આપણે પ્રેમને એક ત્રિકોણ તરીકે કલ્પી શકીએ; તેનો પ્રત્યેક કોણ તેના એક એક ખાસ લક્ષણનો સૂચક છે. જેમ ત્રણ ખૂણા સિવાય ત્રિકોણ સંભવી શકે નહીં, તે જ રીતે નીચે જણાવેલાં ત્રણ લક્ષણો સિવાય સાચો પ્રેમ સંભવી શકે નહીં. આપણા પ્રેમના ત્રિકોણનો પ્રથમ ખૂણો એ છે કે પ્રેમ બદલો માગવાનું જાણતો નથી. જ્યાં જ્યાં બદલામાં કોઈપણ વસ્તુની આશા હોય છે ત્યાં ત્યાં શુદ્ધ પ્રેમ સંભવી શક્તો નથી; તે કેવળ દુકાનદારી બની જાય છે. જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણા પૂજ્યભાવ અને નિષ્ઠાના બદલામાં તેની પાસેથી આ કે તે લાભ મેળવવાનો સહેજ પણ ભાવ આપણામાં હશે, ત્યાં સુધી આપણા હૃદયમાં સાચો પ્રેમ ઊગી શકશે નહીં. જેઓ ઈશ્વર પોતાને માગ્યું વરદાન આપે તે ખાતર તેને ભજે છે, તેમને જો તે નહીં મળે તો તેઓ નિઃસંદેહ તેને નહીં ભજે. ભક્ત ઈશ્વર પર પ્રેમ એટલા માટે કરે છે કે ઈશ્વર પ્રેમનું પાત્ર છે; સાચા ભક્તને માટે દિવ્ય પ્રેમ જગાડનાર, તેનો પ્રેરક, એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી.
આપણે એક રાજાની વાર્તા સાંભળી છે. એક મહાન રાજા જંગલમાં ગયો; ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે રાજાને ઇચ્છા થઈ કે ઋષિ પોતાની પાસેથી કોઈ પણ ભેટને સ્વીકાર કરીને પોતાને કૃતાર્થ કરે. ઋષિએ તેનો અસ્વીકાર કરતાં કહ્યુંઃ ‘મારે માટે જંગલનાં ફળો પૂરતાં છે; પર્વતોમાંથી વહેતાં શુદ્ધ જળનાં ઝરણાં મને પીવાનું પૂરતું પાણી આપે છે; ઝાડની છાલો મને પહેરવા માટે વસ્ત્ર આપે છે; અને પર્વતોની ગુફાઓ મારા નિવાસ માટે પૂરતી છે. તો પછી શા માટે મારે તમારી કે બીજા કોઈ પાસેથી કંઈ ભેટ સ્વીકારવી જોઈએ?’ રાજાએ કહ્યુંઃ ‘ભગવન્! કેવળ મને કૃતાર્થ કરવા સારુ કૃપા કરીને મારી સાથે શહેરમાં મારા મહેલમાં ચાલો. મારી પાસેથી કોઈપણ વસ્તુ લો.’ અને અત્યંત આગ્રહ પછી ઋષિએ છેવટે રાજાની ઇચ્છા પ્રમાણે કરવા સંમતિ આપીને તેની સાથે તેના મહેલમાં ગયા. ઋષિને ભેટ આપતાં પહેલાં રાજા ઈશ્વરની પ્રાર્થના કરતાં બોલ્યાઃ ‘હે પ્રભુ! મને વધુ સંતાન આપો, મને વધુ ધન આપો; હે પ્રભુ! મને વધુ રાજ્ય આપો; હે પ્રભુ! મારા શરીરને વધુ સ્વસ્થ રાખો,’ વગેરે વગેરે. પણ રાજા પોતાની પ્રાર્થના પૂરી કરે તે પહેલાં ઋષિ ઊભા થઈ ગયા અને શાંતિપૂર્વક ઓરડામાંથી બહાર ચાલવા લાગ્યા! આથી રાજા મૂંઝાયો અને તેમની પાછળ જતાં જતાં મોટેથી બૂમ પાડીને તેમણે કહ્યુંઃ ‘મહારાજ! તમે ચાલ્યા જાઓ છો, પરંતુ મારી ભેટ તમે હજુ સ્વીકારી નથી.’ ઋષિ પાછા ફર્યા અને કહ્યુંઃ ‘હું ભિખારીઓ પાસે માગતો નથી. તું પોતે એક ભિખારી સિવાય કંઈ જ નથી, તો તું મને કોઈ વસ્તુ કેવી રીતે આપી શકે? તારા જેવા એક ભિખારી પાસેથી કોઈ વસ્તુ લેવાનું વિચારું તેવો હું મૂર્ખ નથી. ચાલ્યો જા, મારી પાસે આવીશ નહીં.’
