(રવિવાર, જાન્યુઆરી ૫, ૧૮૯૬)
તમારા બાળપણમાં આનંદની ઊર્મિ સાથે તમે જોયેલા ભવ્ય સૂર્યોદયની તમને ઘણાને યાદ હશે. તમારા પૈકી બધા જ, જીવનમાં ક્યારેક ક્યારેક સુંદર સૂર્યાસ્તને નીરખતા ઊભા પણ હશો અને કંઈ નહીં તો કલ્પનાથી પણ દૃશ્ય જગતને પેલે પાર જોવાનો પ્રયત્ન પણ કરતા હશો. વસ્તુતઃ સમગ્ર વિશ્વના પાયામાં જ આ રહેલું છેઃ આ અનંતમાંથી ઉદય પામવું અને તેમાં અસ્ત થઈ જવું, આ સમગ્ર વિશ્વનું કોઈક અજ્ઞાત તત્ત્વમાંથી ઉત્પન્ન થવું અને તે જ અજ્ઞાત તત્ત્વમાં પાછું વિલીન થઈ જવું; ભાંખોડિયા ભરતા બાળકરૂપે અંધકારમાંથી આવવું અને વૃદ્ધરૂપે અંધકારમાં પાછું સરકી જવું.
‘આપણું આ વિશ્વ-તર્કગમ્ય, બુદ્ધિગમ્ય, ઇંદ્રિયગમ્ય જગત, બંને બાજુએથી અસીમ, અગમ્ય, ચિર અજ્ઞાત (તત્ત્વ) દ્વારા સીમિત થયેલ છે. શોધ અહીં જ છે, પૃચ્છા અહીં જ છે, હકીકતો અહીં જ છે. દુનિયા જેને ધર્મ તરીકે ઓળખે છે, તેનો પ્રકાશ આમાંથી જ આવે છે. છતાં પણ, તત્ત્વતઃ ધર્મ ઇંદ્રિયાતીત ક્ષેત્રની વસ્તુ છે, ઇંદ્રિયગમ્ય ક્ષેત્રની નહીં. એ તત્ત્વ બધા તર્કથી પર છે અને બુદ્ધિના ક્ષેત્રમાં નથી. તે એક દર્શન છે, એક પ્રેરણા છે, અજ્ઞાત અને અજ્ઞેયમાં તે એક ભૂસકો છે, અજ્ઞેયને જ્ઞાત કરતાં વિશેષ બતાવે છે, કારણ કે તે કદી પણ ‘જ્ઞાત’ થઈ શકતું નથી. હું માનું છું, માનવસમાજના પ્રારંભથી જ મનુષ્યના મનમાં આ જિજ્ઞાસા રહેલી છે. આ સંગ્રામ સિવાય, પર વસ્તુ માટેની આ જિજ્ઞાસા વિના, જગતના ઇતિહાસના કોઈ પણ કાળમાં માનવ તર્ક અને માનવ બુદ્ધિ સંભવી શકે જ નહીં. આપણા આ નાનકડા બ્રહ્માંડમાં, આ માનવમનમાં, આપણને એક વિચારનો ઉદ્ભવ થાય છે. ક્યાંથી તે ઉદ્ભવે છે તે આપણે જાણતા નથી; તેમ જ ક્યારે તે અદૃશ્ય બને છે, ક્યાં તે જાય છે, તે પણ આપણે જાણતા નથી. સમષ્ટિ અને વ્યષ્ટિ, જાણે કે, એક જ ખાંચામાં છે, એક જ ભૂમિકાઓમાં થઈને પસાર થાય છે અને એક જ સૂરમાં વાગે છે.
‘ધર્મ બહારથી નહીં પરંતુ અંદરથી આવે છે,’ એ હિંદુઓનો સિદ્ધાંત તમને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. મારી એ માન્યતા છે કે ધાર્મિક વિચાર માનવીના બંધારણમાં જ રહેલા છે. તે એટલે સુધી કે જ્યાં સુધી તે પોતાના મન અને શરીરનો ત્યાગ ન કરી શકે, પોતાના વિચારો અને જીવનને અટકાવી ન શકે, ત્યાં સુધી ધર્મનો ત્યાગ કરવાનું તેને માટે અસંભવિત છે. મનુષ્ય વિચાર કરે છે ત્યાં સુધી આ સંગ્રામ ચાલ્યા જ કરવાનો અને ત્યાં સુધી માનવી પાસે ધર્મનું કોઈ પણ એક સ્વરૂપ હોવું જ જોઈશે. આમ આપણે દુનિયામાં વિવિધ પ્રકારના ધર્મો જોઈએ છીએ. એ ભારે ગૂંચવણભર્યો અભ્યાસ છે તેની ના નહીં; પરંતુ ઘણા માને છે તેમ તે કોઈ વ્યર્થ અડસટ્ટો નથી. આ વિષમતામાં પણ સમાનતા છે, આ બેસૂરા અવાજોમાં પણ મેળનો એક સૂર છે; અને તેને સાંભળવા જે તૈયાર હશે, તે એ સૂરને પકડી લેશે.
‘આજના યુગમાં બધા પ્રશ્નોમાં સૌથી મહાન પ્રશ્ન આ છેઃ માની લઈએ કે જ્ઞાત અને જ્ઞેય, બંને બાજુએથી અજ્ઞેય અને અનંત અજ્ઞાત વડે સીમિત છે, તો પછી આ એ અજ્ઞેયને માટે પ્રયત્ન જ શા માટે? જ્ઞાતથી જ આપણે શા માટે સંતુષ્ટ ન રહેવું? ખાઈ, પીને થોડુંક લોકકલ્યાણ કરીને આપણે શા માટે સંતોષ ન માની લેવો? આ ભાવના વાતાવરણમાં છે. વિદ્વાનમાં વિદ્વાન પ્રાધ્યાપકોથી માંડીને વગર સમજ્યે બડબડ કરતા બાળકને મોંઢેથીયે આપણને કહેવામાં આવે છે કે જગતનું કલ્યાણ કરો, એમાં જ બધો ધર્મ સમાઈ જાય છે અને જગતથી પર વસ્તુના પ્રશ્નો વિશે મગજને તકલીફ આપો નહીં.’ આ ભાવના એટલી બધી પ્રબળ થઈ ગઈ છે કે જાણે એ સ્વતઃસિદ્ધ સત્ય બની ગઈ છે.
