જગતના ધર્મોનો અભ્યાસ કરવામાં સામાન્યતઃ બે જાતની પ્રણાલીઓ આપણી નજરે પડે છે. તે પૈકી એક છે ઈશ્વરથી આરંભ કરીને મનુષ્ય સુધી પહોંચવાનીઃ દાખલા તરીકે સેમિટિક જૂથના ધર્મો કે જેમાં ઈશ્વરની કલ્પના લગભગ શરૂઆતથી જ છે. છતાં નવાઈની વાત એ છે કે તેમાં આત્મા વિષે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. પ્રાચીન હિબ્રૂ પ્રજાની નોંધપાત્ર હકીકત એ છે કે તેમના ઇતિહાસના છેક અર્વાચીન સમય સુધી માનવ આત્મા વિશે તેમણે કશો જ વિચાર વિકસાવ્યો નથી. તેમના મત પ્રમાણે માનવી એક પ્રકારના મન અને ભૌતિક પરમાણુઓનો બનેલો છે; બસ, એટલું જ. મૃત્યુની સાથોસાથ બધાંનો અંત આવે. પરંતુ બીજી બાજુએ, આ જ પ્રજાએ ઈશ્વર વિષેનો ભારે અદ્ભુત વિચાર વિકસાવ્યો હતો. આ એક પ્રકારની વિચારસરણી થઈ. બીજી વિચારસરણી માનવમાંથી ઈશ્વરમાં પહોંચવાની છે; એ આર્યોની વિશેષતા છે. જ્યારે પહેલી સેમિટિક પ્રજાઓની વિશિષ્ટતા છે. આર્યોએ પ્રથમ આત્માથી શરૂઆત કરી. ઈશ્વર વિશેના તેમના વિચારો ઝાંખા, અસ્પષ્ટ અને બહુ ચોખ્ખા નહિ તેવા હતા. પરંતુ આત્મા વિશેનો તેમનો વિચાર જેમ વધારે સ્પષ્ટ થતો ગયો તેમ ઈશ્વર વિશેનો વિચાર પણ તેટલા જ પ્રમાણમાં વધારે સ્પષ્ટ થવા લાગ્યો. તેથી વેદોની અંદર શોધનું માધ્યમ હંમેશાં આત્મા જ રહ્યું છે. આર્યોએ ઈશ્વર વિષે મેળવેલું તમામ જ્ઞાન માનવ આત્માના વિચારમાંથી જ મેળવેલું છે. આમ હોવાને લીધે તેમના તત્ત્વજ્ઞાનના સમગ્ર ક્ષેત્ર ઉપર—દિવ્યતાની શોધ ઉપર—અંતર્મુખતાની અસર વિશિષ્ટ પ્રકારે પડેલી છે. આર્ય માનવે હંમશાં દિવ્યતાને પોતાની અંદર શોધવાનો પ્રયત્ન કર્યો છે. સમય જતાં આ તેની સ્વાભાવિક વિશિષ્ટતા બની ગઈ. આ વિશિષ્ટતા તેની કલા તેમ જ અતિ સામાન્ય વ્યવહારમાં પણ દેખાઈ આવે છે. આજે પણ જો આપણે એક ધાર્મિક મનુષ્યનું કોઈ પાશ્ચિમાત્યે દોરેલું ચિત્ર જોઈશું તો ચિત્રકાર તેને હંમેશાં ઊંચી આંખો કરેલો પ્રકૃતિની બહાર ઊંચે આકાશમાં ઈશ્વરને શોધતો બતાવતો હશે; બીજી બાજુએ ભારતમાં ધાર્મિક વલણના પ્રતીક રૂપે માણસને આંખો બંધ કરીને બેઠેલો ચિત્રમાં બતાવવામાં આવે છે. જાણે કે તે કશુંક અંદર જોઈ રહ્યો ન હોય!
માણસના અભ્યાસ માટેના વિષયો આ બે છેઃ બાહ્ય પ્રકૃતિ અને આંતરપ્રકૃતિ. પ્રથમ તો જો કે આ બંને એકબીજાને વિરોધી જણાય છે છતાં સામાન્ય માણસને તો બાહ્ય પ્રકૃતિ, સર્વાંશે આંતરપ્રકૃતિ કે વિચારના જગતની જ બનેલી હોય એમ લાગે છે. દરેક દેશોમાં, ખાસ કરીને પશ્ચિમમાં, મોટા ભાગની ફિલસૂફીઓ એવી માન્યતાથી શરૂઆત કરે છે કે આ બે એટલે કે જડ દ્રવ્ય અને મન, વિરોધી તત્ત્વો છે; પરંતુ આપણે જોઈશું કે અંતે તો તેઓ બંને એકબીજા તરફ ઢળતાં ઢળતાં છેવટે જોડાઈ જઈને એક અનંત અખંડતામાં સમાઈ જાય છે તેથી આ પ્રકારના પૃથક્કરણ દ્વારા હું એમ કહેવા નથી માગતો કે આ વિષયમાં અમુક દૃષ્ટિબિંદુ ઊંચું છે અને અમુક નીચું છે; હું એમ પણ કહેવા નથી માગતો કે જેઓ બાહ્ય પ્રકૃતિ દ્વારા સત્યની શોધ કરવા ઇચ્છે છે તેઓ ખોટા છે, અગર તો એમ પણ નથી કહેતો કે જેઓ આંતરપ્રકૃતિ દ્વારા સત્યને શોધે છે તેઓ વધારે ઊંચા છે. તત્ત્વશોધની આ તો બે પદ્ધતિઓ માત્ર છે અને બંને રહેવી જોઈએ, બંનેનો અભ્યાસ પણ કરવો જોઈએ; અને અંતે આપણે જોઈશું કે એ બંને મળી જાય છે. આપણે જોઈશું કે નથી શરીર મનનું વિરોધી કે નથી મન શરીરનું વિરોધી; જો કે આપણે ઘણા એવા લોકો જોઈએ છીએ કે જેઓ એમ માને છે કે આ શરીર કંઈ જ નથી. જૂના જમાનામાં દરેક દેશમાં એવા પુષ્કળ લોકો હતા, જેઓ માનતા હતા કે આ શરીર ફક્ત રોગરૂપ, પાપરૂપ કે એવું કંઈક છે. છતાંય પાછળથી, આપણે જોઈએ છીએ કે વેદોમાં શીખવવામાં આવ્યું છે તેમ આ શરીર મનમાં મળી જાય છે અને મન શરીરમાં મળી જાય છે.
