૨. વિશ્વધર્મનો આદર્શ

(જાન્યુઆરી ૧૨, ૧૮૯૬)

જુદા જુદા પ્રકારનાં માનસને અને પદ્ધતિઓને તેણે કેવી રીતે આવરી લેવાં જોઈએ.

જ્યાં જ્યાં આપણી ઇંદ્રિયો પહોંચી શકે છે, અગર આપણાં મન જે જે કાંઈ કલ્પના કરે છે, તેમાં દરેકમાં આપણે જોઈશું કે બે શક્તિઓના આઘાત પ્રત્યાઘાત થાય છે; એક, બીજીનો વિરોધ કરે છે, પરિણામે આપણી આજુબાજુ ચાલી રહેલી ઘટનાઓ તથા મનમાં ઊઠતા વિચારોની સતત ચાલતી રમત ઊભી કરે છે. આ પરસ્પર વિરોધી શક્તિઓનાં પરિણામો બાહ્યજગતમાં આકર્ષણ કે વિકર્ષણરૂપે, કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણરૂપે અને આંતર્જગતમાં પ્રેમ કે ધિક્કારરૂપે, શુભ કે અશુભ રૂપે પ્રગટ થાય છે. કેટલીક વસ્તુઓને આપણે દૂર હડસેલીએ છીએ, કેટલીક વસ્તુઓને આપણે આકર્ષીએ છીએ, કેટલીક વસ્તુથી આપણે આકર્ષાઈએ છીએ તો કેટલીકથી દૂર ભાગીએ છીએ. જીવનમાં આપણે ઘણીય વખત એવું અનુભવીએ છીએ કે અમુક વ્યક્તિઓ પરત્વે આપણને કોઈ પણ બાહ્ય કારણ વગર આકર્ષણ થાય છે. જ્યારે બીજી વખતે તેવી જ રીતે બીજાઓ પરત્વે કોઈ પણ બાહ્ય કારણ વગર નફરત થાય છે. બધાનો આ અનુભવ છે. જેમ કાર્યક્ષેત્ર વધારે ઊંચું તેમ આ પરસ્પર વિરોધી બળોની શક્તિ વધારે ને વધારે અસરકારક અને વધારે નોંધપાત્ર બને છે. ધર્મ એ માનવવિચારની અને માનવ જીવનની ઊંચામાં ઊંચી ભૂમિકા છે; આપણે જોઈએ છીએ કે આ બે બળોનું કાર્ય તેમાં વિશેષ ધ્યાન ખેંચે તેવું બને છે. માનવ જાતે અનુભવેલો અત્યંત તીવ્ર પ્રેમ ધર્મમાંથી ઉત્પન્ન થયેલો છે અને અત્યંત રાક્ષસી ધિક્કાર પણ ધર્મમાંથી જ ઉદ્‌ભવ્યો છે. જગતે કવચિત્ જ સાંભળ્યા હોય તેવા ઉદાત્ત શાંતિમંત્રો પણ ધર્મની ભૂમિકા ઉપરના માનવીઓ પાસેથી મળ્યા છે, તેમ જ દુનિયાએ કવચિત જ સાંભળ્યાં હોય એવાં તિરસ્કારનાં કટુમાં કટુ વાકયો પણ ધાર્મિક મનુષ્યોએ જ ઉચ્ચારેલાં છે. કોઈ પણ ધર્મનો ઉદ્દેશ જેટલો વધારે ઊંચો અને તેની વ્યવસ્થા જેટલી વિશેષ સૂક્ષ્મ તેટલી તેની પ્રવૃત્તિઓ વધારે નોંધપાત્ર. ધર્મે જગતને જેટલું લોહીની નદીઓમાં ડુબાડ્યું છે તેવું માનવીની બીજી કોઈ પ્રેરણાએ કર્યું નથી. સાથોસાથ ગરીબો માટે એટલી બધી ઈસ્પિતાલો અને આશ્રયસ્થાનો પણ બીજા કોઈએ સ્થાપ્યાં નથી; ધર્મે જે રીતે કર્યું છે તે રીતે બીજી કોઈ પણ માનવ પ્રવૃત્તિએ માત્ર માનવજાતની જ નહીં, પણ નીચામાં નીચાં પ્રાણીઓની પણ સંભાળ લીધી નથી. ધર્મના જેટલું આપણને બીજું કોઈ પણ ઘાતકી બનાવી શકતું નથી અને ધર્મના જેટલું આપણને બીજું કોઈ નમ્ર બનાવી શકતું નથી. ભૂતકાળમાં આમ બન્યું છે અને ભવિષ્યમાં પણ આમ બનવાનો સંભવ છે અને છતાંય આ કોલાહલ અને તોફાન, આ ઝઘડા અને અથડામણો, આ સંપ્રદાયો અને ધર્મોના ધિક્કાર અને ઈર્ષ્યાની વચ્ચેથી પ્રસંગોપાત્ત એક બુલંદ અવાજ ઊઠે છેઃ જે આ કોલાહલને શમાવી દે છે અને જાણે કે એક છેડાથી બીજા છેડા સુધી પોતાનો અવાજ સંભળાવતો શાંતિ અને સમન્વયની ઘોષણા કરે છે. તે શાંતિ કદીય આવશે ખરી?

આ વિકટ ધાર્મિક કલહના ક્ષેત્રે અતૂટ સમન્વયનું રાજ્ય કદી પણ થશે ખરું? આ સૈકાના છેલ્લા ભાગમાં દુનિયાને આ સમન્વયના પ્રશ્નની ચિંતા મૂંઝવી રહી છે; સમાજમાં વિવિધ યોજનાઓ રજૂ કરાય છે અને તેને વ્યવહારમાં ઉતારવાના પ્રયાસો થાય છે. પણ તેમ કરવું કેટલું મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ. જીવનસંઘર્ષની ભીષણતા ઓછી કરવી કે માનવીના જ્ઞાનતંતુઓની તંગ સ્થિતિને હળવી કરવી એ લગભગ અશક્ય છે તેમ લોકોને જણાય છે. જો જીવનના ભૌતિક—બાહ્ય, સ્થૂળ અને બહારની બાજુના—ક્ષેત્રે સમન્વય અને શાંતિ લાવવાં એટલાં બધાં મુશ્કેલ છે, તો માનવીના આંતરસ્વભાવમાં શાંતિ અને સમન્વય લાવવાં તો તેથી પણ હજારગણાં વધારે મુશ્કેલ છે. અત્યાર પૂરતું આ શબ્દજાળમાંથી નીકળવા માટે હું તમને વિનંતી કરું છું. છેક બાળપણથી આપણે સહુ પ્રેમ, શાંતિ, દયા, સમાનતા અને વિશ્વબંધુત્વની વાતો સાંભળીએ છીએ; પણ આપણે માટે એ અર્થ વગરના માત્ર શબ્દો જ બની ગયા છે; આપણે એ શબ્દોને પોપટની માફક પઢીએ છીએ અને આપણા માટે તે સંપૂર્ણ રીતે સ્વાભાવિક પણ બની ગયું છે. તેમ કર્યા સિવાય આપણો છૂટકો નથી. જે મહાન આત્માઓએ પોતાના અંતરમાં આ ઉચ્ચ વિચારો અનુભવ્યા, તેમણે આ શબ્દો રચી કાઢ્યા અને તે વખતે ઘણા લોકો તેનો અર્થ સમજતા હતા. આગળ ઉપર અજ્ઞાની લોકોએ શબ્દોની ગંભીરતાને છોડી દીધી અને ધર્મને આચરણની વસ્તુ નહીં પણ માત્ર શબ્દની રમત બનાવી લીધો. તે ‘મારા પિતાનો ધર્મ’ ‘આપણી પ્રજાનો ધર્મ’ ‘આપણા દેશનો ધર્મ’ વગેરે બની જાય છે. કોઈ એક ધર્મમાં માનવું તે માત્ર દેશાભિમાનનું એક અંગ બને છે અને દેશાભિમાન હંમેશાં પક્ષપાતી હોય છે. ધર્મમાં સમન્વય લાવવો હંમેશાં મુશ્કેલ હોય છે. છતાં આપણે આ ધર્મસમન્વયનો પ્રશ્ન વિચારીશું.

આપણે જોઈએ છીએ કે દરેક મહાન અને સર્વમાન્ય ધર્મમાં ત્રણ વિભાગો છેઃ પ્રથમ આવે છે ધર્મના સમગ્ર ક્ષેત્રનું નિરૂપણ કરતું, તથા તેના મૂળભૂત સિદ્ધાંતો તેમજ તેનું ધ્યેય અને ધ્યેયપ્રાપ્તિના ઉપાયો બતાવતું તત્ત્વજ્ઞાન. બીજો વિભાગ પુરાણોનો છે, એટલે કે તેમાં તત્ત્વજ્ઞાનનું સ્થૂળ રૂપ છે; તેમાં મહાપુરુષો અગર દૈવી આત્માઓ વગેરેના જીવનની કથાઓ હોય છે; તેમાં માનવો અને દૈવી વ્યક્તિઓનાં ઘણે અંશે કાલ્પનિક જીવનચરિત્રો દ્વારા સામાન્ય દાર્શનિક સિદ્ધાંતોને મૂર્ત સ્વરૂપ આપવામાં આવે છે. ત્રીજો ભાગ આવે છે અનુષ્ઠાનોનો. આ ભાગ તેથીયે વધારે સ્થૂળ છે અને વિધિઓ, ક્રિયાઓ, વિવિધ પ્રકારનાં આસનો, પુષ્પો, ધૂપ વગેરે ઇંદ્રિયોને આકર્ષે તેવી બાબતોનો બનેલો છે. આ બધાનો ક્રિયાકાંડમાં સમાવેશ થાય છે. બધા સર્વમાન્ય ધર્મોમાં આ ત્રણ બાબતો તમે જોઈ શકશો. કોઈ ધર્મ એક વિભાગ ઉપર વિશેષ ભાર આપે છે, તો બીજો બીજા વિભાગ ઉપર.