‘પરંતુ સદ્ભાગ્યે આપણે અજ્ઞાત વિશેની પૃચ્છા કરવી જ પડશે. આ વિદ્યમાન, આ વ્યક્ત જગત તે અવ્યક્તનો માત્ર એક ભાગ જ છે. આ ઇંદ્રિયગ્રાહ્ય જગત, જાણે કે, જે ઇંદ્રિયગમ્ય ક્ષેત્રમાં ભાસે છે. તે અનંત આધ્યાત્મિક જગતનો માત્ર એક ભાગ, એક અંશ છે, જે પર વસ્તુ છે, તેને જાણ્યા સિવાય જગતના આ અલ્પ અંશને કેવી રીતે સમજાવી શકાય કે સમજી શકાય? સોક્રેટિસ વિશે કહેવાય છે કે એક દિવસે તે એથેન્સમાં વ્યાખ્યાન આપતો હતો ત્યારે ગ્રીસ દેશમાં પ્રવાસ કરતો એક બ્રાહ્મણ તેને મળ્યો. સોક્રેટિસે તે બ્રાહ્મણને કહ્યુંઃ માનવજાતને માટે અભ્યાસનો સર્વોચ્ચ વિષય મનુષ્ય પોતે જ છે. બ્રાહ્મણે તરત કટાક્ષપૂર્વક પ્રત્યુત્તર આપ્યોઃ ‘ઈશ્વરને ન જાણો ત્યાં સુધી તમે માણસને કેવી રીતે જાણી શકો?’ આ ઈશ્વર, આ સદૈવ અજ્ઞેય અથવા નિરપેક્ષ અથવા અનંત અથવા અનામી તત્ત્વ—તમને ફાવે તે નામ તેને આપો—એ જ જે કંઈ જ્ઞાત અને જ્ઞેય છે તેનો, આ વિદ્યમાન જીવનનો, એક માત્ર તર્કશુદ્ધ ખુલાસો છે, એક માત્ર તર્કશુદ્ધ ઉત્પત્તિ છે. તમારી સમક્ષ પડેલી કોઈ પણ સ્થૂળમાં સ્થૂળ વસ્તુ લો- ભૌતિકમાં ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રોમાંથી કોઈ પણ એક લોઃ જેવું કે રસાયણશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને તેનો અભ્યાસ કરો. આ અભ્યાસ આગળ અને આગળ કરતા જાઓ. એમ કરતાં કરતાં આ સ્થૂળ રૂપો લય પામતાં પામતાં ક્રમશઃ વધુ ને વધુ સૂક્ષ્મ બનતાં જશે અને અંતે તે એક એવી સ્થિતિએ પહોંચશે કે જ્યાં આ ભૌતિક વસ્તુઓ ઉપરથી અભૌતિકમાં તમારે એક વિશાળ ફાળ ભરવી પડશે. જ્ઞાનના દરેક વિભાગમાં, સ્થૂળનો લય સૂક્ષ્મમાં અને પદાર્થવિજ્ઞાનનો લય તત્ત્વજ્ઞાનમાં છે.’
આ પ્રમાણે આપણી સમક્ષ જે કાંઈ છે—આપણો સમાજ, આપણા પરસ્પર સંબંધો, આપણો ધર્મ અને જેને નીતિ કહો છો તે બધાંની એ જ સ્થિતિ છે. માત્ર ઉપયોગિતાની ભૂમિકા ઉપરથી જ નીતિની એક પદ્ધતિ રચવાના પ્રયાસો થાય છે. કોઈ પણ માણસને નીતિની આવી તર્કશુદ્ધ પદ્ધતિ યોજી આપવાનું હું આહ્વાન આપું છું. કહે છે કે બીજાઓનું ભલું કરો. શા માટે? કારણ કે તે સૌથી વધારે ઉપયોગી છે. ધારો કે એક માણસ એમ કહેઃ ‘હું ઉપયોગિતાની પરવા નથી કરતો. બીજાંનાં ગળાં કાપીને મારે તો ધનવાન થવું છે.’ તમે શો જવાબ આપશો? હેરીડ (એક અતિક્રૂર રાજા)ને પણ આંટે એવી આ નિર્ઘૃણ વૃત્તિ છે. પણ દુનિયાનું સારું કરવામાં મને શો લાભ છે? શું બીજાઓ સુખી થાય તે સારુ મારે મારું જીવન ઘસી નાખવું, એવા મૂર્ખ મારે થવું? જો દુનિયામાં સમાજથી પર બીજું કાંઈ ચેતનતત્ત્વ જ ન હોય, જો પાંચ ઇંદ્રિયો સિવાય જગતમાં બીજી કોઈ સત્તા જ ન હોય, તો હું પોતે જ શા માટે સુખી ન થાઉં? જ્યાં સુધી હું પોલીસથી બચી શકું ત્યાં સુધી મારા ભાઈઓનાં ગળાં રહેંસીને સુખી બનવામાંથી મને કોણ અટકાવે?’ તમે આનો શો જવાબ આપશો? તમારે કંઈક ઉપયોગિતા તો બતાવવી જ જોઈશે. તમારી ભૂમિકા ઉપરથી તમને ધકેલવામાં આવે ત્યારે તમે જવાબ આપો છોઃ ‘મિત્ર! સારા થવું તે સારું છે.’ માનવીના મનમાં એવી કઈ શક્તિ છે કે જે એમ કહે છે કે ‘સારું કરવું એ સારું છે,’ કે જે આપણી સમક્ષ આત્માનો મહિમા, સારાપણાનું સૌંદર્ય, ભવ્ય દૃશ્યરૂપે રજૂ કરે છે, તેની અનંત શક્તિ. આનું નામ ઈશ્વર છે. ખરું કે નહીં?
બીજું, હવે હું જરા નાજુક ભૂમિકા ઉપર આવું છું. હું કહું છું તેના ઉપર તમે બરાબર ધ્યાન આપજો; ઉતાવળા નિર્ણયો ન કરશો. આ દુનિયાને આપણે કંઈ વિશેષ લાભ નથી કરી શકતા. જગતનું કલ્યાણ કરવું ઘણું સારું છે; પણ દુનિયાનું ઝાઝું કલ્યાણ આપણે કરી શકીએ છીએ ખરા? સેંકડો વર્ષોથી આપણે પુરુષાર્થ કરતા આવ્યા છીએ છતાં આપણે દુનિયાનું કંઈ વધારે કલ્યાણ કરી શક્યા છીએ? દુનિયામાં સુખનો કુલ સરવાળો આપણે વધાર્યો છે? દુનિયાના સુખ માટે હજારો સાધનો રોજરોજ પેદા કરવામાં આવ્યાં છે; અને સૈકાઓથી, હજારો વર્ષોથી, આમ ચાલ્યા જ કરે છે. હવે હું તમને પૂછું છુંઃ સો વરસ પહેલાં હતો તેના કરતાં દુનિયાનાં સુખનો સરવાળો આજે વધ્યો છે? એ બને એમ નથી. સમુદ્રમાં જે કોઈ મોજું ઊછળે છે તે અન્ય કોઈ સ્થળે ઊંડાણના ભોગે જ ઉત્પન્ન થાય છે. જો કોઈ પ્રજા ધનિક અને શક્તિશાળી બને, તો તે ક્યાંક પણ અન્ય પ્રજાને ભોગે જ બને. યંત્રનો શોધાયેલો પ્રત્યેક ભાગ વીસ માણસોને પૈસાદાર બનાવશે. તો સાથે વીસ હજારને ગરીબ બનાવશે. હરીફાઈનો આ કાનૂન સર્વવ્યાપી છે. વ્યક્ત થયેલી શક્તિનો સરવાળો કાયમ એકસરખો જ રહે છે. આ સાહસ અતિ મૂર્ખાઈભર્યું પણ છે. દુઃખ વગર સુખ મળે તેમ કહેવું એ તર્ક વિરુદ્ધ છે. બધાં સાધનોના વધારાથી તમે દુનિયાની જરૂરિયાતો વધારો છો; અને વધારે જરૂરિયાતો એટલે અતૃપ્ત તૃષા, જે તમે કદી તૃપ્ત કરી શકવાના નથી. આ જરૂરિયાતને, આ તૃષાને કોણ છિપાવી શકશે? જ્યાં સુધી આ તૃષા છે, ત્યાં સુધી દુઃખ અનિવાર્ય છે. જીવનનો સ્વભાવ જ અનુક્રમે સુખી અને દુઃખી થવાનો છે. વળી આ દુનિયાને સુખી કરવાનું શું તમારા માટે જ બાકી રાખવામાં આવ્યું છે? આ વિશ્વમાં શું બીજી કોઈ સત્તા કાર્ય કરતી નથી? સનાતન, સર્વશક્તિમાન, સદા દયામય, સર્વદા જાગ્રત, દુનિયા જ્યારે ઊંઘે છે ત્યારે જેની આંખની પાંપણ કદી મટકું પણ મારતી નથી, તેવો ઈશ્વર શું તમને અને મને આ દુનિયાને સોંપી દઈને મરી પરવાર્યો છે? આ અનંત આકાશ જાણે કે એનાં સદાય ખુલ્લાં નેત્રો છે, તે શું મરી પરવાર્યો છે? શું તે આ જગતમાં પ્રવૃત્તિશીલ નથી? જગત તો ચાલ્યા જ કરે છે; તમારે ઉતાવળા થવાની જરૂર નથી, એને માટે તમારે દુઃખી થવાની પણ જરૂર નથી.
