર્કપ્રધાન બાજુ જોઈ. આ વ્યાખ્યાનમાં આપણે તેની ઊર્મિપ્રધાન બાજુનો અભ્યાસ કરીશું… પહેલી (તર્કપ્રધાન) બાજુ માનવનો અનંત આત્મા તરીકે, એક સિદ્ધાંત (તરીકે) અભ્યાસ કરે છે; જ્યારે બીજી (ઊર્મિપ્રધાન) બાજુ માનવને મર્યાદિત જીવ તરીકે જુએ છે… પહેલીમાં માનવનાં થોડાંક આંસુઓ ખાળવા કે દુઃખ મટાડવા માટે રોકાવાનો અવકાશ નથી, જ્યારે બીજી તેના આંસુ લૂછ્યા વિના, તેનું દુઃખ મટાડ્યા વિના આગળ ચાલી ન શકે. એક છે મહાન, એટલી મહાન અને ભવ્ય કે કેટલીક વાર તેની વિશાળતા જોઈને આપણને ચક્કર આવે છે; બીજી સામાન્ય કક્ષાની (છે), છતાં સુંદરમાં સુંદર અને આપણને પ્રિય લાગે તેવી છે. પહેલી આપણો કબજો લઈને આપણને એટલે ઊંચે લઈ જાય છે કે, જ્યાં આપણાં ફેફસાં તૂટુંતૂટું થઈ જાય. તે વાતાવરણ(માં) આપણે જીવી ન શકીએ. બીજી આપણને જ્યાં છીએ ત્યાં ને ત્યાં જ રાખે છે અને જીવનના પદાર્થો જોવાનો પ્રયાસ કરે છે, જીવનની (મર્યાદિત) દૃષ્ટિ (રાખે છે). તર્કની તેજસ્વી મહોર ન જુએ ત્યાં સુધી પહેલી કશું જ સ્વીકારશે નહીં, જ્યારે બીજીમાં શ્રદ્ધા છે, પોતે જે જોઈ ન શકે તેમાં તે શ્રદ્ધા રાખે છે. બન્ને જરૂરી છે. પક્ષી એક જ પાંખ વડે ઊડી ન શકે.
આપણે માગીએ છીએ બંનેના સમન્વયપૂર્વક વિકસેલો માનવી…મહાન હૃદય, મહાન મન, (મહાન કર્મવાળો)… આપણે માગીએ છીએ એવો માણસ કે જેના હૃદયમાં દુનિયાનાં દુઃખો અને શોકને માટે ખૂબ જ લાગણી હોય. અને (આપણે) એવો માણસ (માગીએ છીએ) કે જે વસ્તુઓને માત્ર અનુભવી શકે એટલું જ નહિ, પણ તેમનો અર્થ કાઢી શકે, જે પ્રકૃતિના અને સમજશક્તિના હૃદયમાં ઊંડો ઊતરે. (આપણે) એવો મનુષ્ય (માગીએ છીએ) કે જે આટલેથી જ અટકે નહિ, (પણ) જે (લાગણીઓને અને અર્થને ખરેખરાં કાર્યોમાં) ઉતારે. બુદ્ધિ, હૃદય અને બળના આવા સંયોગની આપણે જરૂર છે. આ દુનિયામાં ઉપદેશકો ઘણા છે; પરંતુ તમે જોશો કે તેમાંના ઘણા ખરા એકાંગી છે. (એક) માણસ મેધાનો મહિમાવાન મધ્યાહ્ન ભાસ્કર જ જુએ છે; અને તે સિવાય બીજું કંઈ જ નથી જોતો. બીજો વળી પ્રેમનું મધુર સંગીત જ સાંભળે છે અને બીજું કાંઈ જ સાંભળી શકતો નથી. ત્રીજો વળી કર્મમાં જ (ડૂબેલો) રહે છે; તેને ઉર્મિલ બનવાનો કે ઊંડો વિચાર કરવાનો સમય જ નથી હોતો. પણ એક સમાન રીતે કર્મપરાયણ, જ્ઞાનવાન અને પ્રેમાળ હોય તેવો વિરાટ માનવ શા માટે ન થાય? શું એ અશક્ય છે? ચોક્કસ નહિ. ભાવિ માનવ આ છે ; અત્યારે તેવા સાવ થોડાક (જ) છે. (એવાઓની સંખ્યા વધતી જશે) અને અંતે આખું વિશ્વ માનવતાપ્રેમી બનશે.