હવે આપણે પ્રથમ વિભાગનો, એટલે કે તત્ત્વજ્ઞાનનો વિચાર કરીએ. તત્ત્વજ્ઞાનનો કોઈ વિશ્વમાન્ય સિદ્ધાંત છે ખરો? હજુ સુધી નથી. દરેક ધર્મ પોતાના સિદ્ધાંતો આગળ ધરે છે અને માત્ર તે જ સાચા છે તેવો આગ્રહ રાખે છે, એટલું જ નહીં, પણ તે એમ માને છે કે જે કોઈ તેમાં માનતો નથી તે મહાભયંકર નરક કે એવા કોઈક સ્થળે જશે. કોઈ તો વળી બીજાને તે મનાવવા માટે તલવાર પણ ખેંચવા તૈયાર થશે. આનું કારણ દુષ્ટતા નથી પરંતુ માનવ મગજના એક રોગ જેવી ધર્માન્ધતા છે. આ ધર્માન્ધ લોકો અંતરથી ઘણા સાચા હોય છે, પણ દુનિયાના બીજા દીવાનાઓ જેવા જ બિનજવાબદાર હોય છે. આ ધર્માન્ધતાનો રોગ બધા રોગો કરતાં ઘણો જ ભયંકર છે. માનવ સ્વભાવની તમામ દુષ્ટતાઓને તે જગાડે છે. તેમાંથી જ ક્રોધ પેદા થાય છે, સ્નાયુઓ તંગ બને છે અને માણસો વાઘ જેવા ક્રૂર બની જાય છે.

વળી બધા ધર્મોએ કોઈ પૌરાણિક સરખાપણું, કોઈ પૌરાણિક સમન્વય કે કોઈ સર્વમાન્ય પુરાણ સ્વીકાર્યું છે? જરૂર નહીં. દરેક ધર્મને પોતાનાં પુરાણો હોય છે. માત્ર દરેક એમ કહે છે કે ‘અમારી વાર્તાઓ કેવળ દંતકથાઓ નથી.’ આપણે દૃષ્ટાંતથી આ પ્રશ્નને સમજવા પ્રયાસ કરીએ. હું માત્ર દૃષ્ટાંતરૂપે કહું છું, કોઈ ધર્મની ટીકા કરવા માગતો નથી. ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વર કબૂતરનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવ્યો. તેમને મન આ ઇતિહાસ છે, દંતકથા નથી. હિંદુઓ માને છે કે ઈશ્વર ગાયના સ્વરૂપમાં પ્રગટ થયો. ખ્રિસ્તીઓ કહે છે કે એ માન્યતા કેવળ દંતકથા છે, ઇતિહાસ નથી; એ તો માત્ર વહેમ છે. યહૂદીઓ માને છે કોઈ ખોખા કે પેટીની બંને બાજુએ ફિરસ્તાની આકૃતિઓવાળી પ્રતિમા હોય તો તે પવિત્રમાં પવિત્ર સ્થળે મૂકવા યોગ્ય છે; તે જેહોવાને મન પવિત્ર છે. પણ જો પ્રતિમા સુંદર પુરુષ કે સ્ત્રીના રૂપમાં કરવામાં આવે તો તેઓ કહે છેઃ ‘આ ભયંકર પૂતળું છે; તેને તોડી પાડો!’ આ છે આપણાં પુરાણોનું ઐકય. જો કોઈ માણસ ઊભો થઈને કહે કે મારા પેગંબરે આવાં આવાં અદ્‌ભુત કાર્યો કર્યાં છે, તો બીજાઓ કહેશે કે તે માત્ર ગપાષ્ટક છે, પણ સાથોસાથ તેઓ જ કહેશે કે અમારા પેગંબરોએ તેનાથીય વધારે અદ્‌ભુત કાર્યો કર્યાં છે અને અમે તેમને ઐતિહાસિક કહીએ છીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ માણસ ઇતિહાસ અને પુરાણ વચ્ચે આવા માણસોના મગજમાં છે તેવા સૂક્ષ્મ ભેદ પાડી શકતો નથી. આવી બધી કથાઓ ભલે ગમે તે ધર્મની હોય, તોપણ તે ખરેખર પૌરાણિક છે; કવચિત તેમાં થોડો ઇતિહાસ ભળેલો હોય.

પછી આવે છે કર્મકાંડ. દરેક સંપ્રદાયને અનુષ્ઠાનની એક ખાસ રીત હોય છે. એ રીત જ પવિત્ર છે અને બીજા સંપ્રદાયોનાં અનુષ્ઠાનો માત્ર ભૂલભરેલા વહેમો છે તેમ તે માને છે. જો એક સંપ્રદાય એક પ્રકારના પ્રતીકની પૂજા કરે, તો બીજો સંપ્રદાય પોકારી ઊઠે છેઃ ‘અરે, એ તો ભયંકર છે!’ દાખલા તરીકે એક સામાન્ય પ્રતીક લઈએ. લિંગ પ્રતીક જરૂર જનનેન્દ્રિયનું સૂચક છે. પણ ધીરે ધીરે તે ભાવ વિસરાઈ ગયો છે અને હવે તે સૃષ્ટિકર્તાના પ્રતીક તરીકે ગણાય છે. જે પ્રજાઓ પાસે આ પ્રતીક છે તે તેને કદીય લિંગ તરીકે વિચારતી નથી, તેમને મન એ માત્ર એક પ્રતીક જ છે અને વાત ત્યાં જ પતી જાય છે. પણ અન્ય જાતિ કે સંપ્રદાયનો માણસ તેમાં લિંગ સિવાય બીજું કંઈ જોતો નથી અને નિંદા કરવા માંડે છે. છતાં સાથોસાથ તે પોતે જ એવું કંઈક કરતો હોય છે કે જે કહેવાતા લિંગોપાસકોને અતિ ભયંકર લાગે. દૃષ્ટાંત તરીકે હું બે મુદ્દાઓ લઉં છું. લિંગનું પ્રતીક અને ખ્રિસ્તીઓનું સેક્રામેન્ટ (પ્રસાદ ગ્રહણ. તેમાં અર્પણ કરવામાં આવેલી પાઉં રોટી તથા લાલ દારૂમાં ક્રાઈસ્ટના માંસ તથા લોહીની ભાવનાનું આરોપણ કરવામાં આવે છે અને ખ્રિસ્તીઓ તેને ભક્તિપૂર્વક ગ્રહણ કરીને ક્રાઈસ્ટને પોતામાં સ્વીકાર્યા એમ માને છે.) ખ્રિસ્તીઓને લિંગ ભયંકર લાગે છે, હિંદુઓને ખ્રિસ્તીઓનું સેક્રામેન્ટ ભયંકર લાગે છે. તેઓ કહે છે કે ખ્રિસ્તીઓનું સેક્રામેન્ટ—માણસને મારીને તેનું માંસ ખાવું, તેનું લોહી પીવું અને તેમ કરીને તેના સારા ગુણો લેવા—તે ચોખ્ખું માણસખાઉપણું છે. કેટલીક જંગલી પ્રજાઓ આમ કરે છે. જો માણસ બળવાન હોય તો તેઓ તેને મારી નાખે છે અને તેનું હૃદય ખાઈ જાય છે, કારણ કે તેઓ એમ માને છે કે તેમ કરવાથી તે માણસમાં જે હિંમત અને વીરતાના ગુણો હતા તે પોતામાં આવશે. સર જહોન લુબોક જેવા એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી પણ કબૂલ કરે છે કે ખ્રિસ્તીઓના આ સેક્રામેન્ટનું મૂળ જરૂર આ જંગલી વિચારમાં રહેલું છે. ખ્રિસ્તીઓ આ વિચારને સેક્રામેન્ટના મૂળ તરીકે કબૂલ કરવા રાજી નથી અને તેનો શો અર્થ થાય છે તે તેમની સમજમાં કદીયે આવતું નથી. તે પવિત્ર વસ્તુઓનું સૂચક છે તેટલું જ તેઓ જાણવા માગે છે. તેથી ક્રિયાકાંડોમાં પણ એવું એકે પ્રતીક નથી કે જે બધાને માન્ય અને સ્વીકાર્ય બને. તો પછી સર્વમાન્ય ભાવ કયાં છે? તો પછી વિશ્વધર્મ કેવી રીતે શકય બને? પરંતુ વિશ્વધર્મ તો છે જ. એ શું છે તે આપણે જોઈએ.

આપણે બધા વિશ્વબંધુત્વ વિશે સાંભળીએ છીએ અને આનો ખાસ ઉપદેશ કરવા માટે સંસ્થાઓ કેવી રીતે ઊભી થાય છે તે પણ જાણીએ છીએ. મને એક જૂની વાત યાદ આવે છે. ભારતમાં દારૂ પીવો તે બહુ ખરાબ લેખાય છે. બે ભાઈઓ હતા; તેમણે એક રાતે ખાનગી રીતે દારૂ પીવાનું નક્કી કર્યું. તેમનો કાકો બહુ જ રૂઢિચુસ્ત માણસ હતો અને તેમની પડખે જ બાજુના ઓરડામાં સૂતો હતો. આથી બંને ભાઈઓએ દારૂ પીવાનું શરૂ કરતા પહેલાં અંદરોઅંદર કહ્યુંઃ ‘આપણે ખૂબ ચૂપ રહેવું જોઈશે, નહીં તો કાકા જાગી જશે.’ તેઓ દારૂ પીતા હતા તે દરમિયાન તેમણે એકબીજાને કહેવાનું ચાલુ રાખ્યું કે ‘ચૂપ રહે, કાકા જાગી જશે.’ દરેક જણ સામાને ચૂપ કરવા બરાડા પાડતો હતો. પરિણામે બૂમરાણ વધી અને કાકા જાગી ગયા, ઓરડામાં આવ્યા અને બધી વસ્તુઓ પકડી પાડી. આપણે બધા પણ આવા પીધેલા માણસની માફક બૂમો પાડી છીએઃ ‘વિશ્વબંધુત્વ! આપણે બધા એક જ છીએ, માટે ચાલો આપણે એક સંપ્રદાય બનાવીએ.’ તમે સંપ્રદાય બનાવ્યો કે તરત જ તમે સમાનતાનો વિરોધ કરો છો અને પછી સમાનતા રહેતી નથી. મુસલમાનો વિશ્વબંધુત્વની વાત કરે છે પણ ખરેખર તેનું પરિણામ શું આવે છે? બીજું શું આવે? જે કોઈ મુસલમાન ન હોય તેને આ ભ્રાતૃમંડળમાં દાખલ કરવામાં આવે નહીં; ઊલટું તેનું ગળું કપાવાનો વધારે સંભવ છે. ખ્રિસ્તીઓ પણ વિશ્વબંધુત્વની વાતો કરે છે, પણ જે કોઈ ખ્રિસ્તી ન હોય તેણે એવે સ્થળે જવું જોઈએ કે જ્યાં તે કાયમ માટે નરકાગ્નિમાં શેકાય.