(અહીંયાં સ્વામીજીએ એક દાખલો આપ્યો હતો. એક માણસે પોતાનું કામ કરવા ભૂતને બોલાવ્યો, પણ તે પૂરું થઈ રહ્યા પછી પેલો માણસ તેને બધો વખત પૂરું કામ આપી શક્યો નહીં. છેવટે ભૂતને કામમાં રાખવા માટે કૂતરાની વાંકી પૂંછડી સીધી કરવાનું કામ તેને સોંપ્યું!)
દુનિયાનું ભલું કરવાની બાબતમાં, આપણી પણ સ્થિતિ આવી છે. એટલે ભાઈઓ! આ સેંકડો અને હજારો વર્ષોથી આપણે કૂતરાની પૂંછડીને સીધી કરવાની પ્રવૃત્તિમાં પડ્યા છીએ. એ તો સંધિવા જેવું છે. પગમાંથી એને કાઢો, તો એ માથે ચડે; અને ત્યાંથી કાઢો તો વળી ક્યાંક બીજે દેખાય.
તમારામાંથી ઘણાને લાગશે કે જગત વિશેનો આ ખ્યાલ ભયંકર અને નિરાશાવાદી છે, પણ તેવો નથી. આશાવાદ અને નિરાશાવાદ બંને ખોટા છે; બંને અંતિમ છેડાઓને જ પકડે છે. માણસને જ્યાં સુધી પુષ્કળ ખાવાપીવાનું અને સારી રીતે ઓઢવાપહેરવાનું મળે છે, ત્યાં સુધી તે આશાવાદી હોય છે; પણ તે જ માણસ તે બધું જ્યારે ગુમાવે છે ત્યારે નિરાશાવાદી બની જાય છે. માણસ જ્યારે બધી દોલત ગુમાવે છે ત્યારે નિરાશાવાદી બની જાય છે. માણસ જ્યારે બધી દોલત ગુમાવે છે અને ખૂબ ગરીબ બની જાય છે ત્યારે જ તેનામાં વિશ્વભ્રાતૃભાવના વિચારો પૂરા જોશથી જાગે છે. દુનિયા આવી છે અને જેમ જેમ હું જુદા જુદા દેશોમાં ફરું છું અને જગત જોતો જાઉં છું, તથા જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું તેમ તેમ હું આ બંને છેડા—આશાવાદ અને નિરાશાવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું. આ દુનિયા સારી નથી તેમ ખરાબેય નથી. આ તો ઈશ્વરની સૃષ્ટિ છે; સારા અને ખરાબ બંનેથી તે પર છે. તે સ્વયંસંપૂર્ણ છે. કેવળ ઈશ્વરની ઇચ્છા જ કામ કરી રહી છે અને આ વિવિધ ચિત્રો બતાવી રહી છે. આમ આદિ અને અંત વિના તે ચાલ્યા જ કરશે. તે એક મોટી વ્યાયામશાળા છે કે જ્યાં મારે, તમારે અને લાખો આત્માઓએ આવીને, કસરતો કરીને પોતાને મજબૂત અને પૂર્ણ બનાવવા પડે છે. આને માટે જ તે રચાઈ છે. ઈશ્વર દુનિયાને પૂર્ણ બનાવી ન શક્યો હોત એવું નથી; એમ પણ નથી કે જગતનાં દુઃખોને તે નિવારી શક્યો ન હોત. એક યુવાન સ્ત્રી અને પાદરીની વાત તમને યાદ હશે. બંને જણાં દૂરબીનમાંથી ચંદ્રને જોતાં હતાં; તેમણે ચંદ્રના ડાઘા જોયા. પાદરીએ કહ્યુંઃ ‘જરૂર તે બધાં કોઈ દેવળોનાં શિખરો છે.’ પેલી યુવાન સ્ત્રી બોલી ઊઠીઃ ‘એ વાત બરાબર નથી. જરૂર તેઓ યુવાન પ્રેમી યુગલો છે અને એકબીજાને ચુંબન આપી રહ્યાં છે.’ આ દુનિયાને આપણે આમ જ જોઈએ છીએ. આપણે જ્યારે તેની અંદર હોઈએ ત્યારે આપણે માનીએ છીએ કે તેની અંદરનું આપણે દેખીએ છીએ. એમ અસ્તિત્વની જે ભૂમિકા પર આપણે હોઈએ તે ભૂમિકા પ્રમાણે આપણે વિશ્વને જોઈએ છીએ. રસોડાનો અગ્નિ સારો પણ નથી અને ખરાબ પણ નથી. જ્યારે તે તમારી રસોઈ પકાવે છે ત્યારે તમે તેને ‘કેવો સારો છે’ કહીને વખાણો છો અને જ્યારે તે તમારાં આંગળાં દઝાડે છે ત્યારે ‘આ ભારે મુસીબત છે!’ કહીને તેને વખોડો છો. તે જ પ્રમાણે આ જગત સારું પણ નથી અને ખરાબ પણ નથી, તેમ કહેવું એ સત્ય અને તર્કશુદ્ધ છે. જગત એ જગત જ છે અને કાયમ એ જ રહેશે! જો આપણે એના પ્રત્યે એવી દૃષ્ટિથી જોઈએ કે તેનું કાર્ય આપણને હિતાવહ છે તો આપણે તેને સારું કહીએ છીએ; જો આપણે એવી સ્થિતિમાં મુકાઈએ કે જ્યાં તે દુઃખદાયક લાગે તો આપણે તેને ખરાબ કહીએ છીએ. તમને હંમેશાં જણાશે કે નિર્દોષ અને આનંદી સ્વભાવનાં, કોઈને હાનિ પહોંચાડે નહીં તેવાં, ઘણાં બાળકો આશાવાદી હોય છે; હંમેશાં તેઓ સોનેરી સ્વપ્નાં સેવતાં હોય છે. જે વૃદ્ધ મનુષ્યોના હૃદયમાં આકાંક્ષાઓ બધી જ ભરેલી હોય છે, પણ તે પૂર્ણ કરવાના ઉપાયો તેમની પાસે હોતા નથી; અને ખાસ કરીને તો જેમણે દુનિયાના અનેક ધક્કાધૂંબા ખાધા હોય છે, તેઓ ઘણા નિરાશાવાદી હોય છે. ધર્મ તો સત્યને જાણવા માગે છે અને સૌ પહેલું તેણે જે શોધી કાઢ્યું તે એ કે આ સત્યના જ્ઞાન સિવાય કોઈ જિંદગી જીવવા જેવી હશે નહીં.