અત્યાર સુધી હું તમારી સમક્ષ બુદ્ધિ (અને) તર્ક વિશે બોલતો આવ્યો છું. આપણે સમગ્ર વેદાંતનું શ્રવણ કર્યું છે. માયાનું આવરણ તૂટે છે. શિયાળુ વાદળાં ઊડી જાય છે અને જ્ઞાનસૂર્યનો પ્રકાશ આપણા પર ચમકે છે. હું હિમાલયની ઊંચાઈ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જ્યાં શિખરો વાદળાંની પેલી પાર અદૃશ્ય થઈ જાય છે. હું તમારી સાથે બીજી બાજુનો , એટલે કે સુંદરમાં સુંદર ખીણોનો, પ્રકૃતિમાંનાં અદ્ભુતમાં અદ્ભુત આશ્ચર્યોનો અભ્યાસ કરવાનું સૂચવું છું. દુનિયાનાં અનેક દુઃખો હોવા છતાં જે પ્રેમ આપણને અહીં પકડી રાખે છે, જે પ્રેમે આપણી પાસે દુઃખની બેડી—જે શાશ્વત શહીદી માણસ સ્વેચ્છાએ પોતાની જ મેળે સહી રહ્યો છે તે—ઘડાવી છે, તે પ્રેમનો (આપણે અભ્યાસ કરીશું). જેને માટે માણસે પોતાને હાથે જ પોતાની બેડી ઘડી છે, જેને માટે તે દુઃખ ભોગવે છે, તે સનાતન પ્રેમનો આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. આપણે બીજી બાજુને ભૂલી જવા માગતા નથી. હિમાલયની હિમનદીએ કાશ્મીરનાં ડાંગરનાં ખેતરો સાથે હાથ મિલાવવા જ જોઈએ; વજ્રે પોતાનો કઠોર નિનાદ પક્ષીઓના કલરવ સાથે મિલાવવો જ જોઈએ.
આ અભ્યાસને પ્રત્યેક સુંદર અને રમણીય વસ્તુ સાથે સંબંધ રહેશે. ઉપાસના સર્વત્ર, પ્રત્યેક આત્મામાં છે, હરકોઈ મનુષ્ય ઈશ્વરની ઉપાસના કરે છે; નામ ગમે તે હોય, પણ બધા ઈશ્વરની ઉપાસના કરે છે. સુંદર કમળની જેમ, ખુદ જીવનની જેમ, ઉપાસનાની શરૂઆત ગંદકી અને માટીમાંથી છે…..ભયનું તત્ત્વ તેમાં રહેલું છે જ, આ દુનિયાનાં સુખોની ભૂખ તેમાં છે; ભિખારીના જેવી માગણીવાળી ઉપાસના છે. પણ આ દુનિયાદારીની ભોગેચ્છાવાળી ઉપાસના એ આરંભની ઉપાસના છે; (તેનો અંત આવે છે) ઈશ્વરપ્રેમમાં અને માનવ સેવા દ્વારા ઈશ્વરની પૂજામાં.
ઈશ્વર જેવું કોઈ છે? જેની સાથે પ્રેમ કરી શકાય એવું કોઈ છે ખરું? એવું કોઈ છે ખરું કે જે પ્રેમ સ્વીકારવાને સમર્થ હોય? પથ્થરની સાથે પ્રેમ કરવાથી કંઈ વળે નહિ. પ્રેમને જે સમજી શકે, જે આપણા પ્રેમને આકર્ષે, તેની સાથે જ આપણે પ્રેમ કરીએ છીએ. ઉપાસનાનું પણ આવું જ છે. એમ કદી કહેશો નહિ (કે) આપણી આ દુનિયામાં એક માણસ એવો છે કે જે એક પથ્થરના ટુકડાની (પથ્થર તરીકે) ઉપાસના કરે છે; તે હંમેશાં (પથ્થરમાં રહેલા સર્વવ્યાપી) ઈશ્વરની જ ઉપાસના કરતો હોય છે.
આપણને ખબર પડે છે કે સર્વવ્યાપી સત્તા આપણી અંદર જ છે. (પરંતુ) તે સત્તા જો આપણાથી અલગ ન હોય તો તેની ઉપાસના કેવી રીતે કરી શકીએ?હું ‘તારી જ ’ ઉપાસના કરી શકું, ‘મારી’ નહિ; હું ‘તારી જ’ પ્રાર્થના કરી શકું, ‘મારી’ નહિ. એવો કોઈ ‘તું’ છે ખરો?