બધા વેદોમાં જે એકમાત્ર વિષય ઓતપ્રોત થઈ રહ્યો છે તે તમારે બરાબર યાદ રાખવાનો છે. તે એ છે કે ‘જેમ માટીના એક ઢેફાના જ્ઞાનથી આપણને આખી દુનિયાની બધી માટીનું જ્ઞાન થઈ જાય છે, તેમ એવું તત્ત્વ કયું છે કે જેને જાણવાથી બીજું બધું જણાઈ જાય?’ વધુ ઓછી સ્પષ્ટતાથી ભલે વ્યક્ત કરવામાં આવ્યું હોય પણ માનવીના સમગ્ર જ્ઞાનનો વિષય આ જ છેઃ જે એકત્વ તરફ આપણે સહુ જઈ રહ્યા છીએ તેની શોધ. આપણાં જીવનનું પ્રત્યેક કાર્ય—વધુમાં વધુ ભૌતિક, સ્થૂલમાં સ્થૂલ તેમ જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સર્વોચ્ચ, સૌથી વધુ આધ્યાત્મિક—દરેકે દરેક કાર્ય એકસરખી રીતે આ એકત્વની પ્રાપ્તિરૂપ એક જ આદર્શ તરફ જઈ રહ્યું છે. માણસ પ્રથમ એકલો હોય છે; પછી તે લગ્ન કરે છે. ઉપલક દૃષ્ટિએ આ કાર્ય સ્વાર્થી જણાય; પણ તેની પ્રેરણા—તેનું પ્રેરકબળ આ એકત્વપ્રાપ્તિની ઇચ્છા જ છે. તેને બાળકો થાય છે, મિત્રો મળે છે, તે દેશને ચાહે છે, જગતને ચાહે છે અને આમ આખા વિશ્વને ચાહવામાં તેની પરિસમાપ્તિ થાય છે. આ નાનકડા અહંનો નાશ કરીને અને આપણા આત્માને વધુ ને વધુ વિશાળ બનાવીને, એકત્વની શોધમાં રહેલી પૂર્ણતા પ્રત્યે અચૂકપણે આપણે ધકેલાયા જઈએ છીએ. જે અંતિમ ધ્યેય તરફ વિશ્વ ધસી રહ્યું છે, તે ધ્યેય આ જ છે, પ્રત્યેક અણુ પોતાની બાજુના અણુ પાસે જઈ તેમાં સમાઈ જવાના પ્રયાસો કરી રહ્યો છે. અણુઓમાં અણુઓ જોડાઈને મોટા ગોળાઓ, પૃથ્વીઓ, સૂર્યો, ચંદ્રો, તારાઓ અને ગ્રહો બને છે. તેઓ એકબીજા તરફ ધસે છે; અને આપણે જાણીએ છીએ કે આખરે માનસિક તેમ જ ભૌતિક સમગ્ર વિશ્વ જોડાઈને એક બની જાય છે.
જે પ્રક્રિયા સમષ્ટિમાં મોટા પાયા પર ચાલી રહી હોય છે, તે જ પ્રક્રિયા વ્યષ્ટિમાં નાના પાયા પર ચાલી રહી હોય છે, જેવી રીતે આ વિશ્વનું અસ્તિત્વ જુદાઈમાં, અલગતામાં છે અને હરહંમેશ તે ઐકય તરફ, અભેદ પ્રતિ ધસ્યે જાય છે, તેવી જ રીતે આપણી નાની દુનિયામાં પણ દરેક જીવ બાકીની દુનિયામાંથી, જાણે કે વિખૂટો પડી ગયેલો હોય તેવી રીતે જન્મે છે. જીવ જેટલો વધારે અજ્ઞાની, વધારે પ્રકાશહીન, તેટલો પોતે બાકીના વિશ્વથી અલગ છે તેમ વધારે ને વધારે માને છે. માણસ જેમ વધારે અજ્ઞાની તેમ પોતે મરશે કે જન્મ લેશે એવા અલગતાના વિચારો તેનામાં વધારે હોય છે. પણ આપણે જોઈએ છીએ કે જેમ જ્ઞાન આવતું જાય છે, માણસનો વિકાસ થતો જાય છે, નીતિમત્તામાં આગળ વધતો જાય છે, તેમ તેમ અભેદપણાના વિચારની શરૂઆત થાય છે. માણસો પોતે સમજે કે ન સમજે, પરંતુ તેઓ તેમની અંદર રહેલી પેલી નિઃસ્વાર્થ બનવાની વૃત્તિથી જ પ્રેરાતા હોય છે. સમગ્ર નીતિમત્તાનો પાયો એ જ છે. કોઈ પણ ભાષામાં, કોઈ પણ ધર્મમાં કે જગતના કોઈ પણ અવતારના ઉપદેશમાં સર્વ નીતિમત્તાનો પાયો આ જ છે અને આમ કહેવાનો અર્થ અવ્યક્તિત્વનો—વ્યક્તિરહિતતાનો સ્વીકાર; એટલે કે તમે મારા જ અંશ છો અને હું તમારો જ અંશ છું એ ભાવનાનો સ્વીકાર; તમને નુકસાન પહોંચાડવામાં હું મને જ નુકસાન પહોંચાડું છું અને તમને મદદ કરવામાં હું મને પોતાને જ મદદ કરું છું એ ભાવનાનો સ્વીકાર; તમે જીવંત હો ત્યાં સુધી મારે માટે મૃત્યુ શકય જ નથી એ ભાવનાનો સ્વીકાર, કારણ કે જો પેલા કીડાનું જીવવું તે જ મારું જીવવું હોય તો જ્યાં સુધી એક કીડો પણ આ વિશ્વમાં જીવે છે ત્યાં સુધી હું કેવી રીતે મૃત્યુ પામું? સાથોસાથ એ આપણને શીખવશે કે સહાય કર્યા સિવાય આપણે આપણા એક પણ માનવબંધુને છોડી શકીએ નહિ કારણ કે તેના કલ્યાણમાં જ આપણું પણ કલ્યાણ રહેલું છે.
સમગ્ર વેદાંતમાં તેમ જ બીજા બધા ધર્મોમાં, અંદર ઓતપ્રોત થઈને રહેલો વિષય આ જ છે. યાદ રાખો કે ધર્મો પોતાની જાતને સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. પહેલો વિભાગ છે તત્ત્વજ્ઞાન, યાને મૂળ તત્ત્વ એટલે કે ધર્મના મુખ્ય સિદ્ધાંતો. આ સિદ્ધાંતો પુરાણોમાં એટલે કે સંતો, વીરપુરુષો, યક્ષો, દેવો કે દિવ્ય પ્રાણીઓનાં જીવન ચરિત્રોમાં વ્યક્ત થાય છે; આ પુરાણકથાઓની આખી ભાવના શક્તિની છે. આદિકાળની ઊતરતી કોટિની પુરાણકથાઓમાં આ શક્તિની અભિવ્યક્તિ સ્નાયુઓ દ્વારા કરાતી હોય છે; તેમના વીરો બળવાન અને વિરાટકાય હોય છે; વીર એકલો આખા જગત પર વિજય મેળવે છે. માણસ જેમ આગળ વધે તેમ સ્થૂલ શરીર કરતાં વિશેષ ઊંચી રીતે તેની શક્તિની અભિવ્યક્તિ થવાની; તે અનુસાર તેના વીરો પણ કંઈક વધારે ઉચ્ચ કક્ષાએ પોતાનાં પરાક્રમો અભિવ્યક્ત કરતા થાય છે. વધુ ઉચ્ચ કક્ષાના પૌરાણિક વીરપુરુષો પ્રબળ નીતિમાન પુરુષો હોય છે; તેમનું પરાક્રમ નીતિમાન અને પવિત્ર થવામાં વ્યક્ત થાય છે. તેઓ એકાકીપણે ટક્કર ઝીલે છે, તથા સ્વાર્થ અને અનીતિનાં ઘૂઘવતાં પૂરને પાછાં હટાવી શકે છે. બધા ધર્મોનો ત્રીજો વિભાગ કે જેને તમે પૂજાવિધિઓ અને કર્મકાંડ કહો છો તે પ્રતીકોપાસના હોય છે. વીરોનાં ચરિત્રો આદિ પૌરાણિક કથાઓ દ્વારા થતી ધર્મની અભિવ્યક્તિ પણ બધા માટે પૂરતી થતી નથી. કેટલાંક માનસ એથીયે નીચી કોટિનાં હોય છે; બાળકોની પેઠે તેમને ધર્મનું બાલશિક્ષણ જોઈએ જ અને એટલા માટે જેને ઇંદ્રિયો ગ્રહણ કરી શકે અને પકડી તેમ જ સમજી શકે, જેને તેઓ સ્થૂલ પદાર્થો તરીકે જોઈ તથા અનુભવી શકે, તેવી આ પ્રતીકોપાસનાઓ દાખલ થઈ અને આ સ્થૂલ દૃષ્ટાંતોને વિકસાવવામાં આવ્યાં.