‘જો આપણે આ પરતત્ત્વને જાણી ન શકીએ તો જિંદગી ઉજ્જડ વેરાન બની જશે, માનવજીવન વ્યર્થ બનશે. એમ કહેવું ઠીક છે કે આ અત્યારે છે તે પરિસ્થિતિમાં જ સંતોષ માનો. ગાયો, કૂતરાં અને બધાં પશુઓ આમ જ સંતોષ માને છે અને તેથી જ તેઓ પશુઓ થયાં છે. તેથી જો મનુષ્ય વર્તમાન અવસ્થાથી જ સંતુષ્ટ રહે અને પરતત્ત્વ વિશેની સર્વ જિજ્ઞાસા છોડી દે, તો સમગ્ર માનવજાત ફરી વાર પશુકક્ષાએ ઊતરી પડે. માણસ અને પશુની વચ્ચે જે ભેદ પાડે છે તે ધર્મ છે. આ પરતત્ત્વની શોધ છે. એ ઠીક જ કહેવાયું છે કે માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જે સ્વાભાવિક રીતે જ ઊંચું જુએ છે; બીજું પ્રત્યેક પ્રાણી કુદરતી રીતે જ નીચી દૃષ્ટિથી જુએ છે. એ ઊર્ધ્વદર્શન, ઊર્ધ્વગમન અને પૂર્ણત્વને પામવાના પ્રયત્નને જ મુક્તિ કહેવામાં આવે છે; અને માણસ વધુ ઊંચે જવાનું જેટલું વહેલું શરૂ કરે તેટલો તે મોક્ષરૂપી સત્ય તરફ વહેલો આગળ વધે છે. મુક્તિ કાંઈ તમારા ખિસ્સામાં પડેલ નાણાંમાં કે તમે જે પોશાક પહેરો છો તેમાં, અગર તમે જે ઘરમાં રહો છો તેમાં નથી, પરંતુ તમારા મગજમાં રહેલ આધ્યાત્મિક ભાવનાની સંપત્તિમાં છે. આ ભાવના જ માનવજાતને ઉન્નત બનાવે છે. બધી ભૌતિક અને બૌદ્ધિક ઉન્નતિનું મૂળ એ જ છે, બધાની પાછળ રહેલું પ્રેરક બળ એ જ છે, માનવજાતને આગળ ધકેલનાર ઉત્સાહશક્તિ એ જ છે.
વળી માનવજાતનું અંતિમ લક્ષ્ય શું છે? શું તે સુખ છે? ભોગવિલાસ છે? જૂના કાળમાં એમ કહેવાતું કે સ્વર્ગમાં જઈને લોકો વાજાં વગાડશે અને સિંહાસનની આજુબાજુ રહેશે. આધુનિક સમયમાં હું જોઉં છું કે તેઓ આ આદર્શને ખૂબ નબળો માને છે. તેને સુધારીને તેઓ કહે છે કે ત્યાં લગ્ન અને એવું બધું હશે! જો આ બંનેમાં કંઈ સુધારો થયો હોય તો આ બીજો સુધારો વધારે પડતો ખરાબ છે. સ્વર્ગ વિશે રજૂ કરાતા આ વિવિધ વિચારો મનની નિર્બળતા દાખવે છે અને તે નિર્બળતા આ છેઃ પ્રથમ તેઓ એમ માને છે કે ઇંદ્રિયોનું સુખ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે; આ પાંચ ઇંદ્રિયથી પર કોઈ તત્ત્વની કલ્પના તેઓ કરી શકતા નથી. તેઓ ઉપયોગિતાવાદીઓના જેવા અતાર્કિક છે. છતાંય તેઓ આધુનિક નાસ્તિક ઉપયોગિતાવાદીઓ કરતાં કોઈ પણ રીતે ઘણા સારા છે. છેવટે, આ ઉપયોગિતાવાદીની માન્યતા કેવળ બાલિશ છે. તમને એમ કહેવાનો શો અધિકાર છે કે, ‘મારો માપદંડ આ છે અને આખુંય વિશ્વ મારા માપદંડ પ્રમાણે જ અંકાવું જોઈએ?’ જે માપદંડ માત્ર ખાનપાન અને ઓઢવું-પહેરવું જ ઈશ્વર છે તેવો ઉપદેશ આપે છે, તે માપદંડથી જ દરેક સત્યનું મૂલ્યાંકન થવું જોઈએ એમ કહેવાનો તમને શો અધિકાર છે?
‘ધર્મ રોટલામાં રહેતો નથી કે કોઈ મકાનમાં તે વસતો નથી. વારંવાર તમે આ વાંધો આગળ ધરાતો સાંભળશોઃ ‘ધર્મ શું કલ્યાણ કરી શકે? એ કંઈ ગરીબની ગરીબાઈને નિવારી શકશે અને તેમને વધુ કપડાં આપી શકે? ધારો કે તે તેમ નથી કરી શકતો; તેથી શું ધર્મ મિથ્યા છે, એમ સાબિત થશે ખરું? તમે જ્યારે એક ખગોળવિષયક સિદ્ધાંતનો પ્રયોગ કરી બતાવતા હો, ત્યારે ધારો કે એક બાળક વચ્ચે ઊભું થઈને પૂછે કે ‘આનાથી કાંઈ મીઠાઈ આવશે?’ તરત તમે જવાબ આપશો કે ‘ના, એનાથી મીઠાઈ નથી મળતી.’ બાળક કહે છે કે ‘તો પછી તે કંઈ કામનું નથી, વ્યર્થ છે.’ બાળકો પોતાના મીઠાઈ મેળવવાના દૃષ્ટિબિન્દુથી જ આખા વિશ્વનો ન્યાય કરે છે અને દુનિયાનાં બધાં મોટાં બાળકો પણ એમ જ કરે છે.’
મને કહેતાં દિલગીરી થાય છે કે ઓગણીસમી સદીના અંતમાં આવા લોકો આ દુનિયા પરના તાર્કિક, પ્રામાણિક અને બુદ્ધિશાળી લોકો તરીકે ઓળખાય છે.
‘આપણા આ નીચા દૃષ્ટિબિન્દુથી આપણે વધુ ઉચ્ચ વસ્તુઓ વિશે મત બાંધવો જોઈએ નહીં. દરેક વસ્તુને તેના પોતાના જ ધોરણથી માપવી જોઈએ. અનંતનો વિચાર અનંતના ધોરણથી માપવો જોઈએ. ધર્મ માનવીના સમસ્ત જીવનને માત્ર વર્તમાનના જ નહીં પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્યના જીવનને પણ—વ્યાપીને રહે છે; માટે જ તે અનંત આત્મા અને અનંત પરમાત્મા વચ્ચેના અનંત સંબંધરૂપ બની રહે છે. પાંચ મિનિટના ક્ષણિક માનવજીવન ઉપર તેની અસર જોઈને તેની કિંમતનું માપ કાઢવું એમાં તે કોઈ બુદ્ધિપૂર્વકનો વિચાર છે? ચોક્કસ નથી. આ બધી નિષેધક દલીલો છે.