એક, અનેક થાય છે. જ્યારે આપણે એકને જોઈએ છીએ ત્યારે માયાને લીધે દેખાતાં બંધનો અદૃશ્ય થઈ જાય છે; છતાં એ સાવ સાચું છે કે અનેક છેક નકામો છે એવું નથી. અનેકની દ્વારા જ આપણે એકને પહોંચીએ છીએ…
કોઈ વ્યક્તિ ઈશ્વર છે ખરો! એવો ઈશ્વર કે જે વિચાર કરે, સમજે અને આપણને દોરે છે? છે જ. વ્યક્તિ-રહિત ઈશ્વરને આમાંનાં કોઈ પણ લક્ષણ હોઈ ન શકે. તમારા પૈકીનો દરેકે દરેક વ્યક્તિ છો; તમે વિચાર કરો છો, પ્રેમ કરો છો, ધિક્કારો છો, (તમે)ગુસ્સે થાઓ છો, દિલગીર થાઓ છો, છતાં તમે વ્યક્તિ-રહિત અસીમ છો. તમે વ્યક્તિ-સહિત અને વ્યક્તિત્વ-રહિત બન્ને એકમાં જ છો. તમારામાં વ્યક્તિ-સહિત અને વ્યક્તિત્વ-રહિત એ બંને સત્તાઓ રહેલી છે. એ (વ્યક્તિ-રહિત સત્તા) (ના) ગુસ્સે કે (ના) દિલગીર કે દુઃખી ન થઈ શકે- દુઃખનો વિચાર સરખોય ન કરી શકે. તે વિચાર કરી શકે નહિ, જ્ઞાન મેળવી શકે નહિ. તે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. પણ વ્યક્તિ-રહિત (સત્તા) જ્ઞાન મેળવી શકે છે, વિચાર કરે છે અને મૃત્યુ પામે છે વગેરે. સ્વાભાવિક રીતે જ સર્વવ્યાપી બ્રહ્મની પણ બે સત્તા હોવી જોઈએ; એક સર્વ પદાર્થની અનંત સત્તા, બીજી વ્યક્તિત્વ-સહિતની સત્તા; આપણા આત્માઓનો પણ આત્મા, બધા માલિકોનો પણ માલિક છે. (તે જ) આ વિશ્વને સર્જે છે; (તેની જ) દોરવણી નીચે આ વિશ્વ અસ્તિત્વ ધરાવે છે…
તે અનંત, સદા પવિત્ર, સદા મુક્ત છે… તે ન્યાયમૂર્તિ નથી; ઈશ્વર ન્યાયમૂર્તિ બની ન શકે. તે ન્યાયાસને બેસીને સજ્જન અને દુર્જનનો ન્યાય કરતો નથી…. તે ન્યાયાધીશ નથી, સેનાપતિ (નથી), માલિક પણ (નથી). વ્યક્તિરૂપ (ઈશ્વર) તો અનંત દયાળુ અને પ્રેમાળ છે.
બીજી દૃષ્ટિએ જુઓ. તમારા શરીરના પ્રત્યેક કોષમાં તે કોષના ભાનવાળો આત્મા છે. તે એક સ્વતંત્ર વસ્તુ છે. તેને પોતાને અલ્પમાત્ર ઇચ્છાશક્તિ હોય છે તેમ જ તેનું પોતાનું નાનકડું કાર્યક્ષેત્ર હોય છે. આવા બધા (કોષો) એકઠા મળીને વ્યક્તિ બને છે. (તેવી જ રીતે) વિશ્વનો વ્યક્તિત્વવાન ઈશ્વર પણ આ (ઘણી બધી વ્યક્તિઓનો) મળીને બનેલો છે.
બીજી એક રીતે વિચારીએ. જે રીતે હું તમને જોઉં છું તે રીતે તમે તમારી નિર્વિશેષ સત્તાનો તેટલો ભાગ છો કે જેટલો મારાથી સીમિત કરાયો છે ને અનુભવાયો છે. મારી આંખની, મારી ઇંદ્રિયોની શક્તિ વડે જોવા સારુ મેં તમને સીમિત બનાવ્યા છે. મારી આંખો તમારો જેટલો અંશ જોઈ શકે છે તેટલા જ હું તમને જોઉં છું; મારું મન તમારો જેટલો અંશ ગ્રહણ કરી શકે તેટલા જ હું તમને જાણી શકું છું; તેથી જરાય વધારે નહિ. તે જ રીતે હું નિર્વિશેષ અને વ્યક્તિત્વ-રહિતને મારી દૃષ્ટિએ (સગુણરૂપે) જોઈ રહ્યો છું. જ્યાં સુધી આપણને દેહ અને મન હોય ત્યાં સુધી હંમેશાં આપણને ઈશ્વર, પ્રકૃતિ અને આત્માનું ત્રિત્વ દેખાય. હંમેશાં એકમાં આ ત્રણે અવિભાજ્ય રીતે હોવાનાં જ… પ્રકૃતિ છે, માનવજીવો છે, તેમ વળી જેમાં પ્રકૃતિ અને જીવાત્મા ઊભય (સમાયેલાં છે). તે (ઈશ્વર) પણ છે.
