જે ભક્ત સ્વાર્થપરાયણતા, બદલો, દુકાનદારી અને ભયના ખ્યાલની પેલે પાર ગયો છે, તેનો આદર્શ ક્યો છે? આવો મનુષ્ય પરમાત્માને પણ કહી દેશે કે ‘હું તને મારું સર્વસ્વ અર્પી દઈશ; તારી પાસેથી હું કાંઈ માગતો નથી; ખરેખર હું મારું પોતાનું કહી શકું તેવું કંઈ જ મારી પાસે નથી.’ જ્યારે મનુષ્ય આ શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, ત્યારે તેનો આદર્શ બની જાય છે સંપૂર્ણ પ્રેમ, પ્રેમની સંપૂર્ણ નિર્ભયતા. આવી વ્યક્તિના સર્વોચ્ચ આદર્શમાં કોઈ સંકુચિતતા કે એકદેશિતા હોતી નથી. આ આદર્શ સર્વગ્રાહી, સીમાતીત-બંધનાતીત, નિરપેક્ષ પ્રેમસ્વરૂપ હોય છે. કોઈપણ પ્રતીક અથવા સૂચક અવલંબન સિવાય પ્રેમધર્મના આ ભવ્ય આદર્શની નિરપેક્ષ સ્વરૂપમાં ઉપાસના કરવામાં આવે છે. આવા વિશ્વવ્યાપી આદર્શની આદર્શ તરીકેની ઉપાસના એ પરાભક્તિનું સર્વોત્તમ સ્વરૂપ છે; ભક્તિના અન્ય તમામ પ્રકારો પરાભક્તિ પ્રાપ્ત કરવામાં કેવળ પગથિયાં છે.

પ્રેમધર્મને અનુસરતાં પ્રાપ્ત થતી આપણી તમામ નિષ્ફળતાઓ કે સફળતાઓ, એક આદર્શ તત્ત્વની અનુભૂતિના માર્ગે આપણને દોરી જાય છે. એક પછી એક વસ્તુને લઈને તેના ઉપર અંતરના આદર્શને આરોપવામાં આવે છે; અને આવા તમામ બાહ્ય વિષયો સદા વિસ્તાર પામતા આંતરિક આદર્શોના સૂચક તરીકે અપૂર્ણ જણાય છે અને સ્વાભાવિક રીતે જ એક પછી એકને છોડી દેવામાં આવે છે. આખરે સાધક સમજવા માંડે છે કે બાહ્ય વિષયોમાં આદર્શનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. સ્વયં આદર્શ સાથેની સરખામણીમાં આ તમામ બાહ્ય વિષયો શૂન્યવત્ છે; અને વખત જતાં સર્વોચ્ચ, સર્વવ્યાપક નિરપેક્ષ આદર્શને સંપૂર્ણ જીવંત અને વાસ્તવિક રૂપે સાક્ષાત્ કરવાની શક્તિ તેને પ્રાપ્ત થાય છે. જ્યારે સાધક આ અવસ્થાએ પહોંચે છે, ત્યારે ઈશ્વરની સત્તા સાબિત કરી શકાય કે નહીં, ઈશ્વર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે કે નહીં, વગેરે પૂછવા તે પ્રેરાતો નથી. તેને મન ઈશ્વરમાત્ર પ્રેમસ્વરૂપ છે, તે જ પ્રેમનો સર્વોચ્ચ આદર્શ છે અને ભક્તને માટે આટલું જ બસ છે. પ્રેમસ્વરૂપ તરીકે ઈશ્વર સ્વયંસિદ્ધ છે. પ્રેમપાત્રનું અસ્તિત્વ સાબિત કરવા પ્રેમીને કોઈ પ્રમાણની જરૂર નથી. ધર્મનાં બીજાં સ્વરૂપોમાં ન્યાયાધીશરૂપી ઈશ્વરનો આદર્શ સિદ્ધ કરવા ઘણાં પ્રમાણોની જરૂર પડે છે, પરંતુ ભક્ત આવા ઈશ્વરનો જરા પણ વિચાર કરતો નથી, કરી શક્તોપણ નથી. તેને મન ઈશ્વર પૂર્ણપણે પ્રેમસ્વરૂપ જ હોય છે. ‘હે પ્રિય! કોઈ સ્ત્રી પતિને તે પતિ છે એટલા ખાતર પ્રેમ કરતી નથી, પરંતુ પતિમાં જે આત્મા છે—ઈશ્વર છે તેને ખાતર જ તે પતિને ચાહે છે. હે પ્રિય! કોઈ પુરુષ પોતાની પત્નીને તે માત્ર પત્ની છે એટલા ખાતર ચાહતો નથી પરંતુ પોતાની પત્નીમાં જે આત્મા છે તેની ખાતર તે તેને ચાહે છે.’