ઈશ્વરના સાચા પ્રેમીઓ તથા માત્ર સાધારણ ભિખારીઓ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ રીતે બતાવાયો છે. ભીખ માગવી એ પ્રેમની પરિભાષા નથી. મુક્તિની ખાતર અથવા અન્ય કોઈ બદલાને માટે પણ ઈશ્વરની ઉપાસના કરવી એ એટલું જ હલકું છે. પ્રેમ બદલો માગવાનું જાણતો નથી; પ્રેમ સદૈવ પ્રેમને ખાતર જ હોય છે. ભક્ત ભગવાનની સાથે પ્રેમ કરે છે, તેનું કારણ કે તે પ્રેમ કર્યા સિવાય રહી શક્તો નથી. જ્યારે તમે કોઈ મનોરમ દૃશ્ય જોતાં જ તેની સાથે પ્રેમમાં પડો છો, ત્યારે તમે તેની પાસેથી બદલા તરીકે કોઈપણ વસ્તુ માગતા નથી અથવા તો એ દૃશ્ય તમારી પાસેથી બદલામાં કંઈ માગતું નથી. તેમ છતાં તેનું દર્શન તમને આનંદિત કરે છે, તમારા આત્માના બધાય કલેશોને શમાવી દે છે, તમને શાંતચિત્ત બનાવે છે, તેટલા પૂરતું તમને તમારી નશ્વર પ્રકૃતિથી ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે અને શાંત સ્વર્ગીય પરમાનંદની અવસ્થાએ તમને પહોંચાડે છે. સાચા પ્રેમનો આ સ્વભાવ એ આપણા ત્રિકોણનો પ્રથમ ખૂણો છે. તમારા પ્રેમના બદલામાં કશાની યાચના કરો નહીં. તમારી સ્થિતિ હંમેશાં દાતાની રહેવા દો. ઈશ્વરને તમારો પ્રેમ સમર્પો પરંતુ બદલામાં તેની પાસેથી પણ કોઈપણ વસ્તુની યાચના કરો નહીં.
પ્રેમના ત્રિકોણનો બીજો ખૂણો છેઃ પ્રેમ કોઈ ભયને જાણતો નથી. ડરને કારણે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ તદ્દન અણઘડ અને અધમમાં અધમ મનુષ્યો છે. તેઓ દંડના ભયથી ઈશ્વરને ભજે છે; તેમની નજરમાં ઈશ્વર એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં ડંડો લઈને ઊભેલો એક વિરાટ પુરુષ છે. તેઓ જો તેની આજ્ઞા માને નહીં, તો તેમને ભય છે કે તેમને ચાબુકથી ફટકારવામાં આવશે. દંડના ભયને લઈ ઈશ્વરની ઉપાસના કરવી તે અધઃપતન છે; જો આને સહેજ પણ ઉપાસના જેવું ગણવું હોય તો, આવી ઉપાસના પ્રેમની સાવ અણઘડ પ્રકારની ઉપાસના છે. જ્યાં સુધી હૃદયમાં જરા પણ ભય હોય, ત્યાં સુધી પ્રેમ કેવી રીતે હોઈ શકે? સ્વાભાવિક રીતે જ પ્રેમ સર્વ ભયને જીતી લે છે. કલ્પના કરો કે રસ્તા પર થઈને કોઈ યુવાન સ્ત્રી જતી હોય અને તેની સામે કૂતરો ભસે છે, સ્ત્રી ડરી જાય છે અને નજીકના ઘરમાં પેસી જાય છે. પરંતુ ધારો કે બીજે દિવસે સડક પરથી તે