વિશ્વાત્મા સશરીરી થયેલ છે. મારો જીવાત્મા પોતે જ ઈશ્વરનો અંશ છે આપણી આંખોની દૃષ્ટિ, જીવનનું જોમ, મનનું મન અને આપણા આત્માનો આત્મા એ છે. વ્યક્તિરૂપ ઈશ્વર વિશેનો આપણે કલ્પી શકીએ તે ઊંચામાં ઊંચો આદર્શ આ છે.
તમે દ્વૈતવાદી ન હો (પણ) અદ્વૈતવાદી હો તોપણ વ્યક્તિરૂપ ઈશ્વરમાં માની શકો… તે ‘एकमेवाद्वितीय’ છે. તેને પોતાની સાથે પ્રેમ કરવાની ઇચ્છા થઈ; તેથી એકમાંથી પોતે (અનેક) બન્યો…. પેલો નાનકડો હું જેની ઉપાસના કરે છે તે, મહાન ‘હું’ની—ખરા ‘હું’ની છે. આમ બધા ધર્મોમાં વ્યક્તિરૂપ (ઈશ્વર) હોઈ શકે.
કેટલાક લોકો એવા સંજોગોમાં જ જન્મે છે કે જેથી તેઓ બીજા કરતાં વધારે સુખી થાય છે. ન્યાયી ઈશ્વરના રાજ્યમાં આમ કેમ બને? વળી આ જગતમાં મૃત્યુ છે. માર્ગમાં આ બધી મુશ્કેલીઓ છે. (આ પ્રશ્નોનો) જવાબ કદી પણ મળ્યો નથી. દ્વૈતની કોઈ પણ ભૂમિકા પરથી તેમનો ઉત્તર મળી શકે નહિ. વસ્તુઓ જેવી છે તેવી નિરૂપણ કરવા આપણે તત્ત્વજ્ઞાનનો આશરો લેવો જ પડે. આપણે આપણાં પોતાના કર્મનાં જ ફળ ભોગવીએ છીએ. તેમાં ઈશ્વરનો દોષ નથી. આપણે જે કરીએ તે આપણો જ દોષ, બીજું કોઈ નહિ. ઈશ્વરનો શા માટે વાંક કાઢવો?
જગતમાં અનિષ્ટ શા માટે છે? સારાંનરસાં બંનેનું કારણ (ઈશ્વર છે એમ કહો) તો જ આ (પ્રશ્નનો) જવાબ મળે. વ્યક્તિરૂપ ઈશ્વરના સિદ્ધાંતને માનવામાં મોટી મુશ્કેલી એ છે કે જો તમે કહો કે તે માત્ર સારો જ છે અને ખરાબ નથી, તો તમારી દલીલમાં તમે જ ફસાઓ. ઈશ્વર છે તેની તમને કેમ કરીને ખબર પડે છે? તમે કહો છો કે આ વિશ્વનો પિતા છે અને તે ભલો છે; (પણ) દુનિયામાં દુઃખ પણ છે તેથી ઈશ્વર ખરાબ પણ હોવો જોઈએ. … પાછી એની એ જ આફત!
સારું નથી, તેમ નરસુંય નથી. જે કાંઈ છે તે ઈશ્વર છે. … સારું શું છે એ તમે કેવી રીતે જાણો છો? તમને (તેનો) અનુભવ થાય છે. (નરસું શું છે એ તમે કેમ કરીને જાણો છો? જો) દુઃખ આવે તો તેનો અનુભવ થાય છે. … આપણે સુખ અને દુઃખ આપણી લાગણીઓ દ્વારા જાણીએ છીએ. એવો એક પણ માણસ નથી કે જે ફક્ત સારી, સુખની જ લાગણીઓ અનુભવતો હોય; એવો એક પણ માણસ નથી કે જે ફક્ત દુઃખની જ લાગણીઓ અનુભવતો હોય. …
અભાવ અને ચિંતા બધાં દુઃખો અને સુખોનાં કારણો છે. અભાવ વધતો જાય છે કે ઘટતો? જીવન સાદું થતું જાય છે કે ગૂંચવણવાળું? ચોક્કસ ગૂંચવણવાળું જ થતું જાય છે. જરૂરિયાતો વધતી જાય છે. તમારા વડવાઓને તમારા જેવા પોશાકની કે (તમારા જેટલા) પૈસાની જરૂર પડતી ન હતી. તેમના વખતમાં ન હતી વીજળીની ગાડીઓ કે (ન) હતી રેલવે વગેરે. તેથી તેમને કામ ઓછું કરવું પડતું. આ વસ્તુઓ આવે છે કે તરત જ જરૂરિયાતો ઊભી થાય છે અને તમારે વધારે મહેનત કરવી પડે છે. વધારે ને વધારે ચિંતા અને વધારે ને વધારે હરીફાઈ ઊભી થાય છે.