‘હવે પ્રશ્ન થાય છે કે ધર્મ ખરેખર કોઈ વસ્તુ સિદ્ધ કરી શકે છે? હા, તે ચોક્કસ કરી શકે.’
ધર્મ શું રોટી અને કપડાં લાવી આપી શકે? જરૂર. તે હંમેશાં તેમ કરતો જ આવ્યો છે; અને તેના કરતાં અનંત ગણું વધારે તે કરે છે; મનુષ્યને તે શાશ્વત જીવન આપે છે. માણસ આજે છે તેવો ધર્મે તેને બનાવ્યો છે અને આ પશુ-માનવીને તે ઈશ્વર પણ બનાવશે. ધર્મ કરી શકે તે આ છે. માનવ સમાજમાંથી ધર્મને લઈ લો; શું રહેશે? માત્ર પશુઓથી ભરેલાં જંગલ સિવાય કંઈ નહીં. જેમ હમણાં તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો કે ઇંદ્રિયોનું સુખ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે તેમ ધારવું તે બુદ્ધિ વગરનું છે, તેમ અંતે આપણને જણાય છે સમગ્ર જીવનનું અંતિમ લક્ષ્ય જ્ઞાન છે. મેં એમ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે સત્ય અને માનવજાતના કલ્યાણની શોધ માટેના હજારો વર્ષોના પ્રયત્નોમાં આપણે જરાક પણ પ્રશંસાપાત્ર વિકાસ ભાગ્યે જ કરી શક્યા છીએ. પણ માનવજાતે જ્ઞાનમાં મહાન પ્રગતિ સાધી છે. આ પ્રગતિની સૌથી શ્રેષ્ઠ ઉપયોગિતા તે ભોગવિલાસ લાવે તેમાં નથી, પણ આ માનવપશુમાંથી તેને દેવ બનાવી શકે તેમાં છે. પછી સ્વાભાવિક રીતે જ્ઞાનની સાથોસાથ સુખ પણ આવે છે. બાળકો એમ માને છે કે ઇંદ્રિયોનું સુખ એ જ પરમ સુખ છે. તમારામાંના ઘણા જાણે છે કે માણસને ઇંદ્રિયો કરતાં બુદ્ધિમાં સુખ વિશેષ તીવ્ર લાગે છે. ખાવામાં કૂતરાને જેવો આનંદ આવે છે તેવો તમને કોઈને નહીં આવે, તે તમે જોઈ લેજો. માણસમાં આનંદની ભાવના જન્મે છે ક્યાંથી? ડુક્કરને કે કૂતરાને ખાવામાં જે પરિપૂર્ણ આનંદ આવે છે તે નહીં. એક ડુક્કર કેમ ખાય છે તે જુઓ. ખાતી વખતે તેને આસપાસનાં જગતનું ભાન નથી રહેતું; તેનો સમગ્ર આત્મા ખાવાની ક્રિયામાં પરોવાઈ જાય છે. ખાવાનું મળે ત્યારે તેનો વધ કરવામાં આવે તોપણ તેને તેની પરવા નથી હોતી. ડુક્કરને કેવો તીવ્ર આનંદ હોય છે તેનો તમે ખ્યાલ કરો! કોઈ માણસને તેવો આનંદ હોતો નથી. ત્યારે તે ગયો ક્યાં? માણસે તેને બુદ્ધિના આનંદમાં પલટાવી નાખ્યો છે. ડુક્કરને ધાર્મિક વ્યાખ્યાનો ગમે ખરાં? બૌદ્ધિક આનંદ કરતાં પણ એક વધારે ઉચ્ચ અને વધારે તીવ્ર આનંદનું પગથિયું છે; તે છે આધ્યાત્મિક ભૂમિકાનો આનંદ. બુદ્ધિ અને તર્કથી પર ઊડતો દિવ્ય તત્ત્વનો આધ્યાત્મિક આનંદ. તે મેળવવા માટે આપણે આ સઘળા ભોગવિલાસોને ગુમાવવા પડશે. ઊંચામાં ઊંચી ઉપયોગિતા એવું તેનું નામ છે કે જેનો હું ઉપભોગ કરી શકું છું અને જેનો સહુ કોઈ ઉપભોગ કરી શકે છે. આપણે સહુ તેને માટે દોડી રહ્યા છીએ.
‘આપણે જોઈએ છીએ કે પશુને ઇંદ્રિયસુખમાં જેટલો આનંદ આવે છે, તેના કરતાં વધુ આનંદ માણસને પોતાની બુદ્ધિથી આવે છે; અને આપણે એ પણ જોઈએ છીએ કે માણસને તેની બૌદ્ધિક પ્રકૃતિના કરતાં પણ તેની આધ્યાત્મિક પ્રકૃતિમાં વધુ આનંદ આવે છે. તેથી સર્વોચ્ચ જ્ઞાન આ આધ્યાત્મિક જ્ઞાન જ હોવું જોઈએ. આ જ્ઞાનની સાથે પરમાનંદની પ્રાપ્તિ થશે. આ સંસારની સઘળી વસ્તુઓ, સત્ય-જ્ઞાન અને સત્ય આનંદની છાયામાત્ર જ છે; ત્રીજી કે ચોથી કક્ષાની અભિવ્યક્તિઓ છે.’