પોતાના બાળક સાથે જતી હોય અને એક સિંહ એ બાળક પર તરાપ મારે તો તે વખતે માતાનું સ્થાન ક્યાં? અલબત્ત, પોતાના બાળકને બચાવવા સારુ સિંહના મોઢામાં! પ્રેમ તમામ ભયને જીતી લે છે. વિશ્વથી પોતાની જાતને અલગ કરનારી સ્વાર્થની ભાવનામાંથી ભય જન્મે છે. મારી જાતને હું જેમ વધુ ક્ષુદ્ર અને વધુ સ્વાર્થી બનાવું તેમ મારો ભય વધે છે. જો મનુષ્ય પોતાની જાતને ક્ષુદ્ર, બિનઅગત્યની વસ્તુ ગણે, તો ભય અવશ્ય તેને ઘેરી વળશે; તમે તમારી જાતને જેમ ઓછી તુચ્છ ગણશો તેમ તમારો ભય પણ ઓછો થતો જશે. તમારામાં ભયનો લેશ પણ અંશ હશે ત્યાં સુધી પ્રેમ ઉદ્ભવી નહીં શકે. પ્રેમ અને ભય પરસ્પર વિરોધી બાબતો છે. જેઓ ઈશ્વરના ભક્ત છે તેમને તેનો કશો ભય ન હોય. ‘ઈશ્વરનું નામ અમસ્તું ન લો’ વાળા આદેશ તરફ સાચો ભક્ત હસે છે. પ્રેમના ધર્મમાં કોઈપણ પ્રકારની ઈશ્વરની નિંદા કેમ હોઈ શકે? ઈશ્વરનું નામ તમે જેટલી વધારે વાર લો તેટલું તમારે માટે શ્રેયસ્કર છે; પછી તમે તે ગમે તે રીતે કેમ ન લેતા હો! તમે તેનું નામ જપ્યા કરો છો, કારણ કે તમે તેને ચાહો છો.
પ્રેમ-ત્રિકોણનો ત્રીજો ખૂણો એ છે કે પ્રેમમાં કોઈ હરીફ હોતો નથી, કારણ કે પ્રેમનો પરમોચ્ચ આદર્શ સદૈવ પ્રેમીમાં મૂર્તિમંત હોય છે. જ્યાં સુધી આપણા પ્રેમનું પાત્ર આપણો સર્વોચ્ચ આદર્શ બનતું નથી, ત્યાં સુધી સાચો પ્રેમ કદી ઉદ્ભવતો નથી. બનવાજોગ છે કે ઘણા કિસ્સાઓમાં મનુષ્યનો પ્રેમ ગેરમાર્ગે જ અને અયોગ્ય સ્થળે જાય છે; પરંતુ પ્રેમી જે વસ્તુને ચાહે છે તે તેને મન હંમેશાં પોતાનો પરમોચ્ચ આદર્શ હોય છે. એકાદ માણસ પોતાનો આદર્શ અધમમાં અધમ વ્યક્તિમાં દેખે છે અને બીજો પોતાનો આદર્શ ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિમાં દેખે છે; એમ છતાંય પ્રત્યેક કિસ્સામાં જેના પર સચ્ચાઈથી, ઉત્કટતાથી પ્રેમ કરી શકાય તે કેવળ પોતાનો આદર્શ હોય છે. પ્રત્યેક મનુષ્યનો સર્વોત્તમ આદર્શ ઈશ્વર ગણાય છે. જ્ઞાની અથવા અજ્ઞાની, સંત અથવા પાપી, પુરુષ અથવા સ્ત્રી, શિક્ષિત અથવા અશિક્ષિત, સંસ્કારી અથવા અસંસ્કારી, પ્રત્યેક માનવીને મન સર્વોત્તમ આદર્શ ઈશ્વર છે. સૌંદર્ય, ઔદાર્ય અને શક્તિના બધા સર્વોત્તમ આદર્શોનો સુમેળ જ આપણો પ્રેમમય અને પ્રેમાસ્પદ પરમાત્માનો પૂર્ણમાં પૂર્ણ ખ્યાલ છે.