પૈસા કમાવા એ ઘણું કઠિન કાર્ય છે. તેને સાચવવા એ એથીયે વધારે કઠિન છે. થોડાક પૈસા ભેગા કરવા સારુ તમારે આખી દુનિયા સાથે લડવું પડે છે (અને) તેને સાચવવા સારુ આખી જિંદગી સુધી ઝઘડવું પડે છે. (તેથી) ગરીબ કરતાં ધનવાનને વધારે ચિંતા હોય છે. બધું આમ છે. …
આ દુનિયામાં સર્વત્ર સારું અને નરસું રહેલું છે. કયારેક નરસું એ સારું બની જાય છે, એ ખરું; પણ કેટલીક વાર સારું પણ નરસું બની જાય છે. આપણી બધી ઇંદ્રિયો કયારેક તો નરસું ઉત્પન્ન કરે છે. કોઈ માણસ જરાક દારૂ પીએ છે. (શરૂઆતમાં) એ ખરાબ નથી; પણ તે પીધા જ કરે તો (જરૂર) ખરાબી પેદા કરશે. … એ માણસ પૈસાદાર માબાપને ત્યાં જન્મે છે; બહુ સારું. તે મૂરખ પાકે છે, પોતાના શરીર કે મગજને શ્રમ જ નથી આપતો. એનું નામ સારામાંથી નરસાની ઉત્પત્તિ કહેવાય. જીવન પ્રત્યેની આ આસક્તિનો વિચાર કરો. આપણે બહાર જઈને કૂદીએ અને થોડી ક્ષણો જીવીએ; સખત મહેનત કરીએ. તદ્દન અશક્ત એવા બાળક તરીકે આપણે જન્મીએ છીએ. ફરીથી જગતને સમજતાં આપણને વર્ષો લાગે છે. સાઠ-સિત્તેર વર્ષે આપણી દૃષ્ટિ ખૂલે ત્યાં તો સાદ પડે; ‘નીકળી જાઓ!’ અને તમારે ચાલ્યા જવું પડે.
આપણે જોયું કે સારું અને નરસું એ સાપેક્ષ શબ્દો છે. જે વસ્તુ મારે માટે સારી હોય (તે) તમારે માટે ખરાબ હોય. હું ખાઉં તે ભોજન તમે જમો તો તમે રડવા લાગશો અને હું હસીશ. … આપણે બંને નાચી ઊઠીશું, પણ હું હર્ષથી અને તમે દુઃખથી. … એક જ વસ્તુ જીવનની એક અવસ્થામાં સારી હોય, બીજીમાં તે ખરાબ ગણાય. તમે કહી શકો ખરા (કે) સારું અને નરસું એ એકબીજાથી સાવ અલગ છે—એટલે આ બધું સારું તે સારું જ છે અને પેલું બધું ખરાબ તે ખરાબ જ છે?
હવે જો ઈશ્વર હંમેશાં કલ્યાણકારી હોય તો આ બધાં સારાં અને નરસાં માટે જવાબદાર કોણ? ખ્રિસ્તીઓ અને મુસલમાનો માને છે કે શેતાન નામની કોઈ એક વ્યક્તિ છે. પણ તમે કેવી રીતે કહી શકો કે બે વ્યક્તિઓ એકી સાથે કામ કરે છે? તે એક જ હોવી જોઈએ. .. જે અગ્નિ બાળકને દઝાડે છે તે જ અગ્નિ રસોઈ રાંધી આપે છે. અગ્નિને સારો કે ખરાબ કેમ કહી શકાય? અથવા બે જુદા જુદા માણસોએ તેને બનાવ્યો તેમ પણ કેમ કહી શકાય? બધું (કહેવાતું) પાપ કોણ સર્જે છે? ઈશ્વર. બીજો રસ્તો જ નથી. જીવન અને મૃત્યુ, મરકી અને રોગચાળો અને બીજું બધું, તે જ મોકલે છે. ઈશ્વર જો આવો હોય તો તે જ શુભરૂપ છે, તેમ તે જ અશુભરૂપ છે; તે જ સૌંદર્યસ્વરૂપ છે તેમ તે જ રુદ્રસ્વરૂપ પણ છે; તે જ જીવન છે અને તે જ મૃત્યુ છે.