આમ આપણે આ જગતમાં વિશ્વબંધુત્વ અને સમાનતાની શોધમાં ભટકીએ છીએ. જ્યારે તમે દુનિયામાં આવી વાતો સાંભળો ત્યારે હું તમને થોડીક શાંતિ જાળવવા, તમારી જાતને જરા સંભાળવા કહીશ; કારણ કે આ બધી વિશ્વબંધુત્વની વાતોની પાછળ ઘોર સ્વાર્થપરાયણતા હોય છે. ‘શિયાળામાં કોઈ વાર વાદળાં ગર્જવા લાગે છે; તે વારંવાર ગર્જના જ કરે છે પણ વરસાદ વરસાવતાં નથી; જ્યારે વર્ષાઋતુમાં વાદળો બોલતાં નથી પણ દુનિયાને પાણીમાં ડુબાડી દે છે.’ તેથી જેઓ ખરા કામ કરનારાઓ છે અને અંતરથી ખરેખર વિશ્વબંધુત્વની ભાવના સેવે છે તેઓ ઝાઝી વાતો કરતા નથી, વિશ્વબંધુત્વ માટે પોતાના સંપ્રદાયો ઊભા કરતા નથી. છતાં તેમનાં કાર્યો, તેમની રીતભાત, તેમનું આખુંય જીવન સ્પષ્ટ રીતે બતાવે છે કે તેઓ ખરેખર માનવજાત માટે ભ્રાતૃભાવની લાગણી ધરાવે છે, તેઓ બધા પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ રાખે છે. તેઓ બહુ બોલતા નથી, પણ કાર્ય કરે છે અને જીવન જીવે છે. આ દુનિયા ધાંધલભરી વાતોથી બહુ ભરેલી છે. આપણને વાતોની ઓછી પણ સચ્ચાઈપૂર્વકના કાર્યની વધુ જરૂર છે.

અત્યાર સુધી આપણે જોયું કે ધર્મની બાબતમાં કોઈ સર્વમાન્ય લક્ષણો મળવાં મુશ્કેલ છે અને છતાંય તે છે તે આપણે જાણીએ છીએ. આપણે બધા મનુષ્યો છીએ; પણ શું આપણે બધા સરખા છીએ? જરૂર નહીં. આપણે સરખા છીએ તેમ કોણ કહે છે? માત્ર પાગલ. શું આપણે બધા આપણા મગજમાં, શક્તિમાં, શરીરમાં સરખા છીએ? એક માણસ બીજા કરતાં વધારે બળવાન છે; એક માણસની મગજશક્તિ બીજા કરતાં વધારે છે. જો આપણે બધાય સરખા હોઈએ તો આ અસમાનતા શા માટે? તે કોણે બનાવી? આપણે જ. આપણામાં ઓછીવત્તી શક્તિઓ છે, ઓછીવત્તી બુદ્ધિ છે, ઓછુંવત્તું શારીરિક બળ છે, તેથી આપણી વચ્ચે જરૂર ભેદ છે; છતાં આપણે જાણીએ છીએ કે સમાનતાનો સિદ્ધાંત આપણા હૃદયને જરૂર સ્પર્શે છે. આપણે બધા માણસો છીએ; તેમાં કેટલાક પુરુષો છે, કેટલીક સ્ત્રીઓ છે; અહીં એક કાળો માણસ છે, ત્યાં એક ગોરો માણસ છે, પણ બધા માણસ છે. બધા એક જ માનવસમાજના છે. આપણ ચહેરા જુદા જુદા છે. કોઈ પણ બે વ્યક્તિઓને હું એકસરખી જોતો નથી, છતાં આપણે બધા જ મનુષ્યો છીએ. તો અહીં માનવજાતિ કયાં છે? હું એક પુરુષને કે સ્ત્રીને કાળાં કે ગોરાં જોઉં છું; અને આ બધા ચહેરાઓની વચ્ચે હું જે સહુમાં સરખી રીતે છે તેવી એક સામાન્ય માનવજાત જોઉં છું. હું તેને પકડવા માગું છું કે તેને અનુભવવા માગું છું કે તેને સ્વરૂપ આપવા માગું ત્યારે ભલે તે ન મળે; છતાં હું જરૂર જાણું છું કે તે ત્યાં છે જ. જો કોઈ એક બાબતની મને ખાતરી હોય તો આ બધામાં સામાન્યપણે રહેલા મનુષ્યત્વની બાબત છે. આ વ્યાપક એકત્વ દ્વારા જ હું તમને સ્ત્રી કે પુરુષ તરીકે જોઉં છું. વિશ્વધર્મ માટે પણ આમ જ છે. આ એકત્વ દુનિયાના વિવિધ ધર્મોમાં ઈશ્વરરૂપે રહેલ છે, તે અનંત કાળ સુધી રહેવો જ જોઈએ અને રહે જ છે. मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव॥

‘દોરામાં પરોવાઈ રહેલા આ બધાં મોતીઓની પેઠે આ બધામાં હું જ છું.’ અને દરેક મોતી તે એક ધર્મ અગર તેનો સંપ્રદાય છે. આવાં જુદાં જુદાં મોતીઓ રહેલાં છે અને તે બધાની અંદરથી પસાર થતો દોરો ઈશ્વર છે; માત્ર લોકોનો મોટો ભાગ તે બાબતથી સંપૂર્ણપણે અજાણ છે.

વિવિધતામાં એકતા એ તો વિશ્વની યોજના છે. આપણે બધા મનુષ્યો છીએ અને છતાંય આપણે એકબીજાથી સાવ જુદા છીએ. માનવસમાજના એક ભાગ તરીકે હું તમારી સાથે અભિન્ન છું પરંતુ કોઈ એક અમુક વ્યક્તિ તરીકે તમારાથી જુદો છું. પુરુષ તરીકે તમે સ્ત્રીથી જુદા છો પણ માનવી તરીકે સ્ત્રી સાથે એક છો. માણસ તરીકે પશુથી જુદા છો પણ તે સાથે જ, જીવંત પ્રાણી તરીકે પુરુષ, સ્ત્રી, પશુ અને વનસ્પતિ બધાં એક છો; અને સત્તા તરીકે આખાય વિશ્વ સાથે તમે એક છો. આ સાર્વભૌમ સત્તા જ ઈશ્વર છે—તે જ વિશ્વનું અંતિમ એકત્વ છે. તેમાં આપણે બધા એક છીએ. સાથોસાથ અભિવ્યક્તિમાં આ બધી ભિન્નતા હોવી જ જોઈએ. આપણા કાર્યમાં, આપણી શક્તિઓની બાહ્ય અભિવ્યક્તિમાં આ ભેદભાવ રહેવો જ જોઈએ. આથી આપણે જોઈ શકીશું કે વિશ્વધર્મના વિચારનો એવો અર્થ કરવામાં આવે કે એક જ પ્રકારના મતવાદને સમગ્ર માનવજાતે અપનાવવી જોઈએ, તો તે સંપૂર્ણપણે અશક્ય છે; એમ કદાપિ બની શકે જ નહીં; એવો સમય કદીય ન આવી શકે કે જ્યારે બધાય ચહેરા એક સરખા હોય. વળી આપણે જો એવી આશા રાખીએ કે એક જ સર્વમાન્ય પુરાણ હોય તો તે પણ સંભવે નહીં; તે કદાપિ ન બને. તેમ જ એક સર્વમાન્ય અનુષ્ઠાન પણ સંભવી શકે નહીં. આવી સ્થિતિ કદીય સંભવી શકે નહીં. જો તેમ બને તો દુનિયા નાશ પામે, કારણ કે વિવિધતા એ જ જીવનનો મૂળ સિદ્ધાંત છે. આપણને સાકાર કોણ બનાવે છે? વિવિધતા. પૂર્ણ સમતુલા આપણો વિનાશ બનશે. ગરમીનો સ્વભાવ સરખી રીતે ચારે કોર ફેલાવાનો હોય છે; હવે ધારો કે આ ઓરડાની ગરમી તે રીતે ફેલાઈ જાય તો વ્યાવહારિક રીતે જોતાં તે ગરમી રહેશે જ નહીં. આ વિશ્વમાં ગતિ કેવી રીતે શકય બને છે? સમતુલા ખોવાથી. સમાનતારૂપ એકતા વિશ્વનો ધ્વંસ થાય ત્યારે જ આવી શકે; તે પહેલાં આ સ્થિતિ અશક્ય છે, એટલું જ નહીં, પણ આમ બને તો તે ભયંકર નીવડે. આપણે બધા એક સરખી રીતે વિચાર કરીએ તેવો ખ્યાલ રાખવો જોઈએ નહીં. એમ થશે ત્યારે વિચાર કરવા જેવો કોઈ વિચાર જ રહેશે નહીં. આપણે બધા એક સમાન થઈ જઈશું; ઈજિપ્તના સંગ્રહસ્થાનમાં સાચવી રાખેલાં મડદાંની પેઠે કોઈ પણ વિચારવિહોણા આપણે એકબીજા સામે જોયા કરીશું. આ ભેદભાવ, આ વૈચિત્ર્ય, આપણી અંદરોઅંદરની આ સમતુલાનો અભાવ જ મૂળે પ્રગતિના આત્મા સમાન છે; આપણા સઘળા વિચારોનો તે પ્રાણ છે અને આમ જ સદા હોવું જોઈએ.