આમ, પ્રત્યેક ધર્મમાં, તમે જોશો કે ત્રણ તબક્કાઓ છેઃ તત્ત્વજ્ઞાન, પુરાણ અને કર્મકાંડ. વેદાંતની તરફેણમાં એક સગવડ એ છે કે સદ્ભાગ્યે ભારતમાં આ ત્રણે તબક્કાઓની વ્યાખ્યા બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. બીજા ધર્મોમાં, પૌરાણિક ક્રિયાઓ સાથે સાથે સિદ્ધાંતો એટલા ગૂંચવાઈ ગયા છે કે એકથી બીજાને અલગ કરવાનું અતિશય મુશ્કેલ બને છે. ત્યાં સિદ્ધાંતો દબાઈ જઈને પૌરાણિક કથાઓ સર્વોચ્ચ બનીને ઊભી રહે છે; અને કાળના વહેવા સાથે સિદ્ધાંતો ભૂલી જવાય છે. સિદ્ધાંતોના અર્થો અને સિદ્ધાંતો અંગેનાં દૃષ્ટાંતો ખુદ સિદ્ધાંતોને જ ગળી જાય છે અને લોકો કેવળ અર્થને જ, અવતારને કે ઉપદેશને જ જુએ છે; સિદ્ધાંતોનું નામોનિશાન પણ લગભગ ભૂંસાઈ ગયું હોય છે. એટલી હદ સુધી આ ઘટના પહોંચે છે કે આજે પણ જો કોઈ માણસ ઈશુ ખ્રિસ્તથી અલગ કેવળ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોનો જ ઉપદેશ આપવાની ઘૃષ્ટતા કરે તો લોકો તેના પર તૂટી પડશે; તેઓ એમ માનશે કે આ માણસ જૂઠો છે અને ખ્રિસ્તી ધર્મ ઉપર જ પ્રહારો કરી રહ્યો છે. એ જ રીતે ઈસ્લામ ધર્મના એકલા સિદ્ધાંતોનો જ કોઈ ઉપદેશ આપશે તો મુસલમાનો પણ તેવું જ માની લેશે, કારણ એ છે કે સ્થૂલ વિચારોએ, મહાપુરુષો અને પેગમ્બરોનાં જીવન ચરિત્રોએ, સિદ્ધાંતોને સંપૂર્ણપણે ઢાંકી દીધા છે.
વેદાંતમાં મુખ્ય લાભ એ છે કે એ કોઈ એક જ વ્યક્તિનું કાર્ય નથી; અને તેથી સ્વાભાવિક રીતે જ બૌદ્ધ, ઈસાઈ કે ઇસ્લામ ધર્મની પેઠે અવતારો કે ધર્મોપદેશકો સિદ્ધાંતોને સંપૂર્ણપણે ગળી ગયા નથી કે તેમને ઢાંકી દીધા નથી; સિદ્ધાંતો જ પ્રમુખ રહ્યા છે. વેદાંતને માટે અવતારો તો જાણે કે એક અજાણ્યો ગૌણ વર્ગ બન્યો છે. ઉપનિષદો કોઈ પણ એક અવતાર વિષે બોલતાં નથી; પરંતુ તેઓ જુદા જુદા સ્ત્રી ઋષિઓ કે પુરુષ ઋષિઓનો ઉલ્લેખ કરે છે. પ્રાચીન હિબ્રૂ પ્રજામાં એવો જ કંઈક વિચાર હતો. છતાં આપણે જોઈએ છીએ કે હિબ્રૂ સાહિત્યનો મોટો ભાગ મોઝીસ રોકી લે છે. અલબત્ત, હું એમ કહેવા નથી માગતો કે આ અવતારો પ્રજા પર ધાર્મિક પકડ જમાવે એ ખરાબ છે. પરંતુ સિદ્ધાંતોનું આખું ક્ષેત્ર જ જો વિસારે પડી જાય તો ચોક્કસ એ ઘણું જ હાનિકારક છે. સિદ્ધાંતોની બાબતમાં આપણે ઘણે મોટે અંશે એકમત થઈ શકીએ, પરંતુ વ્યક્તિની બાબતમાં તેટલે અંશે મળતા થઈ શકીએ નહિ. વ્યક્તિઓ આપણી ઊર્મિઓને સ્પર્શ કરે છે જ્યારે સિદ્ધાંતો તેથી વધુ ઉચ્ચ એવી આપણી શાંત વિવેકશક્તિને સ્પર્શ કરે છે. લાંબા ગાળે સિદ્ધાંતોનો જ વિજય થવો જોઈએ, કેમ કે તેમાં જ મનુષ્યોનું મનુષ્યત્વ છે. લાગણીઓ તો ઘણીવાર આપણને નીચે પશુઓની કક્ષા સુધી ખેંચી જાય છે. લાગણીઓને વિચારશક્તિ કરતાં ઇંદ્રિયો સાથે વધારે સંબંધ છે; તેથી જ્યારે સિદ્ધાંતો સાવ ભૂલી જવાય છે અને લાગણીઓ પ્રબળ બને છે ત્યારે ધર્મો પતન પામીને માત્ર ધર્મઝનૂન અને સાંપ્રદાયિકતા બની જાય છે અને ત્યારે તેઓ પક્ષીય રાજકારણ અને એવી બાબતો જેવા જ થઈ જાય છે, ભયંકરમાં ભયંકર અજ્ઞાનભરી માન્યતાઓ સ્વીકારી લેવામાં આવે છે અને આવી માન્યતાઓ પાછળ હજારો લોકો તેમના જાતભાઈઓનાં ગળાં કાપવા તત્પર બને છે. આ કારણસર જ, મહાન વ્યક્તિઓ અને અવતારો જેમ કલ્યાણ માટેની જબ્બર પ્રેરક શક્તિઓ છે, તેમ સાથે સાથે જે સિદ્ધાંતોના તેઓ પ્રતિનિધિઓ છે તે સિદ્ધાંતોના જ ભંગ તરફ તેમનાં ચરિત્રો દોરે ત્યારે તે અત્યંત ભયંકર નીવડે છે. આમાંથી હંમેશાં ધર્મઝનૂન પેદા થયું છે અને જગતને તેણે લોહીમાં તરબોળ કર્યું છે. વેદાંત આ આફતને ટાળી શકે છે, કેમ કે તેનો કોઈ એક જ ખાસ અવતાર નથી. વેદાંતમાં તો કેટલાય મંત્રદ્રષ્ટાઓ છે જેમને ઋષિઓ કહેવામાં આવે છે. ઋષિનો અક્ષરશઃ અનુવાદ ‘દ્રષ્ટા’ થાય છે. દ્રષ્ટા એટલે આ સત્યોનું, આ મંત્રોનું દર્શન કરનારા પુરુષો.