આવા ઈશ્વરની ઉપાસના કેમ કરીને થાય? આપણને (સમજાશે) કે આત્મા રુદ્રસ્વરૂપની પણ ઉપાસના કેવી રીતે કરતાં શીખે છે. ત્યારે જ આત્માને શાંતિ પ્રાપ્ત થશે. … તમારે શાંતિ જોઈએ છે? તમે ચિંતામુક્ત થવા માગો છો? સૌથી પહેલાં તો પાછા વળીને રુદ્રનો—ભયંકરતાનો સામનો કરો. બુરખો ચીરી નાખો અને તે જ (ઈશ્વરને) જુઓ. તે જ વ્યક્તિરૂપ છે, તે (જ બધું) સારું છે અને તે (જ બધું) નરસું છે. તેના સિવાય બીજો કોઈ જ નથી. જો ઈશ્વર બે હોત તો પ્રકૃતિ એક ક્ષણ પણ ટકી ન શકત. પ્રકૃતિમાં બીજો કોઈ જ નથી. બધું સમન્વય જ છે. જો ઈશ્વર એક પાઠ ભજવે અને શેતાન બીજો, તો આખી સૃષ્ટિ(માં) (અંધાધૂંધી) ફેલાઈ જાય. નિયમને કોણ તોડી શકે? જો હું આ કાચને તોડું તો તે નીચે પડશે. જો કોઈ માણસ એક અણુને તેની સ્થિતિમાંથી બહાર કાઢવામાં—ખસેડવામાં સફળ થાય, તો બીજા બધા અણુઓ સમતુલાથી ખસી જાય. … નિયમનો ભંગ કદી થઈ જ ન શકે. પ્રત્યેક અણુ તેની સ્થિતિમાં જ ગોઠવવામાં આવેલો છે, તોળાયેલો અને મપાયેલો હોય છે, તથા તેના (હેતુ) અને સ્થાન પ્રમાણે જ વર્તે છે. ઈશ્વરની આજ્ઞાથી વાયુ ફેંકાય છે, સૂર્ય પ્રકાશે છે; તેના નિયમથી જ બ્રહ્માંડો પોતપોતાનાં સ્થાનમાં રહે છે; તેના હુકમથી જ મૃત્યુ પૃથ્વી પર ખેલી રહ્યું છે. બે કે ત્રણ ઈશ્વરો આ દુનિયામાં કુસ્તીનો જંગ ખેલતા હોય તેવી કલ્પના તો કરો! તે બની જ ન શકે.
હવે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિરૂપ ઈશ્વર—આ વિશ્વનો સ્રષ્ટા—દયાળુ તેમજ ક્રૂર પણ હોઈ શકે. તે જ મંગલ સ્વરૂપ છે અને તે જ અમંગલ સ્વરૂપ પણ છે, તે હસે છે તેમ તે ગુસ્સે પણ થાય છે. તેના નિયમનો કોઈ ભંગ ન કરી શકે. તે જ આ વિશ્વનો સર્જનહાર છે.
સર્જનનો અર્થ શો? શૂન્યમાંથી કશુંક ઊભું થાય છે, એમ? શું છ હજાર વર્ષ પહેલાં ઈશ્વર સ્વપ્નમાંથી જાગી ઊઠ્યો અને તેણે દુનિયા સર્જી (અને) તે પહેલાં કશુંય ન હતું, એમ? એ વખતે ઈશ્વર શું કરતો હતો? શું તે ઊંઘ ખેંચતો હતો? ઈશ્વર જગતનું કારણ છે અને કાર્ય દ્વારા જ આપણને—કારણને જાણી શકીએ. જો કાર્યનું અસ્તિત્વ ન હોય, તો કારણ એ ખરું કારણ નથી, કારણને હંમેશાં કાર્યમાં અને કાર્ય દ્વારા જ જાણી શકાય છે. … સૃષ્ટિ અનંત છે. … તેના આદિનો વિચાર દેશ કે કાળની અંદર રહીને કરી શકાય નહિ.
ઈશ્વર સૃષ્ટિ રચે છે. શા માટે રચે છે? કારણ કે તેને રચવાનું ગમે છે; કારણ કે તે મુક્ત છે. … તમે અને હું નિયમથી બદ્ધ છીએ, કારણ કે આપણે અમુક રીતે (જ) કામ કરી શકીએ છીએ, બીજી રીતે નહિ. ‘હાથ વિના ઈશ્વર બધું પકડી શકે છે, પગ વિના (તે દોડી શકે છે).’ શરીર ન હોવા છતાં પણ તે સર્વ-શક્તિમાન છે. ‘જે કોઈની દૃષ્ટિનો વિષય નથી, પણ જે પોતે દરેક આંખની અંદરની દૃષ્ટિનું કારણ છે, તેને તું ઈશ્વર જાણ.’ તેના સિવાય બીજા કશાની ઉપાસના કરી ન શકાય. ઈશ્વર આ વિશ્વનો સર્વશક્તિમાન પાલક છે. જેને ‘નિયમ’ કહેવામાં આવે છે, તે ઈશ્વરની ઇચ્છાની અભિવ્યક્તિ છે. તે પોતાના નિયમો વડે વિશ્વનું નિયમન કરે છે.