માનવજાત પ્રત્યેની પ્રેમભાવના દ્વારા તમને જે આનંદ પ્રાપ્ત થાય છે તે આ છે; આ મનુષ્યપ્રેમ તે આધ્યાત્મિક આનંદની છાયા છે ખરો; પણ તેને ભૂલથી માનવીના આનંદ તરીકે માનશો નહીં. મોટી ભૂલ ત્યાં છે. આપણે હંમેશાં પ્રેમને, આ આપણામાં છે તે માનવપ્રેમને, આ પરમાણુઓ પ્રત્યેની વિષયજન્ય આસક્તિને સમાજમાંના માનવપ્રાણીઓ પ્રત્યેના વિદ્યુત જેવા આકર્ષણને, આ આધ્યાત્મિક આનંદ છે તેમ માનવાની ભૂલ કરીએ છીએ; આને આપણે પેલી શાશ્વત સ્થિતિ માની લેવાની ભૂલ કરીએ એવો સંભવ છે. તે ખરેખર એમ નથી. અંગ્રેજીમાં બીજા કોઈ શબ્દના અભાવે હું તેને Bliss – ‘આનંદ’ કહું છું. તે જ શાશ્વત જ્ઞાન છે અને એ જ આપણું અંતિમ ધ્યેય છે. સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં ધર્મ છે અને થશે, તે જુદાં જુદાં નામોથી ઓળખાય છે, તે એક જ મૂળમાંથી ઉત્પન્ન થયા છે અને થશે; પાશ્ચાત્ય દેશોમાં તમે તેને ‘પ્રેરણા’ કહીને ઓળખાવો છો. આ ‘પ્રેરણા’ શું છે? એક માત્ર આધ્યાત્મિક જ્ઞાનનું મૂળ પ્રેરણા છે. આપણે જોયું કે ધર્મ મુખ્યત્વે કરીને ઇંદ્રિયાતીત ભૂમિકા પરનો છે. ‘જ્યાં દૃષ્ટિ જઈ શકતી નથી, જ્યાં મન પહોંચી શકતું નથી અથવા શબ્દો જેને વાણીમાં ઉતારી શકતા નથી તે એ છે.’ ધર્મનું ક્ષેત્ર તેમજ અંતિમ લક્ષ્ય તે જ છે અને જેને આપણે પ્રેરણા કહીએ છીએ તે તેમાંથી મળે છે. તેથી આટલું સહેજે ફલિત થાય છે કે ઇંદ્રિયોથી પર જવાનો કોઈક માર્ગ હોવો જોઈએ. એ સંપૂર્ણ સાચું છે કે આપણી બુદ્ધિ ઇંદ્રિયોથી પર ન જઈ શકે; તર્ક બધો ઇંદ્રિયોમાં જ રહે છે અને તર્કનો આધાર છે ઇંદ્રિયગ્રાહ્ય હકીકતો. ત્યારે શું માણસ ઇંદ્રિયોથી પર પહોંચી શકે? અજ્ઞેયને માણસ જાણી શકે? આની ઉપર ધર્મના આખા પ્રશ્નનો નિર્ણય થવાનો છે અને થયો છે. અનાદિ કાળથી જ તે અભેદ્ય દીવાલ, ઇંદ્રિયોની રુકાવટ ખડી છે. અનાદિ કાળથી સેંકડો અને હજારો સ્ત્રીપુરુષો આ દીવાલને ભેદીને પેલી પાર જવા સારુ તેની સામે પછડાઈ મર્યાં છે; લાખો નિષ્ફળ નીવડ્યા છે અને લાખો વિજયી બન્યા છે. જગતનો ઇતિહાસ આ છે. અન્ય લાખો વળી માનતા જ નથી કે કોઈ વિજયી બન્યા હોય અને તેઓ આ યુગના સંશયવાદીઓ છે. માનવી જો માત્ર પુરુષાર્થ કરે તો આ દીવાલની પેલે પાર જવામાં સફળ થાય છે. માણસ પાસે માત્ર બુદ્ધિ જ છે એમ નથી, માત્ર ઇંદ્રિયો જ છે એમ નથી; તેની પાસે એવું ઘણુંય છે કે જે ઇંદ્રિયોથી પર છે. આપણે તેને થોડુંક સમજવા પ્રયાસ કરીશું. હું આશા રાખું છું કે તમને પણ એમ લાગશે કે તે આપણામાં પણ છે.
હું મારો હાથ હલાવું છું; મને લાગે છે, તેમ જ હું જાણું છું કે હું મારો હાથ હલાવું છું. હું તેને ચેતના કહું છું. હું મારો હાથ હલાવું છું તેનું મને ભાન છે. પણ મારું હૃદય પણ ચાલે છે. મને તેનું ભાન નથી અને છતાં હૃદયને કોણ ગતિ આપે છે? તે જ તત્ત્વ હોવું જોઈએ. આમ આપણે જોઈએ છીએ કે જે તત્ત્વ હાથને હલાવે છે અને બોલે છે, એટલે કે જે સભાન અવસ્થામાં ક્રિયા કરે છે, તે જ અભાન અવસ્થામાં પણ ક્રિયા કરે છે. તેથી આપણને જણાય છે કે આ તત્ત્વ બે ભૂમિકા—એક સભાન અને બીજી અભાન—ઉપર કામ કરી શકે છે. અભાન ભૂમિકામાંથી આવે, ત્યારે આપણે તેમને તર્કશક્તિ કહીએ છીએ. પરંતુ સભાન અવસ્થાથી પણ પર એવી એક વધુ ઉચ્ચ ભૂમિકા માણસમાં છે. તે ઉપલક દૃષ્ટિએ તો અભાન ભૂમિકા જેવી જ દેખાય છે કારણ તે સભાન ભૂમિકાથી પર છે; પરંતુ તે તેનાથી ઉચ્ચ ભૂમિકા પર છે, નીચે નહીં. તે સહજ જ્ઞાન નથી, તે પ્રેરણા છે. આ બાબતનો પુરાવો છે. જગતમાં ઉત્પન્ન થયેલા મહાન પયગંબરો અને મુનિઓનો વિચાર કરો. તેમના જીવનમાં એવો સમય આવે છે કે જે પળે તેઓને બહારની દુનિયાનું ભાન રહેતું નથી અને એ પછીથી જે બધું જ્ઞાન તેમનામાંથી બહાર આવે છે તેને અંગે તેઓ એવો દાવો કરે છે કે તેમણે એ જ્ઞાન આ સ્થિતિમાં મેળવેલું. સોક્રેટિસ વિશે એમ કહેવાય છે કે લશ્કર સાથે કૂચ કરતી વખતે તેણે સુંદર સૂર્યોદય જોયો અને તે દૃશ્યે તેના મનમાં વિચારમાળા ગતિમાન કરી દીધી. બિલકુલ અભાન અવસ્થામાં તેઓ બે દિવસ સુધી સૂર્યના પ્રકાશમાં ઊભા રહ્યા. દુનિયાને સોક્રેટિસનું જ્ઞાન લાધ્યું તે આવી પળોએ. બધા મહાન ઉપદેશકો અને પયગંબરોની બાબતમાં પણ આમ જ છે. તેમના જીવનમાં એવી પળો આવે છે કે જ્યારે તેઓ જાણે કે, સભાન અવસ્થામાંથી ઊંચે ઊઠે છે અને તેનાથી પર જાય છે; જ્યારે તેઓ સભાન અવસ્થામાં પાછા આવે છે ત્યારે પ્રકાશથી તેજોમય બનીને આવે છે; તેઓ ઇંદ્રિયાતીત ભૂમિકામાંથી સમાચાર લાવ્યા હોય છે અને આ છે દુનિયાના પ્રેરણા પામેલા દ્રષ્ટાઓ.