‘મંત્ર’ શબ્દનો અર્થ ‘મનન’ અથવા ‘મન વડે ત્રાણ કરનાર’, એવો થાય છે; અને ઋષિ આ વિચારોનો દ્રષ્ટા છે. આ મંત્રો કોઈ અમુક ખાસ વ્યક્તિઓની માલિકીના નથી કે એકાદ સ્ત્રી કે પરુષનો તેના પર વિશિષ્ટ હક નથી; પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી મહાન હોય; જગતે ઉત્પન્ન કરેલા બુદ્ધ કે ઈશુ જેવા કોઈ મહાન આત્માઓની પણ તે અંગત મિલકત નથી. આ સિદ્ધાંતો જેટલા એકાદ બુદ્ધની માલિકીના છે તેટલા જ એક ક્ષુદ્રમાં ક્ષુદ્ર માનવીની માલિકીના પણ છે; જેટલા એક ઈશુની માલિકીના છે તેટલા જ પેટે ચાલતા કોઈ નાનામાં નાનાં કીટકની પણ માલિકીના છે, કારણ કે તે વિશ્વવ્યાપી સિદ્ધાંતો છે. તેમને કદી ઉત્પન્ન કરવામાં આવ્યા નથી. આ સિદ્ધાંતો અનાદિ કાળથી અસ્તિત્વમાં રહેતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ અનંત કાળ સુધી રહેશે. વિજ્ઞાન આજે શીખવે છે તેવા કોઈ નિયમ અનુસાર તે સર્જાયા નથી. કોઈ વાર તે ઢંકાયેલા રહે છે, તો સમય પર તે ખુલ્લા થાય છે; પરંતુ પ્રકૃતિમાં અનંત કાળથી તે અસ્તિત્વ ધરાવતા જ આવ્યા છે. ન્યૂટન ન જન્મ્યો હોત તોપણ ગુરુત્વાકર્ષણનો નિયમ તો એવો જ રહ્યો હોત અને એવું જ કાર્ય કરત. ન્યૂટનની પ્રતિભાએ તેને શોધી કાઢ્યો, ઘડ્યો અને તેને ચેતનવંતો બનાવ્યો, એટલે કે માનવજાતને એ બાબતમાં સભાન બનાવી. આધ્યાત્મિકતાનાં ભવ્ય સત્યો અને ધર્મના આ સિદ્ધાંતોપણ તેવા જ છે. તેઓ સદાય પ્રવર્તમાન રહ્યા જ હોય છે. વેદો, બાઇબલ અને કુરાન જો અસ્તિત્વમાં જ ન હોત, ઋષિઓ અને અવતારો જો જન્મ્યા જ ન હોત, તોપણ આ નિયમો તો અસ્તિત્વમાં હોત જ; માત્ર તેઓ થોડાક વખત અશરીરી કે અક્ષરદેહ વિનાના રહ્યા હોત. પરંતુ ધીમે ધીમે, છતાં ચોક્કસપણે માનવજાતને ઊંચી લાવવા અને માનવ સ્વભાવને ઉન્નત બનાવવા તેઓ કાર્યરત રહેત. જેઓ તેમને જોઈ શકે છે, શોધી કાઢે છે તેઓ અવતારો છે અને આવા અવતારો જ આધ્યાત્મિક ક્ષેત્રમાં સંશોધકો કહેવાય છે. જેમ ન્યૂટન અને ગેલીલિયો પદાર્થ વિજ્ઞાનના અવતારો હતા, તેમજ આવા લોકો આધ્યાત્મિક બાબતોમાં અવતારો છે. આ નિયમોમાંના એકેય ઉપર માલિકીપણાનો દાવો તેઓ કરી શકે નહિ; સમસ્ત પ્રકૃતિની તે સહિયારી મિલકત છે.
હિંદુઓ કહે છે તેમ વેદો નિત્ય છે. હવે આપણે સમજીએ છીએ કે તેમને નિત્ય કહેવાનો શો અર્થ છે. જેમ આ પ્રકૃતિને આદિ કે અંત નથી તેમ આ નિયમોને પણ આદિ કે અંત નથી. એક પછી એક પૃથ્વી, એક પછી એક સૂર્યમંડળ ઉત્પન્ન થશે, થોડાક સમય ચાલ્યા કરશે અને છેવટે અવ્યક્તમાં લીન થઈ જશે; પરંતુ વિશ્વ તો એનું એ જ રહેશે. લાખો ને કરોડો તારામંડળો અસ્તિત્વમાં આવે છે, ને લાખો લય પામી જાય છે. વિશ્વ તો એનું એ જ રહે છે. અમુક ચોક્કસ ગ્રહની બાબતમાં તેના કાળનો આદિ કે અંત કહી શકાય; પરંતુ સમગ્ર વિશ્વની બાબતમાં કાળનો કંઈ અર્થ જ નથી. તે જ પ્રમાણે પ્રકૃતિના ભૌતિક, માનસિક તથા આધ્યાત્મિક નિયમો અંગે પણ છે. તે બધા અનાદિ અને અનંત છે; મનુષ્યે તેમને પ્રગટ કર્યાનો પ્રયત્ન કર્યાને થોડાં જ વર્ષો, બહુમાં બહુ તો થોડાંક હજાર વર્ષો જ થયાં છે; અનંત રાશિ હજુ આપણી સમક્ષ બાકી પડ્યો છે. તેથી, આરંભમાં જ, વેદોમાંથી એક મોટો પાઠ શીખવાનો એ મળે છે કે ધર્મની હજુ તો માત્ર શરૂઆત જ થઈ છે. આધ્યાત્મિક સત્યોનો અનંત સાગર તો હજુ આપણી સમક્ષ અજ્ઞાત પડ્યો છે. તે બાબતમાં હજી કાર્ય કરવાનું છે, તેનું સંશોધન કરવાનું છે અને આપણાં જીવનમાં તેને ઉતારવાનાં છે. હજારો અવતારો દુનિયાએ જોયા છે અને હજુ લાખો તેને જોવાના છે.
પ્રાચીન કાળમાં એવો સમય હતો કે પ્રત્યેક સમાજમાં ઘણા અવતારી પુરુષો હતા; અને એવો સમય આવવાનો છે કે દુનિયાના દરેક શહેરમાં અને શેરીએ શેરીએ અવતારી પુરુષો ફરતા હશે. પ્રાચીન કાળમાં સમાજના નિયમો અનુસાર જાણે કે અમુક વિશિષ્ટ વ્યક્તિઓને અવતારી પુરુષ તરીકે પસંદ કરાતા; હવે એવો સમય આવી રહ્યો છે કે જ્યારે આપણે સમજીશું કે ધાર્મિક બનવું એટલે અવતારી પુરુષ બનવું; અવતારી ન બને ત્યાં સુધી કોઈ પણ સ્ત્રી કે પુરુષ ધાર્મિક ન બની શકે. આપણને સમજાશે કે ધર્મનું રહસ્ય માત્ર આ બધા સિદ્ધાંતોનો વિચાર કરવામાં અને તેમને બોલી બતાવવામાં જ નથી, પણ વેદો શીખવે છે તેમ તેમની અનુભૂતિ કરવામાં છે, અગાઉ અનુભૂતિમાં આવ્યા હોય તેથી વધારે નવા ને વધારે ઉચ્ચ સિદ્ધાંતોની અનુભૂતિમાં છે, તેમનું સંશોધન કરવામાં અને તેમને સમાજમાં લાવવામાં છે; તેમ જ ધર્મનો અભ્યાસ અવતાર બનાવવાના શિક્ષણરૂપ હોવો જોઈએ. શાળાઓ અને વિશ્વવિદ્યાલયો અવતારોનાં શિક્ષણ કેન્દ્રો હોવાં જોઈએ. આખું વિશ્વ અવતારોમય હોવું જોઈએ. માણસ જ્યાં સુધી અવતારી પુરુષ ન બને ત્યાં સુધી તેને માટે ધર્મ મશ્કરીરૂપ અને કહેવતરૂપ બની રહે છે. આપણે જે અર્થમાં આ દીવાલને જોઈએ છીએ તેથી હજાર ગણા વધુ ઊંડા અર્થમાં આપણે ધર્મને જોવો જોઈએ, તેનો અનુભવ અને સાક્ષાત્કાર કરવો જોઈએ.