અત્યાર સુધી (આપણે) ઈશ્વર અને પ્રકૃતિની, એટલે કે સનાતન ઈશ્વર અને સનાતન પ્રકૃતિની ચર્ચા કરી. તો પછી જીવાત્માઓનું શું? તેઓ પણ શાશ્વત છે. કોઈ પણ આત્માની (કદી) ઉત્પત્તિ થઈ નથી, તેમ તે કદી મરતોપણ નથી. કોઈ પણ માણસ તેના પોતાના મૃત્યુની કલ્પના કરી ન શકે. આત્મા અનંત, શાશ્વત છે. તે કેવી રીતે મરી શકે? તે માત્ર શરીર બદલ્યા કરે છે. જેમ માણસ પોતાનાં જૂનાં-ફાટેલાં કપડાં ઉતારી નાખીને નવાં અને સાફ કપડાં પહેરે છે, તેમ આત્મા ઘસાઈ ગયેલા શરીરને ફેંકી દઈને નવું શરીર ગ્રહણ કરે છે.
જીવાત્માનું સ્વરૂપ કેવું છે? તે પણ (સર્વશક્તિમાન) અને સર્વવ્યાપી છે. ચૈતન્યને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોતી નથી. .. તે અહીં છે કે ત્યાં છે એમ કેમ કહી શકાય? આ દેહ પડે પછી (જીવાત્મા) બીજા દેહ (દ્વારા) કાર્ય કરે છે. જીવાત્મા એક એવું વર્તુળ છે કે જેનો પરિઘ કયાંય નથી, પણ જેનું મધ્યબિંદુ દેહમાં છે. ઈશ્વર એક એવું વર્તુળ છે કે જેનો પરિઘ કયાંય નથી પણ તેનું મધ્યબિંદુ સર્વત્ર છે. જીવાત્મા સ્વભાવે (જ) ધન્ય, પવિત્ર અને પૂર્ણ છે; જો તેનો સ્વભાવ અપવિત્ર હોત તો તે કદી પવિત્ર બની શકત જ નહિ… જીવાત્માનો સ્વભાવ છે પવિત્રતા, તેથી જ જીવાત્માઓ પવિત્ર થઈ (શકે) છે. તે સ્વભાવથી જ ધન્ય છે, તેથી જ તે ધન્ય બની (શકે) છે. તે શાંતિ-સ્વરૂપ છે, (તેથી જ તે શાંતિમય બની શકે છે). …
આપણે બધા જેઓ આ ભૂમિકામાં શરીર પ્રત્યે આકર્ષાયેલા છીએ તે સહુ ઈર્ષાઓ અને ઝઘડાઓ તથા સંકટો વેઠીને ગુજરાન ચલાવવા સારુ સખત મહેનત કરીએ છીએ અને છેવટે મૃત્યુ પામીએ છીએ. એ બતાવે છે કે આપણે જે હોવા જોઈએ તે નથી. આપણે મુક્ત, સંપૂર્ણ રીતે પવિત્ર, વગેરે નથી. જીવાત્મા જાણે કે અધમતાને પામ્યો છે. તેથી જ તેને વિકાસની જરૂર છે…
તે કેવી રીતે બની શકે? તમે જાતે તેમ કરી શકો ખરા? નહિ જ. જો કોઈનું મોઢું ધૂળવાળું થયું હોય તો તે ધૂળથી જ સાફ કરી શકાય ખરું? જમીનમાં જો હું બીજને વાવું તો તે ઝાડ ઉત્પન્ન કરે, ઝાડ વળી બીજને ઉત્પન્ન કરે, તે બીજ બીજું ઝાડ ઉત્પન્ન કરે, વગેરે. ઇંડામાંથી મરઘી અને મરઘીમાંથી પાછું ઈંડું! તેમ જો તમે કંઈ સારું કામ કરો તો તેનું ફળ તમારે લેવું જ પડે, તમારે ફરીથી જન્મવું જ પડે અને ફરી દુઃખી થવું જ પડે. એક વાર આ અનંત સાંકળમાં જોડાયા પછી તમે અટકી શકો જ નહિ. ઉપર અને નીચે, સ્વર્ગ(માં) અને પૃથ્વી પર (આ બધાં શરીરોમાં) તમારે જવું જ પડે. … એમાંથી બહાર નીકળવાનો તમારે રસ્તો જ નથી.