પણ અહીં એક મહાન ભય છે. કોઈ પણ માણસ કહી શકે કે પોતાને પ્રેરણા થઈ છે; ઘણીય વેળા તેઓ આમ કહે પણ છે. તેની પરીક્ષા શી? ઊંઘમાં આપણે સભાનાવસ્થામાં હોતા નથી. એક મૂર્ખ ઊંઘી જાય છે અને ત્રણ કલાક સુધી તે ગાઢ નિદ્રા લે છે; પણ જ્યારે તે પાછો જાગ્રતાવસ્થામાં આવે છે ત્યારે તે વધારે નહીં તો ય, પૂર્વે હતો તેવો જ મૂર્ખ હોય છે. નેઝરેથના જિસસ પણ આવી અતીન્દ્રિય અનુભૂતિની દશામાં જાય છે, પણ જ્યારે પાછા આવે છે, ત્યારે તે જિસસ ક્રાઈસ્ટ બનીને આવે છે. તફાવત આ જ છે. એક છે પ્રેરણા, બીજી છે સહજવૃત્તિ. એક છે બાળક, બીજો છે વૃદ્ધ અનુભવી માણસ. આ પ્રેરણા આપણને સહુને મળી શકે છે; બધા ધર્મોનું એ મૂળ છે અને સઘળા ઉચ્ચ જ્ઞાનનું મૂળ તે કાયમ રહેશે. છતાં માર્ગમાં મોટાં ભયસ્થાનો પણ છે. કેટલીક વાર લુચ્ચા મનુષ્યો પોતે પણ પ્રેરિત છે એવું માણસજાત ઉપર ઠસાવવાનો પ્રયત્ન કરે છે; આજના જમાનામાં તેવું સવિશેષ પ્રમાણમાં બને છે. મારા એક મિત્ર પાસે એક ઘણું સુંદર ચિત્ર હતું. બીજા એક જરા ધર્મવૃત્તિવાળા તેમજ પૈસાદાર ગૃહસ્થની એ ચિત્ર ઉપર નજર હતી. પણ મારો મિત્ર તે વેચતો નહોતો. આ બીજા ગૃહસ્થ એક દિવસ મારા મિત્ર પાસે આવ્યા અને કહ્યું કે ‘ભાઈ! મને પ્રેરણા થઈ છે; પ્રભુ પાસેથી સંદેશ મળ્યો છે.’ મારા મિત્રે પૂછ્યુંઃ ‘શો સંદેશ મળ્યો છે?’ ‘સંદેશ એ છે કે એ ચિત્ર તમારે મને આપી દેવું.’ મારો મિત્ર પણ તેને આંટે એવો હતો. તેણે તરત કહ્યુંઃ ‘બરાબર. કેવું સરસ! મને પણ પ્રેરણા થઈ છે કે મારે તમને એ ચિત્ર આપી દેવું. તમે ચેક લાવ્યા છો?’ ‘ચેક? શાનો ચેક?’ પેલા ભાઈએ પૂછ્યું. મારા મિત્રે કહ્યુંઃ ‘ત્યારે તો તમારી પ્રેરણા સાચી લાગતી નથી. મારી પ્રેરણામાં એમ હતું કે જે માણસ મને એક લાખ ડોલર લાવી આપે તેને મારે ચિત્ર આપવું. તમે પહેલાં ચેક લાવો.’ પોતે પકડાઈ ગયો છે એમ લાગ્યું એટલે પેલા માણસે પ્રેરણાની વાત છોડી દીધી. આવા બધા ભય છે. બોસ્ટનમાં એક માણસ મારી પાસે આવીને કહે કે મને દિવ્યદર્શન થયું છે. તેમાં મારી પાસે હિંદુની ભાષામાં વાત થતી હતી. મેં કહ્યુંઃ ‘જે તમે કહો છો તે હું જોઈ શકું તો માનું.’ તેણે ઘણુંય ઠેકાણા વગરનું લખ્યું. એ સમજવાની મેં ખૂબ કોશિશ કરી, પણ કંઈ જ સમજી શક્યો નહીં. મેં તેને કહ્યુંઃ ‘ભાઈ! મારા ખ્યાલમાં છે તે પ્રમાણે આવી કોઈ ભાષા ભારતમાં હતી નહીં, તેમ હશે પણ નહીં. આવી ભાષા વાપરવા જેટલા ભારતીઓ હજુ સુધર્યા નથી.’ તેણે મને લુચ્ચો અને સંશયવાદી માણસ માની લીધો અને ચાલ્યો ગયો અને કદાચ હવે હું જો એમ સાંભળું કે પેલો માણસ ગાંડાની ઈસ્પિતાલમાં છે, તો મને આશ્ચર્ય નહીં થાય.
દુનિયામાં આ બે ભય છેઃ કપટીઓ તેમજ મૂર્ખાઓ બંનેનો ભય. પણ આપણે તેથી ગભરાવાની જરૂર નથી. દુનિયાની બધી મહાન બાબતોમાં ભય તો રહેલો જ છે. સાથોસાથ આપણે થોડી સાવચેતી પણ રાખવી જોઈએ. ઘણીવાર મને એવા લોકો ભેટી જાય છે કે જેમનામાં પ્રામાણિક પૃથક્કરણ કરવાની શક્તિ જરાય હોતી નથી. કોઈ માણસ આવીને કહે છેઃ ‘અમુક દેવ પાસેથી મને અમુક સંદેશ મળેલો છે. તમે ના પાડી શકો છો? શું આ પ્રકારના દેવ હોય તે સાચું નથી? અને તેઓ આવો સંદેશ આપે તે પણ શું શક્ય નથી?’ નેવું ટકા મૂર્ખાઓ તે માની લેશે; એ જ કારણે તેઓ તેને સ્વીકારવા યોગ્ય ગણી લેશે. પણ એક વાત તમારે સમજી લેવી જોઈએ કે કોઈ પણ બાબત બનવી શક્ય છે. દાખલા તરીકે એમ પણ બને કે પૃથ્વી અમુક ગ્રહની સાથે અથડાય અને તેના ભુક્કા ઊડી જાય. પણ હું જો આ વિધાન આગળ ધરું તો ઊભા થઈને મારી પાસેથી એ પુરવાર કરી આપવાની માગણી કરવાનો તમને અધિકાર છે. વકીલો કોઈ પણ વિધાનને સાબિત કરવાનો ભાર, જે વ્યક્તિ એ વિધાન રજૂ કરે, તેને શિરે મૂકે છે. અમુક દેવ પાસેથી મને પ્રેરણા મળી હોય તો તે સાબિત કરવાની ફરજ તમારી નથી પણ મારી છે, કારણ કે તે વિધાન મેં રજૂ કર્યું છે. જો હું તે સાબિત ન કરી શકું તો મારે બોલવું ન જોઈએ. આ બંને ભયથી સાવચેત રહો. પછી તમે ઠીક પડે ત્યાં જઈ શકો. આપણામાંના ઘણાઓને આપણા જીવનમાં ઘણા સંદેશાઓ મળતા હોય છે, અગર મળે છે તેમ માનતા હોઈએ છીએ. જ્યાં સુધી આ સંદેશાઓ આપણા પોતા અંગેના હોય ત્યાં સુધી તમને ફાવે તેમ કરો તેનો વાંધો નહીં. પણ જ્યારે તે અન્ય સાથેના વર્તન અને સહચાર સંબંધે હોય ત્યારે તે મુજબ કાંઈ આગળ પગલું ભરતાં પહેલાં સો વાર વિચાર કરજો. એમ કરશો તો તમે સહીસલામત છો.