પરંતુ ધર્મનાં આ બધાં વિવિધ સ્વરૂપોના પાયા નીચે એક સિદ્ધાંત હંમેશાં રહેલો હોય છે કે જેનું સ્વરૂપ આપણે માટે અગાઉથી જ દોરી આપવામાં આવ્યું છે. જ્યાં ઐકયની પ્રાપ્તિ થાય ત્યાં દરેક શાસ્ત્રે અટકવું જોઈએ, કેમ કે તેથી આગળ આપણે જઈ શકીએ નહિ. સંપૂર્ણ ઐકય પ્રાપ્ત કર્યા પછી કોઈ વિજ્ઞાનને કશા જ વધારે સિદ્ધાંતો શીખવવાના બાકી રહેતા નથી. ધર્મોએ જે કામ કરવાનું છે તે માત્ર વિગતો નક્કી કરવાનું છે. કોઈ પણ વિજ્ઞાન, દાખલા તરીકે રસાયણશાસ્ત્ર લો. ધારો કે આપણે એક એવું મૂળતત્ત્વ શોધી કાઢીએ કે જેમાંથી બીજા બધાં તત્ત્વો બનાવી શકીએ. એમ બનતાં રસાયણશાસ્ત્ર વિજ્ઞાન તરીકે પૂર્ણત્વને પામ્યું ગણાય. પછી તો એ એક મૂળતત્ત્વનાં નવાં નવાં સંયોજન શોધવાનું અને જીવનની વિવિધ જરૂરિયાતો માટે એ સંયોજનોને ઉપયોગમાં લેવાનું એક જ કામ આપણે માટે બાકી રહે છે. ધર્મનું પણ આવું જ છે. ધર્મના મહાન સિદ્ધાંતો, તેમનું ક્ષેત્ર અને તેની યોજના તો અગાઉથી યુગો પહેલાં જ શોધાઈ ગયાં હતાં; તે વેળા મનુષ્યે વેદના અંત રૂપ અંતિમ શબ્દો – सोऽहम् ‘હું તે છું’ શોધી કાઢ્યા. તેણે શોધી કાઢ્યું કે જડ દ્રવ્ય અને મનનું બનેલું આ આખું વિશ્વ અંતે ઐકય પ્રાપ્ત કરે છે; પછી તે ઐકયને તમે ઈશ્વર, બ્રહ્મ, અલ્લાહ, જેહોવાહ કે બીજા ગમે તે નામે સંબોધો. આપણે આથી આગળ ન જઈ શકીએ. આ ભવ્ય સિદ્ધાંત આપણે માટે અગાઉથી જ આલેખી રખાયો છે. આપણું કામ હવે તેમાં વિગતો પૂરવાનું, તેને અમલમાં મૂકવાનું અને આપણા જીવનની પ્રત્યેક બાબતમાં તેને લાગુ કરવાનું છે. આપણે હવે કાર્યમાં મંડી પડવાનું છે, જેથી દરેક માણસ અવતારી વ્યક્તિ બને. આપણી સમક્ષ આ મહાન કાર્ય પડેલું છે.
પ્રાચીન કાળમાં અવતારોનો અર્થ શું એ ઘણા લોકો સમજતા નહિ. તેઓ ધારતા કે દૈવયોગે અથવા ઇચ્છાશક્તિના હુકમથી કે કોઈક ઉચ્ચ કોટિની પ્રતિભાથી માણસને પરા વિદ્યા પ્રાપ્ત થતી; અત્યારના કાળમાં આપણે એ સાબિત કરવા તૈયાર છીએ કે આવું જ્ઞાન તો પ્રત્યેક વ્યક્તિનો જન્મસિદ્ધ હક્ક છે, પછી તે વ્યક્તિ ગમે તે હોય અને ગમે ત્યાં હોય. આ વિશ્વમાં દૈવયોગે કંઈક મળ્યું છે એમ આપણે ધારીએ છીએ, તે વ્યક્તિ ખરું જોતાં તેના માટે ધીમે ધીમે પણ દૃઢતાપૂર્વક યુગોથી મહેનત કરી રહી હોય છે. એટલે આપણા માટે આખો પ્રશ્ન આવું સ્વરૂપ ધારણ કરે છેઃ ‘આપણે અવતાર બનવા ઇચ્છીએ છીએ?’ આપણી ઇચ્છા હશે તો આપણે જરૂર તે થઈશું.
અવતારો તૈયાર કરવાનું આ મહાન કાર્ય આપણી સમક્ષ પડ્યું છે; અને જાણ્યે કે અજાણ્યે ધર્મની પ્રત્યેક મુખ્ય પ્રણાલીઓ આ એક જ મહાન આદર્શ માટે કાર્ય કરી રહી હોય છે. તફાવત એટલો જ છે કે કેટલાક ધર્મોમાં તમે એક કહેવાતું જોશો કે આત્માનું પ્રત્યક્ષ દર્શન આ જીવનમાં નહિ થાય; તેને માટે પ્રથમ માણસે મરવું જ જોઈએ. મૃત્યુ પછી પરલોકમાં એક એવો સમય આવશે કે જ્યારે તેને આત્માનું દર્શન થશે. જ્યારે તેને વસ્તુઓનો સાક્ષાત્કાર થશે; અત્યારે તો તેણે આ બધું માની લેવું જોઈએ. આવાં વિધાન કરનાર બધા લોકોને વેદાંત પૂછશેઃ ‘તો પછી આત્માનું અસ્તિત્વ છે તે તમે કેવી રીતે જાણો છો?’ ત્યારે તેમને જવાબ આપવો પડશે કે હંમેશાં જગતમાં એવી કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ થઈ જ હોવી જોઈએ કે જેમને આ જીવનમાં જ અજ્ઞાત અને અજ્ઞેય એવાં તત્ત્વોની ઝાંખી થઈ હોય.
આમ માનવામાં પણ એક મુશ્કેલી ઊભી થાય છે. જો એ લોકોને કેવળ દૈવયોગે જ આવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ હોય, તો તેમને માનવાની આપણને કંઈ જ જરૂર નથી. દૈવવશાત્ બનેલી ઘટનામાં માનવું એ તો પાપ ગણાય, કારણ કે આપણે તેને જાણી શકતા નથી. જ્ઞાનનો અર્થ શો? વિશિષ્ટતાનો નાશ. ધારો કે એક છોકરો એક શેરીમાં કે પશુસંગ્રહસ્થાનમાં જાય છે અને ત્યાં એક વિચિત્ર આકારના પ્રાણીને જુએ છે; તે શું છે તેની તેને ખબર નથી પડતી. પણ પછી તે એવા દેશમાં જાય છે, જ્યાં આવાં સેંકડો પ્રાણીઓ હોય છે અને એ જોઈ આ કઈ જાતનું પ્રાણી છે તે સમજી જાય છે અને તેથી તેને સંતોષ થાય છે. નિયમને જાણવો એનું નામ જ્ઞાન; નિયમ સાથેના સંબંધ વિનાની કોઈ વિશિષ્ટ વસ્તુને જોવી એટલે અજ્ઞાન. જ્યારે આપણે નિયમની સાથેના કોઈ સંબંધ વિનાના, નિયમથી વેગળા, એક કે વધારે છૂટાછવાયા કિસ્સાઓ જોઈએ છીએ ત્યારે આપણે અંધારામાં હોઈએ છીએ અને તે વસ્તુ વિશે કાંઈ જાણતા નથી હોતા. હવે આ લોકો કહે છે તેમ અવતારો જો વિશિષ્ટ વ્યક્તિઓ જ હોય કે જેમને એકલાને જ દુનિયાથી પર રહેલ અનંતની ઝાંખી કરવાનો હક હોય અને બીજા કોઈને એવો હક્ક ન હોય તો આપણે એવા અવતારોમાં માનવું જોઈએ નહિ, કારણ કે તેઓ નિયમોની સાથે કશા સંબંધ વિનાના વિશિષ્ટ કિસ્સાઓ છે, જો આપણે પોતે જ અવતાર બની શકીએ તો જ આપણે અવતારમાં માની શકીએ.