એક યા બીજા સ્વરૂપે, સ્વાભાવિક રીતે જ પ્રત્યેક મનમાં આ આદર્શ વિદ્યમાન હોય છે; તે આદર્શો આપણા સૌના મનનો એક મુખ્ય અંશ હોય છે. મનુષ્ય-પ્રકૃતિની બધી દૃશ્ય અભિવ્યક્તિઓ તે આદર્શોને રોજબરોજના જીવનમાં મૂર્તિમંત કરવા માટેના પ્રયત્નરૂપ છે. સમાજમાં આપણી આસપાસ જે બધાં વિવિધ કાર્યો થતાં દેખાય છે, તે ભિન્ન ભિન્ન આત્માઓના બહાર મૂર્તિમંત થવા મથતા ભિન્ન ભિન્ન આદર્શોને કારણે થાય છે; જે અંદર છે તે બહાર આવવા મથે છે. આદર્શોનો કાયમી પ્રબળ પ્રભાવ એક એવું પરિબળ છે, એક એવી પ્રેરક શક્તિ છે કે જે માનવસમાજમાં નિરંતર કાર્યરત જોવામાં આવે છે. કદાચ સેંકડો જન્મો પછી, હજારો વર્ષોના સંગ્રામ પછી પણ મનુષ્યને ખાતરી થાય છે કે અંતરના આદર્શોને પૂર્ણપણે પોતાને સાનુકૂળ તથા સુસંગત બનાવવાનો, બાહ્ય પરિસ્થિતિનો પ્રયત્ન વ્યર્થ છે; આ અનુભવ થયા પછી તે પોતાના આદર્શને બાહ્ય સંસારમાં મૂર્તરૂપ આપવા સારુ વધારે પ્રયત્ન કરતો નથી. પરંતુ પ્રેમની શ્રેષ્ઠ ભૂમિકાથી સ્વયં આદર્શને જ તે આદર્શ તરીકે ઉપાસે છે. આ સર્વાંગ સંપૂર્ણ આદર્શ નીચલી કક્ષાના તમામ આદર્શોને પોતામાં સમાવી દે છે. પ્રત્યેક વ્યક્તિ પ્રચલિત કહેવતના આ સત્યને સ્વીકારે છે કે દરેક પ્રેમી પોતાની કુબજા સમી પ્રેમિકાને રતિસમી સુંદરી માને છે. એક પ્રેક્ષક તરીકે જે માણસ બાજુમાં ઊભો હોય છે તે અહીં પ્રેમને અયોગ્ય પાત્રે ઢળતો જુએ છે, પરંતુ પ્રેમી તો તેનામાં પોતાની આદર્શ રતિને જુએ છે, તેનામાં કશી પણ કુરૂપતા દેખતો નથી. સુરૂપ હોય કે કુરૂપ, પરંતુ આપણા આદર્શો આપણાં એ પ્રેમપાત્રોને મધ્યબિંદુએ રાખીને તેમની આસપાસ મૂર્તિમંત બનતા હોય છે. જગત સામાન્ય રીતે કોને ઉપાસે છે? પરમ ભક્ત અને પરમ પ્રેમીના આ સર્વગ્રાહી સંપૂર્ણ આદર્શને તો નહીં જ નહીં. સ્ત્રી-પુરુષો, સામાન્ય રીતે તેમના પોતાનામાં રહેલા આદર્શને જ ઉપાસે છે; પ્રત્યેક વ્યક્તિ તેના પોતાના આદર્શનું બાહ્ય જગતમાં આરોપણ કરે છે અને તેની સમક્ષ શિર નમાવે છે. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે જે મનુષ્ય નિષ્ઠુર ખૂની હોય છે તેઓ લોહીતરસ્યા દેવતાની જ કલ્પના કરે છે, કારણ કે તેઓ કેવળ પોતાના સર્વોત્તમ આદર્શને જ ચાહે છે. એટલા માટે જ સાધુચરિત મનુષ્યો માટે ઈશ્વરનો ખૂબ ઉચ્ચ આદર્શ છે, તેમજ બીજાઓના કરતાં તે અત્યંત ભિન્ન પણ હોય છે.