તો પછી વિશ્વધર્મના આદર્શથી હું શું કહેવા માગું છું? જેને બધા અનુસરે તેવું એક સર્વમાન્ય તત્ત્વજ્ઞાન, સર્વમાન્ય પુરાણ કે સર્વમાન્ય ધાર્મિક અનુષ્ઠાન કહેવા હું નથી ઇચ્છતો; કારણ કે ચક્રની અંદર ચક્રવાળું, યંત્રોના અટપટા સમૂહભર્યું, ઘણું જ જટિલ, ઘણું જ અદ્‌ભુત એવું આ જગત તો ચાલ્યા જ કરવાનું, તે હું જાણું છું. તો પછી આપણે શું કરી શકીએ? આપણે તેને સરળતાથી ચલાવી શકીએ, જાણે કે તેનાં ચક્રોમાં તેલ પૂર્યું હોય તેમ આપણે તેનું ઘર્ષણ ઓછું કરી શકીએ. પણ તે કેવી રીતે? વિવિધતાની સ્વાભાવિક આવશ્યકતાને સ્વીકારી લઈને જેમ આપણે આપણા સ્વભાવથી જ એકતાને સ્વીકારી છે, તેમ વિવિધતાને પણ સ્વીકારવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે સત્ય લાખો રીતે વ્યક્ત થઈ શકે છે અને દરેક રીત સાચી છે. આપણે એ જાણવું જોઈએ કે એક જ વસ્તુ સેંકડો જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી જોઈ શકાય છે અને છતાં વસ્તુ તેની તે જ રહે છે. સૂર્યનો દાખલો લો. ધારો કે પૃથ્વી ઉપર ઊભેલો એક માણસ સૂર્ય જ્યારે સવારે ઉદય પામે છે ત્યારે તેને જુએ છે; તે તેને એક મોટા ગોળારૂપ જુએ છે. ધારો કે તે સૂર્ય તરફ પ્રયાણ શરૂ કરે છે અને સાથે કેમેરા લઈ જાય છે, સૂર્ય સુધી પહોંચે ત્યાં સુધી યાત્રાના પ્રત્યેક તબક્કે તે પ્રત્યેક તબક્કાનો ફોટો લે છે; આ દરેક તબક્કાના ફોટા બીજા બધા તબક્કાના ફોટા કરતાં જુદા દેખાશે. વસ્તુતઃ જ્યારે તે પાછો ફરશે ત્યારે તે પોતાની સાથે જાણે કે જુદા જુદા સૂર્યના અનેક ફોટા લાવ્યો છે એવું લાગશે અને છતાં આપણે જાણીએ છીએ કે તે બધા એક જ સૂર્યના જુદે જુદે તબક્કે લીધેલા ફોટાઓ જ હતા. આ જ પ્રમાણે ઈશ્વર વિશે પણ છે. ઉચ્ચ કે ઊતરતા તત્ત્વજ્ઞાન દ્વારા, ઉત્કૃષ્ટ કે હીન પુરાણો દ્વારા, સંસ્કૃત અને શુદ્ધ ક્રિયાકાંડ દ્વારા અથવા ભૂલભરેલી ભૂતપ્રેતાદિની ઉપાસના દ્વારા, દરેક સંપ્રદાય, દરેક આત્મા, દરેક જાતિ, દરેક ધર્મ, જાણેઅજાણ્યે ઊંચે ને ઊંચે ઈશ્વર તરફ જવા મથે છે. સત્યની જે કાંઈ ઝાંખી માનવને થાય છે તે ઈશ્વરની જ ઝાંખી છે, બીજા કોઈની નહીં. ધારો કે આપણે બધા હાથમાં જુદાં જુદાં વાસણો લઈને એક સરોવરમાંથી પાણી ભરવા જઈએ છીએ. કોઈ પાસે પ્યાલો છે, કોઈ પાસે ઘડો છે, કોઈ પાસે બાલદી છે વગેરે વગેરે અને આપણે સહુ તેમાં પાણી ભરીએ છીએ. દરેક કિસ્સામાં જેની પાસે જેવું વાસણ છે તેવો આકાર પાણી ધારણ કરે છે. જેની પાસે પ્યાલો છે ત્યાં પાણી પ્યાલાનું રૂપ લે છે, જેની પાસે ઘડો છે ત્યાં પાણી ઘડાનું રૂપ છે, વગેરે. પણ દરેક કિસ્સામાં, પાત્રોમાં પાણી સિવાય બીજું કંઈ નથી. આ જ પરિસ્થિતિ ધર્મને વિશે પણ છે. આપણાં મન પેલાં પાત્રો જેવાં છે અને આપણામાંનો દરેક ઈશ્વરસાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે છે. ઈશ્વર આ જુદાં જુદાં પાત્રોમાં ભરાતા પાણી જેવો છે; દરેક કિસ્સામાં ઈશ્વરનું દર્શન તે તે પાત્રના રૂપ પ્રમાણે થાય છે, છતાં ઈશ્વર પોતે તો એક જ છે; દરેક કિસ્સામાં તે જ ઈશ્વર છે. આ એક જ પ્રકારની સાર્વલૌકિકતાનો, વિશ્વદૃષ્ટિનો સ્વીકાર આપણે કરી શકીએ.

સિદ્ધાંતની દૃષ્ટિએ આ બધું બરાબર છે. પણ ધર્મોમાં સમન્વય લાવવા માટે કોઈ વ્યવહારુ માર્ગ છે ખરો? ધર્મના બધા વિચારો સાચા છે તેવું જ્ઞાન તો ઘણું ઘણું જૂનું છે તે આપણે જાણીએ છીએ. એક સુસંવાદી ધર્મમત ઘડવા માટે, બધા ધર્મો પ્રેમભાવે એક બને તેમ કરવા માટે ભારત, એલેકઝાન્ડ્રિયા, યુરોપ, ચીન, જાપાન, તિબેટ અને છેવટે અમેરિકામાં પણ સેંકડો પ્રયાસો કરવામાં આવ્યા છે. પણ તે બધા નિષ્ફળ ગયા છે, કારણ કે તેઓએ કોઈ વ્યવહારુ માર્ગ અપનાવ્યો નથી. ઘણાએ કબૂલ કર્યું છે કે દુનિયાના બધા ધર્મો સાચા છે, પણ તે બધાને એક કરવાનો કોઈ વ્યવહારુ માર્ગ કોઈ જ બતાવતું નથી, જેથી આ સમુદાયમાં રહ્યા છતાં દરેક પોતાનું વ્યક્તિત્વ જાળવી શકે. કોઈ પણ માણસના ધર્મ માંહેની વિશિષ્ટતાનો—તેના વ્યક્તિત્વનો વિનાશ થવા દીધા વિના બીજા બધા સાથે એકતાનું સૂત્ર બતાવે, તેવી જ ધર્મની યોજના વ્યવહારુ લેખાય. પણ અત્યાર સુધી તો ધર્મસમન્વયની જે યોજનાઓ અપનાવવાના પ્રયાસો થયા છે, તેમણે બધા ધર્મના વિવિધ વિચારોનો સમાવેશ કર્યા છતાં વસ્તુતઃ તો સહુને અમુક થોડા મતવાદોમાં બાંધી રાખવાનો પ્રયત્ન કર્યા છે. પરિણામે એમાંથી નવા સંપ્રદાયો, કલહો, અથડામણો અને એકબીજા સાથે ઘર્ષણો જ ઉત્પન્ન થયાં છે.

મારી પાસે પણ મારી નાની એવી યોજના છે. તેનો અમલ કરી શકાશે કે કેમ તે હું જાણતો નથી, પણ ચર્ચા માટે હું તમારી સમક્ષ તે રજૂ કરું છું. મારી યોજના શી છે? પ્રથમ તો માનવજાતને હું ‘કોઈનો નાશ ન કરો’ એ સિદ્ધાંત સ્વીકારવાનું કહીશ. વિનાશક પદ્ધતિવાળા સુધારકો દુનિયાનું ભલું કરી શકતા નથી. કોઈ પણ વસ્તુ તોડો નહીં, કોઈને ખેંચી કાઢો નહીં, પણ રચનાત્મક કાર્ય કરો. બને તો સહાય કરો; જો તેમ ન કરી શકો તો હાથ જોડીને બેસી રહો અને જે થાય તે જોયા કરો. ભલે તમે મદદ ન કરી શકો, પરંતુ હાનિ તો ન જ કરો. જો કોઈ પણ માણસની માન્યતાઓ સાચા દિલની હોય તો તેની સામે એક શબ્દ પણ ન કહો. બીજું માણસ જ્યાં છે તે સ્થળેથી તેને ઊંચે લાવો. જો ઈશ્વર બધા ધર્મનું કેન્દ્ર છે તે સાચું હોય અને આ બધી ત્રિજયાઓ મારફતે આપણે બધા તેના તરફ દોરાઈએ છીએ તે સત્ય હોય, તો આટલું ચોક્કસ માનજો કે આપણે બધા એ કેન્દ્રે જરૂર પહોંચવાના. જ્યાં બધી ત્રિજયાઓ મળે છે તે કેન્દ્રમાં આપણા બધા ભેદભાવો દૂર થવાના; પણ આપણે ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી ભેદભાવ તો રહેવાના જ. આ બધી ત્રિજયાઓ એક જ કેન્દ્રમાં મળે છે. પોતાના સ્વભાવ પ્રમાણે એક વ્યક્તિ એક રસ્તે થઈને જ આગળ વધીશું તો આપણે જરૂર તે કેન્દ્રે પહોંચીશું, કારણ કે ‘બધી નદીઓ આખરે સાગરમાં મળે છે.’ આપણામાંનો દરેક જણ પોતાના સ્વભાવ મુજબ વધે છે અને વિકાસ પામે છે; સમય થતાં દરેક જણ પરમ સત્યને જાણશે, કારણ કે અંતે તે સૌએ જાતે જ પોતાને શીખવવું પડશે. તમે કે હું શું કરી શકવાના? તમે એમ માનો છો કે તમે એક બાળકને પણ શીખવી શકશો? તમે તેમ નહીં કરી શકો. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમારી ફરજ તો માત્ર તક આપવાની અને અડચણો દૂર કરવાની છે. એક છોડ ઊગે છે. શું તમે તેને ઉગાડો છો? તમારી ફરજ તો તેની આડે વાડ બાંધવાની છે અને કોઈ પશુ તેને ખાઈ ન જાય તે જોવાની છે. તમારી ફરજ ત્યાં પૂરી થાય છે. છોડ ઊગે છે પોતાની મેળે જ. દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ પણ આ જ પ્રમાણે થાય છે. તમને કોઈ શીખવી નહીં શકે; તમને ધાર્મિક કોઈ બનાવી નહીં શકે. તમારે પોતે જ તમારી જાતને શીખવવું પડશે; તમારો વિકાસ અંદરથી આવવો જોઈશે.