દરિયાઈ સર્પ વિશે કેટલીય રમૂજી વાતો છાપાંમાં આવે છે, તે તમે સહુ સાંભળો છો. આમ શા માટે બને છે? કારણ કે થોડા માણસો ઘણે લાંબે સમયે આવીને દરિયાઈ સર્પ વિશે પોતાની વાતો કરે છે; અને બીજા કોઈ લોકોએ એ સર્પને કદી જોયો જ નથી હોતો. આ હકીકત સરખાવવા માટે એ લોકો પાસે કોઈ સામાન્ય નિયમ નથી હોતો, તેથી દુનિયા તેમાં માનતી નથી. કોઈ માણસ મારી પાસે આવીને કહે છે કે એક ફિરસ્તો હવામાં અદૃશ્ય થઈ ગયો અને આકાશમાં ચાલ્યો ગયો, તો મને પણ તે જોવાનો હક છે. હું તેને પૂછુંઃ ‘તારા પિતાએ કે તારા દાદાએ તેને જોયો છે?’ તો તે કહે છેઃ ‘ના, ના; પણ પાંચ હજાર વર્ષ પહેલાં આવું બનેલું ખરું.’ અને ખૂબી તો એ છે કે જો હું એમાં ન માનું તો મારે અનંત કાળ સુધી નર્કાગ્નિમાં શેકાવું પડે!
ઓહ! આ તે કેવું ખોટું વહેમનું જાળું ગણાય! પરિણામ એવું આવે છે કે માણસ પોતાના દિવ્ય સ્વરૂપમાંથી પશુની કક્ષાએ ઊતરી પડે છે. જો બધું માની લેવાનું હોય તો આપણને બુદ્ધિ શા માટે આપવામાં આવી છે? બુદ્ધિ વિરુદ્ધનું કંઈ માનવું તે જ શું ઈશ્વરની ભયંકર નિંદા નથી? ઈશ્વરે આપણને આપેલી મહાનમાં મહાન બક્ષિસનો ઉપયોગ ન કરવાનો આપણને શો અધિકાર છે? મને ખાતરી છે કે જે માણસ ઈશ્વરે બક્ષેલી શક્તિનો ઉપયોગ કરવાને બદલે અંધશ્રદ્ધાથી માની જ લે છે, તેના કરતાં જે માણસ બુદ્ધિનો ઉપયોગ કરીને અમુક વિષયને માને નહિ, તો જરૂર ઈશ્વર તેને ક્ષમા કરશે. પેલો માની લેનારો માણસ પોતાની પ્રકૃતિને ઉતારી પાડે છે, પશુઓની કક્ષાએ પહોંચે છે, પોતાની ઇંદ્રિયોનું અધઃપતન આણે છે અને છેવટે મૃત્યુ પામે છે. આપણે તર્કનો, બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ; દરેક દેશના પ્રાચીન ગ્રંથો જેમનો ઉલ્લેખ કરે છે તે અવતારો અને મહાપુરુષોની સત્યતા જ્યારે તર્કથી પુરવાર થાય ત્યારે જ આપણે તેઓમાં માનીશું. આપણી વચ્ચે આવા અવતારો જોઈશું ત્યારે આપણે તેમનામાં માનીશું. ત્યારે આપણને લાગશે કે તેઓ વિશિષ્ટ પ્રકારના માણસો ન હતા, પરંતુ કેટલાક નિયમોના માત્ર દૃષ્ટાંતરૂપ જ હતા. તેમણે કાર્ય કર્યું અને એ નિયમ આપોઆપ સ્વાભાવિક રીતે જ વ્યક્ત થયો; આપણે પણ, આપણામાં રહેલા તે નિયમોને વ્યક્ત કરવા કાર્ય કરવું જ પડશે. આપણે અવતાર થઈશું ત્યારે જ માનીશું કે તેઓ પણ અવતાર હતા. તેઓ દિવ્ય તત્ત્વોના દ્રષ્ટા હતા; ઇંદ્રિયોની સીમાની પેલે પાર જઈને તેઓ પરમતત્ત્વની ઝાંખી મેળવી શકયા. આપણે પોતે જ્યારે એ પ્રમાણે કરી શકીશું ત્યારે જ તેમાં માનીશું, તે પહેલાં નહિ.
વેદાંતનો આ એકમાત્ર સિદ્ધાંત છે. વેદાંત કહે છે કે ધર્મ અહીં અને અત્યારે જ છે, કારણ કે આ જિંદગી કે તે પછીની જિંદગી, જીવન કે મૃત્યુ, આલોક કે પરલોક વગેરે પ્રશ્નો માત્ર વહેમ અને પૂર્વગ્રહ જ છે. કાળમાં ભાગલા આપણે જ પાડીએ છીએ, તે સિવાય કાળમાં કોઈ વિભાગ નથી. પ્રકૃતિમાં આપણે જે કેટલાક ફેરફાર કરીએ છીએ, તે સિવાય દસ વાગવાના અને બાર વાગવાના સમયમાં શો તફાવત છે? સમય તો એનો એ જ વહ્યો જાય છે. અર્થાત્ આ જીવન કે પછીના જીવનનો શો અર્થ છે? સવાલ માત્ર સમયનો જ છે અને સમયની ખોટ કાર્યની ઝડપથી પૂરી દઈ શકાય. તેથી વેદાંત કહે છે કે ધર્મની અનુભૂતિ અત્યારે જ કરવાની છે અને તમારે ધાર્મિક બનવાનો અર્થ એ છે કે તમે ધર્મ વિનાની સ્થિતિમાંથી શરૂઆત કરો, આગળ વધતા જાઓ, વસ્તુની અનુભૂતિ કરો, વસ્તુનો જાતે જ અનુભવ કરો અને આટલું કર્યા પછી અને પછી જ તમે ધર્મને પ્રાપ્ત કરી શકો. તે પહેલાં તમે નાસ્તિકથી જરાયે સારા નથી; ઊલટા તેનાથી ઊતરતા છો, કેમ કે નાસ્તિક તો નિખાલસ હોય છે; તે તો જાહેર કરી દે છે કે ‘હું આ બધી બાબતો વિશે કશું જાણતો નથી’, જ્યારે બીજા લોકો તો જાણતા નથી છતાં દુનિયાને કહેતા ફરે છે કે ‘અમે બહુ ધાર્મિક છીએ.’ તેઓ કયો ધર્મ માને છે તે કોઈ જાણતું નથી, કારણ કે દાદીમાની એકાદ કથા તેમણે ગળે ઉતારી લીધી હોય છે અને ધર્મગુરુઓએ તેમને કહ્યું હોય છે કે આ બધું માનવાનું છે; નહિ માનો તો યાદ રાખજો કે મૂઆ પડ્યા છો! બધું આમ જ ચાલ્યા કરે છે.
અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે. આપણામાંના પ્રત્યેક માણસે તે શોધવો પડશે. તો પછી આ બધા ગ્રંથો, જગતનાં બધાં બાઇબલો શા કામનાં છે? જેમ દેશના નકશા કામના છે, તેમ આ ગ્રંથો પણ ઘણા ઉપયોગી છે. અહીં આવતાં પહેલાં મેં ઇંગ્લેન્ડના નકશા આખી જિંદગી સુધી જોયેલા અને ઇંગ્લેન્ડ વિશે કંઈક ખ્યાલ બાંધવામાં તે મને ખૂબ ઉપયોગી થયા. પણ આ દેશમાં આવી પહોંચ્યા પછી તે નકશા અને ખુદ દેશ વચ્ચે કેટલો બધો તફાવત દેખાયો! ધર્મશાસ્ત્રો અને સાક્ષાત્કાર વચ્ચે પણ આવો જ તફાવત છે. આ ગ્રંથો તો ફક્ત નકશાઓ છે, અગાઉ થઈ ગયેલા માણસોના તે અનુભવો છે; અને તેમનાથી વધારે સારો નહિ તો છેવટે તેમના જેવો જ માર્ગ શોધી કાઢવાનું અને તેવો જ અનુભવ કરવાની હિંમત આપનારું પ્રેરક બળ છે.
વેદાંતનો આ પહેલો સિદ્ધાંત છે કે અનુભૂતિ એ જ ધર્મ છે અને જે અનુભૂતિ કરે તે જ ધાર્મિક માણસ છે. જે માણસ એમ કહે કે ‘હું નથી જાણતો’ તેના કરતાં, જેણે અનુભૂતિ કરેલ નથી તે કદાચ વધારે ખરાબ ન હોય તોપણ વધારે સારો નથી, કારણ કે ‘હું નથી જાણતો’ એમ કહેનારો બીજો માણસ સાચા અંતરનો છે. વળી આ અનુભૂતિ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રો માત્ર માર્ગદર્શક તરીકે નહિ પરંતુ ઉપદેશ આપનાર અને સાધના કરાવનાર તરીકે પણ ખૂબ સહાયક નીવડશે. આનું કારણ એ છે કે હરેક પ્રકારના વિજ્ઞાનને તેની પોતાની આગવી સંશોધનપદ્ધતિ હોય છે. આ દુનિયામાં તમને એવા ઘણા લોકો મળશે કે જેઓ કહેશેઃ ‘ધાર્મિક બનવાની મારી ઘણી ઇચ્છા હતી, આ બાબતોનો અનુભવ લેવાની મારી ખ્વાએશ હતી, પણ હું તેમાં સફળ થયો નથી, તેથી હું તો કશામાં માનતો નથી.’ શિક્ષિત વર્ગમાં પણ આવું કહેનારા લોકો તમને મળશે. તમને એવા સંખ્યાબંધ લોકો કહેશે કે ‘મેં આખી જિંદગી સુધી ધાર્મિક બનવાનો પ્રયત્ન કર્યો છે પણ તેમાં કંઈ જ નથી.’ વળી સાથોસાથ આવું પણ જોઈ શકશોઃ ધારો કે એક માણસ આવીને તમને કહે કે હું રસાયણશાસ્ત્રી છું, એક મહાન વૈજ્ઞાનિક છું. હવે જો તમે તેને કહો કે ‘રસાયણશાસ્ત્રમાં હું જરા પણ માનતો નથી, કારણ કે મેં આખી જિંદગી રસાયણશાસ્ત્રી થવા પ્રયત્ન કર્યો છે અને તેમાં કંઈ નથી એમ મને લાગ્યું છે.’ તો તમને તે પૂછશેઃ ‘પણ તમે કયારે પ્રયત્ન કર્યો?’ તમારે એને જવાબ આપવાનો રહેશે કે ‘હું રાત્રે સૂવા જતો ત્યારે હું હંમેશાં બોલતોઃ ‘હે રસાયણશાસ્ત્ર! મારી પાસે આવ, મારી પાસે આવ!’ પણ તે કદી આવ્યું નહિ.’ પેલી બાબત પણ આના જેવી છે. રસાયણશાસ્ત્રી તમારી સામે હસીને કહેશેઃ ‘ભલા માણસ! તમારો એ રસ્તો સાચો નથી. તમારે તો પ્રયોગશાળામાં જઈને બધા તેજાબો અને ક્ષારતત્ત્વો એકઠાં કરીને અવારનવાર હાથ દાઝે તેવા પ્રયોગો કરવા જોઈતા હતા. શા માટે આમ ન કર્યું? તેમ કર્યું હોત તો જ તમે શીખી શકત.’ શું તમે ધર્મ માટે આટલી મહેનત લો છો? પ્રત્યેક વિજ્ઞાન શીખવા માટે તેની પોતાની આગવી પદ્ધતિ હોય છે. ધર્મ પણ એ રીતે જ શીખવાનો છે. તેની પણ પોતાની પદ્ધતિઓ છે. દુનિયાના બધા પ્રાચીન પયગંબરો પાસેથી, જેણે જેણે કંઈક મેળવ્યું છે, જેણે જેણે ધર્મનો સાક્ષાત્કાર કર્યો છે, તે બધાની પાસેથી આપણે કંઈક શીખી શકીએ તેવું અને શીખવું જોઈએ તેવું, અહીં છે. તેઓ આપણને ખાસ પદ્ધતિઓ શીખવશે; એ દ્વારા જ આપણે ધર્મનાં સત્યોનો સાક્ષાત્કાર કરવાને શક્તિમાન થઈશું. જિંદગી આખી તેમણે જહેમત ઉઠાવી, પોતાના મનને અમુક અવસ્થામાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવની અવસ્થામાં લઈ જઈને મનને કેળવવાની વિશિષ્ટ પદ્ધતિઓ શોધી કાઢી અને તે દ્વારા તેમણે ધર્મનાં સત્યોનો સાક્ષાત્કાર કર્યો. ધાર્મિક બનવા માટે કે ધર્મનો સાક્ષાત્કાર કરવા માટે, તેનો અનુભવ કરવા માટે, પયગંબર થવા માટે, આપણે આ પદ્ધતિઓ અપનાવીને તેનું આચરણ કરીએ. આ બધું કરવા છતાં જો કાંઈ ન મળે તો જ આપણને કહેવાનો અધિકાર મળે છે કે ‘ધર્મમાં કશું નથી, કેમ કે મેં પ્રયત્ન કર્યા છે અને નિષ્ફળતા મળી છે.’
બધા ધર્મોની આ વ્યવહારુ બાજુ છે. જગતના પ્રત્યેક ધર્મગ્રંથમાં તે જોવા મળશે. મહાપુરુષો નિયમો અને સિદ્ધાંતો શીખવે છે એટલું જ નહિ, પરંતુ તેમના જીવનમાં તમને સાધનાઓ પણ જોવા મળે છે; આચરણને એક નિયમ તરીકે ખાસ લખ્યું ન હોવા છતાં આ અવતારોના જીવનમાં તમે હંમેશાં જોશો કે તેઓ કેટલીક વાર પોતાનાં ખાનપાન પર પણ નિયમન લાવતા. તેમની આખી જીવનપ્રણાલી, તેમની સાધના, તેમની કાર્યપદ્ધતિ, તેમની દરેક બાબત તેમની આસપાસની સામાન્ય જનતાથી તદ્દન નિરાળી હતી અને તેમને મળેલો દિવ્ય પ્રકાશ, તેમને થયેલું ઈશ્વરનું દર્શન કરાવનારાં કારણો પણ આ જ હતાં. આપણે પણ જો આ સાક્ષાત્કાર કરવો હોય તો આ કાર્યપદ્ધતિ અપનાવવા તૈયાર થવું જોઈએ. આપણને એ અવસ્થાએ પહોંચાડનાર છે સાધના અને કાર્ય. તેથી વેદાંતની યોજના એવી છે કે પહેલાં સિદ્ધાંતો નક્કી કરવા, આપણે માટે ધ્યેય નક્કી કરી નાખવું અને ત્યાર પછી ધ્યેયે પહોંચવાની—ધર્મને સમજવાની તથા તેની અનુભૂતિ કરવાની પદ્ધતિ શીખવવી.