તો પછી આ બધામાંથી બહાર કેમ કરીને નીકળવું? અને અહીં આપણે છીએ શા માટે? એક વિચાર એવો છે કે દુઃખમુક્ત થવું. દુઃખમાંથી છૂટવા સારુ આપણે બધા રાતદિવસ મહેનત કરીએ છીએ. … પણ કર્મ દ્વારા તે સિદ્ધ ન થઈ શકે. કર્મ તો બીજાં કર્મોને જન્મ આપે. માત્ર જે પોતે મુક્ત હોય તેવો કોઈક આપણો હાથ ઝાલે તો જ એ બની શકે. મહાન ઋષિ કહે છેઃ આ ભૂમિ પર વસનારાં અને સ્વર્ગમાં વસનારાં ‘હે અમૃતનાં સંતાનો! તમે સાંભળો! મેં રહસ્ય શોધી કાઢ્યું છે. જે આ બધા અંધકારથી પર છે તે ઈશ્વરને મેં શોધી કાઢ્યો છે. કેવળ તેની કૃપા દ્વારા જ આ ભવસાગર તરી શકાય.’
ભારતમાં ધ્યેયનો વિચાર આ છેઃ સ્વર્ગો છે, નરકો છે, પૃથ્વીઓ છે, પરંતુ તે શાશ્વત નથી. જો મારે નરકમાં જવું પડે તોપણ તે કાયમનું નથી. એ જ પ્રયાસ સતત ચાલ્યા કરે છે, પછી હું ગમે ત્યાં હોઉં. આ બધા પ્રયાસને વટાવીને પેલે પાર કેમ જવું એ જ પ્રશ્ન છે. હું જો સ્વર્ગે જાઉં તો ત્યાં કદાચ થોડો આરામ મળે. જો મને મારાં દુષ્કૃત્યો માટે શિક્ષા કરવામાં આવે તો તે પણ (કાયમ) ન ચાલે. … ભારતીય આદર્શ સ્વર્ગપ્રાપ્તિનો નથી. પૃથ્વીની બહાર, નરકની બહાર અને સ્વર્ગની પણ બહાર નીકળી જાઓ! ધ્યેય શું છે? મુક્તિ. તમારે બધાએ મુક્ત થવાનું છે. આત્માનો મહિમા ઢંકાઈ ગયો છે; તેને ફરીથી બહાર લાવવાનો છે. આત્મા છે, તે સર્વત્ર છે. તે જશે કયાં? … તે જઈ શકે પણ કયાં? જ્યાં તે ન હોય ત્યાં જઈ શકે. જો તમે સમજી જાઓ (કે)આત્મા સર્વદા વર્તમાન છે. … (તો) પાછળથી સદાને માટે સંપૂર્ણ સુખ પ્રાપ્ત (થશે). … પછી જન્મ અને મૃત્યુ નહિ રહે. … રોગ નહિ રહે, શરીર નહિ રહે. શરીર પોતે જ મોટામાં મોટો રોગ છે. …
આત્મા, આત્મા (તરીકે) પ્રકાશશે, ચૈતન્ય તરીકે રહેશે. આ કરવું કેવી રીતે? આત્માની (અંદર રહેલા ઈશ્વરની) ઉપાસના કરવાથી; એ આત્મા પોતાના સ્વભાવે (જ) સર્વવ્યાપી, પવિત્ર અને પૂર્ણ છે. આ વિશ્વમાં બે સર્વશક્તિમાન ઈશ્વરો ન હોઈ શકે. બે-ત્રણ ઈશ્વરો હોવાની (કલ્પના તો કરી જુઓ)! એક ઈશ્વર સૃષ્ટિને ઉત્પન્ન કરશે, તો બીજો કહેશે કે ‘હું સૃષ્ટિનો નાશ કરીશ.’ એ કદી બની જ ન (શકે!) માટે ઈશ્વર એક જ હોઈ શકે. આત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે; તે લગભગ સર્વશક્તિમાન (અને) સર્વજ્ઞ (થાય છે). આ છે ઉપાસક. ઉપાસ્ય કોણ છે? સર્વવ્યાપી, સર્વજ્ઞ વગેરે ભગવાન, ઈશ્વર પોતે જ. સૌથી વિશેષ તો તે પ્રેમસ્વરૂપ છે. આવી પૂર્ણતાને (આત્મા) પામે કઈ રીતે? ઉપાસના દ્વારા જ.