બહારનો શિક્ષક શું કરી શકે? તે થોડીક અડચણો દૂર કરી શકે ખરો; પણ તેનું કર્તવ્ય ત્યાં જ પૂરું થાય છે. માટે બને તો તમે મદદ કરો. પણ કોઈનો વિનાશ ન કરો, તમે જ મનુષ્યને ધાર્મિક બનાવી શકશો તેવા બધા વિચારો છોડી દો; તે અશક્ય છે. તમારા પોતાના આત્મા સિવાય તમારો શિક્ષક બીજો કોઈ નથી. આ સમજી લેજો. તેનાથી શું થાય છે? સમાજમાં આપણે ઘણી ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ જોઈએ છીએ. મન અને વલણોના હજારો અને લાખો પ્રકારો છે; એ બધાનું પૂર્ણ સામાન્યીકરણ તો અશક્ય છે. પણ આપણા કામ માટે તેનું ચાર વિભાગમાં વર્ગીકરણ કરવું બસ થઈ પડશે. પ્રથમ આવે છે પ્રવૃત્તિશીલ માણસ—કાર્યકર્તા. તેને કાર્ય કરવું છે; તેના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓમાં અપાર શક્તિ છે. તેનો હેતુ કાર્ય કરવાનો છે—ઈસ્પિતાલો બાંધવી, સખાવતનાં કાર્યો કરવાં, રસ્તા બનાવવા, યોજનાઓ અને વ્યવસ્થા કરવી, વગેરે. ત્યાર પછી આવે છે ઊર્મિશીલ માણસો—ભવ્યતા અને સૌંદર્યના અસાધારણ ચાહકો. તેમને સૌંદર્યનું ચિંતન ગમે છે, પ્રકૃતિની રમણીય બાજુનો ઉપભોગ કરવો ગમે છે અને પ્રેમ અને પ્રેમસ્વરૂપ ઈશ્વરની ઉપાસના ગમે છે. પોતાના પૂરા અંતઃકરણથી તે બધા યુગોના મહાત્માઓને, ધર્મોના આચાર્યોને અને પૃથ્વી પરના ઈશ્વરના અવતારોને ચાહે છે. ઈશુ કે બુદ્ધ હતા કે નહીં તે દલીલ દ્વારા સિદ્ધ થાય અગર ન થાય તેની તેને પરવા નથી; ગિરિપ્રવચન (Sermon On The Mount) કયે દિવસે કહેવાયું કે કૃષ્ણનો જન્મ કઈ ચોક્કસ ઘડીએ થયો તે જાણવાની તેને પડી નથી. તેને તો માત્ર તેની અંગત વિશિષ્ટતાઓ અને તેનાં રમણીય સ્વરૂપો સાથે જ નિસ્બત છે. તેનો આદર્શ આવો છે. પ્રેમી, ઊર્મિશીલ માણસની આ પ્રકૃતિ છે. ત્યાર પછી આવે છે રહસ્યવાદી. તેનું માનસ પોતાની જાતનું પૃથક્કરણ કરી મનુષ્યના મનની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સમજવા માગે છે; તેમાં કયાં બળો કાર્ય કરે છે અને તેને કેમ જાણવાં, તેનો કેવી રીતે ઉપયોગ કરવો, તેના ઉપર કેમ કાબૂ મેળવવો વગેરે તે જાણવા માગે છે. આ છે રહસ્યવાદી માનસ. ત્યાર પછી આવે છે તત્ત્વજ્ઞાની. તે દરેક વસ્તુને તોળી જોવા માગે છે અને માનવનાં બધાં તત્ત્વજ્ઞાનોની શકયતાથી બહારની વસ્તુઓ ઉપર પણ પોતાની બુદ્ધિ ચલાવવા માગે છે.

હવે માનવજાતના મોટા ભાગને સંતોષ આપવા માટે ધર્મ એવો હોવો જોઈએ કે તે આ બધા પ્રકારના માનસની ભૂખ મટાડી શકે અને જ્યાં આ યોગ્યતાનો અભાવ છે ત્યાં અત્યારના પ્રચલિત સંપ્રદાયો એકતરફી બની જાય છે. માનો કે તમે એક એવા સંપ્રદાય પાસે જાઓ છો કે જે પ્રેમ અને ઊર્મિઓનો ઉપદેશ કરે છે; તેઓ ગાય છે, રડે છે અને પ્રેમનો ઉપદેશ કરે છે. પણ જો તમે કહોઃ ‘મિત્ર! આ બધું ઠીક છે, પણ મારે આથી કંઈ વિશેષ પ્રભાવશાળી જોઈએ છે; થોડો તર્કવાદ ને થોડું તત્ત્વજ્ઞાન જોઈએ છે; મારે બુદ્ધિપૂર્વક ધીરે ધીરે બધું સમજવું છે.’ તો તેઓ કહે છે કે ‘ચાલ્યા જાઓ.’ તેઓ તમને ચાલ્યા જવાનું કહેશે એટલું જ નહીં પણ તેમનું ચાલે તો તમને પરલોકમાં પણ પહોંચાડશે! પરિણામ એ છે કે આવો સંપ્રદાય આવા ઊર્મિશીલ માનસવાળા મનુષ્યોને જ સહાયભૂત થઈ શકે. તેઓ બીજાને મદદ કરતા નથી એટલું જ નહીં પણ તેમનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે અને આ બધા ઉપરાંત એક ભયંકર બાજુ તો એ છે કે તેઓ બીજાને મદદ તો નથી જ કરતા, પણ બીજાઓની સચ્ચાઈમાં પણ તે માનતા નથી. વળી એવા તત્ત્વજ્ઞાનીઓ પણ છે કે જેઓ ભારત અને પૂર્વના જ્ઞાનની વાતો કરે છે અને મોટા માનસશાસ્ત્રીય શબ્દો—પચાસ અક્ષરોના બનેલા શબ્દો—વાપરે છે. પણ મારા જેવો એક સામાન્ય માણસ તેમની પાસે જાય અને કહે છે ‘મને આધ્યાત્મિક બનવામાં તમે કંઈ મદદ કરી શકશો?’ તો પહેલાં તો તેઓ હસીને કહેશેઃ ‘અરે! અમારાથી તમે બુદ્ધિમાં ઘણા ઊતરતા છો; અધ્યાત્મ-તત્ત્વમાં તમે શું સમજો?’ આ મોટાઈવાળા તત્ત્વવેત્તાઓ છે, તેઓ તમને માત્ર કાઢી જ મૂકશે. પછી આવે છે રહસ્યવાદી સંપ્રદાયો. તેઓ અસ્તિત્વની વિવિધ ભૂમિકાઓ વિશે, મનની વિવિધ સ્થિતિઓ વિશે તથા માનસિક શક્તિ શું શું સિદ્ધ કરી શકે તે વિશે અનેક પ્રકારની વાતો કરશે. પણ જો તમે સામાન્ય માનવ હો અને કહો કે ‘હું કરી શકું તેવું કંઈ સારું મને બતાવો; મને તર્કમાં બહુ રસ નથી. મને ઉપયોગી નીવડે તેવું કંઈ તમે બતાવી શકશો?’ તો તેઓ હસશે અને કહેશેઃ ‘જોઈ લો આ મૂર્ખાને! તે કંઈ પણ જાણતો નથી; તેની જિંદગી નકામી છે.’ આખી દુનિયામાં આ જ પ્રમાણે ચાલે છે. હું તો આ બધા વિવિધ સંપ્રદાયના ઉત્કટ ઉપદેશકોને પકડી પકડી, એક ઓરડીમાં પૂરી દઈ, તેમના મશ્કરીભર્યા સુંદર હાસ્યની છબી જ પડાવી લઉં!

ધર્મની વર્તમાન પરિસ્થિતિ આવી છે. વસ્તુમાત્રની વર્તમાન પરિસ્થિતિ આવી છે. જે ધર્મનો હું પ્રચાર કરવા માગું છું તે એવો છે કે જે બધાં માનસોને એકસરખો સ્વીકાર્ય બને. તે જેટલો તત્ત્વચિંતનાત્મક તેટલો જ ઊર્મિશીલ, તેટલો જ રહસ્યમય અને તેટલો જ ક્રિયાપ્રેરક હોવો જોઈએ. જો કોલેજોમાંથી પ્રોફેસરો આવે, વૈજ્ઞાનિકો અને ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રીઓ આવે, તો તેઓ તર્કને પસંદ કરશે. તેમની ઇચ્છા હોય તેટલા તર્ક તેઓ ભલે કરે. એક એવી સ્થિતિ આવશે કે જ્યાં તેઓ માનશે કે તર્કને છોડ્યા સિવાય તેઓ આગળ જઈ શકશે નહીં. તેઓ કહેશેઃ ‘ઈશ્વર અને મુક્તિના આ વિચારો કેવળ વહેમો છે; તેમને છોડી દો.’ હું કહું છુંઃ ‘ભાઈ તત્ત્વવેત્તા! તમારું આ શરીર પણ મોટો વહેમ છે, તેને છોડો; ઘેર જમવા કે કોલેજમાં તત્ત્વજ્ઞાન શીખવવા ન જશો. શરીરનો ત્યાગ કરી દો, અને તેમ ન કરી શકો તો થોડુંક રડો અને બેસી જાઓ.’ કોલેજમાં તત્ત્વજ્ઞાન જે શીખવે છે, તેનો જીવનમાં કેવી રીતે અનુભવ કરવો તે ધર્મે બતાવવું જોઈએ. એ પ્રમાણે આપણે રહસ્યવાદીને પણ આવકારવો જોઈએ. તેને માનસ પૃથક્કરણની વિદ્યા આપવા અને વ્યવહારુ રીતે તેનો પ્રયોગ કરી બતાવવા તૈયાર રહેવું જોઈએ. ઊર્મીશીલ માણસો આવે તો આપણે તેમની સાથે બેસીને પ્રભુને નામે હાસ્ય અને રુદન કરવું જોઈએ. ‘પ્રેમનો પ્યાલો પીને પાગલ બનવું જોઈએ.’ જો ઉત્સાહી કાર્યકર આવે તો આપણે આપણી બધી શક્તિ લગાડીને તેની સાથે કામ કરવું જોઈએ. આ વિવિધ ભાવોનો સંયોગ વિશ્વધર્મની લગભગ નજીક પહોંચતો આદર્શ બનશે. હું તો ઈશ્વર પાસે એવું માગું કે આ બધા માણસો એવી રીતે ઘડાયેલા હોય કે તેમના મનમાં તત્ત્વજ્ઞાન, રહસ્યપ્રવણતા, ઊર્મિલતા અને કાર્યનાં બધાં તત્ત્વો સરખી રીતે અને પૂર્ણપણે અસ્તિત્વમાં હોય! આ મારો પૂર્ણ પુરુષ વિશેનો આદર્શ છે. બીજા જે કોઈમાં ચારિત્ર્યનાં આ લક્ષણોમાંથી માત્ર એક કે બે હોય, તેને હું ‘એકાંગી’ ગણું છું. આ દુનિયા ‘એકાંગી’ માણસોથી ભરેલી છે, ને જે માર્ગમાં તેઓ ચાલે છે તે એક જ માર્ગનું જ્ઞાન તેમને હોય છે; બીજું કાંઈ પણ તેઓને માટે ભયંકર અને ખતરનાક છે. આ ચારે ક્ષેત્રોમાં એકધારી સમતુલા મેળવવી તે મારો ધર્મનો આદર્શ છે. આ ધર્મ, ભારતમાં અમે જેને યોગ કહીએ છીએ તે દ્વારા પ્રાપ્ત થાય છે. કર્મયોગી માટે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો તે સંયોગ છે, રહસ્યવાદી માટે તેના જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંયોગ છે; પ્રેમી ભક્ત માટે પોતે અને પ્રેમસ્વરૂપ ઈશ્વર વચ્ચેનો સંયોગ છે અને તત્ત્વજ્ઞાની માટે તે સમગ્ર સત્તાની એકતા છે. યોગનો અર્થ આ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે અને યોગના આ ચાર વિભાગોનાં સંસ્કૃતમાં જુદાં જુદાં નામો છે. આ પ્રકારના યોગને જે મનુષ્ય શોધે છે તેને યોગી કહેવામાં આવે છે. કર્મ કરનાર કર્મયોગી કહેવાય છે, પ્રેમથી યોગ સાધનારો ભક્તિયોગી કહેવાય છે, રહસ્યવાદને માર્ગે સાધના કરનારને રાજયોગી કહેવાય છે અને તત્ત્વજ્ઞાન દ્વારા સાધના કરનારને જ્ઞાનયોગી કહેવાય છે એટલે આ યોગી શબ્દ બધાને આવરી લે છે.