વળી આ પદ્ધતિઓ પણ વિવિધ હોવી જરૂરી છે. સ્વભાવમાં આપણે સહુ એટલા બધા ભિન્ન છીએ કે એ જોતાં કોઈ બે વ્યક્તિઓને એક જ પદ્ધતિ સમાન રીતે ભાગ્યે જ લાગુ પાડી શકાય. આપણું દરેકનું મન વિલક્ષણતાઓથી ભરેલું છે, તેથી દરેક માણસ માટેની પદ્ધતિઓ અલગ અલગ હોવી જોઈએ. તમે જોશો કે કેટલાક લોકો સ્વભાવે જ ઘણા લાગણીપ્રધાન હોય છે, તો કેટલાક બહુ તર્કવાદી અને ફિલસૂફ-વૃત્તિના હોય છે; વળી કેટલાક બધી જાતની કર્મકાંડની ક્રિયાઓને વળગી રહે છે કે જેમને સ્થૂળ વસ્તુ જ જોઈએ. તમને જણાશે કે એક માણસ કોઈ પણ પ્રકારનાં કર્મકાંડ કે મૂર્તિ કે એ જાતના કશાની પરવા કરતો નથી, તે બધાં તેને મોત જેવાં લાગે છે, જ્યારે બીજો માણસ આ પ્રતીકોનો એટલો તો શોખીન હોય છે કે તે પોતાના આખા શરીર પર અનેક તાવીજોનો બોજો ઉપાડ્યા કરતો હોય છે! વળી ત્રીજો કોઈ સ્વભાવે લાગણીશીલ હોય તે સહુ કોઈની સેવા કરવા ઇચ્છે છે; તેને રડવું આવી જાય છે, અંતરમાં પ્રેમ ઊભરાય છે વગેરે વગેરે. આ બધાને માટે અવશ્ય, એક જ પદ્ધતિ ન જ હોઈ શકે. સત્યની પ્રાપ્તિ માટેની જો એક જ રીત હોત, તો એ રીતે જેમનું બંધારણ ઘડાયું ન હોય તેવા દરેકનું મોત જ થઈ જાય. તેથી પદ્ધતિઓ વિવિધ હોવી જરૂરી છે. વેદાંત આ વાત સમજે છે અને જેમના દ્વારા કાર્ય થઈ શકે તેવી ભિન્ન ભિન્ન રીતોને તે જગત સમક્ષ મૂકે છે. તમને ગમે તે એક સ્વીકારો; અને એક અનુકૂળ ન પડે તો બીજી અનુકૂળ પડશે જ. આ દૃષ્ટિબિન્દુથી આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને ગમતા એક જ ધર્મ અને એક જ પયગંબરની પદ્ધતિ હોવા કરતાં, આ દુનિયામાં આટલા બધા ધર્મો છે તે કેટલું મંગલમય છે, આટલા બધા ઉપદેશકો અને અવતારો છે તે કેટલું કલ્યાણકારી છે! મુસલમાનો ઇચ્છે છે કે આખી દુનિયા મુસ્લિમ બની જાય; ખ્રિસ્તીઓ ઇચ્છે કે સહુ ખ્રિસ્તી બને અને બૌદ્ધો ઇચ્છે છે કે બધા બૌદ્ધધર્મી બને. જ્યારે વેદાંત તો કહે છે કે ‘તમારી મરજી હોય તો જગતની એકેએક વ્યક્તિ ભલે અલગ અલગ રહે; એક સિદ્ધાંત, એકત્વ તો તેની પાછળ રહેશે જ. જેટલા વધારે પયગંબરો, જેટલા વધારે ધર્મગ્રંથો, જેટલા વધારે ઋષિઓ અને જેટલી વધારે પદ્ધતિઓ તેટલું દુનિયા માટે વધારે કલ્યાણમય હશે.’ સામાજિક જીવનમાં પણ જેટલા વધારે ધંધા તેટલું તે સમાજ માટે વધારે સારું; તેથી સમાજમાં પ્રત્યેક વ્યક્તિ માટે નિર્વાહની વધારે તક રહે છે. તે જ પ્રમાણે વિચારના અને ધર્મના જગતમાં પણ છે. વિજ્ઞાનના આજે આટલા બધા વિભાગો છે તે આપણે માટે કેટલું સારું છે! આપણી સમક્ષ આટલું વિષય વૈવિધ્ય હોવાથી વિશાળ માનસિક વિકાસની દરેકને માટે કેટલી વધારે શકયતા છે! ભૌતિક ભૂમિકાએ પણ આટલી વિવિધ વસ્તુઓ આપણી પાસે પથરાયેલી હોવાથી આપણે માટે તે કેટલું બધું સારું છે! તે જ કારણે આપણે આપણને ગમે તે અને સંપૂર્ણપણે અનુકૂળ આવે તે એક વસ્તુ પસંદ કરી શકીએ છીએ. ધર્મના ક્ષેત્રમાં પણ એવું જ છે. ઈશ્વરની મોટામાં મોટી અને મહિમાપૂર્ણ રચના એ છે કે જગતમાં આટલા બધા ધર્મો છે; અને હું તો ઈશ્વર પાસે માગું કે આ ધર્મો રોજ રોજ વધતા રહે—એટલે સુધી કે દરેક વ્યક્તિ દીઠ એક એક સ્વતંત્ર ધર્મ હોય!
વેદાંત એ સમજે છે; તેથી એક જ સિદ્ધાંતનો ઉપદેશ આપવા છતાં વિવિધ પદ્ધતિઓ સ્વીકારે છે. તમે ખ્રિસ્તી હો કે બૌદ્ધ, યહૂદી હો કે હિંદુ, ગમે તે પુરાણમાં તમે માનતા હો, તમે નાઝરથના પયગંબરના અનુયાયી હો કે મક્કાના હો, ભારતના હો કે બીજા ગમે ત્યાંના, અગર તમે પોતે જ એક પયગંબર હો, તેમાં વેદાંતને તમારા વિરુદ્ધ કંઈ જ કહેવાનું નથી. તે તો માત્ર સિદ્ધાંતનો જ ઉપદેશ આપે છે. તે સિદ્ધાંત પ્રત્યેક ધર્મની પશ્ચાદ્ભૂમિકા છે. બધા પયગંબરો, સંતો અને ઋષિઓ એ સિદ્ધાંતનાં દૃષ્ટાંતો અને પ્રગટ સ્વરૂપો માત્ર છે. તમને ગમે તો પયગંબરોને તમે અનેકગણા ભલે વધારો; વેદાંતને તેમાં કંઈ વાંધો નથી. તે તો માત્ર સિદ્ધાંતનો જ ઉપદેશ આપે છે; કઈ પદ્ધતિને અનુસરવી તે એ તમારા પર છોડે છે. તમને ગમે તે માર્ગ સ્વીકારો, તમને ગમે તે ધર્મગુરુને અનુસરો. માત્ર જે પદ્ધતિ તમારા સ્વભાવને અનુકૂળ હોય તે જ ગ્રહણ કરજો કે જેથી તમે ચોક્કસપણે પ્રગતિ સાધી શકો.