આપણે જોઈએ છીએ કે ધર્મનું એક માત્ર ઊગમસ્થાન પ્રેરણા છે. છતાં હંમેશાં તેમાં અનેક ભયસ્થાનો રહેલાં છે; અને સૌથી મોટો અને ખરાબમાં ખરાબ ભય તો તે અંગેના દાવાના અતિરેકનો છે. અમુક માણસો આવીને એમ કહે કે તેમને ઈશ્વરે આદેશ આપેલો છે, સર્વશક્તિમાન પ્રભુના પોતે સંદેશવાહક છે અને પોતા સિવાય અન્ય કોઈને આવો સંદેશ મેળવવાનો અધિકાર નથી, તો દેખીતી રીતે જ આ બાબત બુદ્ધિમાં ઊતરે તેવી નથી. વિશ્વમાં જે કાંઈ હોય તે સર્વવ્યાપક હોવું જોઈએ; કોઈ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વ સામાન્ય ન હોય, કારણ કે આખું વિશ્વ નિયમાનુસાર ચાલે છે. તે સર્વ રીતે પદ્ધતિસર અને સંવાદી છે. તેથી જે કંઈ અમુક જગાએ હોય તે સર્વત્ર હોવું જોઈએ. વિશ્વનો પ્રત્યેક અણુ મોટા સૂર્ય અને તારાઓની યોજના પ્રમાણે જ ઘડવામાં આવ્યો છે. જો એક માણસને કદીક પ્રેરણા મળી તો આપણા દરેકને તે મળે અને દરેક જણ પ્રેરિત થઈએ તે બનવું શક્ય છે; અને તેનું નામ ધર્મ છે. આ બધાં ભયસ્થાનો, ભ્રમો, ભ્રમણાઓ, ઠગાઈઓ અને બહુ દાવાઓથી દૂર રહો; ધાર્મિક હકીકતો અને ધર્મવિજ્ઞાનનો સીધો સંપર્ક સાધીને તેમની સન્મુખ ઊભા રહો. સંખ્યાબંધ વાદો કે વિધાનો માનવામાં, દેવળોમાં કે મંદિરોમાં જવામાં કે અમુક પુસ્તકો વાંચવામાં ધર્મ સમાયો નથી. ઈશ્વરને તમે જોયો છે? આત્માને તમે જોયો છે? ન જોયો હોય તો તે માટે પ્રયાસ કરો છો? તે અહીં જ છે, હમણાં જ મળી શકે તેમ છે; તે માટે તમારે ભવિષ્યની રાહ જોવાની નથી. અસીમ વર્તમાન એટલે જ ભવિષ્ય; બીજું શું? વારંવાર પુનરાવૃત્તિ પામતી એક પળ સિવાય સમય શું છે? ધર્મ અહીં છે; હમણાં જ, આ જ જીવનમાં છે.
એક વધુ પ્રશ્નઃ આપણું ધ્યેય શું છે? આજકાલ ભારપૂર્વક કહેવામાં આવે છે કે માણસ અનંત પ્રગતિ સાધી રહ્યો છે, આગળ અને આગળ જઈ રહ્યો છે અને પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું તેનું કોઈ ધ્યેય જ નથી. સદૈવ સમીપ દેખાતું, કદી હાથમાં ન આવતું, તેનો જે કંઈ અર્થ થતો હોય અને તે ગમે તેટલું અદ્ભુત હોય, તોપણ તે ધ્યેય, પ્રથમ નજરે તો તદ્દન મૂર્ખતાપૂર્ણ ભાસે છે. સીધી લીટીમાં કોઈ પણ ગતિ હોય છે કે? સીધી લીટીને અનંત સુધી લંબાવો તો તે એક વર્તુળ બની જાય છે અને પ્રારંભબિન્દુએ પાછી ફરે છે. જ્યાંથી તમે શરૂ કર્યું ત્યાં જ તમારે પૂરું કરવું પડે છે; અને જેમ તમે ભગવાનમાંથી પ્રયાણ શરૂ કર્યું, તેમ તેનામાં જ તમારે લય પામવાનું છે. બાકી શું રહે? અનંત કાળ પર્યંત તમારે વિગતો પૂરવાની હોય છે.
હજુ એક બીજો પ્રશ્નઃ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, તેમ તેમ શું ધર્મનાં નવાં સત્યોને શોધવાનાં છે? હા અને ના. સૌથી પ્રથમ, ધર્મ વિશે આપણે કંઈ પણ નવું જ્ઞાન મેળવી શકીએ નહીં; એ બધું જ્ઞાન જણાઈ ચૂકેલું જ છે. દુનિયાના તમામ ધર્મોમાં તમે એવો દાવો કરાયેલો જોશો કે આપણા અંતરમાં એકત્વ રહેલ છે. દિવ્યત્વ સાથે તે એક હોવાથી, તે અર્થમાં કશી વધુ પ્રગતિ કરી શકાય નહીં. જ્ઞાનનો અર્થ વિવિધતામાં રહેલા આ એકત્વને પામવાનો છે. હું તમને પુરુષો અને સ્ત્રીઓ તરીકે પૃથક્ પૃથક્ જોઉં છું; આ વૈવિધ્ય છે. હું જ્યારે તમને સૌને એકત્ર કરીને એક સમૂહમાં માનવ વ્યક્તિઓ તરીકે સંબોધું ત્યારે વૈજ્ઞાનિક જ્ઞાન બને છે. દાખલા તરીકે રસાયણશાસ્ત્ર લો. રસાયણશાસ્ત્રીઓ બધા જ્ઞાત પદાર્થોને તેની મૂળ ધાતુઓનું રૂપ આપવા અને શક્ય હોય તો જે એક તત્ત્વમાંથી આ બધીયે ધાતુઓ ઉત્પન્ન થઈ છે તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવો સમય આવે પણ ખરો કે તેઓ બધી ધાતુઓનું મૂળભૂત એક તત્ત્વ શોધી કાઢે. ત્યાં સુધી પહોંચ્યા પછી તેઓ વધુ આગળ જઈ શકશે નહીં; ત્યારે રસાયણશાસ્ત્ર પૂર્ણત્વને પામ્યું હશે. એવું જ અધ્યાત્મવિજ્ઞાન વિશે છે. જો આપણે આ સંપૂર્ણ એકત્વની શોધ કરી શકીએ તો વધુ આગળ જવાપણું રહી શકતું નથી.
જ્યારે ‘હું અને મારા પિતા એક જ છીએ’ એ અનુભવ શોધી કઢાયો ત્યારે ધર્મનો ત્યાં છેડો આવ્યો; પછી તો માત્ર વિગતો પૂરવાની રહી. ખરા ધર્મમાં અંધશ્રદ્ધાના અર્થમાં કોઈ શ્રદ્ધા કે માન્યતા નથી. કોઈ મહાન ઉપદેશકે તેવો ઉપદેશ કર્યો નથી. પતન શરૂ થાય ત્યારે જ આવી વાત આવે. મૂર્ખાઓ એવો દંભ કરે છે કે પોતે આ કે પેલા આધ્યાત્મિક મહાત્માઓના અનુયાયીઓ છે અને તેમનામાં કોઈ પ્રકારની શક્તિ ન હોય તોપણ જનસમાજને અંધશ્રદ્ધાથી તેમ માની લેવા સમજાવે છે. શેમાં માનવું? અંધશ્રદ્ધા રાખવી, એટલે તો માનવ-આત્માનું પતન કરાવવું. તમને ઠીક લાગે તો નાસ્તિક બનો, પણ વિચાર કર્યા વિના કોઈ વસ્તુ માની ન લો. આત્માને પશુની કક્ષાએ નીચો શા માટે ઉતારવો? આથી તમે તમારી જાતને જ નહીં પણ સમાજને પણ નુકસાન પહોંચાડો છો અને તમારી પછી આવનારાઓને ભયમાં મૂકો છો. ઊઠો અને અંધશ્રદ્ધા રાખ્યા સિવાય બુદ્ધિપૂર્વક વિચાર કરો. ધર્મ એ માન્યતાનો નહીં પણ થવાનો અને અનુભવવાનો સવાલ છે. આ ધર્મ છે; અને તમે જ્યારે તેને પામો ત્યારે જ તમને ધર્મ લાધ્યો લેખાય. તે પહેલાં તમે પશુઓથી જરાય ઊંચા નથી. મહાન બુદ્ધ કહે છેઃ ‘તમે જે સાંભળ્યું હોય, તેમાં શ્રદ્ધા ન રાખો; કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવ્યાં છે માટે જ તેમાં ન માનો; કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો; તમે તે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ ન માનો; તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ જાતે વિચાર કરો; પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો.’