હવે પ્રથમ હું રાજયોગ લઉં છું. આ રાજયોગ, આ મનોનિગ્રહ શું છે? આ દેશમાં યોગ શબ્દ સાથે તમે અનેક ભૂતપ્રેતોને સાંકળી લો છો, માટે શરૂઆતથી જ હું કહી દઉં કે યોગને આવી વસ્તુઓ સાથે કંઈ સંબંધ નથી. આમાંના કોઈ પણ યોગમાં બુદ્ધિને છોડી દેવાની નથી. તેમાંનો કોઈ તમને છેતરવાનું કહેતો નથી કે તમારી તર્કશક્તિને કોઈપણ પ્રકારના પુરોહિતોના હાથમાં સોંપી દેવાનું કહેતો નથી. તેમાંનો કોઈ તમને એમ પણ કહેતો નથી કે કોઈ દૈવી સંદેશવાહક ઉપર તમે પૂર્ણ વિશ્વાસ રાખો. તે દરેક તમને તમારી બુદ્ધિ અનુસાર જવાનું, તેને બરાબર વળગી રહેવાનું કહે છે. દરેક મનુષ્યમાં આપણે જ્ઞાનનાં ત્રણ પ્રકારનાં સાધનો જોઈએ છીએ. પ્રથમ છે સહજ પ્રેરણા કે જે પશુઓમાં વધારે વિકસિત થયેલી જોવામાં આવે છે; જ્ઞાનનું આ નીચામાં નીચું સાધન છે. જ્ઞાનનું બીજું સાધન શું છે? તર્ક, મનુષ્યમાં આ શક્તિ વિશેષરૂપે વિકસિત થયેલી તમે જોશો. હવે પ્રથમ તો સહજ પ્રેરણા અપૂરતું સાધન છે; પ્રાણીઓનું કાર્યક્ષેત્ર ઘણું મર્યાદિત છે અને તે મર્યાદામાં તે પ્રેરણા કામ કરે છે. મનુષ્યની બાબતમાં તમે જોઈ શકો છો કે તે મોટા પ્રમાણમાં બુદ્ધિરૂપે વિકાસ પામેલી છે. અહીં કાર્યક્ષેત્ર વધુ વ્યાપક બન્યું છે. છતાં તર્કબુદ્ધિ પણ ઘણી અપૂરતી છે. તર્ક થોડે સુધી જોઈ શકે છે; પછી તે અટકે છે, વધારે આગળ જઈ શકતો નથી. જો તમે તેને આગળ ધકેલવાનો પ્રયત્ન કરો તો પરિણામે નિરુપાય અને મૂંઝવણભરી સ્થિતિ ઊભી થાય છે અને તર્ક પોતે જ પોતાની વિરુદ્ધ બની જાય છે. તે વેળા તર્ક કૂંડાળામાં ફર્યા કરે છે. દાખલા તરીકે આપણા સંવેદનના પાયારૂપ દ્રવ્ય અને શક્તિ લો. દ્રવ્ય શું છે? તે એવું કંઈક છે કે જેના ઉપર શક્તિ ક્રિયા કરે છે અને શક્તિ? તે એવું કંઈક છે કે જે દ્રવ્ય ઉપર ક્રિયા કરે છે. આ ગોટાળો તમે સહેજે જોઈ શકો છો કે જેને તર્કશાસ્ત્રીઓ અન્યોન્યાશ્રય દોષ કહે છે; એટલે કે એક વિચાર બીજા ઉપર આધાર રાખે અને તે બીજો પહેલા ઉપર આધાર રાખે, તે આ છે. તર્કબુદ્ધિ સામે તમે એક મહાન અંતરાય જુઓ છો કે જેની પાર બુદ્ધિ જઈ શકતી નથી અને છતાંય અનંતના ક્ષેત્રમાં જવા માટે તે સદાય અધીરી હોય છે. જેને આપણી ઇંદ્રિયો અનુભવે છે અથવા જેના વિશે મન વિચાર કરે છે, આ જગત કે વિશ્વ સભાનતાના પ્રદેશ ઉપર પ્રક્ષિપ્ત થયેલ અનંતનો એક કણમાત્ર છે અને આ સંકુચિત સીમાની અંદર સભાનતાની જાળથી ઘેરાયેલી રહીને આપણી બુદ્ધિ કાર્ય કરે છે; તેથી આગળ જતી નથી. માટે આપણને તેની પાર લઈ જવા માટે બીજું કંઈક સાધન હોવું જોઈએ. તે સાધનને અંતઃપ્રેરણા કહેવાય છે. ટૂંકમાં સહજ પ્રેરણા, બુદ્ધિ અને અંતઃપ્રેરણા આ ત્રણ જ્ઞાનનાં સાધનો છે. સહજ પ્રેરણા પશુઓમાં, બુદ્ધિ મનુષ્યોમાં અને અંતઃપ્રેરણા દૈવી માનવોમાં હોય છે. પણ બધા માનવીઓમાં, ઓછેવત્તે અંશે વિકસિત થયેલાં આ ત્રણે સાધનોનાં બીજ જોવામાં આવે છે. આ માનસિક સાધનોનો વિકાસ થતો હોય તો તેમાં બીજ તો હોવાં જ જોઈએ; સાથે એ પણ યાદ રાખવું ઘટે કે આમાંનું દરેક સાધન બીજા સાધનનું વિકસિત રૂપ છે અને તેથી તે અન્યનું વિરોધી નથી. તર્કબુદ્ધિ જ વિકાસ પામીને અંતઃપ્રેરણા બને છે, તેથી અંતઃપ્રેરણા બુદ્ધિની વિરોધી નથી પણ તેની પૂર્તિરૂપ છે. જે વસ્તુઓને બુદ્ધિ પહોંચી શકતી નથી તેમને અંતઃપ્રેરણા અજવાળે છે, તે વિચારબુદ્ધિનો વિરોધ કરતી નથી. વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થાની વિરોધી નથી પણ તેની પૂર્તિ-રૂપ છે. તમારે હંમેશાં એટલું યાદ રાખવું કે નીચલી કક્ષાને ઉચ્ચ કક્ષાના સાધન તરીકે માની લેવાની ભૂલ કરવી તે બહુ જોખમકારક છે. ઘણીયે વાર સહજ પ્રેરણાને જગત સમક્ષ અંતઃપ્રેરણા તરીકે રજૂ કરવામાં આવે છે અને તેમાંથી ભવિષ્યવાણી કરવાની શક્તિના ખોટા દાવાઓ આગળ ધરવામાં આવે છે. કોઈ મૂર્ખ કે અર્ધગાંડો માણસ પોતાના મગજમાં ચાલતા ગોટાળાને અંતઃપ્રેરણા માની બેસે છે અને લોકો પોતાને અનુસરે તેમ ઇચ્છા કરે છે. જગતમાં જે પરસ્પર વિરોધી, અતાર્કિક વાહિયાત વાતોનો ઉપદેશ કરવામાં આવે છે તે પાગલોના મનના કેવળ અસંબદ્ધ પ્રલાપો માત્ર હોય છે, જેમને અંતઃપ્રેરણાના શબ્દોરૂપે રજૂ કરવામાં આવે છે.

સાચા ઉપદેશની પ્રથમ કસોટી એ હોવી જોઈએ કે તે તર્ક વિરુદ્ધ ન હોવો જોઈએ. તમે જોશો કે આ બધા યોગનો પાયો આ જ છે. આપણે રાજયોગ એટલે કે માનસશાસ્ત્રનો યોગ યાને યોગની માનસશાસ્ત્રીય પદ્ધતિ લઈએ. આ વિષય વિશાળ છે; હું તો આ યોગનો માત્ર મધ્યવર્તી વિચાર જ તમને બતાવી શકીશ. જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી પાસે માત્ર એક જ રીત છે. અધમમાં અધમ માણસથી માંડીને ઊંચામાં ઊંચા યોગી સુધી બધા માટે રીત તે જ છે. આ રીત એકાગ્રતાની છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી પોતાના મનની તમામ શક્તિ એક બિંદુમાં કેન્દ્રિત કરીને મૂળ તત્ત્વો ઉપર પ્રયોગ કરે છે ત્યારે તે તત્ત્વોનું પૃથક્કરણ થાય છે અને આ રીતે તેને જ્ઞાન મળે છે. ખગોળશાસ્ત્રી પણ પોતાના મનની શક્તિઓને એકાગ્ર કરીને એક કેન્દ્ર ઉપર લાવે છે અને દૂરબીનની સહાયથી તેમનો આકાશી પ્રયોગ કરે છે, પરિણામે તારાઓ અને નક્ષત્રમંડળો પોતાનું રહસ્ય તેની પાસે ઉઘાડું કરે છે. ખુરશી પર બેઠેલો અધ્યાપક કે પુસ્તક લઈને બેઠેલો વિદ્યાર્થી કે કંઈ પણ જાણવાનો પ્રયાસ કરતો હરકોઈ માણસ, સહુને માટે આ જ રીત છે. તમે મને સાંભળો છો. જો મારા શબ્દોમાં તમને રસ પડશે તો તમારું મન તેના ઉપર એકાગ્ર બનશે. તે વખતે જો ઘડિયાળના ટકોરા પડે તોપણ આ એકાગ્રતાને લીધે તમે તે સાંભળશો નહીં. તમે તમારા મનને જેમ વધારે ને વધારે એકાગ્ર બનાવશો તેમ તેમ તમે મને વધારે સારી રીતે સમજી શકશો; જેટલા પ્રમાણમાં હું મારો પ્રેમ અને શક્તિઓ વધારે એકાગ્ર કરીશ તેટલા પ્રમાણમાં તમને જે કહેવાનું છે તે હું સારી રીતે કહી શકીશ; જેટલી તમારી એકાગ્રતાની શક્તિ વધારે તેટલું તમને વધારે જ્ઞાન મળશે, કારણ કે જ્ઞાન મેળવવાનો આ એક જ ઉપાય છે. હલકામાં હલકો બુટપોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે; વધારે એકાગ્રતાથી રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. આ એક જ પોકાર છે, એક જ ટકોર છે, જેના વડે પ્રકૃતિનાં દ્વાર ઊઘડી જશે અને પ્રકાશનાં પૂર રેલાશે. જ્ઞાનના ભંડારની એકમાત્ર ચાવી આ એકાગ્રતાની શક્તિ છે. રાજયોગના નિરૂપણનો લગભગ એકમાત્ર વિષય આ છે. આપણા દેહની અત્યારની સ્થિતિમાં આપણે બહુ જ વ્યગ્ર રહીએ છીએ; આપણું મન સેંકડો વસ્તુઓમાં પોતાની શક્તિ વેડફી નાખે છે. જેવો હું મારા મનને શાંત કરવા અને જ્ઞાનના એક જ વિષય ઉપર કેન્દ્રિત કરવા મથું છે કે મગજમાં હજારો વણઇચ્છી ઊર્મિઓ ધસી આવે છે અને એકાગ્રતામાં વિક્ષેપ પાડે છે. તેમને કેમ અટકાવવી અને મન ઉપર કાબૂ કેમ મેળવવો, તે રાજયોગના અભ્યાસનો મુખ્ય વિષય છે.