કેટલાક લોકોનું એવું માનવું છે કે માનવીનાં તમામ કર્મોનું પ્રેરકબળ કેવળ સ્વાર્થપરાયણતા છે. આ સ્વાર્થપરાયણતા પણ પ્રેમ જ છે, પરંતુ વ્યક્તિગત હોવાને કારણે તે નીચી કક્ષામાં ઊતરી જાય છે. જ્યારે હું મારી જાતને વિશ્વવ્યાપક હોવાનું સમજું, ત્યારે અવશ્ય મારામાં જરા પણ સ્વાર્થપરાયણતા હોઈ શકે નહીં; પરંતુ જ્યારે હું ભ્રમવશ થઈને એમ સમજું કે હું એક કંઈક છું એટલે તરત જ મારો પ્રેમ વ્યક્તિગત અને સંકુચિત બની જાય છે. પ્રેમના ક્ષેત્રને વૈયક્તિક અને સંકુચિત બનાવવામાં જ ભૂલ રહેલી છે. વિશ્વમાં તમામ વસ્તુઓ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયેલી છે અને એટલા માટે તે તમામ પ્રેમને પાત્ર છે; તેમ છતાં એટલું યાદ રાખવું કે સમષ્ટિના પ્રેમમાં વ્યક્તિનો પ્રેમ સમાઈ જાય છે. આ સમષ્ટિ એ જ ભક્તોનો ભગવાન છે અને તે સિવાયના અન્ય સર્વ દેવો, સ્વર્ગના પિતા અથવા શાસનકર્તાઓ, સર્જકો અને અનેક પ્રકારના સિદ્ધાંતો, વાદો અને ગ્રંથો ભક્તોને માટે પ્રયોજન કે અર્થ વિનાના બની જાય છે, કારણ કે તેમના પરમ પ્રેમ અને શ્રદ્ધાના બળે તેઓ આ બધી વસ્તુઓથી પર ચાલ્યા ગયા છે. જ્યારે અંતઃકરણ વિશુદ્ધ બને છે, સ્વચ્છ બને છે અને પ્રેમના દૈવી અમૃતથી છલોછલ ભરાઈ જાય છે, ત્યારે ઈશ્વર વિશેના અન્ય સર્વ વિચારો કેવળ બાલિશ બની જાય છે અને અપૂર્ણ તથા અયોગ્ય હોવાથી તેમને છોડી દેવામાં આવે છે. પરા-ભક્તિ અથવા પરમ પ્રેમની શક્તિ ખરેખર આવી છે; તે પછી પૂર્ણ ભક્ત ઈશ્વરનાં દર્શન કરવા મંદિરોમાં અને દેવળોમાં જતો નથી; એવી કોઈ જગ્યા તે દેખતો નથી કે જ્યાં તેને ઈશ્વર દેખાતો ન હોય. ઈશ્વરને જેમ તે મંદિરમાં દેખે છે, તેમ જ મંદિરની બહાર પણ દેખે છે; સાધુપુરુષના સચ્ચરિત્રમાં તેમ જ દુષ્ટજનોની દુષ્ટતામાં સર્વશક્તિમાન, સદા દેદીપ્યમાન જ્યોતિ તરીકે ઈશ્વરને સંપૂર્ણ પ્રભા સાથે પ્રતિષ્ઠિત કરેલ છે, જે જ્યોતિ સદાકાળ પ્રકાશિત અને નિરંતર વિરાજતી રહે છે.

Total Views: 155
૭. પ્રેમનો ત્રિકોણ
૯. પ્રેમના દૈવી આદર્શનું માનવીય ભાષામાં વર્ણન