હવે કર્મયોગ લઈએ, કર્મયોગ એટલે કર્મ દ્વારા ઈશ્વરપ્રાપ્તિ. આટલું તો સ્પષ્ટ છે કે સમાજમાં એવા ઘણા માણસો હોય છે કે જેઓ એક અગર બીજી પ્રવૃત્તિ કરવા માટે જ જાણે કે જન્મ્યા હોય, જેમનું મન એકલી વિચારની ભૂમિકા ઉપર એકાગ્ર બની શકતું ન હોય. એમને મન માત્ર એક જ વિચાર છેઃ પ્રત્યક્ષ અને ઇંદ્રિયોથી કરી શકાય એવું નક્કર કર્મ. આવા જીવન માટેનું પણ કોઈક શાસ્ત્ર તો હોવું જોઈએ. આપણામાંનો દરેક કોઈ ને કોઈ કામમાં રોકાયેલો તો હોય જ છે; જો કે મોટો ભાગ પોતાની શક્તિઓને વેડફી નાખતો હોય છે, કારણ કે આપણે કર્મનું રહસ્ય જાણતા હોતા નથી. કર્મયોગ આ રહસ્ય સમજાવે છે અને કર્મ કેમ અને કયાં કરવું, તથા આપણી પાસે જે કાર્ય હોય તેમાં આપણી શક્તિના મોટામાં મોટા ભાગને વધુમાં વધુ ઉપયોગમાં શી રીતે લેવો તે શીખવે છે. પણ આ રહસ્યની સાથોસાથ કર્મ સામેનો એક મોટો વાંધો આપણે લક્ષમાં લેવાનો છે; તે એ છે કે તે દર્દ કરાવે છે. સઘળાં દુઃખો અને દર્દ આસક્તિમાંથી આવે છે. મારે કામ કરવું છે, મારે મનુષ્યનું ભલું કરવું છે; પણ નેવું ટકા એવું બને છે કે જે માનવીને હું સહાય કરું છું તે કૃતઘ્ન બને છે અને મારી વિરુદ્ધ જાય છે. પરિણામે હું દુઃખી થાઉં છું. આવી વસ્તુઓ માનવીને કામ કરતો અટકાવે છે. દુઃખ અને પીડાનો આ ભય માનવજાતનાં મોટા ભાગનાં કાર્યોને બગાડે છે. કર્મયોગ આપણને કર્મ માટે જ કર્મ—આસક્તિરહિત કર્મ, કોને મદદ કરાય છે અને શા માટે કરાય છે તેનો ખ્યાલ કર્યા સિવાયનું કર્મ—કરવાનું શીખવે છે. કર્મયોગી કાર્ય કરે છે કારણ કે એ તેનો સ્વભાવ છે, કારણ કે તેને એમ લાગે છે કે તેમ કરવું તેને માટે સારું છે; અને તે ઉપરાંતનો બીજો કોઈ હેતુ હોતો નથી. આ જગતમાં તેનું સ્થાન દાતાનું છે; કંઈ પણ બદલો મેળવવાની દરકાર તે રાખતો નથી. પોતે આપે છે એટલું જ તે જાણે છે,બદલામાં તે કંઈ માગતો નથી અને તેથી જ તે દુઃખની ઝપટમાંથી છટકી જાય છે. જ્યારે જ્યારે દુઃખનો અનુભવ થાય છે ત્યારે ત્યારે તે કંઈક મેળવવાની વૃત્તિના પ્રત્યાઘાતરૂપે હોય છે.

ત્યાર પછી ઊર્મિશીલ માણસ માટે, પ્રેમી માટે, ભક્તિયોગ આવે છે. ભક્તને ઈશ્વર સાથે પ્રેમ કરવો છે અને તે માટે તે બધી જાતનાં અનુષ્ઠાનો—પુષ્પો, ધૂપ, સુંદર મકાનો, પ્રતિમાઓ અને આવી બધી ચીજો—ઉપર આધાર રાખે છે, તેમ જ તેનો ઉપયોગ પણ કરે છે. તમે એમ કહેવા માગો છો કે એ બધાનો ઉપયોગ ખોટો છે? એક હકીકત મારે તમને કહેવી જોઈએ. તમારે અને ખાસ કરીને આ દેશમાં સૌએ આટલું યાદ રાખવું ઉચિત છે કે જે સંપ્રદાયો પાસે પુરાણો અને અનુષ્ઠાનોની સમૃદ્ધિ હતી તેમાંથી જ દુનિયાની મહાન આધ્યાત્મિક વિભૂતિઓ ઉત્પન્ન થઈ છે. જે સંપ્રદાયોએ કોઈ પણ પ્રતિમા કે અનુષ્ઠાન વિના ઈશ્વરની ઉપાસના કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે ધર્મમાં જે કંઈ સુંદર અને ભવ્ય છે તેનો નિર્દયપણે નાશ કર્યો છે. તેમનો ધર્મ વધુમાં વધુ એક પ્રકારની ધર્માંધતા છે, એક શુષ્ક બાબત છે. જગતનો ઇતિહાસ આ વાતની સદાય સાક્ષી પૂરતો આવ્યો છે. માટે આ પુરાણો અને વિધિઓને ઉતારી પાડો નહીં. લોકો ભલે તેનો ઉપયોગ કરે; જેમની ઇચ્છા હોય તેઓ ભલે તે રાખે. અયોગ્ય અને ઉપહાસપૂર્ણ હાસ્ય કરીને એમ ન કહો કે ‘તેઓ મૂર્ખ છે. ભલે તેઓ તે રાખે.’ એમ નથી. મારા જીવનમાં જે મહાનમાં મહાન પુરુષોને મેં જોયા છે, જેમનામાં આધ્યાત્મિકતા અદ્‌ભુત વિકાસ પામેલી છે, તે બધા આ અનુષ્ઠાનો દ્વારા જ બધું મેળવી શકયા છે. જો હું મારી જાતને તેમના ચરણ પાસે બેસવા જેટલોય યોગ્ય ગણતો નથી, તો તેમની ટીકા કરવા તો કેમ તૈયાર થાઉં? માનવીના મન ઉપર આ વિચારો કેવી રીતે અસર કરે છે, તેમાંના કયા મારે ગ્રહણ કરવા અને કયાનો અસ્વીકાર કરવો, તે હું કેમ જાણી શકું? પૂરતા કારણ વિના જગતમાં બધી વસ્તુઓની ટીકા કરવાની આપણને ટેવ પડી છે. તમામ સુંદર પ્રેરણાઓથી ભરેલાં પુરાણોને લોકો ભલે સાચવે, કારણ કે તમારે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે ઊર્મિશીલ લોકો સત્યની સૂક્ષ્મ વ્યાખ્યાની પરવા કરતા નથી. તેઓ માટે ઈશ્વર કોઈ ઇંદ્રિયોથી ગ્રહણ કરી શકાય કે તેવું તત્ત્વ છે, એ જ એક માત્ર સત્ય વસ્તુ છે; તેઓ તેને અનુભવે છે, સાંભળે છે, જુએ છે અને ચાહે છે. તેઓ ઈશ્વરને ભલે એ રીતે સ્વીકારે. કોઈ સુંદર પ્રતિમા જોતાં જ તેને તોડી તે કઈ વસ્તુની બનેલી છે તે જોવા માગનારા તમારા તર્કવાદીઓ તેમને મન મૂર્ખા જેવા લાગે છે. ભક્તિયોગ કોઈ પણ સ્વાર્થી હેતુ સિવાય પ્રેમ કરવાનું શીખવે છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવાનું, ને સારા પ્રત્યે ચાહના રાખવાનું શીખવે છે, તેનું કારણ તે સ્વર્ગમાં લઈ જાય છે અગર સંતાનો કે પૈસો કે બીજું કાંઈ આપે છે તે નથી, પણ તે કલ્યાણકારી છે, તે છે. તે તો એમ શીખવે છે કે પ્રેમ એ જ પ્રેમનો પરમ પુરસ્કાર છે. ઈશ્વર પોતે જ પ્રેમસ્વરૂપ છે. સ્રષ્ટા, સર્વવ્યાપી, સર્વશક્તિમાન જગન્નિયંતા, માતાપિતા વગેરે સર્વ પ્રકારે ઈશ્વરની સ્તુતિ કરવાનું તે શીખવે છે. તેને વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ શબ્દ, માનવ મન કલ્પી શકે તેવો શ્રેષ્ઠ વિચાર, એ છે કે ઈશ્વર પ્રેમસ્વરૂપ છે. જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાં ઈશ્વર છે. ‘જ્યાં કશોક પણ પ્રેમ છે ત્યાં સર્વ સ્થળે તે રહેલો છે.’ જ્યારે પતિ પત્નીને ચૂમે છે ત્યારે એ ચુંબનમાં તે છે; મા બાળકને ચૂમે છે ત્યારે એ ચુંબનમાં તે છે; જ્યારે મિત્રો હાથ મિલાવે છે ત્યારે પ્રેમસ્વરૂપ ઈશ્વર ત્યાં હાજર છે; જ્યારે કોઈ મહાન આત્મા પ્રેમથી માનવજાતને સહાય કરવા માગે છે ત્યારે ઈશ્વર ત્યાં રહીને પોતાનો પ્રેમ માનવજાતને અર્પણ કરે છે; જ્યારે હૃદય વિકાસ પામે છે ત્યારે ત્યાં તે પ્રગટ થાય છે. ભક્તિયોગ જે શીખવે છે, તે આ છે.

છેવટે આપણે દૃશ્ય જગતથી પર જવા માગનાર, ફિલસૂફ, તત્ત્વચિંતક કે જ્ઞાનયોગી ઉપર આવીએ. આ જગતની ક્ષુદ્ર વસ્તુઓથી તે સંતોષ પામતો માનવી નથી. તેનો વિચાર રોજના ખાવાપીવા વગેરેના વ્યવહારથી પર જવાનો છે; હજારો પુસ્તકોનું શિક્ષણ તેને સંતોષ આપી નહીં શકે. સઘળાં વિજ્ઞાનો પણ તેને સંતોષ આપી શકે નહીં; બહુ તો એ વિજ્ઞાનો તેની સામે આ નાનકડી દુનિયા ખડી કરશે. ત્યારે બીજું શું તેને સંતોષ આપી શકશે? કરોડો બ્રહ્માંડો પણ તેને સંતોષ આપી નહીં શકે, કારણ તેને માટે તે માત્ર સત્તાના સાગરમાં એક બિન્દુ સમાન છે. તેના આત્માનો તો આ બધાથી પર જઈને, સત્ જેવું છે તેવા સ્વરૂપે તેને જોઈને, તેને અનુભવીને, તત્ત્વસ્વરૂપ બનીને, વિશ્વાત્મા સાથે એક બનીને સત્ના હાર્દમાં પહોંચવું છે. આ છે તત્ત્વજ્ઞાની. ઈશ્વર પિતા છે, માતા છે, વિશ્વનો કર્તા છે, રક્ષક અને નિયામક છે વગેરે કહેવું તેને મન પૂરતું નથી; તેને માટે ઈશ્વર પ્રાણનો પ્રાણ અને આત્માનો આત્મા છે. ઈશ્વર સ્વયં પોતાનું સ્વરૂપ છે. ઈશ્વરથી અન્ય કોઈ બીજું કંઈ નથી. તેનાં બધાં નાશવંત તત્ત્વો તત્ત્વજ્ઞાનના ભારે પ્રહારથી ભુક્કા થઈને સાફ થઈ જાય છે; અને જે ખરેખર શેષ રહે છે તે સ્વયં ઈશ્વર છે.

એક જ વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠાં છે; એક જરા ઊંચે છે, બીજું નીચે છે. ઊંચે બેઠેલ પક્ષી શાંત, મૂંગું અને ભવ્ય છે; તે પોતાના જ મહિમામાં મગ્ન રહેલું છે. નીચેની ડાળીઓ પર બેઠેલું પક્ષી વારાફરતી કડવાંમીઠાં ફળો ખાય છે, એક શાખાથી બીજી શાખા ઉપર કૂદે છે અને વારાફરતી સુખ-દુઃખ અનુભવે છે. થોડા વખત પછી નીચેનું પક્ષી અત્યંત કડવું ફળ ખાય છે અને તેથી કંટાળે છે અને ઊંચે જુએ છે. ત્યાં તે પેલું સુવર્ણનાં પીછાંવાળું અદ્‌ભુત પક્ષી કે જે કડવાં કે મીઠાં ફળો ખાતું નથી, સુખ કે દુઃખ અનુભવતું નથી પણ શાંત અને આત્મસ્થ રહે છે, જે આત્મા સિવાય બીજું કંઈ જોતું નથી. તે બીજા પક્ષીને જુએ છે. નીચેના પક્ષીને આવી સ્થિતિ પ્રાપ્ત કરવા ઇચ્છા થાય છે. પણ તરત જ તે ભૂલી જાય છે અને વળી પાછું ફળ ખાવા મંડી પડે છે. થોડા સમયમાં વળી તે ફરીથી અત્યંત કડવું ફળ ખાય છે, તેથી દુઃખી થાય છે અને ફરીથી ઊંચે જુએ છે; અને ત્યારે ઉપર બેઠેલા પક્ષીની નજીક આવવા પ્રયાસ કરે છે. વળી પાછું તે ભૂલી જાય છે અને થોડા સમય પછી વળી પાછું તે ઊંચે જુએ છે. આમ વારંવાર થયા કરે છે. છેવટે તે સુંદર પક્ષીની બિલકુલ નજીક આવી જાય છે અને ત્યારે તે પોતાના શરીર ઉપર પેલાનાં પીછાંમાંથી નીકળતો પ્રકાશ દેખે છે, પોતામાં પરિવર્તન થતું લાગે છે અને પોતે જાણે ઓસરી જતું હોય તેવો અનુભવ કરે છે. તે હજુ વધારે સમીપ આવે છે અને તેનું સર્વસ્વ ગળી જાય છે. અંતે તે આ અદ્‌ભુત પરિવર્તન સમજી શકે છે. નીચેનું પક્ષી જાણે કે ઊંચે બેઠેલા પક્ષીનો સાચો દેખાતો પડછાયો, તેનું પ્રતિબિંબ હતું. વસ્તુતઃ તે પોતે જ બધો વખત ઉપર બેઠેલું પક્ષી જ હતું. કડવાંમીઠાં ફળ ખાતું આ નીચેનું નાનું પક્ષી વારાફરતી રડતું અને સુખી થતું, તે માત્ર મિથ્યા ભ્રમણા હતી, એક સ્વપ્ન હતું. બધો વખત સાચું પક્ષી ઉપર જ હતું. શાંત અને સ્વસ્થ, ભવ્ય અને ગૌરવભર્યું, શોક અને દુઃખથી પર, ઉપરનું પક્ષી તે ઈશ્વર, આ જગતનો પ્રભુ છે. નીચેનું પક્ષી તે માનવ આત્મા છે કે જે દુનિયાનાં કડવાંમીઠાં ફળ ખાય છે. વારંવાર આત્મા ઉપર ભારે પ્રહાર પડે છે. થોડો વખત તે ખાતો અટકી જાય છે, એ અજ્ઞાત ઈશ્વર તરફ વળે છે, એને તેજનો પુંજ દેખાય છે. એ એમ માનતો થાય છે કે આ દુનિયા માત્ર મિથ્યા પડછાયો છે. વળી પાછી ઇંદ્રિયો તેને નીચે ખેંચી જાય છે અને અગાઉની માફક તે આ દુનિયાનાં કડવાંમીઠાં ફળો ચાખે છે. વળી પાછો એક અસામાન્ય આઘાત તે અનુભવે છે. તેનું હૃદય દિવ્ય પ્રકાશ માટે ઉઘાડું થાય છે. આમ ધીરે ધીરે તે ઈશ્વરની સમીપ જાય છે અને જેમ તે નજીક ને નજીક જાય છે, તેમ તેને પોતાનું જૂનું સ્વરૂપ ઓસરતું જણાય છે. તે પૂરતો નજીક પહોંચે છે ત્યારે તેને લાગે છે કે પોતે ઈશ્વર સિવાય બીજો કોઈ નથી અને તે પોકારી ઊઠે છેઃ ‘જેને હું આ વિશ્વના જીવનરૂપે, અણુમાં અને સૂર્ય તેમજ ચંદ્રમાં રહેલ રૂપે તમારી સમક્ષ વર્ણવતો હતો, તે જ આપણા જીવનનું મૂળ છે; આપણા આત્માનો આત્મા છે. અરે, તું તે જ છે.’ જ્ઞાનયોગ જે શીખવે છે તે આ છે. માણસને તે કહે છે કે તે ખરેખરો દિવ્ય છે. માનવજાતને જીવનની એકતા બતાવે છે અને આપણામાંનો દરેક જણ પૃથ્વી ઉપર પ્રકટ થયેલો ઈશ્વર પોતે જ છે, તેમ દાખવે છે. આપણા પગ નીચે સળવળતા ક્ષુદ્રમાં ક્ષુદ્ર અળસિયાથી માંડીને જેના પ્રત્યે આપણે આશ્ચર્ય અને ભયથી જોઈએ છીએ તેવા ઊંચામાં ઊંચા આત્માઓ સુધી, બધા એ જ ઈશ્વરનાં પ્રકટ સ્વરૂપો છે.

છેવટે આ બધા યોગોને જીવનમાં ઉતારવા તે ઘણું આવશ્યક છે; કેવળ તેના સિદ્ધાંતો કોઈ કામના નથી. પ્રથમ આપણે તેનું શ્રવણ કરવું જોઈએ; પછી તે વિષે ચિન્તન કરવું જોઈએ. આપણે વિચારોને તર્કથી સમજવા જોઈએ, તેને આપણા મન ઉપર દૃઢ કરવા જોઈએ, તેના ઉપર ધ્યાન કરવું જોઈએ, તેનો અનુભવ કરવો જોઈએ અને જ્યાં સુધી તેમાં આપણું આખું જીવન તન્મય ન થાય ત્યાં સુધી તેને અનુભવમાં ઉતારવા જોઈએ. પછી ધર્મ માત્ર વિચારો કે સિદ્ધાંતોનો પુંજ કે બૌદ્ધિક સ્વીકાર જ નહીં રહે; તે આપણા આત્મામાં પ્રવેશ કરશે. બુદ્ધિના સ્વીકારથી આજે આપણે ઘણી મૂર્ખાઈભરી વસ્તુઓ માની શકીએ છીએ અને કાલે વળી આપણા વિચારો બદલીએ, પણ ખરો ધર્મ કદી પણ બદલાતો નથી. ધર્મ એ સાક્ષાત્કાર છે; તે વાતો નથી, સિદ્ધાંતો નથી કે વિધાનો નથી—પછી તે ભલે ગમે તેવાં સુંદર હોય! તે માત્ર સાંભળવાનું અને સ્વીકારવાનું નથી, પણ તેમાં તન્મય થવું, તદ્રુપ થવું એ છે, જેમાં શ્રદ્ધા હોય તે સ્વરૂપમાં આત્મા સંપૂર્ણપણે પલટાઈ જવો તે છે. આનું નામ છે ધર્મ.

Total Views: 148
૧. ધર્મનો દાવો
૩. ધર્મની પદ્ધતિઓ અને હેતુઓ